વનનો વારસદાર Yuvrajsinh jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વનનો વારસદાર


ગીરના વનની આ વાત . જ્યાં સુરજ દાદાનો પ્રકાશ કોઈ મોટી ઈમારતો માં અટવાયા વગર સીધો જ લોકો સુધી આવે છે . હવા પણ વાહનોના ધુમાડાથી દુર પવિત્ર પ્રસાદ જેવી છે . ખળખળ વહેતા નિર્મળ પાણીને ફેક્ટરીઓ ની નજર નથી લાગી . જ્યાંના ભોળા માનવીને મોબાઈલ વાપરતા નથી આવડતું . જ્યાં માનવીના પરિવારમાં પશુઓ પણ છે . દુધમાં પાવડર નાખી ભેળસેળ કરી શકાય એવી તો આ લોકોને ખબર પણ નથી . ટુંકમાં આ વન્ય વિસ્તાર આધુનિક સગવડતાઓ અને શ્રાપ બન્નેથી ઘણો દુર છે .

આ વનનુ સાવ સામાન્ય પરિવાર એટલે લાખાનુ પરિવાર . આ પરિવારમાં લાખા ઉપરાંત એની વહુ લખમી . હા લક્ષ્મી જ હશે પણ આ વગડાના લોકોને લક્ષ્મી સાથે બહું વ્યહવાર નહીં ને એટલે કોઈને લક્ષ્મી બોલતા ન ફાવે તે નામ થઈ ગ્યું લખમી . અને હોકલી પીતા આ પરિવારના વડિલ લાખાના બાપા ભુરા બાપા . આ પરિવારનું જીવન બાકી લોકો જેવું જ સામાન્ય પણ જોત-જોતાં આ પરિવાર આ નાનકડા ગામનું સૌથી સુખી પરિવાર થઈ ગયું કારણકે લાખા-લખમી ને ભગવાનના આશીર્વાદ જેવું એક બાળક આવ્યું ને નામ પાડ્યું રમેશ .

કહે છે ને "પુત્રના લક્ષણ પારણા માંથી" એ નાનપણથી જ બાકી બાળકો કરતાં જુદો હતો . એકદમ ઠરેલ , શાંત , સંતોષી એને કજીયો ક્યારે કર્યો એ તો લખમી ને યાદ પણ નહીં હોય . વગડાના વિલક્ષણ ફુલ જેવો હતો રમેશ .

સમય જતાં રમેશનુ હુલામણુ નામ થઈ ગયું રમ્યા . હવે બધા એને રમ્યા જ કહેતા . રમેશને નાનપણથી આ વનની હરેક વસ્તુ પ્રત્યે દયા ને કરુણા ના ભાવ હતા . જાણે ગાયો ને વાછરડા એની આંખોમાં જોઈને વાતો કરતા હોય . આંગણે આવેલા કુતરા તો એના દોસ્ત જેને એ પોતાના ભાણા માંથી અડધો રોટલો આપી દે . જ્યાં બધા વાછરડાને દુધ ન પીવા દેવા માટે મથતા હોય ત્યાં રમેશ વાછરડાને દુધ પીતા જોઈ એમ હરખાતો હોય જાણે એ અમૃતની ધારા પોતે જ માણી રહ્યો છે . ત્યાં રમતા બાળકો માટે સાપ જોઈ ઢેખારો (પત્થર) મારી દેવો સહજ હતું પણ રમ્યા ને કોઈએ કદી સાપ પર પત્થર ફેંકતા જોયેલો નહીં . આ વનનુ ફુલ-ફુલ , જાડ-જાડ જાણે એનું મિત્ર હતું . આખુંય વન એને કુટુંબ જેવું લાગતું જાણે એજ આ વનનો ખરો વારસદાર હોય .

જોત-જોતામાં રમ્યા બાર-પંદર વર્ષનો થઈ ગયો . આ ઉંમરે કદાચ શહેરના બાળકો જાતે જમવાનું ન લેતા હોય પણ આ વગડામાં તો આ ઉંમરે બાળકો ઢોર ચરાવતા થઈ જાય અને નાના-મોટા કાંટાઓ તો એમના પગને લાગીને તુટી જાય .એના મા-બાપને હંમેશા ચિંતા રહેતી આવા સંત જેવા છોકરાનું શું થાશે ?

થોડા દિવસથી ગામમાં એક સિંહનો ત્રાસ હતો . એ સિંહે ગામના ઢોરના બે-ત્રણ મારણ કરેલા . ગામવાસીઓ માટે આ કંઈ નવી વાત ન્હોતી બસ બહુ વયસ્ક નહીં એવો આ યુવાન સિંહ પોતાના અને આ માણસો વચ્ચે રહેલી નાની અમથી ભેદરેખા ટપી ગયેલો .

ગામના બાળકો અને રમ્યાનું ઢોર ચરાવવા જવાનું ચાલુ જ હતું . એ લોકો પાસે છેડે ધારદાર દાંતરડુ બાંધેલી લાંબી લાકડીઓ રહેતી . એ લાકડીઓ થી બાળકો કેરી , બદામ જેવા જાત-જાતના ફળ તોડીને ખાતા ને કોઈ જનાવર આવે તોય એ લાકડી કામ લાગે . ઠઠ્ઠા-મશ્કરી કરતાં બાળકો ઢોર ચરાવતા ગામથી થોડા દુર નીકળા હશે ને સિંહની ડણક ના અવાજ સંભળાયા . આવી ડણકો આ બાળકોએ બહુ સાંભળેલી એટલે બધા સ્વસ્થ હતા . પણ ધીમે-ધીમે ડણક એકાંત ચીરતી નજીક આવતી જતી હતી અને હૈયા સોંસરવી ઉતરી જતી હતી . બાળકો સમજી ગયા કે આ પેલો જ સિંહ હોવો જોઈએ . એક-બે ને ત્રીજી ડણકે તો બાળકો જેને જે જાડ મળ્યું તેના પર ચડી ગયા પણ બીચારા ઢોરનુ શું ? રમ્યા એમને હાંકીને દુર લઈ જવા માંડ્યો . પણ બહુ દુર જવાય એવું ન્હોતું હવે રમ્યા પણ બાજુના જાડ પર ચઢી ગયો . ને તેઓ ગાયોને જોઈ રહ્યા , રમ્યા જાણતો હતો કે જો સિંહ નજીક આવી ગયો તો એની એક માંદી-દુબળી ગાય જ એનો શીકાર બનશે . હવે આ ઢોરનુ મોત થોડે દુરથી દેખાવા લાગ્યું . રમ્યા ની આંખોમાં આંશુ હતા , હવે એનાથી ન રહેવાયું ને તે જાડ પરથી કુદીને નીચે ઉતરી ગ્યો ને હાકલા-પડકારા કરતો એ ડણક ની સામે ગયો . એની સામે એની ગાય મરાય એ એને મંજૂર ન્હોતું . હવે સિંહ નજીક આવી ગયેલો રમ્યા એને જોઈ શકતો હતો કદાચ સિંહ પણ રમ્યાને જ જોતો હોય . આ ક્ષણે બાર-પંદર વરસનો રમ્યા ભારત વર્ષના કોઈ શૂરવીર થી જરાય ઉતરતો ન્હોતો . હવે રમ્યાએ જોરથી રાડ નાંખી " આ ઢોર અમારા ઘરના સે...આને મરાય નય" જાણે સિંહ એની ભાષા સમજતો હોય . પાછળથી એના દોસ્તો બરાડા પાડતા હતા "મારી નાંખજે રમ્યા... બોચીએ દાતયડુ માર એને...મેલતો નય હો.." પોતાના મિત્રની બહાદુરી જોઈ એ બાળકો જોશમાં આવી ગયેલા પણ રમ્યાએ રાડ પાડી કહ્યું કે "ના હો એને મરાય નય.."

દાંતરડુ મારે તો ઈશ્વર દુખી થાય ને દયા વીંધાય..
લાલ એના લોહી થી ખરડાઈ ને મોઢું કાળું થાય..

પોતાની ગાયો અને સિંહ વચ્ચે ઉભેલો આ બાળક જે એ પણ નથી જાણતો કે થોડા સમય બાદ એ જીવતો હશે કે નહીં , એ એક બાબતમાં સાવ નિઃશંક હતો કે કુદરતના કોઈ મહેમાનને મારવાનો અધિકાર આપણને નથી અને હોય તો પણ કરુણાથી છલોછલ ભરેલા આ બાળકમાં કોઈ પ્રાણીને મારી શકાય એટલો દ્વેષ ભાવ હતો જ નહીં . એને તો બસ એની ગાયો ને બચાવી લેવી તી .

જાણે કુદરતે રમ્યાના હ્રદયનો ભાવ એ સિંહ સુધી પહોંચાડી દીધો હોય અને એ સિંહને રમ્યાના શબ્દો " ના હો એને મરાય નય.." બરાબર સમજાય ગયા હોય એમ એ સિંહ પાછો વળી ગ્યો . રમ્યાના મિત્રો આ ચમત્કાર જોતાં જ રહ્યા ને રમ્યા પોતાની ગાયોને બચાવી લીધા ના સંતોષ સાથે એમને હાંકતો હાંકતો આવી રહ્યો . એ નાનકડો બાળક ગોકુળના ગોપાલ જેવો , જટાળા જોગી જેવો , સૌરાષ્ટ્રના સાધુ જેવો કોઈ સતવંતા સંત જેવો લાગી રહ્યો હતો . ખરો "વનનો વારસદા