jindagina anubhavni shikh books and stories free download online pdf in Gujarati

જિંદગીના અનુભવની શીખ

" મને તેના સાથે જ લગ્ન કરવા છે.તું પપ્પાને મનાવ."સાદી સરળ દેખાતી તથા સલવાર સૂટ પહેરેલી ને 19-20 વર્ષની છોકરી બોલી.

તેના મમ્મી ચિંતામાં આવીને બોલ્યાં, " પણ તું તે છોરાંને ઓળખતી પણ નથી તો તને ત્યાં કેમ પરણાવી દઈએ જિજ્ઞા...!"

" હું તો તેનાથી જ કરીશ કહી દઉં છું." તેમ કહી ગુસ્સે થતી જિજ્ઞા સુઈ ગઈ.

સવાર થતાં જ જિજ્ઞા સાત વાગે કૉલેજની બસમાં કૉલેજ ચાલી ગઈ. તે બી.એ.ના ત્રીજા વર્ષમાં હતી. બી.એ. તેનું પૂરું જ થવાનું હતું.તેના કૉલેજમાં ચાર લેક્ચર હોતા, કલાકના એક.

" હાલ જિજ્ઞા અમારી સાથે નાસ્તો કરવા બેસ." રીસેસ પડતાં જ ખુશ્બૂએ તેને કહ્યું પણ જિજ્ઞા તેને ના પાડી દીધી ને તરત કૉલેજની અગાસીમાં ગઈ.

"હાય,હીના કેમ છે?" જિજ્ઞા તેની ફ્રેન્ડ હીના પાસે આવી.જે બી.કોમ.ના ફર્સ્ટ સેમમાં હતી. ને એટલી ચતુરાઈ હતી એનામાં કે તે કોઈને પણ ફસાવી શકે. જિજ્ઞા આતુરતાથી બોલી,"તારી ધર્મેશથી વાત થઈ?"

" હા,થઈ હતી,એને તારી બહુ યાદ આવે છે.તમે ક્યારે લગ્ન કરશો? " હીના ધર્મેશની મુંહબોલી બહેન હતી.

"લગ્ન તો કરવા છે પણ મારા ઘરમાં માનતા નથી પપ્પા...! ઉદાસ થતી બોલી.

"તો ભાગીને કરી લ્યો ને આમે મારો ભાઈ સારો છે તને ખૂબ ખુશ રાખશે.તને ખૂબપ્રેમ કરે છે કોઈ દિવસ દગો નહીં કરે."હીનામાં લુચ્ચાઈ ભરી હતી.જે જિજ્ઞા ઓળખી શકતી નહોતી. જિજ્ઞાએ ભાગીને લગ્ન કરવાનો નિર્ણય લીધો કારણ કે તેના ઘરમાં પપ્પા માનતા નહોતા.

કૉલેજથી પાછી ફરતાં જિજ્ઞાએ મનમાં વિચાર્યું કે તે એની નાનીને આ વાત કરે કારણ કે ત્યારે એને એમ જ લાગતું કે તેની નાની તેનો સાથ આપશે.

" બાઈ તમે ધર્મેશને મળીને જોવો ને કે તે કેવો છે, મને તેનાથી જ લગ્ન કરવા છે પણ પપ્પા માનતા નથી." જિજ્ઞાને એમ હતું કે નાની માની જશે ને સાચે એવું જ થયું.

રાત્રે જિજ્ઞા મોબાઈલમાં ધર્મેશ સાથે મૅસેજમાં વાત કરતી હતી. " હાય."

" હાય જિજ્ઞા જમી તું?" ધર્મેશનો મૅસેજ આવ્યો.

જિજ્ઞાએ રીપ્લાય આપ્યો "હા"

" મેં વકીલ પાસે લગ્ન માટેના કાગળ તૈયાર કરાવ્યા છે કાલ હું તને લઈ જઈશ સાઇન જોઈશે.તારી ને મંદિરમાં થોડી વિધિ કરવાની હશે."ધર્મેશ બોલ્યો.

" હા હું તૈયાર રહીશ તમે નાનીના ઘરેથી મને લઇ જજો. મેં નાનીને વાત કરી છે. તે તમને મળવા માગે છે."

" હા કાલે બપોરે ત્રણ વાગે આવીશ." ધર્મેશ બોલ્યો.

" હા "

ધર્મેશએ કહ્યું," એક વાત કહું?"

" હા કહો." જિજ્ઞા જરા ચિંતામાં આવી ગઈ.કારણ કે તેના મનમાં એમ હતું કે ધર્મેશ સાથે જોડવામાં કાંઈ મુશ્કેલી આવે તો....!

" તને તો ખબર છે કે મને દારૂ પીવાની આદત છે પરંતુ હું લગ્ન પછી પીવાનું ઓછું કરી નાખીશ. તને કોઈ દિવસ દુઃખી થવા નહીં દઉં એ મારું પ્રોમિસ છે." ધર્મેશે કહ્યું.જિજ્ઞાને ધર્મેશની બધી ખબર હતી કે એને દારૂની આદત છે,પણ એ બહુ ઊંડું વિચારી શકતી નહોતી.વિચારોમાં ચાલી ગયેલી જિજ્ઞાને મા-ની ચિંતા હતી.આ બધી વાતની વચ્ચે તેની માઁથી અલગ થઈ ગઈ હતી.કારણ કે માઁ તેના પપ્પાનો સાથ આપતી હતી.પપ્પા સામે આ વાત આવતા તેના પપ્પાએ તેને અપશબ્દો બોલ્યા.તેથી જિજ્ઞાને ખૂબ જ ગુસ્સો આવ્યો. માટે આ પગલું ભરવા તે મક્કમ થઈ ગઈ.આમ જ વિચારો કરતી-કરતી સુઈ ગઈ.

સવાર પડતા જ તે તેના ઘરે આવી કારણ કે તેના નાનીનો ઘર બાજુમાં હતો. એટલે ઘરના વાતાવરણને કારણે તે ત્યાં જઈને સૂતી.ચા-પીને તૈયાર થઈ કૉલેજ ગઈ.

" તારા કોર્ટ મેરેજ માટે જોરશોરથી તૈયારી ચાલે છે.હવે જલ્દી કરજો તમે કારણ કે પરીક્ષા નજીક આવે છે." હીના બોલી.

" આજે જવાના છીએ તું આવીશ ને? " જિજ્ઞાએ પૂછ્યું કારણ કે તેને હીના પર વિશ્વાસ હતો.

" ધર્મેશ આવ્યો હતો કાગળ રાખી ગયો છે તું તેને પેલા તળાવ પાસે મળજે ત્યાંથી સાઇન કરવા જવાની છે.હું ત્યાં સુધી દીવો પ્રગટાવું."નાની બોલી. ત્યાં તો મોબાઈલની રિંગ વાગી.જોયું તો ધર્મેશનો ફોન હતો.

"ક્યાં છો તું રાહ જોઉં છું તારી ?"

" બસ નીકળી ગઈ આવું છું." બન્ને જણ કોર્ટ ગયા ત્યાં સાઇન કરી પછી મહાદેવના મંદિરે પહોંચ્યા.ત્યાં પંડિતએ વરમાળા-સિંદૂરની વિધિ કરાવી.જિજ્ઞાને ધ્રાસકો લાગ્યો. ધર્મેશે તે દિવસે દારૂ પીને આવ્યો તેની જાણ થઇ.

"તમે દારૂ ક્યારે મુકશો?" ગભરાયેલા અવાજ સાથે બોલી.

"બસ તું આવી જા મારા ઘરે એટલે મૂકી દઉં." તે આ વાત પર ધ્યાન ન દેતો હોય તેમ બોલ્યો એવું જિજ્ઞાને લાગ્યું. ઘરે પહોંચીને એ જ વિચારતી હતી કે હું જે કરું છું તે બરાબર છે? ક્યારેક સંજોગો આપણા હાથમાં નથી હોતાં. ક્યારેક ઇચ્છતાં ન હોઈએ એવા કર્મ પણ ભોગવવા પડે છે.આખરે એ દિવસ આવ્યો.જ્યારે જિજ્ઞા રાત્રિના આઠ વાગ્યે ઘર મૂકીને ભાગી ગઈ.એક મોટી કારમાં જિજ્ઞાને ધર્મેશ લઇ જતો હતો.

" તારા પપ્પાને ફોન કરીને એમ કહેજે કે તું મારા સાથે આવી ગઈ છો અને તમે ચિંતા ન કરતાં." જિજ્ઞાએ ઘર મૂકતા પહેલાં વિચાર્યું કે ન જઉં, પણ કિસ્મતમાં લખેલું કોણ ટાળી શકે છે? આ બનાવ જ્યારે પ્રત્યક્ષ અનુભવીએ ત્યારે આપણી પર કેવું વિતતું હોય એ આપણે જ જાણી શકીએ.

"હેલ્લો પપ્પા હું ધર્મેશ સાથે આવી ગઈ છું. હું બરાબર છું તમે ચિંતા ન કરતા."કહેતાં જાણે જિજ્ઞાને જમીન પગ નીચેથી ખસકી ગઈ હોય તેવું લાગ્યું.ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.ત્યારે ધર્મેશે તેના પર ધ્યાન ન આપ્યું.જિજ્ઞા રડતી રહીને ક્યારે મુંબઈ પહોંચી ગઈ તેને ખબર ન પડી. ' ચલમન મુંબઈ નગરી જોવા ' આવું ગણું સાંભળ્યું,પણ આ મોટી નગરીમાં પહેલીવાર પ્રવેશ કરેલો .જિજ્ઞાને એવું લાગ્યું કે તે આ મુંબઈમાં તો ફસાઈ નહીં જાય ને ?


*

" જિજ્ઞાને ભાન ન પડી શું ? કે આવા ધંધા કરી ગઈ ઈજ્જત ઉતારી ગઈ આપણી સમાજ સામે." પ્રશાંતભાઈ જે જિજ્ઞાના બાપુ- ખૂબ જ ગુસ્સામાં હાથમાં રહેલો કાગળ ફેલતા બોલ્યાં. કારણ જિજ્ઞા ભાગી એ ન્યુઝપેપરમાં આવી ગયું.

જિજ્ઞાના મમ્મીએ રડતા રડતા કહ્યું, " તો તમે માની કેમ ન ગયા ?? એ તો તમને ખાલી એ છોકરાની તપાસ કરવાનું કહેતી હતી ક્યાં ભાગતી હતી?? ઉલટાનું તમે તને ગાર આપી. એ નાની છે એને સમજ નથી તો શું તમે એને ગાર આપીને નીચી પાડી શકો??"

" આજ પછી આ ઘરમાં એનું નામ ન લેજે નકર તું પણ ચાલી જા તારી માઁ પાસે." -એના શરીરમાં જાણે આગ વરસતી હોય એમ ગુસ્સો કરતાં કહ્યું ને ઘરની બહાર ચાલી ગયા. જિજ્ઞાની માઁ રડતાં જ રહ્યા. "મારી દીકરીનું ત્યાં શું થશે?" તેના વિચારોમાં ડૂબી ગયા.


*

જિજ્ઞા-ધર્મેશ એક આલીશાન હોટલમાં પ્રવેશ્યાં જે હોટલ ખૂબસુંદર તથા ત્યાંના લોકો અજીબ જ દેખાતા હતા, કારણ કે ત્યાં વસ્તી સારી નહોતી લાગતી. એક રૂમ લીધું પણ જિજ્ઞા તો અલગ જ વિચારોમાં ખોવાયેલી હતી.

" જિજ્ઞા તું નાહી-ધોઈને તૈયાર થઈ જા આપણે બહાર ડિનર કરવા હાલશું." પોતાના કપડાં બૅગમાંથી કાઢતાં ધર્મેશ રૂમમાં રહેલા પલંગ પર સૂતો અને કીધું કે " તું જઇ આવ પછી હું જાઉં."

જિજ્ઞા તૈયાર તો થઇ ગઇ પણ તે માત્ર પહેરેલ કપડે જ આવી હતી એટલે તેણે એ જ કપડાં પહેરી લીધા.બંને તૈયાર થઈ બહાર ગયા. જિજ્ઞાએ આજુબાજુજોયું તો માત્ર મછી જ વહેંચાતી હતી જોઈને જ સુગ ચડે.ધર્મેશે પહેલા જિજ્ઞાને કપડાં લઇ આપ્યા પછી પાણીપુરી ખાઇ પરત ફર્યા.રાત્રે સૂતીવખતે જિજ્ઞાને ઊંઘ નહોતી આવતી.

" મને મારા ઘરે પાછું જવું છે. ધર્મેશનું વર્તન પણ સાવ અલગ થઈ ગયું છે. મને ખબર નહોતી કે તે આવું કરશે મારી જોડે. " મનમાં વિચારો કરતી કરતી ક્યારે આંખ મીંચાઈ ગઈ ખબર ન પડી.

" સુપ્રભાત જિજ્ઞા "

" સુપ્રભાત " તેના તરફ ધ્યાન ન આપતા કહ્યું.

" જિજ્ઞા હાલ તને આજે મુંબઈનું ઈંડિયા ગૅટ દેખાડું."

" ક્યાંય જવાનું મન નથી મને..!"ઉદાસ થતી પલંગના એક ખૂણે બેસીને માથું નમાવી દીધું.

ધર્મેશને ગુસ્સો આવ્યો કહ્યું કે ," તારા માટે જ અહીં તને ફરવા લઇ આવ્યો છું અને તું આમ કરશ.....એવું જ હોત તો આપણે સીધા મારા ગામડે જ હાલત...!" જિજ્ઞાને તેનું આ રૂપ જોઈને આશ્ચર્ય થયું.તે તરતબહાર જવા તૈયાર થઇ ગઇ.

*

માત્ર ચાલીસ-પચાસ ઘરની વસ્તી ધરાવતું ગામ ,આવા-જવાની બસ પણ ન મળે.તે ગામનું નામ કચ્છના અબડાસાનું સાંધાણ.જિજ્ઞાએ આજે પહેલી વખત ધુળેટીના દિવસે બપોરે એક વાગે એ ગામમાં પગ દીધું.ધર્મેશ સાથે કારની પાછળની સીટમાં બેઠી હતી ને બહાર ગામમાં આવતી નાની-નાની શેરીઓને જોતી રહી.મનમાં ઉઠતા સવાલો કે આગળ જતાં શું થશે?ગાડી અચાનક થંભી ગઈ.

" ચાલ આવી ગયું ઘર " ધર્મેશે ગાડીમાંથી ઉતારતા કહ્યું.ખૂબ સરસ ડ્રેસ પહેરેલું,હાથમાં મહેંદી ,માથામાં મોગરાનો ગજરો ગાડીમાંથી ઉતરી તો તરત એક છોકરીનો અવાજ આવ્યો. " હાય ભાભી " કહી તરત તેને ગળે મળી.

" કેમ છો ભાભી " સાવ પાતળી ને દેખાવે શાંત લાગતી સાદા ડ્રેસમાં ઉભી હતી.

"બરાબર ,તું કેમ છો?" જિજ્ઞાએ કહ્યું.

" 'તું' નહીં 'તમે' કહેજે તારી નણંદ છે ." ધર્મેશે એ વચ્ચે બોલ્યું. ધર્મેશનું આવું વર્તન જોઈ મૂંઝાઈ ગઈ .

" પણ દિપુ મારાથી બે વર્ષ નાની છે તો હું તું કહી શકું." જિજ્ઞાએ સહજ રીતે કહ્યું.

" એ તારે નક્કી નથી કરવાનું. અમે કહીએ એમ જ હાલવાનું છે હવે. તું આ ઘરની વહુ છો હવે. દિપુ કહે એમ જ કરવાનું છે તને." ધર્મેશ જાણે તેના પર રોપ જમાવતો હોય તેમ કહ્યુ.જિજ્ઞાને આ બધું અજીબ લાગતું હતું કે હજી હું આ ઘરમાં પ્રવેશી નથી ને આ બધું શું થઈ રહ્યું છે?

" ભાભી અંદર ચાલો બધા તમારા સ્વાગત માટે તૈયાર ઉભા છે." દિપુ એ દરવાજો ખોલતાં કહ્યું ને તરત અંદર ચાલી ગઈ.

" આવી તું તારી જ વાટ જોતા હતા." એકદમ જાડી સરખી દેખાતી, માથામાં મોટો લાલ ચાંદલો, મોઢો જાણે કોઈ પોલીસના કેમ એકદમ કડક હાવભાવ હોય તેવું, લાલ રંગની બાંધણીની ગુજરાતી સાડી પહેરેલી ને હાથમાં આરતીની થાળી લઇને એક બહેનને આવતાં જોયા.દરવાજામાં પ્રવેશતાં મોટો રેતીનો આંગળો ને અંદર એક બીજો દરવાજો પડતો હતો. દરવાજાનું વર્ણન તો એવડું ન થાય કારણ કે ગામડું છે એટલે દરવાજાની માથે સાંકળ જેવી કડી હતી. જિજ્ઞા અંદર પ્રવેશીને 2 પગથિયાં ઉપર એક મકાન હતું ત્યાં દરવાજા પાસે ઉભી રહી. જિજ્ઞા-ધર્મેશની આરતી ઉતારી ને કંકુના પગલાં કરાવી ગ્રહપ્રવેશ કરાવ્યું.


*

જુલાઈનો મહિનો બપોરના 2:10 મિનિટે એક ઓફિસનો દરવાજો ખોલી જિજ્ઞા પ્રવેશી. સામે ધર્મેશ ને તેના પિતા ચંદ્રકાન્ત ઉભા હતા.

" બંને આમાં સાઈન કરો. " ત્યાં રહેલાં એક કર્મચારીએ કહ્યું. તે સ્ટેમ્પ પેપર લખ્યું હતું," લગ્ન વિચ્છેદનો પ્રમાણપત્ર "જિજ્ઞાના હાથ કાપતાં-કાપતાં પેપર તરફ ગયા ને માંડ પેન ચાલતી હતી.મનમાં રહેલાં વિચારોમાં અટવાઈ ગઈ. ડિવોર્સની નોટરી થઈ ગઈ ત્યાં સુધીમાં એક પણ વાર ધર્મેશે કંઈ કહ્યું નહીં.

" તું જ્યાં પણ રહે ત્યાં ખુશ રહે એવા મારા આર્શીવાદ છે." પડછંદ અવાજ સાથે જિજ્ઞાની સાસુ સંગીતાએ કહ્યું. જિજ્ઞા કાંઈ બોલી ન શકી પણ મનમાં એવું થતું હતું કે એક થપ્પડ લગાવું.

જિજ્ઞા અચાનક વિચારોમાં ચાલી ગઈ.સવારનાં 6:30 એ ઉઠતી જિજ્ઞાને આજે તાવ આવતો હતો.

" ધર્મેશ મમ્મીને કહે આજ મજા નથી આવતી." પલંગ પર સૂતા-સૂતા જિજ્ઞાએ ધર્મેશ સાથે વાત કરી.

" તું કહી દે મને સુવા આપ."

જિજ્ઞાથી ઉઠાતું પણ નહોતું. જોરાઈ ઉઠી પોતાના રૂમનો દરવાજો ખોલી બહાર ગઈ.

" મમ્મી આજે મજા નથી આવતી શરીરમાં તો જરાક વાર સુઈ જઉં ? " જિજ્ઞા એ વિનંતી કરી.

" ના ઘરના કામ કોણ કરશે ? નોકરાણી રાખી નથી મેં કરવા માટે અને દિપુ પણ નહીં કરે. તું વહુ છો આ ઘરની તો તારે જ કરવું પડશે. હમણાં દૂધવાળો આવશે જા તપેલી કાઢી આવ ને પછી કપડાં ધોવા બેસ." પટ્ટીવાળા ખાટલા પર સૂતી ખાલી જિજ્ઞાની સાસુ બોલી.

" હા,મમ્મી "

જિજ્ઞાને ખૂબ જ ગુસ્સો આવ્યો પરંતુ તરત કામ કરવા લાગી ગઈ.બહાર રહેલો ધૂળનો આંગળો ઝાડુથી સાફ કર્યું.પછી કપડાં ને વાસણ ધોઈ નાહવા ગઈ.ઘરમાં બે રૂમ, રસોડું ને એક હૉલ પરંતુ માથે છત નળિયાંની હોવાથી આખું ઘર ધૂળવાળું ભરાઈ જતું. જિજ્ઞા રોજ 3 વાર કચરા-પોતા કરતી. બધું જ કામ પતાવવામાં 11 30 થઈ જતા ને પછી તરત રસોઈનો સમય થઈ જતો.

" ધર્મેશ ક્યાં જાઓ છો? " જિજ્ઞા એ ચિંતામાં કહ્યું.

" નખત્રાણા જઉં છું."

" મને લઈ જાઓ આજે "

" ના તારું ત્યાં કઇ કામ નથી." ધર્મેશે બૂટની દોરી બાંધતા કહ્યું.

" પણ મને અહીં ગભરામણ થાય છે. મમ્મી ને દિપુ મારી સાથે ખરાબ વર્તન કરે છે ને તમે આવો ત્યારે વર્તન જુદું હોય છે . " આજે જિજ્ઞા એ પહેલીવાર ધર્મેશ સામે પોતાના દિલની વાત કહી . કારણ કે ધર્મેશ કોઈ દિવસ તેની પૂછા કરતો નહીં.

" શું બોલશ તું ? સમજ છે કે નહીં દિપુ ને મા તને કેટલું સારું રાખે છે. તારે એમની વાત માનવી જોઈએ."

" તમે ક્યાં અહીં હો છો કે ખબર હોય તમને? કાંઈ કમાતા તો છો નહીં ને ઘણી ઘણી નખત્રાણા ભાગી જાઓ છો . આજે મને લઈને જાઓ નકર હું તમને પણ જવા નહીં દઉં." આજે જિજ્ઞા ખૂબ જ ગુસ્સામાં હતી.

અચાનક એક હાથ જોરથી તેના મોઢા તરફ આવ્યો. ધર્મેશે જોરથી થપ્પડ લગાવી દીધી ને ઘરમાંથી બહાર નીકળી ગયો.જિજ્ઞા રડતી જ રહી.

" જરૂર શું હતી તારે બોલવાની ?" જિજ્ઞાની નણંદ દિપુ એ આક્રોશ ઠાલવ્યો.

" તો શું અહીં ઘરની નોકરાણી બનીને જ રહું ?? તમે દબાવો ને હું દબાવું ?"

" હા તો લગ્ન કરવાની જરૂર શું હતી ? ખબર જ હતી ને કે ધર્મેશનો ઠેકાણો નથી. તું મુરખી છો કે આવી અહીં."

દિપુની દલીલનો જિજ્ઞા સામનો ન કરી શકી.

અચાનક જિજ્ઞા ભાનમાં આવી. આંખમાં આંસું હોવાના કારણે ધૂધળું દેખાતું હતું.

" અમારા દાગીના આપી દે. " સંગીતાએ તેને કાનની બુટી, ઝીણા સાંકરા બસ બે જ છોતા જેવા દાગીના આપ્યા હતા. જિજ્ઞા પહેલેથી એક નાની ડબીમાં લઈ આવી હતી.તે પરત કર્યા.

" હાલ અહીં શું ઉભી રહી ગઇ." દેખાવે શાંત પરંતુ જિજ્ઞાના પપ્પા એ એક પણ વાર ધર્મેશને કાંઈ કહ્યું નહતું.કારણ કે જિજ્ઞાએ તેની મરજીથી લગ્ન કર્યા હતા.


*

" જીવનમાં ક્યારેક આપણે ધારીએ એ થતું નથી." જિજ્ઞાની માઁએ તેની આંખમાં રહેલા આંસું લૂછતાં બોલ્યાં.મનમાં જ વિચારતાં હતા કે " આ શું થઈ ગયું મારી દીકરી સાથે ? તેનું જીવન ખરાબ થઈ ગયું.ધર્મેશ પણ સમજ્યો નહીં."

" શું કરું હું મમ્મી ? ધર્મેશ કેમ ન સમજ્યો મને ? શું તે મને પ્રેમ નહોતો કરતો?" ધ્રૂસકે ધ્રૂસકે રડતાં જિજ્ઞા બોલી.

" તું ચિંતા ન કર બધું બરાબર થઈ જશે." જિજ્ઞાના મમ્મી આ કહેતાં દુકાન ચાલીગયા.પાછળથી જિજ્ઞા ખૂબ જ રડતી રહી અને વિચારોમાં ક્યાંક ચાલી ગઈ.


*

"આજે શેનું શાક બનાવું મમ્મી ?" જિજ્ઞા રોજ રસોઈ પૂછીને જ બનાવતી.

" દૂધી-બટેકા " તેણીએ જવાબ આપ્યો.

' ભલે ' કહી રસોઇ કરવા બેસી ગઈ.

સમય જતાં દિપુ અને તેની સાસુ સંગીતા જિજ્ઞા પર રોપ જમાવા લાગી.કારણ કે જિજ્ઞા બીજી કાસ્ટની હતી.ધર્મેશ કંઈ કમાતો નહોતો તેથી જિજ્ઞાનું માન પણ ઘરમાં નહોતું.જિજ્ઞાનું પણ ધર્મેશ માનતોનહીં તેની સાજિજ્ઞા સાથે ઝગડા કરાવતી.

" મારે અલગ રહેવું છે. મને ભેગામાં નહીં ફાવતું."જિજ્ઞા એ આજે કહી જ નાખ્યું.

" કેમ અહીં શું છે તને ?? "ધર્મેશે ધ્યાન ન દીધું જિજ્ઞાની વાત પર.

" દિપુ ને માઁ સાથે નહીં રહી શકું...તમે હોવ ત્યારે અલગ વર્તન કરે છે ને દિપુ તો મને બોજ કહે છે ...." કહેતાં આંખમાં આંસું આવી ગયા.

" હવે રોવાનાં નાટકકર ખોટા .....!" આટલી સ્પષ્ટતાથી કહેવા છતાં ધર્મેશ તેની વાતમાં ધ્યાન નથી આપતો.ધર્મેશ ખૂબ ગુસ્સામાં હતો.

" તારે અહીં રહેવું જ પડશે અને માં અને દિપુનું સાંભળવું પણ પડશે.બહુ બોલસ ને બધા સામે એ નહીં હાલે અને એવું જ તને છે તો મારાથી લગ્ન શું કામ કર્યા.??"જિજ્ઞા પલંગ પર સૂતી રડતી રહી.

" પહેલા ખબર નહોતી કે તમે આવા નીકળશો."

" સૉરી હવે તને કઈ નહીં કહું પણ તું શાંતિથીરહે અહીં." ધર્મેશ તેનો ઘડીયાળ ઉતારતા બોલ્યો.

" અહીં સાથે નથી રહેવું મારે આપણે અલગ રહેશું. માઁ ને કહી દ્યો કે અલગ રહેવા હા પાડે."જિજ્ઞાએ અકળાઈને કહ્યું.

" આ વૈશાખ મહિના પછી હાલશું. "

" તમે કામ શરૂ ક્યારે કરો છો? કમાયા વગર અલગ નહીં રહી શકાય ને મને ભેગામાં ગુંટાઈને નથી રહેવું."

" ભલે " કહી ધર્મેશ પણ સુઈ ગયો.

જિજ્ઞા દિવસ ગણી ગણીને ત્યાં શાંતિથી રહેતી હતી.વૈશાખ પૂર્ણ થઈ ગયો ને અષાઢી બીજ આવી.જિજ્ઞાની ફ્રેન્ડ કિંજુ એ કહ્યું કે તેનું રીઝલ્ટ આવી ગયું છે તે લેવા માટે જિજ્ઞા તેનું મમ્મીના ઘરે રોકવા આવી. સાસરાવાળાને તો નહોતું ગમતું કારણ જિજ્ઞા તે લોકોની પોલ જાણી ચુકી હતી. તોય ધર્મેશના કહેવાથી જિજ્ઞા પાછી પિયર આવી. જિજ્ઞા પપ્પા તેને પાંચ મહિને મળ્યા.ત્યાં સુધી જિજ્ઞાની કોઈએ પૂછા નહોતી કરી.

જિજ્ઞા આવી પછી તેના ઘરમાં ખબર પડી કે જિજ્ઞા ત્યાં કેમ રહેતી.એટલે ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો. જિજ્ઞાને ડિવોર્સ નહોતા આપવા પરંતુ ધર્મેશ છેલ્લા સમય પર ફરી ગયો હતો.જિજ્ઞાને ક્યારેક વિચાર આવતો કે આટલું બધું થઈ ગયું પરંતુ અમારા તો લવ મૅરેજ હતા તો પણ ધર્મેશ સમજ્યો નહીં. કહેતો હતો કે તું ડિવોર્સ પેપર લઈ આવે તો પણ હું સાઈન નહીં કરું તો આ શું થઇ ગયું ???



*

"મમ્મી હું મારું ભણવાનું શરૂ કરું?? " જિજ્ઞાને હવે આ બધું ભૂલી આગળ વધવું હતું.

" ના તારા પપ્પા નહીં માને....!"

" હું વાત કરીશ."

" ભલે ના પાડે ને તો બહુ જીદ ન કરતી."

"ભલે " કહી જિજ્ઞા કામમાં લાગી ગઈ.

તેના પપ્પા રોજ 9 વાગ્યે ઘરે પરત ફરતા ત્યારે જમીને શાંતિથી આંગળામાં બેઠા હતા ત્યારે જિજ્ઞાએ વાત શરૂ કરી. " પપ્પા હું ભણવાનું પૂરું કરું મારુ ?"

" હવે શું કરીશ ભણીને "સમાજના ડરથી તેઓ ના પાડતા હતા.

" પણ આમે હવે મારે પરણવું નથી તો ઘરે રહીને શું કરું ? " જિજ્ઞાએ પોતાનો પ્રસ્તાવ મૂક્યો.

" ભલે ભણી લે પણ હવે આવી કઈ ભૂલ ન થવી જોઈએ નકર પછી પરણાવી દઈશ.

" હા પપ્પા હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું હું ." કહેતા ખુશ થઈ ગઈ. કચ્છ યુનિવર્સિટીમાં એમ..એ.માં પ્રવેશ મેળવીને પોતાના સપનાંઓ પુરા કરવાનો નિર્ણય લીધો.


*

ડિવોર્સ પછી સમાજમાં સ્ત્રીનું સ્થાન નિમ્ન માનવામાં આવતું. " આવી સ્ત્રીને ઘરે બહુ દિવસો રખાય નહીં." તેવું સમાજનું માનવું હતું.આવી પરિસ્થિતિમાં શું કરવું ને શું ન કરવું તેનાથી મગજ ચકરાવે ચડી જતું.જિજ્ઞા ભણેલી હતી છતાં આવા આંટામાં આવી ગઈ હતી. આવી સ્ત્રી જો સમાજ વિરુદ્ધ જઈ કારકિર્દીમાં આગળ વધવા માંગે તો સંબંધીઓ ઘરે આવી ને કહી જાય કે જલ્દી પરણાવી દ્યો. આવું થઈ ગયા પછી સ્ત્રીને ઘરમાં ન રખાય.સ્ત્રીને કતપુતળીની જેમ ક્યારેય નચાવવી જોઈએ નહીં. ભૂલ બધાથી થાય પણ તેનાથી તેનું માન ઓછું કરવામાં કેમ આવે છે???સસરામાં જિજ્ઞાનો વસ્તુ તરીકે ઉપયોગ કરવામાં આવતો તેથી ત્યાંથી નીકળી ગઈ તે પણ સારું જ થયું.સમાજની માનસિકતા તો ન બદલી શકાય પરંતુ આપણે ધારીએ તો આપણા સપના પુરા કરી શકીએ.જિજ્ઞાને પણ આ બધામાંથી બહાર નીકળવાનો માર્ગ નહોતો મળતો પણ એ બધું સાથે રાખવાથી તો દુઃખ જ ઉભું થાય તેથી તે તરફ ધ્યાન ન આપતાં પોતાના સપનાઓ પુરા કરવા કરવામાં મથતી રહી.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED