જીવન જીવવાની કળા
•.¸♡ Dipak Chitnis ♡¸.• (dchitnis3@gmail.com)
------------------------------------------------------------------------------------------------------------------------------------------
આ વિશ્વ અનેક જગ્યાએ અલગ અલગ રીતે વીકસિત થવા પામેલ છે. જેમાં વસતી દરેક વ્યક્તિની મુખાકૃતિ હજારો,કરોડો, અબજોની વસ્તીમાં કયાંય એક સરખી નથી. બધામાં કયાંક કે કયાંક ચોક્કસ પણે તફાવત જોવા મળે છે. તે રીતે દરેક જગ્યાએ નિવાસ કરતી પ્રજાને કયાંકને કયાંક કોઇ અદ્રશ્ય શક્તિ મદદગાર બનતી હોય છે, અને તે તમામને કોઇ ને કોઇ પ્રકારે મદદ કરતી હોય છે. આ વિશ્ર્વમાં વસવાટ કરી રહેલ દરેક વ્યક્તિમાં અખૂટ શક્તિનો ભંડાર હોય છેઇઆ શક્તિઓને ક્યાંઅને કેવી રીતે કેવા સમયે ઉપયોગ કરવો તે બાબત તેણે તેની બુદ્ધિમતાથી વિચારવાની હોય છે.
જીવનમાં સમયાંતરે જુદી જુદી ઘટનાઓ બનતી રહેતી હોય છે. કઈ રીતે અને શા માટે ચોક્કસ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, તે એક રહસ્ય રહેતું હોય છે. આ રહસ્ય જાણી શકાય, જયારે આપણે આપણાં નિર્ધારિત કાર્યો, પોતાના પુરેપુરી સત્યતાથી કરતાં હોઈએ! ઘટનાઓ તો બનતી જાય છે અને ભૂતકાળ બની જાય છે. બુદ્ધિમત્તા શામાં છે? ભૂતકાળને નિયતિ સમજીને સ્વીકાર કરવો અને વર્તમાન ક્ષણમાં પોતાનાં કાર્યો સત્યનિષ્ઠાથી કરવાં, આજ મોટામાં મોટી બુદ્ધિમત્તા છે.
જો તમે ભૂતકાળને કર્તાભાવ થી જોશો, ભૂતકાળની ઘટનાઓ માટે હંમેશા તમને પોતાને જવાબદાર ગણાવશો તો તમે ગિલ્ટ-અપરાધભાવ અથવા અભિમાન-અહંકારનમ ભાવ માં સરકી પડશો. વર્તમાન ક્ષણ ને જો તમે નિયતિ તરીકે જોશો- કે બધું નિશ્ચિત જ છે, ઈશ્વરની મરજી થી જ થાય છે, તો તમે આળસુ બની જશો, અને તમારી જવાબદારીઓથી દૂર ભાગશો, સજગતા ખોઈ બેસશો. તો જે બની ચૂક્યું છે, તેને નિયતિ માનો, પસ્તાવો કે અહંકાર ન કરો, અને જે કાર્યો વર્તમાનમાં કરી રહયાં છો તેને પુરતીતત્પળતાથી નિભાવો.
ભવિષ્ય આ બંનેનું મિશ્રણ છે. પ્રારબ્ધ અને પુરુષાર્થનું સંયોજન એ ભવિષ્ય છે. કાર્ય નહીં પણ કર્તાભાવ તમને થકવે છે. જેઓ વાસ્તવમાં બહુ કામ કરે છે, જવાબદારી લે છે તેઓ ક્યારેય એમ કહેતા નથી કે “મેં બહુ કામ કર્યાં”! કૃત્ય કરતાં જાઓ પણ કર્તાભાવ ન રાખો. બ્રહ્માંડની ચેતના વિશ્વનું સંચાલન કરે છે. આ ચૈતન્ય ત્રણ શક્તિઓ દ્વારા અભિવ્યક્ત થાય છે: જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ. જો જીવનમાં આ ત્રણેય શક્તિઓ સુરેખ હોય, એકમાર્ગીય હોય તો જીવન સુંદર અને સરળ બની જાય છે. યોગ્ય જ્ઞાન વગર કોઈ પણ ઈચ્છા કરવી તે મૂર્ખતાપૂર્ણ છે, જેમ કે ચંદ્ર પર ઘર બનાવવાની ઈચ્છા રાખવી! જે શક્ય નથી. જયારે પૂરતું જ્ઞાન નથી હોતું ત્યારે તમે ઈચ્છાઓમાં ફસાઈ જાઓ છો, બંધાઈ જાઓ છો. તો ઘણી વખત તમને જ્ઞાન હોય છે પરંતુ તમે એ દિશામાં કાર્ય કરતાં નથી, નિષ્ક્રિય રહો છો, તો ત્યારે પણ તમે દુઃખી થઇ જાઓ છો. ઘણી વાર તમે કહો છો, મને આ ચોક્કસ વસ્તુ જોઈએ છે, અથવા હું આ ચોક્કસ કાર્ય કરીશ. પણ તમે વાસ્તવમાં એ કાર્ય કરતાં જ નથી.
તેને તમે આવતી કાલ પર મુલતવી રાખો છો, જે કાલ ક્યારેય આવતી જ નથી. તમને ખબર છે કે અમુક કાર્ય કરવું જોઈએ, જે તમારા માટે કલ્યાણકારી છે, છતાં તમે એ કરતાં નથી. તો અહીં ક્રિયા શક્તિનો અભાવ છે. ઈચ્છા શક્તિ એટલે ઉત્પન્ન થતી ઈચ્છાઓની શક્તિ, જ્ઞાન શક્તિ એટલે જ્ઞાન ગ્રહણ અને ધારણ કરવાની શક્તિ અને ક્રિયા શક્તિ એટલે કાર્ય કરવાની શક્તિ. કેટલાંક લોકોમાં ક્રિયા શક્તિ ભરપુર હોય છે પણ જ્ઞાન શક્તિનો અભાવ હોય છે. તેમનામાં કામ કરવાની અખૂટ તાકાત હોય છે પણ શું કરવું તેનું જ્ઞાન હોતું નથી. જયારે આવું હોય છે ત્યારે વ્યક્તિ અસમંજસપરિસ્થતિમાં હોય છે. ભરપૂર ક્રિયા શક્તિ તેમને શાંતિથી બેસવા દેતી નથી અને શું કરવું તેની તેમને સમજ પડતી નથી.
એ જ રીતે કેટલીક વ્યક્તિઓમાં ક્રિયા શક્તિનો અભાવ હોય છે. તેમનું મન સતત કાર્યશીલ-પ્રયત્નશીલ હોય છે પણ ઉઠીને કામ કરવા માટે તેઓ સક્ષમતા ધરાવતાં હોતાં નથી. આવું જયારે હોય છે ત્યારે વ્યક્તિ મનથી વ્યાકુળ અને વિહ્વળ બનતા હોય છે. જયારે કેટલાંક લોકોમાં ઈચ્છા શક્તિનો અભાવ હોય છે. તેમને કોઈ તીવ્ર ઈચ્છા હોતી નથી. તેઓ ક્યારેક એક કામ કરે છે ક્યારેક બીજું, પણ એક નિશ્ચિત ધ્યેય પર કંઈ કરતાં નથી. તેમનું મન બદલાયા કરે છે. ઈચ્છા શક્તિ નો અભાવ એટલે પ્રમાદ, વિલંબ! કેટલીક વ્યક્તિઓ પાસે ખૂબ જ્ઞાન તો હોય છે પણ અન્યને શીખવવાની ઈચ્છા નથી હોતી, તો અહીં જ્ઞાન શક્તિ છે પણ ઈચ્છા શક્તિનો અભાવ છે. ત્રણેય શક્તિઓનું સંતુલન દુર્લભ છે.
જેની પાસે જે પણ જ્ઞાનશકિત હોય કે જે બીજી અન્ય વ્યક્તિજે મદદરૂપ થઇ શકે તેમ હોય તે જ્ઞાનને બીજાને પીરસવામાં કોઇપણ પ્રકારની કચાશ કયારેય ન દાખવવી જોઇએ. જ્ઞાન એટલે કોઇપણ પ્રકારનું કાર્ય કરવાની માહિતી હોય તે જ્ઞાનઇજ્ઞાનનો સારો અને યોગ્ય ઉપયોગ યોગ્ય જગ્યાએ કરવામાં આવે ત્યારે તેનું રૂપાંતર અનુભવમાં પ્રજવ્વલિત થવા પામે છે અને આ અનુભવથી એ કાર્ય એ કામ આપણે વધુ સારી અને યોગ્ય રીતે કરી શકવા માટે શક્તિમાન બનતા હોઇએ છીએ.
………………………………………………………………………………………………………………………………………………………………….