રસના રસાયણમાં નવ રસ! Smita Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રસના રસાયણમાં નવ રસ!

વિશ્વવિજેતા સિકંદરના જીવન વૃત્તાંત પર નજર કરીએ તો આપણને એમ જ લાગે કે સિકંદરને યુધ્ધ ખેલવા અને નવા નવા પ્રદેશો જીતવા સિવાય બીજા કશામાં રસ નહોતો. પરંતુ ઇતિહાસ કહે છે કે આવું અવલોકન સાચું નથી. યુધ્ધ ખેલવું અને નવા નવા પ્રદેશો જીતવાનો એનો રસ મુખ્ય હતો, કહો કે એ એની મુખ્ય પ્રવૃત્તિ હતી. બાકી એના રસનાં તો ઘણા ક્ષેત્રો હતાં. એ ચિત્રકળા, સંગીત, કુદરતી સૌન્દર્ય, ફિલસૂફી વગેરે અનેક વિષયોમાં ઊંડો રસ લેતો હતો. ખરી વાત એ છે કે એના વ્યક્તિત્વમાંનું રસવૈવિધ્ય જ એના વિજેતા બની રહેવાનું એક મુખ્ય કારણ હતું. રસવિહિન વ્યક્તિ કદાચ કોઈ એક ક્ષેત્રોમાં સફળતા મેળવે તો પણ એ સફળતા યાંત્રિક હોય છે અને એનું મૂલ્ય સીમિત હોય છે. જે અંદરથી રસિક નથી એ કોઈ પણ ક્રિયાને યાંત્રિક બનાવી દે છે અને એથી એની સફળતાનું મૂલ્ય સીમિત થઈ જાય છે. એ પોતાની સફળતાને સાચા અર્થમાં માણી શકતો નથી અને એના મૂલ્યોનો વિસ્તાર કરી શકતો નથી.

રસવૃત્તિ એ સફળતાની ચાવી છે. કોઈ પણ કામમાં રસ લેનાર જ એ કામને નિખાર આપે છે. રસની હાજરી અને ગેરહાજરીથી એક મૂળભૂત તફાવત સર્જાય છે. રસ વિના કરેલું કામ મજૂરી બની જાય છે અને રસ લઈને કરેલું કામ કસબ બને છે. રસહીન માણસ મજૂર છે અને રસપ્રચૂર માણસ કસબી કે કારીગર છે. રસ વિના કામ કરનાર એને સોંપેલું કામ યંત્રવત્ કરે છે. એણે સમય પસાર કરવાનો હોય છે. એક યંત્ર અમુક સમયમાં અમુક ચોક્ક્સ નંગનું ઉત્પાદન કરે તેમ આવો માણસ યંત્ર બનીને કેવળ ઉત્પાદન કરે છે. રસ લઈને કામ કરનાર માટે પોતાનું કામ ઉત્પાદન નહિ, સર્જન બને છે. ફિલ્મનાં પોસ્ટર બનાવનાર પેઇન્ટર એના પોસ્ટરનાં પ્રેમમાં નથી પડતો, ચિત્રકાર પોતાના ચિત્રના પ્રેમમાં હોય છે. રસવૃત્તિ થકી જ સર્જનનો પ્રેમ પ્રગટે છે.

આપણે જાણીએ છીએ કે જીવન અનેક અવરોધોથી ભરેલું છે અને સફળ થવા માટે એ અવરોધો સામે જંગ માંડવો પડે છે. અવરોધો કેવા કેવા પ્રકારના આવશે એ આપણે જાણતા નથી. અવરોધોને જોઈને જ આપણે છળી મરીએ તો અડધો જંગ આપણે ત્યાં જ હારી જઈએ છીએ. અવરોધ સામેનો જંગ જીતવો હોય તો હિંમત જોઈએ, ઝઝૂમવાની તૈયારી જોઈએ અને અવરોધને પાર કરવા જે કોઈ કામ કરવાનું આવે એમાં રસ હોવો જોઈએ. રસ વિના કરેલા કામને મજૂરી કહીએ એટલે એ પણ સ્પષ્ટ છે કે મજૂરીનો થાક લાગે. જ્યારે રસપૂર્વક કરેલું કામ કસબ બને છે અને કસબની ખૂબી એ છે કે એમાં થાક લાગવાને બદલે જેમ જેમ કામ આગળ વધે તેમ ઉત્સાહ વધુ રહે છે અને નવું જોમ આવે છે. મજૂરી અધવચ્ચે પડતી મૂકવાનું મન થાય, પરંતુ કસબ અધૂરો નથી છૂટતો.

ઘણી વાર આપણે એવું સાંભળીએ છીએ કે મને ફલાણા વિષયમાં ખૂબ રસ પડે છે અને ઢીંકણા વિષયમાં રસ પડતો નથી. સાચી વાત એ છે કે અમુક કામમાં કે વિષયમાં રસ પડવો અને અમુકમાં નહિ પડવો એ કેવળ વહેમ અને ગેરસમજ જ છે. તરત માન્યામાં ન આવે એવી વાત છે, પરંતુ જેને એક વિષયમાં સાચો રસ હોય એને બીજા કોઈ પણ વિષયમાં રસ પડે જ. આપણા દિમાગમાં જુદા જુદા વિષયના રસનાં જુદાં જુદાં ખાનાં નથી હોતાં. એક માણસને ભૌતિક વિજ્ઞાનમાં રસ હોય એટલે એ રસાયણ વિજ્ઞાનમાં રસ લે જ નહિ એવું ન બની શકે. છતાં આવું બનતું જોઈએ ત્યારે એનો અર્થ એવો થાય છે કે એ વ્યક્તિએ પોતાના સમગ્ર રસને ભૌતિક વિજ્ઞાનની સીમાઓથી બાંધી દીધો છે. એનો એ રસ સીમાઓ તોડીને બહાર જઈ શકતો નથી, જો એ જાય તો અવશ્ય બીજા વિષયમાં પણ રસ પડે. રસનું ઝરણું તો આપણી ભીતર ખળખળ વહે જ છે. આપણે પાળા બાંધીને એને એકદમ સીમાબદ્ધ કરી દઈએ છીએ. અલબત્ત, એને સરખી રીતે વહેવા માટે અને એના પ્રવાહને નિયંત્રિત રાખવા માટે પાળ બાંધવી જરૂરી છે, પરંતુ પાળ બાંધવા જતાં એ બંધિયાર પણ ન બની જાય એ જોવું જોઈએ. રસવૃત્તિનું એવું છે કે એનો જથ્થો કદી ખૂટતો નથી. અર્થશાસ્ત્રના નિયમ વિરુધ્ધ એ જેમ જેમ વહે છે તેમ તેમ એ વધે છે.

ઘણી વાર આપણે એવી ગેરસમજમાં પણ રાચીએ છીએ કે અમુક વિષય પોતે જ બહુ નિરસ અને કંટાળાજનક છે. અમુક કામ પોતે જ એવું કંટાળાજનક હોય છે કે આપણને રસ પડે નહિ. આ નરી ગેરસમજ છે. કોઈ એક વિદ્યાર્થી ગણિતમાં સોમાંથી સો માર્કસ લાવે અને બીજો એક વિદ્યાર્થી ટયૂશનો રાખ્યા પછી પણ ગણિતમાં નાપાસ થાય ત્યારે સવાલ થાય કે ગણિત પોતે જો નિરસ હોત તો પેલા વિદ્યાર્થીને સોમાંથી સો માર્ક્સ કેવી રીતે આવ્યા હોત? આર્કિમિડિઝ ચાંદની રાતના અજવાળામાં આંગળીની મદદથી દરિયા કિનારાની રેતીમાં ભૂમિતિના પ્રમેયોની રચના કરતો હોય અને આપણે એ જ પ્રમેયો ખોટા ગણીએ ત્યારે સવાલ થાય કે ખરેખર ગણિત નિરસ છે કે આપણે નિરસ છીએ? દરેક કામનું પણ એવું જ છે. કામ એ કામ છે, એમાં રસ કે નિરસ જેવું કંઈ જ હોતું નથી. રસ અને નિરસ તો આપણી અંદર જ છે. આપણને રસ લેતાં આવડે તો કોઈ કામ કંટાળાજનક હોતું નથી. કંટાળો કોઈ કામમાંથી વરાળ બનીને બહાર આવતો નથી. એ તો આપણા મનની જ એક અવસ્થા છે. બીજી રીતે કહીએ તો નિરસતા માટે આપણે જ જવાબદાર હોઈએ છીએ અને કામને કે વિષયને એ માટે જવાબદાર ગણાવીને છટકી જઈએ છીએ.

કોઈ પણ કામમાં રસ લેવાનું શરૂ કરીએ એટલે આપોઆપ એ સરળ બની જાય છે. કોઈ મોટું મકાન બંધાતું હોય કે પુલ બંધાતો હોય ત્યાં જઈને થોડાક કલાક નિરીક્ષણ કરવા જેવું છે. મજૂરો કામ કરતા હોય અને એમના ચહેરા બોજથી લદાયેલા હોય તથા મુકાદમ બૂમો પાડતો હોય ત્યારે ચાર-છ કલાક થોડુંક કામ થાય. બીજી તરફ મજૂરો તગારાં ઊંચકીને કતારબંધ ચાલતા હોય અને મીઠી હલકમાં ગીતો લલકારતા હોય ત્યારે એમની તગારાં ઊંચકવાની, ચાલવાની અને તગારાં ઠલવવાની ક્રિયા જાણે સંગીત બની જતી હોય છે. એમનું દરેક હલનચલન જાણે તાલબધ્ધ નૃત્ય હોય તેવું લાગે છે. એમનો શ્રમ કસબ બની જાય છે અને કામ ક્યારે પૂરું થાય છે એનીયે ખબર પડતી નથી. પંજાબમાં ખેતરોમાં પાક લેવાનો હોય ત્યારે બૈસાખીનો તહેવાર ઊજવાય છે અને લોકો નાચતાં-ગાતાં ખેતરોમાં કામ કરે છે. એ વખતે એમને માટે એ મજૂરી બનતી નથી. આમ કોઈ પણ કામને મજૂરી પણ આપણે બનાવીએ છીએ અને કસબ પણ આપણે જ બનાવીએ છીએ.

રસવૃત્તિ એ કેવળ માનસિક બાબત જ નથી. એ એક જીવનશૈલી છે. રસવૃત્તિ સાચા અર્થમાં કદી સીમિત રહેતી નથી. વ્યક્તિત્વમાં એ ધબકાર બનીને વ્યાપી જાય છે. ધીમે ધીમે જીવન આખું રસમય બની જાય છે. ગમે તેવી વિકટ સ્થિતિ કે વિટંબણા આપણને ભાંગી પડતા કે પીછેહઠ કરતા અટકાવે છે. રસવૃત્તિ જેનામાં ગેરહાજર હોય એવી વ્યક્તિ જાણે સતત કોઈક ભાર હેઠળ દબાયેલી હોય એવું દેખાય છે. એ શ્વાસ પણ પરાણે લે છે અને એનો દરેક ઉચ્છ્વાસ નિસાસો બનીને બહાર આવે છે. મુશ્કેલી એ છે કે આવી વ્યક્તિ પોતે તો નિરુત્સાહી જીવન જીવે છે, એ જ્યાં જાય છે ત્યાં પણ નિરાશા અને હતાશા જ ફેલાવે છે. આ બધો રસહીન અવસ્થાનો જ પ્રતાપ છે, એનાથી ઊલટું રસિક વ્યક્તિને બધું જ રસાળ દેખાય છે. એના જીવનની પ્રત્યેક પળ ઉત્સાહ અને આનંદથી છલકાતી જોવા મળે છે. એના માટે એ કેટલું જીવે છે એના કરતાં કેવું જીવે છે એ વધુ મહત્ત્વનું હોય છે. આવી વ્યક્તિ જ્યાં જાય ત્યાં આનંદ અને ઉત્સાહને સાથે લઈ જાય છે. રસિક માણસ બીજાઓમાં પણ રસનું ઝરણું વહાવવાનું નિમિત્ત બને છે. ખરું પૂછો તો નિરસ માણસને ય નિરસ ગમતો નથી. છતાં પોતે શા માટે નિરસ રહેવાનું પસંદ કરે છે એ એને સમજાતું નથી.

લિયોનાર્દો દ’ વિન્સીએ મોનાલીસાનું ચિત્ર બનાવ્યું. એવા જ ચિત્રો અનેક ક્લાકારોએ બનાવ્યાં પરંતુ વિન્સીનું એ ચિત્ર અમર બન્યું, કારણ કે એ ચિત્ર વિન્સી માટે નિતાંત રસપૂર્વકનો કસબ બની ગયો. કદાચ એ ચિત્ર બનાવતી વખતે લિયોનાર્દોની રસવૃત્તિની પરાકાષ્ઠા આવી ગઈ હશે એમ કહી શકાય. એ માણસની રસિકતા ઉદાહરણરૂપ છે. જીવનનું એકેય ક્ષેત્ર એવું નહિ હોય, જેમાં એણે રસ ન લીધો હોય. રસવૃત્તિ એ કોઈ પણ કાર્યના પ્રાણ છે. રસ લઈને બનાવેલા પૂતળામાં પણ પ્રાણ પૂરાઈ જાય છે અને રસહીન મનુષ્યમાં ચેતના હોવા છતાં એ પૂતળા જેવો બની જાય છે.

રસ એ એક એવું રસાયણ છે જે કોઈ પણ કાર્યને સાર્થક બનાવે છે. રસવૃત્તિ કાર્યના મૂળભૂત હેતુને જ બદલી નાખે છે. રસહીન કાર્યની પાછળનો હેતુ ફરજ પૂરી કરવાનો, કોઈકને સારું લગાડવાનો કે કોઈકને સંતોષ આપવાનો અથવા એમાંથી કોઈક બદલો મેળવવાનો હોય છે, જ્યારે રસ લઈને કાર્ય કરવામાં આવે ત્યારે એની પાછળનો હેતુ આત્મસંતોષ પ્રાપ્ત કરવાનો જ હોય છે. આત્મસંતોષ મળે એટલે આગળ રસ્તો અટકી જાય છે. બીજા કશાયની જરૂર રહેતી નથી. કેટલીક વાર આપણે બીજાઓએ જે સુખ કે સંતોષ મળ્યાનો સંતોષ અનુભવ્યો હોય તે જ્યાં સુધી આપણે પોતે ન અનુભવીએ ત્યાં સુધી વાત અધૂરી જ રહે છે.

ફાઇવસ્ટાર હોટલનો કૂક કે રસોઈયો હજારો રૂપિયાનો પગારદાર હોય છે. રસોઈનો નિષ્ણાત હોય છે. એ રસોઈના પોતાના તમામ જ્ઞાન અને અનુભવને કામે લગાડીને મઘમઘતી રસોઈ બનાવે છે. એના સહાયકો એ રસોઈને કિંમતી પાત્રોમાં સજાવીને ગ્રાહકોને પીરસે છે. ગ્રાહક આરોગે છે અને એના ઊંચા દામ ચૂકવે છે. છતાં આ નિષ્ણાતની મોંઘી રસોઈની માએ બનાવેલી સાદી ખીચડી-કઢીના સ્વાદ સાથે સરખામણી થઈ શકે ખરી? માના હાથની ખીચડી-કઢીમાં રસનું જે રસાયણ ભળ્યું હોય છે એની ફાઇવસ્ટાર હોટલના કૂકની રસોઈમાં ગેરહાજરી હોય છે. એમાં અનુભવ અને નિપુણતા ભારોભાર હોવા છતાં રસનું રસાયણ મોણ બનીને ઉમેરાતું નથી.

કોઈ પણ કાર્યને સાર્થકતા બક્ષી શકીએ નહિ ત્યાં સુધી એ સફળ થતું નથી. સફળતા એ જ વિજય હોય તો એ માટે કાર્યની સાર્થકતા એક અનિવાર્ય શરત છે અને સાર્થકતાનું રહસ્ય રસવૃત્તિ છે. વિજેતા અથવા સફળ વ્યક્તિ સાર્થક ત્યારે જ બને છે જ્યારે એની ભીતર રસવૃત્તિનું ઝરણું ખળખળ વહેતું થાય છે. રસહીન માણસ સામે દુનિયા જોતી નથી. એનાથી દૂર જ ભાગે છે. કવિ કાલિદાસે એટલે જ તો કહ્યું હશે , ‘અરસિકેષુ કવિત્વ નિવેદનમ્ શિરસિ મા લિખ, મા લિખ, મા લિખ!’