છોટુ
"મમ્મી, મારી ચા થઈ કે નહી?" આલયે બુમ પાડી. લગભગ દરરોજ આ ઘરની સવાર આમ જ થતી. આલય ની બુમો થી. આલય એ મમ્મી જયા બેન અને પપ્પા રમેશ ભાઈ સાથે રહેતો નવયુવાન છે ઊમર એની પચીસેક વર્ષ.
એટલામાં છોટુ પેપરવાળા નો અવાજ આવે "સાહેબ પેપર....". છોટુ બીજા પેપરવાળા ની જેમ લટકાવેલા મોઢે આવી પરાણે પેપર આપતો હોય એમ પેપર ફેંકી ને જતો ન રહે. એ કાયમ હસતા મોઢે જ હોય અને બુમ પાડે "સાહેબ પેપર". પણ એમા એનો એક સ્વાર્થ હતો, રોજ જયા બેન આલય ના હાથમાં ૩-4 બિસ્કીટ પકડાવીને કહે "જા એને આપ, એને કોણ નાસ્તો આપે ? માંડ 14-15 વર્ષ નો હશે..". છોટુ એમાંથી એક બિસ્કીટ મોંમાં મુકે બાકીના હાથમાં જ રાખી સાયકલ મારી મુકે.
પછી કાયમની જેમ રમેશભાઈ ચા અને પેપર સાથે ખુરશી પર બેસે અને આલય નાસ્તા સાથે ગોઠવાય. અને રોજની એક જ કેસટ વગાડે "પપ્પા મને થોડા પૈસા આપોને મારે પોતાનું સ્ટાર્ટ અપ સ્ટાર્ટ કરવુ છે, આ નોકરી મારાથી નથી થતી. આમા તો આખો દિવસ તોડાવુ પડે છે અને બીઝનેસ માં તો રૂપિયા જ રૂપિયા છે..". અને દર વખતે રમેશભાઈ એને સમજાવે "દિકરા કંઈ સફળતા ના શોર્ટકટ નો હોય અને એમજ જો રૂપિયા આવતા હોય તો તો મારી જેમ કોઈ આખી જીંદગી નોકરી માં નો કાઢે, અને મે મારા રીટાયરમેન્ટ ના પૈસા તને ભણાવવા માં ખર્ચી નાખ્યા હવે તો મારી પાસે શું હોય? ". આટલા મા ચા પુરી થાય અને ચર્ચા પણ. રમેશભાઈ ચલતી પકડે મંદિરે અને આલય ઓફીસે. પછી જયા બેન માટે ઘર જ ઓફીસ થઈ જાય. જ્યાં તેઓ રસોઈ, કપડા,વાસણ...જેવી કેટલીય ફાઈલો ક્લિયર કરે.
આલય રોજ ઓફીસે જાય પણ તેનુ ધ્યાન કામમાં ન હોય તેને બિઝનેસ નાં જ વિચારો આવે. એ ક્યારેય કહે નહી પણ પપ્પા પર અસંતોષ પણ રેહતો. કે તેઓ તેના દિકરાને થોડા એવા પૈસા પણ ન આપી શકે?. એમા એક શનીવાર ની સાંજે તે ખુબજ થાકીને ઘરે જવા નીકળ્યો. એટલા માં જ સરે એને વધારાનુ કોઈ કામ આપ્યું, એને મુડ વગરજ હા પાડી પણ કામમાં કોઈ ભુલ થતા સરે એને જરા ખખળાવ્યો. એ હવે એકદમ નિરાશ હતો અને ગુસ્સામાં પણ. તે ઘરે ગયો આજે એને જમ્યુ પણ નહી. અંતે એનાથી ન રેહવાતા ફરી પૈસાની વાત કાઢી પણ આજે એ ઉગ્ર હતો પપ્પા ની સામુ પણ બોલતો હતો. જયા બેન અને રમેશભાઈ નિરાશ થઇ ઉંઘી ગયા. પણ આજે લગભગ કોઈનેય નિંદર નતી આવતી.
બીજી સવાર રવિવારની હતી. આ દિવસ આલય માટે રમણીય સ્વપ્ન જેવો રેહતો. એમા મમ્મી એ ભાવતો નાસ્તો પણ બનાવેલો. પરંતુ રમેશભાઈ ના મોં પર હજુ નિરાશા હતી આલય સમજી ગયો પરંતુ શું કરવું એ સમજ ન પડતા બહાર આંગણે ખુરશી નાખી બેઠો. એટલામાં છોટુ આવ્યો. આલયે તેને રોજ મુજબ 3-4 બિસ્કીટ આપ્યા અને છોટુએ પેપર. આલય થી સહજ જ પુછાય ગયું "એલા તારે રજા નથી..?". છોટુએ કહ્યું "રજા?મારે કેવી રજા ?. હા આજ સ્કુલે રજા છે એટલે સીધો ઘરે જઈશ. આલયે આશ્ચર્યચકિત થઈ ને પુછ્યું " લે તુ સ્કુલે જાય છે? તો પછી આ પેપર્સ શું કામ વહેંચે છે, ભણવામાં ધ્યાન આપ. છોટુ એ કહ્યુ " આપુ તો છું, પણ પૈસા તો કમાવા પડે ને.. પપ્પા મજુરી કરીને ઈસ્કુલ ના ખર્ચા નો કરી હકે " આલય ને વાતમાં રસ પડ્યો અને તેને છોટુ ને પોતાની સાથે જ નાસ્તો કરવા બેસાડ્યો અને તેનુ ઇન્ટરવ્યૂ લેવા માંડ્યું.
છોટુ શું ભણે, ક્યાં ભણે, કેટલુ કામ કરે..? એવા તો કેટલિય સવાલ પુછી નાખ્યા અને કીધું "અરે ભાય પપ્પા ને કે ને કે મારાથી આ નહી થાય" છોટુ એ હસીને કહ્યું એતો કેજ છે ભણવા બણવાનુ મુકી ને કામે લાગી જાવ એટલે કંઈ કેવાય એમ નથી ને બન્ને હસી પડ્યા. આલયે પુછ્યું "ક્યાંય ફરવા જાય છે તુ?". છોટુએ કહ્યુ હા જાવ ને " આપણા શેરના બગીચે, સાંઈબાબા ના મંદિરમાં ગુરૂવારે ખીચડી ખાવા...". આલયે આગળ પુછ્યુ "મોલ, ઝુ કે થીયેટર મા જા?". છોટુએ કહ્યું "ના સાહેબ ત્યાં બધે જવાના તો પૈસા થાય ત્યાં નો જવાય. પણ છોટુ ના મોં પરનુ પેલુ સ્મિત અકબંધ હતુ. હવે આલય થી વધુ પ્રશ્નો પુછાય એવુ નહોતું. એને ખીચ્ચા માં થી 100ની નોટ કાઢી ને છોટુ ને આપી. છોટુએ પુછ્યું "કેમ..?". આલયે કહ્યું "એમ જ, આજે કંઈ સારુ એવુ ખાજે". છોટુએ તો ખુશ થતા થતા 100ની નોટ ખીચ્ચા મા મુકી ને સાયકલ મારી મેલી.
હવે આલય ના મનમા વિચારોનુ વમળ ચાલ્યુ. બાળપણ માં કરેલા જલસા ના દરેક દ્રશ્ય એની સામે તાદ્રશ્ય થઈ રહ્યા. મેળો,થીયેટર,ઝુ... જ્યારે એ બિમાર પડ્યો ત્યારે મમ્મી પપ્પા આખી રાત જાગી તેના માથા પર પોતા મુકતા દરેક દ્રશ્ય એને દેખાતુ હતું. હવે ધીમે-ધીમે એ દ્રશ્યો ધુંધળા થઈ રહ્યા. કેમ કે એ હવે એની આંખ માંથી આંસુ બની વહેતા હતા. એને પોતે કાલે કરેલી ધમાલ અને આળસ પણ ચોખ્ખી દેખાય. હવે ના આંસુ પશ્ચાતાપ ના હતા. પણ આલય જાગ્યા ત્યાંથી સવાર એ વાત ધ્યાન માં રાખી આંસુ લુછી અંદર ગયો.
પણ એ કંઈ કહે એ પેહલા જ રમેશભાઈ બોલ્યા "બેટા આલય રીટાયરમેન્ટ પછીના થોડા ઘણા પૈસા છે મારી પાસે, અને બાકી થોડા માટે જમીન ગીરવી મુકી લોન લઈ લેશુ પણ તુ તારે તારો બિઝનેસ ચાલુ કર". પણ આલયે હસીને કહ્યું "રીટાયરમેન્ટ ના પૈસા તમારા છે તમ તમારે વાપરો, એકાદ ગાડી લઈ લો કાં પછી સીમલા જઈ આવો. એમ કરી ખડખડાટ હસ્યો. હા એ અંદર થી ખુબ રડતો હતો પણ મમ્મી પપ્પા માટે બહારથી હસતો હતો . તેને બોલવાનું ચાલુ જ રાખ્યું "અને જમીનેય કાંઈ ગીરવે નથી મુકવી હું નોકરી કરી થોડા પૈસા કમાવ પછી આરામથી બિઝનેસ કરસુ, એમ કાંઈ ઉતાવળે આંબા નો પાકે "
જયા બેન અને રમેશભાઈ ની આંખો ખુલ્લી જ રહી ગઈ એ કોઇ નવાજ આલય ને જોઈ રહ્યા. અચાનક બધીજ સમસ્યાઓ સોલ્વ થઈ ગઈ હતી. બધા ખુશ હતા આલય ને પણ પોતાની નોકરી ગમવા લાગી. હવે રમેશભાઈ થી ના રેહવાણુ તેમને પુછ્યું "બેટા તને કોઈ સમજદાર માણસે કંઈ સમજાવ્યુ??" આલયે કહ્યું "હા ".જયા બેને કહ્યું "કોણ છે એ સમજદાર માણસ બેટા?". આલયે કહ્યું "છોટુ....". ને વાતાવરણ માં નીરવ શાંતિ ફેલાઈ ગઈ.....