જન્મ કુંડળી DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જન્મ કુંડળી

-: જન્મ કુંડળી :-

Dipak Chitnis(dchitnis3@gmail.com)

---------------------------------------------------------------------------------------------------------------------

વડોદરા ગુજરાતની એક સંસ્કારી નગરી તરીકે સુવિખ્યાત છે. દિવસે ને દિવસે આ શહેરની વસ્તીમાં વધારો થતો રહે છે, વિસ્તારની દ્રષ્ટિએ શહેરનો ચારેબાજુ વિકાસ થઈ રહ્યો છે. શહેર ગગનચુંબી સિમેન્ટ કોન્ક્રીટની ઉંચી ઇમારતોથી ઉભુ થઈ રહ્યું છે. વિકાસની દ્રષ્ટ્રિએ પણ હરણફાળ પ્રગતિ ભરી આગળ દોડી રહેલ છે. આ એવું શહેર છે કે અહીંયા ગુજરાત તેમજ ગુજરાત નજીકના રાજ્યોમાંથી કેટલાક લોકો પોતાના સ્વપ્નને સાકાર કરવા આવતા હોય છે. આમાં કોઈકના સપના સાકાર થતા હોય છે, જ્યારે કેટલાક એવા પણ હોય કે તેમના સપનાઓ ફળીભૂત થવામાં અવરોધોના ખાડા સામે આવતા હોય છે.

હિરલ અને હિરેન બંને પોતાના સપનાઓની પેટીઓ ભરીને તેને સાકાર કરવા ગુજરાતના છેવાડાના અને ગુજરાતના સૌથી મોટા એવા કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના નાનકડા ગામમાંથી આ સંસ્કારી નગરીમાં તેમના સપનાઓને સાકાર કરવા આવેલ હતા.

બંનેએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને શહેરમાં એક નામાંકિત કંપનીમાં નોકરી મેળવી તેમના સપનાઓને સાકાર કરવાનો તેમનો મનસૂબો પૂરો કરવા માટે કમર કસી રહેલ હતા.

હિરલ અત્યારની ફેશનેબલ કહેવાતી આ દુનિયામાં ભાગ્યે જ જોવા મળતી છોકરી હતી, સામાન્ય દેખાવ, અંતર્મુખી સ્વભાવ, એની વાતોમાં ભોળપણ નાના બાળક જેવું મીઠું તેનું સ્મિત, ચંચળ અને નખરાળા તેના નયન, તેના રહસ્યમાં જવાનું મન થાય અને ઉડીને આંખે વળગે તેવી તેની સાદગી હતી.

જ્યારે સામે હિરેન એટલે હીરાનો ભગવાન તેમ તેના નામ પ્રમાણે તેનામાં ગુણ હતા. સુંદર કૃષ્ણ જેવું તેનું વ્યક્તિત્વ, અંગે થોડો શ્યામ વર્ણ, પરંતુ તેમ છતાં તેનો દેખાવ મનમોહક, તેના ઘરમાં મોટા થી નાના બધાનો લાડકવાયો અને કાયમ તેની હસતી આંખો અને હસતો ચહેરો અને મૈત્રીપૂર્ણ સ્વભાવ તે તેની આગવી ખાસિયત હતી.

હિરલ અને હિરેન વચ્ચે એક સામ્યતા હતી તે એ હતી કે બંને કચ્છ જિલ્લાના હતા અને હિરલની સાથે વાતો કરવા અને મિત્રતા ને આગળ ધપાવવા માટે આટલું પૂરતું હતું. ગુજરાતીમાં સુંદર કહેવત છે કે તમારા વતનથી બહાર જાઓ એવા સમયે વતનનું જાનવર પણ વહાલું લાગે. જ્યારે અહીંયા તો હિરેન, હિરલ માટે જીવતો જાગતો માનવી હતો.

અન્ય સાથે થોડી અને જરૂરી પૂરતી વાત કરતી હિરલ, હિરેન સાથે કલાકોના કલાકો સુધી વાતો કરવા બેસી જતી. વડોદરાની ભાખરવડીથી માંડીને જગદીશના ચેવડા સુધીની, શાળા-કોલેજમાં કરેલ તોફાન-મસ્તીથી લઇ, કોલેજમાં મારેલ બંક સુધીની તેમની વાતો રહેતી. હિરલની વાતોમાં ભોળપણ હતું અને હિરેનની વાતોમાં પરિપકવતા. બંનેને એકબીજાની આદત પડવા લાગી હતી. અને આ બાબત હિરેનને સ્વીકારતા વાર ન લાગી કે આ આદત બીજું કંઈ નહીં પણ એકબીજા પ્રત્યે લાગણી અને તે પ્રેમ હતો.

પ્રેમ કરવામાં અને વાતો આગળ વધારવામાં માત્રને માત્ર એક ટકો જ હોવો જોઈએ જ્યારે પ્રેમમાં બીજા ૯૯% હિંમતમાં ખર્ચવાના. આયના સામે લગભગ કરેલ ત્રીસેક દિવસના રીહર્સલના અંતે હિરેને એક શુભ દિવસ નક્કી કરી લીધો. અને તે દિવસે સાંજના સાતેક વાગ્યાની આસપાસનો સમય હતો. ઓફિસમાં તે બંને સિવાય અન્ય કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. હિરેન તેનુ રોજીંદુ બધું કામ પૂરું કરીને બેઠો હતો, અને હિરલ તેનું અધૂરું બાકી કામ પૂરું કરવા માટે ડેસ્કટોપ પર વ્યસ્ત હતી.

હિરેન......જો.....આજે વાત કરવા નહીં બેસી શકાય, મારે હજી કામ પૂરું કરતા પંદર વીસ મીનીટ જેવો સમય લાગશે..

‘‘ના....’’આજે થોડી નહીં પણ ખૂબ અગત્યની વાત મારે તારી સાથે કરવી છે. આમ કહું તો આ વાત જીવન-મરણની છે, તેમ કહું તો પણ વાંધો નહીં. હું રાહ જોઉં છું અને તેના કપાળ પર આવી ગયેલ પરસેવો તેના હાથરૂમાલ વડે લૂછતાં કહ્યું.

ફુલ એ.સી.ની ઓફિસમાં પણ હિરેનને પરસેવો થઇ ગયો હતો. જાણે હમણાં ધોઈને નીચોવીને શર્ટ પહેરેલ હોય. હૃદય તેના મુખ સુધી આવી ગયું હતું, ને તેના ધબકારા તેના કાન સુધી સંભળાઈ રહેલા હતાં.

“હા...’’ બોલો હિરેન કુમાર મજાકના મૂડમાં હિરલે વાત શરૂ કરી, ‘‘બોલ હવે તારા જીવન મરણની વાત” ખુરશીની દિશા હિરેન તરફ કરતાં કહ્યું.

“એમાં તો એવું છે ને....”કપાળ પર છુટેલ પરસેવા બિંદુને ફરીથી લૂંછતા હિરેને કહ્યું.

શું થયું છે ? તારી તબિયત તો બરાબર ઓ..કે..છે ને હિરલે પૂછ્યું

શ્ર્વાસ લઈ સાથે થોડી હિંમત એક્ઠી કરીને સ્વસ્થ થતાં કહ્યું મારી તબિયતને વળી શું થવાનું જો હિરલ, આપણે બંને એકબીજાને બે વર્ષથી વધુ સમયથી ઓળખીએ છીએ, તુ મારા વિશે લગભગ બધું જ જાણે છે, અને તારી સાથે જે સમયે વાતો કરતો હોઉં છું ત્યારે ચહેરા પર બીજો કોઈ મુખવટો નથી હોતો. ઓફિસમાં આવતાની સાથે મારી આંખો તને જ શોધતી હોય છે. જો એક દિવસ પણ મળવાનું ન થાય તો તે આખો દિવસ કેવી રીતે વિતાવવો તે મારે માટે અસહ્ય હોય છે. મારું મન એમ કહે છે કે આ સંબંધ આપણી બે વચ્ચે માત્ર મિત્રતાનો નહીં પણ તેનાથી પણ બહુ વિશેષ છે. અને જો તું ઇચ્છે તો આ સંબંધને આપણે બંને લગ્નનું સ્વરૂપ આપી શકીએ. અને જો તારી આ બાબતે ના હોય તો આ વાતને આપણે અહીં જ પૂર્ણવિરામ મૂકી દઈશું. પરંતુ આપણે સારા મિત્રો ચોક્કસપણે રહીશું.

હિરલ એકીટશે એની સામે જોતી જ રહી.

એટલે.... તને હું ગમુ છું એમ, પણ કેવી રીતે ? હું તો એટલી સારી પણ નથી દેખાતી, અને તને ખબર છે મને તો અત્યારની છોકરીઓની જેમ ફેશન, લાલી લિપસ્ટિક એ બધું કંઈ પસંદ નથી.

બંને વચ્ચેના ગંભીર વાતાવરણે હિરેનના ખુલ્લા હૃદયના હાસ્યથી વાતાવરણને હળવું કર્યું.. અને હિરેને હિરલને કહ્યું તારી આ પ્રકારની ભોળપણની વાતો જ તો મારે માટે તારી સાથેના પ્રેમમાં પરિણમી છે.

ઓ.કે....સારુ આ બાબતે મને વિચારવાનો સમય આપ. તને વિચાર કરીને ચોક્કસ જવાબ આપીશ.

આ વાતચીતને લગભગ બે માસ જેવો સમય પસાર થઈ ગયો. બંને વચ્ચે અગાઉ જે મિત્રતા હતી તે મિત્રતાનો દોર અગાઉની જેમ જ અકબંધ હતો. તે દરમિયાન એક દિવસે અચાનક જ હિરલે આવી હિરેનને કહ્યું, જો હિરેન, હું એવી કોઈ સુંદર ફેશનેબલ યુવતી તો નથી, પરંતુ આપણી બાબતમાં તેં મારી સમક્ષ મુકેલ પ્રસ્તાવ અંગે આજ સુધી મેં અનેક વખત કરેલ વિચારોને અંતે હું એ વાત ઉપર નિષ્પક્ષપણે પહોંચી છું કે, તું મારા ‘જીવનસાથી’ તરીકે એકદમ પરફેક્ટ છું અને તેં મારી સમક્ષ મૂકેલ લગ્ન અંગેના પ્રસ્તાવને મારા તરફથી પણ અનુમોદન આપું છું.

હિરેને પણ એક શાયરાના અંદાજમાં જવાબ આપ્યો....બડી મહેરબાની આપકી મોહતરમાં..

હિરલે તેની વાત આગળ ધપાવતા કહ્યું, હિરેન પ્રેમમાં આમ તો કોઇ શરત નથી હોતી આમ છતાં મારા તરફથી એક શરત મુકું છું. આમ જોવા જઈએ તો આપણા બંનેની જ્ઞાતિ એક નથી. મારા માતા-પિતા બહુ જ આધુનિક વિચારસરણી વાળા છે, બની શકે આ વાત ન પણ નીકળે, પરંતુ જો મારો પરિવાર મારા માતા-પિતા આપણા સંબંધને સહમતી નહીં આપે તો હું તારી સાથે લગ્ન નહીં કરી શકું.

હિરલ.. તું મારી ખાસ મિત્ર છે, મારી વ્હાલી પ્રેમિકા પણ છે, અને ભવિષ્યની મારી જીવનસંગિની પણ હોઇશ.. પરંતુ આ બધા પહેલા તું તારા માતા પિતાની દીકરી છે. તેમણે તને જન્મ આપ્યો છે. તેમને દુઃખ કરીને કે તેમની સહમતિ વગર લગ્ન નહીં કરવાની તારી શરત મને કબૂલ મંજૂર છે અને મને પૂરેપૂરી રીતે સ્વીકાર્ય રહેશે.

આધુનિક કપડા પહેરતા લોકોના વિચારો પણ આધુનિક જ હોય એ જરૂરી નથી. પરંતુ સદનસીબે હિરેન અને હિરલ બંનેના પરિવાર દ્વારા બંનેના સંબંધને સ્વીકૃતિ આપવામાં આવી.

પરંતુ આ એકબીજાની સંમતિના અંતે એક વીલનનો જન્મ થયો..અને વીલનના સ્વરૂપમાં આવી તેમની જન્મ કુંડળી. હાલના સંસારિક વાતાવરણમાં બંનેના માતા-પિતાએ બંનેની જન્મ કુંડળી જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાત પાસે ચેક કરાવી. જેમાં બંનેને નાડી દોષ બતાવવામાં આવતો હતો. અને આ દોષને નિવારણનો કોઈ ઊકેલ જ ન હતો. આ સંજોગોમાં હિરલના પરિવાર તરફથી બંનેના લગ્ન અંગેના સબંધ માટે કાયમ માટે પૂર્ણવિરામ મુકી દેવામાં આવ્યું.

હિરેનને, હિરલની શરત બરાબર યાદ હતી. છેલ્લી વાર જ્યારે તે હિરલને મળ્યો ત્યારે હિરલની આંખો સાવ સૂકાયેલી હતી.

આ વાતને પણ લગભગ એક માસનો સમય વીતી ગયો હશે. સાચો પ્રેમ હંમેશા જીત મેળવતો હોય છે. પરંતુ જો તેમાં અભિમાન-ઇગોનો ઉમેરો થાય તો પ્રેમ પાંગરતાં પેહલાં જ ઓસરી જવામાં પણ વાર નથી લાગતી.

હિરેને હિંમત એકઠી કરી એક આખરી પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો. તેને જ્યોતિષની વાત કરતાં ઇશ્વરમાં શ્રદ્ધા વધુ હતી. જો ઇશ્વરે વિધિના લેખ લખ્યા હશે તો કોઇ દોષ નડશે નહીં તેવો વિચાર કરી તેણે આત્મવિશ્વાસ સાથે હિરલાના પિતા સમક્ષ પોતાનાં દિલની વાત મૂકવાનો અને તુમની મુલાકાતે જવાનો નિર્ણય કર્યો. અને હિરેન, હિરલના પિતા સાથે છેલ્લી વખત વાત કરવા ગયો અને છેલ્લી વાર તેના કિસ્મતને પણ આજે અજમાવવાનું હતું, અને ઈશ્વર પણ તેને મદદ કરી રહ્યો હતો. જ્યાં તમારી પાસે સત્ય હોય ત્યાં બધા જ પાસાં સીધા પડતા હોય છે.

હિરેનને તેની વાત કહેવાની ચાલુ કરી, અંકલ, હું પોતે સમજુ છું કે તમે આ સંબંધને કેમ નકારેલ છે. દરેક માતા-પિતા પોતાની દીકરીના સારા નરસા બાબતે નો વિચાર કરે તેમાં કાંઈ નવું નથી. અને કરવો જ જોઈએ. અને વાત એ પણ છે કે પ્રેમ સાચો હોય તો તેને જવાબ પણ કેમ દેવાય ? જો સાચો પ્રેમ અમારો હશે તો અમારી જિંદગીમાં ચોક્કસ પરત આવશે. હા બની શકે મારા કરતાં પણ વધુ સારો છોકરો હિરલ ને મળશે ! પરંતુ શું તેની સાથે લગ્ન કરવાથી હિરલ ખુશ રહી શકશે ખરી? શું સાચે જ બધું ભૂલી જશે?

હૃદય, મન, અંતર, મળે કે ના મળે પરંતુ કુંડળી મળવી જોઈએ આ એક શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે કે અંધશ્રદ્ધાનો એ બાબતમાં હું બહુ જાણકાર નથી. કહેવત છે કે બિલાડી રસ્તો કાપે તો અપશુકન થાય તો આ બાબત ક્યારેક બિલાડીને પણ થતી હશે ને ? કે માણસ છે તેનો રસ્તો કાપ્યો

હિરેનની આ છેલ્લી અને આખરી મુલાકાતે હિરેન હિરલના નસીબની રેખાઓને બદલી નાખી અને બંનેના પરિવાર તરફથી બન્નેના સુખ ખાતર બંનેના લગ્નની મંજૂરી આપવામાં આવી. અને ધામધૂમથી તેમના લગ્ન પણ કરવામાં આવ્યા.

વાત આટલેથી અટકતી નથી આજે હિરેન અને હિરલના લગ્નના પાંચ વર્ષના અંતે તેમના દાંપત્યજીવનમાં નાનકડું ફૂલ ખીલ્યું છે....આ ફૂલ એક નાનકડી બંનેની લાડકવાયી દીકરી મીરાંના રૂપમાં. આમ સદ્દનસીબે હિરેન-હિરલનો પ્રેમ સાચો હતો અને તેની જીત થઇ.

દિપક એમ.ચિટણીસ

dchitnis3@gmail.com