Vicious - 17 - The last part books and stories free download online pdf in Gujarati

શાતિર - 17 - છેલ્લો ભાગ

( પ્રકરણ : ૧૭ - છેલ્લો )

કબીર ખરેખર ખૂબ જ ઝડપી સાબિત થયો.

‘જો ! આ તારી દીકરીને ગોળી વાગી અને એ મરી !’ એવું બોલી જવાની સાથે જ હરમને એના હાથમાં પકડાયેલી ને કાંચી તરફ તકાયેલી રિવૉલ્વરનો ઘોડો દબાવી દીધો હતો, અને...

...અને એ સાથે જ કબીરે પાસે બેઠેલી કાંચીને જોરથી ધક્કો માર્યો. કાંચી એક ચીસ સાથે પાછળની તરફ ફેંકાઈ. કાંચી હરમનની રિવૉલ્વરમાંથી છુટેલી ગોળીના નિશાન બહાર ચાલી ગઈ અને કબીર એ ગોળીના નિશાનમાં આવી ગયો. એ ગોળી કબીરના બાવડામાં ધરબાઈ ગઈ.

‘ડેડી !’ બોલી ઊઠતાં કાંચી બેઠી થવા ગઈ, ત્યાં જ ફરીવાર એને ધકેલીને લેટાવી દેતાં કબીર ઊભો થઈ ગયો ને હરમન તરફ ધસ્યો.

હરમને કબીર તરફ બીજી ગોળી છોડી, પણ કબીર સાવચેત હતો, એટલે તે ગોળી ચૂકવી ગયો અને આટલી વારમાં તે હરમનની એકદમ નજીક પહોંચી ગયો. પણ તે હરમનના હાથમાંથી રિવૉલ્વર ઝૂંટવે એ પહેલાં જ હરમને ગોળી છોડી દીધી.

આ વખતે ગોળી કબીરની છાતીમાં વાગી. તેણે એક હાથ છાતી પર દબાવવાની સાથે જ બીજા હાથે હરમનના હાથમાંથી રિવૉલ્વર ઝુંટવવાનો પ્રયત્ન કર્યો, પણ હરમને તેને છાતીમાં જ્યાં ગોળી વાગી હતી, ત્યાં જ જોરથી હાથનો મુક્કો માર્યો.

કબીર પીડાથી ચીસ પાડતો પાછળની તરફ ધકેલાયો ને પાછળ પડેલા પથ્થરની ઠેસ લાગતાં પીઠભેર જમીન પર પટકાયો.

‘ડેડી !’ થોડેક દૂર ડઘાયેલી હાલતમાં ઊભેલી કાંચી હવે જમીન પર પડેલા કબીર તરફ દોડી.

આ જોઈને હરમન હસ્યો.

કાંચી કબીર પાસે બેસી પડી.

કબીરના બાવડામાં અને છાતીમાં ગોળીઓ વાગી હતી અને એમાંથી લોહી નીકળવાની સાથે જ જાણે કબીરના શરીરમાંની શક્તિ પણ નીકળી જઈ રહી હતી.

‘હરમન !’ બોલતાં કબીર બેઠો થવા ગયો, પણ કબીરને એમાં તકલીફ પડી.

કબીરની આવી હાલત જોઈને કાંચીની આંખોમાં ગુસ્સો આવી ગયો. એ ઊભી થઈ અને હરમન તરફ દોડી, ‘હું...હું તમને નહિ છોડું !’ અને એ હરમન પાસે પહોંચીને હર-મનના હાથમાંથી રિવૉલ્વર ઝૂંટવવા ગઈ, પણ હરમને એનો હાથ ઝટકીને એને દૂર ધકેલી.

‘મારી કાંચીને હા...થ ન લગાડ !’ બોલતાં કબીર પરાણે ઊભો થયો, પણ પછી તે હરમન તરફ ચાલી શક્યો નહિ, તે ઘુંટણિયે પડયો અને પાછો જમીન પર બેસી પડયો.

હવે કાંચી પાછી કબીર પાસે આવી ગઈ. એણે જમીન પર લેટવા જઈ રહેલા કબીરને ટેકો આપ્યો ને પછી હરમન તરફ જોતાં બોલી : ‘હરમન અંકલ, પ્લીઝ ! બધું ભૂલી જાવ ! જલદી મારા ડેડીને હૉસ્પિટલે લઈ ચાલો, નહિંતર મારા ડેડી...’

‘ના !’ હરમન બોલ્યો : ‘તારો ડેડી આમ તુરત નહિ મરે ! એ થોડીક વાર પછી મરશે, અને એ પહેલાં....’ અને હરમન હસ્યો : ‘...એ પહેલાં તારે મરવું પડશે !’ અને વળી હરમન ખડખડાટ હસ્યો અને ગોળી વાગ્યાની પીડાથી એકદમ ઢીલા થઈ ગયેલા કબીર તરફ જોતાં બોલ્યો : ‘કબીર ! મારા જિગરી દોસ્ત ! તારે તારી જિંદગીનો છેલ્લો શ્વાસ લેતાં પહેલાં તારી પ્યારી અને ખૂબસૂરત દીકરીને મરતી જોવી પડશે !’ અને હરમને કાંચી તરફ રિવૉલ્વરની અણી તાકી : ‘મરવા માટે તૈયાર થઈ જા, કાંચી !’

પણ વળી કબીર કાંચીની આગળ આવી ગયો : ‘હરમન !’ હવે કબીરને બોલવામાં પણ તકલીફ થતી હતી : ‘તારે જે દુશ્મની છે, એ મારી સાથે છે, એમાં કાંચીનો શું વાંક છે ? મને આટલી ગોળી મારવા છતાં..., છતાં પણ તારો ગુસ્સો ઠંડો ન પડયો હોય તો રિવૉલ્વરની બાકીની બધી ગોળીઓ મારા શરીરમાં ઊતારી દે, પણ...’ અને કબીર હાંફી ગયો : ‘મારી કાંચીને...’ વળી કબીર રોકાઈને આગળ બોલ્યો : ‘મારી કાંચીને જવા દે..,’ અને કબીરની આંખોમાં આંસુ આવી ગયાં. તેનાથી હાથ જોડાઈ ગયા.

હરમન કબીરની નજીક આવ્યો અને તેણે કબીરની પીઠ પર લાત મારી.

હવે કાંચી વિફરી. એ ચીસ પાડતી પોતાની જગ્યા પરથી ઊભી થઈ અને હરમન સાથે જોશભેર ટકરાઈ.

હરમન પોતાનું બેલેન્સ જાળવી શક્યો નહિ ને એ જમીન પર પડયો.

કાંચીએ જોયું, તો હરમનના હાથમાંથી રિવૉલ્વર છૂટી નહોતી. રિવૉલ્વર હજુ હરમનના હાથમાં જ હતી. હરમન સહેજ સીધો થતાં કાંચી તરફ રિવૉલ્વરની અણી તાકવા ગયો, ત્યાં જ કાંચીએ એના રિવૉલ્વરવાળા હાથ પર બચકું ભરી લીધું.

‘તારી તો...’ કાંચીએ ભરેલાં બચકાથી હરમનને પીડા તો ઘણી થઈ, પણ એણે પોતાના હાથમાંની રિવૉલ્વર છોડી નહિ. એણે પોતાના બીજા હાથે કાંચીના વાળ પકડી લીધાં અને એટલા જોરથી ખેંચ્યા કે, કાંચીએ પીડાને કારણે બચકું છોડી દેવું પડયું.

‘કાંચી...!’ કબીર ઊભો થઈ શકતો નહોતો, એટલે તે લેટેલી હાલતમાં જ કાંચી અને હરમન તરફ આગળ વધ્યો, ત્યાં જ હરમન કાંચીના વાળ પકડેલી હાલતમાં જ ઊભો થયો અને કાંચીને દૂર ધકેલી.

કાંચી દૂર જઈને પટકાઈ.

આટલી વારમાં જમીન પર લેટેલી હાલતમાં જ સરકતા હરમન પાસે પહોંચેલા કબીરે હરમનના પગ પકડી લીધાં અને ખેંચ્યા, પણ તે એટલું જોર લગાવી શક્યો નહિ કે, હરમનના પગ જમીન પરથી હટે ને હરમન જમીન પર પટકાય.

હરમનના પગ એ જ રીતના જમીન પર ચોંટેલા રહ્યા. એ હસ્યો, અને એણે કબીરના ચહેરા પર પોતાના નકલી પગની લાત લગાવી દીધી.

કબીર એક ચીસ સાથે પાછળની તરફ ફેંકાયો. તેની આંખે જાણે અંધારાં છવાયાં. ‘ના, કબીર ! તારે બેહોશ નથી થવાનું ! તારે તારી કાંચીને બચાવવાની છે !’ કબીરના મનમાંથી જાણે અવાજ ઊઠયો. તેણે મનોમન ઈશ્વરનું નામ લીધું. તેની આંખ આગળના અંધારા દૂર થયાં. તેણે જોયું.

તેનાથી થોડેક દૂર કાંચી ઘુંટણિયે બેઠી હતી.

કાંચીની સામે-કાંચીથી થોડેક દૂર હરમન ઊભો હતો. હરમનના હાથમાંની રિવૉલ્વર કાંચી તરફ તકાયેલી હતી.

કબીરે મહાપરાણે ગોળી વાગ્યાની પીડાને દબાવી. તેણે શરીરમાં જેટલી પણ શક્તિ વધી હતી એ બધી શક્તિ ભેગી કરી અને ઊભો થયો.

‘ચાલ ! તારા ડેડીને છેલ્લા ટાટા ને બાય-બાય કરી દે !’ હરમન બોલ્યો, એ જ પળે કબીર આખલાની જેમ હરમન તરફ દોડયો.

કબીરને એમ કે, હરમનનું બધું ધ્યાન કાંચી તરફ છે, અને તે આખલાની જેમ હરમન સાથે અથડાઈને એને જમીનદોસ્ત કરી દેશે, પણ હરમન તેની તરફ આંખના ખૂણેથી જોઈ જ રહ્યો હતો. તે હરમનની નજીક પહોંચ્યો, એની આગલી પળે જ હરમન બાજુ પર હટી ગયો, કબીર સહેજ આગળ જઈને ગડથોલિયું ખાઈને જમીન પર પટકાયો.

તેણે હવે પરાણે ગરદન ફેરવીને હરમન સામે જોયું.

હરમને તેની તરફ એક જીતભર્યું હાસ્ય રેલાવીને કાંચી તરફ જોયું, અને પાછી કાંચી તરફ રિવૉલ્વરની અણી તાકી.

કબીરમાં હવે એટલી શક્તિ બાકી રહી નહોતી કે તે ફરી ઊભો થઈને કાંચીને બચાવવા માટે કંઈ કરી શકે.

‘બસ ! હવે કોઈ પણ પળે તારો શ્વાસ બંધ થશે !’ હરમન બોલ્યો : ‘એટલેે તારી કાંચીને મરતી જોઈ લે !’ અને હરમને હાથમાંની રિવૉલ્વરના ઘોડા પર આંગળી મૂકી.

કબીરની આંખો મિંચાઈ ને તે લાચારીથી-બેબસીથી ચિલ્લાયો. ત્યાં જ તેના કાને રિવૉલ્વરની ગોળી છુટવાનો અવાજ સંભળાયો અને તે જમીન પર મોઢું છુપાવીને પોક મૂકીને રડી પડયો.

‘મને માફ કરી દેજે, કાંચી !’ તેના મનમાંથી આ અવાજ ઊઠયો. હવે તેને ગોળી વાગ્યાની પીડા અસહ્ય થઈ પડી હતી. તેના શરીરમાંથી લોહી એટલું વહી ગયું હતું કે, તે હવે ગમે એ પળે બેહોશીમાં સરી જાય એમ હતો. ત્યાં જ તેના કાને કાંચીનો અવાજ સંભળાયો : ‘ડેડી !’

કબીરે આંખો ખોલી, ત્યાં જ કાંચી તેની બાજુમાં આવીને બેઠી.

‘કાંચી બેટા, તને ગોળી...’ કબીરે કહેતાં જે બાજુ હરમન ઊભો હતો એ તરફ જોયું.

ત્યાં સબ ઈન્સ્પેકટર ગોખલે પોતાના સાથી પોલીસવાળાઓ સાથે હરમનને ઘેરીને ઊભો હતો અને એમાંનો એક પોલીસવાળો હરમનને હાથકડીઓ પહેરાવી રહ્યો હતો.

‘ડેડી ! છેલ્લી ઘડીએ પોલીસ અંકલ આવી ગયા, અને એમણે હરમન અંકલના હાથમાં ગોળી મારીને રિવૉલ્વર છટકાવી દીધી ને મને બચાવી લીધી !’ કાંચી બોલી.

કબીરે ચહેરો ફેરવ્યો.

નજીકમાં જ ઈન્સ્પેકટર સાઈરસ ઊભો હતો. એના હોઠ પર હળવી મુસ્કુરાહટ હતી.

‘સાહેબ !’ કબીરના પીડાભર્યા ચહેરા પર મુસ્કુરાહટ આવી : ‘તમે પણ ફિલ્મની પોલીસની જેમ જ છેલ્લે એન્ટ્રી મારીને મારી કાંચીને બચાવી લીધી.’

સાઈરસ હસ્યો : ‘અમે વહેલા જ આવી ગયા હોત, પણ ચેકપોસ્ટ પરથી મારા જે સાથી તારો પીછો કરી રહ્યા હતા, એમના વાહનના ટાયરમાં પંકચર પડયું, અને તારો પીછો છુટી ગયો. એ પછી અમે કયારના અહીં આસપાસમાં જ તને શોધી રહ્યા હતા, એવામાં ગોળીઓનો અવાજ સંભળાયો અને એ પછી અમે તને શોધતાં-શોધતાં અહીં આવી પહોંચ્યા.’

‘પોલીસ અંકલ !’ કાંચી બોલી ઊઠી : ‘ડેડીને ગોળીઓ વાગી છે, એમને જલદી હૉસ્પિટલે પહોંચાડો ને !’

‘હા !’ અને સાઈરસે હુકમ આપ્યો, એ સાથે જ બે પોલીસવાળાએ આગળ વધીને કબીરને ઊઠાવ્યો, ત્યાં જ કબીરે આંખો મિંચી દીધી.

‘ડેડી ! ડેડી !’ એ લોકોની સાથે ચાલતાં કાંચીએ કબીરને હલબલાવ્યો, પણ કબીર કંઈ બોલ્યો નહિ.

‘પોલીસઅંકલ ! આ ડેડી કંઈ બોલતા નથી, એમને...’

‘કબીરને કંઈ નહિ થાય !’ સાઈરસે કહ્યું : ‘એ બેહોશ થઈ ગયો છે. એ હોશમાં આવી જશે.’

અને કબીરને જીપમાં લેટાવવામાં આવ્યો.

સાઈરસ કાંચીને લઈને એ જીપમાં જ બેઠો.

ગોખલેની જીપમાં પોલીસ-વાળાઓ વચ્ચે બેઠેલો હરમન હવે પાગલની જેમ રડી રહ્યો હતો અને જેમ-તેમ બોલી રહ્યો હતો.

સાઈરસના કહેવાથી ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા પોલીસવાળાએ જીપ આગળ વધારી. એની પાછળ ગોખલની અને એની પાછળ-પાછળ બીજા પોલીસ-વાળાઓની જીપ મુંબઈ તરફ આગળ વધી.

દૃ દૃ દૃ

આ વાતને આજે ત્રણ વરસ વીતી ચૂકયા છે.

હરમન એણે કરેલા ગુનાસર જેલમાં સજા ભોગવી રહ્યો છે.

કબીરે અત્યારે તાન્યા સાથે લગ્ન કરી લીધા છે અને મુંબઈમાં જ રહી રહ્યો છે.

કાંચી હવે એની મમ્મીનું ઘર છોડીને કબીર સાથે જ રહેવા આવી ગઈ છે.

કબીરે હવે ચોરી-બૂરા કામોથી તોબા કરી લીધી છે, અને એક હોટલમાં મેનેજર તરીકે નોકરી કરીને પોતાની વાઈફ તાન્યા તેમજ દીકરી કાંચી સાથે સુખેથી જિંદગી વિતાવી રહ્યો છે.

( સમાપ્ત )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED