Prem books and stories free download online pdf in Gujarati

પ્રેમ

" વિનય બેટા, આવતીકાલે શનિવારે તું ઘરે આવી જજે. કારણ કે, રવિવારે સાંજે એ લોકો આપણાં ઘરે આવવાના છે. ઘર પણ જોઈ લેશે અને સાથે સાથે તને પણ જોઈ લેશે. તું પણ છોકરીને જોઈ લેજે, તમે બંને એકબીજાને પસંદ કરો પછી આગળ બીજી વાત. " મમ્મીએ વિનયને ફોન કરીને કહ્યું.

પણ વિનયને આ વખતે છોકરી જોવા માટે આવવાની સહેજ પણ ઈચ્છા ન હતી તેથી તે કહી રહ્યો હતો કે, " મમ્મી, છેલ્લા ત્રણ વર્ષથી છોકરીઓ જોઈ, જોઈને હું કંટાળી ગયો છું. હવે મારે એકપણ છોકરી જોવી નથી. તને ખબર તો છે મમ્મી કે, અત્યારની છોકરીઓ કેવી હોય છે..?? જે મારા શ્યામ રંગને અને મારી સાદગીને પસંદ નથી કરતી. "

મમ્મી: બેટા, એવું ન વિચારીશ, ઈશ્વરે તારે માટે પણ ક્યાંક જોડી બનાવીને રાખી હશે. તને પણ ચોક્કસ કોઈ ડાહી, સંસ્કારી અને સુંદર છોકરી 👰 મળશે. ઈશ્વર ઉપર શ્રધ્ધા રાખ બેટા.

વિનય: મને તો હવે ઈશ્વર ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે પણ હવે તું આટલો બધો ફોર્સ કરે છે તો આવી જઈશ બસ. (અને વિનયે ફોન મૂક્યો)

વિનય તેનાં મમ્મી-પપ્પાનો એકનો એક દીકરો હતો. ભણવામાં ખૂબજ હોંશિયાર,‌ બાળપણથી જ હંમેશાં ક્લાસમાં તેનો પહેલો નંબર જ આવે.
પણ દેખાવમાં શ્યામ હતો અને તેને કોઈ બીજી ટાપટીપ કરતાં કે તૈયાર થતાં કે કોઈ મોટાઈ બતાવતાં પણ આવડે નહિ. ફર્સ્ટ ક્લાસ વીથ ડિસ્ટીન્કશન માર્ક્સ સાથે સીવીલ એન્જિનિયર બન્યો હતો અને તેથી જ તો તેને ગવર્મેન્ટ જોબ પણ મળી ગઈ હતી. અમદાવાદ જેવા મોટા શહેરમાં તેની જોબ હતી તેથી ત્યાં જ એક રૂમ રાખીને તે રહેતો હતો અને મમ્મી-પપ્પા ગામડે ખેતી હતી તેથી ગામડે જ રહેતાં હતાં.

વિનય છેલ્લા ત્રણ વર્ષમાં ત્રીસ છોકરીઓ જોઈ ચૂક્યો હતો પણ એકપણ છોકરી તેના શ્યામ રંગ અને સાદગીને કારણે તેને પસંદ કરવા તૈયાર ન હતી તેથી તે છોકરીઓ જોઈને કંટાળી ગયો હતો. હવે આ રવિવારે માધુરી નામની છોકરી તેને જોવા માટે આવવાની હતી.

શનિવારે સાંજે ઑફિસથી નીકળીને વિનય સીધો પોતાને ગામડે પોતાના ઘરે અવી ગયો. મમ્મીએ તેને માટે ગરમાગરમ ભાવતું ભોજન, બાજરીનો રોટલો, ઘી-ગોળ અને રીંગણનું ભરથુ તૈયાર જ રાખ્યું હતું.
શાંતિથી મમ્મી-પપ્પા સાથે બેસીને જમી લીધું અને પછી વિનય સૂઈ ગયો. સૂતાં સૂતાં વિચારી રહ્યો હતો કે, કેવી દેખાતી હશે માધુરી..?? રૂપાળી હશે..?? અને, રૂપાળી હશે તો મને પસંદ કરશે કે નહિ..?? અને વિચારતાં વિચારતાં વિનય સૂઈ ગયો.

સવારે ઉઠીને 🏠 ઘરમાં થોડી સાફ-સફાઈ કરીને વિનયે ઘર ચોખ્ખું કર્યું અને પછી નાહી-ધોઈને તૈયાર થઈને માધુરીની રાહ જોતો બેસી ગયો.

