ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 23 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 23

ભાગ 23

અમદાવાદ, ગુજરાત

ઑપરેશન ચક્રવ્યૂહનો આરંભ થયો એ દિવસથી જ રૉ ચીફ રાજવીર શેખાવતનું મન ઉદ્વેગમાં હતું, ચિંતામાં હતું. ચીન અને પાકિસ્તાનમાં તો એમનો દાવ સીધો પડ્યો પણ ઘર આંગણે મળેલી હાર એમના માટે ભારે ઉપાધિઓ લઈને આવી હતી. ગુજરાતમાં આતંકવાદી હુમલો થતો રોકવાનો એક માત્ર અવસર હતો અફઝલ પાશાને જીવતો કે મરેલો પકડમાં લેવો; પણ, એમ શક્ય ના બન્યું અને હવે આતંકવાદી હુમલો રોકવા બધી જ તાકાત લગાવી દેવાની ઈચ્છા સાથે શેખાવત દ્વારા એક આખી ટીમ અમદાવાદ કમિશનર કચેરી ખાતે એકઠી કરવામાં આવી હતી.

આ ટીમમાં એસીપી અર્જુન, નાયક, માધવ દેસાઈ, નગમા શેખ, એસીપી રાજલ, કેવિન, આઈબી ચીફ આહુવાલીયા, ગગનસિંહ, કમિશનર વણઝારા, ડીઆઈજી શર્મા, એટીએસ ચીફ અબ્બાસ ગનીવાલાનો સમાવેશ થતો હતો.

નગમા અને માધવે જ્યારે બલવિંદરની ડાયરી રાજવીર શેખાવતને સોંપી અને એમાં રહેલા ભેદી ઈમેઈલ આઈ.ડી અંગે જણાવ્યું ત્યારે શેખાવત સહિત ત્યાં હાજર અન્ય લોકોના મુખ પર એક આશાનું કિરણ ચમકી ઉઠ્યું..આ મેઈલ આઈડી એમને નક્કી યોગ્ય દિશા તરફ લઈ જશે એવો વિશ્વાસ એમની મુખમુદ્રા પર ડોકાવા લાગ્યો.

માધવે બલવિંદરની ડાયરીના પન્ના ફેરવી એમાં રહેલા કેપિટલ અંગ્રેજી મૂળાક્ષરોને જોડીને એક મેઈલ આઈડી ડિકોડ કરીને એક ખાલી પન્ના પર લખ્યો.

'alaminguj786@hotmail.com'

માધવે જે બુદ્ધિમત્તાથી આ મેઈલ આઈડી ઉકેલ્યો હતો એના વખાણ કરી શેખાવતે રૉના આઈ.ટી હેડ વેણુ ભણી નજર ફેંકી..શેખાવતના ઈશારાને ક્ષણમાં સમજી ગયો હોય એમ વેણુ તુરંત પોતાની બેગમાંથી લેપટોપ નિકાળવા લાગ્યો. લેપટોપ ઓપન કરીને વેણુએ હોટમેઈલ ઓપન કર્યું અને ફટાફટ પોતાની આંગળીઓને કીબોર્ડ પર દોડાવવા લાગ્યો.

વેણુ એક ઉમદા હેકર હતો જે ગમે તેવા ઈમેઈલ આઈડીને પાસવર્ડ વિના ખોલવામાં મહારથ ધરાવતો હતો. પોતાની આ કુનેહનો પરિચય આપતા વેણુએ પાંચ મિનિટની અંદર તો માધવે આપેલા મેઈલ આઈડીનો પાસવર્ડ ઍક્સેસ કરીને આઈડી ઓપન કરી દીધું. વેણુ પોતાનું કામ જે ગતિમાં અને જે કુશળતાથી કરી રહ્યો હતો એ જોઈ હોલમાં હાજર અમુક લોકોના મુખ ખુલ્લા જ રહી ગયા..એમના ખુલ્લા મુખ જોઈ શેખાવત વેણુ જેવી વ્યક્તિને આઈટી ટીમનો હેડ બનાવવા માટે મનોમન ગર્વ મહેસુસ કરી રહ્યા હતા.

"સર..આ મેઈલ આઈડી ઓપન થઈ ગયું."

"ગ્રેટ...જલ્દી જો, ઈનબોક્સમાં અને સેન્ટમાં રહેલા મેઈલમાં શું અગત્યનું છે..?

આ સાથે જ વેણુ પોતાની આંગળીઓને ખૂબ જ ઝડપથી કીબોર્ડ પર ફેરવવા લાગ્યો...સાથે-સાથે મેઈલ બોક્સમાં જે કંઈપણ એની નજરે ચડ્યું એ અંગેની માહિતી એ શેખાવત અને અન્યને આપતો રહ્યો.

"સર, ઈનબોક્સ ખાલી છે..એમાં જે બે મેસેજ છે એ બંને હોટમેઈલ તરફથી ઈમેઈલ બનાવતી વખતે આવેલા વેલકમ મેસેજ છે."

"તો સેન્ટ બોક્સમાં..?"

"યસ,..અહીં ચાર મેઈલ છે...જેમાંથી ત્રણ એક જ મેઈલ આઈડી પર કરવામાં આવ્યા છે અને એક મેઈલ જુદા આઈડી પર."

"અંદર જો..મેઈલમાં શું છે?"

શેખાવતના આદેશને માથે ચડાવી વેણુએ જેના પર ત્રણ મેઈલ આવ્યા હતા એ મેઈલ આઈડીમાં આવેલા મેઈલને વાંચવાનું શરૂ કર્યું.

"ચાચા તબિયત કૈસી હૈ..? દુવા હૈ સબ ખેરીયત હોગી..બચ્ચો કા ખ્યાલ રખના..ઉન્હેં ખીલોને ચાહિયે તો દિલા દેના.."

આખરે આ મેઈલમાં શું ગુપ્ત મેસેજ હતો એ અંગે ત્યાં મોજુદ લોકો વધુ વિચારે એ પહેલા તો વેણુએ બીજો મેઈલ ઓપન કર્યો અને એમાંનું લખાણ વાંચવા લાગ્યો.

"ચાચા, દુલ્હન સજ ચૂકી હૈ..દુલ્હનકે માઈકેવાલોને હમારી તરફ સે જો દહેજમેં માંગા થા ઉસે પૂરા કર દિયા હૈ..શાદીમેં કોઈ કસર રહની નહિ ચાહિયે."

ફરીવાર એવું બન્યું કે મેઈલ તો સીધી ભાષામાં હતો..જેમાં એક ભત્રીજો પોતાના કાકાને એના ભાઈના લગ્ન અંગેની વાત કરી રહ્યો હોય એવું પહેલી નજરમાં લાગે..પણ, હકીકત કંઈક અલગ હતી એ ત્યાં હોલમાં રહેલ દરેક વ્યક્તિ સારી પેઠે જાણતી અને સમજતી હતી.

એ બધાને વિચારમાં રાખીને વેણુએ સેન્ટ આઈટમમાં રહેલો ત્રીજો મેઈલ ઓપન કરી દીધો.

"દુલ્હનકો રૂખસત કર દિયા ગયા હૈ..બસ અબ કોઈ ચીઝ કી કમી નહિ રહેની ચાહિયે. શાદી બડી ધામધૂમસે હોગી એસી ઉમ્મીદ હૈ. શાદી કિસ જગહ કરની હૈ વો મેં અગલે સંદેશમેં બતાઉંગા."

વેણુએ જેવું ત્રીજા મેઈલનું લખાણ વાંચવાનું પૂર્ણ કર્યું એ સાથે જ આહુવાલીયા ચપટી વગાડતા બોલ્યા.

"ચાચા મતલબ અફઝલ પાશા..બચ્ચે મતલબ સ્લીપર સેલ..અને ખીલોને મતલબ હથિયાર."

આઈ.બી ચીફ આહુવાલીયાએ પ્રથમ મેઈલને યોગ્ય રીતે ઉકેલયો હતો એવું ત્યાં હાજર દરેક લોકોને લાગ્યું.

"દુલ્હન મતલબ કોઈ હથિયાર, આર.ડી.એક્સ કે બીજું કંઈક જોખમી ગોળાબારુદ.. માઈકેવાલે ચીન હોઈ શકે છે. જેમની જોડે લશ્કરના આતંકવાદીઓએ કોઈ ડિમાન્ડ રાખી હશે જે એ લોકોએ અક્ષરશઃ પૂર્ણ કરી." અર્જુને ડિકોડ કરેલા બીજા મેઈલને યોગ્ય ઠેરવતા આહુવાલીયા અને શેખાવતે એની પ્રશંસા કરી.

"આનો અર્થ કે ત્રીજો મેઈલ સૂચવે છે કે ગુજરાતમાં આતંકવાદી હુમલામાં ઉપયોગમાં લેનાર હથિયાર અને દારૂગોળો ગુજરાત આવવા નીકળી ગયો છે..અને એનો ઉપયોગ શાદી એટલે કે હુમલામાં થશે." નગમાએ ત્રીજો મેઈલ સરળતાથી ઉકેલી કાઢ્યો.

"ત્રીજા મેઈલમાં કહ્યું છે કે શાદી એટલે કે આતંકવાદી હુમલાનું સ્થળ આગળના મેઈલમાં કહેવાશે..જલ્દી ચોથો મેઈલ ઓપન કર."

આગળ આવેલા ત્રણેય મેઈલ આઈડી કરતા ભિન્ન મેઈલ આઈડી પર કરવામાં આવેલા મેઈલને જેવો વેણુએ ખોલ્યો એ સાથે જ એના મુખ પર શૂન્યભાવ ઉપસી આવ્યા.

"સર..આ મેઈલ તો બ્લેન્ક છે.."

"વ્હોટ..બ્લેન્ક મેઈલ..!" વેણુના શબ્દો સાંભળતા જ શેખાવત સહિત અન્ય પાંચ-છ લોકોના મુખેથી એકસરખા શબ્દો નીકળી પડ્યા.

અગાઉના ત્રણ મેઈલ એ તરફ ઈશારો કરી રહ્યા હતા કે ગુજરાતમાં આતંકવાદી હુમલો અવશ્ય થવા જઈ રહ્યો છે..જે માટે ચીનના કહેવાથી લોન્ગ દ્વારા તોયબાના આતંકવાદીઓને જરૂરી હથિયાર પૂરા પાડવામાં આવ્યા છે. પણ, આ હુમલો ક્યાં થવાનો હતો એ જાણવાની બધી ઉત્સુકતા પર બ્લેન્ક મેઈલ જોતા ઠંડી પડી ગઈ હતી.

"વેણુ આ બંને મેઈલ આઈડીના આઈ.પી એડ્રેસ ટ્રેસ કરીને કંઈ માહિતી નહિ મળી શકે..?" આહુવાલીયાએ વેણુ ભણી જોતા કહ્યું.

"પ્રયત્ન કરી જોઈએ..પણ મારું મન કહે છે કે આ બંને મેઈલના આઈ.પી એડ્રેસ કોઈ સાયબર કાફેના જ હશે..અને ત્યાં આવનાર વ્યક્તિ વેશ બદલીને, નકલી આઈડી સાથે જ આવી હશે." વેણુએ કહેલી આ વાત ખોટી પણ નહોતી એમ સમજતા આહુવાલીયાએ આગળ વધુ કંઈ ના કહ્યું.

વેણુએ તુરંત બંને મેઈલ આઈડીનો જે જગ્યાથી ઉપયોગ થયો હતો એના આઈ.પી એડ્રેસ પરથી પાંચ મિનિટમાં તો એનો ક્યાંથી ઉપયોગ થયો એ જગ્યા ટ્રેસ કરી લીધી..જે અલગ-અલગ ત્રણ સાયબર કાફે હતી..જે અમદાવાદના અલગ-અલગ ત્રણ વિસ્તાર મણીનગર, કાલુપુર અને વટવા ખાતે આવેલી હતી.

આ ત્રણેય જગ્યાઓના એડ્રેસ વેણુ જોડેથી લઈને શેખાવતે કમિશનર વણઝારાને સોંપી મેઈલ ઓપન થવાના સમયે ત્રણેય સાયબર કાફેમાં આવનારી વ્યક્તિની માહિતી એકત્રિત કરવાનો આદેશ આપ્યો. અત્યારે રાતના ત્રણ વાગ્યા આવ્યા હતા એટલે આ કાર્ય સવારે જ થઈ શકશે એ જાણતા વણઝારાએ શેખાવતે આપેલ સાયબર કાફે અને મેઈલ ઓપન થવાના સમયનું લિસ્ટ લખેલી ચબરખી ખિસ્સામાં સાચવીને મૂકી દીધી.

વેણુ હજુ ચોથો મેઈલ ખોલીને બેઠો હતો..જે બ્લેન્ક હતો..આ ખાલી મેઈલમાંથી કંઈક મળી જાય એવી આશાથી વેણુ લેપટોપની સ્ક્રીન તરફ જોઈ રહ્યો હતો ત્યાં કેવિનને કંઈક સૂઝતા એ વેણુને ઉદ્દેશીને બોલ્યો.

"વેણુ, Ctrl+A દબાવજે.."

વેણુએ યંત્રવત બની જેવું Ctrl+A દબાવ્યું એ સાથે જ બ્લુ પટ્ટી સ્ક્રીન પર ઉપસી આવી..આમ થતાં વેણુએ તુરંત ફોન્ટ કલર વ્હાઈટમાંથી બ્લેક કર્યો..આ સાથે જ સ્ક્રીન પર લખેલો એક કોડ ઉપસી આવ્યો.

.9 .10 1 .10 ..1 5

.5 6

..1 .4 9 .10 ..5

"શાદી કી જગહ પર પહોંચ જાના..પર બારાતીઓ સે થોડા બચકર."

"સર...ધીસ ઈઝ સમથિંગ ફોર અસ.." વેણુએ દૂર ઉભેલા શેખાવતને અવાજ આપતા કહ્યું.

વેણુના શબ્દો સાંભળી શેખાવત અને આહુવાલીયા જે આગળ શું કરવું એ અંગેની ચર્ચામાં ગૂંથવાયેલા હતા એ ફટાફટ વેણુની સમીપ આવીને ગોઠવાઈ ગયા.

".9 .10 1 .10 ..1 5

.5 6

..1 .4 9 .10 ..5"

"શાદી કી જગહ પર પહોંચ જાના..પર બારાતીઓ સે થોડા બચકર."

આહુવાલીયાએ મેઈલમાં લખેલો કોડ અને મેસેજ વાંચીને શેખાવત ભણી જોતા કહ્યું.

"આ કોડ ઉકેલવાથી આપણને સમજાઈ જશે કે આખરે આતંકવાદીઓ હુમલો ક્યાં કરવાના છે."

"વેણુ, આઈ વોન્ટ ડિકોડ ધીસ કોડ એઝ ફાસ્ટ એઝ પોસીબલ.." શેખાવતનો આદેશ મળતા વેણુ તુરંત પોતાના કામમાં લાગી ગયો..એને રૉ અને આઈબીમાં જેટલા પણ આઈ.ટી નિષ્ણાત અને પોગ્રામિંગ સમજતા અધિકારીઓ હતા એ દરેકને આ કોડ મોકલાવી એને સત્વરે ઉકેલવા જણાવી દીધો; અને પોતે પણ આ કામમાં લાગી ગયો.

આતંકવાદી હુમલો થયા પહેલા શેખાવત એન્ડ કંપની મેઈલમાં છુપાયેલ કોડને ડિકોડ કરી શકશે કે નહીં એ ભવિષ્યની ગર્તામાં મોજુદ હતું.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)