ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 9 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 9

ભાગ 9

જિશાન ડિસ્ટ્રીકટ, શાંઘાઈ, ચીન

શાંઘાઈના દક્ષિણ પશ્ચિમમાં આવેલ જિશાન ડિસ્ટ્રીકટ નામનો વિસ્તાર રોજની માફક ટ્રાફિકથી વ્યસ્ત હતો. શેખાવતના કહેવાથી અર્જુન અને નાયક શાહિદની સાથે જિશાન ડિસ્ટ્રીકટ તરફ રવાના થઈ ચૂક્યા હતા. એ લોકો જ્યાં સુધી જિશાન પહોંચે ત્યાં સુધીમાં તો શેખાવતે એમને વિલાડનો નંબર મેસેજ કરી દીધો હતો.

અર્જુન સમજતો હતો કે હવે એ લોકોનો પીછો નહિ થાય પણ એની ગણતરી ત્યારે ખોટી પડી જ્યારે લી ચુવાંગજિયાંક્ષુ આઈલેન્ડ આવી પહોંચ્યો. આઈલેન્ડનાં કિનારે સ્પીડ બોટના અવશેષો અને અવશેષોમાં પડેલી બે ડેડબોડી જોઈને પહેલા તો યાંગ લી ભારે રાહત અનુભવી. હૃદય પરથી મણભાર વજન ઓછું થયું હોય એવી પ્રતીતિ સાથે લી સ્પીડ બોટમાંથી ઠેકડો મારી આઈલેન્ડના કિનારે ઉતર્યો અને હિચેનની જોડે જઈને ગોઠવાઈ ગયો.

નુવાન યાંગ લી કંઈ પૂછે એ પહેલા તો હિચેને ઉત્સાહિત સ્વરે ત્યાં જે કંઈપણ બન્યું એ અંગે સંભળાવી દીધું. હિચેનની વાત સાંભળી બીજું કોઈ હોત તો ખુશ થઈને એને શાબાશી આપત. પણ, આ તો નુવાન યાંગ લી હતો; જમાનાનો ખંધેલ ડ્રગ્સ ડીલર.! જો હિચેને માર્યા એ બંને શેખ હોય, ઈન્ટરપોલના માણસ હોય તો કોઈ પ્રતિકાર ના કરે એ વાત લીને હજમ ના થઈ.

"ટીમ, બોથા, લ્યુકી..અને હિચેન તું પણ.." લી બોલ્યો. "નીચે પાણીમાં જઈને ત્યાં પડેલા બંને મૃતદેહોને બહાર નિકાળો."

લીનો પડ્યો બોલ ઝીલવા તૈયાર રહેતા એ ચારેય લીના આદેશ મુજબ કામે લાગી ગયા..પહેલા એ લોકોએ જેક અને પછી જેકના સાથીદારને બહાર નિકાળ્યો. પૂર્ણપણે એમનો ચહેરો ઝૂલસી ગયો હતો એટલે આમ તો એમની ઓળખાણ કરવી ખૂબ અઘરી હતી. છતાં, લી પોતાને મળવા આવેલા બંને શેખના ચહેરા અને અહીં પડેલા બંને મૃતદેહોને ચહેરા તથા કદકાઠીમાં ફરક ના તારવી શકે એવો એ આંધળો નહોતો.

શેખ બનીને આવેલા બંને જણા પોતાને અને પોતાના ભાઈ જિયોન્ગ લોન્ગને બનાવીને આબાદ છટકી ગયા છે એ સમજાવમાં યાંગ લીને વધુ સમય ના લાગ્યો.

"ધે બોથ એસ્કેપડ.. તેઓ બંને આપણને ચુ@#$ બનાવીને ભાગી ગયા છે." ગુસ્સાથી રાતોચોળ યાંગ લી ત્રાડ નાંખી બોલ્યો..એનો ગુસ્સો એટલો બધો હતો કે આ બોલતી વખતે એના મોંઢામાંથી થૂંક પણ નીકળી ગયું. પોતાના શર્ટની બાંય વડે મોં પર લાગેલું થૂંક લૂછતા લી આદેશાત્મક સ્વરે બોલ્યો.

"કેચ ધેમ બાસ્ટર્ડ.. ગમે તે કરો પણ એ મા@#%$!ને પકડી પાડો."

"તો આ બંને કોણ છે.?" હિચેનના ચહેરા પર આશ્ચર્યના ભાવ વંચાતા હતા.

"આ જેક છે, જે એ બંને શેખને લઈને નીકળ્યો હતો અને આ એની જોડે હતો એ..શું નામ હતું એનું..!" માથું ખંજવાળતા લી બોલ્યો.

"રેમન.." ટીમે કહ્યું.

"હા આ જેક અને આ રેમન..એ બંને શેખે પોતાના કપડાં આમને પહેરાવી એમને બોટ પર બેસાડી દીધા જેથી તું એમને શેખ સમજે.." હિચેન તરફ જોતા લી બોલ્યો. "અને યુ ઈડીયટ, એમની ચાલમાં આવી ગયો..××××!"

હજુ આ ગરમાગરમી ચાલતી હતી ત્યાં જ લીના મોબાઈલની મેસેજ ટોન વાગી..એક વાર, બે વાર, ત્રણ વાર એમ સતત ટોન વાગતી રહી એટલે લીએ પોતાનો ફોન નીકાળી શું મેસેજ હતો એ ચેક કર્યું..મેસેજ જોતા જ લીના હૈયે ફાડ પડી, એની આંખો પહોળી થઈ ગઈ, પગ ઢીલા થઈ ગયા અને છેવટે એ ચક્કર ખાઈને ફસડાઈ પડ્યો.

"જલ્દી કોઈ પાણી લાવો.."લીને ટેકો આપવા પહોંચેલો ટીમ હિચેન તરફ જોઈને બોલ્યો.

હિચેને આજુબાજુ જોયું પણ નજીકમાં પોતાનો કોઈ માણસ ના દેખાતા એ જાતે જ યાંગ લી માટે પાણી લેવા દોડ્યો.. બે મિનિટમાં તો હિચેન હાથમાં પાણીની બોટલ સાથે પાછો આવ્યો. બોથા અને લ્યુકી પણ લીની નજીક ઊભા હતા. અચાનક પોતાના બોસને શું થઈ ગયું એ જ એમને સમજાતું નહોતું.

ટીમે બોટલનું ઢાંકણ ખોલી થોડું પાણી હાથમાં લીધું અને લીના ચહેરા પર છાંટયું. આમ કરતા જ લી સહેજ ભાનમાં આવ્યો..ભાનમાં આવતા જ એને ટીમના હાથમાંથી બોટલ આંચકી લીધી. વર્ષોથી તરસ્યો હોય એમ લી બોટલમાંથી પાણી ગટગટાવી ગયો.

"વી આર ફિનિશ..ઓલ ફિનિશ.." ધીરેથી કંઈક ફુસફુસાવતા લી ઊભો થયો..ટીમ એને ટેકો આપવા આવ્યો પણ લીએ ઈશારાથી જ એને આમ કરતો અટકાવી દીધો.

લી લથડાતા પગે એ લોકોથી થોડે દુર ગયો અને પોતાનો ફોન નીકાળી લોન્ગનો નંબર ડાયલ કરવા લાગ્યો.

આ દરમિયાન લોન્ગે પોતાની ઓળખ વાપરી ચુવાંગજિયાંક્ષુ આઈલેન્ડ પર ઊભેલી સંદિગ્ધ કારને ટ્રેસ કરવાનું કામ પોતાના ચાઈનીઝ સિક્યુરિટી એજન્સીમાં કામ કરતા એક દોસ્તને સોંપ્યું હતું. લીએ એનો નંબર ડાયલ કર્યો એની વીસેક સેકંડ પહેલા જ ચાઈનીઝ સિક્યુરિટી એજન્સીમાં કાર્યરત લોન્ગના દોસ્ત દ્વારા એને શાહિદ જે બ્લેક રંગની મર્શિડીઝ લઈને આવ્યો હતો એ જ મર્શિડીઝ અંગે જણાવવામાં આવ્યું. લોન્ગને તુરંત યાદ આવી ગયું કે લીને જ્યારે એ બંને શેખ મળવા આવ્યા ત્યારે આવી જ બ્લેક રંગની જ મર્શિડીઝ લઈને આવ્યા હતા.

એ મર્શિડીઝની અત્યારની લોકેશન પણ જીપીએસ ટ્રેકરની મદદથી લોન્ગને સિક્યુરિટી એજન્સીનો એનો મિત્ર આપી ચૂક્યો હતો..જે હતી જિશાન ડિસ્ટ્રીકટ તરફ જતા સ્ટેટ હાઈવે નંબર ત્રણસો પચ્ચીસની.

જિયોન્ગ લોન્ગે પોતાના એ મિત્રનો આભાર માની એની સાથેનો સંપર્ક વિચ્છેદ કર્યો અને આ અંગે આગળ શું કરવું એ વિચારવા લાગ્યો. પોતાના ભાઈ લીને કોલ કરવાનું લોન્ગ વિચારતો જ હતો ત્યાં લીનો એની ઉપર સામેથી કોલ આવ્યો.

"એ બંને શેખ તારા હાથમાંથી છટકી ગયા છે એ જણાવવા કોલ કર્યો હોય તો મને ખબર છે એ વિશે.." મુદ્દાની વાત પર આવતા લોન્ગ બોલ્યો. "અને હું એ પણ જાણું છું કે એ બંને હરામજાદાઓ કઈ તરફ ભાગી રહ્યા છે."

બંને શેખના બચીને છટકી જવાની વાત લોન્ગ ક્યાંથી જાણતો હતો એ વાતનું લીને આશ્ચર્ય થયું..પણ, એ જાણતો હતો કે પોતાનો ભાઈ લોન્ગ શું ચીઝ છે! એટલે એને આ વાતનું વધુ પડતું આશ્ચર્ય ના થયું.

"એ બંને કઈ તરફ ગયા છે એ જણાવશો જેથી હું એમને મોતને ઘાટ ઉતારી શકું." લીએ જે કહેવા કોલ કર્યો હતો એ વાત એ ભૂલી જ ગયો હતો.

"એ બંનેને લઈને આવેલી મર્શિડીઝ અત્યારે જિશાન ડિસ્ટ્રીકટ તરફ જઈ રહી છે..જેનો અર્થ છે કે એ બંને.." લોન્ગ પોતાની વાત પૂર્ણ કરે એ પહેલા લીના મોંઢેથી સરી પડ્યું.

"એ બંને ત્યાંથી તાઇવાન જવા માંગે છે..અને તાઇવાન પહોંચવાનો મતલબ છે આપણા હાથમાંથી સુરક્ષિત નીકળી જવું."

"હા હું એ જ કહેવા માંગતો હતો." લોન્ગ કરડાકીભર્યા સ્વરે બોલ્યો. એના અવાજમાં હજુપણ ગજબની સ્થિરતા કાયમ હતી. "ચાઈના અને તાઇવાન વચ્ચેના ખટાશભર્યા સંબંધોનો લાભ ઉઠાવી એ આપણી અને ચાઈનીઝ ગવર્મેન્ટની પહોંચમાંથી બચવા માંગે છે. એ લોકો તાઈવાનની હદમાં પહોંચે એ પહેલા એમનો ખાત્મો કરવો આવશ્યક છે."

"એવું જ થશે.." લી મક્કમતાથી બોલ્યો પણ પછી એને એ વાત યાદ આવી જે જણાવવા એને લોન્ગને કોલ કર્યો હતો. "ભાઈ, એક બીજી વાત પણ કહેવી હતી.."

"તો જલ્દી ભસને.." લોન્ગ ક્રુદ્ધ સ્વરે બરાડ્યો.

"વી લોસ્ટ ઓલ ધ મની..વી આર ફિનિશ."

"વ્હોટ..?" લીની આ વાત સાંભળી પ્રથમ વખત લોન્ગનો અવાજ ધ્રુજયો હતો..એમાં થડકારો હતો. "શું બકે છે?'

"આપણું બેંક એકાઉન્ટ નિલ થઈ ગયું છે..અને એ કરવા પાછળ એ બંને શેખ જ જવાબદાર છે એનો મને વિશ્વાસ છે."

"વિશ્વાસની માંની @#$!%^, તો તું હવે ત્યાં શું મરાવે છે..જલ્દી નીકળ..મારે એ બંને શેખ જીવતા કે મરેલા જોઈએ..કોઈપણ ભોગે..નહિ તો હું એ ભૂલી જઈશ કે તારી માં, એ મારી માસી પણ થાય છે."

લોન્ગના છેલ્લા વાક્યમાં મોજુદ ગર્ભિત ધમકીનો અર્થ સમજી ગયો હોય એમ લી લોન્ગના કોલ કટ કર્યાં પછી પણ બે મિનિટ સુધી ફોન પકડીને ઊભો રહ્યો.

"બોયસ..ચલો મારી સાથે." વાસ્તવિકતાનું ભાન થતા જ લીએ પોતાના સાગરીતોને આદેશ આપ્યો.

આ સાથે જ લી, હિચેન, ટીમ, બોથા અને લ્યુકી એક કારમાં બેસીને જિશાન ડિસ્ટ્રીકટ તરફ નીકળી પડ્યા.

"આજે હું નહિ કાં તો એ બંને શેખ નહિ.." જિશાન ડિસ્ટ્રીકટ તરફ ભાગતી કારની ડ્રાઈવિંગ સીટની બાજુમાં બેસેલો યાંગ લી મનોમન મરવા કે મારવાનો નિશ્ચય કરી ચૂક્યો હતો. આજે પ્રથમ વખત લોન્ગ એની પર ગુસ્સે ભરાયો હતો..આટલા કડવા વેણ બોલ્યો હતો. જે બંને શેખ લોકોના લીધે પોતાની ફજેતી થઈ હતી, પોતે પાયમાલ થયા હતા. આ કારણોસર એમને જીવતા છટકી જવા દેવા લીને કોઈકાળે પોષાય એમ નહોતું.

વેણુએ લીની કંપનીના હોંગકોંગની હેંગશેંગ બેંકના ખાતામાંથી ત્રણસો સિત્તેર કરોડ યુઆન મતલબ કે ચાર હજાર કરોડ ભારતીય રૂપિયાની માતબર રકમ દેશની વિવિધ સરકારી એજન્સીઓ અને સિક્રેટ એજન્ટના ખાસ બનાવેલા સિક્રેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. આમ કર્યાં બાદ વેણુએ આ અંગે અર્જુન અને નાયકને માહિતગાર પણ કર્યાં હતાં.

પોતે લોન્ગના ડ્રગ્સ એમ્પાયરના પાયા હલાવી નાંખ્યાની ખુશીમાં રાચતા અર્જુન અને નાયકને થોડો ઘણો પણ ખ્યાલ નહોતો કે નુવાન યાંગ લી માતેલા સાંઢની માફક એમનો પીછો કરી રહ્યો હતો.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)