ડિયર રુહી,
ખબર છે મને કે તું મારાથી રિસાયેલી છે. અને એ પણ મહબર છે કે મારી સજા પુરી નહિ થાય ત્યાં સુધી તું મને બોલાવે પણ નહીં. પણ યાર તારા વગર મજા નથી આવતી ક્લાસમાં. બધા મને બોલાવે અને તું જ એક મને ઇગ્નોર કરે. નથી ગમતું યાર તારું આ વર્તન.
યાદ છે તને? ટી.વાય.માં હતા ત્યારે તું કેટલી મસ્તી કરતી, હમેંશા મારા માટે અડીખમ ઊભી રહેતી. મને કંઈ થાય તો તું તરત મારી સાથે ને સાથે રહેતી. તારી મસ્તી, તારી મુસ્કુરાહટ યાદ કરું તો આંખોમાં ઝળઝળિયાં આવી જાય છે રુહી.
તને ખબર છે આજે તારી નારાજગીને એક મહિનો થવા આવ્યો છે. છતાં તું હજી મને બોલાવતી નથી. યાર માનું છું મારી ભૂલ થઈ ગઈ પણ પ્લીઝ હવે માની જા ને બકુડી. પ્રોમિસ કરું હવે એવી ભૂલ ક્યારેય નહીં થાય. મને ખબર છે તો પણ તું નહિ માને પણ તું નહિ માને ત્યાં સુધી હું પણ ઝંપીને નહિ બેસું.
રુહુ, તને યાદ છે? પહેલી વાર આપણે વાત કરેલી ત્યારે તું કેવી રીતે વાત કરતી હતી? બિલકુલ અકડું સ્ટાઇલમાં. સાચે તું એટલી અકડું લાગી હતી કે તારી જોડે વાત કરતા પહેલા હું વિચાર કરતી. પણ કોણ જાણે કેમ તારી વાતમાં કઈક અલગ જ વાત હતી. તું જ્યારે કઈક બોલતી ત્યારે મારુ ધ્યાન તારા તરફ જ હોતું. ક્યારેક એવું લાગતું કે તું કદાચ મારી લાઈફમાં પહેલાથી આવી હોત તો હું તને સારી રીતે ઓળખતી હોત. પણ ધીમે ધીમે હું તને ઓળખવા લાગી હતી. પણ હું તને ઓળખું એ પહેલાં તું મને ખુબ જ સારી રીતે ઓળખી ગઈ હતી. હું તો કદાચ આજે પણ તારા રહસ્યથી અજાણ છું. તું મારી સાથે વાત તો કરે અને મારી બધી સમસ્યાનો ઉકેલ પણ તું આપે. પણ મેં ક્યારેય તારા મોઢે કોઈ સમસ્યા આવી એવું સાંભળ્યું નથી. કેમ એવું રુહી? શું ખરેખર તારી જિંદગીમાં કોઈ તકલીફ કે મુસીબત છે જ નહીં કે પછી તું મને કહેતી નથી એ જ મને નથી સમજાતું. આજે પણ તારી આંખોમાં જોઉં છું તો લાગે કે હજારો તકલીફો વચ્ચે તું ખુદને એકલી અડીખમ ઊભી રાખીને હસતા મુખે પેશ કરે છે. પણ તારી જિંદગીની કોઈ પણ એવી વાત મને નથી ખબર જેમાં તું મને રડતી મળી હોય.
હા, એક દિવસ તું રડેલી યાદ છે મને. એ પણ મારા કારણે જ. કેમ કે હું મારું દુઃખ લઈને તારી પાસે આવી હતી અને તું પણ મારા દુઃખથી દુઃખી થઈને રડી હતી. એ પહેલાં કે પછી ક્યારેય મેં તને રડતા નથી જોઈ. પણ છતાં તારી આંખોમાં મને કેમ આંસુનો છુપાયેલો અથાગ સાગર દેખાય છે એ નથી સમજાતું. મેં તને ક્યારેય પોતાના માટે જીવતા નથી જોઈ. તે હંમેશા બીજાના માટે પ્રાર્થના કરી, હમેંશા તું બીજાના માટે જીવે. કેમ હું તને નથી સમજી શકતી?
હા, મેં તને સ્વાર્થી કહ્યું હતું. કદાચ એ પણ નહીં ગમ્યું હોય. પણ તું મને કંઈ કહેતી જ નથી. તું તારા જીવનની બધી વાત મને કરી શકે છે એવું મેં કેટલીય વાર કહ્યું હશે તને. પણ તું ક્યારેય તારા જીવનની વાત મને કરતી નથી. હંમેશા મારા મનમાં એક જ વાત હોય કે મારી રુહી મારાથી બો બધું છુપાવે છે, ઘણું બધું સિકરેટ રાખે છે. કઈ પણ પૂછે તો એનો જવાબ તો તારી પાસે હોય જ. પણ તું ક્યારેય તારા જવાબને સીધી રીતે કહે નહિ. વાત ફેરવી ફેરવીને જવાબના મતલબ પણ બદલી નાખે.
મને તો બસ એટલી ખબર કે મારી રુહી મને બધી મુંજવણમાંથી જલ્દી બહાર લાવશે. બસ રુહી હવે તું માની જા. મને મારી રુહી પહેલા જેવી પાછી જોઈએ છે. જાણું છું કે હું તને ક્યારેય એટલી બારીકાઈથી નહિ ઓળખી શકું જેટલું તું મને ઓળખે છે. બસ તું મને પાછી મળે તો તારા ચહેરાને હસતો જોવો છે. મને મારી દોઢ વર્ષ પહેલાંની રુહીને જોવી છે. જે હમેશા બીજાની ખુશી માં ખુશ રહેતી અને બીજાના દુઃખમાં દુઃખી. જે હંમેશા હસતી રમતી રહેતી. તારી તકલીફ શુ છે એ તો નહીં જણાવે તું પણ તારી તકલીફમાં પણ તને હસતા જોવી એ મારું સપનું છે.
રુહી બસ, હવે મોડું નહિ કર, તારી નારાજગી હવે મને નહિ ગમે. તું હવે નહિ માને તો હું પણ રિસાઈ જઈશ. બસ હવે તું આવી જા. પછી જોજે હું તને ક્યારેય એકલી નહિ રહેવા દઉં.
તારી રાહ જોઇને હવે થાકી ગઈ છું હમ્મ... જો લખીને પણ થાકી ગઈ છું. બસ તું આવ પછી મારે તને બો બધી વાતો કરવાની છે.
તારી બેસ્ટી,
દિવુ.