ભાગ 6
કવેટા, બ્લૂચીસ્તાન, પાકિસ્તાન
દુનિયા માટે કવેટા અને સ્થાનિક લોકો માટે શાલકોટ એવું કવેટા પાકિસ્તાનનું એક ખૂબ જ અગત્યનું શહેર છે. અફઘાનિસ્તાન અને ઈરાન સાથે રેલમાર્ગે જોડાયેલું હોવાથી કવેટાનું વેપારી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. ઇ.સ ઓગણીસો ચોત્રીસમાં આવેલ ભીષણ ભૂકંપમાં ભારે ખુવારી ભોગવી ચૂકેલા આ શહેરની વસ્તી અત્યારે બાર લાખને આંબી ચૂકી છે.
સૂકામેવા અને ફળ માટે આ શહેર મધ્ય એશિયામાં પ્રસિદ્ધ છે. બ્લૂચીસ્તાન પ્રાંતના પાટનગર એવા આ શહેરનું ભૌગોલિક સ્થાન ખૂબ જ મહત્વનું હોવાથી અહીં એક સૈનિક સ્કૂલ અને લશ્કરની ઘણી ઓફિસો આવેલી છે. આમ છતાં કવેટાની અંદર ફરતા હોઈએ તો એવું જ લાગે કે દુનિયાના બાકીનાં સમૃદ્ધ શહેરો કરતા કવેટા દશકો પાછળ રહી ગયું છે. આ પાછળનું કારણ ક્યાંકને ક્યાંક પાકિસ્તાન સરકાર દ્વારા થતી બ્લૂચીસ્તાનની સતત થતી રહેલી અવગણના છે.
બ્લૂચીસ્તાન પ્રાંતમાંથી જેટલી આવક પાકિસ્તાન સરકાર મેળવે છે એમાંથી ખૂબ જ ઓછી રકમનો ઉપયોગ બ્લૂચીસ્તાનના વિકાસમાં થાય છે. આથી જ હજુ આ પ્રદેશમાં શિક્ષણ, દાક્તરી સુવિધા અને વાહનવ્યવહારના માર્ગોનું સ્તર ખૂબ જ નીચલી કક્ષાનું છે. પોતાના પ્રદેશની થતી આ અવગણનાના અને બલૂચ લોકો પર પાકિસ્તાન આર્મી દ્વારા થતા અત્યાચારના લીધે જ ત્યાં બ્લૂચીસ્તાન લીબરેશન આર્મીની સ્થાપના થઈ..જેની પ્રવૃત્તિઓ સત્તાવિરોધી હોવાનું લાગતા પાકિસ્તાન સરકારે BLAને આતંકવાદી સંગઠન જાહેર કરી દીધું.
કવેટામાં પ્રવેશ કરતા જ લોઈ નેકા નામક એક પર્વતીય વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં ઘણા પર્વતારોહકો માર્ચ અને એપ્રિલ મહિનામાં પર્વતારોહણ માટે આવે છે. આ પર્વતીય વિસ્તારની આસપાસ ઘણી નાની મોટી ઝાડીઓ આવેલી છે. વરુઓ, ઝરખ અને ઝેરી સાપ પણ આ વિસ્તારમાં બહુધા પ્રમાણમાં મળી આવે છે. BLAનું એક ગુપ્ત સ્થાન આ જ લોઈ નેકાની વચ્ચે આવેલું છે.
આઈ.એસ.આઈ અને પાકિસ્તાન સરકારની નજરોથી ઓઝલ રહેલું આ ગુપ્ત સ્થાન BLAની પાકિસ્તાન સરકાર વિરુદ્ધની પ્રવૃત્તિઓથી સદાય ધમધમતું રહેતું. આ ગુપ્ત સ્થાનની કમાન પચાસેક વર્ષની વયે પણ યુવાનોને શરમાવે એવા કાસીમ રઝા સંભાળતા હતા. રઝાનું વ્યક્તિત્વ અને કાર્યપધ્ધતિ ખૂબ જ ઉમદા હતી.
આ ગુપ્ત સ્થાનની ચોકી માટેની પણ વ્યવસ્થા અદ્ભૂત હતી. સહેજ ઊંચાઈ પર આવેલ હોવાથી એ જગ્યાએથી ત્યાં આવતા દરેક રસ્તા પર નજર રાખી શકાતી હતી. હથિયારોથી લેસ છ લોકો વિવિધ સ્થળે છુપાઈને આ સ્થાન તરફ આવતા દરેક રસ્તા પર ધ્યાન રાખતા. પચ્ચીસથી ચાલીસ વ્યક્તિઓ હંમેશા આ ગુપ્ત જગ્યાએ રહેતી હતી.
આમ તો આ ગુપ્ત સ્થાન એક જૂની પુરાણી ડાકબંગલોની ઈમારતમાં હતું પણ એની અંદર નાની-મોટી જીવનજરૂરિયાતની તમામ વસ્તુઓ ઉપલબ્ધ હતી. દિલાવર ખાનને થયેલી ગંભીર ઈજા બાદ એને તાત્કાલિક દાક્તરી સારવારની અત્યંત આવશ્યકતા હતી. મુસ્તફાએ પોતાના આ ગુપ્ત અડ્ડા પર કોલ કરી પોતાના આગમનની જાણકારી આપી દીધી હતી, જેથી વહેલી તકે ત્યાં દિલાવરના સારવારની સગવડ ઊભી કરી શકાય.
દિલાવરના છાતીના ઉપરના ભાગમાં વાગેલી બુલેટ અંદર ફેફસામાં ઊતરી ગઈ હતી. ગોળી વાગવાના સ્થાનેથી ભયંકર ગતિમાં લોહી વહી રહ્યું હતું. માધવ અને સંધ્યાએ દિલાવરને ઊંચકીને વચ્ચેની સીટમાં બેસાડી દીધો હતો. આ દરમિયાન દિલાવર તો બેહોશીમાં જ હતો. માધવે પોતાના હાથને કસકસાવીને દિલાવરના ઘા પર દબાવી રાખ્યો હતો.
મુસ્તફા જાણે રેસ ટ્રેક પર ગાડી ચલાવતો હોય એમ ઈનોવાને લોઈ નેકા તરફ ભગાવી રહ્યો હતો. જેવી ઈનોવા મુખ્ય ધોરીમાર્ગ પરથી લોઈ નેકા ભણી જતા ખડકાળ રસ્તે આવી એ સાથે જ ઈનોવા પાણીમાં હિલોળા લેતી નાવની માફક ચાલવા લાગી. જે કુનેહ અને સિફતથી મુસ્તફા આ પથરાળ રસ્તે ગાડી દોડાવી રહ્યો હતો એ જોઈ એક વાત તો સમજવી સાફ હતી કે એ સેંકડો વખત આ રસ્તે ગાડી ચલાવીને આવી ચૂક્યો હતો.
મસૂદ સાથે થયેલી મુઠભેડના માત્ર અડધા કલાકમાં તો મુસ્તફા ઈનોવા લઈને એમના ગુપ્ત સ્થાને આવી ચૂક્યો હતો. મુસ્તફાએ અગાઉથી પોતાના આગમનની જાણકારી આપી હતી એટલે એ કોઈપણ જાતની અડચણ વિના એ જગ્યાએ આવી શક્યો હતો બાકી બીજા કોઈ અજાણ્યા વ્યક્તિએ એ જગ્યાએ આવવાની કોશિશ કરી હોત તો BLAના છુપાઈને ચોકી ભરતા માણસો દ્વારા ફેંકવામાં આવેલી ગ્રેનેડથી એમના શરીરના એટલા ટુકડા થઈ જાત કે એની ગણતરી જ ના થઇ શકી હોત.
જેવી ઈનોવા BLAની જૂની પુરાણી ઈમારત જોડે પહોંચી એ સાથે જ મુસ્તફા હેઠે ઉતર્યો અને ઈમારતની બહાર ઊભેલા ત્રણ હથિયારધારી વ્યક્તિઓને ઉદ્દેશીને ઊંચા અવાજે બોલ્યો.
"કમાન્ડરને ગોળી વાગી છે..જલ્દીથી કોઈ સ્ટ્રેચર લાવો."
અહીં મુસ્તફાના આગમનની જાણે રાહ જોવાય રહી હોય એમ એનું વાક્ય પૂરું થાય ત્યાં અંદરથી બે ખડતલ બાંધાની વ્યક્તિ હાથમાં સ્ટ્રેચર લઈને બહાર દોડી આવી. રઝા પણ એમની સંગાથે હતો. દાઢી ધરાવતા એના ચહેરા પર કરડાકી સાફ દેખાતી હતી પણ હવે એમાં ચિંતાના ભાવો પણ ભળી ચૂક્યા હતાં.
એ લોકો આવ્યા એ દરમિયાન નગમા ઈનોવામાંથી નીચે ઉતરી ચૂકી હતી જ્યારે માધવ હજુપણ ઘાયલ દિલાવરના ઘા પર હાથ દબાવીને ઈનોવામાં બેઠો હતો.
"નૂરા, પઠાણ... જલ્દીથી કમાન્ડરને સ્ટ્રેચરમાં રાખી અંદર લઈ જાઓ." રઝાનો પહાડી અવાજ સાંભળી સ્ટ્રેચર લઈને આવેલી બંને વ્યક્તિ દોડીને ઈનોવા તરફ અગ્રેસર થઈ. માધવ અને મુસ્તફાની મદદથી એ બંનેએ દિલાવરના બેહોશ શરીરને સ્ટ્રેચર પર સુવડાવ્યું. દિલાવરને સ્ટ્રેચર પર સુવડાવી નૂરા અને પઠાણ સ્ટ્રેચર લઈને ઉતાવળા ડગલે ઈમારતની અંદર પ્રવેશ્યા.
"આવ બચ્ચા.." મુસ્તફા તરફ જોઈ રઝા સ્નેહ નીતરતા અવાજે બોલ્યો. મુસ્તફા જેવો એની નજીક આવ્યો એ સાથે જ રઝાએ એના માથે હાથ ફેરવી વિશ્વસ્થ સ્વરે કહ્યું. "ફિકર ના કરતો..ડૉક્ટર ખાન અંદર છે..તેણીની દિલાવરને કંઈ નહિ થવા દે..!"
ડૉક્ટર ખાનનું નામ સાંભળી મુસ્તફાના મુખ પર દિલાવરને લઈને જે ચિંતા અને વિષાદ હતો એમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો. મુસ્તફાએ ત્યારબાદ નગમા અને માધવ તથા રઝાનો પરસ્પર પરિચય કરાવ્યા બાદ એ લોકોના ત્યાં આગમનના કારણ અંગે પણ જણાવ્યું.
"તો પછી તારે તુરંત આઝમને મળવા જવું જોઈએ." મુસ્તફાની વાત સાંભળી રઝાએ કહ્યું. "આઝમને સમગ્ર ઘટનાક્રમથી વાકેફ કરી આ બંને ઓફિસરને હિંદમાં મોકલવાની વ્યવસ્થા કરવાનો સંદેશો પહોંચાડ."
હકારમાં ડોકું ઘુણાવી મુસ્તફા ઈનોવા તરફ આગળ વધ્યો પણ ઈનોવાની હાલત જોઈને કંઈક વિચારતા એના પગ આગળ વધતા અટકી ગયા. મુસ્તફાના મનમાં શું અટકળ હતી એનો ખ્યાલ આવી ગયો હોય એમ રઝાએ મુસ્તફાને ઉદ્દેશીને કહ્યું.
"બચ્ચા, ત્યાં સામે જે કાર પડી છે એ લઈ જા..આ ઈનોવાનું સમારકામ હું કરાવી દઈશ." આટલું કહી રઝાએ ઇમારતની બહાર પૂતળાની માફક ઊભેલી વ્યક્તિઓમાંથી એકને ઉદ્દેશીને કહ્યું. "યાકુબ, એ કારની ચાવી મુસ્તફાને આપ."
યાકુબ જોડેથી ચાવી લઈને મુસ્તફા કાર સુધી ગયો અને કારમાં બેસી કવેટાની મધ્યમાં આવેલી ડૉકટર અસદ આઝમની હોસ્પિટલ ભણી ચાલી નીકળ્યો.
"જ્યાં સુધી મુસ્તફા કંઈ ખબર લઈને ના આવે ત્યાં સુધી તમે ફ્રેશ થઈને કંઈ જમી લો." માધવ અને નગમાને ઉદ્દેશી રઝાએ કહ્યું. શરીર દર્દથી પીડાતું હતું અને પેટમાં ભૂખથી બિલાડા પણ બોલતા હતા, આથી નગમા અને માધવે રઝાની વાતનો સહર્ષ સ્વીકાર કર્યો અને રઝાને અનુસરતા એ બંને BLAના એ ગુપ્ત અડ્ડાની માંહે પ્રવેશ્યા.
***********
હાથમાં આવેલો શિકાર છટકી જવાનાં દુઃખ સાથે ઈકબાલ મસૂદ એક વ્યક્તિની કાર આંચકીને કવેટામાં પ્રવેશી ચૂક્યો હતો. દિલાવર ખાનને જોતા જ મસૂદને જાતજાતના વિચારો આવવા લાગ્યા હતા..છતાં એ કોઈ સ્પષ્ટ નિર્ણય નહોતો લઈ શકતો કે દિલાવરની સાથે મોજુદ મહિલા અને પુરુષ કોણ હતા.
છતાં એ લોકો પિંડી મૂકીને કવેટા આવે એના બે અર્થ મસૂદે તારવ્યા હતા. પ્રથમ એમ કે કુવૈતી યુગલનો સ્વાંગ રચીને આવનાર એ મહિલા અને પુરુષ કવેટાના રહેવાસી અને BLAના સદસ્ય હોવા જોઈએ. બીજો અર્થ મસૂદે જે કાઢ્યો એ હતો, કે કુવૈતી યુગલ BLAની મદદથી પાછું કુવૈત જવા ઈચ્છતું હોવું જોઈએ. બાકી એ બંનેને રૉ દ્વારા મોકલવામાં આવ્યા હશે એવો સ્વપ્નેય વિચાર મસૂદ હજુસુધી નહોતો કરી શક્યો.
એ લોકો બીજા કોઈ શહેરમાં હોત તો મસૂદને વધુ ચિંતા નહોતી પણ બ્લૂચીસ્તાન લીબરેશન આર્મીના ગઢ એવા કવેટામાં એ યુગલનો ખાત્મો કરવો તો દૂર રહ્યું પણ એમની બાતમી મેળવવી પણ શક્ય નથી એ વાત મસૂદ જેવો ખૂંખાર આતંકી પણ સારી રીતે જાણતો અને સમજતો હતો.
આ ઘડીમાં જો કોઈ એની વ્હારે આવી શકે તો એ હતો આઈ.એસ.આઈનો ક્રૂર એજન્ટ ગુલામઅલી.
ગુલામઅલી છેલ્લા સાતેક વર્ષોથી કવેટા હતો આથી પોતાનાથી વધુ એ કવેટાને જાણતો અને સમજતો હતો એ વિચાર મનમાં ઝબકતા જ મસૂદે અલીને કોલ લગાવી થોડા સમય પહેલા બનેલી ઘટના અંગે જાણકારી આપી દીધી હતી. BLA માટે પારાવાર નફરત ધરાવતો ગુલામઅલી મસૂદની વાત સાંભળી રાતોપીળો થઈ ગયો. એને તુરંત મસૂદને પોતાના ફાર્મહાઉસનું સરનામું મોકલાવી ત્યાં આવી જવા જણાવ્યું.
ગુલામઅલીએ જણાવેલા સરનામે જ્યારે મસૂદ જઈ રહ્યો હતો ત્યારે એની સામેથી જ મુસ્તફા કાર લઈને પસાર થયો..પણ ઈનોવાના બદલે કાર હોવાથી મસૂદનું જરાસરખું પણ ધ્યાન મુસ્તફા તરફ ના ગયું.
એકતરફ માધવ અને નગમાને સહીસલામત પાકિસ્તાનમાંથી બહાર લઈ જવાની યોજના બનવાની હતી તો બીજી તરફ એમને પાકિસ્તાન છોડ્યા પહેલા મોતને ઘાટ ઉતારવાની. આ બંને યોજનાઓમાંથી કઈ યોજના, કઈ રીતે સફળ થવાની હતી એ અંગે તો માત્ર સમયને જ માલુમ હતું.!
************
ક્રમશઃ
આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.
આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની
પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)