પત્ર Rohiniba Raahi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પત્ર

વ્હાલા કાન્હા,

કેટલા દિવસથી વિચારતી હતી કે તારી સાથે વાત કરું. પણ જાણે સમય જ ખબર નહિ ક્યાં વહી જતો હતો. એનો અર્થ એ નહિ કે હું તને ભૂલી ગઈ. તું તો શ્વાસે શ્વાસે હોય તો કેમ કરી ભૂલું? પણ આજે તો નક્કી જ કરી લીધું કે તારી સાથે વાત કરી જ લઉં એમ. એટલે તને આજે પહેલો પત્ર લખવા બેઠી છું.

મને ખબર છે આ દુનિયામાં સૌથી પરફેક્ટ જો કોઈ હોય તો એ તું જ છે. એટલે જ તો પૂર્ણપુરુષોત્તમ કહેવાય છે ને. પણ તું તો મારો વૃંદાવન નો કાનુડો તે કાનુડો જ. બધા ભગવાન કહીને તને ઘણું માન આપતા હશે પણ હું નહિ આપું. તું મારો સૌથી પહેલો મિત્ર છે. તેથી મારો હક છે કે હું તને કઈ પણ કહી શકું. તું ગીતાનો ગાનાર મને કેટલો વ્હાલો છે ખબર છે કંઈ? સુતા ઉઠતા તો પહેલું તારું નામ યાદ આવે. હવે એથી વધારે શુ કહું?

તને ખબર છે ઘણા સમયથી હું કેટલીક મૂંઝવણમાં છું. થોડી ઘરની ચિંતા તો થોડી મમ્મી પપ્પાની ચિંતા, થોડી ભણવાની ચિંતા તો થોડી ભાઈની ચિંતા, થોડી તારી ચિંતા ને થોડી તારા પ્રેમની. શું કરું કઈ નથી સમજાતું. તને તો ખબર છે મને કોઈની પણ સાથે દિલ ખોલીને વાત કરવાનું નથી ગમતું. તારા સિવાય આજ સુધી કોઈને મારા મનની વાત કરી હોય એવું મને યાદ નથી. હા ફરિયાદો બીજાને ઘણી કરું છું. પણ તને ફરિયાદ કરવા માટે મન નહિ માને.

ક્યારેક કોઈ સવાલ પૂછે કે, " કેમ તું પ્રેમમાં વિશ્વાસ કરે છે? " તો મારો એક જ જવાબ હોય છે કે, " જગતનો તારણહાર મારો કાનુડો જે કરે એ ક્યારેય ખોટું ન હોય આ દુનિયામાં પ્રેમ સિવાય કંઈ જ એવું નથી કે જે શાશ્વત હોય. " હવે તું જ કહે ને મને શું ખોટું કહ્યું મેં? તો પણ તને ખબર ઘણા લોકો કેવું કરે? પ્રેમ ના મળે તો આપઘાત કરે છે. લે, આવુ તો કઈ કરાય? મને ખબર છે આવું કરે તો તને પણ નહીં ગમતું હોય ને. ન જ ગમે ને. હું પણ કેવા સવાલ કરું નહિ.

અરે કાનુડા! આ દુનિયામાં ખરેખર નથી ગમતું હ. પણ હા મારા પરિવાર માટે મને જીવવું ગમે છે. ગમતું નથી એનો અર્થ એ થોડી કે તે આપેલી જિંદગી હું વેડફી નાખું. તું છે સાથે એ તો ખબર જ છે. બસ એટલે જીવવાનું ગમે છે. મને તારા પર જેટલો વિશ્વાસ છે એટલો કોઈ પર નથી. તને ખબર થોડા સમય પહેલા કેવું થયું? એક અજાણ્યા વ્યક્તિની મુલાકાત થઈ. મેં જે વાર્તા લખી હતી ને. એ એણે વાંચી તો મને કહે કે આ તો મારી જ કહાની છે. તમે મારા જીવન પર વાર્તા લખી એમ. હવે જેને હું ઓળખતી જ નથી એના ઉપર કેમની વાર્તા લખું?🤦😅 પણ કઈ નહિ એને વાંચીને સંતોષ થયો એ ગમ્યું મને.

કાનુડા, તારા પર એક વાર્તા લખવી છે. પણ સમજાતું નથી કે તું આટલો મોટો ફિલોસોફર છે તો તારા પર કઈ રીતે લખું કઈ પણ. તું તો પોતે એક ગ્રંથ છે. હું શું લખું?

આ દુનિયાને રંગમંચ બનાવી તેં,
પ્રાકૃતિક દ્રશ્યો થકી સજાવ્યું...
કેટલું સુંદર માહોલ રચ્યું, જ્યાં
મને એ પ્રેમનું પાત્ર બનાવ્યું...
પ્રેમ સ્નેહની ધારા વહાવીને,
જગમાં જે મહારાસ રચાવ્યું...

જો આ નાનકડી કવિતા લખી તારા પર. કઈ ભૂલ હોય તો મને કહેજે હ ને. મને એટલું સારું લખતા નહિ આવડતું.😓 પણ હા કાનુડા, મારા મનની વ્યથા તારા સિવાય કોઈ નથી સમજતું એટલે હું તને મળવા આવીશ ને ત્યારે તને કહીશ. હમણાં ખાલી એટલું કહીશ કે બસ તું સાથે છે તો મને કોઈ ચિંતા નથી. પણ ડર લાગે છે કે કંઈ એવું ના થાય જેનાથી મારા લીધે મારા પરિવારને કોઈ મુસીબત વહોરવી પડે.

ચાલ હવે કઈક કહેવા જઈશ તો વધારે કહેવાઈ જશે. હવે હું આવીશ ત્યારે આમનેસામને વાત કરીશ ત્યારે બધું કહીશ. બસ તું સાથે રહેજે કાન્હા...!

તારી સખી,
રોહિણી "રાહી"