ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 17 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 17

ભાગ 17

ફુશાન આઈલેન્ડ, પીળો સમુદ્ર, ચીન

પોતાની સ્પીડબોટનો પીછો કરેલા હેલિકોપ્ટરની અંદર ચીનનો સૌથી મોટો ડ્રગ ડીલર જિયોન્ગ લોન્ગ છે એ વાત જાણ્યા બાદ અર્જુન અને નાયકને ઘડીભર આશ્ચર્યાઘાત જરૂર લાગ્યો પણ બીજી જ પળે એ બંનેએ તુરંત પોતાની જાતની લોન્ગ રૂપી દૈત્ય સામે લડવા માટે સજ્જ કરી.

બાજુમાં પડેલી બેગમાંથી અર્જુન, નાયક અને વિલાડ અદ્યતન બનાવટની મશીનગન નિકાળે એ પહેલા તો હેલિકોપ્ટરમાંથી ગોળીઓ એમની બોટ પર વરસવાની ચાલુ થઈ ગઈ. બોટની ગતિ ગોળી ચલાવનારા લોકોની ગણતરી કરતા વધુ હોવાથી આ ગોળીબાર વિફળ ગયો અને બધી જ ગોળીઓ સમુદ્રના પાણીમાં ગરકાવ થઈ ગઈ.

"ડ્રાઈવ કવિક એસ પોસીબલ..!" બોટ ચલાવતા ચાલકને ઉદ્દેશી વિલાડ બોલ્યો.

"ઓફિસર, કંઈક કરવું પડશે...બાકી બોટમાંથી હેલિકોપ્ટરમાંથી થઈ રહેલા અંધાધૂંધ ગોળીબારનો સામનો કરવો લગભગ અશક્ય છે." બોટની લગભગ ત્રણ-ચાર ફૂટ છેટે સમુદ્રમાં ખૂંપતી ગોળીઓ જોઈ વિલાડ બોલ્યો.

વિલાડ હજુ પોતાની વાત પૂર્ણ કરે એ પહેલા તો અર્જુને પોતાના હાથમાં રહેલી મશીનગનને હેલિકોપ્ટરની દિશામાં કરી અને હાથ ટ્રિગર પર દબાવી ધડાધડ ગોળીઓ હેલિકોપ્ટર પર વરસાવવાનું આરંભી દીધું. નાયક અને વિલાડ પણ એને અનુસર્યા; અને એમને પણ પોતપોતાની મશીનગનથી ઘડીબર ધમધમાટી બોલાવી દીધી.

બોટમાં સવાર લોકો જોડે આટલા અદ્યતન શસ્ત્રો હશે એવી ગણતરી લોન્ગે કરી નહોતી..પોતાના હેલિકોપ્ટર પર થઈ રહેલા આ એકધારા ગોળીબારથી હેબતાઈ ગયેલા જિયોન્ગ લોન્ગે હેલિકોપ્ટરના પાઈલોટને તુરંત હેલિકોપ્ટરને એમની પર થઈ રહેલા ગોળીબારની રેન્જમાંથી દૂર નીકળી જવા જણાવ્યું. લોન્ગનો આદેશ માથે ચડાવી પાઈલોટે હેલિકોપ્ટરને પાછું ફુશાન તરફ વાળી લીધું.

હેલિકોપ્ટર પોતાના નિશાનની રેન્જમાંથી બહાર નીકળી ગયા બાદ અર્જુને ગોળીબાર અટકાવી દીધો, નાયક અને વિલાડની મશીનગન પણ આ સાથે શાંત થઈ ગઈ.

"એ પાછો આવશે..." અર્જુને આકાશ ભણી જોતા નાયક અને વિલાડને ઉદ્દેશીને કહ્યું. "તમે સાવધ રહેજો."

અર્જુનની ગણતરીને સાચી પાડતો હોય એમ  હેલિકોપ્ટરનો પાઇલટ લોન્ગના આદેશને અનુસરતો હેલિકોપ્ટરને સ્પીડ બોટની સમાંતર ખાસુ એવું આગળ લઈ ગયો અને અચાનક સ્પીડબોટની સામેની દિશામાં આવી ગયો.

હેલિકોપ્ટરના અવાજ પર અર્જુન, વિલાડ કે નાયકનું ધ્યાન પડે એ પહેલા તો હેલિકોપ્ટરમાં બેસેલા લોન્ગ અને એના બીજા સાગરીતોએ સ્પીડ બોટ પર અંધાધૂંધ ફાયરિંગ ચાલુ કરી દીધું. આ પરિસ્થિતિમાં સ્પીડબોટના ચાલકે પોતાની કુશળતા અને અનુભવનો ઉપયોગ કરી બોટને બીજી દિશામાં વાળી દીધી..અર્જુન, વિલાડ અને નાયક જ્યાં સુધી પ્રતિકાર કરવા તૈયાર ના થયા ત્યાં સુધી એ બોટને આમથીતેમ દોડાવી લોન્ગ તરફથી થયેલા હુમલાને ખાળતો રહ્યો.

બે-ત્રણ મિનિટમાં તો અર્જુન, નાયક અને વિલાડે પોતપોતાની મશીનગન હાથમાં લઈને સામો ગોળીબાર કરી મુક્યો..પણ, આ વખતે હેલિકોપ્ટર એમની સમાંતર અથવા તો સામેની દિશામાં ઊડી રહ્યું હોવાથી ગોળીબારની અસર જોઈએ એવી ના થઈ.

અર્જુન સમજી ગયો કે એમની જોડે લોન્ગનો મુકાબલો વધુ સમય કરવા જેટલા હથિયારો નથી..આથી એને વિલાડ અને નાયકને અટકી-અટકીને ફાયર કરવા કહ્યું..જેથી મશીનગનમાં રહેલી ગોળીઓ વહેલી પૂર્ણ ના થઈ જાય.

"હેલિકોપ્ટરની જમણી તરફ બોટને લઈ લે.." બોટના ચાલકને હુકમ આપતા અર્જુન બોલ્યો.

જેવી બોટ હેલિકોપ્ટરની જમણી તરફ ગઈ એ સાથે જ અર્જુને એમના જોડે મોજુદ હથિયારોમાંથી રોકેટ લૉન્ચર નિકાળ્યું અને એમાં ગ્રેનેડ ગોઠવી લૉન્ચરને ખભે રાખી દીધું. લોન્ગે આ દ્રશ્ય જોયું અને હેલિકોપ્ટરના ચાલકને હેલિકોપ્ટર દૂર લઈ જવા આદેશ આપ્યો...પણ, હેલિકોપ્ટરને પાછું વાળવામાં જે સમય લાગે એ તો લાગવાનો જ હતો. આ તકનો લાભ લઈને અર્જુને લૉન્ચર પર લાગેલા ઓપ્ટિકલ સાઈટની મદદથી હેલિકોપ્ટરનું આબાદ નિશાન લીધું અને ટ્રિગર દબાવી દીધી.

લૉન્ચરમાંથી છૂટેલો ગ્રેનેડ અર્જુનના ધાર્યા મુજબ જ પાછું વળવાની કોશિશ કરતા હેલિકોપ્ટરના પાછળના ભાગમાં જોરથી અફડાયો..આ સાથે જ એક મોટા વિસ્ફોટ સાથે હેલિકોપ્ટરના ફુરચા ઊડી ગયા..જેમાં અંદર સવાર દરેક વ્યક્તિના બચવાના કોઈ ચાન્સ રહ્યા નહોતા.

અર્જુને જે રીતે હેલિકોપ્ટરની સાથે જિયોન્ગ લોન્ગનો રોકેટ લૉન્ચર વડે અંત આણી દીધો એ જોઈ વિલાડ અને નાયક તો સ્તબ્ધ હતા જ પણ એ બંનેની સાથે અર્જુન પોતે પણ પોતાના આ પ્રકારના કરતબથી અચંબિત હતો.

જે આસાનીથી પોતે દુનિયાના સૌથી મોટા ડ્રગ્સ ડીલર જિયોન્ગ લોન્ગનો ખાતમો કરી દીધો એ વસ્તુ કાંઈ નાનીસુની નહોતી એ જાણતા અર્જુન માટે આ ઘટના નવાઈ પમાડનારી હતી જ. પહેલા યાંગ લી અને હવે લોન્ગનો ખાતમો કરીને અર્જુને એ કારનામાને અંજામ આપ્યો હતો જે કારનામું એફ.બી.આઈ, મોસાદ, કે.જી.બી કે ઈન્ટરપોલ પણ કરી નહોતું શક્યું.

લોન્ગના મૃત્યુ પામતા જ વિલાડ દ્વારા સ્પીડબોટ ચાલકને બોટને તાઈવાન તરફ હંકારવાનો આદેશ અપાયો..આ સાથે જ બધી જ મુશ્કેલીઓને પાર કરીને અર્જુન પોતાના પડછાયા સમાન નાયકની સાથે હેમખેમ ચીનમાંથી નીકળી ચૂક્યો હતો.

આ તરફ અર્જુન જ્યાં લોન્ગ અને લીને સ્વધામ પહોંચાડમાં સફળ થયો હતો ત્યાં બીજી તરફ હેંગસા આઈલેન્ડ પર આવેલા લોન્ગના ડ્રગ્સ સામ્રાજ્ય પર ઈન્ટરપોલની રેડ પડી ચૂકી હતી. ઈન્ટરપોલને લોન્ગના ડ્રગ્સ ઉત્પાદન ક્ષેત્રનું સાચું સરનામું જણાવી શેખાવતે ભારત વિરોધી આતંકવાદીઓની મદદ કરનારા જિયોન્ગ લોન્ગ સાથે બદલો વાળી દીધો હતો.

ચીનની સમુદ્રી સરહદને ઓળંગી જેવી સ્પીડબોટ તાઈવાનની સમુદ્રી સરહદમાં પ્રવેશી એ સાથે જ અર્જુને નાયકને ગળે લગાવીને ઑપરેશન ચક્રવ્યૂહના ચાઈના મિશનના સફળતાપૂર્વક પૂર્ણ થવાની શુભેચ્છાઓ પાઠવી.

ચીનમાં જઈને ગુજરાત પોલીસના બે પોલીસકર્મીઓએ જે બહાદુરી અને ચાલાકીથી પોતાને સોંપવામાં આવેલું ભગીરથ કાર્ય કરી બતાવ્યું હતું એ ના ભૂતો ના ભવિષ્યતિ હતું...એમ કહેવામાં કંઈ અતિશયોક્તિ ના જ કહેવાય.

***********

ભુજથી વીસ કિલોમીટર દૂર, ગુજરાત

શેખાવત સાથે વાત થયા બાદ આઈ.બી ચીફ દ્વારા ભુજ પોલીસ કમિશનર એન.કે બુચ સાથે કાલી તલાવડી નજીક આવેલા ફાર્મહાઉસમાં દસ સ્લીપર સેલ સાથે લશ્કર એ તોયબાના કુખ્યાત આતંકવાદી અફઝલ પાશાના છુપાઈને બેઠા હોવાની માહિતી આપવામાં આવી.

આ માહિતી મળતા જ કમિશનર બુચ દ્વારા પોતાનાથી શું મદદની આશા આહુવાલીયા ઈચ્છે છે એવો સવાલ કરવામાં આવ્યો..જેના જવાબમાં આહુવાલીયાએ ગગનસિંહની મદદ હેતુ તાત્કાલિક દસેક સ્થાનિક પોલીસકર્મીઓને કાલીતલાવડી નજીકના એ ફાર્મહાઉસ જોડે પહોંચવા જણાવ્યું જ્યાં આતંકવાદીઓ છૂપાયા હતા.

પોતે પોતાના ઉમદા પોલીસ અધિકારીઓને ગગનસિંહની મદદ માટે મોકલશે એનું વચન આપી બુચે આહુવાલીયા સાથેનો સંપર્ક વિચ્છેદ કરી દીધો.

એકતરફ જ્યાં આહુવાલીયાએ પોતાના કરવાનું કાર્ય ઉત્તમ રીતે કરી દીધું હતું. ત્યાં બીજીતરફ શેખાવતે ગુજરાત એ.ટી.એસ ચીફ અબ્બાસ ગનીવાલા, એસીપી રાજલ અને કેવિનને ભુજ મોકલી દીધા હતા.

અમદાવાદથી ભુજની લગભગ સાડા છ કલાકની સફરને સાડા પાંચ કલાકમાં પૂર્ણ કરીને અમદાવાદથી નીકળેલો આખો કાફલો કાલી તલાવડી નજીક આવી પહોંચ્યો..જેમાં અબ્બાસ ગનીવાલાની સાથે એ.ટી.એસના પાંચ અન્ય ઉમદા અધિકારીઓ પણ હતા.

ગગનસિંહનો મોબાઈલ નંબર આહુવાલીયા જોડેથી શેખાવત અને શેખાવત જોડેથી કેવિન જોડે પહોંચ્યો હતો. કાલીતલાવડી નજીક પહોંચતા જ કેવિને ગગનનો સંપર્ક કરી નિયત સ્થળ અંગેની જાણકારી મેળવી લીધી.

ગગનસિંહે પણ પોતાના ચીફ આહુવાલીયાના આદેશને માન આપીને બધી જ જાણકારી કેવિન અને એની જોડે આવેલા રાજલ તથા અબ્બાસને આપી દીધી. દસેક મિનિટની ચર્ચા અને છેટેથી ફાર્મહાઉસમાં થતી ચહલ-પહલ પર ધ્યાન આપ્યા બાદ અબ્બાસ ગનીવાલાએ ત્યાં થનારા ઑપરેશનની કમાન સંભાળતા કહ્યું.

"તમામ પોલીસકર્મીઓ ફાર્મહાઉસની ફરતે ઘેરો બનાવશે..હું નથી ઈચ્છતો કે આ ખૂંખાર આતંકવાદીઓનો સામનો પોલીસકર્મીઓ કરે."

આધુનિક હથિયારોથી સજ્જ ક્રૂર આતંકવાદીઓનો મુકાબલો પોતાની સર્વિસ રિવોલ્વર દ્વારા નહિ કરી શકાય એ વાત સમજતા ભુજના સ્થાનિક પોલીસકર્મીઓએ અબ્બાસ ગનીવાલાની વાતનો સહજપણે સ્વીકાર કરી લીધો.

"કેવિન, તમે અને રાજલ ફાર્મહાઉસના પાછળના ભાગમાંથી અંદર પ્રવેશ કરશો..ગગનસિંહ તમે અને મારા બે સાથી કર્મચારીઓ ફાર્મહાઉસના જમણી તરફથી અંદર પ્રવેશ કરશો જ્યારે બાકીના અધિકારીઓ સાથે હું ફાર્મહાઉસની આગળની તરફથી અંદર જઈશ."

ફાર્મહાઉસની ડાબી તરફ એક તલાવડી હોવાથી ત્યાંથી પ્રવેશ કરવો શક્ય નહોતો..અને આથી જ એ.ટી.એસ ચીફ અબ્બાસ ગનીવાલાએ એકસાથે ફાર્મહાઉસની બાકીની તમામ બાજુએથી ફાર્મહાઉસમાં પ્રવેશવાનો અને આંતકવાદીઓ પર બધી બાજુએથી હલ્લો કરવાનું પ્લાનિંગ કર્યું હતું..જે પરિસ્થિતિ અને ફાર્મહાઉસના ભૂગોળને જોતા યથાયોગ્ય જ હતું.

ચાલીસીએ પહોંચેલા અબ્બાસ ગનીવાલાએ અત્યાર સુધી આવા ઘણા ઑપરેશનોને અંજામ આપ્યો હતો..આથી એમને બનાવેલા પ્લાન પર એમની જોડે હાજર તમામને પૂર્ણતઃ વિશ્વાસ હતો. અબ્બાસ ગનીવાલાની આવડત વિશે માહિતગાર એવા રાજવીર શેખાવતે આથી જ આ ઑપરેશનની કમાન કોઈ રૉ એજન્ટને આપવાના બદલે એક લોકલ એટીએસ અધિકારીને સોંપી હતી.

અબ્બાસના જણાવ્યા મુજબ રાજલ અને કેવિન ફાર્મહાઉસની પછીતે પહોંચ્યા..ગગન અને બીજા બે એટીએસ અધિકારીઓ ફાર્મહાઉસની જમણી તરફ જ્યારે બાકીના એટીએસ અધિકારીઓ સાથે અબ્બાસ ગનીવાલા ફાર્મહાઉસની આગળની તરફ. આ ત્રણેય ટીમ વોકિટોકી દ્વારા એકબીજા જોડે સંપર્કમાં હતી, જેથી કોઈ મિસકોમ્યુનિકેશનની શકયતા જ ના રહે. આ દરેક અધિકારી અત્યાધુનિક હથિયારો અને બુલેટપ્રુફ જેકેટથી સજ્જ હતા.

ફાર્મહાઉસની ફરતે આવેલી છ ફૂટ ઊંચી દીવાલ કૂદીને રાજલ અને કેવિન પાછળની તરફથી ફાર્મહાઉસની અંદર પ્રવેશ્યા..ગગનસિંહ અને એના જોડે મોજુદ એટીએસ અધિકારીઓ જમણી તરફની દીવાલ કૂદીને ફાર્મહાઉસની અંદર આવી ગયા. સાવધાની સાથે અબ્બાસ ગનીવાલા પોતાની જોડે રહેલા એટીએસના અધિકારીઓને લઈને મુખ્ય ગેટને હળવેકથી ખોલીને ફાર્મહાઉસની આગળની ચોગાનમાં આવી પહોંચ્યા.

"હું ત્રણ ગણું એ સાથે જ બધા પોતપોતાની રીતે ફાર્મહાઉસની અંદર એકસાથે પ્રવેશ કરજો.." ફાર્મહાઉસના મુખ્ય દરવાજા નજીક પહોંચતા જ અબ્બાસ ગનીવાલાએ વોકિટોકી થકી પોતાની જોડે સંપર્કમાં રહેલા તમામ અધિકારીઓને ઉદ્દેશીને કહ્યું.

બીજી બે મિનિટ વીતી ગઈ..ફાર્મહાઉસની અંદરથી કોઈ પ્રકારની હલચલ નહોતી થઈ રહી. આખરે અંતિમ હુમલો કરવાની ક્ષણ નજીક આવી પહોંચી છે એ જાણતા અબ્બાસ ગનીવાલાએ વોકિટોકીને પોતાના મુખ નજીક લાવી ગણતરી કરતા કહ્યું.

"વન..ટુ... એન્ડ થ્રી...એન્ટર..!

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)