ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 12 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 12

ભાગ 12

ફુશાન આઈલેન્ડ, પીળો સમુદ્ર, ચીન

અર્જુન અને નાયકને લઈને તાત્સુ ફુશાન આઈલેન્ડ તરફ આગળ વધી રહ્યો હતો, જ્યાં વિલાડ એની રાહ જોઈ રહ્યો હતો. લોન્ગ અને લીને છકાવીને આવ્યા બાદ એ લોકો પોતાને નહિ પકડી શકે એવી ગણતરી કરતા અર્જુનને એ જોઈ આંચકો લાગ્યો કે પોતાની બોટની પાછળ એક બીજી મોટર બોટ તીવ્ર ગતિએ આગળ વધી રહી હતી.

"નાયક દૂરબીન આપને.." નાયકનું ધ્યાન પણ પાછળ આવતી બોટની એન્જીનના અવાજના લીધે એ તરફ ગયું હતું. અર્જુન શું વિચારી રહ્યો હતો એ સમજતો હોવાથી નાયકે વધુ કોઈ પ્રશ્નોત્તરી કર્યા વિના પોતાના ખભે લટકતા હોલ્ડઓલમાંથી દૂરબીન નીકાળી અર્જુનને આપ્યું.

અર્જુને આંખે દૂરબીન લગાવીને પાછળ આવતી બોટ તરફ જોયું..બોટ તરફ મીટ માંડતા જ અર્જુનનું હૃદય થડકી ઉઠ્યું. લી પોતાના સાગરીતો સાથે પોતાની પાછળ આવી રહ્યો હતો એ દ્રશ્ય જોયું અર્જુને આગળ શું કરવું એ અંગે ફટાફટ વિચારવાનું શરૂ કરી દીધું. લીને પોતાના અહીં હોવાની જાણકારી કેમની મળી હતી? એ પ્રશ્નનો જવાબ શોધવાનો સમય પણ અર્જુન પાસે નહોતો, અને એનો કોઈ અર્થ પણ નહોતો.

"નાયક..યાંગ લી..!" નાયકને દૂરબીન સોંપતા અર્જુને કહ્યું.

નાયકે વિસ્મય સાથે દૂરબીન હાથમાં લીધું અને પાછળ આવતી બોટમાં બેસેલા લી તથા અને ઘાતકી માણસો તરફ નજર કરી.

"હવે સર..?" નાયકના અવાજમાં ઉચાટ હતો, ચિંતા હતી.

"કરવાનું શું હોય..!" પોતાની બેગમાંથી મશીનગન નિકાળતા અર્જુને કહ્યું. "ઈટ્સ ટાઈમ ફોર સમ એક્શન..!!"

વેશ બદલીને કંટાળેલો નાયક પણ આજે ખુલ્લી છાતીએ લડવા ઉતાવળો હોય એમ ફટાફટ પોતાની બેગમાંથી બુલેટપ્રુફ જેકેટ કાઢીને પહેરવા લાગ્યો, અર્જુને પણ સલામતી ખાતર બુલેટપ્રુફ જેકેટ ધારણ કરી લીધું.

બોટ ભગાવી રહેલો તાત્સુ પહેલા તો પોતાની બોટમાં ભજવાઈ રહેલું દ્રશ્ય જોઈને ભયભીત થઈ ગયો..પણ, બીજી જ ક્ષણે એ ટૂંકમાં સમજી ગયો કે જો જીવિત રહેવું હશે તો પોતાની બોટમાં બેસેલા સવાર કહે એમ જ વર્તવું પડશે.

"નાયક, આને પણ એક જેકેટ આપી દે..!" તાત્સુ તરફ આંગળી કરી અર્જુને નાયકને કહ્યું..નાયકે હકારમાં ગરદન હલાવી અને બેગમાં પડેલું છેલ્લું બુલેટપ્રુફ જેકેટ તાત્સુને આપી દીધું.

તાત્સુએ પણ વધુ કંઈ વિરોધ કર્યાં વિના જેકેટ પહેરી લીધું અને બોટને ફૂલ સ્પીડે ફુશાન આઈલેન્ડ તરફ દોડાવી મૂકી. અર્જુને જ્યારે લીને જોયો હતો ત્યારે એમની બોટ અને લીની સ્પીડ બોટ વચ્ચે અડધા માઈલ જેટલું અંતર હતું. અલબત્ત સ્પીડ બોટની ગતિ પરથી અર્જુને અનુમાન લગાવી લીધું કે લીની બોટ દસેક મિનિટમાં પોતાની ફેરી બોટને આંબી લેશે. ફુશાન આવવા પોતે ફેરી બોટને બદલે સ્પીડ બોટ કેમ ના કરી એ પ્રશ્ન અર્જુનને હવે અકળાવી રહ્યો હતો, પણ હવે એ વિષયમાં વધુ વિચારવું અયોગ્ય જ હતું.

પોતાને છેતરીને ભાગેલા બંને શેખ અસાવધ હોવા જોઈએ એવી ગણતરી લીએ કરી હતી..પણ, અર્જુનના જોડે જે સામાન હતો એમાં મોજુદ દૂરબીને યાંગ લીની સઘળી ગણતરી નેસ્તાનાબુદ કરી દીધી.

'પહેલો ઘા રાણાનો..!' અતિ પ્રસિદ્ધ એવી આ ગુજરાતી કહેવતને સાર્થક કરતા અર્જુને યાંગ લી પોતાની ઉપર ફાયર કરે એ પહેલા જ યાંગ લી પર આક્રમણ કરવાનું મન બનાવી અર્જુને પોતાની ટાઈપ 57 મશીનગન હાથમાં લીધી, નાયક પણ એ.કે 47 સાથે સજ્જ હતો.

જેવી લીની બોટ અર્જુનની બોટથી પચાસેક મીટરના અંતરે આવી એ સાથે જ યાંગ લીની નજર અર્જુન અને નાયકના હાથમાં રહેલી મશીનગન પર પડી..પોતાના અને પોતાના સાગરીતો જોડે જે પણ બંદૂકો હતી એ બધી રિવોલ્વર ટાઈપ હતી. લી અને લ્યુકી જોડે નોરિંકો નામની રિવોલ્વર હતી જ્યારે ટીમ જોડે નાઈન એમ.એમ રિવોલ્વર. એમના સાગરીતોમાં ફક્ત ડ્યુક જોડે જ મશીનગન હતી, જે હતી યુઝી નામક અમેરિકન સેમી ઓટોમેટિક મશીનગન.

લી પોતાના સાગરીતોને કંઈ હુકમ આપે એ પહેલા તો અર્જુન અને નાયકના હાથમાં મોજુદ મશીનગન ધણધણી ઊઠી. પાંચેક સેકંડમાં તો ફુશાન આઈલેન્ડની આસપાસનું શાંત વાતવરણ ધમધમી ઉઠ્યું. અર્જુને અને નાયકે જે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું એના લીધે યાંગ લી અને એના તમામ સાગરીતો હતપ્રભ બની ગયા. અર્જુન અને નાયક જોડે આવી અત્યાધુનિક મશીનગન હશે એવી ગણતરી લીએ કરી જ નહોતી, એટલે લીએ વધુ કંઈ વિચાર્યા વિના પોતાના સાથીઓને બોટ પર સીધા સુઈ જવા આદેશ આપ્યો.

લીની આજ્ઞા મુજબ બધા વર્ત્યા તો ખરા પણ લ્યુકી સહેજ મોડો પડ્યો અને ડઝનભર ગોળીઓ એના શરીરમાં ઉતરી ગઈ. ટીમને પણ એક ગોળી ખભામાં વાગી હતી જ્યારે લીના કાન પાસે ઘસરકો કરતી એક ગોળી નીકળી ગઈ હતી.

અર્જુન અને નાયક હજુપણ લીની સ્પીડબોટ પર ધડાધડ ગોળીઓ છોડતા જ હતા, જેનાંથી બચવા લીએ, ડ્યુકે અને ટીમે પોતાના જ મૃત સાથીદારના મૃતદેહની આડશ લીધી હતી.

પોતાની ગોળીઓ હવે સ્પીડ બોટના ડેક અને ડ્યુકના મૃતદેહમાં જ ખૂંપી રહી હતી એ જોઈ અર્જુને ગોળીબાર અટકાવી દીધો અને નાયકને પણ એમ કરવા જણાવ્યું.

બે મિનિટ સુધી રાહ જોવા છતાં યાંગ લી તરફથી કોઈ પ્રતિકાર ના થતા અર્જુને તાત્સુને બોટ ફુશાન તરફ લઈ જવા આદેશ આપ્યો. સ્વબચાવમાં ફેરી બોટના વચ્ચેના ભાગમાં ટૂંટિયું વાળીને બેસેલો તાત્સુ ધ્રૂજતા દેહે ઊભો થયો અને બોટના હેન્ડલને પકડીને ડ્રાઈવિંગ સીટમાં ગોઠવાયો.

તાત્સુ બોટ સ્ટાર્ટ કરી રહ્યો હતો ત્યાં જ સ્પીડ બોટ તરફથી ધડાધડ ગોળીઓ વરસવાની શરૂ થઈ..ક્રોધાવેશ લી, ટીમ અને ડ્યુક અર્જુન અને નાયક પર ગોળીઓ વરસાવવા લાગ્યા. આ સંજોગોમાં જો અર્જુન અને નાયકે બુલેટપ્રુફ જેકેટ ના પહેર્યું હોત તો અર્જુનની છાતીમાં  અને નાયકના પેટમાં એક-એક ગોળી અવશ્ય ઉતરી જાત.

ઓચિંતા થયેલા આ હુમલાથી સ્તબ્ધતામાં સરી પડેલા નાયક અને અર્જુને પુનઃ પોતાની મશીનગન સંભાળી..મશીનગનની ટ્રિગર પર હાથ મૂકી એમને કાઉન્ટર ફાયરિંગ કર્યું, જેમાં અર્જુને છોડેલી ગોળી ટીમની ખોપડીમાં ઉતરી ગઈ અને એનું તત્ક્ષણ પ્રાણ પંખેરૂ ઉડી ગયું.

ટીમનો ખેલ ખતમ થતા જ પુનઃ લી તરફથી થતું ફાયરિંગ અટકી ગયું હતું..આમ પણ લીની રિવોલ્વરમાં એકપણ ગોળી વધી નહોતી. ડ્યુકની યુઝી પણ ખાલી થઈ ચૂકી હતી જ્યારે એની રિવોલ્વરમાં માત્ર બે ગોળીઓ વધી હતી. બે મિનિટ એમ જ શાંતિમાં વીતી ગઈ..ડરથી કંપતો તાત્સુ અર્જુનના આદેશની રાહ જોઈ બોટનું સ્ટેયરિંગ પકડીને બેઠો હતો.

"નાયક, ગ્રેનેડ નીકાળ.." ધીરજ ગુમાવી ચૂકેલા અર્જુને નાયકને ઉદ્દેશીને ઊંચા સાદે કહ્યું.

ગ્રેનેડ શબ્દ સાંભળતા જ યાંગ લી જેવો ખૂંખાર માણસ પણ સમજી ગયો કે પોતે હવે ઘડી બે ઘડીનો જ મહેમાન છે..આગળ શું કરવું એ વિચારવાનો સમય હવે યાંગ લી પાસે નહોતો. પોતાના માથે યમદૂત બનીને ઊભેલા બંને શેખની સાચી ઓળખ પોતે મર્યા પહેલા નહિ જાણી શકે એ વાતનો ખેદ લીના મુખ પર જણાતો હતો.

"ડ્યુક કેટલી ગોળીઓ વધી છે..?"

"બે.." પોતાની રિવોલ્વરની મેગેઝીન જોતા ડ્યુક ધીરા અવાજે બોલ્યો.

"લાવ મારી જોડે.." આદેશઆત્મક સૂરમાં લીએ કહ્યું.

ડ્યુકે ચૂપચાપ લીના હાથમાં રિવોલ્વર રાખી દીધી..રિવોલ્વર હાથમાં આવતા જ લીએ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કર્યું અને મરણીયા બની પોતાના શરીરને બોટની ડેક પર ઊંચક્યું.

અર્જુન ભણી રિવોલ્વરનું નાળચુ રાખી લીએ રિવોલ્વરનું ટ્રિગર દબાવ્યું..પોતાનું કાસળ નીકળી જવાનું છે એ જાણતા ડ્યુકે એ જ સમયે બોટમાંથી પાણીમાં કૂદકો લગાવી લીધો. લીના અણધાર્યા હુમલાથી અર્જુન ચેતે એ પહેલા લીએ છોડેલી એક ગોળી અર્જુનની જમણી સાથળને ચીરતી નીકળી ગઈ.

જાણે કોઈએ ગરમ સળગતો સળિયો સાથળ પર રાખી દીધો હોય એવી પીડા સાથે અર્જુનના મુખેથી તીણી ચીસ નીકળી ગઈ..અર્જુનની આ ચીસના રીફલેક્શન સ્વરૂપે નાયકે ગ્રેનેડની પિન ખેંચી અને ગ્રેનેડને જોરથી લીની બોટ તરફ ફેંક્યો.

બીજી જ સેકંડે કાન ફાડી નાંખે એવો ધમાકો થયો..સ્પીડબોટના અવશેષો સાથે લીના શરીરના અવશેષો હવામાં ઊંચે ઉડયા અને સમુદ્રની સપાટી પર અહીં-તહીં વેરાઈ ગયા. ડ્યુક છેલ્લી ઘડીએ બોટમાંથી કૂદી તો ગયો હતો પણ સ્પીડ બોટના અવશેષોમાંથી મેટલની એક પ્લેટ ઉડીને એના ગરદનની આરપાર નીકળી ગઈ, આ સાથે ડ્યુકનું પણ કામ ત્યાં જ તમામ થઈ ગયું.

"સર, શું થયું તમને..?" અચાનક બોટની ડેક પર સાથળ પકડીને બેસેલા અર્જુનને જોઈ નાયકે ચિંતિત સ્વરે કહ્યું.

"કંઈ નહીં..બસ બુલેટ ઘસરકો કરીને નીકળી છે." અર્જુનના અવાજમાં દર્દ હતું છતાં એની આંખોમાંથી એ પીડા અદ્રશ્ય હતી.

"બોટને જલ્દી આઈલેન્ડ તરફ ભગાવ..!" નાયકે તાત્સુને આદેશ આપ્યો..આ જ ઓર્ડરની રાહ જોઇને બેઠો હોય એમ તાત્સુએ તુરંત બોટ ચાલુ કરી અને ફુશાન આઈલેન્ડ તરફ ભગાવી મૂકી.

આ સાથે નાયક અર્જુનની પ્રાથમિક સારવારમાં પરોવાઈ ગયો..બેગમાં રાખેલા ફર્સ્ટ એઇડ બોક્સમાંથી આયોડીન નીકાળી નાયકે અર્જુનનો ઘા સાફ કર્યો અને એના પર મલમ લગાવી રુનું પુમડું રાખી, એની પર પાટો બાંધી દીધો.

ફુશાન આઈલેન્ડના પોર્ટ પર ઊભેલા વિલાડે પણ ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો..પણ, એ અર્જુન અને નાયકના સલામત આવવાની પ્રાર્થના સિવાય વધુ કંઈ કરી શકે એમ નહોતો.

ગોળીબાર બાદ થયેલા વિસ્ફોટનો અવાજ સાંભળી વિલાડના હૈયે ફાડ તો પડી હતી પણ એ હાથ ઘસતો કિનારે ઊભો રહ્યો. દસેક મિનિટ બાદ દૂરથી આવતી ફેરી બોટને જોઈને વિલાડે આંખો ઝીણી કરી બોટ તરફ નજર કરી..બોટમાં એક વ્યક્તિ સફેદ રૂમાલ ફરકાવી રહી હતી એ જોઈ વિલાડના ચહેરા પર સ્મિત ફરી વળ્યું. આ સિગ્નલ હતું બધું હેમખેમ હોવાનું, જે અંગે શેખાવત અને વિલાડ વચ્ચેની ચર્ચામાં નક્કી થઈ ચૂક્યું હતું.

અર્જુન અને નાયકને લઈને જ્યારે તાત્સુ ફુશાન પહોંચ્યો ત્યારે એ બંનેને લાગ્યું કે હવે એ સકુશળ ભારત પહોંચી જશે. સામા પક્ષે વિલાડ પણ એ જ વિચારતો હતો કે એ બંનેને લઈને પોતે સલામત રીતે તાઇવાન પહોંચી જશે અને ત્યાંથી શેખાવતના કહ્યા મુજબ બંનેને ભારત પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી દેશે.

અર્જુન અને લી વચ્ચે જે સમયે ભયંકર મુકાબલો ચાલુ હતો એ જ સમયે હેંગસા આઈલેન્ડ પરથી એક હેલિકોપ્ટર ફુશાન આઈલેન્ડ તરફ ઊડી ચૂક્યું હતું; જેમાં જિયોન્ગ લોન્ગ મોજુદ હતો.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)