Remarriage of Daddy books and stories free download online pdf in Gujarati

પપ્પા નાં પુનર્લગ્ન

" કહું છું તમે આ સમાચાર વાંચ્યા છાપામાં ? આપણે પણ પપ્પા માટે આવું કંઇક વિચારવું જોઈએ. " રાત્રે બેડરૂમમાં સુતાં સુતાં નિરાલી એ જયદીપને મનની વાત કરી.

" કયા સમાચાર ? " જયદીપને કંઈ સમજાયું નહીં.

" તમે તો સવારે છાપું પણ શાંતિથી વાંચતા નથી. મુખ્ય મુખ્ય સમાચાર જોઈ લો છો. ઉભા રહો હું પેપર લઈ આવું. તમે પોતે જ વાંચી લો. "

નિરાલી ડ્રોઈંગ રૂમમાં જઈને પેપર લઈ આવી અને જયદીપના હાથમાં મૂકયું. " આ વાંચો "

*વહુ દીકરા એ ભેગા મળીને વિધુર પપ્પાનું લગ્ન કરાવી આપ્યું* -- મોટા મથાળે સમાચાર હતા. જયદીપે વિગતવાર સમાચાર વાંચી લીધા.

" હવે બોલો. પપ્પા કંઈ ઘરડા નથી થયા. હજુ હમણાં જ પંચાવન પૂરા કર્યા છે... મમ્મી માટે આપણને માન છે પણ પપ્પા આખી જિંદગી આ રીતે એકલવાયા કેવી રીતે કાઢશે ?.... આપણે ભલે એમની જરૂરિયાતો પૂરી કરીએ કે થોડી ઘણી સેવા કરીએ..પણ મમ્મીનું સ્થાન ના લઈ શકીએ. "

" પપ્પા ને પરણાવવાના કિસ્સા જવલ્લે જ બનતા હોય છે નીરુ..... વિદેશમાં કદાચ આવું થતું હશે પણ ભારતમાં એટલું સરળ નથી. "

" આ સમાચાર ભારતના જ છે વિદેશના નથી જયદીપ..... અને આપણે ક્યાં ઉતાવળ છે ?.... પણ આ દિશામાં વિચારવા જેવું તો છે જ..... જુઓ પતિનું અવસાન થાય તો પત્ની એટલી બધી દુઃખી થતી નથી.... મા કે દાદી બનીને એ બધી રીતે એડજસ્ટ થઈ જતી હોય છે..... પણ પત્નીનું અવસાન થાય તો પુરુષ પોતાની મર્યાદાઓના કારણે વૃદ્ધાવસ્થામાં એકલો પડી જાય છે. "

" તમે તો નોકરી ધંધા અર્થે આખો દિવસ બહાર ને બહાર હો જ્યારે ઘરમાં હું એકલી હોઉં...... ઘડપણમાં કેટલીક સેવા એવી હોય જેમાં મને કહેવામાં પપ્પાને સંકોચ થાય ! "

" હમ્.... મેં આટલી હદ સુધી વિચાર્યું નહોતું ....પણ પપ્પા કોઈ કાળે બીજા લગ્ન તો નહીં જ કરે નીરુ...... પપ્પા મમ્મીને સંપૂર્ણ વફાદાર રહ્યા છે... અને હવે એક ભવમાં બે ભવ એ નહીં જ કરે " જયદીપે પોતાનો મત આપ્યો.

" સમય આવે જોયું જશે.... આ બાબતે તમે પણ વિચારવાનું ચાલુ કરો...... આ વિષય ઉપર બે ચાર દિવસ પછી આપણે ફરી ચર્ચા કરીશું. " કહીને નિરાલી માથે રજાઈ ઓઢીને પડખું ફરી ગઈ.

ચારેક દિવસ પછી ફરી એક રાત્રે નિરાલીએ વાત છેડી. " મેં પપ્પાની વાતમાં થોડુંક વિચારી લીધું છે. પપ્પા ને સમજાવવાની વાત તો આપણે છેલ્લે વિચારવાની છે. સૌથી પહેલાં તો કન્યાની શોધ કરવાની છે. કન્યા શબ્દ કરતાં પણ મમ્મીની શોધ કરવાની છે. "

" આપણા ઘરની સમૃદ્ધિના કારણે કોઇ ગરીબ ઘરની કન્યા કે કોઈ ડિવોર્સી છોકરી તો તરત જ હા પાડી દેશે કારણકે છોકરીઓને ઉંમરનો બહુ મોટો વાંધો નથી હોતો. એમને આર્થિક સલામતી જોઈતી હોય છે. પરંતુ નાની કે યુવાન છોકરીને મમ્મી તરીકે લાવવી હું પોતે પસંદ ના કરું. "

