હિંમતવાન બાળકો
DIPAK CHITNIS (dchitnis3@gmail.com)
……………………………………………………………………………………………………..
ઘણાં સમય પહેલાની વાત છે. એક મોટું અને ગીચતા ધરાવતું જંગલ હતું. ગીચતા એટલી હતી કે, તેમાંથી દિવસે પસાર થવું હોય તો પણ ભય લાગે. એટલે જ આ ગીચતાથી ભરેલા ભરચક જંગલને ચોર-લુંટારાઓ માટે છુપાવા નું અતિશ્રેષ્ઠ સ્થાન તરીકે જાણીતું હતું. જંગલની આસપાસ ઘણાં નાના ગામડાં હતા. એક દિવસ સાંજના સમયે, આવા જ એક ગામનો ગોવિંદ નામનો કઠિયારો આ જંગલમાંથી પસાર થઇ રહેલ હતો. એ લગભગ જંગલની વચ્ચે જ પહોંચ્યો હશે ત્યાં તો, અચાનક એક માણસ બાજુની ઝાડીમાંથી બહાર આવ્યો.
ગોવિંદે તેને પૂછ્યું કે, એ ભાઇ કોણ છે તું ? તો એ માણસે જવાબ આપતા કહ્યું, “તમારે ડરવાની જરૂર નથી, હું તો એક મજૂર (સામાન ઊંચકનાર) છું. તમારી પેટી બહુ વજનદાર લાગે છે, લાવો હું એ ઊંચકી લઉં!”
ગોવિંદને થયું કે, “આ આવા ગીચતા વાળા જંગલમાં વળી મજૂર અહીંયા શું કરે છે? મને લાગે છે કે આ કોઇ મજૂર નથી ચોકકસ કોઇ ચોરજ છે. બની શકે કદાચ તેની પાસે કોઈક તીક્ષ્ણ હથિયાર પણ હોઇ શકે. મારે આવા આ ચોર પાસેથી સાવધાની પૂર્વક કંઇક યુક્તિ કરીને તેનાથી પીછો છોડાવવો પડશે.”
એટલે મનમાં એક યુક્તિ વિચારી, ગોવિંદે ખુશીથી પેલા માણસને પોતાનો સામાન ઊંચકવા આપ્યો. હવે થયું એવું કે, ગોવિંદનો બાળપણનો મિત્ર માધવ આ જ જંગલનાં એક ખાલી ભાગમાં રહેતો હતો. માધવ પણ વ્યવસાયે એક કઠિયારો હતો. જંગલમાંથી લાકડા કાપીને વેંચતો અને તેનું અને કુટુંબનું ગુજરાન ચલાવતો હતો. ગોવિંદ પેલા મજૈરને માધવનાં ઘરે આગળ લઇ ગયો અને કહ્યું, “અરે ભાઈ, આ આવી ગયું મારું ઘર; તમેતમારે આ મારો સામાન અહીંયા જ ઉતારી દો.”
લુંટારાને તો ભારે ગુસ્સો આવ્યો કે આ શું? પણ, કાંઇ બીજું કરીશકાય તેમ તો હતું જ નહીં એટલે, તેણે વિચાર્યું, “હું આને રસ્તામાં તો ના લુંટી શક્યો પણ, હવે કોઈ પણ રીતે જો હું અહીં રોકાઈ જાઉં તો, હું રાત્રે મારું કામ પાર પાડી શકું.”
આવું વિચારીને, પોતાની યોજનાનાં અમલ તરીકે લુંટારો તો અચાનક જ ચક્કર આવતા હોય તેવો અભિનય કરીને, ધબ્બ! કરતો જમીન પર બેભાન થઈને પડી ગયો. એવામાં માધવ ઘરની બહાર આવ્યો અને જોયું કે ગોવિંદ આવ્યો છે. તેને આશ્ચર્ય થયું કે, આવા સમયે ગોવિંદ ત્યાં ક્યાંથી? એ કંઈ પણ પૂછે એ પહેલા જ ગોવિંદે તેને ચુપ રહેવાનો ઈશારો કર્યો અને ધીમેથી માધવનાં કાનમાં કહ્યું કે, “આ માણસ એક લુંટારો છે અને મારો સામાન અને પૈસા ચોરી લેવાના ઈરાદે મારી સાથે આવેલો પણ, હું તેને અહીં લઇ આવ્યો છું જેથી આપણે તેને પકડી લઈએ. હવે, હું જેમ કહું તેમ કરજે!”
માધવને આખી વાત સમજાઈ પુરેપુરી રીતે સમજાઇ ગઈ હતી. બંને મિત્રો સાથે ભેગા મળીને બેભાન હોવાનો ડોળ કરતા લુંટારાને ઊંચકીને માધવના ઘરની અંદર લઇ ગયા. લુંટારો તો મનમાં મલકતા વિચારવા લાગ્યો કે, “કેવા મુર્ખ છે! રાત પડતા બંને સુઈ જાય એટલી જ વાર છે, આખું ઘર સાફ કરીને નીકળી જઈશ હું તો!” લુંટારો હજી આવા વિચારમાં ખોવાયેલો હતો અને હજી એ કંઈ સમજે એ પહેલા તો, ગોવિંદ અને માધવ તેને એક મોટા પટારામાં (મોટી પતરાની પેટી) પૂરી દીધો અને ઉપરથી તાળું વાસી દીધું. તેઓ પટારો ઘરની બહાર લઇ ગયા અને દૂર એક ઊંડા ખાડામાં નાખી આવ્યા.
હવે, આપણે તો જાણીએ જ છીએ કે જંગલ આવા જ લુંટારાઓનું જાણે ઘર હતું. એટલે, બીજા કેટલાક લુંટારાઓની એક ટોળી આમ તેમઆજુબાજુ ભટકતી એ જગ્યા પર પહોંચી જ્યાં પેલો પટારો પડેલો હતો. એ લોકો તો આટલો મોટો પટારો જોઈ ઉત્સાહમાં આવી ગયા.
તેમાંથી એક લુંટારો કહે, “ઓહો આટલો મોટો પટારો… નક્કી બહુ કિંમતી સામાન ભરેલો હશે! આજે તો મોટો દલ્લો હાથ લાગ્યો.”
તેમણે પટારો ખાડામાંથી અને ખોલીને જુએ તો આ શું?
“અરે! આ તો આપણો મિત્ર…” લુંટારાઓ તો આ જોઇને દંગ રહી ગયા. તેઓએ પેલા ચોરને પૂછ્યું, “ભાઈ, તું આ પટારામાં કેવી રીતે આવ્યો?” ચોરે તેમને આખી ઘટના કહી સંભળાવી કે, કેવી રીતે બે મિત્રોએ તેને મુર્ખ બનાવી અહીં નાખી દીધો.
ગુસ્સે ભરાયેલા લુંટારાએ નક્કી કરી લીધું, “મિત્રો, હવે હું એકલો નથી ચાલો આપણે સાથે મળીને પેલા બંનેને પાઠ ભણાવીએ અને તેમનું ઘર લુંટી લઈએ!”
આ દરમિયાન, ગોવિંદ અને માધવને અંદાજ આવી જ ગયેલો કે પેલો લુંટારો તેનાં માણસોને લઈને ફરીથી ચોક્કસ હુમલો કરશે જ. એટલા માટે તેમણે અગાઉથી જ જરૂરી તૈયારીઓ કરી રાખી.
આ બાજુ લુંટારાઓની ટોળી મોડી રાત્રે મોહનનાં ઘરે પહોંચી. ચારે તરફ ખુબ જ અંધારું હતું. તેમણે ધીમેથી દરવાજો તોડ્યો પણ, હજી એ લોકો અંદર પ્રવેશે એ પહેલા તો, તેમનાં પર ગરમ પાણીનો વરસાદ થવા લાગ્યો. ગોવિંદ અને માધવે મોટી મોટી ડોલો ભરી ભરીને ગરમ પાણી લુંટારાઓ પર ફેંકી રહ્યા હતા. જેવું ગરમ પાણી તેમનાં શરીર પર પડ્યું કે લુંટારાઓ જોરજોરથી બૂમો પાડવા લાગ્યા, કણસતા અવાજે તેઓ બોલ્યા, “ઈઈઈઈઈય્ય્યય્ય! કોઈ કંઇક કરો, આખા શરીરમાં બળતરા થાય છે…!”
આટલું જાણે પુરતું ન હોય તેમ, મોહને તેમનાં પર બરફ જેવું ઠંડુ પાણી ફેંકવાનું ચાલુ કર્યું. “અરરરર!” લુંટારાઓ તો થરથર કાંપવા લાગ્યા. હવે એ ઠંડી લાગવાને લીધે ધ્રુજતા હતા કે આઘાત લાગવાને લીધે એ સ્પષ્ટ નહોતું થતું! લુંટારાઓની ટોળકીને આ રાત બરાબર યાદ રહી જવાની હતી કેમકે, ગરમ પાણી, ઠંડા પાણી બાદ હવે ગોવિંદે મુઠ્ઠી ભરી ભરીને લાલ મરચાનો ભુક્કો આ લુંટારાઓ ઉપર ફેંકવાનું ચાલુ કર્યું.
બસ, આ આંચકો લુંટારાઓ સહી શક્યા નહીં અને ગુસ્સા મિશ્રિત પીડામાં ચીસો પાડવા લાગ્યા, “એઈઈઈઈઈઈઇ!બસ કરો હવે…!” માધવઅને ગોવિંદે તેમની આગવી ચપળતાથી લુંટારાઓની આખી ટોળીને ઘરમાં પૂરી દીધા અને પોતે બહાર આવી ગયા. બહાર આવી તેમણે રાજાનામહેલમાં સૈનિકોને જાણ કરી. મહેલનાં સૈનિકો જલ્દી જ આવી ગયા અને તેઓ લુંટારાઓની આ ટોળકીને પકડીને લઇ ગયા.
આ રીતે ગોવિંદ અને માધવ બંને મિત્રોએ સાથે ભેગા મળીને સંપ, હિંમત, હોશીયારી અને ચતુરાઈ વડે બદમાશોની આખી ટોળકીથી પોતાનો બચાવ કર્યો. પરંતુ સાથે સાથે આખી લુંટારુ ટોળકીને પકડાવી દીધી જેને કારણે હવે જંગલમાં જે ચોરીની ઘટનાઓ છાશવારે થવા પામતી હતી તે ઘટનાઓ પણ બંધ થવા પામશે. અને આજુબાજુના નાના નાના છુટા છવાયાં મકાનોમાં રહી જંગલમાં કઠીયાળાનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતાં બધાને કાયમની રાહત થઇ. બધા ભેયગાં થઇ માધવ-ગોવિંદને અભિનંદનનો વરસાદ વરસાવી રહ્યા હતાં.
...............................................................................................................................................