પાત્ર પરિચય
વિઠ્ઠલભાઈ = આખી જીંદગી હીરા બજારમાં મહેતાજી તરીકે કામ કરેલું... જે કંઈ થોડી ઘણી મૂળી એકઠી થઈ એય લાંબા ગાળાની માંદગીમાં ખુંવાર થઈ ગયેલી....
નર્મદા બેન = પોતાના દિકરાને આખું જગત અને પોતાના પતિ ના નસીબ ને પોતાનું નસીબ માનતા આદર્શ ભારતીય નારી...
મોહન = નાની ઉંમરમાં મોટી જવાબદારીઓ સાથે લડતો એક ડાહ્યો દિકરો .
શેઠ લક્ષ્મીચંદજી = સાક્ષાત લક્ષ્મીજી ના આશીષ પામેલા એક બહું મોટા ગજા ના માનવી .
( Scene 1 = વિઠ્ઠલભાઈ નું ઘર )
વિઠ્ઠલભાઈ : (ખાંસતા ખાંસતા) હવે તો ઉપરવાળો લઈ લે તો સારું...
નર્મદા બેન : શું કામ આવું બોલો છો? કંઈ નથી થવાનું તમને...
વિઠ્ઠલભાઈ : હવે વધુ જીવીશ તો આ ઓસડીયા ના પૈસા ક્યાંથી લાવશુ??
નર્મદા બેન : એ વખત પડે બધુંય થઈ જાય...ઓલા ઉપરવાળા પર ભરોસો રાખો...
વિઠ્ઠલભાઈ : ના હો હવે મારે તમને નડવુ નથી....
(મોહન બહારથી આવે છે)
મોહન : બા લે આ થોડું શાકભાજી અને આ બાપુ ની દવા...
વિઠ્ઠલભાઈ : દિકરા મોહન...મારા લીધે તારી નોકરી તારા બચાવેલા થોડા પૈસા બધુંય ખુંવાર થઈ ગયું ને...???
મોહન : બાપુ દિકરાનો તો ધરમ જ છે માં-બાપ પાછળ ખુંવાર થઈ જવું... વખતે બધું જ પાછું આવી જાય... તમે હું કામ અફસોસ કરો છો..????
વિઠ્ઠલભાઈ : (ચાવી આપીને) જા દિકરા તિજોરી ના અંદર ના ખાનામાં એક લાલ ડબ્બી છે તે લઈ આવ...
(મોહન ડબ્બી લઈને આવે છે)
વિઠ્ઠલભાઈ : (ડબ્બી ખોલીને કંઈ મોટા કાંચના ટુકડા જેવું મોહનના હાથમાં મુકે છે) લે દિકરા આ મને વર્ષો પહેલા એક વેપારીએ આપેલો...અને કહ્યું તું કે આ ખુબ કિંમતી છે....(જાણે વિઠ્ઠલભાઈ પોતાના પાસે રહેલી સઘળી સંપત્તિ દિકરા ને આપતા હોય અને દિકરાને પોતાની જવાબદારીઓ માંથી મુક્ત કરતા હોય તેમ જોઈ રહ્યા.. બને ની આંખમાં આંસુ છે...)
(Scene 2 )
સવારના 6:30 વાગ્યે...
નર્મદા બેન : (ઉઠીને , મનમાં) આજે પહેલી વાર એવું થયું છે કે એમણે મને 5 વાગ્યે ચા બનાવવા માટે ન ઉઠાળી હોય....
(નર્મદા બેન વિઠ્ઠલભાઈ ને ઉઠાડે છે...)
નર્મદા બેન : કેમ આજે મોડું થયું? ઉઠો ચાલો...ચા મૂકૂ છું...(વિઠ્ઠલભાઈ જાગતા નથી થોડા ઢંઢોળે છે...અને રડતા રડતા બોલે છે) બધુંય બરાબર થઈ જાહે ઉઠી જાવ...પછી એક કારમી ચીશ પાડે છે..મોહન...મોહન...
(મોહન ભાગતો આવે છે,પણ મોહન જાણે કાલે રાત્રે જ જાણતો હતો કે શું બનવાનું છે...મમ્મી ને સંભાળતો પડોશી અને કુટુંબીઓ ને બોલાવે છે....
(Scene 3 = વિઠ્ઠલભાઈ ના દેહાંત ના થોડા દિવસ પછી અંતિમ ક્રિયાઓ થઈ ગઈ છે...)
મોહન : (મનમાં) જે કંઈ થોડા ઘણા રૂપિયા હતા તે તો બાપુ ની અંતિમ ક્રિયા અને બીજા ખર્ચાઓ માં વપરાય ગ્યા... હવે કંઈ તો કરવું પડશે ને...(આટલું વિચારી બહાર નીકળે છે)
નર્મદા બેન : દિકરા મને મુકી ને ક્યાંય નો જાતો હો...
મોહન : માં મારેય નથી જાવું ...પણ શું કરશું??કમાવા માટે કંઈ તો કરવું જ પડશે ને...
(પોતાના બાપુજી એ આપેલો એ કિંમતી હીરો લઈ મોહન હીરા બજારમાં જાય છે)
મોહન : (દુકાનમાં) શેઠ આ હીરો જોઈ દો ને...આનો શું ભાવ આવે..? મારા બાપુજી એ કહ્યું છે આ ખુબ કિંમતી છે...
શેઠ 1 : (ખુબ જોઈને) બેટા આ હીરો નથી ખાલી કાંચ નો ટુકડો છે...
(મોહન ને શું કરવું એ સમજાતું નથી , એ બીજા શેઠ પાસે જાય છે)
મોહન : શેઠ આ હીરો જોઈદો ને આના શું ભાવ આવે...
શેઠ 2 : (જોઈને) આખા પાંચ રૂપિયા આવે આના(મોહન પર હસીને ) ચાલ ચાલતો પડ...
(આમ જ બે - ચાર જગ્યાએ સરખો જવાબ મેળવી મોહન હતાશ થઈ ને બેસે છે....ત્યારે એને યાદ આવે છે બાપુજી એક લક્ષ્મીચંદ શેઠ ના ખુબ વખાણ કરતા અને છેલ્લી વાર નસીબ અજમાવા એ ત્યાં જાય છે....)
મોહન : શેઠજી મારા બાપુજી તમારે ત્યાં નામું લખવા આવતા..વિઠ્ઠલભાઈ એમનું નામ..
લક્ષ્મીચંદજી શેઠ : હા દિકરા મને ખબર પડી એમના દેહાંત ની....એમને મને કહેલું એક હીરો મોકલીશ....
મોહન : હા શેઠજી હું એ હીરો લાવ્યો છું....
લક્ષ્મીચંદજી : (હીરો જોઈને મલકાય છે) વાહ બેટા અદભૂત...
મોહન : (આશ્ચર્ય થી મોહનની આંખો પહોળી થઈ જાય છે , એ પુછે છે) શું બોલ્યા શેઠજી???
લક્ષ્મીચંદજી : અરે આ અદભુત હીરો છે...એવુ બોલ્યો.. પણ....
મોહન : પણ શું શેઠજી..???
લક્ષ્મીચંદજી : પણ..આ હીરો ખરીદવા જેટલા પૈસા મારી પાસે અત્યારે નથી... અને કોઈ બીજો વેપારી એ આનું મૂલ્ય ન ચુકવી શકે....
મોહન : તો હવે શું થઈ શકે શેઠજી...
લક્ષ્મીચંદજી : જો તું માને તો અત્યારે આ હીરો મને આપ...બદલામાં હું તને નોકરી આપું અને જ્યારે મારી સગવડ થશે ત્યારે હું આ હીરાના પૈસા આપી એ તારી પાસે થી ખરીદી લઈશ...
મોહન : શેઠજી મને મંજૂર છે...તમારો ખુબજ આભાર....
( મોહન હવે શેઠજી ને ત્યાં દિલથી અને મહેનત થી નોકરી કરે છે....એનું ઘર પણ સારી રીતે ચાલે છે...આમ કરતા કરતા સમય વીતે છે....)
( Scene 4 = દસ વર્ષ પછી શેઠજી ની તે દુકાન જ્યાં મોહને કામ ચાલુ કરેલું પણ હવે પોતે એ શેઠ બની ગયો છે)
મોહન : (મનમાં) હવે તો હું આ બજારની બધી કળાઓ મા માહેર છું.... બોવ નોકરી કરી હવે સમય છે આગળ વધવાનો...(શેઠજી પાસે જાય છે)
મોહન : શેઠજી એક વાત કહેવી હતી....
લક્ષ્મીચંદજી : બોલને દિકરા...
મોહન : હવે તમે સક્ષમ છો તો મને મારા હીરાની કિંમત જોઈએ છે....
લક્ષ્મીચંદજી : પણ દિકરા આ બધું તારુ જ છે ને....
મોહન : ના પણ હવે મારે અહી પડી રહેવું નથી ખુબ આગળ વધવું છે....
લક્ષ્મીચંદજી : અને હું આવું ન કરવાની સલાહ આપું તો???
મોહન : હું મારી મહેનત અને હોંશિયારી થી આગળ વધ્યો છું... મને તમારી સલાહ નહી રૂપિયા આપો....
લક્ષ્મીચંદજી : એમ તો જા એ હીરો લઈ આવ...
(મોહન હીરો લઈને આવે છે)
લક્ષ્મીચંદજી : હવે ચકાસ તારી હોંશિયારી થી એ હીરાને
મોહન : (એકી ટીસે 10-15 મિનિટ સુધી હીરાને જોયા કરે છે અને ચોધાર આંસુ એ રડે છે)શેઠજી મને માફ કરી દો...હું અને આ પત્થર કોઈ મુલ્યનો નથી.... જેને સઘળું આપ્યું મે એનો વિનય તોડ્યો પોતાની આવડત ના અહંકારથી તમને નીચા ગણ્યા....
લક્ષ્મીચંદજી : દિકરા તારા પપ્પા એ કહેલું એક હીરો મોકલીશ...એ તો મારી સામે જ છે...ચાલ ચાલ કામે લાગી જા...
(મોહન રડતી આંખોએ શેઠજી ની કરૂણા જોતો જ રહ્યો)