મંગળુ Kashyap Pipaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

મંગળુ

“મંગળુ”

“તે સારુ કર્યુ બટા, કે પરણ્યા પછી તરત આવી ગઇ..”

“એ તો નક્કી જ હતુ મોટા, અહિયા કોઇ બાઇ થોડી છે, ને બાઇયુ વગર નુ ઘર કઇ ઘર થોડુ કેવાય .હે....”

“સાચી વાત છે બટા, તારી સાસુ ને વીસેક વરસ થયા હશે ત્યાર ની બેચારી સમજુડી માથે બધુ હતુ.. એના બાપુ ને’ય એણે પાર પાડ્યા.. આ ત્રણેય ભારુ નુ ગાડુ હરહ ચાલતુ’તુ ત્યા બે વરસ પહેલા જ સમજુ પરણી ને વઇ ગઇ.. ને આ બે’ય ભાઇયુ નોંધારા થઇ ગયા.”

“હવે નોંધારા શેના,મોટા? હુ આવી ગઇને, આ ઘર હવે મારુ ને હુ આ ઘર ની, મંગળુ ને’ય હાચવી લેશ ને એના મોટા ભાઇ ને હોત..”

“હાલ તયે મધુ, દિ’ આથમી જાહે હમણા ને મારે ભેહુ દોવાની’સ.. “

”હા મોટા,બે’ય ભાઇયુ આવે એ પહેલા હુ’ય ભેહુ દોઇ લવ”

“હાલ બાઇ, ધ્યાન રાખજે ત્યારે..” કહી ધોળીમા ઉભા થયા. ધોળીમોટાબાના ડેલી ટપવા જતા જ મધુ એ ટકોર કરી

“મોટા, ડેલી દેતા નહિ.. આઘડિયે બે’ય ભાઇયુ આવતા જ હશે”

ડેલી ઉઘાડી મુકી મોટાબા જતા રહ્યા મધુ પણ હાથ માં બોઘરું અને ચુલે ચડાવેલ હૂંફાળા પાણી નો પાટીયો લઇ ઢાળિયે ગઇ. પાટીયા માંથી પાણી લઇ ભેસ ના આંચળ ને સારી પેઠે ધોયા ને પછી દુધ ની શેડ નો સર...સર... અવાજ ફળિયા મા ગુંજાવા લાગ્યો.બાપા ને ઘરે તો મધુ,આઠ-આઠ માલ ને રમતા રમતા દોઇ નાખતી ને અહિયા તો ખાલી બે જ હતા. સર... સર... ના અવાજ ની વચ્ચે પણ મધુ ડેલી એ નજર કરે રાખતી. ભોગળીયો ખુલ્યો,મધુ ની નજર ડેલી પર પડી, મંગળુ અને એના મોટોભાઇ રામકુ હતા.મધુ એ એમને જોઇ લીધા,પણ ડેલીએ થી મધુ દેખાતી નોહતી. એવામા ફળીયા મા આળોટતા સર.. સર.. ના અવાજે રામકુને એની નવવધૂનું ઢાળિયા મા હોવાનુ કીધું. રામકુ દેખાવડો હતો ઊંચી કાયા,વજ્જર જેવો દેહ અને પાણી ભરેલા વાદળ જેવો અવાજ.મંગળુ સાવ સુકલકડી, પણ રામકુ કરતા રુપકડો,દુબળો પણ બથ્થડ હતો.ઓછાબોલો અને શરમીલો પણ ખરો પખવાડીયા પેલા પરણી ને આવેલી ભાભી સાથે પણ બોલવાથી શરમાતો. મંગળુ પહેલે થી જ રામકુ ની છત્રછાયા નીચે રહેલો,રામકુ એ એની સંવેદના ને ક્યારેય દુનિયા ની લૂ લાગવા દીધી નોહતી.

બંન્ને ભાયુએ ફળિયું વટી,પાળીએ અડીને જોડા કાઢ્યા,ઢાળિયા ની સામે ઓસરી માં ખાટલો ઢાળી બેઠા.મધુ એ દુધથી છલકાતુ બોઘરું પાળીએ મુક્યુ થોડા છાંટા નીચે મંગળુ ના જોડા પર પડ્યા. મધુ જોયુ નો જોયુ કરી પારિયાણે ગઇ, બે લોટા ભર્યા ને બંન્નેને ધર્યા. દિવસ આથમી ગયો હતો. “હાથ મોઢુ ધોઇ લ્યો ત્યારે, આજે તો સરિઘવા ની કઢી-ખીચડી ને રોટલા... ભુખ લાગી’સ ને મંગળુ...?..” મંગળુ શરમાણો કઇ બોલ્યો જ નહિ, મધુ પણ રસોડા મા સરકી ગઇ.

“મંગળુ, તારી ભાભી હવે તારી મા જેવી જ છે, એનાથી જ ભોંઠો પડીશ તો કેમ હાલશે?”

“એવુ નથી મોટાભાઇ પણ મારા કોય વેણ ભાભી ને માઠા લાગ્યા તો? “

ત્યાતો રસોડા માથી અવાજ આવ્યો “મા ને દિકરા ના વેણ કોઇ દિ’ માઠા લાગે હે મંગળુ..” મંગળુ ની જેમ આખુ ફળીયુ જાણે મૂંગુ થઇ ગ્યુ, એવામા રોટલા ની ટપા ટપી ના અવાજે મૌન તોડ્યુ. રામકુ ખાટલે આડો પડ્યો રસોડામાથી રોટલા ની ટપા ટપી નો અવાજ છેલ્લે મા જીવતી હતી ત્યારે રામકુને સામ્ભળયો હતો, સમજુબેન તો રોટલા દાબીને કરતી. આજે વર્ષો પછી સમ્ભળાતા રોટલા ઘડવાના ટપા ટપીના અવાજથી રામકુને આજે આ ઘર બાઇ વાળુ લાગતુ હતુ. “હાલો ત્યારે, વાળુ કરવા..” રસોડા માથી મધુ બોલી, રસોડાની બરોબર વચ્ચે કઢી ની તપેલી,ખીચડી નુ તપેલુ ગોઠવી, પાટલો ઢાળ્યો ને માથે ચાર રોટલા મુક્યા,અભરાયેથી ત્રણ તાહળી ઉતારી ને ખાટલી મા ઉંધા વાળેલ છાલ્યા અને થાળી લીધી. બેય ભાઇ આવી ને બેઠા, મધુને ભાણા ભરતા ભરતા રમુજ સુજી એણે મંગળુ ની ખીચડી મા અડધુ પાવળુ તેલ જ રેડ્યુ.ને બેય ભાયુ ને ભાણા ધર્યા.

“ભાભી.. આમા... તેલ.... ઓછુ.....”

રામકુ ને મધુ બેય ખડી પડ્યા “ હા મંગળુ, મને ખબર છે, હુ તો જોતી’તી કે તમને તમારા ભાઇ ની વાત ગળે ઉતરી કે કેમ..”

“ થોડીક તો ઉતરી લાગે” રામકુ એ મંગળુ ના ખભે હાથ મુકતા કિધુ,મંગળુ એ ડોકી ધુણાવી.

મધુ રોજ નવા ગતકડા કાઢી ને મંગળુ ને રાજી કરતી, ક્યારેક મગ નો શીરો ખવડાવે, ક્યારેક રાબ વળી ખીર કે લાપસી મા ક્યારેક ઘી ઓછુ રેડે, તો ક્યારેક મંગળુની ડોક પરના લાખા વિશે “કોણે બટકુ ભર્યુ?” પુછી રમુજ કરતી રહેતી. દિવસો મહિનામાં ફેરવાણા ને મહિના વર્ષોમાં હવે તો દે’ર ભોજાઇ ના જીવ એકમેક મા એવા તે પરોવાયા કે મંગળુ એની ભાભી વગર ને મધુ એના મંગળુ વગર કોળીયો ભરવાય રાજી નોહતા.મધુ તો રામકુ ના મુંગા ફળીયાને દાત કાઢતુ કરી મેલ્યુ. બસ હવે મધુ ને રામકુની સંતાનની ઈચ્છા હતી પણ કોણ જાણે કેમ મધુને કસુવાવડ થઇ. થોડો સમય દુ:ખ થયુ પણ ફરી પાછા બન્ને મંગળુની ટાળવાળમા લાગી ગયા.

* * *

સૂરજ આથમ્યો, રામકુ અને મંગળુ સીમ નુ કામ પતાવી ઘરે પાછા આવ્યા, ડેલી ખોલી ફળિયામા અધવચ્ચે આવી આમ તેમ જ્જ નજર દોડાવી પણ મધુ ક્યાય દેખાણી નહિ.સર.. સર.. નો અવાજ પણ ક્યાક સંતાય ગયો હતો, ત્યા ઓસરી ને અડી ને આવેલા ઓરડા માથી બે-ચાર બાઇયુનો ખી..ખી...ખી.. અવાજ આવ્યો. રામકુ અને મંગળુ સીધા ઓરડા મા ગયા. જેઠ ને ભાળી બે બાઇયુ લાજ કાઢી બહાર સરકી ગઇ,પાછળ વધ્યા પડોશ વાળા ધોળી મોટાબા અને મધુ. મધુ ના ચહેરા પર તેજ તો સદાય હોતુ જ પણ આજે રામકુ ને બમણું તેજ દેખાણુ. રામકુ ને ભાળી ધોળીબા બોલ્યા “બાઇ આવીને મને કે’ય કે મોટા, મને ઓબકા થાય’સ ને મોળો મોળો જીવ પણ થાય’સ ..કઇ ઓસડિયુ કરી દ્યો ને...” ધોળીબા મધુના ખભે હાથ મુકી આગળ બોલ્યા..

“મે કિધુ રે મુઇ! નખ માયે રોગ નથી તને આ તો ઘોડિયા બંધાવાના એંધાણ સે એંધાણ..”

મધુ ના ચહેરા પરનુ તેજ એકાએક રામકુ ના ચહેરા પર પણ રેલાવા લાગ્યુ. મંગળુ આ બધુ જોતો હતો, પણ મનોમન એને લાગ્યુ કે ઘરમા એનાથી પણ નાનુ કોઇક આવશે તો ભાભીનું બધુ વ્હાલ તો એને જ મળશે. મધુ ના એના માટે ના હેતના ભાગલા પડશે પણ મંગળુ તો મધુના બધાજ હેત ને પોતાની પાસે રાખવા જ માગતો હતો .

“ મધુ, તે આ મકાનને ઘર બનાવી દિધુ , હવે આ ઘર મા આપણુ છોકરુ દોડતુ હશે..” રામકુ બોલ્યો

“ ને એની વાહે તમે..” બોલી મધુ અને રામકુ ના ચહેરા પર સ્મિત છવાઇ ગયુ. આ જોઇ ને મંગળુને ખાતરી થઇ ગઇ કે હવે ભાઇ ભાભી નુ વ્હાલ ફક્ત એની માટે જ નહી હોય. એમા ભાગલા પડાવનાર પણ કોઇક હશે.

ધોળીબા ગયા, મધુ પણ હરખાતી હરખાતી રસોડામા ગઇ. મંગળુ હજી વિચાર મા જ હતો તેને જોઇ ને રામકુ એ પુછ્યુ

‘મંગળુ, શુ વિચારે? તારો નાનો ભત્રીજો આવાનો છે.. તુ ખુશ નથી?’

‘ના ના મોટાભાઇ એવુ કઇ નથી” મંગળુ એ ચહેરાના ભાવ બદલતા કિધુ.

“ હુ જેમ તારુ ધ્યાન રાખુ છુ ને એમ તારે એનુ ધ્યાન રાખવાનુ છે હો..” કહી રામકુ પણ ઓરડાની બહાર નીકળી રસોડા તરફ જતો રહ્યો અને મંગળુ ડોકી હલાવતો ત્યા જ ઉભો રહી જાય છે.

ઓરડાના એક ખુણા મા પતરા નો કબાટ હતો, મધુ એ આણામાં લાવી હતી. મંગળુ એ કબાટ પાસે જાય છે અને કબાટ ના એક બારણે જડેલા કાચ મા પોતાને જુએ છે. માથુ થોડુ વિખરાઇ ગયુ હતુ પણ પાથી હ્જુ એમને એમ સીધી દોર હતી, સવારે ભાભી એ જ તો માથુ ઓળવી દિધુ હતુ! જભ્ભાના ખીચા પર ટાકા ભરત થી બનાવેલુ ફુલડુ પણ મધુની જ કારીગરી હતી, હાથ ના પંજા ઉપર ત્રોફાવેલ ૐ નુ નિશાન તો એને હ્જુ યાદ છે જ્યારે નિશાન ત્રોફાવતા પોતાને થતી પીડા જોઇ ને રામકુ કેવો લાલ પીળો થઇ ગયો હતો! પણ મંગળુને હવે ખાતરી થઇ ગઇ હતી કે અત્યાર સુધી પોતે એક જ બધાના હેતનુ કેન્દ્ર બનતો હતો પણ હવે એને આજ્થી જ બલ્કે અત્યાર થીજ એને દેખાતુ હતુ કે હવે ભાઇ ભાભીના હેત નો અધિકાર ફક્ત એનો જ નહી રહે, કોઇ બીજુ પણ હશે જે એમા ભાગલા પડાવશે.

“ મંગળુ, હાલો ભાણા માંડુ છુ” ભાભી ના અવાજે મંગળુ નુ ધ્યાન તોડ્યુ. મંગળુ ઓરડાની બહાર નીકળ્યો. હાથ પગ ધોઇ ને રસોડામા ગયો અને સૌ જમવા બેઠા. રોજ ભાભી સાથે વાતો કરતા થાકતો નહી તે મંગળુ આજે ચુપ હતો. રામકુએ કારણ પુછ્યુ તો કિધુ કે ‘મને માથુ ચડ્યુ છે.’ મધુ કદાચ તાગ પામી ગઇ હશે તે કઇ બોલી નહી, તેણે સવારે મંગળુ સાથે વાત કરવાનુ નક્કી કર્યુ. રાતનો અંધકાર ફળીયામા પથરાયેલ હતો, રામકુએ પથારી કરવાની તૈયારી કરતા ઓસરીમા મંગળુ માટે ખાટલો ઢાળ્યો અને તેની અને મધુની પથારી ઓરડામા કરી. આમ તો રોજ આ જ રીતે પથારીઓ થતી પણ આજે ખાટલાના પાયા નો ઓસરી સાથે ભટકાવાનો અવાજ મંગળુ ને થોડો ઘેરો સંભળાણો. મધુ ચોકડીમા ભાણા ઉટકી, ખાટલીમા ઉન્ધા વાળ્યા, પારિયાણે જઇ પાણીનો લોટો ભરી મંગળુના ખાટલા નીચે મુકી ઓરડામા જતી રહી, રામકુ તો અન્દર જ હતો. મંગળુ આ બધુ ફળીયામા બેઠો બેઠો જોતો હતો. મંગળુને ધીમે ધીમે ટાઢ ચડવા લાગી. એને વિચારવુ તો ઘણુ હતુ પણ એક અલગ જ પ્રકારનો થાક એને લાગ્યો હતો. આજના દાડાનો તડકો એને વસમો લાગ્યો હશે તે શરીરે બળતરા ઉપડી. ઓરડાનુ બારણું દેવાયુ અને મંગળુ પણ એના ખાટલે સોડ તાણી સુઇ ગયો.

* * *

“હવે બેઠો થા મંગળુ, તારા ભાઇ તો શીરાવવા પણ બેહી ગયા’સ, સીમ મા નથી જાવુ? આજે તો હલર છે ને.... “

મધુ ને જાણે સાંભળી જ ના હોય એમ મંગળુ એ હોંકારો’ય ના દીધો, મધુ એ એને ઉઠાડવા હાથ કર્યો..

“ એ માડી!.. મંગળુ નુ ડીલ તો જોવો.. તલ મુકો તો ફાટી જાય એવુ તપે છે.. “ મધુ જટ રસોડે જઇ રામકુ ને મોકલ્યો અને મગ-મીઠુ લઇ ઘંટલે ભરડી, મંગળુ ના કપાળે ને લમણા માથે મગ-મીઠા નુ થર કર્યુ..

“હમણા ફટાકો થાશે તાવ ઉતરતા..” મધુ એ મુંજાયેલા રામકુ ની સામે જોઇને કિધુ.

“ માય ગ્યુ હલર, મધુ તુ મંગળુ ની પાહે જ રેજે ત્યા હુ દોડ્યો દોડ્યો હલર ને વળાવતો આવુ.. “

“ અને સાંભળો,કેડા માથી આંકડા ના બે-ચાર પાંદડા’ય તોડતા આવજો ને ઉપાદી કરતા નહિ હુ અહિયા જ છુ”

રામકુ હજી ખાંચો જ વટ્યો હશે ત્યા ઘેર મહેમાન આવ્યા, મધુ ના માવતર હતા.મધુ એ ઓસરી મા મંગળુ પાસે ખાટલે બેઠા બેઠા જ આવકારો આપ્યો. રામકુ પણ ઘડીક મા આવ્યો.મધુએ બધા ને અંદર ના ઓરડા મા મોકલ્યા,આંકડા ના પાંદડા માથી શેર કાઢી મંગળુ ના કપાળે ટીલા કર્યા અને એની માથે પાંદડા ચોટાડી મધુ ચા કરવા ગઇ, રસોડા માથી પણ વચ્ચે વચ્ચે ખાટલે નજર કરતી જતી હતી.ઓરડામા થતી વાતો મધુ ને સંભળાતી તો નોહતી પણ એક ધારા આવતા અવાજ થી એટલુ તો નક્કી હતુ કે વાત હતી કઇક ગંભીર, હજી તો ચા ઉકળતી હતી ત્યા રામકુ રસોડા મા આવ્યો

“મધુ, ત્યાર થઇ જાજે તારે આણું જાવાનુ છે.. “

”પણ મંગળુ... ને.. હાજો.. “

”એની ઉપાદી તુ કરમા, હુ આજેજ સમજુબેન ને તેડું કરાવુ છુ... અને હુ તો છુ જ ને એની પાસે.. “ રામકુ ગંભીર હતો. આમ કહી તે પાછો ઓરડામા જતો રહ્યો,અને મધુ ની મા રસોડામાં પ્રવેશી. મધુ એ એની માને આજે તો નહી જ અવાય એવુ કીધુ ને એની મા ભડકી.

“ તું એની ભાભી છો કઇ એની મા નથ. રામકુ એ કિધુ તુ બેજીવી છો, એવામા આ ઘરનુ કામ ઢડવુને પાછુ આ મંગળુની સેવા. ખબર છેને ગ્યા વખતે.. ના બાપા ના..,ને આપડામાં આણું તો આવવુ જ પડે ને.”

મધુ મુંજવણમા મુકાણી, એની માની વાત પણ સાવ ખોટી નોહતી. પેટ સામુ પણ જોવાનુ હતુ. પણ મંગળુ નુ ધ્યાન કોણ રાખશે? એવો સવાલ ચુલા પરની ચા સાથે એના મન મા ઉકળતો હતો. મંગળુ શુ વિચારશે કે એની ભાભી એને માન્દો મુકી ને વઈ ગઈ, એના સાજા થવાની વાટ પણ ના જોઈ. મધુ ના મોઢા પર ચિંતાના ભાવ સ્પષ્ટ હતા એની મા એ એને સમજાવતા કહ્યુ કે “ માડી, તુ બોવ બળતરા કરમા તારી પાટલા સાસુ તો હશે ને આહિયા, એ બધુ હાચવી લેશે, તુ નો’તી એ પેલા એ જ તો બધુ કરતી ને? તુ ઉપાદિ નો કર ને ત્યાર થઇ જાજે..” માની વાતો માની નમાની કરાય પણ ભરથાર નુ કહ્યુ કરવુ એ તો સ્ત્રી નો ધરમ છે એવુ માનતી મધુ મહેમાનો ને બપોરા કરાવી ખોળિયું લઇ પિયર જવા તૈયાર થઈ ગઈ મંગળુ હજી સુતો હતો તેના માથા પર હાથ ફેરવ્યો પારિયાણે જઈ પાણી નો લોટો ભરી મંગળુના ખાટલા નીચે મુક્યો.

“ ઉપાદિ નો કરતી મોટીબેન ને તેડુ કરાવુ છુ.” રામકુ એ મધુની સામે જોઇ ને કિધુ. આજે મધુને એના પગ ભારે ખમ લાગતા હતા. ડગલુ ભરવુ એના માટે અઘરુ થઇ બન્યુ હતુ. મંગળુના ખાટલાથી ખડકી સુધીનુ અંતર તેને આજે જાણે ભવ નુ ભાસતુ હતુ. મંગળુ પ્રત્યે નો એનો મા સમ અપાર હેત હ્રદયમા ભરી મધુ જતી રહી, પણ એનો જીવ તો હતો મંગળુ મા જ.

એક રાત રામકુ એ સુખે દુ:ખે કાઢી, બીજે દિવસે તો મોટીબેન આવી ગઇ. એમની મા મર્યા પછી સમજુ જ રામકુ અને મંગળુનુ ધ્યાન રાખતી, આ બન્ને ભાઈ માટે મા કહો કે મોટી બેન કહો એ બન્ને એક જ હતુ. હવે તો મોટીબેન જ મંગળુ નુ ધ્યાન રાખતી.પણ મંગળુ ની તબિયત કથળતી જ જતી હતી.. મંગળુના જીવનની તો જાણે બળબળતી બપોર પડી હોય તેમ ઉકળતો હતો.

એક રાતે સમજુ મંગળુને ભાણુ આપવા ગઈ. “ રામકુ...”સમજુએ રસોડામા જમતા રામકુને સાદ કર્યો. રસોડાઅમાથી રામકુ અને અને એની પાછળ સમજુ નો દિકરો લાલ્યો દોડતા દોડતા આવ્યા. રામકુ એ મંગળુના શરીર પર ઉભરેલા કાળા ચકામા જોયા. લાલ્યો મંગળુના ખાટલે બેસવા જતો જ હતો ત્યા સમજુએ એને અટકાવી બહાર મોકલી દિધો. મંગળુ આ જોતો હતો. રામકુને જોઇને મંગળુ જેવુ તેવુ બોલ્યો.. “ ભાઇ.. બળે..” રામકુને સમજુ બન્ને મુંજાણા, રામકુ ગામના વૈધ્યને બોલાવી લાવ્યો. કેટલાક ઓસડીયા પીવરાવ્યા, લેપ લગાવ્યા ને બે દિવસ રાહ જોવાનુ કિધુ. બે દિવસ તો વીતી ગયા પણ મંગળુના શરીરની ધગધગતી બપોર વીતી નહી. વૈધ્યે મોટા દવાખાને જવાનુ કહી દીધુ. રામકુ મંગળુને લઈને ત્યા ગયો, ડોક્ટરે દવા લખી દિધી ને ટ્યુબ આપી અને કીધુ કે આ લગાવતા રહેજો. રામકુ મંગળુ ને હોસ્પિટલના બાકડા પર બેસાડી દવા લેવા ગયો. થોડી વાર મા મંગળુની સામે થી રોકકળ કરતા કેટલાક લોકો પોતાના સ્વજન નુ શબ લઇ ને નીકળ્યા. તો થોડી વાર મા કોઇ પુરુષ એના હાથમા નાનુ અમથુ બાળક લઇ ને મોઢા પર હર્ષના ભાવે નીકળ્યો.. મંગળુ એને જોતો હતો ત્યા રામકુ આવ્યો અને બન્ને ભાઇઓ ઘેર ગયા.

અચાનક જ બધા મંગળુથી સુગાવા લાગ્યા હતા. એક વાર મોટીબેન નો લાલ્યો મંગળુના ખાટલે બેસી રમતો હતો કે રામકુ એ એને વડા ની જેમ વીંધી નાખ્યો. ત્યાર પછી ઓસરીમા રહેલો મંગળુનો ખાટલો ઓરડામા મુકી દેવામા આવ્યો. મંગળુ નુ ભાણું,ગાદલું,લુગડા અને લોટો અલગ કરી દેવાયા. મંગળુને તો કઈ સમજાતુ નોહ્તુ કે એની સાથે આવુ વર્તન કેમ કરવામા આવતુ હતુ.

એક દિવસ ધોળીમા અને રામકુની ફળીયા મા થતી વાતો મંગળુને સુતા સુતા સમ્ભળાતી હતી. “ રામકુ તુ બીજાનુ તો ઠીક તારી બાઈ નુ તો વિચાર કાલ સવારે તારી બાઈ જ્યારે તારુ છોકરુ લઈને આ ઘર મા આવશે ત્યારે તુ હુ કરીશ? મધુ કાઈ એનાથી આઘી રેશે? અને ન કરે નારાયણ ને તારા છોકરા ને કઈક થયુ તો? તુ હુ કરીશ?” ધોળીમા ની વાત રામકુ ધ્યાનથી સામ્ભળતો હતો. એમની વાત કઈ સાવ ખોટી પણ નોહતી. બાળપણથી જ એણે મંગળુ નુ ધ્યાન રાખ્યુ હતુ પણ અહી વાત એની સંતાન ની હતી. મંગળુ નાનો હતો ત્યારે એ બિમાર પડતો એટલે રામકુ જ એને ચણાના લોટથી નવડાવતો. ક્યાક પડ્યો આખડ્યો હોય તો રામકુ જ એને હળદર નો લેપ લાગાવી દેતો, પણ અત્યારે મંગળુ જે દશામા હતોં તેનાથી રામકુ પણ ક્યાક ને ક્યાક સુગાતો તો હતો જ. ધોળીમા ની વાત પર વિચાર કરતા રામકુ એ પુછ્યુ

“ તો શુ કરુ ધોળીમા, તમે ક્યો, મંગળુ મારો નાનો ભાઈ છે..”

“હા ભાઈ પણ હાચુ કહુ તો મંગળુને સૌથી છેટો રાખવો જ સારો..” કહી ધોળીમા જતા રહ્યા. રામકુ ફળીયા મા એકલો વિચારતો બેઠો રહ્યો. રામકુને મન મંગળુ નાના ભાઈ કરતા દિકરો વધુ હતો . પણ અહી વાત પેટના જણ્યા ની હતી., મંગળુના કોઢનો ચેપ ઘરમા કોઇ ને પણ લાગી શકે એમ હતો એવામા થોડા મહિના મા ઘરમા આવનાર મધુ અને એના નવજાતનુ પણ વિચારવાનુ હતુ. રામકુ માટે નિર્ણય સરળ તો નોહતો જ. એક બાજુ એક કોઠામા આળોટનાર,અને બીજુ બાજુ મધુના કોઠામા આળોટનાર. આ બે વચ્ચે રામકુ અસમંજસ મા હતો.

રામકુએ ઘણુ વિચાર્યા પછી ઓરડામા મંગળુ પાસે ગયો, એના ખાટલા થી થોડો દુર કબાટ્ના ટેકે ઉભો રહ્યો, રામકુને આવતો જાણીને મંગળુએ વિચેલી આંખો ખોલી. બન્ને ભાઇઓ એક બીજા ની સામુ જોઇ રહ્યા હતા, રામકુને વાત તો કરવી હતી પણ શબ્દો હોઠોનુ બન્ધન તોડી શકતા નોહતા. એના દિકરા સમ નાના ભાઇ ને એ કેમ કરીને કહે કે કાલ થી એને ઘરથી દુર જવુ પડશે, એના ભાઈથી દુર જવુ પડશે. મંગળુએ બધી વાતો સામ્ભળી લીધી હતી, રામકુની આખોથી એને રામકુની બધી વાતો સમ્ભળાઈ ગઈ. “ મે વાતો સામ્ભળી...” મંગળુ એ ધીમા અવાજે કહ્યુ.. “ પણ ભાઇ ભાભીને આ બધુ નો કેતા..” ખાટલે પડેલ મંગળુને પોતાના કરતા ભાભીની ચિંતા વધુ હતી. મુંગો બનેલો રામકુ જમીન પર આસુએથી છલકાઈ ગયો. બન્ને ભાઈયોની વચ્ચે આ આસુના માધ્યમ થી વાત થઈ ચુકી હતી.

બીજા દિવસે રામકુ એ ખાંડા ના ખેતર મા ઝૂપડી બાંધી, જાડી જાખરા સાફ કર્યા, પાણીનો ગોળો ને માથે એક લોટો મુક્યો મંગળુને હવે ત્યા જ રહેવાનુ છે એવુ નક્કી થયુ. રામકુ રોજ ભાતુ લઈ ને એને મળવા આવશે એવુ મંગળુને કહેવામા આવ્યુ. અને એવુ થયુ પણ ખરુ. રામકુ રોજ મંગળુ માટે ભાતુ લઈને જતો અને મંગળુ જમી લે ત્યા સુધી ત્યા બેસી તેની સાથે વાતો કરતો. મંગળુ માટે આ સમય જ એક એવો હતો કે જ્યારે એ કોઇ માણસ નુ મોઢુ ભાળતો બાકી તો છેલ્લા નવ નવ મહિનાથી ખાટલા મા પડ્યો પડ્યો કેડે થી પસાર થતા લોકો ના મોઢે થી “કોઢીયો.. કોઢીયો..” સાંભળે રાખતો. ભાદરવા ની બપોર ના કાળા તડકા મા ભાદરવા ની જેમ જ ઉકળતો મંગળુ, ખુતતા વાણ ના ખાટલમા સુતા સુતા ઝૂપડીની બહાર વાડી ના કાળા ઢેફા વચ્ચે સાપ ને કાચળી બદલતા જોતો હતો. ત્યા મંગળુના મનમા ચમકારો થયો.. .“ધોળી મા ’કેહતા. અડવાથી... તો.. ભાભી.. આવશે... ત્યારે... “ વિચારતો વિચારતો મંગળુ પડખુ ફરી સુઇ ગયો.

* * *

મધુએ આ નવ મહિના કેમ કાઢ્યા એ તો એનુ મન જ જાણતુ હતુ, મંગળુ ને માન્દો મુકીને આવી પછી એને જોયો સુધ્ધા નોહતો. ભગવાને એને જણ્યુ તો આપ્યુ પણ વણજણ્યા દિકરા જેવા મંગળુથી પણ દુર કરી દીધી. કેટલીક વાર તો એ વિચારતી કે “હમણા થયુ જ નો હોત તો સારુ હોત” મધુ મંગળુ માટે એના પેટના સન્તાનને પણ કોસતી. એની મા કેતી “ જરાક શરમ કર બાઈ, એની હાટુ થઈ ને તારા પેટ ને હુ કામ કોસવે છો?” ત્યારે મધુ કઈ બોલતી તો નહી પણ મન મા ઘણી રાડો નાખતી. “ ઈ જ તો છે કે ઈ મારા પેટનો નથી પણ દિકરો તો છે જ..”

મધુને દિવસો કાઢ્વા આકરા થઈ પડ્યા હતા, પિયર મા કોઈની સાથે બેસીને મન હલ્કુ કરે એવુ નોહતુ સિવાય એની બાળપણની બહેનપણી મંગુ. એના પણ લગ્ન તો થઈ ગ્યા હતા પણ બે વરસની બોલી કરી હતી.બપોર ના સમયે બન્ને બહેનપણીઓ મધુ ના ઘરના ફળીયામા બદામ નીચે ખાટલો ઢાળી સુખ દુખ ની કરતા. એવામા મધુ એ મંગળુની વાત કરી, એની તબિયત અંગે ચિંતા વ્યક્ત વ્યક્ત કરી. મંગુ એની પાકી બહેનપણી એટલે એનુ દુખ સમજી પણ ખરી. એક વાર મધુના મોઢા પર ચિંતા જોઈ મંગુ બોલી “ મધુ, મારા બાપા ટપાલી છે. તુ કેતી હો તો સમાચાર પુછવી લવ? આમેય તારા ગામમા એમને એકાઅતરા જાવાનુ હોય જ છે..” મધુ એ પરવાનગી આપી અને મંગુ ઉભી થઈ જતી રહી. મધુ ત્યાજ ખાટલા પર બેસી રહી. એક બે દીવસમા મંગુ ના બાપા સમાચાર લાવશે એવુ વિચારતા તે બદામ ની ડાળ પર બુલબુલે બાન્ધેલા માળામાથી આવતો પોટાનો અવાજ સામ્ભળ્તા સુઈ ગઈ.

બે દિવસા વીતી ગયા હતા, મધુનુ ધ્યાન ડેલી પર જ હતુ, પવનના લીધે જરા ડેલી ખખડે ને એટલે મંગુ આવી એવુ લાગે. ડેલી ખખડી, આ વખતે પવન ના લીધે નહી પણ મંગુ જ હતી, મંગુ મધુ પાસે આવી, મધુની આખો મા જિગ્નાશા હતી, “ મધુ કાલ મારા બાપાની તબિયત સારી નોહ્તી, આવતી કાલે જાશે એ તારા ગામ. મે એમને કિધુ છે તારા ઘેર ખબર પુછવા જાવાનુ, ચિંન્તા નો કરતી” મધુ એ નિસાસો નાખ્યો, પણ સાથે એક આશ્વાસન પણ હતુ કે સમાચાર મળશે તો ખરા જ ને.

મધુ હતી તો પિયર મા પણ એનુ મન તો મંગળુ પાસે જ ભમતુ હતુ. મંગળુ ને સારુ તો હશે ને?, એને માર વગર ગમતુ તો હશે ને? , સમજુબેન એનુ સરખુ ધ્યાન રાખતા તો હશે ને?, મંગળુ ને અડધી રાતે તરસ લાગે છે, સમજુબેન ને ખબર હશે ને? એના ખાટલા નીચે લોટો ભરી ને મુકતા તો હશે ને ? એક વાર સમજુબેન રુબરુ ભળામણ કરી ને આવી હોત તો સારુ હોત. આમ તો એના મોટાભાઈ ધ્યાન રાખતા જ હશે. એમને મન પણ મંગળુ દિકરા જેવો જ છે ને! હુ તો કાલ સવારે એ ઘર મા ગઈ મારી પેલા એ જ તો મંગળુ નુ ધ્યાન રાખતા. આવા કેટલાય સવાલો અને જવાબો મધુ ના મન મા મ્હાલતા રેતા.

જ્યારે એણે પરણીને પહેલી વાર એ ઘર મા પગ મુક્યો હતો ત્યારે એણે એક શર્મિલા એવા, નીચી નજર રાખેલા દુર જામ્બુડા ના થડીયે ટેકો દઈ ને ઉભેલા મંગળુને જોયેલો. રામકુએ એને પગે લાગવાનુ કીધુ તો ઉતાવળા હાથે પગે લાગી પાછો દુર જઈ ઉભો રહ્યો.. રામકુ એ મધુને સમજાવેલી કે મંગળુ ભોળો છે, શર્માળ છે, ઓછાબોલો છે. એને મમતાની જરુર છે, એક માની હુફની જરુર છે અને મધુએ એની મા બનવુ પડશે. મધુએ એનાથી બનતુ બધુ કર્યુ, ને અંતે સફળ પણ થઈ મંગળુ ના મને ભાભીએ માનુ સ્થાન લેવા માન્ડી. મધુની કસુવાવડ પછી તો મધુનુ મંગળુ પ્રત્યે નુ વ્હાલ બમણુ થઈ ગયુ હતુ, એને મંગળુ ની ટાળવાળ મા પોતાનુ દુખ ભુલાઈ ગયુ અને જાણે મધુ આખી મંગળુમય જ બની ગઈ ન હોય! એમ મંગળુને ભાવતુ રાન્ધવામા, મંગળુની માટે નવા ગોદડા સિવવામા, મંગળુના જભ્ભા પર ભરત ભરવામા જ એ ખુશ રહેવા લાગી, લાગ્યુ કે જાણે એને કસુવાવડ નથી થઈ પણ દિકરો જણ્યો. નવજાત બાળકની મા જેમ એના શિશુની સમ્ભાળ રાખવામા આખો દિવસ વ્યસ્ત રહે તેમ મધુ પણ હવે વ્યસ્ત રહેવા લાગી હતી.

ભાદરવાની બપોર નો તાપ આખા ફળીયાને બાળતો હતો પણ બદામ નીચે ઠંડક હતી. મંગુ ત્યા રોજ ની જેમ ખાટલો ઢાળીને બેઠી હતી. ડેલી ખુલી અને મંગુ અન્દર આવી.. મધુ પાસે આવી બેઠી, “ સમાચાર લાવ્યા તારા બાપા?” મધુ એ અધીરી થતા પુછ્યુ.

“ હા..પણ મધુ, કદાચ તને નઈ ગમે..” મંગુએ અચકાતા કિધુ. “ કેમ મંગળુને સારુ તો છેને? હવે તો એ સાજો થઈ ગયો હશે..” મધુ બોલી..

“ ના મધુ, તારા દેર ને કોઢ નીકળ્યો છે, ને ઈ તારા ઘરે નય પણ ખેતર મા જુપડી બાન્ધી અલગ રહે છે.. “

“ તુ શુ બોલે છે તને ભાન છે મંગુ?” મધુએ ઉશ્કેરાઈ ને કિધુ. “ હા મધુ હુ સાચુ જ કવ છુ.. મારા બાપા ખુદ એની જુપડી એ જઈ ને આવ્યા છે.”

મધુ નિ:શબ્દ હતી.તેના માટે હવે રુદન જ એક માત્ર વિકલ્પ હતો. મધુની મા દોડતી આવી, તેણે મંગુ ને પુછ્યુ , કે એવુ તે શુ થયુ કે મધુ એ પોખ મુકી? એની મા એ કેટલીયે છાની રાખી પણ મધુની આંખો માથી આંસુ બન્ધ થાવાનુ નામ જ લેતા નોહતા. મંગુ એની માને એ મંગળુની વાત કરી.

“ માડી છાની રહી જા, જે થવાનુ હતુ એ થઇ ગયુ, એમા તુ કે હુ શુ કરી લેવાના હતા.? ભગવાને ધાર્યુ હોય એ થાઈ માડી, તુ બેજીવી છો તારા પેટમા પળનાર સામુ જો અને છાની રઈ જા..” મધુની મા એ એને સમજાતા કિધુ. પણ મધુના મન મા તો મંગળુ હતો, એનો હસતો દયામણો ચહેરો હતો.

“ મધુ, છાની રઈ જા. બાની વાત સાચી છે. અને આમેય મહિના બે મહિના મા તો તારે ત્યા જાવાનુ જ છે ને...”

મંગુ ની આ વાત સામ્ભળતા મધુ થોડી શાંત થઈ, બસ હવે ક્યા વાર હતી, જેટલો સમય ગયો એટલો જવાનો નોહતો. આમેય મધુને પુરા મહિના જતા હતા, બસ થોડા દિવસો અને પોતે મંગળુ પાસે હશે. એ વિચાર થી મધુ શાંત પડી, મંગુ એ એને પાણી પાયુ, મધુને ખાટલા પર આડી પાડી. મધુની મા એની પાસે બેઠી. મંગુ મધુનુ ધ્યાન રાખવાનુ કહી જતી રહી.. એ દિવસ જેમ તેમ નીકળી ગયો પણ મધુ ન તો સરખુ જમે ન તો સુએ, એની મા પરાણે એને આવનાર બાળકના નામે કોળીયો કોળીયો ખવડાવતી. મધુને જેમ તેમ કરી ને સુવડાવતી. મધુ ને સપના મા પણ મંગળુ જ દેખાતો એના રુપકડા મોઢા પર સ્મિત હોય અને ભાભી.. ભાભી.. કહેતો એ મધુની પાસે ચાલતો આવતો હોય, ત્યા અચાનક એનુ સ્મિત ભયના ઓથાર નીચે દબાઈ જાય, એની ધીમી ચાલ, દોડ મા બદલી જાય અને પાછળ પડેલા કાળા કુતરા થી બચવા મંગળુ ભાભી ભાભી કહેતો રાડો નાખવા લાગે.. અને “મંગળુ..” રાડ નાખી મધુ ઉંઘ માથી જાગી જાય. આવુ રોજ થતુ.

સવાર ના પાંચ વાગ્યા હશે, ધ્રુવનો તારો હજુ ક્ષિતિજ પર દેખાતો હતો. મધુ ને તરસ લાગી, માને સાદ કર્યો પણ કદાચ એ ભરનિન્દર મા હતા, મધુ એ બીજી વાર સાદ કરવા કરતા જાતે જ પાણી પી આવવાનુ નક્કી કર્યુ. મધુ ખાટલામાથી બેઠી થઈ ને પારિયાણે ગઈ, ઊંધા પડેલા લોટાઓ માથી એક ને ગોળામા બોળી પાણી ભર્યુ ને પીધુ અને પાછી ખાટલે જઈ સુતી. થોડીવાર પહેલા પીધેલુ પાણી નહી પણ પાણા હોય એમ મધુને પેટમા દુ:ખાવો શરુ થયો. મધુએ એની માને બે ત્રણ સાદ કરી ને બોલાવી. એની મા એ ચુલે પાણી મુકી, મધુના બાપાને સુયાણીને બોલાવવા મોકલ્યા. થોડી વારમા કમળાબા આવ્યા બાઈયુની સુવાવડ એ જ કરાવતા. પણ મધુ નો દુખાવો ત્યા જતો રહ્યો હતો. કમળા બા કહી ને ગયા કે દુખાવો ઉપડ્યો છે એટલે હવે જાજી વાર નોહતી સાંજ સુધી મા જન્મ થઈ જશે. અને દુખાવો થાય ત્યારે પોતાને બોલાવવાનુ કહી કમળાબા જતા રહ્યા. સવાર પડી, સવારની બપોર થઈ પણ હ્જુ મધુને દુખાવો થયો નહિ. મધુને પણ ઉતાવળ તો હતી જ પણ એના જણ્યા ના મળવા કરતા એના વણજણ્યાને મળવાની. બપોર ના ત્રણ વાગ્યા ત્યા મધુને દુખાવો થયો, કમળાબાને બોલાવવામા આવ્યા. કમળાબા એ ગરમ પાણી ના પોતા મધુના પેટ પર મુકવાના ચાલુ કર્યા. મધુને તો જાણે કોઈક કવાડે કવાડે કડ કાપતુ હોય એવી પીડા થતી હતી, જાણે કે હમણા જ એના શરીરના બે કટકા થઈ જવાના નહિ હોય!. મધુ ના શરીરના કણે કણ ધ્રુજી ઉઠ્યા હતા અને આ કમ્પનની ઉર્જાથી મધુ વરાળ નાખતા પાણીના પાટીયાની જેમ ઉકળતી હતી. રાડો પણ નખાઈ એમ નોહતી કેમકે કમળાબા એ પહેલા જ કિધુ હતુ કે “ બોલી તો બોલ વેચાય જશે અને વધુ પીડા થશે.”

* * *

મંગુએ મધુ ના ઘર ભણી દોટ મુકી. મંગુ ડેલી ખોલી અંદર ગઇ અને કમળાબા ઓરડા માથી રુપકડુ ફૂલ જેવુ બાળક લઇને બહાર આવ્યા. ”બાઇજી જનમ તો ક્યારનો’ય થઇ ગયો’તો, પણ નાળ જ નો’તી વધેરાતી.ભાણીયો પેટે થી છુટો જ નો’તો પડતો..” કમળાબા બોલ્યા.મધુ ની માએ છોકરા ને હાથ મા લીધો.. ને મંગુ ને આવતી જોઇ બોલી.. “એ મંગુડી.. તુ માસી બની ગઇ, તારી બેનપણી ને ભાણિયો આવ્યો આ જો.. ” મંગુ એ સાંભળ્યુ નહી સાંભળ્યુ સીધી અંદર ગઇ, પરસેવાથી રેબઝેબ અને નીચોવાય ગયેલી મધુ ખાટલામા પડી હતી..મંગુ એની પાસે ગઇ અને બોલી..

“મધુડી કોપ થઇ ગયો.. તારા દે’રે..”

”હુ?.. મારા દે’ર..?.. મંગળુ..?..મંગળુ એ હુ?.” બોલતી મધુ બંન્ને ઇંહ ને ટેકો દઇ માંડ માંડ થોડીક બેઠી થઇ ને બોલી

“એણે ખાંડાના કૂવા મા ધુપકો મારી કમોત કર્યુ..”આ સામ્ભળીને જાણે ઇંહુ ભાંગી ગઇ,હાથ માથી ચેતના જતી રહી,વેણે’ય જાણે મધુના કસ સાથે નીચોવાય ગયા,એની આંખો ના આંસુડા પણ એને નોંધારી મુકી ઊડી ગયા,સૂકી આંખો,પાણી વિનાનો પંડ ને જીભ વગર ની શૂન્ય બનેલી મધુ ખાટલા મા ખુતી ગઇ.

અંધારીયા ની રાત જેવી બનેલી મધુમા આ બીજો ચાંદો વળી ક્યો ઉગ્યો? જેનુ અજવાળુ મધુ ની આંખો મા પડતુ હતુ અને જે એના મન ના કૂવા ના તળને ઊપર ને ઊપર ખેચતો હતો. ઘડીવારમા પાણી વિનાનો મધુ નો પંડ ધાવણથી છલકાવા લાગ્યો.ખાટલામા,ખાટલાની જેવી જ પડેલી મધુ ને એક કાને ઓસરીમા એની મા એ તેડેલા એના જણ્યાનો રડવાનો અવાજ અને બીજે કાને મંગળુનુ ખડખડાટ હાસ્ય સમ્ભળાતુ હતુ. ધીમે ધીમે એના જણ્યાનો રડવાનો અવાજ કોણ જાણે ધીમો પડવા લાગ્યો અને મંગળુનુ હાસ્ય વધુ ને વધુ ઘેરુ સમ્ભળાવા લાગ્યુ. ઓરડાના ખુલેલા બારણાની બહારથી પુનમની રાતના જેવો અજવાસ મધુની આંખોને આંજતો હતો, આ અજવાસની પેલે પાર થી જાણે મંગળુ “ભાભી.. ભાભી..” કહેતો મધુને બોલાવતો હતો. મધુએ બારણા તરફ મોં કર્યુ, હા, મંગળુનો જ અવાજ હતો તેનો અવાજ નજીક ને વધુ નજીક આવતો હતો હમણા જ એ ઓરડામા આવશે એવુ લાગતુ હતુ. અચાનક મંગળુનો અવાજ નવજાતના રુદનમા ફેરવાઇ ગયો. એ અજવાસ માથી કમળાબા ઘડીક પહેલા જન્મેલા મધુના છોકરાને તેડી અન્દર આવ્યા..મધુને જોઇ ને બોલ્યા

“ બાઇ, આ દિકરો બોવ ભાગશાળી છે, એના ગળે લાખુ તો જો..”

મધુની આંખો સામે બધુ ભમવા લાગ્યુ, જાણે આખો ઓરડો ભમરડાની જેમ ગોળ ગોળ ફરવા લાગ્યો અને મધુ બેભાન થઇ પડી. સો-સો સુરજ એક સાથે ચમકતા હોય એવા પ્રકાશની વચ્ચે મધુ ઉભી હતી, દુર ક્ષિતિજ પર કઇક આકાર દેખાયો. એ આકાર ધીમે ધીમે એના તરફ આવતો હતો. આકાર થોડો સ્પષ્ટ થયો અને મધુ એ એના તરફ “મંગળુ” કહેતા દોટ મુકી. મધુ મંગળુને ભેટી પડી, મા સહજ વહાલ કરવા લાગી,એના શરીરને અડી અડીને જોવા લાગી ક્યા છે કોઢ? મંગળુનુ શરીર તો રુ જેવુ પોચુ અને ધવલ જણાતુ હતુ.

“ મંગળુ, તને તો..” મધુએ પુછ્યુ.

“ ભાભી એ તો હતો.. હવે નથી” મંગળુ એ જવાબ દિધો.

“મંગળુ, તુ કેટલો દુ:ખી થયો, તને કેટલી પીડા થઇ હશે, અને તો’ય તારા ભાઇએ..” મધુ આગળ બોલે એ પહેલા મંગળુએ તેને અટકાવી.

“ભાભી, એમા ભાઇ નો વાંક નોહતો. એમણે જે કર્યુ તે સારા માટે જ કર્યુ’તુ. તમારા માટે જ કર્યુ’તુ અને એમ કરીને ભાઇએ મારા માટે જ વિચાર્યુ હતુ”

“ તું શુ વાત કરે છે મંગળુ, મને કઇ સમજાતુ નથી, પણ તને ખબર છે તારા ભત્રીજાના ગળે પણ તારે છે એવુજ લાખુ..” કહેતા મધુએ મંગળુના ગળે જોયુ.. પણ મંગળુના ગળેથી લાખુ ક્યા ગયુ? મધુ કઇ પુછે એ પહેલા મંગળુ એ કિધુ “ ભાભી ભુખ લાગી છે..” આટલુ બોલી મંગળુ એ પ્રકાશમા પ્રકાશ જેવો બની અદ્રશ્ય થઇ ગયો. મધુ એ બધુ જોતી ઉભી રહી, પણ ધીમે ધીમે પ્રકાશ વધતો ગયો અને એની આંખો અંજાવા લાગી, બન્ધ આંખોએ અને છેલ્લી વાર મંગળુ ને સાદ કરતા બોલી “મંગળુ..”

મધુએ આંખો ખોલી ત્યારે તે ખાટલામા જ હતી કોઇ અજવાસ ઓરડામા નોહતો. જે થયુ, એણે જે જોયુ એ બધુ સાચુ હતુ કે કેમ? મધુને સમજાય એ પહેલા એના પડખામાથી રડવાનો અવાજ આવ્યો.. “ મધુ, લેને બાઇ, ભાણીયો ભુખ્યો છે એને ધવરાવતો..” કહી કમળાબાએ નવજાતને મધુના પડખામાથી લઈને ખોળામા મુકી દિધો. મધુનો સ્પર્શ થતા જ તે શાંત થઇ મધુ સામે મરક મરક મલકવા લાગ્યો, મધુને એના જણ્યાના અને એના વણજણ્યા ના સ્મિત વચ્ચે કઇ ભેદ ન જણાયો. મધુનુ દુ:ખ એના દિકરાના આવવાથી ક્યાય વિસરાઈ ગયુ. મધુ હવે એના બાળક ને નવા નવા કપડા પહેરાવવામા, એના બાળોતીયા બનાવવામા, એના શરીરે માલીશ કરવામા અને એની સાથે કલાકોની કલાકો વાતો કરવામા વ્યસ્ત રહેવા લાગી.

રામકુને મંગળુ ના મરવાનુ દુ:ખ તો હતુ જ પણ પોતાના બાળકના જન્મની ખુશી પણ હતી.કદાચ મધુ એને દોષી માનતી હશે. એ મારી વાત સમજશે ખરી? એવા કેટલાય સવાલો સાથે એ એના બાળકની છઠ્ઠીમા ઉપહારો લઈ પહોચ્યો. એને તો બસ પહેલા મધુને મળવુ હતુ. રામકુ આવ્યો ત્યારે બદામની નીચે ઢાળેલા ખાટલા પર મધુ એના બાળક સાથે વહાલ કરતી બેઠી હતી. બીજા બધા ઓસરીમા છઠ્ઠીની તૈયારીઓ કરતા હતા. મધુતો પોતાની ધુન મા જ હતી રામકુના આવ્યાની એને ખબર જ ન રહી. “મધુ..” રામકુ એ કહ્યુ. મધુ એ આવેલા અવાજની દિશામા નજર કરી, નવ નવ મહિના પછી પોતાના પતિને જોઈ મધુના હેતનો પાર ન રહ્યો.. રામકુ ની એક આંખ મા જાણે મંગળુના દુ:ખના આંસુ હતા તો બીજી મા સંતાનના આગમનની ખુશીના. મધુએ છલકાયેલી આંખે એના ખોળામા રમતા દિકરાને રામકુની સામે ધર્યો. રામકુએ એને હાથમા લેતા જ આનન્દનો પાર જ ન રહ્યો, “ જો મંગળુ અહિયા હોત તો.. .” રામકુ એના ભીના અવાજે આગળ બોલે એ પહેલા એની નજર એના દિકરાની ડોક પર પડી, “આ તો મંગળુને હતુ એવુજ..”

“લે આવો, આવો રામકુ કુમાર..” મધુની માએ ઓસરી માથી સાદ દિધો.રામકુ બાળક ને મધુના ખોળામા મુકી બધાને મળવા જતો રહ્યો. સાંજ નો સમય થતા બધા મહેમાનો આવવા લાગ્યા. બધા સાથે ફળીયામા બેસેલો રામકુ, ઓરડામા પોતાના બાળક સાથે વાતો કરતી મધુને જોઈ રહેતો “ પેટ ના જણ્યા ઈ પેટના જણ્યા.” રામકુ મન મા બોલ્યો ત્યા એને પુજા માટે બોલાવવામા આવ્યો. મધુ અને રામકુ વેદી સામે બેઠા, મધુના ખોળામા ટગર ટગર બધુ જોતુ એમનુ બાળક હતુ. ગોરદાદાએ બધી વીધી કરી, કુંડળી કાઢી. રામકુને યાદ આવ્યુ કે પોતે મધુ સાથે એ તો વાત જ નોહતી કરી કે દિકરાનુ નામ શુ રાખીશુ? ત્યા ગોરદાદાએ પુછ્યુ “ ભાણિયાનુ નામ બોલો..” મધુ જાણે આ ક્ષણની વાટેજ બેઠી હતી તેમ તરત જ બોલી

“મંગળુ..”

રામકુ મધુના ચહેરા તરફ જોઈ રહ્યો, તેના ચહેરા પર એક સંતોષ હતો, તેની આંખોમાં મમતા હતી. કેમ કે તેને જે જોતુ હતુ તે મળી ગયુ, તેને “મંગળુ” મળી ગયો.