ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 15 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 15

ભાગ 15

ફુશાન આઈલેન્ડ, પીળો સમુદ્ર, ચીન

પોતાનો ખાત્મો કરવા આવેલા લી અને એના સાગરીતોનું ઢીમ ઢાળી દીધા બાદ અર્જુન અને નાયક આખરે ફુશાન આઈલેન્ડ આવી પહોંચ્યા હતા. આંખોની સાથે મનને શાતા બક્ષનારું ફુશાન દ્વીપનું નૈસર્ગીક વાતાવરણ મંત્રમુગ્ધ કરી દેનારું હતું.

વિલાડે ખૂબ જ લાગણીસભર રીતે અર્જુન અને નાયકનું સ્વાગત કર્યું..તાત્સુને નક્કી કરેલા ભાડાથી દસ ગણી વધુ રકમ આપીને અર્જુને એને પાછા જવા જણાવ્યું. એના જતા જ અર્જુન અને નાયકે આગળ શું કરવાનું હતું એ અંગે વિલાડ જોડે ગુફતગુ આરંભી.

સોટી જેવા દેહકાર ધરાવતા વિલાડની ત્વચા સામાન્ય ચીનાઓ કરતા વધુ તેજસ્વી હતી. એના લંબગોળ ચહેરા પર મૂછ ગજબની ઓપતી હતી. અર્જુન અને નાયક જ્યારે વિલાડને મળ્યા ત્યારે એને ગોળાકાર ચશ્મા આંખ પર ધારણ કરી રાખ્યા હતા.

"આપણે અહીંથી તાઇવાન જવાનું છે..!" અર્જુન અને નાયક જ્યાં ઊતર્યા હતા એ કિનારાથી દક્ષિણ દિશા તરફ જતી પગદંડી તરફ વધતા વિલાડ બોલ્યો.

"તાઇવાન..!" વિલાડની વાત સાંભળી અર્જુન અને નાયકનું મોં આશ્ચર્યથી લગભગ ખુલ્લું જ રહી ગયું.

"હા આપણે અહીંથી તાઇવાનના મુખ્ય શહેર તાઈપેઇ જઈશું અને ત્યાંથી હું તમારા ઈન્ડિયા જવાની સગવડ કરી દઈશ." વિલાડ બોલ્યો.

"આ શેખાવત સાહેબના આયોજન વિશે તો વખાણ કરવા જ રહ્યા..ચીન અને તાઇવાન વચ્ચે સંબંધ વણસેલા છે એટલે આપણે જેવા તાઈવાનની સમુદ્ર સીમામાં પહોંચીશું એટલે સંપૂર્ણ સલામત થઈ જવાના." અર્જુને નાયકને શેખાવત દ્વારા એ લોકોને વાયા તાઇવાન થઈને ભારત આવવાની યોજના કેમ બનાવી હતી એ અંગે સંક્ષિપ્તમાં જણાવી દીધું.

વીસેક મિનિટ જેટલું ચાલ્યા બાદ વિલાડ અર્જુન અને નાયકને લઈને ફુશાનના દક્ષિણ પૂર્વ તરફ આવેલા કિનારે પહોંચ્યાં..જ્યાં તાઇવાનનો ધ્વજ ધરાવતી એક નાવ લાંગરેલી હતી. આ એક સ્પીડ બોટ હતી, જેનું નામ હતું સ્ટિંગરે 225 એસ.એફ. આ નાવ સો માઈલ પ્રતિ કલાકથી વધુની ઝડપે દોડતી હતી.

બોટની નજીક એક ચીની ઊભો હતો. જેને વિલાડને જોઈ સ્મિત વેર્યું અને બોટમાં જઈને પહેલા પોતે ગોઠવાયો અને ઈશારાથી વિલાડ, અર્જુન અને નાયકને બોટમાં ગોઠવાઈ જવા કહ્યું. ચાર માણસોના બેસવાની ક્ષમતા ધરાવતી આ બોટમાં ત્રણ મશીનગન અને એક રોકેટ લૉન્ચર પણ રાખેલું હતું.

અર્જુન અને નાયકે પોતાના હોલ્ડઓલ પોતાના પગ જોડે રાખ્યા એ સાથે જ બોટમાં બેસેલા ચીનાએ બોટને ફૂલ સ્પીડમાં દોડાવી મૂકી. ફુશાન પછી આવતા ચાઈનીઝ દ્વિપોને ઓળંગી એ લોકોની આગળની સફર ચીનના તાઇઝુ, વેંઝુ ને સમાંતર દરિયાઈ માર્ગે તાઇવાન સુધીની હતી. ખૂબ જ ઉમદા સ્પીડ બોટમાં આગળની સફર ખેડવાની હોવાથી તેઓ ચારેક કલાકમાં તાઇવાનની સમુદ્ર સીમામાં અને પાંચેક કલાકમાં તો તાઇવાન પહોંચી જવાના હતા.

ઈસ. ઓગણીસો પિસ્તાળીસ સુધી તાઇવાન ચીનનો જ ભાગ હતો, જે સંયુક્ત રીતે PRC એટલે કે પબ્લિક રિપબ્લિક ઓફ ચાઈના તરીકે ઓળખાતું. પણ ત્યારબાદ ચીનની સામ્રાજ્યવાદી નીતિના લીધે તાઇવાન ચીનથી વિખૂટું પડી ગયું અને ત્યાં એક અલગ સરકાર બની, જે સમયાંતરે ચીન વિરોધી બની ગઈ. વિખૂટું પડેલું તાઇવાન રિપબ્લિક ઓફ ચાઈના તરીકે ઓળખાય છે જ્યાં ચીનની સામ્રાજ્યવાદી નિતિથી વિપરીત પ્રજાતંત્ર છે.

તાઇવાનના ચીનથી અલગ થયા પછી ચીન અને તાઇવાન વચ્ચે અવારનવાર સમુદ્રી સીમાને લઈને નાના-મોટા મતભેદો થતા રહે છે..જે આજ દિન સુધી અકબંધ છે. રૉના અમુક જાસૂસો તાઇવાનમાં અવારનવાર રોકાણ કરતા અને એમને વિલાડ જરૂરી મદદ પૂરી પાડતો. આ કાર્ય માટે વિલાડને તાઇવાન ગવર્મેન્ટ તરફથી ખાનગી રીતે છૂટ પણ આપવામાં આવી હતી.

જે ગતિમાં પીળા સમુદ્રના પીળાશ પડતા નીરને વીંધતી સ્પીડબોટ આગળ વધી રહી હતી એ જોઈને તો નાયક અને અર્જુને વહેલીતકે ભારત પહોંચવાની આગોતરી ગણતરી કરી રાખી હતી. અર્જુન અને નાયક પોતાને સોંપવામાં આવેલી કામને યોગ્ય ન્યાય આપી શક્યા હતા. લોન્ગના બેન્ક એકાઉન્ટનો પાસવર્ડ મેળવી એની મબલક સંપત્તિ દેશસેવાના કામ માટે ઉપયોગી બનાવવી, લોન્ગની છૂપી જગ્યાનો ભેદ ખોલી એના સામ્રાજ્યને ઈન્ટરપોલના હાથે તોડી પાડવા ઉપરાંત ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ અફઝલ પાશા હોવાની જાણકારી પણ શેખાવત અર્જુન અને નાયકના લીધે જ મળી શકી હતી.

આથી જ પોતાના આ બંને બહાદુર સિંહોને સલામત ભારત પાછા લાવવાની યોગ્ય તૈયારી શેખાવતે પહેલેથી જ રાખી હતી. બૉલીવુડની ફિલ્મો અને અમુક લિબરલ્સ વેબસિરિઝ મેકર્સની સિરિઝોથી વિપરીત રૉના કાર્યનિષ્ઠ ચિફને પોતાના દરેક જાસૂસની પોતાના સંતાનોથી અધિક ચિંતા હતી.

આમ છતાં પોતે આતંકવાદી હુમલા અંગે વધુ માહિતી મેળવી નહોતા શક્યા એનું દુઃખ પણ અર્જુનને મનોમન સતાવતું હતું. દરિયાના જળને ચીરીને આગળ વધી રહેલી સ્પીડબોટના લીધે દરિયામાં પેદા થતા ફીણને જોઈ રહેલા અર્જુનના કાને એકાએક કંઈક વિચિત્ર ધ્વનિ સંભળાયો.

અર્જુનની સાથે નાયક અને વિલાડે પણ એ અવાજ સાંભળ્યો હતો..અવાજની દિશામાં એ લોકોએ દ્રષ્ટિ ફેંકી તો એમની નજરે એક હેલિકોપ્ટર ચડ્યું જે અડધો કિલોમીટર છેટે ઉડતું પોતાની બોટનો પીછો કરતો હોવાની શંકા અર્જુનને હતી.

"ઓફિસર, તમારા હથિયાર તૈયાર કરો..એ હેલિકોપ્ટરમાં જિયોન્ગ લોન્ગ છે." વિલાડ સરળતાથી લોન્ગની માલિકીના એ આર44 નામક હેલિકોપ્ટરને ઓળખી ગયો હતો. ચાલક ઉપરાંત અન્ય ચાર લોકોના બેસવાની વ્યવસ્થા ધરાવતું આર44 નામનું હેલિકોપ્ટર વજનમાં અન્ય હેલિકોપ્ટર કરતા હલકું હતું, આથી જ એ સરળતાથી ગતિમાં ઉડી શકતું.

************

અમદાવાદ, ગુજરાત

પોતે જેને અફઝલ પાશા સમજીને પકડ્યો હતો એ વ્યક્તિ અફઝલ નહોતી પણ એની કોઈ હમશકલ હતી એ જાણ્યા બાદ રાજવીર શેખાવતે ડીઆઈજી શર્મા અને કમિશનર વણઝારાને સમગ્ર ગુજરાતને હાઇએલર્ટ પર મૂકવા જણાવી દીધું. ગુજરાતને હાઇએલર્ટ પર મૂક્યા પછી પણ આતંકવાદી હુમલાનો ખતરો ઓછો નથી થયો એ સારી રીતે સમજતા શેખાવતના ચહેરા પર ચિંતા, વ્યગ્રતા, ભયની રેખાઓ સપ્રમાણ ભળી ચૂકી હતી.

નગમા અને માધવને પાકિસ્તાનમાંથી અને અર્જુન અને માધવને ચીનમાંથી સહીસલામત પાછા લાવવાની યોજના તો અમલમાં મૂકાઈ ચૂકી હતી પણ એ યોજના સાકાર ના થાય ત્યાં સુધી એનો પણ બોજ શેખાવત વેઢારી રહ્યા હતા.

આગળ પોતાને શું કરવાનું છે એ વિચારતા શેખાવત અમદાવાદ કમિશનર ઓફિસની બહાર આવેલા બગીચામાં આવીને એક બેન્ચ પર બેઠા હતા. કેવિન એમની સાથે તો હતો પણ એ જાણતો હતો કે પોતાના સિનિયરને અત્યારે કોઈ જાતની વાતચીત કરવી પસંદ નહિ આવે એટલે એ ચૂપચાપ શેખાવતની જોડે બેઠો હતો.

અચાનક શેખાવતના ફોનની રિંગ વાગી, રિંગ વાગતા જ શેખાવતે કોટના ખિસ્સામાં હાથ નાંખી મોબાઈલ નિકાળ્યો અને ફોનની સ્ક્રીન તરફ જોયું.

ફોનની સ્ક્રીન પર આહુવાલીયા લખેલું હતું, જે વાંચતા જ શેખાવતનો ચહેરો ખીલી ઉઠ્યો. હતાશ ચહેરા પર આશાની રેખાઓ પ્રગટી ઉઠી.

આહુવાલીયા આઈ.બી એટલે કે ઈન્ટેલિજન્સ બ્યુરોના ચીફ હતા. રૉનું કાર્યક્ષેત્ર ભારતની બહાર નિર્ધારિત હોય છે અને આઈ.બીનું દેશની અંદર. આ બંને જાસૂસી સંસ્થાઓ વચ્ચેનો મનભેદ દૂર કરવાનું કાર્ય શેખાવત રૉ ચીફની પોસ્ટ સંભાળતા જ કરી ચૂક્યા હતા. બંગાળામાં થનારા કોમી રમખાણોને વિફળ બનાવવામાં પણ શેખાવત અને આહુવાલીયાની જોડીની મહત્વની ભૂમિકા હતી. આઈ.બી હેડ આહુવાલીયા થકી જ શેખાવતને ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલાની પ્રથમ લીડ મળી હતી.

પોતે કેવા સંજોગોમાં મુકાયા હતા એ અંગેની ચર્ચા શેખાવતે આગળના દિવસે આહુવાલીયા સાથે કરી હતી. એ ચર્ચાના અંતે આહુવાલીયાએ શેખાવતને કહ્યું હતું કે એમની જોડે શેખાવત માટે ખૂબ મહત્વની માહિતી છે જેનો સંબંધ નક્કી ગુજરાતના આતંકવાદી હુમલા સાથે હોઈ શકે છે. એ માહિતી શું છે એ જાણવાની આતુરતા શેખાવતે દર્શાવી ત્યારે આહુવાલીયાએ એમ કહી માહિતી નહોતી આપી કે પોતે એ બાબતે જ્યાં સુધી સંપૂર્ણ સ્યોર નહિ થાય ત્યાં સુધી એ અંગે નહિ જણાવે.

અચાનક આહુવાલીયાના પોતાની ઉપર આવેલા ફોન કોલે શેખાવતને એ માનવા મજબૂર કર્યાં કે હોય ના હોય આહુવાલીયા જોડે ખૂબ જ મહત્વની અને નક્કર ઇન્ફોર્મેશન છે.

"કેમ છો...મિત્ર?" ફોન રિસીવ કરતા જ ઉષ્માભર્યા સ્વરે શેખાવતે પૂછ્યું.

"બસ અત્યારે તો સુખી છીએ...આવતી ક્ષણની ખબર નહિ." પોતાના ચિત-પરિચિત અંદાજમાં આહુવાલીયાએ જવાબ આપ્યો.

"અત્યારે કોલ કરવાનું કોઈ ખાસ કારણ..!" મુદ્દાની વાત તરફ વધતા શેખાવતે પૂછ્યું.

"મેં તમને કાલે કહ્યું હતું કે મારી જોડે ગુજરાતમાં થનારા ટેરરિસ્ટ અટેક અંગેની માહિતી છે.." આહુવાલીયાએ કહ્યું. "એ માહિતી સચોટ છે."

"મને જણાવો કે તમને શું જાણવા મળ્યું છે.?" શેખાવતે જિજ્ઞાસાવશ પૂછેલા આ પ્રશ્નના ઉત્તરમાં આહુવાલીયા જે કંઈપણ જણાવતા ગયા એ સાંભળી શેખાવતના ભવા ખેંચાઈ ગયા, જડબા સખત થઈ ગયા અને આંખોમાં લોહી દોડી આવ્યું.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)