ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 22 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 22

ભાગ 22

અમદાવાદ, ગુજરાત

કાલી તલાવડી નજીક આવેલા ફાર્મહાઉસમાંથી અફઝલ પાશા અને એના સાથીઓનું સુરક્ષિત બચીને નીકળી જવું આ ઘટનાનો સીધો મતલબ રૉ ચીફ રાજવીર શેખાવત દ્વારા તારવવામાં આવ્યો કે ગુજરાતમાં એક અથવા એકથી વધુ સ્થળે ખૂબ મોટો આતંકવાદી હુમલો થઈને જ રહેશે. આથી જ એમને આઈ.બી ચીફ આહુવાલીયા અને રૉ આઈ.ટી હેડ વેણુને પણ અમદાવાદ આવવા જણાવી દીધું.

જ્યાં સુધી આતંકવાદીઓને જીવતા કે મૃત પોતાના તાબામાં નહિ લે ત્યાં સુધી પોતે જપીને નહિ બેસે એવું શેખાવત મનોમન નક્કી કરી ચૂક્યા હતા.

સૌપ્રથમ એટીએસ ટીમની સાથે કેવિન, ગગનસિંહ તથા રાજલનું અમદાવાદ આગમન થયું. કમિશનર કચેરીનો મુખ્ય હોલ જાણે અત્યારે લશ્કરી છાવણી હોય એવું પ્રતિત થઈ રહ્યું હતું. અબ્બાસ ગનીવાલાએ કાલી તલાવડી ખાતે મળેલી નિષ્ફળતા અંગે શેખાવત જોડે વિસ્તારથી ચર્ચા કરી ત્યારે અફઝલ દ્વારા ફાર્મહાઉસમાં આચરવામાં આવેલા હત્યાકાંડ વિશે સાંભળી શેખાવતનું મન ભારે થઈ ગયું.

નિરુના અનાથ દીકરાને પણ અમદાવાદ લાવવામાં આવ્યો હતો જેને અત્યારે અનાથાશ્રમમાં મૂકવાનો અને ત્યારબાદ કોઈ સારી સ્કૂલમાં દાખલ કરવાનો હુકમ શેખાવત જોડેથી મળી ચૂક્યો હતો. નિરુનું બાળક ભણી-ગણીને મોટો લશ્કરી અધિકારી બની પોતાની માં અને ભાઈ-બહેનની હત્યાનો બદલો આતંકવાદીઓ સાથે લે એવી શેખાવતની ઈચ્છા હતી.

અબ્બાસ આગળ વધુ કંઈ જણાવે એ પહેલા દિલ્હીથી આહુવાલીયા અને વેણુ પણ ત્યાં આવી પહોંચ્યા. આહુવાલીયાનો દેખાવ પણ એક ઉચ્ચ લશ્કરી અધિકારીને છાજે એવો હતો. ભારે ચહેરો, છ ફૂટ ઊંચાઈ, પાણીદાર મૂછો ધરાવતા આહુવાલીયાનો ચહેરો હસમુખો હતો પણ મનમાં તેઓ દેશના દુશ્મનો માટે પારાવાર ગુસ્સો સંઘરી રાખતા, જે ફૂટી નીકળતો ત્યારે એમનો ચહેરો દૈત્ય સમો ભયંકર ભાસતો.

રૉ આઈ.ટી ટીમનો હેડ વેણુ દેખાવમાં શ્યામવર્ણ, મધ્યમ બાંધો અને સફાચટ ચહેરો ધરાવતો ત્રીસેક વર્ષનો ઉર્જાભર્યો યુવાન હતો. આવતા મહિને એના લગ્ન થવાના હતા જેની તૈયારીઓ કરવા એને ત્રણ દિવસ પછી ચેન્નાઈ જવાનું હતું પણ શેખાવત દ્વારા મળેલા દરેક આદેશને સર્વોપરી સમજતો વેણુ તુરંત વધુ વિચાર્યા વિના દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યો.

આ બધા ત્યાં એકઠા થયા ત્યારે રાતના બાર વાગવા આવ્યા હતા, ઑપરેશન ચક્રવ્યૂહ અંગે ઉપરછલ્લી ચર્ચા ચાલુ હતી ત્યાં કમિશનર ઓફિસની બહાર એક કાર આવીને ઊભી રહી. આ કારમાં અર્જુન અને નાયક સવાર હતા. એમને પણ કમિશનર કચેરી આવવાનો હુકમ મળી ચૂક્યો હતો. ડીઆઈજી શર્મા અને અમદાવાદ પોલીસ કમિશનર વણઝારા પણ પોતપોતાનું કામ નિપટાવી કમિશનર કચેરી આવી પહોંચ્યા હતા.

શેખાવતે કારના એન્જીનનો અવાજ સાંભળી ઘડિયાળની તરફ નજર ફેંકી..સમય જોતા જ તેમના મુખેથી આપમેળે શબ્દો સરી પડયા.

"લાયનહાર્ટ ઈઝ અરાઈવ...શેરદીલ આવી ગયો છે.."

અર્જુન અને નાયક કમિશનર કચેરીમાં આવેલા હોલના દરવાજે પહોંચ્યા ત્યારે શેખાવતના ચહેરા પરનું સ્મિત અને પ્રસરાવેલા હાથ એમનું અભિવાદન કરવા તૈયાર હતા. અર્જુને પણ રૉના સૌથી સિનિયર અધિકારીનું આ ઉષ્માભર્યું અભિવાદન સ્વીકાર્યું અને એમને હેતથી ભેટ્યો. આ દ્રશ્ય એક પિતા-પુત્ર મળતા હોય એવું લાગી રહ્યું હતું.

અર્જુન અને નાયકે ચીનમાં જઈને જે કાર્ય કરી બતાવ્યું હતું એ ખરેખર અવિશ્વસનીય હતું..ના ભૂતો ના ભવિષ્યતિ હતું એ હકીકતથી હોલમાં હાજર તમામ અધિકારીઓ વાકેફ હતા એટલે એમને પણ તાળીઓ વડે અર્જુન અને નાયકનું અભિવાદન કર્યું. શેખાવતે અર્જુન અને નાયકની ત્યાં હાજર આહુવાલીયા અને વેણુની પરસ્પર ઓળખાણ કરાવી. આહુવાલીયાએ પણ અર્જુનની પીઠ થપકારી એને શાબાશી આપી.

"શેખાવત સર, જાણવા મળ્યું કે અફઝલ હાથમાંથી છટકી ગયો..!" આવતાવેંત જ અર્જુન એક્શનમાં આવી ગયો.

"હા..એ સુવરનો બચ્ચો આપણી પકડમાંથી નીકળી ગયો.."

"તો હવે આગળ..?" અર્જુનના પૂછ્યા પહેલા નાયક વચ્ચે બોલી પડ્યો.

"અમે બધા એની જ ચર્ચા કરીએ છીએ કે આગળ શું કરીશું..?" શેખાવતે કહ્યું. "એક કામ કરીએ થોડો ચા-નાસ્તો કરી લઈએ ત્યાં સુધી માધવ અને નગમા પણ આવી જશે..છેલ્લે વાત થઈ ત્યારે તે બંને કાબુલથી મુંબઈ પહોંચી ચૂક્યા હતા."

"આવી જશે નહિ આવી ગયા..અમારો પણ ચા-નાસ્તો ઓર્ડર કરી જ દેજો..બહુ ભૂખ લાગી છે." નગમાના આ શબ્દોએ બધાનું ધ્યાન દરવાજા તરફ ખેંચ્યું જ્યાં નગમા અને માધવ હાથમાં પોતપોતાની બેગ લઈને મોજુદ હતા.

"તમે પણ આવી ગયા...ખૂબ સરસ..આખી ટીમ આવી ગઈ.." શેખાવત અને શર્માના મુખેથી લગભગ એકસરખા શબ્દો સરી પડ્યા.

માધવ અને નગમાનું પણ ઉષ્માભર્યું અભિવાદન થયું..પાકિસ્તાનમાં એમને દાખવેલી બહાદુરીની ભરપેટ પ્રશંસા થઈ. આ દરમિયાન ચા-નાસ્તો આવી ગયો હતો. બધાએ ચા-નાસ્તાને ન્યાય આપ્યો ત્યાં સુધી રાતના દોઢ વાગી ચૂક્યા હતા.

"સર, અમને ઈઝરાયલી જાસૂસ નાથન જોડેથી બલવિંદરની ડાયરી મળી છે.." આતંકવાદી હુમલો રોકવા આગળ શું કરવાનું છે એની ચર્ચા શરૂ થતા જ નગમા પોતાના પર્સમાંથી એક ડાયરી નીકાળી રાજવીર શેખાવત તરફ લંબાવતા બોલી.

"બલવિંદરની ડાયરી..!" ત્યાં હાજર અધિકારીઓનું ધ્યાન તુરંત નગમાએ શેખાવતને આપેલી ડાયરી તરફ ગયું.

"આ ડાયરીમાં વધુ કંઈ તો લખ્યું નથી પણ આમાં એક મેલ આઈડી છે..જે ખૂબ જ ચાલાકીથી લખાયો છે..જેથી સરળતાથી કોઈ એને ઉકેલી ના શકે.." માધવે કહ્યું.

"મેલ આઈડી..?" શેખાવતની આંખોમાં માધવની વાત સાંભળતા જ ચમક આવી ગઈ.

બલવિંદરે જે માટે થઈને શહીદી વહોરી હતી એ ડાયરીમાં લખેલો છૂપો મેલ આઈડી નક્કી પોતાની અંદર કોઈ મોટી વાત સંઘરીને બેઠો હોવો જોઈએ એ વિચાર મનમાં આવતા જ શેખાવતનો બપોરથી નિસ્તેજ પડેલો ચહેરો ખીલી ઉઠ્યો.

**************

રતનપુર, વડોદરા-કેલણપુર રોડ

બંધ મકાનના અંદર પોતાનો છૂપો અડ્ડો જમાવીને બેસેલા અફઝલ પાશા તથા ત્યાં હાજર અન્ય સાથીઓનું ધ્યાન મકાનની પછીતે આવેલા દરવાજા તરફથી આવી રહેલા પગરવના અવાજના લીધે ભંગ થયું. વસીમ અને એની જોડે મોજુદ સ્લીપર સેલ હજુ આવ્યા નહોતા એ અંગે ચિંતા સેવતા અફઝલ, નવાઝ અને મકાનમાં હાજર તમામ આતંકવાદીઓ પગરવનો ધ્વનિ સાંભળી હરકતમાં આવી ગયા.

વર્ષોની લશ્કરી તાલીમ મેળવી ચૂકેલા આ ટ્રેઈન મીલીટ્રન્ટ હાથમાં પોતપોતાની પસંદગીના હથિયાર સાથે યોગ્ય જગ્યાએ પોઝિશન લઈને ગોઠવાઈ ગયા. અફઝલે મોં પર આંગળી રાખી એ તમામને ટાંકણી પડે તો પણ અવાજ આવે એ પ્રકારની શાંતિ જાળવવાનો ઈશારો કર્યો.

અફઝલ પોતે પાછળના દરવાજા તરફ થોડો સરકયો અને બહાર થઈ રહેલી ગતિવિધિઓ પર શક્ય એટલું કોન્સન્ટ્રેશન કરી રહ્યો હતો. નક્કી પોતાના છૂપા સ્થાન વિશે ભારતીય ગુપ્તચર સંસ્થાઓ જાણી ચૂકી છે એવા આછા ભય સાથે અફઝલે પોતાની એ.કે ૪૭નું નાળચુ દરવાજા તરફ ઘુમાવ્યું..એના બાકીનાં સાથીઓએ પણ આમ જ કર્યું.

અફઝલ મશીનગનનું ટ્રિગર દબાવવા જ જતો હતો ત્યાં દરવાજે ટકોરા પડ્યા..

"ટાઈગર...ભાઈજાન.. ટાઈગર..."

"એની માંને આતો સાલો વસીમ છે..." વસીમના દબાયેલા સ્વરમાં એનું કોડનેમ કાને પડતા જ અફઝલના મુખ પર સ્મિત ફરી વળ્યું અને એને ઝડપથી દરવાજા તરફ પગ ઉપાડ્યા.

અફઝલે જેવો જ દરવાજો ખોલ્યો એ સાથે જ વસીમ અને એની જોડે રહેલા બાકીનાં સ્લીપર સેલ ફટાફટ મકાનમાં પ્રવેશ્યા.

"બે@#$$%%, જો એક સેકંડ બોલવામાં વાર કરી હોત તો તમારા બધાના બારણે જ રામ રમી ગયા હોત.." દરવાજાનો આંગળીયો વાખી હોલમાં આવતા જ અફઝલ વસીમને મણની ગાળો સંભળાવતા બોલ્યો.

"તને આગળના દરવાજેથી આવવાનું કહ્યું હતું તો કેમ તું પાછળથી આવ્યો.." વસીમની આ ભૂલ એમના મિશનમાં કેટલી મુશ્કેલીઓ ઊભી કરી બેસત એ સમજતા નવાઝે વસીમ પર ગુસ્સો જતાવતા કહ્યું.

"ભાઈ આગળની તરફ પોલીસની પી.સી.આર વાન હતી એટલે ગાડીને મકાનની પછીતે મૂકવી પડી અને ત્યાંથી જ અંદર આવ્યો.." પોતાને કેમ પાછળના દરવાજાથી આવવું પડ્યું એનું કારણ જણાવતા વસીમ બોલ્યો.

"રસ્તામાં કોઈ તકલીફ તો નહોતી પડીને..?" અફઝલે વસીમ તથા એની જોડે હાજર સ્લીપર સેલને ઉદ્દેશીને પૂછ્યું; જેના પ્રત્યુતરમાં એ બધાએ નકારમાં ગરદન હલાવી.

"સારું, તમે બધા ફ્રેશ થઈને કંઈક નાસ્તા જેવું કરી લો પછી તમને કંઈક બતાવું.." અફઝલ શેની વાત કરી રહ્યો હતો એ જાણતા વસીમ તથા એની જોડે આવેલા સ્લીપર સેલ હાથ-પગ ધોવા બાથરૂમ તરફ આગળ વધ્યા..અને સૈયદ એમના માટે ચા બનાવવા રસોડા તરફ.

વસીમ અને એની જોડે પાછળથી આવેલા ચારેય સ્લીપર સેલે જેવો ચા-નાસ્તાને ન્યાય આપ્યો એ સાથે જ અફઝલે ત્યાં હાજર તમામ આતંકવાદીઓને ઉદ્દેશીને કહ્યું.

"ચલો મારી સાથે.."

અફઝલ મકાનના દાદર તરફ આગળ વધ્યો એટલે એની પાછળ-પાછળ એના તમામ સાગરીતો ચાલી નીકળ્યા. દાદર ચડીને અફઝલ મકાનના પ્રથમ માળે જમણી તરફ છેલ્લે આવેલા રૂમ તરફ અગ્રેસર થયો. રૂમની બહાર એક તાળું લટકતું હતું, જેને પોતાના ખિસ્સામાં રહેલી ચાવી વડે ખોલી અફઝલે દરવાજો ખોલ્યો.

દરવાજો ખોલી અફઝલ અંદર પ્રવેશ્યો એટલે એને અનુસરતા એના તમામ આતંકી સાથીદારો પણ રૂમમાં આવ્યા..સ્વીચબોર્ડ શોધી અફઝલે રૂમની ટ્યુબલાઈટ ચાલુ કરી એ સાથે જ રૂમની મધ્યમાં રાખેલ એક વિચિત્ર પ્રકારનું મશીન ટ્યુબલાઈટના પ્રકાશમાં દ્રશ્યમાન થયું.

આખરે આ મશીન કેવી રીતે ચાલે છે અને એ આટલું બધું ખતરનાક કેમ છે? આ પ્રશ્નનો જવાબ મનમાં મમરાવતા અફઝલના આતંકી સાથીદારો આંખો ફાડી એકધાર્યું મશીનની બનાવટને નિહારવામાં પરોવાઈ ગયા.

"આ છે ગ્રીન ડ્રેગન..જે એકસાથે હજારો લોકોનો જીવ લેવા સક્ષમ છે.." મશીન ભણી આંગળી કરી અફઝલ બોલ્યો. "હિન્દુસ્તાનના ગાલ પર સણસણતો તમાચો બની જ્યારે આ ગ્રીન ડ્રેગન ત્રાટકશે ત્યારે..."

આ શબ્દો પૂરા થતા જ અફઝલનું રાક્ષસી હાસ્ય પૂરા રૂમમાં ગાજી ઉઠ્યું.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)