વેધ ભરમ - 43 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેધ ભરમ - 43

કબીરની પૂછપરછ પૂરી કરી રિષભે શિવાનીને પૂછપરછ માટે બોલાવી. થોડીવાર બાદ શિવાની આવીને સામે બેઠી. રિષભે શિવાનીની હાલત જોઇ એ સાથે જ રિષભને સમજાઇ ગયુ હતુ કે તેની પાસેથી માહિતી કઢાવવી પ્રમાણમાં સહેલી પડશે. રોજ એકદમ આરામ દાયક જિંદગી જીવતી શિવાનીની હાલત બે દિવસમાં તો એવી થઇ ગઇ હતી કે જાણે તે મહિનાઓથી બિમાર હોય. સતત એસીમાં એકદમ પોચા અને મુલાયમ બેડ પર સુતી શિવાની માટે હવા ઉજાસ વગરની અંધારી ઓરડીમાં બે રાત કાઢવી ખૂબ જ કષ્ટદાયક નીવડી હતી. શિવાનીની હાલત જોઇ રિષભે વિચાર્યુ કે માણસને હેરાન કરવો કેટલો સહેલો થઇ ગયો છે. નેટ બંધ કરી દો, મોબાઇલ છીનવી લો, પાવર કટ કરી નાખો, નીચે સુવડાવો જેવી નાની નાની પરેશાની આપો તો પણ માણસ અત્યારે આકુળ વ્યાકુળ થઇ જાય છે. આજના માણસને માનસિક રીતે નબળો પાડવો એકદમ સહેલો થઇ ગયો છે એટલે જ રિષભ બને ત્યાં સુધી ગુનેગારને ફિઝીકલી કરતા મેન્ટલી ટોર્ચર વધુ આપતો. શિવાનીની અત્યારની હાલત જોઇને રિષભને હવે કંઇ વધુ કરવાની જરુર લાગતી નહોતી.
“હા, મિસિસ શિવાની જરીવાલ, કેવી લાગી અમારી મહેમાનગતિ.” રિષભે કટાક્ષથી વાતની શરુઆત કરી. આ સાંભળી શિવાનીના ચહેરા પર ગુસ્સાને બદલે લાચારીના ભાવ આવી ગયા. રિષભે તો વિચાર્યુ હતુ કે કબીરની જેમ શિવાની પણ શરુઆતમાં ગુસ્સો કરશે અને લડશે. પણ શિવાનીની લાચારી જોઇને રિષભને પણ હવે તેને હેરાન કરવાનુ યોગ્ય ન લાગ્યુ.

“સોરી, તમને જે પણ મુશ્કેલી પડી છે તેના માટે હું માફી માંગુ છું. પણ આમા મારો કોઇ દોષ નથી. તમે લોકો જ સાચી વાત કહેતા નથી તો પછી હું શું કરી શકું.” રિષભે વાતની શરુઆત કરતા કહ્યું. આ સાંભળીને પણ શિવાની કંઇ બોલી નહીં એટલે રિષભને થોડો ડર લાગ્યો. ક્યાંક શિવાની માનસિક રીતે એકદમ પડી ભાંગી તો નથી ને? રિષભના અનુભવ પરથી તે જાણતો હતો કે ગુનેગારને જ્યા સુધી છુટવાની આશા હોય છે ત્યાં સુધી જ તે પોલીસને સહકાર આપે છે પણ જો ગુનેગાર એકદમ હતાશ થઇ જાય તો પછી તેની પાસેથી માહિતી કઢાવવી અઘરી થઇ જાય છે. આવો ગુનેગાર સહકાર આપવાનુ બંધ કરી દે છે. તે ગુનેગાર પર પછી ધમકી કે લાલચની અસર થતી નથી. આમ પણ માણસને છેતરવા માટે તેનામાં આશા જગાડવી જરુરી હોય છે. જો એકવાર માણસ આશા ગુમાવી દે તો પછી તેને તમે છેતરી શકતા નથી.

“સોરી મેડમ જો તમે આમ જ બેસી રહેવાના હોય અને જવાબ ન આપવાના હોય તો પછી મારે મારો સમય બગાડવો નથી. પણ એટલુ યાદ રાખજો જ્યાં સુધી તમે જવાબ નહી આપો ત્યાં સુધી તમને અહીથી કોઇ બહાર કાઢી શકશે નહીં. કબીરે તમારા પર દોષનો ટોપલો ઢોળી દીધો છે જો તમે નહી બોલો તો અમે એવુ જ માનીશું કે કબીરે જે કહ્યું છે તે સાચુ છે.”

આ સાંભળી શિવાની બોલી “હું તમારી કોઇ વાત માનવા તૈયાર નથી. મને ખબર છે તમે ખોટુ બોલી રહ્યા છો.” રિષભનો પહેલો દાવ સફળ થયો હતો. રિષભ ઇચ્છતો જ હતો કે શિવાની રીએક્ટ કરે એકવાર રીએક્ટ કરવાની શરુઆત કરશે તો પછી તેને વાતોમાં ખેંચી શકાશે.

“ઓકે, તો પછી અમને કેમ ખબર પડે કે અઢાર તારીખે તમે જ કબીરને દર્શનની ગન આપી હતી અને દર્શનનુ મર્ડર કરવા માટે ઉકસાવ્યો હતો.” આ સાંભળી શિવાની ચોંકી અને બોલી “મે કંઇ તેને સામેથી ગન નહોતી આપી એતો તેણે જ મને કહ્યુ હતુ કે ચોરી છુપીથી દર્શનની ગન લેતી આવજે. દર્શનને મારી નાખવાનો તેનો જ પ્લાન હતો. આ પહેલા દર્શન જ તેને મારી નાખવાનો હતો પણ મે જ તેને બચાવ્યો હતો.” આટલુ બોલાઇ ગયા પછી શિવાનીને અહેસાસ થયો કે તે ખોટો બફાટ કરી ગઇ છે.

“કેમ દર્શન ક્યારે કબીરને મારી નાખવાનો હતો?” રિષભે સીધો જ પોઇન્ટ પકડતા કહ્યું.

“અરે એ તો એ બંને વચ્ચે થોડી અનબન હતી તેમાંથી એવુ થયેલુ.” શિવાનીએ વાત વાળતા કહ્યું.

“જો મેડમ હું તમારી સાથે સારી રીતે વાત કરુ છું તેને તમે મારી નબળાઇ સમજી ના લેતા. હું એકવાર લેડીઝ ઓફિસરને તમારો કેસ સોપી દઇશ તો તે તમને મારી મારીને માહિતી કઢાવશે. તેના કરતા સીધી રીતે બોલી દો.” રિષભે ગુસ્સે થતા કહ્યું.

આ સાંભળી શિવાનીને ડર તો લાગ્યો પણ તે એમ મચક આપે તેમ નહોતી “પણ હું સાચુ જ કહું છું. તે લોકો વચ્ચે કોઇ બાબતમાં ઝગડો થયો હતો અને દર્શન તેને મારી નાખવા માંગતો હતો. મે વચ્ચે પડી માંડ દર્શનને શાંત કર્યો.”

“ઓકે તો હવે તમારી મરજી.” એમ કહી રિષભે પ્યુનને બોલાવી કહ્યું “રોઝીબેનને મોકલ.” થોડીવાર બાદ રુમમાં એક સ્ત્રી દાખલ થઇ. તેને જોતા જ એમ લાગે કે આ સ્ત્રી પાંચ પુરુષો પર ભારે પડે એમ છે. સાડા પાંચ ફુટની લંબાઇ, એકદમ કસેલુ અને ભરાવદાર બોડી, અને ચહેરા પર કઠોરતા મઢેલી હતી. તેને જોઇ રિષભે કહ્યું “રોઝીબેન આ બેનને થોડી ટ્રીટમેન્ટની જરુર છે. તમે થોડીવાર તેને સંભાળો ત્યાં હું આવ્યો.” આટલુ કહી રિષભ ત્યાથી બહાર નીકળી ગયો અને તેની ઓફિસમાં જઇને બેઠો. રિષભ જાણતો હતો કે હવે તે પાછો ફરશે ત્યારે શિવાની પોપટની જેમ જવાબ આપવા લાગશે. ઓફિસમાં જઇને રિષભે તેનો મોબાઇલ ચેક કર્યો. મોબાઇલ સ્ક્રીન પર આઠ મિસ્ડ કોલ બતાવતા હતા. રિષભે જોયુ તો અનેરીના જ બધા કોલ હતા. રિષભે તરત જ અનેરીને કોલ લગાવ્યો. આજે અનેરી ખુશ લાગતી હતી. થોડીવાર વાત બાદ અનેરીએ રિષભને રાતે જમવા માટે આમંત્રણ આપ્યુ. રિષભ આમપણ અનેરીને મળી તેના પતિની સચ્ચાઇ બતાવવા માંગતો હતો એટલે તેણે આમંત્રણ સ્વીકારી લીધુ અને પછી ફોન કટ કરી નાખ્યો. ત્યારબાદ રિષભે એક બે ફોન કોલ્સ કર્યા. ફોન પુરા કર્યા ત્યાં સુધીમાં તો પ્યુન તેને બોલાવવા આવ્યો એટલે રિષભ ફરીથી ઇન્ટરોગેશન રુમમાં ગયો. ત્યાં પહોંચી રિષભે જોયુ તો શિવાનીના ચહેરા પર ભય થીજી ગયો હતો. શિવાનીએ સ્વપ્નમાં પણ નહોતુ વિચાર્યુ કે તેની સાથે આવુ ક્યારેય થશે. રિષભે રોઝી સામે જોયુ તો તેણે કહ્યું “સર, મેડમ તમને બધુ જ સાચુ કહેવા માટે તૈયાર છે.”

“ઓકે તમે પણ બેસો અહીં, કદાચ ફરીથી તમારી જરુર પડે તો.” રિષભે આ શિવાની સામે જોઇ કહ્યું. શિવાની પણ તેની ધમકી સમજી ગઇ હતી.

“હા બોલો તો દર્શન શુ કામ કબીરનુ ખૂન કરવા માંગતો હતો?” રિષભે પ્રશ્ન પૂછ્યો.

આ સાંભળી શિવાની થોડીવાર કંઇ બોલી નહી પણ પછી રોઝી સામે નજર પડતા જ તેણે બોલવાનુ ચાલુ કર્યુ “દર્શનને મારા અને કબીરના સંબંધ વિશે ખબર પડી ગઇ હતી. પણ તે અમને રંગે હાથ પકડવા માંગતો હતો. તેણે મારા પર નજર રાખવા માટે માણસ મુકેલો. એક દિવસ હું કબીરને મળવા હોટલમાં ગઇ હતી ત્યારે તે પણ ત્યાં આવી ગયો અને તેણે કબીર સાથે જોરદાર ઝગડો કર્યો અને તેની ગન કબીર સામે તાકી દીધી. આ જોઇ હું ગભરાઇ ગઇ અને મે તેને પ્રોમિશ આપ્યુ કે હવે પછી કબીરને કયારેય મળીશ નહીં ત્યારે તે માંડ માન્યો. આ ઘટના પછી કબીર પણ ગભરાઇ ગયો હતો.” શિવાનીએ કહ્યું.

“તો પછી તમે તેની સાથે સંબંધ કેમ આગળ વધાર્યો?” રિષભે કહ્યું.

