અહંકાર – 19
લેખક – મેર મેહુલ
ભાર્ગવ સાથે પૂછપરછ કરીને જયપાલસિંહ ચક્કર ખાય ગયો હતો. અડધી કલાકનો બ્રેક લઈને એ માઈન્ડ ફ્રેશ કરી આવ્યો ત્યારે ઘડિયાળનાં બધા કાંટાઓનો સંગમ થયાને દસ મિનિટ થઈ હતી. જયપાલસિંહે અનિલને અવાજ આપ્યો એટલે અનિલ રૂમમાં આવ્યો.
“પેલાં રૂમમાં જે વાઈટ બોર્ડ છે એ આ દીવાલ પર લગાવી આપ..” જયપાલસિંહ કહ્યું.
“જી સર..” કહેતાં અનિલ બહાર ગયો. થોડીવારમાં મોટું સફેદ બોર્ડ લઈને આવ્યો અને બુલેટિન બોર્ડની બાજુમાં દીવાલ પર લટકાવી દીધું.
“બુલેટિન બોર્ડ પરની બધી નોટ્સ ઉતારી લે” કહેતાં જયપાલસિંહ ઊભો થયો અને ટેબલ પર રહેલાં પેનબોક્સમાંથી બ્લૅક અને રેડ માર્કર લીધી. અનિલે બુલેટિન બોર્ડ પર રહેલી નોટ્સ ઉતારીને ટેબલનાં ખાનામાં રાખી દીધી.
“ખુરશી પર બેસી જા અને ફોટોવાળી ફાઇલ હાથમાં લઈ લે” જયપાલસિંહે કહ્યું. અનિલ જયપાલસિંહની સુચનાનું પાલન કરતો રહ્યો. જયપાલસિંહે બ્લેક માર્કર વડે બે વેંતનું અંતર રાખીને બે ઉભી લીટી ખેંચી. ત્યારબાદ બંને બાજુએથી ચારેય છેડાને જોડીને ઉભું લંબચોરસ ખાનું બનાવ્યું. ઉપરની આડી લિટીમાંથી વેંત જેટલું અંતર રાખીને ચાર આંગળા જેટલી ઉભી લીટી દોરી. અનિલ આ બધું જોઈ રહ્યો હતો પણ તેને કંઇ ગતાગમ નહોતી પડતી.
“આ હાર્દિકની બોડી સમજી લે..” જયપાલસિંહે કહ્યું, “હવે ફોટા જોઈને ક્યાં ભાગમાં કયો ભાગ છે એ જણાવ”
અનિલે વારાફરતી ફોટા જોયા ત્યારબાદ પાંચ ફોટા તારવીને ટેબલ પર રાખ્યાં.
“ગળા પર મોટો ચિરો છે..” અનિલે કહ્યું.
જયપાલસિંહે માર્કર બદલી અને ચાર આંગળા જેટલી લીટી પર હોઠ જેવું નિશાન દોર્યું.
“પછી ?”
“હ્રદયનાં ભાગ પર ગોળ નિશાન છે”
જયપાલસિંહે જમણી બાજુની લીટી, ઉપરનાં ખૂણા પાસે આંગળીનાં ટેરવા જેવડું ગોળ સર્કલ કર્યું. ત્યાંથી લાંબી લીટી ખેંચી અને લીટી પુરી થતા ‘માનસી ઓઝા’ અને કૌંસમાં ‘સળીયો’ લખ્યું.
“આગળ ?”
“છાતીનાં જમણા ભાગમાં ચપ્પુ માર્યું હોય એવું નિશાન છે”
જયપાલસિંહ ડાબી લીટી, ઉપરનાં ખૂણા પાસે એક એક ઇંચ જેવડી આડી લીટી ખેંચી. એ લીટીએથી બીજી લીટી ડાબી બાજુએ ખેંચી અને ત્યાં ‘ભાર્ગવ રાજ્યગુરુ’ તથા કૌંસમાં ‘ચપ્પુ’ લખ્યું. જયપાલસિંહે ‘ચપ્પુ’ શબ્દ લખી લીધો પછી અનિલે કહ્યું,
“પેટનાં જમણા ભાગ પર ખંજર માર્યાનું નિશાન છે”
જયપાલસિંહ જ્યાં એક ઇંચ લાંબી લીટી ખેંચી હતી તેની નીચેનાં ખૂણે વક્ર-આકાર નાની બે લીટી દોરી અને ત્યાંથી ડાબી બાજુએ લીટી ખેંચીને ‘?’ નું ચિન્હ રાખ્યું.
“પેટની ડાબી બાજુએ ચિરો અને ઊંડો ઘાવ બંને છે”
જયપાલસિંહે જ્યાં આંગળીનાં ટેરવા જેવડું ગોળ સર્કલ કર્યું હતું તેની નીચેનાં ખૂણા પાસે એવું જ સર્કલ દોર્યું અને સર્કલ વચ્ચેથી લીટી ખેંચી. ત્યારબાદ એ નિશાનની પાસેથી જમણી બાજુએ લીટી ખેંચીને ત્યાં પણ ‘?’ માર્ક કર્યું. ત્યારબાદ ગાળાનાં નિશાન પાસેથી એક લીટી ખેંચીને ત્યાં ‘મર્ડરર’ લખીને ‘1’ લખ્યું. એવી જ રીતે ક્રમશઃ માનસી ઓઝા પાસે ‘2’ , ભાર્ગવ રાજ્યગુરુ પાસે ‘3’ , છાતીનાં જમણા ભાગ પાસેના માર્ક પાસે ‘4’ અને છેલ્લે પેટનાં ડાબા ભાગ પાસેના માર્ક પાસે ‘5’ લખ્યું.
“આ હાર્દિકની બોડી છે” જયપાલસિંહે કહ્યું, “હાર્દિકનું મર્ડર ગળા પર લાગેલા ચિરાને કારણે થયેલું છે, જે કોણે કર્યું એ નથી ખબર…, ત્યારબાદ માનસી દ્વારા હાર્દિકનાં હૃદયનાં પર વાર કરવામાં આવે છે. થોડીવાર પહેલા ભાર્ગવે જણાવ્યું એ અનુસાર તેણે હાર્દિકની છાતીનાં જમણા ભાગે ચપ્પુ મારેલું છે પણ ભાર્ગવે ચપ્પુ માર્યું એ પહેલાં અને માનસીએ સળીયો માર્યો પછીનાં સમયમાં કોઈએ હાર્દિકનાં પેટનાં ડાબા ભાગ પર ખંજર મારેલું છે. એનો સીધો મતલબ એમ થાય છે કે પાંચેય ઘાવ જુદા જુદા વ્યક્તિઓ દ્વારા અને જુદા જુદા સમયે મારવામાં આવ્યા છે.
પહેલા આંગતુકે ગળા પર વાર કર્યો, ત્યારબાદ માનસીએ હ્રદયનાં ભાગ પર વાર કર્યો, ત્યારબાદનાં આંગતુકે પેટનાં ડાબા ભાગ પર વાર કર્યો, પછી ભાર્ગવે છાતીનાં જમણા ભાગ પર વાર કર્યો અને છેલ્લા આંગતુકે પેટનાં જમણા ભાગ પર વાર કર્યો”
“સમજાય છે કંઈ ?” માથું ખંજવાળતા અનિલ તરફ જોઈને જયપાલસિંહે કહ્યું.
“હા સર…તમે જે રીતે કહો છો એનાં પરથી હું એકવાત સમજી શક્યો છું” અનિલે કહ્યું. જયપાલસિંહે આંખનાં ઈશારા વડે બોલવા કહ્યું.
“હા
“જુદા જુદા પાંચ વ્યક્તિએ, જુદા જુદા સમયે હાર્દિક પર વાર કરેલો છે. મતલબ આ કોઈ પ્લાન્ડ મર્ડર નથી. એક એવો સંજોગ ઊભો થયો છે જેમાં પાંચ વ્યક્તિને હાર્દિક સાથે દુશ્મની હતી અને તેનાં જન્મદિવસની રાત્રે જ બધાએ પોતપોતાની રીતે હાર્દિકને મારવાની યોજના ઘડી હતી”
“હવે સમજ્યો” જયપાલસિંહે ખુરશી તરફ ચાલતાં કહ્યું, “આ પાંચ લોકોમાંથી બે વ્યક્તિ કોણ છે એ આપણે જાણી લીધું છે હવે આપણે ત્રણ ક્વેશનમાર્કને શોધવાનાં છે”
“તો ફરી એકવાર એકડેથી ઘૂંટી લઈએ” અનિલે કહ્યું.
“એ પણ ઠીક છે” કહેતાં જયપાલસિંહે એક ફાઇલ હાથમાં લીધી, “છેલ્લે આપણે ચર્ચા કરી ત્યારે આપણી પાસે સાત સસ્પેક્ટ હતાં. ભાર્ગવને બાદ કરતાં હવે છ લોકો બચે છે જેમાં શિવ, જય, હર્ષદ, મોહિત, નેહા અને સંકેતનું નામ છે.
નેહા અને સંકેતની તપાસ ભૂમિકા કરી રહી છે, શિવ અને જય હજી શંકાનાં પરિઘમાં નથી, હર્ષદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને મોહિત…”
“હું મોહિતનાં દોસ્તને મળવા જતો હતો” અનિલે કહ્યું.
“બરાબર…” કહેતાં જયપાલસિંહે ઘડિયાળ પર નજર ફેરવી, બપોરનો એક વાગી ગયો હતો, “જમીને તું મોહિતનાં દોસ્તને મળી આવે અને હું ‘માનસી ઓઝા સ્યુસાઇડ કેસ’ની ફાઈલમાં રાવતસરની સિગ્નેચર કરાવી આવું.
“ઑકે સર..” કહેતાં અનિલ ઉભો થયો.
*
ચાર વાગ્યા હતાં. જયપાલસિંહે શિવગંજ પોલીસ હેડક્વાર્ટરનાં પરસાળમાં બુલેટ થોભવ્યું અને હાથમાં એક ફાઇલ એ અંદર તરફ ચાલ્યો. જયપાલસિંહ દરવાજામાં પહોંચ્યો ત્યારે સામેથી રણજિતસિંહ ચાલ્યો આવતો હતો.
“ઓહો…મોહનલાલનગર ચોકીનાં ઈન્ચાર્જ આજે અમારા આંગણે…આજે કંઈ દિશામાં સૂરજ ઉગ્યો છે ?” રણજિતે જયપાલસિંહનો રસ્તો રોકીને ચૂંટલી ખણતાં કહ્યું.
“તારી લવારી બાજુમાં રાખ તો સારું છે…” જયપાલસિંહે રણજિતને ધક્કો મારીને કહ્યું.
“વાહ દોસ્ત…એક મર્ડર કેસ હાથમાં આવી ગયો એટલે પોતાને મોટો અધિકારી સમજવા લાગ્યો” રણજિતે હવામાં હાથની આંગળીઓ ફેરવીને કહ્યું.
“તારે કેસ સોલ્વ કરવો હોય તો બધી ફાઈલો તું લઈ લે..” જયપાલસિંહે ગંભીર સ્વરે હાથમાં રહેલી ફાઇલ રણજિત તરફ ધરી.
“ગરમ કેમ થાય છે તું ?, મજાક કરું છું” રણજિતે કહ્યું.
“હું અત્યારે મજાકનાં મૂડમાં નથી”
“તો તો તારે દાજયા પર મીઠું ભભરાવવા જેવું થશે..” રણજિતે હળવું હસીને કહ્યું.
“મતલબ ?, કંઈ સમજાયું નહીં..”
“મતલબ તે જનક પાઠક સાથે પંગો લીધો છે એટલે જનક પાઠકે શિવાજી સર્કલ પાસે કાલે રાત્રે એક સભા યોજી છે, જેનો બંદોબસ્ત તારે કરવાનો છે”
“એવું ?” જયપાલસિંહ ખંધુ હસ્યો, “તું ક્યારે કામમાં આવીશ ?”
“ના હો…હું કંઈ નથી કરવાનો…”
“પ્લીઝ રણજિત…સમજને…હાર્દિક મર્ડર કેસમાં મને ઘણીબધી લીડ મળી છે અને જનક પાઠક જો કંઈ ઊલટું-સીધું બોલ્યો તો કારણ વગર વાત વધી જશે” જયપાલસિંહે વિનંતી ભર્યા શબ્દોમાં કહ્યું.
“તને આ વાત કરીને મેં મારા પગ પર જ કુલ્હાડી મારી છે..” કહેતા રણજિતે નિઃસાસો નાંખ્યો.
“મતલબ તું કાલે બંદોબસ્તની જવાબદારી ઉઠાવે છે” જયપાલસિંહે કહ્યું.
“નહિ ઉઠાવું તો તું મને ટોન્ટ મારીને હેરાન કરીશ…તારા ટોન્ટ કરતા જનક પાઠકનું ભાષણ સાંભળવાનું હું પસંદ કરીશ..”
“એ આડો-અવળો થયો તો બે-ત્રણ ગોળી મારી દેજે…આટલા લોકો વચ્ચે કોને ખબર પડવાની છે…” જયપાલસિંહે આંખ મારીને કહ્યું.
“એ ત્યારે જોયું જશે…અત્યારે શું કામ અહીં આવ્યો એ જણાવ..”
“અરે હા…વાતવાતમાં એ તો હું ભૂલી જ ગયો…કાલે સાંજે ‘બેન્ક ઓફ શિવગંજ’ ની એક એમ્પ્લોયે સ્યુસાઇડ કરી લીધું હતું. તો કેસની ફાઈલમાં રાવતસરના સિગ્નેચર લેવા આવ્યો છું અને હાર્દિક પાઠકનાં મર્ડર કેસની ચર્ચા કરવા આવ્યો છું”
“જલ્દી પહોંચ…રાવતસર નીકળવાની તૈયારી કરતા હતાં…”
“પછી મળીએ..”કહેતા જયપાલસિંહ કેબિન તરફ વળ્યો, “અને હા…કાલની મદદ માટે ફરી એકવાર થેંક્યું”
રણજીતનાં જવાબની રાહ જોયા વિના જયપાલસિંહ આગળ વધી ગયો. રાવતની કેબિન પાસે જઈને તેણે ખુલ્લા દરવાજા પર ટકોર મારી,
“આવું સર…”
“ઓહ જયપાલ…આવને…”
કેબિનમાં પ્રવેશી, રાવતનાં ટેબલ પાસે જઈને જયપાલસિંહે સલામી ભરીને ‘જય હિન્દ’ કહ્યું.
“જય હિન્દ...” રાવતે કહ્યું, “બેસ…”
“થેંક્યું સર…” કહેતા જયપાલસિંહે હાથમાં રહેલી ફાઇલ ટેબલ પર રાખી અને ખુરશી પર બેઠક લીધી.
“હું તને આજે સાંજે જ કૉલ કરવાનો હતો…” રાવતે આંખો પરનાં ચશ્મા હટાવીને કહ્યું, “જનક પાઠકે આવતી કાલે રાત્રે એક સભા યોજી છે અને એમાં તારે બંદોબસ્તની જવાબદારી ઉઠાવવાની છે”
“આ બાબતે રણજિતે સાથે મારી વાત થઈ ગઈ છે… એ બધું સંભાળી લેશે..”
“મતલબ જનક પાઠક સાથે તારે દુશ્મની વ્હોરી જ લેવી છે…” રાવતે હળવું હસીને કહ્યું.
“ના સર…એવું કશું નથી.., હું હાર્દિક પાઠકનાં મર્ડર કેસ પાછળ લાગ્યો છું એટલે હું સમય આપી શકું એમ નથી”
“ઓહહ…તારી તપાસ ક્યાં સુધી પહોંચી ?, અને કાલે કોઈ છોકરીએ સ્યુસાઇડ કર્યું છે એવા સમાચાર પણ મળ્યા છે…એનું શું છે ?”
“હું તમને બધું જણાવું..” કહેતાં દસ મિનિટમાં શરૂઆતથી અંત સુધીની કહાની ટૂંકમાં સમજાવી દીધી.
“આજની યુવા પેઢી કંઈ તરફ વળે છે એની જ ખબર નથી પડતી…એક સમય હતો જ્યારે આપણે છોકરી સાથે વાતો કરતા પણ ડરતા અને આજે….” રાવતે કહ્યું, “ખેર, લાવ ફાઇલ…હું સિગ્નેચર કરી આપું છું”
જયપાલસિંહે રાવત તરફ ફાઇલ ધકેલી. રાવતે આંખો પર ચશ્મા લગાવ્યા અને ફાઈલમાં સિગ્નેચર કરી આપી.
“મારા લાયક બીજું કોઈ કામ ?” રાવતે ફાઇલ પરત કરીને પૂછ્યું.
“એક ફેવર જોઈએ છે સર…”જયપાલસિંહે કહ્યું, “જનક પાઠકનો દીકરો મૃત્યુ પામ્યો એને હજી છ જ દિવસ થયા છે તો પણ જનક પાઠકે મારી હદમાં આવતાં વિસ્તારમાં સભા યોજી છે, એનો મતલબ એમ થાય છે કે જનક પાઠક મને હેરાન કરવા ઈચ્છે છે અને એ પોતાની રાજનીતિની તાકાતથી પુરી કોશિશ પણ કરશે…, હું એવું ઈચ્છું છું કે તમે જનક પાઠકને તમારા સુધી સીમિત રાખો અને મને કેસ સોલ્વ કરવા પર ધ્યાન આપવા દો”
“જયપાલ…, તું ચિંતામુક્ત થઈને કેસમાં ધ્યાન આપ.. હવે જનક પાઠક તો શું ખુદ મુખ્યમંત્રી આવીને તને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરશે તો પણ તને ખલેલ નહિ પહોંચે એટલી સત્તા મારી પાસે છે”
“વન્સ અગેઇન થેંક્યું સર…મને તમારી પાસે આવી જ આશા હતી..”
“બેસ્ટ ઓફ લક ઓફિસર…” કહેતા રાવત ઊભો થયો, “અને મારે થોડું મોડું થાય છે, મારી ભાગ્યવાન સાથે એક મકાન જોવા જઉં છું. તું ચા પીને જજે અને કંઈ પણ કામ હોય તો મને કૉલ કરજે..”
“ઑકે સર..તમે નિશ્ચિંત થઈને ભાભી સાથે જાઓ…”
રાવતે ટેબલ પર રહેલી કેપ હાથમાં લીધી અને ચાલતાં ચાલતાં જ માથે સેટ કરીને એ નીકળી ગયો. જયપાલસિંહ પણ થોડીવાર ત્યાં બેસીને ચોકી તરફ રવાના થઈ ગયો.
(ક્રમશઃ)