પ્રકરણ - ૧૯
કર્તવ્ય મિસ્ટર નાયકની મિશન બંધ કરવાની વાત સાંભળીને હેબતાઈને એમની સામે જ જોઈ રહ્યો.
એ થોડીવાર ચૂપ રહીને બોલ્યો, " અંકલ મને સમજાતું નથી કે જેટલો ઉત્સાહ આ મિશન માટે તમારો હતો એટલો તો કદાચ મારો પણ નહોતો. તમે તો આ મિશનનું હ્દય છો તો આમ કેમ ઢીલાં પડી ગયાં? તમારો ઉત્સાહ કેમ આમ અચાનક મીણની જેમ પીગળી ગયો?"
"પણ આટલું મોટું કામ આટલાં ઓછાં માણસો અને એમાં પણ મારાં જેવાં માણસો દોડી પણ ન શકે, વળી વિરોધી લોકો મિશન પુરુ ન થાય એ માટે ખેચમતાણ કરી રહ્યાં છે, તો તું એકલો ક્યાં મથીશ? તારી પોતાની પણ કારકિર્દી તો છે ને? તું તો હજું ફુટડો યુવાન છે."
કર્તવ્ય : " મને ખબર છે મારે શું કરવાનું છે. હું મારું કામ પણ સાથે કરું જ છું. મારાં માટે મિશન એક બોઝ કે જવાબદારી નથી પણ એ મારાં માટે એક પડકાર છે. અંકલ તમે મને એક વાત કહો કે તમે તમારી કંપની અને બિઝનેસ શરૂ કર્યો ત્યારે તમે ડાયરેક્ટ આજે જગ્યા પર છો એ ટોપ પર પહોંચી ગયાં છો? એમ જ તમને આ પોસ્ટ, પ્રસિદ્ધિ, પૈસા મળી ગયાં છે?"
મિસ્ટર નાયક થોડાં ભૂતકાળને વાગોળતાં બોલ્યાં, " બેટા સાચું કહું તો હું સાવ સામાન્ય ઘરમાંથી આવું છું. પણ બસ કંઈ કરવાની લગને મેં પહેલાં નાનકડી ભાડાની જગ્યામાં લોન લઈને નાની એવી કંપની ચાલું કરેલી. એમાં પણ નાઈટ શિફ્ટમાં મારાં નોલેજ અને ભણતરને કારણે કંપનીનાં માલિક તરીકે આબરુ ના જાય એ માટે કોઈને ખબર ન પડે એ રીતે નોકરી કરતો. આમ કરતાં કરતાં રાત દિવસ પરસેવો પાડ્યા પછી આજે વર્ષો પછી આ પોઝિશન પર પહોંચ્યો છું. એ સમયે એક સત્ય હકીકત કહું તો જે આજ સુધી કોઈને ખબર નથી. એ વખતે લગ્નની ઉંમરે ઉજળિયાત કોમ હોવાં છતાં પણ ઘરની ખરાબ આર્થિક પરિસ્થિતિને કારણે મારાં લગ્ન નહોતાં થતાં. ત્યારે બીજાં રાજ્યમાંથી કોઈ સંબંધીની ઓળખાણથી એક સાવ સામાન્ય ઘરની પણ હોશિયાર છોકરીને હું અને મારી પરિવારજનો લગ્ન કરીને લાવેલા."
કર્તવ્ય નવાઈ પામતા બોલ્યો," શું એ જ મિસિસ કવિતા નાયક એ તમારા પત્ની છે?"
"હા, વિશ્વાસ નથી આવતો ને? એ સાવ સામાન્ય પરિવારની દીકરી કોણ જાણે એનાં પિયરનાં પરિવારમાં તો લક્ષ્મીદેવીને ન રીઝવી શકી પણ મારાં પરિવારમાં પૈસાની રેલમછેલ કરાવી દીધી."
કર્તવ્યને વાતમાં દિલચસ્પી થવાં લાગી, " એ બોલ્યો એવું કેવી રીતે?"
"એ ભલે દસ ધોરણ ભણેલી હતી એની સામે હું પોસ્ટ ગ્રેજ્યુએટ. પણ એની વાક્છટા, કોઈ પણ કામની લાંબુ વિચારીને પૂર્ણ કરવાની એની સૂઝબૂઝ, ઓછાં ખર્ચે પણ નિભાવ કરવાની સાથે બચત કેમ કરવું એની ગજબની કૂનેહ સાથે જ એણે મારાં માતા-પિતાને પણ એટલાં સાચવ્યાં છે કે એનાં જેવી પત્ની મેળવીને હું ધન્ય થઈ ગયો એટલું જ કહું તો ચાલે.
ધીમેધીમે એ ઘરમાં સેટ થઈ, મારાં જીવનમાં પણ સેટ થઈ ગઈ પણ એની દરેક ચહલપહલને હું નીહાળતો કે એ કદી થાકે નહીં, સાવ જુદી જ્ઞાતિ તો ઠીક પણ મારાં પરિવાર કરતાં સાવ અલગ વાતાવરણમાંથી આવેલી બધાં જ સાથે એ ભળી પણ જતી. એણે મારાં જીવનમાં રોનક લાવી દીધી. દરેક કામમાં એનો ઉત્સાહ હંમેશાં હોય ક્યારેક થાક શબ્દ એનાં મોંઢા પર સાંભળ્યો નહોતો.
ધીમેધીમે મેં એની ધગશને લીધે એક્સ સ્ટુડન્ટ તરીકે એક્ઝામ અપાવીને ગ્રેજ્યુએશન પૂરું કરાવ્યું. શરૂઆતમાં તો લગ્ન બાદ શરું કરેલી એ નાની ઓફિસનું મેઈન્ટેનન્સ કાઢવું પણ અઘરું પડતું. એણે પોતે પણ એની આવડતથી એક નોકરી શોધી દીધી એનાંથી મને ટેકો થવા લાગ્યો. પણ એ જે રીતે નાની જગ્યાએ પણ પોતાનો વિકાસ કરી રહી હતી એ જોઈને મને લાગ્યું કે કવિતા બીજે કામ કરે એનાં કરતાં મારી સાથે જ કામ કરે તો એકબીજાનો સપોર્ટ મળશે અને પ્રગતિ પણ થશે.
થોડાં સમયમાં તો 'ધી ઢોળાયું તો ખીચડીમાં' બેયની મહેનત રંગ લાગી. ધીમે ધીમે પ્રગતિ અમને સ્પર્શીને આકર્ષી રહી હોય એવું લાગ્યું. ને પછી તો સમય જતાં અમારી દીકરી અને દીકરાનો જન્મ થયો. બધું જ જાણે સરળ રીતે ચાલવા લાગ્યું. ને આજે દુનિયાની આ ગળાકાપ હરીફાઈ જેવી અઢળક ભીડમાં પણ આ જગ્યાએ પહોંચી શક્યો છું."
કર્તવ્ય ખુશ થઈને બોલ્યો, " ઓહો આવી જીવનસાથી મળવી બહું નસીબની વાત છે. આજે જે મોટી સંસ્થાઓના કાર્યકર તરીકે , કેટલીય સેવાભાવી પ્રવૃતિમાં જે રીતે મેડમની આગેવાની છે એ મુજબ કોઈ અંદાજો પણ ન લગાવી શકે કે આ વ્યક્તિનો ભુતકાળ આવો પણ હશે. જન્મજાત શ્રીમંત પરિવારની મોટા બિઝનેસમેન લોકોની પત્નીઓ પણ એની સલાહ લે છે અત્યારે. એ આપે કહ્યાં મુજબ કોઈ નાની વસ્તુ નથી કારણ મોટેભાગે માણસ કદાચ બીજાં વાતાવરણમાં જાય, એનો પહેરવેશ, રહેણીકરણી બદલાય પણ એની વિચારસરણી, જીવવાની રીત એ એટલું જલ્દીથી બદલી શકાતું નથી."
મિસ્ટર નાયક : " હા એ તો તો છે જ. પણ કવિતામાં એવું પણ બન્યું નથી કે એણે પોતાનો ભુતકાળ જ સાચવી રાખ્યો છે પણ સાથે જ એ અમીરીના રંગમાં આવીને એને ઘમંડનો છાંટો પણ કદી ઉડ્યો નથી એ બહું મોટી વાત છે."
"એક વાત પૂછું કે એવું કોઈ ખાસ કારણ છે કે જેનાં કારણે તમે આ મિશનમાં જોડાયા છો?"
મિસ્ટર નાયક થોડીવાર કંઈ બોલ્યાં નહીં એ જોઈને કર્તવ્ય બોલ્યો, " અંકલ તમને ઠીક લાગે તો હું આપને ફોર્સ નથી કરતો. આ તો આજે તમે તમારાં વ્યક્તિગત જીવનની વાત સામેથી આટલી આત્મીયતાથી કરી એટલે મને પૂછવાનું મન થયું."
"તારામાં પણ કદાચ કોઈને પોતાનાં કરવાનો કવિતા જેવો જ એક જાદુ છે. બંને રાશિ એક જ છે એટલે કદાચ... તું આટલાં જ દિવસમાં મને પોતીકો લાગી રહ્યો છે. મારો દીકરો તો ફોરેન છે એની સાથે ક્યારેક ક્યારેક વાત થતી હોય બાકી તને મળીને જાણે મારો દીકરો મારી સાથે હોય એવી જ લાગણી થાય છે."
કર્તવ્ય : " હમમમ..આટલી બધી હિંમત છે તો કેમ આજે આમ હારી જાવ છો?"
"એક વાત કહું એક એવી ઘટના બની હતી જીવનમાં કે જે મેં પોતે મારી હાજરીમાં તો નથી અનુભવી પણ એનું દિલ પર દર્દ હજું પણ લાગી રહ્યું છે.
અમારાં લગ્ન પહેલાં કવિતાની ઘરની પરિસ્થિતિ બહું ખરાબ હોવાને કારણે એક વખત કોઈ ઓળખીતાએ એને કમાવા માટે એને એક જગ્યાએ મોકલવાનું કહ્યું. એમણે નોકરી બહું સારી છે એમ કહીને એનાં ભોળાં માતા-પિતાને સમજાવી દીધાં. કવિતા તો આમ પણ દેખાવડી અને એ દિવસોમાં તો યુવાન હોવાથી કેટલાય યુવાનોની એનાં પર નજર રહેતી. કવિતાને એ ગામડામાં લોકો આવી રીતે જોતાં એ જરાં નહીં ગમે નહીં. વળી ઘરનું કથળેલુ વાતાવરણ જોઈને કચવાતા મને એ તૈયાર થઈ ગઈ. ને બીજાં દિવસે વહેલી સવારે પોતાનાં એ સંબંધી સાથે ત્યાં જવા નીકળી ગઈ. કોને ખબર હતી કે એની સાથે શું થવાનું હશે?
" સંબંધી પર પણ આજકાલ વિશ્વાસ કરાય જ નહીં. કોણ જાણે કોની શું નિયત હોય?"
"એ પોતે જ નજર બગાડે એવું પણ ન હોય પણ આ રૂપિયા એક બુરી બલા છે. જે આપણાં શહેરમાં આજે કોલ સેન્ટર કહેવાય છે એવાં નજીકનાં નાનકડાં શહેરનાં એક વેશ્યાઘરમાં લઈ ગયો. એની ત્યાં એક માલકિન સાથે વાતચીત કરાવી. આવી જગ્યાએ મોટેભાગે સ્ત્રીઓ જ હોય એટલે નાનપણથી ગામડામાં રહેલી કવિતા બહારની આવી લોલુપી દુનિયાથી અજાણ હોવાથી એ ત્યાં બધી સ્ત્રીઓને એ વખતે સાદાઈથી રહેલી જોઈને ખુશ થઈ કે અહીં તો મારાં જેવી કેટલીય છોકરીઓ છે. કોઈ જેન્ટ્સ પણ નથી એટલે કોઈ ચિંતા પણ નહીં એમ વિચારીને એ ખુશ થઈ ગઈ.
એ જગ્યા પણ શહેરથી થોડે બહારનાં ભાગમાં હતી. એનાં સંબંધીએ એ મેડમ સાથે વાત કરાવીને કહ્યું કે એને શું કામ કરવાનું છે એ સમજાવી દેશે. થોડાં દિવસમાં બધું આવડી જશે એટલે સારો પગાર પણ આપશે તને.
કવિતા માની પણ ગઈ. તારે ઘરે આવવું હોય ત્યારે એમને કહેજે રજામાં આવવાં દેશે. કવિતા તો જાણે સ્કુલમાં વેકેશન પડશે ને રજા મળશે એમ વિચારીને ખુશ થઈ ગઈ કે ચલો મારી નોકરી કરવાથી ઘરની આર્થિક સમસ્યાઓ પણ દૂર થઈ જશે. એનાં નાનાં ભાઈનું જીવન પણ સુધરી જશે.
ને પછી તો એ મેડમે મીઠી મીઠી વાત કરી. અને જેવી રાતનાં અંધકારને આવરતા જ લોકોની અવરજવર ચાલુ થઈ કે એને કંઈ પણ સમજાવ્યા વિના પહેલાં દિવસે સિમ્પલ રીતે તૈયાર કરી દેવામાં આવી અને થોડાં જ સમયમાં એક રૂમમાં મોકલી ને ફક્ત કહી દીધું કે અંદર જઈશ એટલે તને ખબર પડી જશે...! ને થોડી જ વારમાં એક પુરૂષની એન્ટ્રી થઈ એ સાથે જ દરવાજો ધડામ કરતો બંધ થઈ ગયો...!
શું કવિતાએ સાચે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવું પડ્યું હશે? એ આ વેશ્યાવૃત્તિનાં ધંધામાંથી કેવી રીતે બહાર આવી હશે? કર્તવ્ય મિસ્ટર નાયકને ફરીવાર આ મિશન માટે તૈયાર કરી શકશે? આધ્યાની મલ્હારને મળવાની ઈચ્છા પૂર્ણ થશે ખરી? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૨૦