સંક્રમણ - 13 - છેલ્લો ભાગ Kirtipalsinh Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

સંક્રમણ - 13 - છેલ્લો ભાગ

શહેર આખું શાંત છે. માત્ર રોડ પર ' સંક્રમણ ' ના નારા લગાવી રહેલ જૂથોનો અવાજ છે. સહુ કોઈ ચિંતિત છે કે આ બધું ક્યારે પતશે. સહુ કોઈ ઇન્સ્પેકટર ઢોલીરાજ પર વિશ્વાસ કરીને બેઠા છે. પોલીસનો કાફલો ઠેર - ઠેર ઊભો છે. એક કલાક વીતી ગયો છે.

ઇન્સ્પેકટર ઢોલીરાજ પોલીસ સ્ટેશનમાં તેમની ખુરશીમાં આંખો બંધ કરીને બેઠા છે. તેમની ટીમ તેઓની પાસે ઊભી તેમને એકીટસે જોઈ રહી છે. ત્યાંજ વાયરલેસ માંથી અવાજ આવે છે કે, "નારા લગાવી રહેલ લોકો ધીરે ધીરે શાંત પડી રહ્યા છે. બેભાન થઈ રહ્યા છે." આ સાંભળીને સહુ કોઈ આશ્ચર્ય પામે છે. તેઓ ઇન્સ્પેકટર ઢોલીરાજ તરફ જોઈ રહે છે.

ઇન્સ્પેકટર ઢોલીરાજ આંખો ખોલે છે. તેઓ મુખ પર સ્મિત ફરકાવીને તેમની ટીમ સામે જુએ છે. તેઓ એક ઈશારો કરે છે અને થોડી સમય બાદ શહેર માં બધું ચાલુ થઈ જાય છે અને પછી તેમનો લાઈવ વિડિયો ફરી એકવાર શહેર ના તમામ લોકો સામે આવે છે.

'મારા શહેરીજનો, હું તમારા તમામનો આભાર માનું છું. મારા પર વિશ્વાસ રાખીને તમે સાબિત કરી બતાવ્યું કે એકતામાં બહુ મોટી શક્તિ છે. જે લોકો શહેરમાં અશાંતિ ફેલાઈ રહ્યા હતા એ તમામ લોકો હવે બેભાન છે પણ ચિંતા કરવાની જરૂર નથી. તેઓ તમારા સ્નેહીજનો જ છે બસ ભાન ભૂલી ચૂક્યા હતા. તેઓ તમામને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. જ્યારે તેઓ ભાન માં આવશે ત્યારે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે અને એમને યાદ પણ નહિ હોય કે એમણે શું કર્યું હતું. આ બધું કેવી રીતે થયું એ કહું પણ એ પહેલાં એક વાત જાણી લો કે મનુષ્યની સૌથી મોટી ખૂબીઓ જ તેમની સૌથી મોટી ખોટ બની શકે છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે કોઈ કોઈના પર વિશ્વાસ નથી કરતું, પૈસા કમાવાની હોળ માં આપણે એ તમામ સીમાઓ પાર કરી રહ્યા છે જે માનવતાને પણ શરમમાં મૂકી દે છે. આજકાલ સંબંધો માં વિશ્વાસ, માન કે પ્રેમ નથી રહ્યો. બસ લાલચ, દ્વેષ, ઈર્ષ્યા, ઘૃણાથી ભરેલ આપણું મન આપણને જ કમજોર બનાવી રહ્યું છે અને આપણી આજ કમજોરી નો ફાયદો ઉઠાવે છે કટ્ટર નામક દુષ્ટો. જે આપણી સાથે રહીને પણ આપણું જીવન બરબાદ કરી નાખે છે. જે લોકો શહેરમાં અશાંતિ ફેલાવી રહ્યા હતા એ તમામ લોકો માનસિક રીતે દુઃખી અને નકારાત્મક ભાવોથી પરેશાન હતા અને જેના કારણે કટ્ટર જેવા દુષ્ટે તેમનો માર્ગ ભટકવ્યો. એટલે આપણે હમેશા નકારાત્મક ભાવો થી દુર રહેવું જોઈએ અને એકબીજાને સાથ આપવો જોઈએ. અને કટ્ટરથી ડરવાની જરૂર નથી. તેને મૈં પહેલાં પણ હરાવ્યો છે. અમારો જૂનો ઈતિહાસ છે. ફરી એકવાર આપ તમામ નો આભાર.'

વિડિયો પૂરો થાય છે અને ઇન્સ્પેકટર ઢોલીરાજ પોતાની ખુરશીમાંથી ઉભા થાય છે અને તેમની ટીમ ને સલામ ભરીને પોતાની પિસ્તોલ અને બેલ્ટ ઉતારી દે છે. સહુ કોઈ આ જોઈને આશ્ચર્યમાં છે.

"સર? સર? તમે શું કરી રહ્યા છો?" એક અધિકારી પૂછે છે.

"જ્યારે હોટલમાં પેલી યુવતીનું મર્ડર થયું હતું ત્યારે જ પેલી સોનાનાં હાથાવાળી કટાર જોઈને મને અંદાજો આવી ગયો હતો કે કટ્ટર આવી ગયો છે. પણ તે શહેર ના લોકોને આવી રીતે નિશાન બનાવશે તેનો ખ્યાલ નહોતો. તે મારી ભૂલ હતી. મારી અસફળતા હતી. એટલે હું જઈ રહ્યો છું. કટ્ટર નો સંપૂર્ણ નાશ કરવા માટે. તે અમારા બધાની કરેલ ભૂલોનું જ પરિણામ છે. એટલે ભૂલનો સુધારો બી અમારે જ કરવાનો છે. તે અત્યારે શહેરથી દૂર પણ જતો રહ્યો હશે. તેની કોઈને જાણ પણ નહિ હોય અને ચહેરો પણ નહિ જોયો હોય એટલે મારે પોતાને જ એને શોધવો પડશે. એને મારો જ ઇંતેજાર છે. તમે સહુ આપણા શહેરની રક્ષા કરતા રહેજો અને તમામ લોકોને સાથ સહકાર આપજો જેવી રીતે તમે બધાએ મને આપ્યો છે." આટલું બોલીને ઢોલીરાજ તમામને છેલ્લીવાર મળે છે. સહુ કોઈ તેમને રોકવાનો પ્રયત્ન કરે છે પણ ઢોલીરાજ ત્યાંથી નીકળી જાય છે.

રાત્રિના ૧૨ વાગી રહ્યા છે. ઢોલીરાજ તેમના ઘરમાં છે. સ્નાન કરીને પલંગ નીચેથી એક મોટી પેટી કાઢે છે. તેના પર લાગેલ તાડા ને તોડે છે અને અંદરથી વસ્ત્રોની પોટલી કાઢે છે. તે વસ્ત્રો પહેરતા જ ઢોલીરાજના તમામ રંગરૂપ બદલાય છે. સામાન્ય યુવકમાંથી તે એક સૈનિકના વેશમાં આવી જાય છે. ઢોલીરાજ જુએ છે કે તેમના પોશાકમાં તલવાર રાખવાની જગ્યા ખાલી છે. ત્યાંજ વીજળીનો ચમકારો થાય છે અને ઢોલીરાજ બારી તરફ જુએ છે તો કટ્ટર ત્યાં બેઠો હોય છે. તેના હાથમાં સોનાના હાથાવાળી બે તલવારો છે જેમાંથી એક તલવારની ધાર પર તે આંગળીઓ ફેરવી રહ્યો છે.

"કેટલા સરસ દિવસો હતા એ, નઈ?" કટ્ટર સ્મિત કરતા કરતા કહે છે.

"તે મારા લોકોને પરેશાન કરીને બહુ ખોટું કર્યું, કટ્ટર." ઢોલીરાજ દાંત કકડાવી ને બોલે છે.

"ઓહ તો હવે એ તારા લોકો થઈ ગયા. આવા કમજોર લોકોની સાથે રહીને તને શું મળ્યું?" કટ્ટર પૂછે છે.

"તને મનુષ્યોની શક્તિઓની ખબર નથી. તે જોયું ને કે તું આજે કેવો હારી ગયો. તારી યોજના અસફળ નીવડી." ઢોલીરાજ બોલ્યા.

"હા.. હા... હા... મારા મોહીમન રસાયણથી થયેલા ધુમાડાના પ્રભાવની અસર તો તે જોઈ જ લીધી ને?" કટ્ટર હસતા હસતા પૂછે છે.

"મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. પણ તારા જેવા દુષ્ટોથી બીજી વખત તેઓ ભ્રમિત નહિ થાય. તે નિયમ તોડ્યો છે, કટ્ટર. આ લડાઇ તારા અને મારા વચ્ચે હતી. મનુષ્યોને વચ્ચે લાવવાની જરૂર નહોતી." ઢોલીરાજ કહે છે.

"મનુષ્યોને વચ્ચે તું લાવ્યો છે, ઢોલીરાજ..હા ..હા .. હા.. .અરે હું તો ભૂલી જ ગયો. રાજા ઢોલી. ખરા છે તમારા રંગરૂપ. ક્યારેક રાજા ઢોલી તો ક્યારેક ઢોલીરાજ." અટ્ટ હાસ્ય કરતા કરતા કટ્ટર બોલે છે.

"આપણી લડાઈ હજી અધૂરી છે એ ભૂલતો નહિ, કટ્ટર." ઢોલીરાજ પડકાર ભાવે બોલે છે. જેને સાંભળીને કટ્ટર પણ ક્રોધિત થાય છે.

"તો પછી ચલ પૂરી કર આપણી કહાની, ઢોલીયા." બોલીને એક તલવાર બારીની પાળી પર ઘુસાડીને વીજળી ના ચમકારામાં કટ્ટર ગાયબ થઈ જાય છે. ઢોલીરાજ તે તલવારને લઈને પોતાના પોશાકમાં લગાવી લે છે.

મધ્ય રાત્રિ માં ઢોલીરાજ એક સુમસાન રોડથી નીકળીને જંગલ તરફ જઈ રહ્યા છે ત્યાં જ એક સ્મશાન તરફ તેમની નજર પડે છે. તે જુએ છે કે એક માણસ સ્મશાનમાં પડેલી રાખો ના ઢગલામાં કઈક વીણી રહ્યો છે. ઢોલીરાજ તેની નજીક જઈને એ વિશે પૂછે છે. પહેલા તો પેલો વ્યક્તિ ડરી ગયો કે આ સૈનિકનાં વેશમાં કોણ છે પણ પછી હસીને ઉભો થાય છે.

"અરે ભાઈ આટલી રાત્રિએ આ શું નાટક છે?" તે માણસ પૂછે છે.

"હા એક નાટકમાંથી જ થઈને આવું છું ને બીજા નાટક માટે જઈ રહ્યો છું. તમને અહીં જોયા એટલે પૂછવા આવ્યો. આટલી રાત્રે અહી સ્મશાનમાં શું કરી રહ્યા છો?" ઢોલીરાજ પૂછે છે.

"મને એક ચિઠ્ઠી મળી કે શહેરમાં જે કંઈ થયું તે એક ખજાનાને છુપાવવા માટે થઈ રહ્યું હતું અને તે ખજાનો અહીં સ્મશાનમાં છૂપાયેલો છે એટલે એ લેવા આવ્યો છું." એ માણસ બોલ્યો. અને આ સાંભળીને ઢોલીરાજ મોટો નિસાસો નાખે છે.

"અરે રે.." કપાળ પર હાથ મારતા ઢોલીરાજ ત્યાંથી આગળ નીકળી જાય છે અને દૂર કટ્ટર ના અટ્ટહાસ્ય નો નાદ સંભળાય છે.

The End
* * *


અસ્વીકરણ:
સંક્રમણ સિરીઝ કાલ્પનિક રચના છે. નામો, પાત્રો, વ્યવસાય, સ્થાનો અને ઘટનાઓ લેખકની કલ્પનાશીલતાના ઉત્પાદનો છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવિત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સામ્યતા સંપૂર્ણ રીતે યોગાનુયોગ છે.
..
.
..
સંક્રમણ સિરીઝ ને આટલો સુંદર પ્રતિસાદ આપવા બદલ આપ તમામ મિત્રો તેમજ વાંચકોનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે, સંક્રમણ સિરીઝ માં રજૂ કરેલ સંદેશો તેમજ સારા વિચારો તમને પસંદ પડ્યા હશે અને કહાનીનાં અંતિમ ત્રણ ભાગોમાં રજૂ કરેલ નવો મોડ તમને ગમ્યો હશે. આ સિરીઝ માં એક અનુઠો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે હું દર વખતે મારી કૃતિઓમાં કરવાની કોશિશ કરતો હોઉં છું. કદાચ તમે નોંધ લીધી હોય તો કે સંપૂર્ણ સિરીઝ માં ઘણા બધા પાત્રો છે પરંતુ કોઈની પણ વ્યક્તિદીઠ નામ દેવાને બદલે કહાનીમાં એક બે પાત્રો ના નામ સિવાય બધાને રજૂ કર્યા છે. આ માત્ર એક નવો અનુભવ લેવાનો પ્રયાસ હતો અને આશા છે કે તમને બધાને એ તમામ વાર્તાલેખન વાંચવામાં અને સમજવામાં કોઈ તકલીફ નહિ પડી હોય. કદાચ જો ક્યાંક ચૂક રહી ગઈ હોય તો તે બદલ ક્ષમાપ્રાર્થી છું. ધન્યવાદ.
- Kirtipalsinh Gohil (લેખક)