અહંકાર – 20
લેખક – મેર મેહુલ
જયપાલસિંહ મોહનલાલ નગર ચોકીએ પહોંચ્યો ત્યારે છ વાગી ગયા હતા અને બધા લોકો ચોકીએ હાજર હતા. જયપાલસિંહ જયારે પોતાની ઑફિસમાં પહોંચ્યો ત્યારે અનિલ સફેદ બોર્ડ પાસે ઊભો રહીને કેસની વિગત જણાવી રહ્યો હતો અને સામે ભૂમિકા અને દિપક એકચિત્તે ધ્યાન આપીને કેસ સમજવાની કોશિશ કરતાં હતાં. જયપાલસિંહને આવતાં જોઈ અનિલ અટકી ગયો.
“અટકી કેમ ગયો અનિલ ?” જયપાલસિંહે કહ્યું, “શરૂ રાખ..”
“અરે ના સર…અમે બધા તમારી જ રાહ જોતા હતાં” અનિલે કહ્યું, “આ તો મેં વિચાર્યું તમે આવો ત્યાં સુધીમાં હું બધાને આ બોર્ડની માહિતી આપી દઉં”
“ગુડ જૉબ…” જયપાલસિંહે ખુરશી પર બેઠક લઈને કહ્યું, “તમારા લોકોમાં જે કામ કરવાની ધગશ છે એ જ મને પ્રેરણા આપે છે”
જવાબમાં બધાએ સ્મિત વેર્યું. અનિલ ટેબલ પાસે આવીને ખુરશી પર બેસી ગયો.
“આજનાં દિવસમાં કેસમાં કઈ કઈ પ્રોસેસ થઈ છે એ વારાફરતી જણાવો..” જયપાલસિંહ મુદ્દાની વાત પર આવ્યો, “ભૂમિકા, પહેલા તું જણાવ”
“યસ સર” કહેતા ભૂમિકાએ શરૂઆત કરી, “હું આજે ખુશ્બુની બધી સહેલીઓને મળી હતી, ખુશ્બુ સાચું બોલતી હતી. એ રાત્રે બધી સહેલીઓએ મળીને ફિલ્મ જોવા જવાનો પ્લાન બનાવ્યો હતો અને રાત્રે ડિનર માટે પણ ગયા હતાં. સાબિતી માટે એક સહેલીએ મુવી ટીકીટ પણ આપી છે. નેહા પરની શંકા દૂર થતાં હું ‘બેન્ક ઑફ શિવગંજે’ પહોંચી ગઈ હતી.
એચ.આર. ડિપાર્ટમેન્ટમાંથી સંકેતનું એડ્રેસ લઈને હું તેનાં ગામ ‘ભાટેલા’ પહોંચી હતી. ત્યાં હું સંકેતનાં પિતાને મળી હતી. સંકેતનાં પિતાને મેં પૂછપરછ કરી ત્યારે સંકેતે એ રાત્રે તેઓને કૉલ કરીને ‘ઘરે ક્યારે આવવાનાં ?’ એવું પૂછેલું. સંકેતનાં પિતાને ત્યારે મોડું થવાનું હતું એટલે તેઓને સવાર પડી જવાની હતી. સંકેતનાં પિતાએ સામે સવાલ પૂછીને સંકેત ક્યાં છે એવું પૂછેલું. જવાબમાં સંકેત ઘરે પહોંચી ગયો એવું જણાવ્યું હતું. સંકેતનાં પિતા સાચું બોલતાં હતા કે નહીં એ જાણવા મેં તેઓનાં ફોનમાંથી સંકેત સાથે થયેલી વાતોની હિસ્ટ્રી ચૅક કરી હતી. સંકેતે રાત્રે ‘1:28am’નાં કૉલમાં બે મિનિટ વાત કરેલી છે”
“ઓહહ.. મતલબ સંકેત પણ સાચું બોલતો હતો” જયપાલસિંહે કહ્યું, “મેં તને કાજલને મળવા માટે કોલમાં જણાવ્યું હતું, તું મળી હતી ?”
“હા સર, કાજલ એ રાત્રે બે વાગ્યાની આસપાસ સુઈ ગઈ હતી”
“ગુડ..મતલબ મારો શક સાચો હતો..”કહેતા જયપાલસિંહ દિપક તરફ ઘૂમ્યો, “દિપક, હવે તું જણાવ”
“એક ખબરીએ પૂરો દિવસ ખુશ્બુ પર નજર રાખી હતી અને ખુશ્બુએ એવી કોઈ હરકત નથી કરી જેથી તેનાં પર શંકા જાય” દીપકે ટૂંકમાં પતાવ્યું.
“ઓહહ…મતલબ સંકેત અને ખુશ્બુ બંને સાચું બોલતાં હતાં, અનિલ, મોહિતનાં દોસ્તો સાથે વાતચીત દરમિયાન કંઈ જાણવા મળ્યું ?”
“કંઈ ખાસ નહિ પણ મોહિતે એક વર્ષ હાર્દીકને લાખ રૂપિયા ઉધારે આપેલા, મોહિતે ઘણીવાર પાછા માંગેલા પણ હાર્દિકે હજી સુધી એ રૂપિયા પરત નથી કર્યા. હાર્દિકની બાબતમાં બસ આ જ ઘટનાં છે જેનાં આધારે મોહિત પર શંકા જાય”
“ઑકે” કહેતાં જયપાલસિંહ ટેબલ પર બંને કોણી ટેકવી, “છ સસ્પેક્ટમાંથી બે વ્યક્તિ સંકેત અને ખુશ્બુને બાદ કરતાં ચાર લોકો જ બચે છે અને એ ચારેય હાર્દિકનાં રૂમ પાર્ટનર જ છે”
“અને એ ચારમાંથી જ ત્રણ લોકોએ હાર્દીકની હત્યા કરી છે” કહેતાં અનિલે સફેદ બોર્ડ પર નજર ફેરવી.
“ચારમાંથી એક હત્યારો મોહિત છે એવી મને લાગણી અનુભવાય છે. મોહિત પાસે હત્યાનું કારણ પણ હતું અને હત્યા કરવાનો અવસર પણ તેની પાસે હતો જ..” જયપાલસિંહે કહ્યું.
“બીજો હત્યારો આપણી થિયરી મુજબ હર્ષદ પણ હોય શકે….રાત્રે હોશ આવતાં તેણે હાર્દિક સાથેની કોઈ વાતનો ગુસ્સો ઉતાર્યો હોય અને બેહોશ થવાનું નાટક કરતો હોય એવું બની શકે…” અનિલે તર્ક કાઢ્યો.
“એક કામ કરીએ…” કહેતા જયપાલસિંહે ઘડિયાળ પર નજર ફેરવી, સાડા છ થવા આવ્યા હતાં, “કાલે સવારે દિપક હોસ્પિટલમાંથી હર્ષદને ડિસ્ચાર્જ અપાવીને અહીં લઈ આવશે, ભૂમિકા IT ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરીને હાર્દિકનાં જન્મદિવસનાં ચારેય દોસ્તોએ કોને કોને કૉલ કર્યા હતાં એની ડિટેઇલ્સ મેળવશે, આ લોકોએ જો હત્યા કરી છે તો એણે કોઈનો તો સંપર્ક કર્યો જ હશે. એ સમય દરમિયાન અનિલ તું અને હું ફરી એકવાર હાર્દિકનાં ઘરે તપાસ કરી લઈએ. હાર્દિકનાં ઘરમાં કંઈક એવું છુપાયેલું છે જે આપણે શોધી નથી શકતાં”
“તમે કહો તો સર્ચટીમને બોલાવી લઉં..”
“જરૂર પડશે તો એ પણ કરીશું…ફિલહાલ આપણે એકવાર તપાસ કરી આવીએ” કહેતા જયપાલસિંહ ઉભો થયો, “રાત્રે કોણ ચાર્જ સાંભળશે એ નક્કી કરીને મને મૅસેજ કરી દેજો.., મારે થોડું કામ છે એટલે હું નીકળું છું”
“યસ સર…” અનિલે કહ્યું.
જયપાલસિંહ પોતાની વસ્તુઓ લઈને બહાર નીકળી ગયો.
*
સવારનાં દસ થયાં હતાં. જયપાલસિંહ અને અનિલ હાર્દિકનાં ઘરે પહોંચ્યા એટલે ઓમદેવકાકાએ તાળું ખોલી આપ્યું.
“અનિલ…બહાર લોબીમાં ભૂગર્ભ પાણીનો ટાંકો છે અને અગાસી પર પણ એક પાણી ટાંકો છે…ઉપરનાં ટાંકામાં તો મેં જોઈ લીધું છે, તું નીચેના ટાંકામાં નજર ફેરવી લે..” કહેતા જયપાલસિંહે ગજવામાંથી સિગરેટ કાઢી.
“યસ સર…” કહેતાં અનિલ લોબી તરફ ચાલ્યો. જયપાલસિંહ સિગરેટ સળગાવીને હોલમાં પહોંચ્યો. હોલમાં પહોંચીને જયપાલસિંહે દરવાજાની સામે રહેલી દીવાલ પર નજર ફેરવી. દીવાલ પર પીઓપી કરેલું હતું, જેમાં વચ્ચે ટીવી રાખવા માટેની જગ્યા હતી. ટીવીની જગ્યાની બાજુમાં પીઓપીની તૂટી ગયેલું હતું. જયપાલસિંહ કુતૂહલવશ થઈને એ તરફ ચાલ્યો.
જયપાલસિંહ તૂટેલા પીઓપી પર નજર કરી. એ ખાના જેવી જગ્યામાં એક નાનો કાચ અને નાની કાતર પડી હતી. જયપાલસિંહનાં મગજમાં કંઈક વિચાર આવ્યો એટલે એ ચમકી ગયો.
“અનિલ…” જયપાલસિંહે અનિલને મોટેથી અવાજ આપ્યો.
અનિલ દોડીને હોલમાં આવ્યો.
“મારી સાથે ચાલ..” કહેતા જયપાલસિંહ દાદરા તરફ ચાલ્યો. ચાલતાં ચાલતાં તેણે સિગરેટનો છેલ્લો કશ ખેંચ્યો અને સિગરેટ નીચે ફેંકીને માથે પગ રાખીને આગળ વધી ગયો. અનિલ પણ તેની પાછળ પાછળ ચાલ્યો. બંને દાદરા ચડીને ઉપરનાં માસ્ટર રૂમમાં આવી ગયાં.
“આ તૂટેલા પીઓપીમાં તપાસ કરી હતી ?” જયપાલસિંહ પૂછ્યું.
“ના…, આ રૂમ હાર્દિકનો નહોતો એટલે આ રૂમમાં ઔપચારિક તપાસ કરી હતી” અનિલે કહ્યું.
“અહીં જ આપણી ભૂલ થઈ છે…” કહેતાં જયપાલસિંહ બેડ પર ચડી ગયો. ફોન હાથમાં લઈને તેણે ફ્લેશ લાઈટ ઑન કરી, ત્યારબાદ પગની એડીએથી ઊંચા થઈને જયપાલસિંહે જ્યાં તૂટેલું પીઓપી હતું ત્યાં મોબાઈલ રાખ્યો. થોડીવાર તેણે આમતેમ મોબાઈલ ઘુમાવીને પીઓપીમાં જોવાની કોશિશ કરી પણ તેને કંઈ દેખાયું નહિ.
એ દરમિયાન જયપાલસિંહનો ફોન રણક્યો એટલે એ બેડ પરથી નીચે ઉતરી ગયો.
“બોલ બોલ બક્ષી…” જયપાલસિંહે કૉલ રિસીવ કરીને કહ્યું, “હવે કોની પૂછપરછ કરવાની છે ?”
“ઓહો…આ વખતે તને સામેથી ખબર પડી ગઈ ?” બક્ષીએ હસીને કહ્યું.
“હા, હવે હું અંતર્યામી થઈ ગયો છું” જયપાલસિંહે કહ્યું, “લીડ આપવા ફોન કર્યો હોય તો જણાવ નહીંતર હું થોડીવારમાં કૉલ કરું.., હું અત્યારે થોડો કામમાં છું”
“સાંભળ…, જનક પાઠક વિશે મને એક જોરદાર ખબર મળી છે” બક્ષીએ કહ્યું, “હાર્દિકનાં જન્મદિવસનાં આગળનાં દિવસે બાપ-દીકરા વચ્ચે મુલાકાત થઈ હતી અને વાતચીત દરમિયાન જનક પાઠકે હાર્દિકને તમાચો પણ માર્યો હતો”
બક્ષીની વાત સાંભળીને જયપાલસિંહનાં ચહેરા પર શૈતાની સ્મિત ઉપસી આવ્યું.
“શું વાત કરે છે ?, મતલબ મારે આપણાં ભાવિ નેતા સાથે પૂછપરછ કરવાની છે ?”
“અત્યારે ખુશ થવાની જરૂર નથી.., મને માત્ર લીડ મળી છે.. બાપ-દીકરા વચ્ચે ક્યાં કારણોસર ઝઘડો થયો હતો એની મને નથી ખબર…”
“એ હું જાણી લઈશ…” જયપાલસિંહે કહ્યું, “જનક પાઠકે મારા કામમાં આડો પગ કર્યો હતો, હવે હું એને એવી રીતે ઇન્ટ્રોગેટ કરીશ કે ભવિષ્યમાં કોઈ પોલીસવાળા સાથે સાથે પંગો લેતાં પહેલા સો વાર વિચાર કરશે”
“જો ભાઈ…એ તારો અને જનક પાઠકનો મામલો છે. મારે તને જે માહિતી આપવાની હતી એ મેં આપી દીધી છે.. હવે તું શું કરે એની સાથે મારે કોઈ નિસ્બત નથી”
“તું બસ આવી જ લીડ આપતો રહે…, બીજી કોઈ વાત સાથે નિસ્બત ના રાખતો..” કહેતાં જયપાલસિંહ ફોન કટ કરી દીધો. ત્યારબાદ ડોકું ઊંચું કરીને તૂટેલા પીઓપી તરફ નજર કરી.
“આને તોડવું પડશે” જયપાલસિંહે અનિલ તરફ નજર કરીને કહ્યું, “મોટો હથોડો અથવા મોટો અને લાંબો સળીયો શોધવો પડશે”
“હું ઓમદેવકાકાને કહું છું, એ શોધી આપશે” અનિલે કહ્યું. જયપાલસિંહે ડોકું ધુણાવ્યું એટલે અનિલ નીચે ચાલ્યો. થોડીવાર પછી હાથમાં ચારેક ફૂટ લાંબો અને બે ઈંચ જેટલાં દળવાળો સળીયો લઈને રૂમમાં પ્રવેશ્યો.
“આ બાજુનાં ભાગને તોડવાનો છે…” જયપાલસિંહે દૂર ખૂણા બાજુ સરકતાં કહ્યું.
અનિલે તૂટેલા પીઓપીથી ડ્રેસિંગ કાચ બાજુનાં ભાગ પર સળીયો માર્યો એટલે હાર્ડબોર્ડમાં તિરાડ પડી ગઈ. અનિલે બીજીવાર સળીયો માર્યો એટલે હાર્ડબોર્ડ પીઓપીથી છૂટું થઈને ફર્શ પર પડ્યું.
“કશું નથી સર..” અનિલે હાર્ડબોર્ડનાં ટુકડાને સાઈડમાં ધકેલીને કહ્યું.
“આ બાજુનાં ભાગને તોડી પાડ…” જયપાલસિંહે તૂટેલા પીઓપીનાં બીજા ભાગ તરફ આંગળી ચીંધીને કહ્યું.
અનિલે બે વાર સળીયો મારીને એ હાર્ડબોર્ડ પણ તોડી પાડ્યું. ત્યારબાદ બધા ટુકડાને વિખીને સાઈડમાં કર્યા.
“ના સર…” અનિલે નિરાશાજનક અવાજે કહ્યું, “આમાં પણ કશું નથી…”
જયપાલસિંહે ગુસ્સામાં દીવાલ પર મુક્કો માર્યો.
“મને લાગ્યું મોહિતે મર્ડર કર્યું છે અને મર્ડર કર્યા બાદ આ તૂટેલા પીઓપીમાં હથિયાર છુપાવ્યો હશે” જયપાલસિંહે નિઃસાસો નાંખીને કહ્યું, “પણ હું ગલત હતો…”
“એક મિનિટ સર…તમે ગલત નથી…” કહેતા અનિલે સ્લેબનાં ખૂણામાં રહેલા હાર્દબોર્ડનાં ખોખા તરફ આંગળી ચીંધી. જયપાલસિંહે ત્યાં નજર ફેરવી એટલે તેની આંખો ચમકી ગઈ.
શું હતું એ હાર્ડબોર્ડનાં ખૂણે ?
(ક્રમશઃ)