" અને ચાલીસ કે પિસ્તાલીસની ઉંમર વટાવી ચૂકેલી સ્ત્રી વધુ પડતી પાકટ થયેલી હોય છે. ઘરમાં આવ્યા પછી એ બધું પોતાને હસ્તક કરવાની કે પોતાની હકૂમત ચલાવવાની હંમેશા કોશિશ કરવાની. આપણા ઘરની શાંતિનો ભંગ થવા દેવા હું નથી માગતી. "

" એટલે કોઈ જાણીતી નજીકની વ્યક્તિ મળે તો જ આ બાબતમાં વિચારી શકાય. પપ્પા માટે સંસ્કારી અને ઠરેલ પાત્ર હોવું આ ઉંમરે ખૂબ જ જરૂરી છે. " નિરાલીએ પોતાની વાત પૂરી કરી.

" હું પણ એ જ કહું છું નીરુ... તું શાંતિથી સુઈ જા. કારણ વગરની ચિંતામાં તું પડી ગઈ છે !! " કહીને જયદીપે લાઈટ ઓફ કરી.

એ વાતચીતને ત્રણ ચાર મહિના થઈ ગયા. નિરાલીએ આ બાબતમાં ઘણું મનોમંથન પણ કર્યું પણ પછી એને લાગ્યું કે પપ્પાનાં લગ્ન કરાવવાનું કામ એટલું બધું સહેલું નથી.

નિરાલીના મગજમાંથી લગ્નની આ વાત લગભગ વિસરાઈ ગઈ હતી ત્યાં અચાનક એક દિવસ એની નજર લગ્નના એક ફંક્શનમાં કાજલ ઉપર પડી. નિરાલી જ્યારે કોલેજમાં ભણતી હતી ત્યારે દિવ્યા નામની એની એક ક્લાસમેટ હતી. ઘણીવાર એ દિવ્યાની સાથે એના ઘરે પણ જતી હતી.

દિવ્યા લોકો ત્રણ બહેનો હતી જેમાં કાજલ સૌથી મોટી હતી. પૂર્વી વચલી અને દિવ્યા સહુથી નાની. પોતાના કરતાં કાજલ દસેક વર્ષ મોટી હતી. એ સમયે નિરાલી એને દીદી જ કહેતી. વર્ષો પછી કાજલને એણે જોઈ. ઉંમર પિસ્તાલીસ આસપાસ હતી તોપણ શરીરમાં ક્યાંય ચરબીના કોઈ થર નહોતા જામેલા. પાતળી તંદુરસ્ત કાયામાં એ ખૂબ જ મોહક લાગતી હતી !!

" અરે નિરાલી તું અહીંયા ક્યાંથી ? ઘણા વર્ષો પછી તને જોઉં છું. " નિરાલી હજુ વિચારોમાં જ હતી ત્યાં તો સામેથી જ કાજલ દોડી આવી.

" હું તમારો જ વિચાર કરતી હતી દીદી. તમે અહી ક્યાંથી ? "

" સમાજમાં છેડો ક્યાંકને ક્યાંક તો અડતો જ હોય એટલે આમંત્રણને માન આપીને ફંક્શનમાં હાજરી આપવી પડે...... કેમ છે તું ?... તારી આ દીકરી બહુ ક્યુટ લાગે છે " નિરાલીએ તેડેલી એની બે વર્ષની દીકરી સામે જોઈને કાજલે કહ્યું.

" થેન્ક્સ દીદી.... દિવ્યા શું કરે છે ?... ક્યાં છે અત્યારે ? "

" દિવ્યા તો લગ્ન કરીને પાંચ વરસથી અમેરિકામાં સેટ થઈ ગઈ.... પૂર્વી ઓસ્ટ્રેલિયા છે..... સૌ સૌના સંસારમાં સેટલ થઈ ગયાં છે. "

" અને તમે દીદી ?"

" હું અહી જીવનજ્યોત વૃદ્ધાશ્રમમાં મેનેજર તરીકે સેવા આપું છું અને વૃદ્ધોની સેવા કરું છું. "

" અરે વાહ !! તમે તો સરસ કાર્યક્ષેત્ર પસંદ કર્યું છે. તમે તો પહેલાં નર્સિંગનું કરતાં હતાં ને ? "

" હા હું નર્સ જ હતી. થોડાં વર્ષો હોસ્પિટલમાં જોબ કરી પણ પછી સેવાની ધૂન લાગેલી એટલે વૃદ્ધાશ્રમમાં જોડાઈ ગઈ. નર્સિંગની સેવા આપતાં આપતાં મેનેજમેન્ટના પણ અનુભવ મળ્યા એટલે મેનેજરનું પ્રમોશન મળ્યું. વૃદ્ધોના આરોગ્યનું પણ ધ્યાન રાખવાનું અને મૅનેજમેન્ટ પણ સંભાળવાનું !! ખૂબ જ મજા નું કાર્યક્ષેત્ર છે !! "

" તો પછી લગ્નજીવનનું શું ? "

" બત્રીસ વર્ષની ઉંમર સુધી મમ્મી પપ્પાએ ઘણી કોશિશ કરી પણ પપ્પાના ગયા પછી તો વાતો પણ બંધ થઈ ગઈ. નસીબમાં પરણવાનું નહીં લખ્યું હોય એટલે ધીમે ધીમે મનને સેવાકાર્યમાં પરોવી દીધું. હવે તો વૃદ્ધાશ્રમ એ જ મારુ સાસરુ !! "

" બહુ જલદી આપણી ફરી મુલાકાત થશે દીદી. વૃદ્ધાશ્રમ જોવા માટે મારા સસરાને પણ લેતી આવીશ. આવાં ચેરિટીનાં કામોમાં એમને પણ ઘણો રસ છે. એ નાની મોટી સખાવતો પણ કરતા રહે છે. "

" માય પ્લેઝર !! જરૂર આવો "

નિરાલીને કાજલ ઘણી ગમી ગઈ. પપ્પા માટે આ જ એક યોગ્ય પાત્ર છે. દીદીનો સ્વભાવ તો પહેલેથી જ સરસ હતો. હંમેશા હસતાં ને હસતાં !! કોઈ જાતનું અભિમાન નહીં ! જો ને આજે પણ સામેથી દોડતાં આવ્યાં !!

સાંજે જયદેવ જેવો ઓફિસથી ઘરે આવ્યો કે તરત જ કાજલ વિશેની વાત કરવાની એની ઈચ્છા થઈ પરંતુ પપ્પા ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા એટલે એ કંઈ બોલી નહીં.

પપ્પાને હવે વૃદ્ધાશ્રમમાં લઈ જવા માટે કંઈક પ્લાન તો બનાવવો જ પડશે.-- નિરાલી એ વિચાર્યું.

" પપ્પા તમે અહીંના જીવનજ્યોત વૃદ્ધાશ્રમ વિશે સાંભળ્યું છે ? " રાત્રે ડિનર વખતે ડાઇનિંગ ટેબલ ઉપર જમતાં જમતાં નિરાલીએ પપ્પાને પૂછ્યું.

" હા.. હા.. કેમ નહીં ? ખૂબ સારી સંસ્થા છે અને ઘણીવાર પેપરમાં પણ એના વિશે આવતું હોય છે. પણ તેં કેમ પૂછ્યું ? મને વૃદ્ધાશ્રમમાં મોકલવાની ઈચ્છા તો નથી ને ?"

" શું તમે પણ પપ્પા !! આજે ફંકશનમાં કાજલદીદી મળ્યાં હતાં. મારી કોલેજની ફ્રેન્ડ દિવ્યાનાં એ મોટી બહેન થાય. કોલેજમાં ભણતી ત્યારે એમના ઘરે જવાનું ઘણીવાર થતું. એ અત્યારે જીવનજ્યોત વૃદ્ધાશ્રમ સંભાળે છે અને આપણને આમંત્રણ આપ્યું છે. "

" અરે વાહ !! જરૂર જઈશુ. કોઈ ઘરડા ઘરની મુલાકાત લેવાની તો મને પણ ઘણી વાર ઈચ્છા થતી હોય છે. સંતાનોએ તરછોડી દીધેલાં વૃદ્ધ મા-બાપોને અપનાવીને એમની સેવા કરવી એ તો એક અદભુત કામ છે !! " ગૌરાંગભાઈએ કહ્યું.

" આવતા રવિવારે જ જઈએ પપ્પા. કાજલ દીદી પણ ખુશ થઈ જશે. " નિરાલીએ કહ્યું.

જયદેવને નિરાલીની આ ઉતાવળ સમજાઇ નહીં પણ એ ચૂપ રહ્યો. એ નિરાલીને બરાબર ઓળખતો હતો.

અને રવિવારે બપોરે આરામ કરીને સાંજે પાંચેક વાગે ગૌરાંગભાઈ, જયદીપ અને નિરાલી જીવનજ્યોત વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયાં. વૃદ્ધાશ્રમની પાછળના ગાર્ડનમાં કાજલ આશ્રમની બહેનોને કંઈક સમજાવી રહી હતી.

નિરાલીના ફેમિલીને જોઈને કાજલ અટકી ગઈ. એ તરત જ મહેમાનોનું સ્વાગત કરવા માટે નિરાલી પાસે આવી અને બધાંને પોતાની ઓફિસમાં લઈ ગઈ. ઓફિસ પણ વિશાળ હતી.

" તમને લોકોને મળીને મને બહુ જ આનંદ થયો. શું લેશો ચા કે કોફી ? બટેટા પૌવાનો ગરમ નાસ્તો પણ બની રહ્યો છે. " કાજલે કહ્યું.

" ચા-નાસ્તાની કોઈ જરૂર નથી દીદી. અમે તો આ તમારું આ રળિયામણું સ્વર્ગ જોવા આવ્યાં છીએ. આશ્રમમાં ટોટલ કેટલાં સિનિયર સીટીઝન હશે દીદી ? "

" પહેલીવાર તમે લોકો આવો છો. ચા નાસ્તો તો લેવાં જ પડે" કહીને કાજલે એક બેનને નાસ્તો અને ચા લાવવાનું કહ્યું.

" અત્યારે અહીં અઢાર સ્ત્રીઓ અને તેર પુરુષો છે. ટોટલ એકત્રીસ જણનો વૃદ્ધ પરિવાર છે. બધાં ૬૦ વર્ષથી ૭૭ વર્ષ ની ઉંમરનાં છે."

" બધાંને એમનાં સંતાનોએ તરછોડી દીધેલાં છે ? "

" ના..ના.... એવું જરા પણ નહીં સમજતાં. કોઈ સ્વેચ્છાએ પણ આવતું હોય છે.... કોઈનો દીકરો કે દીકરી વિદેશમાં રહેતાં હોય અને દેખરેખ રાખનાર કોઈ ના હોય તો એ સંતાન પોતાના એકલાં રહેતાં માતા કે પિતા માટે અમારો સંપર્ક કરી પૈસા ભરીને એમને અહીં મૂકી જાય છે જેથી એમની સારી દેખભાળ થાય. કોઈ સેવાભાવી સંસ્થા પણ કોઈ એકલ દોકલ વૃદ્ધ પુરુષ કે સ્ત્રીને અહીં મૂકી જાય છે. ડોનેશન ઉપર આશ્રમ સરસ રીતે ચાલે છે "

ચા નાસ્તો પતાવ્યા પછી કાજલે ચારે બાજુ ફરીને આખો આશ્રમ બધાંને બતાવ્યો.

રસોડું અને જમવા માટેનો હોલ કોમન હતો. રહેવા માટે પુરુષોના રૂમ્સ અલગ હતા તો સ્ત્રીઓના રૂમ્સ પણ અલગ હતા. દરેક રૂમમાં બે કે ત્રણ પલંગ હતા. કોમન વોટર કુલર હતું. ટોયલેટ બ્લોકસ અલગ અલગ હતા.

" મારા સિવાય અહીં બીજો ૧૨ જણનો સ્ટાફ છે. ૨ રસોઇયા છે. ૨ સ્વીપર બહેનો છે. ૪ મદદનીશ બહેનો અને ૩ ભાઈઓ છે જે સ્વયંસેવકો છે. રસોઈમાં પણ મદદ કરે છે, સાફસફાઈ પણ કરે છે અને દરેક વૃદ્ધની સેવા પણ કરે છે. દરેકને સમયસર દવાઓ આપે છે અને જરૂર પડે તો ઘરડા માણસોના હાથ પગ પણ દબાવી આપે છે. રોજ ડોક્ટર વિઝીટ કરી જાય છે. બીજા એક પ્રૌઢ ઉંમરના મેનેજર રાત્રે સેવા આપે છે. "

" ખરેખર ખુબ જ સરસ આશ્રમ છે. શહેરથી દૂર અહીંનું વાતાવરણ પણ ખુબ સરસ છે. " નિરાલીએ કહ્યું.

" કાજલ... તમે દસેક વર્ષ પહેલાં નવદીપ હાર્ટ કેર હોસ્પિટલમાં હતાં ? તમારો ચહેરો જોઈને મને એમ લાગે છે કે હું તમને ઓળખું છું." આશ્રમમાં ચક્કર લગાવીને જ્યારે બધાં ફરીથી ઓફિસમાં આવીને બેઠાં ત્યારે ગૌરાંગભાઈએ અચાનક પૂછ્યું.

" હા સર... તમારી વાત એકદમ સાચી છે. મેં પણ તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. "

" કરેક્ટ... પંદર વર્ષ પહેલાં મારી પત્નીને જ્યારે પહેલો હાર્ટ એટેક આવ્યો ત્યારે નવદીપ હાર્ટ કેર હોસ્પિટલમાં એને એડમિટ કરેલી અને એ વખતે સ્પેશિયલ રૂમમાં તમે જ નર્સ તરીકે સેવા આપેલી. " ગૌરાંગભાઈ બોલ્યા.

અને કાજલને પંદર વર્ષ પહેલાંનો એ પ્રસંગ યાદ આવી ગયો. પેશન્ટની હાલત ખુબ જ ક્રિટીકલ હતી અને એનો યુવાન પતિ ડોક્ટરને બે હાથ જોડીને કાકલૂદી કરતો હતો. કાજલ ત્યારે ડોક્ટરની બાજુમાં જ ઊભેલી.

" ડોક્ટર મારી પન્નાને બચાવી લો. ગમે એટલો ખર્ચ થાય હું કરવા તૈયાર છું. આટલી નાની ઉંમરે એને એટેક આવ્યો છે. હજુ તો એ માંડ પાંત્રીસ વર્ષની છે. મારો દીકરો પણ ઘણો નાનો છે. " અને ગૌરાંગભાઈ ત્યારે ખરેખર રડી પડેલા. કાજલ તો પત્નીને આટલો પ્રેમ કરતા આ લાગણીશીલ માણસ ને જોઈ જ રહેલી !!

" હા સર..તમારા વાઈફ નું નામ પન્નાબેન ને ?" કાજલને પેશન્ટનું નામ પણ યાદ આવી ગયું.

" તમારી મેમરી સરસ છે. હા પન્ના નામ હતું એનું !! પણ આજે એ આ દુનિયામાં નથી. બે વર્ષ પહેલાં જ માસીવ હાર્ટ એટેક માં એ અમને બધાંને છોડીને ચાલી ગઈ. વાતો કરતાં કરતાં ઢળી પડી. " બોલતાં બોલતાં ફરી ગૌરાંગભાઈની આંખોમાં પાણી આવી ગયાં.

કાજલ પણ એક લાગણીશીલ યુવતી હતી. એનું પણ દિલ ભરાઈ આવ્યું. વાતાવરણ થોડું ગંભીર થઈ ગયું.

" પપ્પા બિચારા હવે એકલા પડી ગયા છે. આખી જિંદગી હજુ કાઢવાની છે. પંચાવન વર્ષ એ કંઈ મોટી ઉંમર ના ગણાય. આખો દિવસ તો એમની ઓફિસમાં વ્યસ્ત હોય છે પણ સાંજે ઘરે આવે ત્યારે સાવ એકલા પડી જાય છે. " નિરાલી મોકો જોઈને બોલી.

" કાજલ તમે એક કામ કરશો ? શ્રાદ્ધ પક્ષ ચાલે છે. પરમ દિવસે પન્નાની તિથિ છે. તો પરમદિવસે મારા તરફથી આશ્રમમાં બધાને દૂધપાક પુરી જમાડશો ? એના આત્માને પણ શાંતિ મળશે. હું તમને અત્યારે જ વીસ હજાર કેશ આપી દઉં છું ." ગૌરાંગભાઈએ કહ્યું અને પૈસા પણ કાજલના હાથમાં આપી દીધા.

કાજલ તો આ માણસની ઉદારતા જોઇને છક થઇ ગઈ !! નિરાલી માટે પણ આ વાત ઓછા આશ્ચર્યની નહોતી !!

" જરૂર સર. માય પ્લેઝર !! પન્નાબેન ની તિથિ અહીં તો સૌના માટે ઉત્સવ બની જશે !!" કાજલ બોલી ઉઠી.

" સર શું કરે છે ? બીઝનેસ છે ? " કાજલે નિરાલીને પૂછ્યું.

" પપ્પા તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એમની પોતાની ફર્મ છે. ત્રણ માણસોનો સ્ટાફ છે એમની ઓફિસમાં." નિરાલીએ કહ્યું.

થોડી વાર કોઈ કઈં બોલ્યું નહીં. સમય પણ ઘણો થયો હતો ગૌરાંગભાઈ ઊભા થયા.

" દીદી તમે ઘરે આવો ક્યારેક. પપ્પાનું આ કાર્ડ તમે રાખો. એમાં ઘરનું એડ્રેસ પણ છે." કહીને નિરાલીએ પર્સમાંથી કાઢીને વીઝીટીંગ કાર્ડ કાજલને આપ્યું.

" હા હા ચોક્કસ આવીશ. " કાજલ બોલી અને સૌએ વિદાય લીધી.

રાત્રે બેડરૂમમાં નિરાલીએ જયદેવ સાથે એ જ ચર્ચા ફરી શરૂ કરી. " કાજલદીદી તમને કેમ લાગ્યાં ? હું પપ્પા માટે વિચારું છું. "

" પરફેક્ટ ચોઇસ. આઇ એમ ઇમ્પ્રેસડ ! પણ એ માની જશે ખરાં ? "

" તમે નિરાલીને શું સમજો છો ? એકવાર કોઈ કામ હાથમાં લીધું એટલે પાર પાડયે જ છૂટકો !! " નિરાલીએ હસતા હસતા કહ્યું.

" દીદી તમારી સાથે થોડીક વાત કરવી છે. તમને સમય મળે ત્યારે જરાક ઘરે આવી જજો ને !!" બે દિવસ પછી નિરાલીએ કાજલને ફોન કર્યો.

અને ત્રણેક દિવસ પછીના શનિવારે સાંજે ૪ વાગે કાજલે નિરાલીના બંગલે એન્ટ્રી કરી. બંગલો વિશાળ હતો અને સરસ મજાનો બગીચો પણ હતો.

" આવો દીદી... આપણે ડ્રોઈંગ રૂમમાં જ બેસીએ. " કહીને નિરાલીએ સોફા પર બેઠક લીધી. કાજલ પણ સામેના સોફા ઉપર બેઠી.

" દીદી... તમે મારી વાતનું ખોટું ન લગાડશો. તે દિવસે ફંક્શનમાં તમારી સાથે જે ચર્ચા થઈ એના અનુસંધાનમાં કેટલીક અંગત વાત કરવાની ઈચ્છા છે.....મને સાચા જવાબો આપશો ? "

" ઈન્ટરવ્યુ લેવો છે ?" કહીને કાજલ હસી પડી. " ઓફકોર્સ...સાચા જવાબ આપીશ"

" ઇન્ટરવ્યૂ લેવાની તો મારી હેસિયત નથી દીદી.... પણ લાગણીથી કંઇક પૂછવું છે. કોઈક કારણસર તમારાં લગ્ન હજુ સુધી થયાં નથી એ વાતને આપણે બાજુ પર મૂકીએ પણ હવે કદાચ કોઈ સારું પાત્ર તમને મળે તો લગ્ન કરવાની તમારી ઈચ્છા ખરી ? "

" મારે તમારો એકદમ સાચો જવાબ જોઈએ છે. તમારા અંતરાત્માને પૂછીને મને જવાબ આપો. હજુ તમે યુવાન છો અને તમારી સામે આખી જિંદગી પડી છે. જીવનમાં ક્યારેક તો સંગાથની જરૂર પડશે દીદી " નિરાલીએ કાજલની આંખોમાં આંખો પરોવીને કહ્યું.

" હમ્... કેમ કોઈ છે ધ્યાનમાં ? " કાજલે હળવા સ્મિત સાથે પૂછ્યું.

" છે દીદી... અમુક ઉંમરે થોડી બાંધછોડ તો કરવી જ પડે છે પણ લગ્ન પછી તમને પસ્તાવાનો વારો નહીં આવે એ મારી ગેરંટી. આર્થિક રીતે પણ તમે એકદમ સમૃદ્ધ થઇ જશો. તમારે વૃદ્ધાશ્રમની સેવા ચાલુ રાખવી હોય તોય એ વ્યક્તિને વાંધો નથી. મારે અત્યારે ને અત્યારે જવાબ જોઈતો પણ નથી. એક મહિનામાં તમે મને ફોનમાં હા કે ના કહી દેજો. "

" એવું તે વળી કોણ અચાનક તારા ધ્યાનમાં આવ્યું છે ?" કાજલ બોલી.

" મારા પપ્પા !! આઈ મીન મારા સસરા !!!" નિરાલીએ ધડાકો કર્યો.

" આર યુ સીરીયસ ?"

" એકદમ ભાનમાં છું દીદી ! ચૂંટલી ખણી જુઓ !!" અને નિરાલી થોડી ગંભીર થઈ ગઈ. " તમારાથી વધુ સારું પાત્ર પપ્પા માટે બીજું કોઈ હોઈ જ ના શકે. "

" એમની સાથે તારે વાત થઈ ગઈ છે ? "

" હા એમને પણ તમારામાં ખૂબ જ રસ પડ્યો છે.... તમને મળ્યા પછી એ પણ આકર્ષાયા છે. કહેતા હતા કે આ ઉંમરે પણ કાજલ કેટલી યુવાન દેખાય છે !! " નિરાલીએ ચલાવ્યું પણ નિરાલીની વાત સાંભળીને કાજલ થોડીક શરમાઈ ગઈ.

" કેટલી ઉંમર હશે એમની ? " કાજલે પૂછ્યું.

" હમણાં જ પંચાવનમું બેઠું...પણ યોગાસનો અને એક્સરસાઇઝથી હજુ પણ એ પચાસની ઉંમર ના જ છે....અને તમે તો જોયેલા જ છે."

" ઠીક છે.. હું વિચારીને જવાબ આપીશ "

એ પછી થોડી આડીઅવળી વાતો કરીને ચા-પાણી પીને કાજલે વિદાય લીધી. નિરાલીને ખાતરી થઇ ગઈ કે કાજલદીદી ને હવે એ મનાવી જ લેશે . હવે પપ્પાને કેમ મનાવવા એ અઘરું કામ હતું.

" પપ્પા એક વાત તો માનવી જ પડશે ! તમે આજે પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની શકો છો !! " બીજા દિવસે જયદીપ ઓફિસ નીકળી ગયા પછી પપ્પાને જમવાનું પીરસતાં પીરસતાં નિરાલીએ વાતની શરૂઆત કરી.

" કેમ શું થયું પાછું ? " ગૌરાંગભાઈ કંઈ સમજ્યા નહીં એટલે પૂછ્યું.

" આ કાજલ દીદીની જ વાત કરું તો તે દિવસે તમારાથી એટલા બધા ઈમ્પ્રેસ થઈ ગયેલા કે ગઈકાલે ઘરે આવેલાં ત્યારે પણ તમારી જ વાતો કરતાં હતાં. તમારા પપ્પા આટલી ઉંમરે પણ કેટલા હેન્ડસમ અને ચાર્મિંગ છે વગેરે વગેરે. એ પણ બિચારાં ૪૫ વર્ષની ઉંમરે પણ હજુ કુંવારાં છે !! "

" હજુ એનાં લગ્ન નથી થયાં ? દેખાવમાં તો એ સુંદર છે !! " ગૌરાંગભાઈ થી બોલતાં તો બોલાઇ ગયું પણ પછી વાતને વાળી લીધી. " મારો મતલબ વ્યક્તિ દેખાવડી ના હોય તો ઘણી વાર લગ્નમાં પ્રોબ્લેમ થતા હોય છે. "

" હું પણ એ જ કહું છું ને ?..... દેખાવમાં આટલાં ખૂબસૂરત છે.... સ્વભાવ પણ એકદમ મિલનસાર છે... છતાં એમને યોગ્ય પાત્ર ના મળ્યું એટલે કુંવારાં રહી ગયાં.... જે એમનો હાથ પકડશે એમની તો જિંદગી જ બની જશે."

" તારી વાત સાચી છે. કાજલમાં એક ખાનદાન સ્ત્રીના તમામ ગુણો છે. "

" એમણે તો વાત વાતમાં કાલે તમારામાં પણ રસ બતાવ્યો હતો. પણ મેં જ ના પાડી કે પપ્પા ને હવે બીજી વાર લગ્ન કરવામાં કોઈ જ રસ નથી. એટલે બિચારાં થોડાં નિરાશ થઈ ગયાં. " નિરાલીએ સાચવી રહીને મમરો મુક્યો.

" મેં તો કાજલદીદીને કહ્યું કે પપ્પાની પંચાવન વર્ષની ઉંમર કંઈ વધારે ઉંમર ના કહેવાય !! અને આખી જિંદગી કંઈ એકલા થોડા રહેવાય ? સારો સંગાથ મળતો હોય તો લગ્ન માટે વિચારવામાં કંઈ જ વાંધો નથી. પણ તમને પૂછ્યા સિવાય એમને મારા થી હા થોડી પડાય ? "

" મતલબ કે તમે લોકો ઈચ્છો છો કે મારે હવે બીજી વાર લગ્ન કરી લેવાં જોઈએ .રાઈટ ?"

" હા.. પપ્પા. જયદીપ પણ ઇચ્છે છે કે સારું પાત્ર મળતું હોય તો પપ્પા લગ્ન કરી લે એમાં કંઈ જ વાંધો નથી. અત્યારે ના સમજાય પણ ઘડપણમાં તો કોઈ પોતાનું હોવું જ જોઈએ જે નાની નાની બાબતોનું ધ્યાન રાખે. હું તમારી દીકરી જેવી જ છું પણ કેટલીક સેવાઓ લેવામાં તમને પણ સંકોચ થાય. મારી વાત ખોટી હોય તો કહો પપ્પા !! "

" તું હવે દીકરી નહીં મારી દાદી બની ગઈ છો ! ઠીક છે... તમે લોકો આટલું બધું કહો છો તો તમને બંનેને યોગ્ય લાગે એ કરો. "

પપ્પાનું ગ્રીન સિગ્નલ મળી જાય એની જ નિરાલી રાહ જોતી હતી. આજે પપ્પાએ સંમતિ આપી દીધી હતી એટલે હવે કાજલ દીદી ના ફોનની થોડા દિવસ રાહ જોવાની હતી ! હવે એને કોઈ ઉતાવળ પણ નહોતી.

" મન હોય તો માળવે જવાય. દીદી પણ માની ગયા છે અને પપ્પા પણ તૈયાર થઈ ગયા છે. હવે લગનની તૈયારી કરો સાહેબ." રાત્રે બેડરૂમમાં નિરાલીએ જયદીપ ને ખુશખબર આપ્યા.

" યુ આર ગ્રેટ !! તું ધારે તે કરી શકે છે. મને કલ્પના પણ નહોતી કે પપ્પા હા પાડશે !! " જયદીપે કબૂલ કરવું પડયું.

" બસ હવે કાજલદીદી નો ફોન આવી જાય એટલે પપ્પા સાથે મિટિંગ ગોઠવી દઉં. "

પણ એને બહુ રાહ જોવી ના પડી. વિચારવા માટે મહિનાનો સમય આપ્યો હતો તો પણ એક અઠવાડિયામાં જ કાજલનો જવાબ આવી ગયો.

" હું કાજલ બોલું છું... મેં આ બાબતમાં ઘણું વિચાર્યું અને મને તારી વાત સાચી લાગી છે. મારે પણ હવે પરણીને ઠરીઠામ થવું જોઈએ. જો એ ખરેખર તૈયાર હોય તો મને કોઈ વાંધો નથી. "

" એ તો તૈયાર જ છે દીદી ! તમારા જવાબની જ રાહ જોવાતી હતી. હવે તમે એક દિવસ ઘરે આવી જાવ. મને ફોન કરી દેજો એટલે પપ્પાને પણ ઘરે હાજર રાખીશ. તમે લોકો એકબીજાને મળી લો પછી લગ્નનું પ્લાનિંગ કરીએ. " નિરાલીએ વાત કરી.

રવિવારે ગોઠવેલી ગૌરાંગભાઈ અને કાજલની મુલાકાત ખૂબ જ ઉષ્માભરી રહી. એક જ મુલાકાતમાં બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયાં. કાજલને ગૌરાંગભાઇ નું વ્યક્તિત્વ સ્પર્શી ગયું. પંચાવન ના હોવા છતાં એ યુવાન જ લાગતા હતા. તો ગૌરાંગભાઈને કાજલનું સૌંદર્ય અને એનો રમતિયાળ સ્વભાવ આકર્ષી ગયો.

" પન્ના મારા જીવનમાંથી ગયા પછી મને કલ્પના પણ નહોતી કે તમારા જેવી વ્યક્તિ મારા જીવનમાં આવશે. તમને મળ્યા પછી એક સંતોષની લાગણી અનુભવી રહ્યો છું. " ગૌરાંગભાઈએ કહ્યું.

" કોઈએ સાચું જ કહ્યું છે કે જોડીઓ ઉપરથી જ બનતી હોય છે ! તમારી સાથે મારાં લગ્ન થવાનાં હશે એટલા માટે જ કદાચ આજ સુધી હું કુંવારી રહી. "

લાગણીઓની આપ-લે થતી રહી. કલાક ક્યાં વીતી ગયો ખબર પણ ના પડી. એકબીજાનાં બની રહેવા માટે બંને હવે અધીરાં થઇ ગયા હતાં. લગ્નમાં વિલંબ કરવાનું બંનેમાંથી કોઈને પણ મન નહોતું.

અને સારુ મૂહુર્ત જોઈને એકદમ અંગત કહી શકાય એવાં ૧૧ સ્વજનોની હાજરીમાં બંનેએ એકબીજાને ફુલ હાર પહેરાવ્યા ત્યારે સહુથી વધુ તાળીઓ નિરાલીએ પાડેલી.

" સાસુ મા... તમને હવે હું દીદી કહું કે મમ્મી ? " વધામણી પૂરી થઇ એટલે સૌથી પહેલો સવાલ નિરાલીએ કાજલને પૂછ્યો.

" ઓફ કોર્સ.. દીદી જ...સાસુપણું કરવાના મને કોઈ અભરખા નથી. તું તો મારી નાની બહેન જેવી છે." કહીને કાજલ નિરાલીને ભેટી પડી.

" તમારા બંનેની આજે સાંજે ૭ વાગ્યાના ફ્લાઈટની મુંબઈની ટિકિટ છે. હોટલ હયાત માં તમારા બંનેનું બુકિંગ પણ થઇ ગયું છે. તમે હવે બેગ તૈયાર કરો. " લંચ લઈને મહેમાનો વિદાય થઈ ગયા પછી જયદીપે બંધ કવર પપ્પાના હાથમાં આપતાં કહ્યું.

" અરે પણ બેટા આટલું બધું કરવાની ક્યાં જરૂર હતી ? " ગૌરાંગભાઈએ જયદીપને કહ્યું."

" જરૂર છે પપ્પા.... આ ઘર અને તમારો બેડરૂમ મમ્મીની યાદો થી ભરેલો છે... લગ્નજીવનના આ નવા સંગાથ ની શરૂઆત તો મુક્ત વાતાવરણમાં જ થવી જોઈએ. " નિરાલી બોલી.

એ સાંજે મમ્મી પપ્પાને કારમાં એરપોર્ટ સુધી મુકવા જયદીપ અને નિરાલી બંને ગયેલાં. બોર્ડિંગ પાસ લઈને આગળ વધી ગયાં ત્યાં સુધી બંને જણાં આ નવપરિણીત યુગલને જોઈ રહ્યાં.

પપ્પાનાં પુનર્લગ્ન કરાવીને નિરાલી સૌથી વધુ ખુશ હતી. તો નિરાલીના આ સાહસિક નિર્ણયમાં જયદીપનો ફાળો પણ ઓછો ન હતો !!!

અશ્વિન રાવલ. (અમદાવાદ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED