શંકુ Kashyap Pipaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શંકુ

એકાગાડી વાળો

હારે મેં તો જોયો એકાગાડી વાળો

ઉજળો ભીતરથી ને વાને કાળો

હારે મેં તો જોયો એકાગાડી વાળો

હારે એ તો બેઠો’તો મોઢીયાની માથે

પચાસની ત્રણ ગણી ખીચામાં નાખે

એ તો ચણતો’તો જીવતરનો પાળો

હારે મેં તો જોયો એકાગાડીવાળો

હારે પગના તળિયા બાળીને કમાતો

નો’તો પાસે રૂપિયા-પૈસાનો પટારો

ફૂંકતો બીડીનો ઘટાદાર ધુમાડો

હારે મેં તો જોયો એકાગાડીવાળો

હારે મોંઘા જોડા-ચંપલ વાળા જોયા

કેટલાય જન્મ્યા- મરીયા પાણ નો જીવિયા

નરાળા પગે આનંદ ચોળતો કે માવો !

હારે મેં તો જોયો એકાગાડી વાળો.

ભૂખરું રખડતું કુતરું

સવારે જતી વખતે પણ જોવું છું

પાછા ફરતી વખતે પણ દેખાય છે

આમ થી તેમ ભટકતું

ભૂખરું રખડતું કુતરું

ક્યા ખાતું હશે?, શું ખાતું હશે?

શિયાળામાં ઠુંઠવાતું નહિ હોય?

શું એના ભાગ્યમાં કોઈની હુંફ નહિ હોય?

કે પછી એણે પણ કોઈ વિસામો શોધી લીધો છે!

પે’લા તો કો’ક નાં છાપરા નીચે બેસી રે’તું

વાહનોનાં પૈડાથી ડરીને

હવે તો મનમાની કરી રોડ વટી જાય છે

સામે પાર જઈને વટથી સામું જુએ છે

ક્યારેક બારીનાં સળિયા પાછળથી જોવ છું

તો એ પણ સામું જોતું ઉભું રહે છે

મને દેખાતું ભૂખરું રખડતું કુતરું

પણ એને શું દેખાતું હશે?

ભૂખરું રખડતું માણસ?

કબુતરું

ખોબામાં સમાય એવડું જ કબુતરું

આખો દા’ડો કઈક ના કઈક ચણે રાખે

એનું નાનકડું પેટ ભરાતું નહિ હોય?

ડોક આગળ-પાછળ હલાવતું- હલાવતું,

લટકતું- મટકતું આમ થી તેમ ડગલીઓ ભરે

મસ્તી ચડે તો પાંખો ફફડાવી,

અભિમાનના આકાશમાં આડું- અવળું થતું ઉડતું રહે

અજાણ તેની ઉપર ઉડતી સ્થિતપ્રજ્ઞ સમડીથી

અને જ્યારે જાણ્યું તો વ્યાકુળ થઇ છાપરા નીચે પેસી ગયું

વટથી વિભૂષિત એ આગળ-પાછળ ડોકી હલાવતું,

સમડીને છેતર્યાના અભિમાનમાં રાચતું,

બિડાલનાં પંજામાં ભીડાઈ ગયું

વ્યોમ સરખો વટ વિશાળ, બિડાલનાં પેટમાં પચી ગયો

છેવટે હતું તો એ માત્ર

ખોબામાં સમાય એવડું કબુતરું જ ને!

નક્શાવાળો

- રસ્તા પર જતાં મારી નજર પડી એમના પર અને હું ઊભો રહ્યો

- કોણ?

- અરે, પે’લા નક્શાવાળા ભાઈ..

- એને નક્શાવાળો કહેવાય.

- જે કહેવાય તે. પણ તેના હાથમાં જુવો કેટલા બધા નકશા છે!

- હા, જોયું. પણ તે એનો ખાલી થેલો નથી દેખાતો?

- ના, મારે તો નકશા લેવા છે. એના થેલાનું મારે શું કામ?

- ઠીક છે તો બોલાવ એને પણ ‘આવ’ કહેજે ‘આવો’ નહીં.

- “ઓય.. અહિયાં આવ.” બસ? જો આવે છે

- ઠીક છે લઈ લે જે લેવું હોય તે..

- આની પાસે તો આપના શહેરનો, રાજ્યનો, અને દેશનો પણ નકશો છે! પણ મને તો આનાથી મોટો નકશો જોઈએ છે..

- બસ કર હવે, આમાંથી લઈ લે, એની પાસે આટલા જ છે, તું જોતો નથી?

(નક્શાવાળાએ થેલામાં હાથ નાખી એક નકશો કાઢ્યો)

- ઓહોહો.. આટલો વિશાળ નકશો! ઘડી કરીને અંદર રાખ્યો હતો!

જો જો તું આખી દુનિયાનો નકશો છે આના થેલામાં..

તું સાંભળે છે ?

ક્યાં ગયો?


શંકુ

નથી જોયું સગી આંખે એટલે જ પ્રશ્ન છે

શું ભગવાને માનવ ઘડ્યો? મે તો નથી જોયું

કહેવાય કે કણ કણમાં ભગવાન છે . મે તો નથી જોયું

ભૂખ્યા લોકો જોયા છે, એમની ભૂખ જોઈ છે

પોલા થઈ પડેલા એમના પેટ જોયા છે

ગમે ત્યારે તૂટી પડે એવી ઝૂંપડી અને એના જેવા જ એમના શરીર જોયા છે

કોઈ મંદિરના ગુંબજમાં કે પૃથ્વીના ગોળામાં પણ

મને ભગવાન દેખાતો નથી

તેના અસ્તિત્વને નકારતો, બસમાં વિચારતો બેઠો છું

ત્યાંજ મે જોયું મારી સગી આંખે

ઘુંટડે ઘુંટડે જીવન પીવડાવતો..

ન ગુંબજ ન ગોળો પણ શંકુ.

શું દરેક માનવીનો આધાર આ શંકુ નથી?

જો છે તો શું આ ભગવાન નથી?