“આવી ગ્યા એમને?”
વેરણ-છેરણ પડેલી ઘર વખરીને ટપીને દરવાજા બાજુથી કોઇકનો અવાજ આવ્યો, “ હા.. હો.” મે અને બે’ને પલંગ ફિટ કરતા કરતા કહ્યુ; મે વળી એક નજર જોઇ લીધું કોઇ મા’ડી હતા, કદાચ પાડોશી હશે એવું મે ધારી લીધુ. મા’ડી, ડાઇનિંગ ટેબલ ની ખુરશી પર હાથ ના બે પ્રહાર કરી બેઠા. તેમના પ્રહાર ના લીધે હવામાં થોડી વધુ ધૂળ ભળી અને મને ધૂળ ની એલર્જી, એક સામટી છ છીંક ખાઇને મે મા’ડી નો મનોમન આભાર માન્યો.
“હા, હવે શાંતિથી કર્યા કરજો બધુ કામ, અઠવાડિયું તો નીકળી જ જાહે.” મા’ડી બોલ્યા.
પલંગ ફિટ થયો એટલે મે મા’ડી સામે નીરખીને જોયુ; સફેદ-પોલા વાળ, બે-તાળા ની પાછળ જીણી જીણી આંખો, એ આંખોની કીકી ફરતે ઉતરી આવેલી માથાના વાળની ધોળાશ અને અડધી સફેદ અને અડધી રાખોડી કલરની સાડીમા પડેલી કરચલીઓ જેવી જ હાથ અને મોઢા પરની કરચલીઓ. એક કાન મા ટોટી અને બીજો કાન ફાટેલો!
કદાચ મારી નિરીક્ષણશક્તિ થી બચવા મા’ડી ઉભા થઇ ને જવા લાગ્યા, એમના વર્ણન માટે વધુ સામગ્રી મળે એવા સ્વાર્થ થી મેં કહ્યુ “ બેસો ને બા.. “
“ હવે તો પાડોશી બન્યા તે બેહવાનુ તો હાલે જ રાખશે.” કહી તેઓ જતા રહ્યા. પણ અમને શું ખબર કે સાચે જ ‘બેસવાનુ તો ચાલે જ રાખવાનુ હતુ!’ નવો એરિયા, નવી રેસિડેન્સીસ, નવો ફ્લેટ, અને અમે ટેવાયેલા “ઘર” મા. છતા ટેવ તો પડી જ ગઇ 501 મા રહેવાની, પણ 504 વાળા મા’ડી ની ટેવ ન પડી તે ન જ પડી.
ઘર મા અમે ચાર વ્યક્તિ, હુ, બા, બે’ન અને પપ્પા. બધા સમયસર ઉઠવા વાળા અને હુ તો રાતે સુતો જ હોવ માંડ એક વાગ્યે. સવારે ગાદલામા જમણો હાથ ઇશાનમા અને ડાબો પગ અગ્નિમા હોય તેવી કફોડી સ્થિતિમાથી બધા સ્પેરપાર્ટસ એકઠા કરી બુદ્ધની જેમ અડધી ખોલેલી આંખે પથારીમા સ્થિત થઇએ અને સામે કોઇ પાડોશ ની ડોશી દેખાય, પાછો નવા ફુટેલા કાનો મા ચોકઠા વગરના મોઢામાથી નીકળતો અવાજ આવે કે “જાગી ગયો એમને” તો કેવુ લાગે? બસ એવુજ મને લાગતુ.
છ દિવસોમા તો ન્યાત,અટક થી આગળ વધી સંબંધીઓના કનેક્શન પણ જોડી દીધાએ મા’ડી એ. રોજ કોલેજ થી ઘરે આવુ એટલે સામે મુર્તિ બેઠી જ હોય ‘પ્રહાર’ વાળી ખુરશી પર. શરુઆત મા તો બા અને પપ્પા કહેતા કે “ભલેને આવતા બિચારા” પણ પછી તો જમવાના સમયે પણ ખસતા નહી. પપ્પાની રોટલીને શાકમા બોળીને છેક મોઢે સુધી મુકવા જતી એમની ચશ્માની પેલે પારની નજર, પછીતો પપ્પા પણ કંટાળ્યા. બાએ પણ કીધુ કે “મને કાંઇ કામ નથી કરવા દેતા મા’ડી, રોજ રોજ આવી ને ખોડાય જાય છે”
આ ‘મસલા’ ની પ્રોસેસ હજુ ચાલુ હતી,અમે કોઇ ‘નતીજા’ પર પહોચ્યા નોહતા ત્યાં રક્ષાબંધન આવી ગયુ અને સાતમ-આઠમ કરવા મોટી બે’ન આવી. ચાલો એ તો આવી પણ સાથે સાથે મા’ડી પણ ઘરમા ઘુસી ગયા! અરે માડી, આ તો મારી બે’ન છે, વર્ષમા એક વાર થોડા દિવસો અમારી સાથે રહેવા આવે છે, પણ તમે?
“ કશું, મા’ડી પાસે થી મારો થેલો લઇ લે ને. “ મો’ટી એ મને કિધુ ત્યારે મને હાશકારો થયો,નહિતો મને તો લાગ્યુ કે..
ખેર, પછી તો અમે મો’ટી સાથે બેઠા હોઇએ ત્યા ડોશી દર્શન થાય, એમને કેમ કહેવુ કે તમે સામે બેઠા હોવ ત્યારે અમારે વાતો કેમ કરવી? વર્ષે એકવાર તો મો’ટી અને બાને મોકળે મને વાતો ઉર્ફે ખોદણી કરવાનો મેળ પડતો હોય એવામા તમે અમારી ખાનગી વાતો સાંભળી જાવ તો કેમ ચાલે?. ગણપતિ ઉત્સવમા ‘મે’ બનાવેલા બેઠા લાડવા માંથી એક લાડવો, બા એમને આપી આવેલી પણ આ તો હાથ આપો ત્યા પોચો પકડે એવુ થયું. મા’ડી રોજ રોજ દાળભાત લેવા આવવા લાગ્યા, કેટલીક વાર તો બા રૂપિયા સો ની ફુલ ડીશ પણ એમને ઘેર આપી આવતી. ધીરે ધીરે કરતા આ ઘૂસણખોર પાડોશી ડોશી પ્રત્યે અણગમો અમારા બધામા ઘૂસી ગયો. વળી, મા’ડી એકલા હતા એવું પણ નોહતુ. એમનો ડોક્ટર દિકરો, એમ.એ વહુ અને બે પૌત્રી પણ સાથે જ રહેતા છતા ખબર નહી કેમ તેઓ આમ બીજા ના ઘેર-ઘેર ફર્યા કરતા.
એ જે હોય તે પણ અમે તો અમારો ઉપાય કાઢી લીધો, અમારી પ્રાઇવસીમા કોઇ હસ્તક્ષેપ કરે એ કેમ સહન કરવુ? અંતે “ દરવાજા બંધ કરો, દરવાજા બંધ” પછી શું? મા’ડી બેલ વગાડી વગાડી ને જતા રહેતા, અમે દરવાજાના નાના અમથા કાણાંમાથી મા’ડીનુ મોટુ મોઢુ પાછુ ફરતુ જોઇ ઘણા ખુશ થતા. અઠવાડિયા પછી તો મા’ડી એ બેલ મારવાનુ પણ બંધ કર્યુ, અમને હાશકરો થયો કે ‘બલા ટલી’ પણ મહિનો વીત્યો છતા મા’ડી દેખાણા નહી.પહેલા તો નીચે પાર્કીંગમા કે ગાર્ડન મા બેઠા જોતો અને ક્યારેક લિફ્ટ મા પણ સાથે થઇ જતા. ‘દરવાજા બંધ કરો’ ની નાબુદી બાદ પણ મા’ડી ન દેખાણા તે ન જ દેખાણા.
એક દિવસ કોલેજથી ઘરે આવ્યો ત્યારે બાએ મને કહ્યુ “ તને ખબર, મા’ડી ભાગી ગ્યા?”
“હે?.. ભાગી ગ્યા? “
“હા “ બા એ માંડી ને વાત કરી.
“ એ તો એના વહુ-દિકરો ઘેર નો’તા ત્યારે થેલો લઇને અમદાવાદ એના મોટા દિકરાને ઘેર વઇ ગ્યા, આ’યા એની વહુ નો’તી ટાઇમે રાંધતી કે નો’તી ટાઇમે ખાવા દેતી ને મા’ડીને હતી ‘ડાયાબીટી’ તોયે બચારા ટાઢુ ખાઇ લેતા, એનો દિકરો ઘણો ડોક્ટર પણ હુ કામનો? ઇ તો ઠીક પણ એના અમદાવાદ વાળા દિકરાએ’ય એમને હારે રાખવાની ના પાડી દીધી, ઇ’ય તે ડોક્ટર, બે’ય દેરાણી જેઠાણી બોવ બાધી કે ડોશીને કોણ રાખશે. માડી તો ઉલ માથી ચૂલ મા પડ્યા એવુ થ્યુ, મને કે’તા કે ‘બે-બે ડોક્ટર બનાવ્યા છે મે’ અરે! આવા ડોક્ટરને શુ ધોઇ પીવા?”
“તો મા’ડી અત્યારે અમદાવાદ છે?” મેં પુછ્યુ.
” હા, મહુવા વાળા શામજીકાકા ને મા’ડી નો મોટો દિકરો બે’ય સંબંધી છે તે ઇ ગ્યા હશે અમદાવાદ, મા’ડી તો નોખી રૂમ ભાડે રાખીને રે’ય છે. વાત માથી વાત નીકળી હશે આપડી તે મા’ડી શામજીકાકાને કેતા’તા કે ‘ બોવ સારા એ લોકો, ભગવાન એનુ અભરે ભરે’ “
મને ઘણુ દુ:ખ થયુ કે અમે મા’ડી ને સમજી ના શક્યા આ વાત ને ત્રણ વર્ષ વીતી ગયા, ફરીથી રક્ષાબંધન કરવા મો’ટીબેન આવી. હું અને મોટી સોફા પર બેઠા બેઠા વાતો કરતા હતા અને સાથે હુ મલ્ટીટાસ્કીંગ કરતો હતો, એક તો ટી.વી જોવુ, બીજુ મારી તોફાની ભાણકીથી મારા અસાઇમેન્ટને બચાવીને લખવા અને સાથે વાતો તો ખરી જ. ત્યા જ એ મા’ડી ની એમ.એ વહુ આવી , પાંચમો મહીનો જતો હતો!
મોટી એ પુછ્યુ “ તમારે તો બે સંતાનો છે તો આ પાછુ કેમ? “
“વડીલોનો ખૂબ ફોર્સ હતો”
દસ લીટી પ્રતિ મિનિટની સ્પીડે અસાઇન્મેંટ લખતી મારી પેન અટકી ગઇ, રસોડામાથી બાનો રોટલા ઘડવાનો અવાજ થોભી ગયો, ખબર નહી કેમ ટી.વી નુ સિગ્નલ પણ જતુ રહ્યુ, ઘડિયાળના કાંટા નો અવાજ ગુંજાવા લાગ્યો અને જાણે ભગવાન સહીતના હું અને બા મારી ભાણકી મા પ્રવેશી ખડખડાટ હસવા લાગ્યા.
ભાણીની હસીમા એમણે કદાચ એમની નિંદા સાંભળી લીધી અને બહાનુ કાઢી પેટનો ભાર લઇ જતા રહ્યા. મે દિલથી આશીષ દીધા “ પુત્રવતી ભવ:” ત્યા તો બા રસોડામાથી રોટલો હાથમા લઇ ડ્રોઇંગરૂમ મા આવી, મોટીને કહે “ વડીલ ના ‘ડીલે’ હાથે’ય અડાડ્યો નથી કચરવા,આને વડીલો હુ ‘ફોર્સ’ કરતા, આણે વડીલ ના ‘દીલ’ માથે ‘ફોર્સ’ થી ઘા કર્યો છે ઘા. હવે મારુ જે થાય ઇ હાચુ “
“ લ્યો બોલો હવે, આમા હું વચ્ચે ક્યાંથી આવ્યો?”