“પણ પછી દર્શનના આડા સંબંધના પૂરાવા મારી પાસે આવી ગયા હતા. આ પૂરાવા પરથી હું દર્શનને ડીવોર્સ આપવા માંગતી હતી પણ આ વિડીઓ બતાવી મે દર્શનને ડીવોર્સ માટે વાત કરી તો દર્શને મને ડીવોર્સ આપવાની ના પાડી દીધી. આ વાત મે જ્યારે કબીરને કરી ત્યારે તે ખૂબ ગુસ્સે થઇ ગયો અને બોલ્યો કે દર્શનને હવે કોઇ પણ રીતે રસ્તામાંથી હટાવવો પડશે. અને ત્યારબાદ તે દિવસે કબીરે મને મળવા બોલાવી અને દર્શનની ગન સાથે લાવવાનુ કહ્યું. તે દર્શનનુ ખૂન કરી નાખવા માંગતો હતો પણ મે તેને સમજાવ્યો કે તુ એકવાર દર્શન સાથે શાંતિથી વાત કર. પછી જો તે ન માને તો આપણે બીજુ કંઇક વિચારીશું. મારી વાત માની તે દર્શનને મળવા માટે ગયો અને પછી તેનો ફોન આવ્યો કે તે ફાર્મ હાઉસ પહોંચ્યો ત્યારે દર્શનનુ ખૂન થઇ ગયુ હતુ.” શિવાનીએ વિસ્તારથી વાત કરી.

“એ તો એવુ પણ બને ને કે કબીરે જ ખૂન કર્યુ હોય અને તમારાથી છુપાવ્યુ હોય.” રિષભે પૂછ્યું.

“ના કબીર ખૂન ના કરી શકે તે તો મારી સાથે રહેવા માંગતો હતો.” શિવાનીએ ખોખલી દલીલ કરી.

“પણ તે માત્ર દર્શનને સમજાવવા જ જવાનો હતો તો સાથે ગન શું કામ લઇ ગયો.” રિષભે ઉલટ તપાસ કરતા કહ્યું.

આ સાંભળી શિવાની થોડીવાર ચૂપ થઇ ગઇ પણ પછી તેનુ ધ્યાન રોઝી પર પડતા જ તે બોલી “એ તો નહોતો લઇ જવા માંગતો પણ મને દર્શનનો ડર હતો એટલે મે જ તેને ગન સેલ્ફ ડિફેન્સ માટે સાથે લઇ જવા કહ્યું હતુ.”

“ કબીર પહેલા કોઇ ફાર્મ હાઉસ પર ગયુ હોય તેવુ અત્યાર સુધી જાણવામાં આવ્યુ નથી. કબીર ગન લઇને દર્શનને મળવા ગયો હતો. કબીર અને દર્શન વચ્ચે પહેલા પણ ઝગડો થઇ ગયો હતો. દર્શનની પત્નીના કબીર સાથે અનૈતિક સંબંધ આ બધા મુદ્દા એવા છે કે અમે ધારીએ તો કબીરને ફસાવી શકીએ એમ છીએ. પણ અમારી પાસે બીજો એક મુદ્દો છે. આ તમારુ જ એક્ટીવા છે ને?” એમ કહી રિષભે તેના મોબાઇલમાંથી એક ફોટો શિવાનીને બતાવ્યો.

અચાનક એક્ટીવા વચ્ચે આવતા શિવાની કન્ફ્યુઝ થઇ ગઇ અને બોલી “હા આ તો મારુ જ એક્ટીવા છે કેમ?” શિવાનીએ ફોટો જોઇને કહ્યું.

“આ એક્ટીવા તમારા સિવાય કોઇ બીજુ ઉપયોગ કરે છે?”

“ના આતો મારુ પર્શનલ છે. હું જ તેનો ઉપયોગ કરુ છું. કેમ?” શિવાનીને હજુ સુધી આ એક્ટીવા કેમ વચ્ચે આવ્યુ તે સમજાતુ નહોતું.

“જે દિવસે દર્શનનુ ખૂન થયુ હતુ તે દિવસે દર્શનના મોબાઇલમાં એક કોલ આવેલો. આ નંબર વિશે અમે તપાસ કરી તો ખબર પડી કે તે અઠવાલાઇન્સ પર એક ગલીમા આવેલા પી.સી.ઓનો નંબર છે. સી.સી ટીવી ફુટેજ પરથી અમને જાણવા મળ્યુ છે કે જે સમયે આ કોલ આવેલો તે સમયની આસપાસ આ તમારુ એક્ટીવા તે ગલીમાં ગયુ હતુ. આ એક્ટીવા જે સમયે ત્યાં હતુ તે સમય જુઓ.” આમ કહી રિષભે ફોટો ઝૂમ કરી નીચે લખેલો સમય બતાવ્યો. આ જોઇ શિવાની ચમકી અને બોલી “પણ અઢાર તારીખે આ સમયે તો હું કબીર સાથે હોટલમાં હતી.” આ સાંભળી રિષભના મોં પર સ્મિત આવી ગયુ અને તે બોલ્યો “એક્ઝેટલી તો પછી આ એક્ટીવા પર બેઠેલી સ્ત્રી કોણ છે?” એમ કહી રિષભે બીજો એક ફોટો શિવાનીને બતાવ્યો. આ ફોટો જોઇ શિવાની ચોંકી ગઇ અને બોલી “અરે આ તો મારો જ ડ્રેસ કોઇએ પહેર્યો છે.”

“તમારુ એક્ટીવા અને તમારો ડ્રેસ બંને અહીં છે તો તમે હોટલમાં કેમ હોઇ શકો.” આ સાંભળી શિવાની પણ કન્ફ્યુઝ થઇ ગઇ અને બોલી “એ તો મને કેમ ખબર પડે?” આ સાંભળી રિષભ બોલ્યો “આના બે મતલબ નીકળી શકે છે. કા તો તમે ખોટૂ બોલો છો કે તમે કબીર સાથે હતા અથવા આ તમારુ એક્ટીવા અને તમારો ડ્રેસ તમે બીજા કોઇને આપ્યુ હોય.” આ સાંભળી શિવાની બોલી “ના હું સાચુ જ બોલુ છું. હું ત્યારે હોટલમાં જ હતી તે તમે હોટલના સી.સી ટીવી કેમેરાની મદદથી ચેક કરાવી શકો છો.”

“ તે તો અમે ચેક કરાવી જ લીધુ છે. અમને ખબર છે કે તમે હોટલમાં જ હતા. પણ તો પછી તમે કોઇને આ એક્ટીવા લઇ અને તમારો ડ્રેસ પહેરાવી પી.સી.ઓ પર મોકલ્યા હોઇ શકે.” રિષભે કહ્યું.

“ પણ હું શુ કામ કોઇને પી.સી.ઓ પર મોકલુ?” મારે દર્શન સાથે વાત કરવા માટે બીજા કોઇની શું કામ જરુર પડે?” શિવાનીએ થોડી ચીડ સાથે કહ્યું.

“એ જ તો અમારે જાણવુ છે કે એવુ શું હતુ કે તમે દર્શન સાથે વાત ન કરી અને બીજી વ્યક્તિને પી.સી.ઓ પર દર્શન સાથે વાત કરવા મોકલી.” રિષભનો સવાલ સાંભળી શિવાની ગુસ્સે થઇ ગઇ.

“ક્યાંક તમે કબીરને ડબલ ક્રોસ તો નહોતા કરી રહયા ને?” રિષભનો પ્રશ્ન સાંભળી શિવાની ખુરશીમાંથી ઊભી થઇ ગઇ અને પછી બોલી “તમે કહેવા શું માંગો છો? હું કંઇ કોલગર્લ છું કે ગમે તેની સાથે સંબંધ બાંધુ. અને મારે એવી જરુર પણ શું છે?”

રિષભનુ તીર નિશાના પર લાગ્યુ હતુ શિવાની ગુસ્સે થઇ ગઇ હતી. રિષભનો અત્યાર સુધીનો અનુભવ કહેતો હતો કે જ્યારે પણ સામેનો માણસ ગુસ્સે થાય છે ત્યારે તે ન બોલવાનુ બોલી જાય છે.

----------*************------------**********---------------********-------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM