કોઈ વ્યક્તિ આટલાં નિઃસ્વાર્થ ભાવે કોઈને કઈ રીતે ચાહી શકે? ગાય ને પણ બે વાર જાકારો દઈએ તો ત્રીજી વાર પાસે નથી આવતી તો આ વળી કઈ માટીનો બનેલો છે. મારી ના પાડવા છતાં પણ મને પ્રેમ કરતો રહ્યો. અને એ પણ આટલાં વર્ષો સુધી. તેણે પહેલી વાર આઈ લવ યુ કહેલું ત્યારે હસવું આવેલું મને. મને તો આદત હતી આઈ લવ યુ સાંભળવાની. મને લાગ્યું કે તેનું આઈ લવ યુ તે બીજા બધામાંનું જ એક છે. મહિના બે મહિનામાં તો રફે દફે થઈ જશે. મારા માટે તો પ્રેમ એકદમ ખોખલો શબ્દ છે. એમ કઈ થોડા સમયગાળામાં સાથે ઊઠવા બેસવા વાતો- વાર્તા કરવાથી- સાથે પિઝા ખાવાથી કઈ પ્રેમ ન થાય. એ વાત એને પણ ખબર પડી જશે એવું મને લાગ્યું હતું. હેર કટ કરાવ્યા હોય, નવી નેલ પોલિશ લગાવી હોય કે કોઈ પણ નવી ઝીણામાં ઝીણી વિગત એ પકડી લેતો. પરીક્ષામાં પરિણામ મારું સારું આવે અને ખુશ એ વધુ થાય. ફક્ત મને જોવાના બહાને કેટલીય વાર મારા ઘેર આટો મારી જાય. મને તો એ પસંદ નથી પણ એને હું ખરેખર પસંદ છું એ મને નક્કી થઈ ગયું. પણ ફાયદો શું? જે સંબંધનો કોઈ અર્થ જ નહિ થાય એ સંબંધને આગળ વધારીને શું?.
મને લાગ્યું કે સમાજમાં રેવાના ઘણા નીતિ નિયમો છે. ભાવના અને સંભાવનાને બાજુ માં રાખી માણસે પ્રેક્ટિકલ બનવું જોઈએ. રોમાંચક પ્રેમની કથાઓ એક ફૅન્ટસી માટે પર્યાપ્ત છે. મેં આ એને પણ કહેલું તો કહે જો પ્રેમ ના હોત તો દુનિયાનું અસ્તિત્વ જ કઈ રીતે હોત?
“ ખરેખર તો આ સૂર્ય છે ને તારી જેવો છે.. અને બીજા બધા ગ્રહો જે એની આગળ પાછળ ફરે છે એ એના પ્રેમીઓ છે. “
“અચ્છા, તો તું એમાંનો કયો ગ્રહ છે?”
“ના રે હું કોઈ ગ્રહ બ્રહ નથી.”
“તો? તું તો કહે ને તું મને પ્રેમ કરે..”
“ હા, પણ કોઈ ગ્રહની જેમ નહિ, અવકાશની જેમ”
અને મને આશ્ચર્ય થતું. આવું બધું એ કેમ વિચારતો હશે. રોમૅન્ટિક નોવેલ્સ વધુ વાંચતો હશે.
જ્યારે જ્યારે મળું ત્યારે ચોકલેટ આપે, હું પૂછું “આવું બધું કોણ કહે છે કરવાનું?” તો ચુપચાપ તેનો હાથ હૃદય પર મૂકી થપથાપાવે ને હું શરમાવાનો થોડો અભિનય કરી લઉં.
એમ તો હું કોઈ દિવસ એનો કોલ રિસિવ ના કરું પણ તે દિવસે કર્યો. મારી સામે હોસ્પિટલમાં તે પેરેલિસિસથી ગ્રસ્ત થયેલો સુતો હતો. જમણો ભાગ અસરગ્રસ્ત હતો.. થોડી સહાનૂભુતિ થઇ મને. હાથ પકડી થોડી સાંત્વના આપી, તબિયતની વધારે વિગત જાણવામાં મને જાજો રસ નોહ્તો એટલે હું પાછી ફરી.
અઠવાડિયું વીત્યું હશે.. પણ કશીક ખોટ વર્તાતી હતી.. રાતના બે વાગ્યા હશે, અચાનક ઊંઘ જ ઉડી ગઈ. શ્વાસ ચડી ગયો. તરસ લાગી. ફોન ચેક કર્યો. પાણી પીધું અને ફરી વાર સુવાનો પ્રયત્ન કર્યો. જેમ તેમ સવાર પાડી. બ્રશ કરતી હતી ત્યાં મમ્મીએ છાપું સામે લાવી મૂક્યું, કંઈક દેખાડવા આવેલી. શ્રદ્ધાંજલિ નો સંદેશ હતો.
હું નાહી, સફેદ કપડા પહેરી ગગનના ઘેર ગઈ, જાણવા મળ્યું કે રોડ પર માથું ભટકાવવાને લીધે ઇનર બ્લીડીંગ થઈ ગયું હતું. હું ઘેર આવી. રાત્રે અગાશી પર ઘણી વાર સુધી ઊભી રહી આકાશ સામું જોઈ રહી. પણ ન તો ચંદ્ર દેખાણો ન તારા. દેખાણું તો ફક્ત અવકાશ જ અવકાશ. સવાર પડી, વોટ્સેપ ખોલ્યું, ઘણા મૅસેજ આવેલા હતા અને હું સ્ક્રોલ કરતી જ રહી.. કરતી જ રહી.