વેધ ભરમ - 44 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેધ ભરમ - 44

રિષભની વાત સાંભળી શિવાની ગુસ્સે થઇ ગઇ. રિષભની આ પણ એક સ્ટ્રેટેજી હતી કે તે ગુનેગારને ગુસ્સે કરતો જેથી ગુસ્સામાં ગુનેગાર ન બોલવાની વાત પણ બોલી જતા. અત્યારે શિવાનીને ગુસ્સે થતા જોઇને રિષભે કહ્યું “તમે પતિ સાથે વાત કરવા માટે તમારા પ્રેમીને ફાર્મ હાઉસ પર મોકલી શકતા હોય તો એવુ પણ બને કે પતિને ખુશ કરવા કોઇ છોકરીને પણ મોકલી શકો.”

આ સાંભળી શિવાનીનો ગુસ્સો હદ પાર કરી ગયો અને તે બોલી “ઓફિસર તમે હદ વટાવી રહ્યા છો. મારા પતિ માટે મારે છોકરીઓ મોકલવાની જરુર જ નહોતી. તે એટલો નીચ હતો કે તેના સંપર્કમાં આવેલી કોઇ છોકરીને તે છોડે નહીં. તેની સામે મેં કરેલો ગુનો તો કંઇ ના કહેવાય. તે મારો પતિ હતો છતા મને તેના મોતનુ દુઃખ નથી.” ગુસ્સામાં શિવાની બોલી ગઇ પછી તેને સમજાયુ કે છેલ્લુ વાક્ય બોલી તેણે પોલીસનો તેના પરનો શક વધારી દીધો છે.

“હા અમને ખબર જ છે કે તમારા પતિના મોતનુ દુઃખ તમને નથી. અમને તો એ પણ શક છે કે તમે જ ક્યાંક તમારા પતિનુ ખૂન નથી કર્યુ ને?” રિષભે શિવાનીનો ભય સાચો પાડતા કહ્યું.

“ઓફિસર, મારા પતિને મારીને મને શું મળવાનું હતું. હું તો ડીવોર્સ આપી તેની પાસેથી પૈસા લેવાની હતી. તેના મરી જવાથી મને કોઇ ફાયદો નથી.” શિવાની હવે બચવા માટે મહેનત કરવા લાગી.

“અરે કેમ નથી. તેનો આવડો મોટો બિઝનેસ સીધો તમારા હાથમાં આવી ગયો. અને આવા હવસખોર પતિથી છુટકારો મળી ગયો અને સાથે સાથે બોનસમાં કબીર જેવા પ્રેમી સાથે કોઇના પણ ડર વિના રહેવા મળે. મારી દ્ર્ષ્ટીથી તો સૌથી મોટો ફાયદો તમને જ થવાનો હતો.”

આ સાંભળી શિવાનીની બોલતી બંધ થઇ ગઇ. તેને હવે પોતાના પર ગુસ્સો આવતો હતો. તેણે ગુસ્સામાં બોલેલુ વાક્ય જ તેને ભારે પડી રહ્યુ હતુ. એટલે જ તો કહેવાય છે કે ન બોલાયેલા શબ્દોના તમે માલીક છો પણ બોલાઇ ગયેલા શબ્દો તમારા માલિક થઇ જાય છે. અત્યારે શિવાનીની પણ એ જ હાલત હતી.

“સર, તમે મારો વિશ્વાસ કરો પ્લીઝ મે દર્શનનું ખૂન નથી કર્યુ. હું તો દર્શનને ડીવોર્સ આપી શાંતિથી કબીર સાથે રહેવા માંગતી હતી. તમે જ વિચારો કે આવા લંપટ પતિ સાથે રહેવુ તેના કરતા એક સારા માણસ સાથે જીવવુ પસંદ કર્યુ તેમા મારો ગુનો છે? કબીર સાથે હું શાંતિથી જીવવા માંગતી હતી તે શું મારો ગુનો છે?” શિવાની ગળગળી થઇને બોલતી હતી.

