sarita ni seva books and stories free download online pdf in Gujarati

સરિતાની સેવા

" નિતા, પેલાને ખાવાનું આપવા જા તો ! " પુખ્ત વયની સ્ત્રી પોતાના ભારી થયેલા અવાજ સાથે બોલી.
" પણ મને પહેલા મંદિરે જવું છે. આવીને હું કામ પતાવી લઈશ. " જાણે જવાની ઉતાવળ હોય એમ જલ્દી ચાલી ગઈ.
" ભલે તું જા! હું ભીખાભાઈને કહી દઉં છું."સામે તેણીએ પ્રત્યુત્તર આપ્યો.
ભીખાભાઇને સામે આવતાં જોયા.દેખાવમાં પીઢ, મક્કમ ને માનભેર વટથી ચાલતાં ચાલતાં આવતા હતા. હાથમાં મોટી તપેલી હતી. જેમાં રોટલીઓનાં થપ્પા ભરેલા હતા.પેલી પાસે આવી પહોંચ્યા.
" સરિતાબેન,આજે આ જમવાનું કઇ જગ્યાએ આપવા જવાનું છે ?" ઉંમરમાં થોડા મોટા હોવાથી ખખડી ગયેલો અવાજ આવ્યો.
" પેલા નાકાં પાસે સાંકળી શેરી જોઈ છે? ત્યાં નાના નાના અનેક બાળકો રમતાં હોય છે, એમના ઘરો પણ ત્યાં જ હશે તો આપણે આજે ત્યાં જશું." જોશ ભર્યા અવાજ સાથે સરિતાબેનએ કહ્યું.
" તમે પેલી ગાડી મંગાવી લીધી?" ભીખાભાઇ બોલ્યા.
" હા, અમને ફોન કરેલો છે ,આવતાં જ હશે. ત્યાર સુધી તમે ત્યાં લઈ જવાનો સામાન અહીં રાખી દો." સરિતાબેન આમતેમ જોતાં બોલ્યા.
ભીખાભાઇ બધો સામાન લેવા ગયા ત્યાં તો ગાડી આવી પહોંચી.
" ભીખાભાઇ ચાલો ગાડી આવી. " સરિતાબેનએ જોરથી બૂમ પાડી.
ભીખાભાઇએ આવીને બધો સામાન ગાડીમાં રાખ્યો અને બંને નાકાં બાજુની શેરીએ જવા રવાના થયા. નાકાં સુધી તો ગાડી આવી પહોંચી. પરંતુ શેરીમાં ગાડી જઈ શકે તેમ નથી.માટે સામાન જાતે જ ઉપાડીને સાંકળી શેરીમાં પહોંચ્યા. શેરી તો ખૂબ જ સાંકળી. ચાલવામાં પણ તકલીફ પડે. બધા નાના નાના નળિયાવાળા ઘરો હતા. તેને ઝૂંપડપટ્ટી તો ન કહી શકાય કારણ કે ત્યાં વસતાં લોકો માટે ઘર જ છે. સામાન ઉપાડી પહેલાં ઘરના નાનકડાં માટીના ઓટલા પાસે મૂક્યાં. સામે નાના બાળકો રમતા હતા. કપડાં પણ તૂટેલા-ફાટેલા અને પાણી ન આવવાથી કેટલાંય સમયથી નાહ્યા નહીં હોય તેવા ફરતાં હતા.કહેવાય છે ને કે આપણે જેવી પરિસ્થિતિઓમાં ઉછર્યા હોઈએ તેવી આદત પડી જાય છે.
સરિતાએ બૂમ પાડી," છોકરાંઓ બધા અહીં આવો."
"હા માસી, શું થયું ? " તેમાં રહેલો એક છોકરો બોલ્યો.
" તમારા મા-બાપુને બોલાવી આવો, એમને કહેજો કે સરિતાબેન ભોજન આપવા આવ્યા છે." સરિતાબેન બોલ્યા. ભીખાભાઇ પણ તેમની વાત સાંભળીને તરત જ કાગળની થાળી-વાટકા કાઢવા ગયા.
નાના છોકરાંઓ દોડવામાં તો તેજ જ હોય. તેઓ ઝડપથી પોતપોતાના મા-બાપુને બોલાવી આવ્યા. તેમની પરિસ્થિતિ એવી હતી કે તેઓને ખાવાનું પણ માંડ નસીબ થતું. સુકાયેલાં લાગતા, મોઢા કરમાઈ ગયેલા,હાડકાં પણ બહાર આવી ગયેલા તથા કપડાં પણ તૂટેલા-ફાટેલા પહેર્યા હતા.
' નમસ્તે ' -પોતે બધાને આદરથી બોલાવવાના વ્યક્તિત્વ સાથે સરિતાબેનએ કહ્યું.
" જી નમસ્તે! તમે કોણ? " એક બહેનએ પૂછ્યું.
"મારું નામ સરિતા છે અને હું ગરીબ વસ્તીમાં જઇ ને ખાવાનું પહોંચાડું છું. આ અમારા ભીખાભાઇ છે. જે એક વર્ષથી અમારી સાથે આ કાર્યમાં જોડાયેલા છે." સરિતાબેન ભીખાભાઈને ખાવાનું કાઢવાનો ઈશારો કરતા બોલ્યા.
' ખૂબ સરસ. ' પ્રત્યુત્તર મળ્યું.
" ચાલો બધા અહીં ઓટલા પર બેસી જાઓ. અમે તમને ભોજન પીરસી આપીએ. "
બધા એક બાજુએ બેસી ગયા. રોટલી,બટેકાનું શાક,ભાત થાળીમાં પીરસીને બધાને ભરપેટ જમાડ્યા.તેઓ એટલા ભૂખ્યાં હતા કે ઝડપથી જમી લીધું. ગાડીમાં પાછો સામાન રાખી બંને પરત ફર્યા.પહોંચીને જોયું તો નિતા ત્યાં આવી ગઈ હતી .ભીખાભાઈ બધો સામાન લઇ રસોઈઘર તરફ ગયા.સરિતા નિતા પાસે આવી પહોંચી.
" નિતા તું ક્યારે આવી ? " સરિતા બોલી.આ નિતા અને સરિતા બંને ખાસ બહેનપણીઓ છે. એકબીજાં પાસે બધી પોતાના મનની વાત મૂકી શકે.
" અડધી કલાક પહેલાં આવી છું. તારી રાહ જોતી હતી. ફોન પણ કર્યો હતો તે ઉપાડ્યો નહીં. એટલે અહીં આવી." નિતા થોડું ગુસ્સે થતી બોલી.
" તને ખ્યાલ તો છે કે હું આ સમય પર બહાર હોઉં છું." સરિતા તને સમજાવતાં બોલી.
' ભલે ' - નિતાએ ઉદાસ થઈને માથું નમાવી નાખ્યું.
" શું થયું કેમ ઉદાસ છો? "
" પેલા રાજ સાથે ઝઘડો થયો. એટલે હવે મને એના જોડે નથી રહેવું." આ બોલતાં જ રડવા લાગી.
સરિતાએ સમજાવતાં કહ્યું, " અરે ! પહેલાં તું રડવાનું બંધ કર અને શાંતિથી સાંભળ. પતિ-પત્ની વચ્ચે કંઇ પણ વાતમાં ક્યારેક ઝગડો થઈ જાય,પરંતુ અલગ થવું તેનો ઉપાય નથી.શાંતિ રાખીને તેનો ઉપાય વિચાર થઈ જશે બરાબર."
"તો પેલો રાજ સમજતો કેમ નથી કે હું સાચી છું? મારો વાંક હોય તો હું સ્વીકારી લઉં છું." હજી પણ રડતાં જ બોલતી હતી."તારી સાથે પણ આવું થયું હતું ને ? એટલે તું અહીં સેવા કાર્યમાં જોડાઈ શકી."
આ સાંભળતાં જ સરિતા તેના ભૂતકાળમાં સરી પડી અને આંખોમાં જાણે ભૂતકાળ નાટક ભજવી રહ્યું હતું એવો પડછાયો દેખાયો.
" સરિતા મારો રૂમાલ અને ટિફિન આપ. ક્યારનો કહું છું તને નથી સમજાતું ? સરિતાનો પતિ રોહિત બૂમ નાખીને બોલ્યો.
" બધું તૈયાર છે,આપું છું. " રસોડામાંથી સરિતાનો અવાજ આવ્યો.
" ઓય, નકામી ક્યાં મરી ગઈ છો? અહીં મને ચાય તો આપ." ખાટલામાં બેઠાં બેઠાં, મોઢામાં બજજર ભરાવતાં,સરિતાને બૂમ પાડતાં તેના સાસુ બોલ્યા. એવા સાસુ જે વહુને ક્યારેય પણ સુખેથી બેસવા ન આપે.
ચૂલ્લામાં ચા ચડાવીને તેના પતિ માટે ટિફિન ભરી-રૂમાલ લઈને આપવા ગઈ. પરત ફરીને જોયું તો ચા ઉભરાઈ ગઈ હતી ઝડપથી ચૂલ્લો ઠારવા ગઈ તો તેનો હાથ દાઝી ગયો.
" ચાય હવે આપવાની છે કે નહીં? ઘરના બીજા બધા કામ પણ એમ જ પડ્યા છે ક્યારે કરીશ એ ? " ખાટલા પાર બેસીને માત્ર હુકમ જ ચલાવતા.
" હા, માજી આપું છું." કહી તરત જ ચા બનાવી આવી અને પછી
બીજા કામો પતાવ્યાં ત્યાં તો રાત પડી ગઈ. પોતે આખો દિવસ કામમાં જજુમતી રહે છે. પરિવાર માટે પોતાનું અસ્તિત્વ પણ ગુમાવી નાખ્યું છે.આખો દિવસ કામ કરવાથી પણ તેના પરિવાર તરફથી તેને અપજસ જ મળે છે. આજે સરિતાને ઊંઘ નહોતી આવતી. તે ક્યાંક વિચારોમાં ચાલી ગઈ હતી. "મારા લગ્નને માત્ર બે જ વર્ષ થાય છે.અત્યારથી હું આ ઘરમાં એટલી ગૂંચવાઈ ગઈ છું કે બહાર જવાનો કોઈ માર્ગ પણ નથી સૂઝતો. આ બધામાં મારી જિંદગી શું? શું મને મારા સપનાઓ પુરા કરવાના મને કોઈ હક્ક નથી? મારી તો માત્ર એ જ ઈચ્છા છે કે હું જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજન પૂરું પાડું. પરંતુ હું આ ઘરમાં રહીને નહીં કરી શકું. હું ભણેલી છું. ચાહું તો આ કાર્ય કરી શકું છું." મનમાં જ સ્વ-માટે મથામણ કરતી અને છેવટે નિર્ણય લીધો આ બધામાંથી છૂટી પોતાના સપના પૂરા કરવાનો અને સવાર પડતાં જ નિતાના ઘરે ચાલી ગઈ.
" સરિતા, કયાં ખોવાઈ ગઈ. તું રડ નહીં પ્લીઝ. હું જાણું છું કે તું ત્યારે સાચી હતી એટલે આ પગલું ભર્યું." તરત ભાનમાં આવી.તેને બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું. થોડી વાર પછી તેઓ ઘરે ગયા.સરિતા ભાડે ના મકાનમાં રહેતી હતી. તે આ સેવા કાર્યના ખર્ચા પુરા કરવા માટે ઘરે સિલાઈ કામ કરતી હતી. સવાર થતા જ પોતાના કામમાં વ્યસ્ત થઈ જતી.
રોહિત આજે પોતાનું કામ ઘરે જ કરતો હતો. કમ્પ્યુટરમાં ચાર કલાક કામ કરવા થઈ માથામાં દુખાવો થયો.
" મા !!! ચા તો બનાવી આપ." બૂમ પાડી.
" હા બેટા, બનાવી આપું છું." કહી ચા બનાવીને તરત આપવા આવ્યા. દરવાજામાં રોહિતનો મિત્ર નિખિલને ઊભો જોયો અને બંને ચા પીવા બેઠાં. માજી અંદર ચાલી ગયા.
" શું ચાલે રોહિત ?" નિખિલ તેના હાલ પૂછવા લાગ્યો.તે તેનો શાળાનો ખાસ મિત્ર એટલે તેનાથી મન ખોલીને વાત મૂકી શકતો.
" કંઈ નહીં બસ રોજ સરિતાની યાદ આવે છે.પરંતુ ક્યાંય તો ત્યાં મારો વાંક જ આવે છે. હું તેનો સાથ આપી ન શક્યો. તેથી તેણે આવું પગલું ભર્યું." રોહિતનો અવાજ રડતો હોય તેવો થઈ ગયો. તેને એ વાતનો પસ્તાવો અનુભવતો હતો.
નિખિલે તેને સમજાવતાં કહ્યું," રોહિત, મારી એક વાત માન સરિતાભાભીને પાછી મનાવીને ઘરે લઈ આવ. તને ખબર છે ? સરિતાભાભીએ આપણા ગામમાં સેવા ચાલુ કરી છે.ભાભી કેટલા હોશિયાર કહેવાય કે આવા સેવાના કામમાં પોતાનું યોગદાન આપ્યું."
" હા મને સમાચાર મળ્યા." રોહિતે કહ્યું.
" તો તું માફી માગીને પાછી લઈ આવ અને તેના આ કાર્યમાં પૂરો સાથ આપ." હવે રોહિતે આ સાંભળી પોતાનું મન દ્રઢ કરીને સરિતાને પાછી લાવવાનો નિર્ણય લીધો.
બીજા દિવસે સવારે રોહિત સરિતાને મનાવવા તેના ઘરે ગયો.ઘરે પહોંચ્યો તો સરિતા બહાર જ રસોઈનું કામ કરતી હતી .અચાનક તેની નજર રોહિત પર પડી. અચાનક રોહિતને જોતાં ગભરાઈ ગઈ. તેના આંખમાં આંસું આવી ગયા.
" કેમ છે સરિતા ? "
' બરાબર ' સરિતા પોતાના આંસું લૂછતાં બોલી.
" સરિતા,તું ઘરે પાછી આવી જા ને ! મા-ને અને મને તારી જરૂર છે." રોહિત સરિતા સામે વિનંતી કરતો રહ્યો. પોતાની ભૂલની માફી માંગતો રહ્યો.
" પરંતુ મને આ સેવા કાર્યમાં જ પોતાનું જીવન વ્યતીત કરવું છે." સરિતાએ પોતાનો પ્રસ્તાવ મુક્યો.
" હું તારા બધા જ કાર્યમાં પૂરો સાથ આપીશ અને મા-ને પણ મનાવી લઈશ. તું માત્ર પાછી ઘરે ચાલ. " રોહિત બોલ્યો.સરિતા પણ જવા તૈયાર થઈ ગઈ. સરિતા પહેલાં ભીખાભાઇ સાથે ભોજન આપી આવી અને પછી પોતાનો સામાન લઈને રોહિત સાથે પાછી ઘરે આવી. તેની સાસુનું વર્તન પણ તેની સાથે સારું થઈ ગયું. સરિતા આ જ કાર્યમાં પ્રવૃત્ત રહી.
થોડાંક જ દિવસમાં રોહિતે સરિતા માટે એક મકાન લઈ આપ્યું જેમાં તે પોતાનું આ કાર્ય કરી શકતી. ગરીબ લોકો માટેની આ વિચારસરણી ગામમાં ફેલાઈ ગઈ. તેને પોતાના જીવનને સાર્થક કરવા માટે આ કાર્યએ તેને પ્રોત્સાહન ગામમાં બધા લોકો તરફથી મળ્યું. તેની આ સેવાને ' સરિતાબેનની સેવા ' કહેવા લાગ્યા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED