ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 4 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 4

ભાગ 4

કવેટાથી દસ કિલોમીટર દૂર, ઇન્ડસ હાઇવે, પાકિસ્તાન

નગમા, માધવ અને દિલાવરને લઈને મુસ્તફા ઈન્ડ્સ હાઈવે તરફ આગળ વધી રહ્યો હતો. પોતે વીસ મિનિટમાં એ લોકોને લઈને કવેટામાં આવેલા એમના ગુપ્ત સ્થાનકે અને ત્યાંથી યોગ્ય સમયે ડૉક્ટર અસદ આઝમના ત્યાં પહોંચવાનું હતું. BLAના ગઢ ગણાતા કવેટામાં પોતે અતિ સુરક્ષિત હોવાનું મુસ્તફા અને દિલાવરનું અંગતપણે માનવું હતું.

એ લોકો જે સિંગલપટ્ટી રોડ પર આગળ વધતા હતા, એ રસ્તો ઈન્ડ્સ હાઈવેને જ્યાં મળતો ત્યાં ઈકબાલ મસૂદ પોતાના છ આતંકવાદીઓ સાથે હથિયાર સાથે મોજુદ હતો. હમીદના ઘરે શોધખોળ કરનારા અને ક્રિસ્ટ ચર્ચ જોડે પોતાના સાગરીતોને મોતને ઘાટ ઉતારનાર લોકો જોડે બદલો લેવા મસૂદ ભારે ઉતાવળો હતો.

સાંકડા રસ્તેથી જ્યારે જ્યારે કોઈ વાહન આવતું ત્યારે મસૂદ અને મસૂદના માણસો સાબદા થઈ જતા..પણ, મિર્ઝાએ કરેલા વર્ણન મુજબની ઈનોવા કાર એમને જોવા ના મળતી ત્યારે એમનો નિઃસાસો નીકળી જતો.

"મુસ્તફા, તું અમને આપણા અડ્ડા પર મૂકીને અસદભાઈને મળતો આવ..એમની બધી વાતથી વાકેફ કર." ઈનોવા હંકારી રહેલા મુસ્તફાને સમજાવતા દિલાવર બોલ્યો. "અસદભાઈએ ફોન પર સંપર્ક કરવાની ના પાડેલી છે તો એમને રૂબરૂ મળીને જ બધી વાત જણાવવી પડશે."

"હું એ કામ યોગ્ય રીતે કરી દઈશ..તમે ચિંતા ના કરશો." મુસ્તફાએ કારને હંકારતા-હંકારતા જ જવાબ આપ્યો.

ઈન્ડ્સ હાઈવે હવે નજર સામે દ્રશ્યમાન થઈ રહ્યો હતો..કવેટાથી માધવ અને નગમાને અસદ આઝમની મદદથી પહેલા અફઘાનિસ્તાનના પાટનગર કાબુલ ખાતે ભારતીય દૂતાવાસ પહોંચવાનું હતું..અને ત્યાંના ઈન્ડિયન એમ્બેસેડર જાનકીનંદન મિત્રાની મદદથી ફ્લાઈટ મારફતે ભારત. હવે જ્યારે એમનું કામ પૂર્ણ થઈ ગયું હતું તો પછી કુવૈત જવાની કોઈ જરૂર પણ નહોતી.

અંતરિયાળ ધૂળ ભરેલા અને ખાડા-ટેકરા વાળા રસ્તા પરથી હવે આગળની સફર હાઈવે પર કરવાની હતી એ વિચારી માધવ અને નગમા મનોમન ખુશ હતા. સતત વીસ કલાકની સફર અને એમાં પણ ઉબળખાબળ કાચો રસ્તો..માધવ અને નગમાની કમરના મણકા ઢીલા થઈ ગયા હતા.

મુસ્તફાએ ઈનોવાને જેવો ટર્ન મારી ઈન્ડ્સ હાઈવે તરફ જેવી લીધી એ સાથે જ એની નજરો સમક્ષ રોડ પરથી પસાર થતા બકરીના બચ્ચા પર પડી..નજર પડતા જ મુસ્તફાએ જોરદાર બ્રેક મારીને ઈનોવાને અટકાવી. આ બનાવ એટલી ઝડપે બન્યો હતો કે માધવ, નગમા અને દિલાવર આંચકા સાથે સીટમાં થોડા આગળ આવી ગયા.

"શું થયું..?" દિલાવરે આશ્ચર્ય સાથે ભરેલા અવાજે મુસ્તફાને પૂછ્યું. "અચાનક આટલી જોરથી બ્રેક મારવાનું...!"

દિલાવર આગળ પ્રશ્ન કરે એ પહેલા મુસ્તફાએ રસ્તાની વચ્ચે ઊભેલા બકરીના બચ્ચા તરફ ઈશારો કર્યો. માથે સફેદ ટીલ્લી ધરાવતા અને બાકીના શરીરે કાળો રંગ ધરાવતા બકરીના બચ્ચાને જોઈને દિલાવરના ચહેરા પર આપમેળે સ્મિત ફરી વળ્યું.

દિલાવરે ઈનોવાનો દરવાજો ખોલ્યો અને નીચે ઉતરીને બકરીના બચ્ચા તરફ અગ્રેસર થયો. દિલાવરે ખૂબ ધીરજથી બકરીના બચ્ચાને ઊંચક્યું અને રસ્તાની નજીકમાં આવેલી ઝાડીઓમાં રાખી દીધું. નિર્દોષતાથી ભાગીને ઝાડીઓમાં પ્રવેશતા બકરીના બચ્ચાને જોતી વખતે દિલાવરની નજર અચાનક હાઈવેની નજીક આવેલા લીમડાના વૃક્ષની ઓથાર લઈને ઊભેલી એક વ્યક્તિ પર પડી. પોતે જે તરફથી આવી રહ્યા હતા એ રસ્તા પર ચાતક નજરે જોતી એ વ્યક્તિનું વર્તન દિલાવરને થોડું અજુગતું લાગ્યું.

આ વિષયમાં દિલાવર વધુ વિચારે એ પહેલા દિલાવરનું ધ્યાન રોડની સાઈડમાં રહેલા રેતીના ટેકરાની પાછળ ઊભેલા ઈકબાલ મસૂદ પર પડ્યું. મસૂદને જોતા જ દિલાવરનું હૃદય ધબકારો ચૂકી ગયું, એના કપાળ પર પ્રસ્વેદ બિંદુઓ ઉપસી આવ્યા.

ઈકબાલ પોતાના માણસો સાથે ઘાત લગાવીને ઊભો હતો જેનો અર્થ ના સમજે એવો મૂર્ખ દિલાવર નહોતો જ..!

પોતે જાણે કંઈ જોયું જ નથી એ રીતે શાંતિથી ટહેલતો-ટહેલતો દિલાવર ઈનોવા તરફ આગળ વધ્યો. દિલાવરનું મગજ આ વિપરીત સંજોગોમાં બુલેટ ટ્રેઈનની માફક દોડવા લાગ્યું. દિલાવરે મનોમન શક્ય એટલા તર્ક કર્યાં. ઈનોવા હાઈવેને જોડતા વળાંક પર ઊભી હતી. મસૂદ અને એના સાગરીતો જ્યાં ઊભા હતા ત્યાંથી ઈનોવા જોઈ શકાય એમ નહોતી. આમ છતાં કોઈ વાહન આવીને હાઈવે પહેલા અટક્યું હશે એવું મસૂદ અવશ્ય જાણતો જ હશે. જો ઈનોવાને ટર્ન મારી પાછી કાચા રસ્તે લેવામાં આવે તો એને છેક હાઈવે સુધી લઈ જવી પડી જ્યાં એમની રાહ જોતા મસૂદ અને મસૂદના માણસો હાજર હતા.

મસૂદને એમના આગમનની ક્યાંથી ખબર પડી એ રહસ્ય તો દિલાવરની સમજ બહારનું હતું..પણ મસૂદ પૂરતી જાણકારી સાથે જ ત્યાં આવ્યો હશે એવું તાર્કિક અનુમાન લગાવી દિલાવર ઈનોવામાં આવીને ગોઠવાયો.

"દુશ્મનો આપણી રાહ જોઈને આગળ ઊભા છે.." પોતાના સ્થાને ગોઠવાતા જ દિલાવરે ઈનોવામાં બેસેલા તમામને સંભળાય એમ કહ્યું.

દિલાવરના આમ બોલતા જ ઈનોવામાં બેસેલા તમામના ભવા ચડી ગયા..દિલાવરના શબ્દોમાં રહેલ વિશ્વાસ જોઈ માધવ, નગમા અને મુસ્તફાના શ્વાસ ભારે થઈ ગયા, હૃદય બમણી ગતિએ ધબકવા લાગ્યું.

"હવે..?" દિલાવરની સમક્ષ જોતા માધવે પૂછ્યું.

"તો પછી ગાડીને રિટર્ન લઉં.." મુસ્તફા સ્ટેયરિંગ પર હાથની પકડ જમાવતા બોલ્યો.

"ના..ભૂલથી પણ એવું ના કરતો." દિલાવરના અવાજમાં ચેતવણી હતી..ગંભીરતા હતી. "તારે આટલી મોટી ગાડીને રિટર્ન લેવા છેક હાઈવે સુધી જવું જ પડશે અને એ મા..હરામીઓ ત્યાં જ ઊભા છે." દિલાવરના હોઠે આવેલી ગાળ નગમાની હાજરીનો ખ્યાલ આવતા જ અટકી ગઈ હતી.

"તો..પછી..." પોતાને આખરે શું કરવાનું છે એ જાણવા મુસ્તફાએ દિલાવર ભણી જોયું.

દિલાવરે ઈશારાથી જ મુસ્તફાને ઈનોવાને સીધા રસ્તે ભગાવવા કહ્યું..અને છેલ્લે સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી કે..કોઈપણ સંજોગોમાં એને BLAના છૂપા અડ્ડા પર પહોંચ્યા પહેલા ઈનોવાને અટકાવવાની નથી.

"યા અલી કર મદદ..!" મનોમન પોતાના અલ્લાહને યાદ કરતા મુસ્તફાએ ઈનોવાના એક્સીલેટર પર પગ મૂક્યો. નગમા અને માધવ હાથમાં મશીનગન લઈને તૈયાર થઈ ગયા. દિલાવરે પણ પોતાની જર્મન બનાવટની ઓટોમેટિક રિવોલ્વર મજબૂતાઈથી હાથમાં ધરી.

આ સાથે જ મુસ્તફાએ એક્સીલેટર પર જોરથી પગ દબાવ્યો અને પુરપાટ વેગે ઈનોવાને હાઈવે તરફ મારી મૂકી..ધક્કા સાથે ઈનોવા સિંગલપટ્ટી રોડ પરથી ઈન્ડ્સ હાઈવે પર આવી. જે ગતિમાં ઈનોવા હાઈવે પર આવી હતી એ જોઈ મસૂદ અને એના માણસો સ્તબ્ધ થઈ ગયા.

"ભાઈ, એ જ લોકો છે.." જીપના બોનેટ પર બેસેલો મિર્ઝા જોરથી મસૂદને અવાજ આપતા બોલ્યો.

મિર્ઝાએ અવાજ ના આપ્યો હોત તો પણ મસૂદ જાણી ગયો હતો કે આ એ જ ઈનોવા હતી જેને શોધતો એ પોતે ત્યાં આવ્યો હતો. આ ઉપરાંત મસૂદ ડ્રાઈવરની બાજુની સીટમાં બેસેલા દિલાવર ખાનને પણ તુરંત પિછાણી ગયો.

ઘડીના છઠ્ઠા ભાગમાં મસૂદે ઈનોવા પર ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું..નગમા, માધવ અને દિલાવરે કાઉન્ટર ફાયર કરીને મસૂદના બે સાગરીતોને મોતને ઘાટ ઉતારી દીધા. પણ, મસૂદ અને સોહેલના અંધાધૂંધ ફાયરિંગનો એ લોકો વધુ સમય પ્રતિકાર કરી શકે એમ નહિ હોવાથી માધવ અને નગમાએ કાઉન્ટર ફાયર કરવાના બદલે સ્વબચાવમાં પોતાનું માથું ઝુકાવી લીધું.

મુસ્તફા દિલાવરના કહ્યા મુજબ ઈનોવાને ફૂલ સ્પીડમાં કવેટા તરફ જતા હાઈવે તરફ ભગાવી રહ્યો હતો..નગમા અને માધવે કાઉન્ટર ફાયરિંગ અટકાવ્યું હતું પણ દિલાવર પોતાના જીવની પરવાહ કર્યાં વિના મસૂદ પર ધડાધડ ગોળીઓ વરસાવી રહ્યો હતો. ઈનોવાનો પાછળનો અને ડાબી તરફનો સાઈડ ગ્લાસ તૂટી ચૂક્યો હતો અને કેટલીય બુલેટ ઈનોવાની બોડીમાં ધરબાઈ ચૂકી હતી.

દિલાવરની ગણતરી હતી કે જો એ મસૂદને ઘાયલ પણ કરી દેશે તો એમનો પીછો થવાનું જોખમ ઘટી જશે. આથી જ એ મસૂદ અને સોહેલ દ્વારા ચલાવવામાં આવતી ગોળીઓ વચ્ચે પણ એમની પર રિવોલ્વરથી ફાયર કરી રહ્યો હતો. દિલાવરની એક ગોળી મસૂદને વાગવાના બદલે સોહેલના ખભામાં ઉતરી ગઈ..પણ, બીજી જ પળે મસૂદે છોડેલી ગોળીઓમાંથી એક ગોળી દિલાવરના જમણા ખભા અને છાતીની વચ્ચે ઊતરી ગઈ.

માધવે સમયસૂચકતા વાપરીને ઘાયલ દિલાવરને અંદરની તરફ ખેંચી લીધો..પિસ્તાલીસ સેકન્ડમાં આ બધું જે ગતિએ ઘટિત થઈ ગયું હતું એમાં કોઈને કંઈ ઝાઝું વિચારવાનો વખત જ નહોતો મળ્યો. મુસ્તફા સિફતથી ઈનોવાને મસૂદ અને એના માણસોથી દૂર લઈને નીકળી ગયો હતો.

"ફટાફટ, બધા જીપમાં બેસો..એકપણ મા@##$$$ બચીને જવો ના જોઈએ." પોતાના મૃત સાથીદારો કે ઘાયલ સોહેલની ચિંતા કર્યાં વિના મસૂદે પોતાના બાકીનાં સાગરીતોને ઉદ્દેશીને કહ્યું.

મસૂદનો આદેશ અનુસરવા ટેવાયેલા સોહેલ અને બાકીના એના ત્રણ સાથીદારો જીપ ભણી દોડ્યા..ધોળે દિવસે થયેલા અંધાધૂંધ ગોળીબારનો અવાજ સાંભળી હાઈવે પર આગળ વધતી તમામ ગાડીઓના ડ્રાઈવર દ્વારા ગાડીઓને અટકાવી દેવામાં આવી હતી.

મસૂદ એના સાથીદારો દ્વારા પોતાનો પીછો અવશ્ય કરશે એ અંગે અનુમાન આવી જતા નગમા ઈનોવાની પાછળની સીટમાં આવી. એને પોતાના હાથમાં રહેલી મશીનગનનું નિશાન મસૂદની જીપ પર લીધું અને ટ્રિગર દબાવી દીધું. નગમાએ મશીનગનમાંથી ધડાધડ છોડેલી ગોળીઓ જીપના આગળનાં બંને ટાયરમાં ખૂંપી ગઈ. જીપના આગળનાં ટાયરમાં આમ થતા જ બ્લાસ્ટ થયો અને જીપ ફુસ લઈને આગળની તરફથી નીચે બેસી ગઈ.

"હવે એ લોકો આપણી પાછળ નહીં આવે.." વિજયસૂચક સ્મિત ફરકાવતી નગમા ઈનોવાની વચ્ચેની સીટમાં આવીને ગોઠવાઈ ગઈ.

"દિલાવર ભાઈ, હિંમત રાખજો..આપણે દસ મિનિટમાં અડ્ડા પર પહોંચી જઈશું." મસૂદની ગોળીથી ગંભીર રીતે ઘવાયેલા દિલાવરને ઉદ્દેશી મુસ્તફા બોલ્યો.

"ઓફિસર..નગમા.. નગમા અને માધવ આપણી.. આપણી... જવાબદારી છે...એમને કંઈ થવું ના જોઈએ." ત્રુટક શબ્દોમાં આમ બોલતા બોલતા દિલાવર બેહોશીમાં સરી પડ્યો.

"મુસ્તફા..જલ્દી દોડાવ ગાડીને..!" દિલાવરની ઈજા ગંભીર છે એ સમજી ચૂકેલા માધવ અને નગમા એક સૂરમાં બોલી પડ્યા. એમના અવાજમાં દિલાવર પ્રત્યેની લાગણી અને ચિંતા સાફ વર્તાતી હતી.

મુસ્તફાએ પણ પોતાના સંગઠનના અગ્રણી કમાન્ડર એવા દિલાવર ખાનને બચાવવા ઈનોવાને કવેટા તરફ દોડાવી મૂકી.

નગમા દ્વારા જે ચાલાકીથી મસૂદની જીપનું ટાયર પંક્ચર કરી મૂક્યું હતું એ કારણથી મસૂદ એના સાગરીતો સાથે ધૂંવાપૂંવા થઈને જીપની ફરતે ઊભા હતા. પોતાના બે સાથીઓને ખોવાનું અને સોહેલના ઘાયલ થવાનું દુઃખ ઓછું હોય એમ અત્યારે મસૂદ ઈચ્છવા છતાં પણ દિલાવર જેમાં હતો એ ઈનોવાનો પીછો કરી શકે એમ નહોતો.

જે પ્રકારનો હોબાળો ત્યાં મચ્યો હતો એના લીધે કવેટા પોલીસ નજીકમાં ત્યાં આવશે એ પણ મસૂદ જાણતો હતો. આમ તો મસૂદ અકબર પાશાનું નામ આપી પોતે પૂરા પાકિસ્તાનની પોલીસને એની સામે નમાવી શકે એમ હતો છતાં આવું કરવું એને આ સંજોગોમાં યોગ્ય ના લાગ્યું.

મસૂદે મોબાઈલ નીકાળી તુરંત ગુલામઅલીનો નંબર ડાયલ કર્યો..અહીં જે કંઈપણ બન્યું હતું એની ટૂંકમાં અલીને જાણકારી આપી અને પછી રસ્તાની વચ્ચે જઈને ઊભો રહ્યો. ત્યાંથી થોડે દુર એક કાર ઊભી હતી, જેમાં બેસેલી એક વ્યક્તિ અહીં બનેલી ઘટનાથી ધ્રૂજી રહી હતી.

મસૂદ ઉતાવળા ડગલે હાથમાં મશીનગન લઈને એ કાર તરફ આગળ વધ્યો. એ વ્યક્તિ મસૂદને પોતાની તરફ આગળ વધતો જોઈ ચિંતિત થઈ ગયો. કારને યુટર્ન લઈને ભાગવાની ઈચ્છા સાથે એને કારને સ્ટાર્ટ કરી જ હતી ત્યાં મસૂદે મશીનગનને એ વ્યક્તિની તરક તાકતા ત્રાડ નાંખાતા કહ્યું.

"જ્યાં છે ત્યાં જ ઊભો રહેજે..તારે જીવિત રહેવું હોય અને બીવી-બચ્ચાની સૂરત જોવાની ઈચ્છા હોય તો શાંતિથી કાર મૂકીને નીકળ."

મસૂદની ધમકીની ધારી અસર થઈ, એ વ્યક્તિએ ફટાક દઈને કારનું સ્ટેયરિંગ મૂકી દીધું અને હાથ ઊંચા રાખી કારમાંથી હેઠે ઊતરી ગઈ.

મસૂદે ઈશારાથી એને ત્યાંથી રફુચક્કર થઈ જવા કહ્યું..એટલે એ વ્યક્તિ ત્યાંથી મુઠ્ઠીઓ વાળીને ભાગી નીકળી. મસૂદ કારમાં જઈને ગોઠવાયો અને કાર ચાલુ કરી પોતાની ટોળી જોડે જઈ પહોંચ્યો.

મસૂદ દ્વારા લાવવામાં આવેલી કારમાં એના તમામ સાથીઓ ગોઠવાઈ ગયા એટલે મસૂદે પણ કારને કવેટા તરફ દોડાવી મૂકી.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)