“ના એ ગુનો નથી પણ એ માટે કોઇનુ ખૂન કરી નાખવુ તે ગુનો છે. અને કયારેક તમને એવુ લાગતુ હોય છે કે આ માણસ કરતા પેલો સારો પણ પાછળથી આપણને પસ્તાવો થાય છે કે મે પસંદગી ખોટી કરી છે.” રિષભની વાતમાં શિવાનીને કંઇ સમજ ના પડી એ જોઇ રિષભ આગળ બોલ્યો.

“શુ તમે જાણો છો કે દર્શન વિકાસ અને કબીરે તેના કોલેજ કાળમાં એક છોકરી પર બળાત્કાર કર્યો હતો?”

આ સાંભળી શિવાની ચહેરા પર થોડો ડર દેખાયો પણ પછી તેણે કહ્યું “હા, મારા લગ્નના થોડા સમય પછી મને ખબર પડેલી. પણ કબીરે બળાત્કાર નહોતો કર્યો. તેને તો પેલા બંનેએ બ્લેકમેઇલ કરી છોકરીને ફાર્મહાઉસ પર લેવા માટે મોકલ્યો હતો.”

આ સાંભળી રિષભના ચહેરા પર એક એવુ સ્મિત આવી ગયુ જે જોઇને શિવાનીના દિલમાં જાણે તીર ભોંકાઇ ગયું.

“જુઓ મેડમ કબીર તમને ઉલ્લુ બનાવે છે. હમણા જ તેણે અમારી પાસે કબૂલાત કરી છે કે તેણે પણ પેલી છોકરી પર રેપ કરેલો.”

આ સાંભળી શિવાનીની હાલત એકદમ ખરાબ થઇ ગઇ અને તે બોલી “ના એ શકય જ નથી. કબીર તો તે છોકરીને ખૂબ જ પ્રેમ કરતો હતો. પણ તેની મજબૂરીનો દર્શન અને વિકાસે લાભ ઊઠાવ્યો હતો. તમે જુઠુ બોલો છો.” છેલ્લુ વાક્ય તો શિવાની પોતાની જાતને કહેતી હોય એ રીતે બોલી. આ જોઇ રિષભને એકવાર તો શિવાની પર દયા આવી ગઇ પણ પછી તેણે કહ્યું “ઓકે, તમે તમારી જાતે જ આ સાંભળો.” એમ કહીને રિષભે બાજુમાં પડેલા રેકોર્ડરમાંથી કબીરે કરેલી કબૂલાત સંભળાવી. રેકોર્ડીંગ સાંભળી શિવાનીની હાલત એકદમ ખરાબ થઇ ગઇ. તેની હાલત એવી હતી કે જાણે તે જીંદગીની બાજી હારી ગઇ હોય. શિવાનીની હાલત જોઇ રિષભે તેને બે મિનિટ એમ જ બેસવા દીધી. શિવાની એકદમ સુનમુન થઇ ગઇ હતી. તેના મગજ અને દિલ વચ્ચે અત્યારે ઘમાસાણ યુધ્ધ ચાલી રહ્યુ હતુ. મગજ કહેતુ હતુ કે આ રેકોર્ડીંગમા સાંભળેલુ સાચુ છે અને દિલ કહેતુ હતુ કે કબીર આવુ કરી ન શકે. ધીમે ધીમે મનનો સંઘર્ષ આખો વાટે છલકાવા લાગ્યો. રિષભ પણ તેની હાલત સમજતો હતો. જ્યારે અનેરી કંઇ પણ કહ્યા વિના તેને છોડી જતી રહી હતી ત્યારે દિવસો સુધી તેની હાલત પણ આવી જ હતી. ગૌતમ બિચારો તેને હસાવવા અને ખુશ રાખવા માટે મહેનત કરતો હતો. ધીમે ધીમે દિલનો જખમ નાસુર બની ગયો હતો. રિષભ પણ પછી તો અનેરીને દેખાડી દેવા માંગતો હોય એમ જી.પી.એસ.સીની પરીક્ષા પાસ કરવા માટે લાગી પડ્યો. આજે શિવાનીની હાલત જોઇને રિષભને તેના દિવસો યાદ આવી ગયા. રિષભે શિવાનીને પાણીનો ગ્લાસ આપતા કહ્યું “મેડમ તમારી હાલત હું સમજી શકુ છું. પણ તમે ખોટા માણસની પસંદગી કરી છે.”

શિવાનીએ પાણી પીધુ એટલે થોડી રાહત થઇ.

“કબીરે તો મને કહેલુ કે તે તે છોકરીને ખૂબ ચાહતો હતો. પણ આ લોકોએ બ્લેક મેઇલ કરી તેની પાસે આ કામ કરાવ્યુ હતું.”

“એ તો તમને ફસાવવા માટેનુ જુઠ્ઠાણુ હતુ. હકીકતે તે લોકોનો આ જ ધંધો હતો. તે લોકોએ બીજી પણ એક છોકરી પર રેપ કરેલો. એ છોકરી તો બીચારી અડધેથી કોલેજ છોડી જતી રહી હતી.”

પછી થોડુ રોકાઇને રિષભ બોલ્યો “મેડમ એટલે જ કહું છું કે જો કબીરે ખૂન કર્યુ હોય તો તમે સાચુ બોલી દો.”

“હું ખરેખર સાચુ કહું છું આ ખૂન કબીરે કરેલુ નથી.” શિવાનીએ જે રીતે કહ્યું એ જોઇ રિષભને એકવાત તો સમજાઇ ગઇ હતી કે આ ખુન કબીરે નથી કરેલુ. અને કદાચ ખૂન કબીરે કરેલુ હોય તો તે શિવાની જાણતી નથી.

“જો તમે પેલી તમારી એક્ટીવા લઇ ગયેલી સ્ત્રી વિશે કંઇ જાણતા હોવ તો જણાવો.” રિષભે એકદમ હળવાશથી કહ્યું.

આ સાંભળી શિવાનીએ કહ્યું “મને એકવાર ફરીથી તે ફોટો બતાવો.” આ સાંભળી રિષભે ફરીથી તેને ફોટો બતાવ્યો. શિવાનીએ થોડીવાર ફોટો ધ્યાનથી જોયો અને પછી કહ્યું “ખરેખર હું નથી જાણતી કે આ કોણ છે. તેણે માથા પર ચુંદડી બાંધી છે એટલે કંઇ ખબર નથી પડતી.” હવે રિષભને લાગ્યુ કે શિવાની પાસેથી વધુ કંઇ જાણવા મળશે નહીં એટલે તેણે ઇન્ટરોગેશન પૂરુ કર્યુ અને તેની ઓફિસમાં જઇને બેઠો. રિષભે પુછપરછમાં મળેલી નવી માહિતી એક ડાયરીમાં નોંધી લીધી. હજુ તેની ટીમ ઇન્ટરોગેશનમાં હતી એટલે રિષભ ખુરશીમાં ટેકો દઇને બેઠો અને આંખો બંધ કરી દીધી. આંખો બંધ કરતા જ કેસના વિચારો ચાલુ થઇ ગયા. રાત્રે દર્શનનુ ખૂન થયુ ત્યારે કોણ હતુ તે ખબર નથી પણ દર્શનના ખૂન થયા પછી પહેલા કબીર ફાર્મ હાઉસ પર ગયો અને પછી નિખિલ ગયો. આ બંને એ ખૂન ના કર્યુ હોય તો એવુ કોણ હોઇ શકે જે ખૂન કરી શકે. આ વિચાર આવતા જ રિષભે ખૂન કોણ કરી શકે તેની મનોમન યાદી બનાવવાનુ ચાલુ કર્યુ. શકમંદમાં પેલુ નામ અશ્વિનનુ હતુ જે તેનો જુનો પાર્ટનર પણ હતો અને હવે કટ્ટર દુશ્મન હતો. બીજુ નામ નિખિલનુ આવે. તેના પછી શ્રેયા શિવાની અને કબીરનુ આવે. અને છેલ્લી શક્યતા કાવ્યાનો બદલો કોઇ લેતુ હોય તેવુ પણ બને. તે વ્યક્તિ કોણ હોય શકે? તેનુ નામ ખબર ન હોવાથી તેનુ નામ રિષભે મિસ. એક્સ મનોમન ધાર્યુ. પણ પછી તેને જ વિચાર આવ્યો કે આ મિ. એક્સ પણ હોઇ શકે. હવે રિષભને વિચાર આવતા તેણે આંખો ખોલી અને ડાયરીમાં આ બધા નામો નોંધ્યા. આ બધામાંથી તેણે નિખિલ અને અશ્વિન સામે ચોકડી મારી કેમકે તેની શકયતા નહીવત હતી. હવે જે નામ બચ્યા હતા તે શ્રેયા, શિવાની, કબીર અને પેલી અજાણી વ્યક્તિ તેને કબીરે મિ.એક્સ તરીકે લખી. આ ચારમાં શ્રેયાની શકયતા ઓછી હતી પણ તેની વર્તણુક અને જવાબ થોડા જુદા પડતા હતા એટલે રિષભે તેને ક્લીનચિટ આપવાને બદલે શકમંદમાં સ્થાન આપ્યુ હતુ પણ તેને શ્રેયા પર એટલો બધો શક નહોતો. હવે બાકી રહ્યા કબીર શિવાની અને મિ.એક્સ. આ ત્રણ વ્યક્તિ મુખ્ય શકમંદ હતી.

કેસના વિચાર કરતા કરતા તેને અચાનક કંઇક યાદ આવતા તે ઉભો થયો અને કબીર પાસે ગયો. કબીર પૂછપરછને લીધે કંટાળેલો હતો. રિષભને જોઇને તેના ચહેરા પર ફરીથી ગુસ્સાના ભાવ આવી ગયા અને તે બોલ્યો “હજુ કાંઇ હેરાન કરવાનુ બાકી રહી ગયુ છે?” આ સાંભળી રિષભ બોલ્યો “ના, માત્ર તમને મારે બે પ્રશ્નો પૂછવા છે?”

આ સાંભળી કબીર કંઇ બોલ્યો નહીં એટલે રિષભે કહ્યું “તમે જ્યારે ફાર્મ હાઉસ પર પહોંચ્યા ત્યારે દર્શનની લાશ કઇ જગ્યાએ પડેલી હતી?” આ સાંભળી કબીરને નવાઇ લાગી પણ તેણે જવાબ આપતા કહ્યું “દર્શનની લાશ તેના બેડ પર પડી હતી.” આ સાંભળી રિષભે બીજો સવાલ પૂછ્યો “તમે તો કહેતા હતા કે કાવ્યા માત્ર તમારી મિત્ર હતી અને તે મિત્રતા પણ એટલી બધી ગાઢ નહોતી. પણ તમે શિવાનીને તો એવુ કહ્યુ હતુ કે કાવ્યા અને તમે એકમેકના પ્રેમમાં હતા. તમે કાવ્યાને ખૂબજ પ્રેમ કરતા હતા.” રિષભની વાત સાંભળી કબીરનો શ્વાસ રોકાઇ ગયો. તેનુ જુઠાણુ પકડાઇ ગયુ હતુ. તેને શિવાની પર ગુસ્સો આવતો હતો. તેને નહોતી ખબર કે શિવાની આટલી જલદી બધુ જ કહી દેશે. કબીર બોલવા માટે શબ્દો શોધતો હતો પણ હવે તેની પાસે ખોટુ બોલવા માટે શબ્દો અને મગજની શક્તિ બંને પૂરા થઇ ગયા હતા. તેને બાઘાની જેમ તાકી રહેલો જોઇને રિષભ બોલ્યો “ મે તમને કહ્યું હતુ ને કે ખોટુ બોલતા નહીં. હવે મારી પાસે તમારી રીમાન્ડનો સમય લંબાવ્યા સિવાય બીજો કોઇ વિકલ્પ રહેતો નથી.” આટલુ બોલી રિષભ ત્યાંથી બહાર નીકળી ગયો. રિષભ ઓફિસમાં પહોંચી વિચારવા લાગ્યો કે નિખિલ અને કબીર બંને પહોંચ્યા તે પહેલા દર્શનનુ ખૂન થઇ ગયુ હતુ. દર્શનનુ ખૂન બેડ પર ઓશિકાથી શ્વાસ રુંધી કરવામાં આવ્યુ હતુ તો પછી આ લાશ બાથરુમમાં કંઇ રીતે પહોંચી? આનો મતલબ તો એમ જ થાય કે ખુનીએ ખુન કર્યુ ત્યાં અચાનક કબીર અને પછી નિખિલ આવી ગયા એટલે તે ક્યાંક છુપાઇ ગયો. આ બંનેના ગયા પછી ખૂનીએ દર્શનની નસ કાપી લાશને બાથટબમાં મુકી દીધી.” રિષભ હજુ આગળ કંઇ વિચાર કરે ત્યાં તેની ટીમ ઓફિસમાં દાખલ થઇ. બધાએ પોતપોતાના ઇન્ટરોગેશનની માહિતી આપી. જેનો સાર એક જ હતો કે બધાના બયાનમાં કંઇ ખોટુ હોય એવુ લાગતુ નથી. થોડીઘણી ચર્ચા પછી રિષભે કહ્યુ “ઓકે આજે બહુ કામ કર્યુ. હવે મને લાગે છે કે આપણી પાસે એટલી માહિતી છે કે શિવાની અને કબીરના રિમાન્ડ લંબાવી શકીશુ.” આટલુ બોલી રિષભ સ્ટેશન પરથી નીકળી ગયો. તેને કમિશ્નરને કેસનુ રીપોર્ટીંગ કરવા જવાનુ હતુ.

રિષભ સાંજે અનેરીને મળવા પહોંચ્યો ત્યારે લગભગ સાડાસાત થઇ ગયા હતા. કબીર પહોંચ્યો ત્યારે અનેરી તેની રાહ જોઇને જ બેઠી હતી. રોજ ઘરમાં સાદા કપડામાં રહેતી અનેરી આજે એકદમ અલગ જ કપડા પહેરીને બેઠી હતી. અનેરીએ નીચે લોંગ સ્કર્ટ અને ઉપર ટોપ પહેર્યુ હતુ. ખુલ્લાવાળ અને લાઇટ મેકઅપમાં તે અત્યારે વીસ બાવીસ વર્ષની મુગ્ધા લાગતી હતી. રિષભ તો તેને જોતો જ રહી ગયો. રિષભ તેને મુગ્ધતાથી જોઇ રહ્યો છે તે ખ્યાલ આવતા જ અનેરી એકદમ શરમાઇ ગઇ. રિષભ બેઠો એટલે અનેરી પાણી લેવા માટે રસોડામાં ગઇ. પાણી આપીને અનેરી રિષભના બાજુના સોફા પર બેસતા બોલી

“ બે મિનિટ બેસ હું આવુ પછી આપણે બહાર જમવા જઇએ.” એમ કહી અનેરી રુમમાં જતી રહી. રિષભ રાહ જોઇને બેઠો હતો ત્યાં તેનુ ધ્યાન એક ફોટા પર ગયુ. રિષભ ઉભો થઇને તે ફોટા પાસે ગયો. તે ફોટો અનેરી અને તેના પતિ વિકાસનો હતો. રિષભે વિકાસને ધ્યાનથી જોયો. ફોટો જોતા જ રિષભને વિકાશની ઇર્ષા થઇ. તે અનાયાશે જ પોતાની સરખામણી વિકાસ સાથે કરતા મનોમન બોલ્યો “આ વ્યક્તિમાં એવુ શું હતુ કે તે મને છોડી ગઇ.” તે આગળ વિચાર કરતો હતો ત્યાં તેનુ ધ્યાન ફોટા પાછળ દેખાતા કવર પડ્યુ. આ કવર હાથમાં લેતા જ રિષભને સમજાઇ ગયુ કે તે એક બર્થ ડે કાર્ડ હતુ. આ કાર્ડ ખોલતા જ રિષભ ચોંકી ગયો અને તેના મોઢામાંથી ગાળ નીકળી ગઇ.

----------*************------------**********---------------********-------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM