પ્રકરણ – ૫
કર્તવ્યએ મોટાં લોકોથી સરભર મિટીંગમાં લેપટોપમાં એણે બનાવેલા પ્રેઝન્ટેશનમાં પોતાનું મિશન માટેનું હેડિન્ગ બતાવીને કહ્યું, " હવે બધાં આ મિશન માટેનાં બીજાં કોઈ નામ પણ સજેસ્ટ કરી શકે છે. કોઈ વધારે સારું નામ સૂચવે તો આ બદલી દઈશું એમાં કોઈ જ વાંધો નથી." મોટાં ભાગનાં બધાં લોકોને આ બરાબર લાગ્યું. પણ એકાદ બે જણાંએ બીજાં નામ સૂચવ્યા પણ RFOL જેવું કોઈ સરસ અર્થસભર અને અસરદાર ન લાગ્યું. આથી અંતે 'મિશન RFOL' નામ ફાઈનલ થઈ ગયું.
પછી કર્તવ્યે મિશન મુજબ થોડું વાતચીત આગળ કરતાં કહ્યું, " આપણું મિશન છે કે પુરૂષપ્રધાન સમાજમાં આજે સ્ત્રીઓ માટે જગ્યા, વિચારો બધું બદલાયું છે છતાં પણ ઘણી એવી વિચારધારાઓ ઘણાં એવાં ધંધાઓ, કે વસ્તુઓ છે જ્યાં સ્ત્રીઓનું અયોગ્ય રીતે શોષણ હજું પણ અંદરખાને ચાલું જ છે. મહિને પચાસ હજાર કે લાખ રૂપિયા કમાતી સ્ત્રીની પણ મોટેભાગે અંદરખાને શોષણના કિસ્સાઓ ચોક્કસ બધી રહ્યાં છે. સ્ત્રીઓ એ કોઈને કોઈ કારણસર સહન કરી રહી હોય છે. એને આપણે નાબૂદ કરવાનું મિશન શરું કરી રહ્યાં છે.
આ વસ્તુની શરુઆત આપણે પહેલાં તો આપણા પોતાનાથી કરવી પડશે. આપણાં પરિવારની બહેન દીકરીઓ, પત્ની , વહું દરેકનું સન્માન, એનો હક મળે એ વસ્તુઓ માટે લડવું પડશે. 'હું' થી શરુઆત થશે તો જ 'આપણે' થઈ શકશે. કોઈ માટે લડતાં પહેલાં આપણે દરેકે આ વસ્તુઓનો અમલ કરવો પડશે. ધારો કે આ માટે આપણે કોઈને ટકોર કરીશું કે એની સામે લડતા કરીશું આ આપણાં દ્વારા જ એવું કંઈ બનતું હશે તો એનું કોઈ પરિણામ નહીં આવે."
ત્યાં જ વચ્ચે મિસ્ટર પંચાલ તાડુકતા બોલ્યાં, " દીકરીઓને તો ક્યાં કમી જ આવે છે. પણ પત્ની હોય કે વહું કે મા એક હકીકત છે કે સ્ત્રીઓની બુદ્ધિ પગની પાનીએ જ હોય એટલે એમને થોડી ટકોર તો કરવી જ પડે બાકી એ ઘડાય નહીં...રહી વાત શોષણની તો હવે એમને સામે લડવું પડે તો જ થાય."
જરીવાલા સાહેબ બોલ્યાં, " જે સ્ત્રીઓ સહે છે એમની પણ કંઈ મજબુરી હોતી હશે ને. જ્યારે આપણી દીકરીને લાડકોડથી ઉછેરીને પારકા ઘરે મોકલીએ ત્યાં એને જરાં પણ તકલીફ થાય તો આપણે હચમચી જઈએ અને એ જ રીતે બીજાં ઘરની દીકરી આપણાં ઘરે વહું બનીને આવે ત્યારે આપણાં, સમાજનાં સમીકરણો બદલાઈ જાય છે. આ વસ્તુ , ભેદભાવ, અંદરખાને થતાં શોષણો માટે ઝુંબેશ કરવાની છે. એનાં માટે અનેક સંસ્થાઓ ચાલે છે, કેટલીય લડતો થાય છે પણ હવે સમજણની રીતથી એક મિશન પર કરવાનું છે. એ બધામાં ફક્ત મોટેભાગે સ્ત્રીઓ જ લડત આપી રહી છે પણ આ નવું મિશન છે જેમાં ફક્ત આપણે પુરૂષોએ લડત કરવાની છે કારણ કે આ બધા પાછળ એક મોટો જવાબદાર પુરૂષવર્ગ છે એ પણ સત્ય હકીકત છે."
મિસ્ટર નાયક : " ઘર ઘર સુધી થતાં શોષણને પહોંચવું હજું દૂરની વાત છે કારણ કે એ માટે કદાચ એક સ્ત્રી પાસે હકીકત પૂછશો તો એ પણ પરિવારની ઈજ્જત ખાતર કશુંક કહેશે નહીં. પણ પહેલાં જે મોટી મોટી જગ્યાઓ જ્યાં સ્ત્રીઓની ઈચ્છા વિરુદ્ધ જે પણ બધું કરવામાં આવે છે એ બધાં માટેની લડત છે. મારું લક્ષ્ય બહું મોટું છે પણ જો આ બધું પાર પડશે તો જ આગળ એ શક્ય બની શકશે."
કર્તવ્યએ પોતાની આગવી સ્લાઈડ બતાવતાં એ મેપમાં રેડ કલરથી ટીક કરેલાં સ્થળો બતાવ્યાં એ જોઈને બધાંની આંખો પહોળી થઈ ગઈ. એમાંથી ફક્ત એક વિસ્તાર લીધો છે જેમાં ફક્ત થોડાં જાણીતાં કોલ સેન્ટર, મોલને નામે ચાલતાં પ્રાઈવસી સેન્ટરો સિવાયની જગ્યાઓ છે કોઈ ગુગલ મેપ, કે ચોપડે નોંધાયેલી જ નથી. લોકોને જાણ છે છતાં કોઈ વહીવટી ચોપડે લીગલ રીતે નોંધાઈ જ નથી.
જરીવાલા સાહેબ નવાઈ પામતાં બોલ્યાં, " આ શું? આ બધું ફક્ત ઘાટકોપરમાં જ છે? તો આખાં મુંબઈમાં તો..? "
કર્તવ્ય : " એ જ તો છે કે જે લોકોથી ધમધમી રહ્યાં છે પણ કોઈ રજિસ્ટ્રેશન નથી. એમનાં નામ જ એવા છે કે કોઈને ખ્યાલ જ ન આવે કે પછી પોલીસ સ્ટેશન ક્રાઈમ વિભાગ પણ એ સાથે ભળેલો જ હોય. ત્યાં સ્ત્રીઓની અંદરખાને બહું જ ખરાબ સ્થિતિ હોય છે."
એ પછી એણે એક પછી બધાં વિસ્તારની બધી વિગતો બતાવી. એ તો ઠીક પણ એણે દરેક જગ્યાના માલિકોનાં નામ નંબર પણ નોંધેલા દેખાયાં. કર્તવ્યએ જે રીતે ઝીણવટથી સચોટ માહિતી એકઠી કરી છે એ જોઈને બધાં એનાંથી પ્રભાવિત થઈ ગયાં.
મિસ્ટર પંચાલ : " એ તો શું ફેર પડે? એ તો ત્યાં જવાંવાળાને પણ બધી ખબર જ હોય ને? વળી ,એનાંથી સામેવાળાને પણ રોજી રોટી મળે જ ને? બાકી કોઈ પરાણે થોડું કંઈ કામ કરે. એ લોકોનું કામધંધો બંધ થશે તો એમનું ભરણપોષણ કોણ કરશે? એટલું આપણું ફંડ કે ત્રેવડ છે કે એ દરેક લોકોને આપણે રોજીરોટી આપી શકીએ? "
કર્તવ્ય : " એ અત્યારે નથી પણ જો મિશન સફળ થશે તો એની પણ ચોક્કસ કંઈ વ્યવસ્થા થશે. વળી આ મુંબઈ છે ખબર છે ને ભલે ઓટલો મળે કે ના મળે રોટલો તો મળે જ. જે લોકો રજિસ્ટર્ડ હોય એમનાં કેટલાય નિયમો હોય એ મુજબ ચાલવા પડે છે. એના ચોક્કસ સમય હોય છે. પણ આ ગેરકાયદે ચાલતાં સેન્ટરો પર ઢોરની માફક કામ લેવાય છે. કામની કોઈ સમય મર્યાદા જ નથી. એ બધી જગ્યાએ ફક્ત મોટેભાગે સ્ત્રીઓ જ કામ કરતી હોય છે. પુરુષો માત્ર પોતાની ભૂખને સંતોષવા જ જતાં હોય છે."
આ બધી જ જગ્યાએ પૂરી જાણકારી મેળવીને સંપૂર્ણ એનાલિસીસ પછી બધે જ એક સાથે એટેક કરવામાં એવી એ રીતની મારી યોજના છે કારણ કે એમાંથી ઘણાં બધાં અંદરોઅંદર સંલગ્ન હોય છે. જો મારો પ્લાન તમને બધાને યોગ્ય લાગે તો એ મુજબ આપ સહુનાં યોગ્ય સૂચનો સાથે આગળ વધીએ.
ત્યાં જ વાત અને ચર્ચા બરાબર જામી છે એ વચ્ચે જ કોઈએ બહારથી નોક કર્યું. એ સાથે બધાંની ધ્યાન એ તરફ ગયું કારણ કે આ મિટીંગ દરમિયાન પ્યૂનને કોઈ પણ વ્યક્તિને અંદર આવવાની ના કહી હતી. પ્યૂને ધીમેથી આવીને મિસ્ટર નાયકને કાનમાં કંઈક કહ્યું અને એ સાથે જ બહાર નીકળી ગયો અને એક પચાસ- પંચાવન વર્ષનો પુરુષ ત્યાં અંદર પ્રવેશ્યો એ સાથે દરેકનાં ચહેરાં પર આશ્ચર્યમિશ્રિત ભાવ ઉપસી આવ્યાં કે આ વ્યક્તિ અહીં? આ મિટીંગમાં? પણ કદાચ સમય અને સ્થળની સમજણ મુજબ કોઈ કશું બોલ્યું નહીં.
મિસ્ટર નાયક એમને ઉષ્માસભર આવકારતાં બોલ્યાં, " મિસ્ટર આર્યન ચક્રવર્તી પ્લીઝ કમીન. મોસ્ટ વેલકમ. મને જરાં પણ આશા નહોતી કે આપ આપનાં વ્યસ્ત શિડ્યુલમાંથી સમય નીકાળીને આવાં નાનકડાં અમારાં મિશન માટે અહીં આવશો."
મિસ્ટર આર્યન બોલ્યાં, " ઈન્ફેકટ આઈ એમ સોરી. એ વોઝ લેટ. મેં બધાને પાછળથી આવીને ડિસ્ટર્બ કર્યાં.
મિસ્ટર નાયક એમને મીઠો આવકાર આપતાં બોલ્યાં, " હજું તો શરૂઆત જ કરી છે. કંઈ વાંધો નહીં. તમે આવ્યાં એ જ અમારે માટે બહું મોટી વાત છે."
મિસ્ટર આર્યન ચક્રવર્તી મુંબઈનાં મોટા બિઝનેસમેન તરીકે એક મોટું માથું ગણાતું. સાથે જ એની અન્ડરવર્લ્ડ સાથે બહું મોટી પહોંચ પણ ખરી. કરોડોનો અબજોનો ઈન્ટરનેશનલ બિઝનેસ. એ આવાં કોઈ મિશન માટે અહીં આવ્યો એ જોઈને સહુને લાગી. મોટાં ભાગનાં કામ તો એનાં ફોન અને ધાકથી જ થઈ જાય. કારણ કે અહીં રહેલાં ટોટલ ત્રીસ લોકોમાંથી બધાં અલગ અલગ પ્રોફેશનમાં આગળ પડતાં વ્યક્તિઓ જરૂર છે પણ મિસ્ટર આર્યન એટલે જેમણે સહુ કોઈએ ટીવીમાં જ ચમકતાં જોયાં હોય આવી રીતે પ્રત્યક્ષ તો લગભગ ક્યારેય નહીં.
આર્યન ચક્રવર્તી : " તમારું મિશન જ એવું છે કે મારે નાછુટકે પણ આવી પડ્યું. આખું જીવન પૈસા માટે દોડ્યો છું હવે કંઈ સારા માટે પણ કરવું જોઈએ ને."
આટલાં મોટાં વ્યક્તિને પણ પૈસા સિવાય આવો વિચાર આવી શકે એ વિચારીને બધાંને નવાઈ લાગી. પણ કોણ જાણે કર્તવ્યની ચાલાક નજરને થયું કે મિસ્ટર ચક્રવર્તી કોઈ ખાસ કારણોસર અહીં જોડાવા તૈયાર થયાં છે. બાકી એ પોતે પણ કદાચ આ બધાં ધંધાઓને પોષનાર ઐયાશી કરનાર વ્યક્તિ છે. પણ અત્યારે સત્ય જાણ્યા વિના કંઈ પણ બોલવું ઠીક ન લાગતાં એણે યોગ્ય સમયની રાહ જોવાનું નક્કી કર્યું.
મિસ્ટર નાયકે કહ્યાં મુજબ કર્તવ્યએ મિસ્ટર આર્યનને આગળની રૂપરેખા ફટાફટ સમજાવી દીધી. પણ મિસ્ટર આર્યનનો જે આ મિશન માટેનો વ્યક્તિગત રસ જોઈને કર્તવ્યનાં મનમાં એમનાં માટે શંકા કુશંકાનાં વાદળો વધારે ઘેરાવા લાગ્યાં... મિસ્ટર આર્યનની એકેક હરકત પર એની નજર મંડાઈ રહી...!
ખરેખર મિસ્ટર આર્યન કોઈ ખાસ મકસદ સાથે આવ્યાં હશે કે પછી એમની સ્ત્રીઓ માટેની ભાવના જાગ્રત થઈ હશે? શકીરા કોણ હશે? આધ્યા મલ્હારને ફરીથી મળી શકશે? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૬