ટોમી Yuvrajsinh jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટોમી




શીર્ષક વાંચીને ખયાલ આવી જ ગયો હશે કે આ કોઈ કુતરાની વાત છે . હા ટોમી એ એક કુતરાનુ જ નામ હતું પણ ટોમી ઘરે પાડેલો અને મોંઘા મોંઘા ફૂડ પેકેટ્સ ખાતો કે પછી મોંઘા શેમ્પૂ સાબુથી ન્હાતો કોઈ ઈંગ્લીશ બ્રીડનો કુતરો ન્હોતો . એ તો અમારી શેરીનો એક દેશી કુતરો હતો જે આખી શેરીનો પાળીતો થઈ ગયો હતો . ત્યારે ઘરે ઘરે કુતરા પાળવાનો ટ્રેન્ડ ઓછો અને શેરીના કુતરાને વ્હાલથી પાળવાનો ટ્રેન્ડ વધુ હતો . આજે કુતરાઓ કાર અથવા ફળિયામાં ન સુવે એના માટે જેવી લાલ પાણી ભરેલી બોટલો રાખવામાં આવે છે એવી મેં ટોમી માટે ક્યારેય રાખેલી જોઈ નથી . ગમે તેના ફળિયામાં જવાની એને તો છૂટ જ હોય .

ટોમી અમારી શેરીનુ અભિન્ન અંગ થઈ ગયો હતો અને સમજદાર તો એટલો કે વાત ન પૂછો..એને પાણીથી બહુ બીક લાગે એટલે તમે બોલો કે "ટોમી ઉભો રે પાણી લઈ આવું.." ત્યાં તો ટોમી દોડતો જાય અને તમે ખાલી બૂમ પાળો "ટોમી બિસ્કીટ.." ત્યાં તો એ શેરીના કોઈપણ ખૂણેથી તમારી પાસે આવી જાય . મારા પપ્પા જેમ મને દાળમાં કે શાકમાં રોટલી ચોળીને ખવડાવતા તેવી જ રીતે ટોમીને પણ ચા-દુધમાં રોટલી ચોળીને ખવડાવતા . એ પોતે પણ પોતાને અમારી શેરીનો કે ઘરનો સભ્ય જ સમજતો હશે....જેમ કોઈ બાળક ન ભાવતું જમવામાં નખરા કરે એમ ટોમી પણ કોરી રોટલી ન ખાય તે ન જ ખાય . રોટલી ચા કે દુધમાં ચોળીને જ આપવી પડે . શેરી આખીને એ પોતાની સમજતો . કોઈ અજાણ્યું આવે એ તો એને જરાય ન પોસાય . તરત ભસતો ભસતો પાછળ દોડે . મને હજી યાદ છે હું ટોમી ના કારણે મારા દોસ્તોને શેરીના નાકે તેડવા જતો અને શેરીના નાકા સુધી મૂકવા પણ જતો . આજુબાજુની શેરીના બાળકો કાયમ ટોમીને મારવાના લાગ શોધતા ફરતા પણ ટોમી એમ કોઈના હાથમાં ન આવે અને ડરે પણ નહીં .

એ અજબનો કલાકાર હતો એને કહો કે ટોમી કોલ દે એટલે એ તમારી સાથે હાથ મીલાવે . મને બરાબર યાદ છે ત્યારે અમારા ગામમાં પૂર આવ્યું હતું . ખૂબ વરસાદ પડેલો નદીનું પાણી ગામમાં ભરાઈ ગયેલું . અમારી શેરીમાં ગોઠણ ગોઠણ સુધી પાણી હતા મોટા ભાગના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા પણ જે દિવસથી ખૂબ વરસાદ પડવાનો ચાલુ થયો ત્યારથી જ ટોમી દેખાતો ન્હોતો . અંતે બે દિવસ પછી બધું પાણી ઉતરી ગયું . વાતાવરણ ચોખ્ખું થયું પછી ટોમી દેખાયો . જાણે એને એ હોનારતની ખબર ન પડી ગઈ હોય . કુદરતની કલાકારી કેવી ગજબની છે નહીં .

મને એક કિસ્સો યાદ છે જે હું ક્યારેય ભૂલી નથી શક્યો . અમારા ગામમાં હુલ્લડ ઉપડેલુ . ખૂબ નુકસાન થયેલુ ખૂબ હિંસા થયેલી અને ગામમાં કર્ફ્યુ જાહેર થયું હતું પણ બિચારા ટોમીને ખબર ન પડે ને એટલે એ એમજ રખડતો હતો જેમ એ રોજ રખડતો . અમારી શેરી માંથી એક ટોળું નિકળ્યું . ટોમી એ લોકો પર ભસ્યો ને કોઈએ ટોમીને પગમાં કોઈ ધારદાર હથિયાર મારી દીધું . મને નથી ખબર એ ટોળું કયા લોકોનું હતું અને એ લોકોએ કેમ નક્કી કર્યું કે ટોમી વિરોધ પક્ષનો છે કે આપણા પક્ષનો . મને આજે પણ ટોમીનો લોહી નીતરતો પગ તાદૃશ દેખાય છે . હું એ નક્કી નથી કરી શકતો કે દયા ટોમી પર ખાવી કે એ લોકો પર જેને આવું કર્યું..?

એક દિવસની વાત છે મારા ઘરે મહેમાન આવેલા . અમે ફળિયામાં બેઠા હતા અને ટોમી મહેમાનની ખુરશીની આજુબાજુ જ આંટા મારતો હતો . મે એને ભગાડવા અવાજ કર્યો પણ એ ગયો નહીં ને મેં એના પર પત્થરો ફેંક્યો આમ તો એ પત્થરાથી એને કંઈ થાય નહીં પણ આ પત્થરો ભૂલથી એના માથા પર લાગ્યો અને ટક કરતો અવાજ આવ્યો . ટોમી "આંઉ...આંઉ..." કરતો ત્યાંથી ગયો . ટોમીની એ ચીસ મારા હ્રદય સોંસરવી ઉતરી ગઈ મારા ગળે ડૂમો બાજ્યો . હું એકલો ઘરમાં જઈ રડ્યો પણ ખરો . મેં ભૂલથી મારા ભાઈને પત્થરો વગાડી દીધો હોય એવી અનુભૂતિ હતી તે . આજે પણ આ પ્રસંગ યાદ કરું છું ત્યારે એની માફી માંગું છું .

કુતરાઓનુ આયુષ્ય પંદરથી વીસ વર્ષનું હોય છે . ટોમી કેટલા વર્ષનો હશે એ મને ખબર નથી પણ એક દિવસ એનું ભસવાનુ બંધ થઈ ગયું બસ દુખમાં "ઉં..ઉં.." કરતો હતો . એ ભસી ન્હોતો શકતો અને ખાઈ પી પણ ન્હોતો શકતો . બે ચાર દિવસથી હું એને આવી રીતે જોઈ રહ્યો . પપ્પા કહેતા હવે એ નહીં જીવી શકે અને આ વાતથી મારું કાળજું કંપી જતું . બે-ત્રણ દિવસ પછી એ છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે હું એને બારીમાંથી જોતો હતો હું એક પ્રાથમિક શાળામાં ભણતો લાચાર બાળક હતો જેની આંખો ભીની હતી . પછી મારું સ્કૂલ-ટ્યુશન બધું રાબેતા મૂજબ થઈ ગયું . દિવસો જતાં ગયા ને એ વાત પણ ભૂલાતી ગઈ . પછી તો ઘર બદલ્યું , શેરી બદલી , મોટા થયા પણ આજે લોકોને પોતાના સગા-વ્હાલા ગુમાવતા જોંઉ છું અથવા કોઈ પરિસ્થિતિમાં કંઈ કરી નથી શકતો ત્યારે એજ બાળક જેવી લાચારી અનુભવું છું જે બાળકે એના ટોમીને મરતા જોયો હતો .