માધુરી વિનયની બાજુના ગામમાં રહેતાં સરપંચની એકની એક દીકરી હતી. પૈસે ટકે ખૂબજ સુખી ઘરની દીકરી હતી શહેરમાં જ રહીને એમ.બી.એ. સુધી ભણી હતી અને દેખાવડી પણ હતી.

વિનયનો તો માધુરીને જોતાં વેંત જ મૂડ ઑફ થઈ ગયો હતો..!! તેને ખબર પડી ગઈ હતી કે આટલી રૂપાળી છોકરી મને "હા" નહિ પાડે. પરંતુ માધુરીએ તો વિનયની સાથે વાતચીત કરવા માટેની ઈચ્છા બતાવી તેથી બંને જણા મેળા ઉપર વાતચીત કરવા માટે ગયા.

વિનયે માધુરીને કહ્યું કે, " તમારે જે પૂછવું હોય તે મને પૂછી શકો છો. મારે તમને કંઈ પૂછ્યું નથી. " અને માધુરી હસી પડી.

માધુરીએ વિનયને ફક્ત એક જ પ્રશ્ન પૂછ્યો કે, " હું તમારી સાથે લગ્ન કરું તો, તમે મારા સુખ-દુઃખના ભાગીદાર થશો ને..?? " અને વિનયે "હા" પાડી.
માધુરી સ્માઇલ સાથે તરત જ બોલી કે, " બસ, મારે એટલું જ પૂછવું હતું. બીજું કંઈ પૂછવું નથી. તમે મને ખૂબ ગમો છો. હું તમને ગમું છું..?? "

વિનય માધુરી નો જવાબ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો તેને શું પ્રત્યુતર આપવો તે જાણે કંઈ ખબર ન પડી. પછી માધુરીએ ફરીથી વિનયને પૂછ્યું કે, " તમારી મારી સાથે મેરેજ કરવાની ઈચ્છા છે ને..?? ન હોય તો પણ મને કંઈ વાંધો નથી ત્યારે તે જરા ભાનમાં આવ્યો અને તેણે છોકરી શરમાતી હોય તેમ જરા શરમાઈને "હા" પાડી.

માધુરી ફક્ત રૂપાળી જ નહીં પરંતુ ખૂબજ ડાહી અને સંસ્કારી છોકરી પણ હતી. તેને પોતાના જીવનસાથી તરીકે ડાહ્યો અને ઠરેલો યુવક જ જોઈતો હતો માટે જ તેણે વિનયની પસંદગી કરી હતી. લગ્ન પછી માધુરીને પણ શહેરમાં સરસ જોબ મળી ગઈ. બંને સાથે જ જોબ ઉપર જતાં અને સાથે જ પાછાં ફરતાં.

વિનય માધુરીને ઘરકામમાં પણ મદદ કરતો બંનેનો સંસાર ખૂબજ સુંદર રીતે ચાલી રહ્યો હતો. કોઇને પણ જોઇને ઈર્ષા આવે તેટલા પ્રેમથી બંને જણાં સંપીને એકબીજાની સાથે રહેતાં હતાં.

લગ્નના એક વર્ષ બાદ માધુરી પ્રેગ્નન્ટ હતી ત્યારે, વિનય માધુરીના હાથ પોતાના હાથમાં લઈને તેની આંખમાં આંખ પરોવીને તેને કહી રહ્યો હતો કે, " મારે તારા જેવી એક સુંદર દીકરી જોઈએ છે અને ત્યારે માધુરીએ વિનયના ગાલ ઉપર પ્રેમથી એક સુંદર ચુંબન કર્યું અને તેની આંખમાં આંખ પરોવીને કહ્યું કે, "મારે તારા જેવો સંસ્કારી અને ડાહ્યો એક સુંદર દીકરો જોઈએ છે તારા જેવો શ્યામ હશે તો પણ મને ચાલશે બસ તે તારા જેવો પ્રેમાળ હોવો જોઈએ.

અને બરાબર નવ મહિના બાદ માધુરીએ એક ખૂબજ સુંદર,, રૂપાળા દીકરાને જન્મ આપ્યો. તેનું નામ માધુરીએ " પ્રેમ " પાડ્યું. આમ, એક વત્તા એક બે થયાં અને બેમાંથી હવે ત્રણ થયાં અને વિનયનો ઘર-સંસાર હર્યોભર્યો થઈ ગયો.

~ જસ્મીન

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED