ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 19 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 19

ભાગ 19

અમદાવાદ, ગુજરાત

માધવ અને નાયકને લઈને વિલાડ જેવો દરિયાઈ રસ્તે તાઈવાન પહોંચ્યો એવો જ એને રાજવીર શેખાવતને કોલ લગાવી આ ખુશખબર આપી દીધી. આ સાથે અર્જુન અને નાયકે લોન્ગ અને લીનો પણ ખાત્મો કર્યો હોવાનું પણ જ્યારે શેખાવતે જાણ્યું ત્યારે મનોમન તેઓ ઉચ્ચારી ઉઠ્યા.

"શાબાશ..!"

અર્જુન અને નાયકની થોડી પ્રાથમિક સારવાર કરી એ બંનેને તુરંત ભારત આવતી પહેલી ફ્લાઈટમાં રવાના કરવાનું જણાવી વિલાડે જ્યારે શેખાવત સાથેનો સંપર્ક વિચ્છેદ કર્યો ત્યારે શેખાવતને માથેથી ઘણો ખરો ભાર હળવો થઈ ગયો.

બે પોલીસકર્મીઓ, જેમના જોડે આ પહેલા આટલા મોટા કોઈ મિશનમાં જવાનો અનુભવ નહોતો; એમને ચીનમાં જઈને દુનિયાના સૌથી મોટા ડ્રગ ડીલરના સામ્રાજ્યની લંકાને હનુમાન બની જે રીતે નેસ્તાનાબુદ કરી હતી એ વાત અકલ્પનીય હતી. એમાં પણ જ્યારે લોન્ગ અને લીનો પણ અર્જુન અને નાયક અંત કરી ચૂક્યા હતા એ વાત જ્યારે શેખાવતે સાંભળી ત્યારે આ વાત એમના જીવનમાં સૌથી મોટા સુખદ આંચકા સમાન જ હતી.

અર્જુન અને નાયક સહી-સલામત હોવાની ખબર મળ્યાને હજુ દોઢ કલાક વીત્યો હતો ત્યાં શેખાવત પણ અફઘાનિસ્તાનથી ભારતીય દૂતાવાસમાં કાર્યરત એવા જાનકીનંદન મિત્રાનો કોલ આવ્યો.

નગમા અને માધવ સુરક્ષિત રીતે અફઘાનિસ્તાન આવી ચૂક્યા છે અને પોતે એ બંનેને બોર્ડરથી પિક કરીને કાબુલ એરપોર્ટ ભણી જઈ રહ્યા હોવાનું જણાવી મિત્રાએ ફોન નગમાને આપ્યો.

અસદ આઝમની ચાલાકીથી પોતે કઈ રીતે આઈએસઆઈના ક્રૂર ઓફિસર ગુલામઅલી અને તોયબાના આતંકવાદી ઈકબાલ મસૂદથી બચ્યા એની ટૂંકમાં જાણકારી આપી નગમાએ જ્યારે મસૂદ અને અલીના મોતની ખબર સંભળાવી ત્યારે શેખાવત ઝૂમી ઊઠ્યા.

ચીન અને પાકિસ્તાન બંને જગ્યાએ પોતાના જાંબાઝ અધિકારીઓને ધાર્યા કરતા અધિક સફળતા મળી હતી અને એમના મિશન સહી-સલામત રીતે પૂર્ણ થયા હતા એ જાણ્યા બાદ શેખાવતની આંખોમાં હર્ષનાં આંસુ ઉભરાઈ આવ્યા.

પોતાના અધિકારીઓ દ્વારા મળેલી આ જ્વલંત સફળતાની ખુશી મનાવવાની પ્રબળ ઈચ્છા મનમાં હોવા છતાં શેખાવતે એ ઈચ્છાને મનમાં જ ધરબી રાખી; કેમકે...કાલી તલાવડી નજીક આરંભવામાં આવેલા ઑપરેશનની જાણકારી મળવાની હજુ બાકી હતી.

**********

કાલી તલાવડી, ભુજ, ગુજરાત

ગુજરાત એટીએસ ચીફ અબ્બાસ ગનીવાલાની આગેવાનીમાં એટીએસના ચુનંદા અધિકારીઓ, રૉનો અમદાવાદ ખાતેનો જાસૂસ કેવિન, એસીપી રાજલ, અને આઈબીનો ભુજ ખાતેનો જાસૂસ ગગનસિંહ ખૂબ જ સાવચેતી સાથે કોઈ જાતનો અવાજ કર્યાં વિના ભુજથી વીસ કિલોમીટર દૂર આવેલ કાલી તલાવડી ગામની હદમાં આવેલા ફાર્મહાઉસની અંદર પ્રવેશી ચૂક્યા હતા. આ ફાર્મહાઉસમાં લશ્કર-એ-તોયબાના કુખ્યાત આતંકવાદી અને અમુક સ્લીપર સેલના સભ્યો છૂપાયા હોવાની પાકી માહિતી હતી.

પહેલા માળેથી આવી રહેલા નાના બાળકના રડવાનો અવાજ સાંભળી અબ્બાસ કેવિન અને એટીએસનાં ત્રણ ઓફિસરને લઈને અવાજ જે દિશામાંથી આવતો હતો એ રૂમનો દરવાજો ખોલીને જેવો રૂમની અંદર પ્રવેશ્યો એ સાથે જ એને નજરો એવું ભયાવહ દ્રશ્ય નિહાળ્યું જે જોઈને એના પગ નીચેની જમીન સરકી ગઈ.

એક નાનકડું અઢી-ત્રણ વર્ષનું બાળક નીચે ફર્શ પર એક ત્રીસેક વર્ષની મહિલાના લોહી નીતરતા મૃતદેહને વળગીને રડતું હતું.! મૃતદેહ નજીક પલંગ પર એક પ્રૌઢ મહિલા, એક છ વર્ષ અને એક નવ વર્ષના બાળકનો મૃતદેહ પડ્યો હતો..ત્રણેયની ગરદન પર ધારદાર હથિયારનો ઘા હતો, જેમાંથી નીકળતું રક્ત પલંગની ચાદરને લોહી ભીની કરી ચૂક્યું હતું.

કેવિન અને એટીએસના બાકીનાં ઑફિસર્સ પણ આ દ્રશ્ય જોઈને હેબતાઈ ગયા. એ લોકોને સ્વપ્નમાં પણ આવી કલ્પના નહોતી કે એમને આવું કંઈ જોવા મળશે.

આ દ્રશ્ય જોઈને ગુસ્સાથી રાતાચોળ થઈ ચૂકેલા અબ્બાસની નજર અચાનક રૂમથી એટેચ બાથરૂમના અર્ધખુલ્લા દરવાજા તરફ પડી. પોતાના સાથીદારોને પોતાને અનુસરવાનો ઈશારો કરી અબ્બાસ બાથરૂમ તરફ આગળ વધ્યો..આ બધાથી પોતે જાણે અલિપ્ત હોય એમ કેવિન રડતા બાળક તરફ ગયો અને એને તેડીને રૂમની બહાર નીકળી ગયો.

અબ્બાસે બાથરૂમ ખોલીને જોયું તો એમાં ચોકીદારના વેશમાં સજ્જ એક ચાલીસેક વર્ષના વ્યક્તિનો મૃતદેહ પડ્યો હતો..જેના કપાળની મધ્યમાં મારેલી બુલેટ એની ખોપડી ચીરીને બોચીમાંથી બહાર નીકળી ગઈ હતી. પોઈન્ટ બ્લેન્ક રેન્જથી મારેલી આ બુલેટથી મૃતકનો જીવ સેકંડમાં ચાલ્યો ગયો હશે એવી ગણતરી સાથે અબ્બાસ પુનઃ રૂમની મધ્યમાં આવ્યો અને એક પછી એક ચારેય મૃતદેહોને બારીકાઈથી નિહાળ્યા.

કેવિને નીચે આવીને બાળકને રાજલને સોંપતા રૂમમાં જે કંઈપણ હતું એ અંગે રાજલ અને ગગનસિંગને જણાવ્યું. આ સાંભળીને ગગનસિંહ દોડીને ઉપરના માળે ગયો. એને રૂમમાં પડેલ ચાર અને બાથરૂમમાં પડેલો એક મૃતદેહ ધારીધારીને જોયો. બાથરૂમમાં મોજુદ મૃતદેહને જોઈને ગગનસિંહ તરત બોલી પડ્યો કે આ વ્યક્તિને એને ફાર્મહાઉસના ગેટ પર ઊભો રહેલો જોયો હતો પણ જ્યારે પોતે કોલગર્લની જોડેથી બાતમી મેળવીને આવ્યો ત્યારથી એને આ વ્યક્તિને ફરીવાર ગેટ નજીક જોઈ નહોતી.

"સ્થાનિક પોલીસકર્મીઓને બોલાવી આ પાંચેય મૃતદેહો અંગે જાણકારી મેળવો અને ત્યારબાદ આ પાંચેય મૃતદેહોને ભુજ સિવિલ હોસ્પિટલમાં પંચનામું કરવા મોકલી આપો..!" અબ્બાસના આમ કહેતા જ એટીએસનો એક ઓફિસર ફાર્મહાઉસની બહાર ઊભેલા પોલીસકર્મીઓને અબ્બાસ ગનીવાલાનો સંદેશો પહોંચાડવા ચાલતો બન્યો.

આજ સુધી પોતાના એકપણ ઑપરેશનમાં નિષ્ફળ નહિ ગયેલા અબ્બાસ ગનીવાલાના મુખ પર આ ઑપરેશનની નિષ્ફળતાના લીધે ભારે ગુસ્સો અને અકળામણના ભાવ ઊભરી આવ્યા હતા. જ્યાં આ ખૂની ખેલ ખેલાયો હતો એ રૂમમાંથી બહાર નીકળી અબ્બાસે શેખાવતને કોલ કરી અહીં જે કંઈપણ બન્યું હતું એ અંગે વિગતે જણાવી દીધું.

પોતાના અહીં આવ્યા પહેલા જ અફઝલ પાશા અને સ્લીપર સેલ અહીંથી ભાગી નીકળ્યા હતા એ અંગેની ચોખવટ કર્યા બાદ શેખાવત દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને ધ્યાનથી સાંભળી લીધા બાદ અબ્બાસે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

ગગનસિંહને હજુ સમજાઈ નહોતું રહ્યું કે આખરે અહીંથી આતંકવાદીઓ ક્યાં ભાગી ગયા.? પોતે કોલગર્લસની પૂછપરછ કરવા ફાર્મહાઉસ પરથી બે-અઢી કલાક દૂર ગયો હતો ત્યારે જ આ બધું બની ગયું હોવું જોઈએ એવું અનુમાન કરતો ગગનસિંહ પોતાના એકલા હાથે જ આ જવાબદારી ઉપડવાના લીધે મનોમન પસ્તાઈ રહ્યો હતો. અફઝલ અને સ્લીપર સેલના સભ્યોનું ત્યાંથી છટકી જવું કેટલી મોટી સમસ્યા ઉભી કરવાનું હતું એ ગગનસિંહ સારી પેઠે સમજતો હતો.

હકીકતમાં ગગનસિંહ કોલગર્લ્સનો પીછો કરતો એમની પાછળ-પાછળ ગયો ત્યારે ફાર્મહાઉસમાં કંઈક આવું બન્યું હતું...

અફઝલ પાશા શરાબ અને શબાબનો ભલે શોખીન હતો પણ એ પંચતંત્રની વાર્તામાં આવતા શિયાળ જેવો ચાલાક હતો. આત્મઘાતી હુમલામાં જતા પહેલા એને સ્લીપર સેલ્સનાં તમામ સભ્યોની મોજ-મજા માટે બે કોલગર્લ્સ બોલાવી હતી. પોતાના સાથીદારોએ ભૂખ્યા ગીધની માફક જ્યારે એ બંને કોલગર્લ્સના શરીર ચૂંથી લીધા ત્યારે અફઝલે એ બંનેને પેયમેન્ટ લઈ જવા પોતાના રૂમમાં બોલાવી.

પચાસ હજાર રૂપિયા જેટલી માતબર રકમ આપીને અફઝલે એ બંને સાથે શારીરિક સુખ માણ્યું.. ત્યાંથી નીકળતા પહેલા જ્યારે એ બંને કોલગર્લ્સ બાથરૂમમાં ગઈ ત્યારે અફઝલે ચાલાકીથી એમના બંનેના પર્સમાં એક નાનકડી રેકોર્ડિંગ ચિપ લગાવી દીધી; આમ કરવું અફઝલની આદત હતી. કોઈ અજાણી વ્યક્તિ પોતાના અડ્ડા પરથી જાય તો એના સામાનમાં એ આવી ચિપ લગાવી દેતો. ગગનસિંહ જ્યારે એ બંને કોલગર્લ્સની પૂછપરછ કરી રહ્યો હતો એ દરમિયાન રેકોર્ડિંગ ચીપની જોડે કનેક્ટેડ સ્પીકરમાં અફઝલે ગગનસિંહ દ્વારા આકરા સ્વરમાં થયેલી બંને કોલગર્લ્સની પૂછપરછ સાંભળી લીધી.

ગગનસિંહ દ્વારા થયેલી આ પૂછપરછના લીધે અફઝલે ગણતરી કરી લીધી કે નક્કી પોતાની ભાળ ભારતીય ગુપ્ત એજન્સીઓને મળી ગઈ છે.

અફઝલ તરત એક્શનમાં આવ્યો અને એને પોતાના તમામ સાથીદારોને ફાર્મહાઉસના બેઝમેન્ટમાંથી બહાર જતી સુરંગ મારફતે ત્યાંથી નીકળી જવા જણાવ્યું..એ બધાને નવાઝ નામક અફઝલના ખાસ સાગરીતની આગેવાનીમાં ત્યાંથી નીકળીને ક્યાં જવાનું હતું એની સૂચના આપીને એ લોકોને પોતાના સામાન અને હથિયારો સાથે રવાના કર્યાં બાદ અફઝલે ફાર્મહાઉસની ચોકી કરતા હીરાલાલ નામના ચોકીદારને પોતાના રૂમમાં બોલાવ્યો.

હીરાલાલના ત્યાં આવ્યા બાદ એને ફાર્મહાઉસ પર કામ કરતી બંને મહિલાઓને પોતાના રૂમમાં બોલાવી.જેમાંથી એક યુવા મહિલા ફાર્મહાઉસના માલિક એવા તમીમ કુરેશીની બીવી નિરૂ હતી અને બીજી મહિલા નિરૂની અમ્મી હતી. પચાસ વર્ષે પહોંચેલો તમીમ જ્યારે ભારત આવતો ત્યારે નિરૂનો સેક્સ સ્લેવ તરીકે ઉપયોગ કરતો, તમીમ થકી નિરૂ ત્રણ સંતાનોની માં પણ બની હતી. છેલ્લા બે વર્ષથી તમીમ ભારત તો નહોતો આવ્યો પણ આતંકવાદી સંગઠનોની ખાનગી રાહે મદદ કરવાનું એને શરૂ કરી દીધું હતું.

એના કાલી તલાવડી વાળા ફાર્મહાઉસનો ઉપયોગ પણ એને આતંકવાદીઓને કરવાની છૂટ આપી હતી..આ સાથે નિરૂનો પણ શારીરિક ઉપયોગ મનફાવે એમ આતંકવાદીઓ કરતા. ગરીબીમાં પોતાની વ્હારે આવનાર તમીમની તમામ ઈચ્છાઓ મને-કમને સ્વીકારનાર નિરૂ પારકા પુરુષો સાથે પણ સંબંધ બાંધી લેતી. નિરુની અમ્મી આ બધું થતું જોઈ મનમાં ને મનમાં રડી લેતા.

અફઝલે પણ નિરૂ જોડે અહીં આવ્યા બાદ ઘણી વાર શારીરિક સંબંધ બનાવ્યા હતા..એક વાર તો નિરુની અમ્મી સામે જ નિરૂ પર એને પાશવી બળાત્કાર કર્યો હતો. નિરૂ, એની અમ્મી અને નિરુના બાળકો પોતાના માટે જોખમરૂપ બની શકે છે એવો વિચાર આવતા જ પૈસાના લાલચુ એવા ચોકીદાર હીરાલાલની મદદથી અફઝલે નિરૂ, નિરુની અમ્મી, અને એના મોટા બે સંતાનોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી; નિરુનું સૌથી નાનું બાળક હજુ અણસમજુ હતું એટલે એને અફઝલે જીવતું જ છોડી દીધું. એમનો ખેલ પૂરો કર્યાં બાદ હીરાલાલના કપાળમાં ગોળી મારી હીરાલાલને પણ અફઝલે સ્વધામ પહોંચાડી દીધો.

ફાર્મહાઉસ પર પોતાની હાજરી અંગેની બધી જ નિશાનીઓ ભૂંસી દીધા બાદ અફઝલ પણ પોતાનો સામાન લઈને ત્યાંથી નીકળી ગયો.

ભારતીય ગુપ્ત એજન્સીઓ પોતાની પાછળ હાથ ધોઈને પડી ચૂકી છે..જો પોતે હાથમાં આવી જશે તો એમની આતંકવાદી હુમલાની યોજના પર પાણી ફરી જવાનું છે એ વિચાર સાથે જ નક્કી કર્યા કરતા બે દિવસ પહેલા જ આતંકવાદી હુમલો કરી દેવાનું મન બનાવી અફઝલ પોતાના સાથીદારોને જ્યાં એકઠા થવાનું કીધું હતું એ સ્થળ ભણી પોતાની ફાર્મહાઉસથી દોઢ કિલોમીટર દૂર રાખેલી કારમાં બેસી નીકળી પડ્યો.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)