સંક્રમણ - 2 Kirtipalsinh Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંક્રમણ - 2

રાત ના ૧૧ વાગી રહ્યા છે. શહેર ની એકાદ મોટી ઇમારત ના એક મોટા ફ્લેટના એક રૂમમાં એક યુવાન છોકરી ગીત ગણગણાવી રહી છે અને બહાર જવા માટે તૈયાર થઈ રહી છે. તૈયાર થઈને તેણી હજી મોબાઈલ લઈને રૂમમાંથી બહાર નીકળે જ છે કે તેણી જુએ છે કે તેણીની દાદી 'અરે રે, આ બધા કેમ રોજે ઝઘડા કરતા હોય છે...' બબડીને હજી ઘર નો દરવાજો ખોલવા જ જાય છે કે પેલી છોકરી તેમને રોકી દે છે.

"દાદી, ક્યાં જાઓ છો તમે?" તેણી પૂછે છે.

"અરે જોને આપણી સામે વાળા. જ્યારથી આઇ છું ત્યારથી રોજે આપસ માં ઝઘડતાં જોઉં છું. એક તો એટલો સરસ પરિવાર છે પણ સમજતા નથી. હું જાઉં છું સમજાવવા." દાદી બોલે છે.

"કોઈ જરૂર નથી." છોકરી અકળાઈ ને બોલે છે,"એ આપણી સમસ્યા નથી, દાદી. આ તમારું ગામડું નથી એટલે બીજા ના જીવન માં હાથ ન નાખશો. પ્લીઝ."

"પણ તું ક્યાં જાય છે આટલા મોડા? દાદી પૂછે છે.

"જોયું ને મૈં હમણાં જ કીધું કે બીજા ના જીવન માં નઈ નળવાનું. જાઓ તમે તમારા રૂમમાં." બોલી ને તે છોકરી મોબાઈલમાં ફોનની રીંગ સાંભળીને ઉઠાવે છે અને, "બસ જો આ આઇ, યાર." કહીને જતી રહે છે. તેની દાદી દરવાજો બંધ કરીને ગેલેરી માં જાય છે ને નીચે જુએ છે તો એક બાઈક વાળો ઊભો હોય છે જેની બાઈક પર બેસીને પેલી છોકરી જતી રહે છે.

દાદી ગેલેરીથી અંદર ઘરમાં આવીને બીજા રૂમ તરફ જાય છે જ્યાં તેનો પુત્ર અને વહુ હોય છે. પુત્ર લેપટોપ પર કામ કરી રહ્યો છે અને વહુ મોબાઈલમાં સહેલીઓ સાથે વિડિયોકોલ પર વાતો કરી રહી છે. દાદીને રૂમમાં આવેલા જોઈ તેણી મોઢું બગાડીને મોબાઈલ બંધ કરીને બાજુ મૂકે છે.

"કેમ મમ્મી? તમને મારી છોકરી પર શું ઝેર છે તો દર વખતે એની પાછળ પડતા રહેતા હોવ છો?" વહુ તીખા સ્વરે પૂછે છે.

"સંતાનોનું ધ્યાન માતા પિતાએ રાખવું જોઈએ. અને તમારા બન્ને પાસે તો પોતાના માટે જ સમય નથી તો યુવાન છોકરીનું ધ્યાન હું તો રાખું ને. પણ લાગે છે કે એમાં પણ મોડું થઈ ગયું છે." દાદી બોલે છે.

"મમ્મી, પ્લીઝ. તમે ફરી થી શરુ ન કરશો. અમને કામ કરવા દો." દાદી નો પુત્ર પણ અકળાઈને બોલે છે.

"અરે શું કામ કરો છો તમે? આ આખો દિવસ મોબાઈલ માં રહે છે અને તારે શું ઓફિસ ચોવીસે કલાક ચાલુ હોય છે તો આખો દિવસ લેપટોપ પર જ બેઠો રહે છે?" દાદી પૂછે છે.

"મમ્મી, પૈસા એમનેમ નથી આવતા. એ તમે નહિ સમજો." પુત્ર બોલે છે.

"મારી સહેલીઓ સાચું જ કહે છે. ઉમર વધે એમ સમજણ ઘટે. એટલે જ તેઓ એકલા રહે છે." વહુ ની આ વાત સાંભળીને દાદી નિરાશ થઇ જાય છે.

"તમે લોકો મને સમજાવો છો કે જીવન શું છે. તમને તમારા આ પૈસા કમાવા વાળા પગ પર ઊભા રાખતા અમે શીખવાડ્યું છે. જે પૈસા નો રાગ અત્યારે તમે લોકો અલાપો છે એની કિંમત તો તમને છે પણ નહિ. અરે, જે સંતાન માટે આટલું કમાઓ છો કમસેકમ એના પર તો ધ્યાન આપો ક્યારેક." દાદી બોલે છે.

"મમ્મી, પ્લીઝ. એ એની આઝાદી છે. એનો સમય છે. જમાનો બદલાઈ ગયો છે. હવે જમાના સાથે ચાલવું જોઈએ." વહુ બોલે છે.

"જમાનો આપણે જ બદલીએ છે. અને દરેક વ્યક્તિ ને પોતાની આઝાદી નો હક છે પણ સંતાન ને દુનિયાદારી નું જ્ઞાન બહાર થી નહિ પરંતુ માતા પિતાથી મળવું જરૂરી છે તો જ સંતાન ને ખબર પડે કે આ દુનિયા માં એના માટે શું સારું છે અને શું નહિ. સંતાન જ્યારે માતા પિતાથી વાતો છૂપી રાખે એ માતા પિતાની અસફળતા છે. તમારી દીકરી અત્યારે ક્યાં ગઈ છે તમને એની ખબર પણ નથી લાગતી." દાદી એકીસાથે બોલે છે.

"અમને જ્ઞાન દેતા પહેલા પોતાનું વિચારો. સામે વાળા ભાઈ એ ફરિયાદ કરી તી કે તમે એમના ખાનગી બાબત માં પડ્યા તા. તમારા પુત્ર ને કેટલું સંભાળવું પડ્યું હતું." વહુ બોલે છે.

"નાની વાતો માં ઝઘડા કરે એ સારું લાગતું હશે કઈ. અને તમે બધા કેવા પડોશી છો કે માત્ર હસી મજાકમાં જ સાથે હોવ છો ને ખરેખર જરૂર હોય ત્યારે બંધ દરવાજે કાન આઘા કરી નાખો છો. મારા થી હવે અહી નહિ રહેવાય. બેટા મને હતું કે મારા પરિવાર સાથે રહીને અત્યાર સુધી ના જીવન ની તમામ તકલીફો ભૂલી જવાશે પણ અહી તો તમે લોકો તકલીફો ને જ સામે થી ગળે લગાવી ને બેઠા છો. મને કાલે ગામડે મોકલી દે. મારા માટે ત્યાં સારું છે. ત્યાં મારું ભલે કોઈ પરિવાર નું નહિ હોય પણ એકલી તો નહિ હોવું. અહી તમે બધા તમારા જીવન માં જ એકલા છો બસ એક ઘર માં રહો છો." બોલી ને દાદી હતાશ મુખે તેમના રૂમ માં જતાં રહે છે. પુત્ર અને વહુ મોઢું મટકાઈ ને પોતાના કાર્ય માં લાગે છે.

આ તરફ રોડ પર બાઈક માં સવાર યુવાન છોકરી બાઈક ચલાવનાર છોકરા સાથે હસી મજાક કરી રહી છે.

"એક વાત તો કહે કે તને નીચે આવતા વાર કેમ લાગી હતી?" છોકરો પૂછે છે.

"જવાદે ને યાર. અમાર ઘર ની પેલી ડોશી છે ને એ આઈ છે કે ત્યારથી દિમાગ ખરાબ કરી રાખ્યું છે બધાનું. આમ નહિ કરવાનું ને તેમ નહિ કરવાનું. કંટાળી ગયા અમે તો. જાય તો સારું." છોકરી મોઢું મચકોડું ને બોલે છે.

"હા યાર. આ બુઢ્ઢા લોકોનો આ બહુ ત્રાસ." છોકરો ટ્રાફિક સિગ્નલ પર બાઈક રોકતા બોલે છે. તેઓની બાજુ માં એક કાર છે જેમાં એમના જેવા જ બે યુવાન છોકરા છોકરી યુગલ બેઠા છે.

તેમાંથી તે છોકરી કાર નો કાચ નીચે કરી આ બંને જણ ને કહે છે,"અરે, સાંભળો તમે બહુ સ્પીડ માં બાઈક ચલાવી રહ્યા છો. અમે ક્યારના જોઈએ છીએ. થોડી ધીમી ચલાવો. અને મોબાઇલ ને થોડો સમય ખીચા માં રાખો."

આ સાંભળીને બાઈક પર બેઠેલી છોકરી અકળાઈને બોલે છે,"તમે તમારું કામ કરો. અમારી મરજી." આ સાંભળી ને કાર માં બેઠેલ છોકરો તેની પ્રેમિકા ને ઈશારો કરે છે.

"કાચ નીચે કરી નાખ. એમને જ નથી પડી તો આપણે શું કરી શકીએ." છોકરા ની વાત સાંભળી નિરાશ થઈને એની પ્રેમિકા કાચ નીચે કરી દે છે.

ટ્રાફિક સિગ્નલ ખુલતા જ તેઓ બીજે તરફ વળીને જતા રહે છે અને બાઇક પર બેઠેલા સીધા આગળ વધે છે અને હસે છે.

"આજકાલ તો બધા ને પંચાત છે. ચલો એકાદ સેલ્ફી લઉં ને આપણાં પહેલા દિવસ ના ડેટ નો સ્ટેટસ મૂકું." કહીને છોકરી ચાલુ બાઈક પર મોબાઈલ થી એક સેલ્ફી લે છે અને પછી તેના બન્ને નો એકસાથે આગળ થી સેલ્ફી લેવા મોબાઈલ આગળ કરે છે ત્યાં જ છોકરા નું ધ્યાન અને નિયંત્રણ ખોરવાય છે અને આગળ જતી રિક્ષા ની સાથે પહેલું ટાયર અથડાઈને બાઈક સીધી ફંગોળાઈ ને એક બાજુ માંથી નીકળતી લક્ઝરી બસ ની નીચે ઘસેડાતી ઘૂસી જાય છે અને ચીખો સંભળાતા તમામ વાહનો થોભી જાય છે.

લક્ઝરી બસ પણ થોભી જાય છે. ડ્રાઈવર નીચે ઉતરે છે. લક્ઝરી બસ માં બેઠેલા તમામ લોકો બારીએથી નીચે જોવા લાગે છે. બીજા વાહનોમાંથી લોકો ઉતરે છે અને ભીડ થઈ જાય છે. લક્ઝરી બસ નો ડ્રાઈવર જુએ છે કે બાઈક ના બે ટુકડા થઈ ચૂક્યા છે ને લક્ઝરી બસ ની પાછળ બે લોહીલુહાણ મડદા પડ્યા છે. જેને જોઈને તે એમ્બ્યુલન્સ ને ફોન કરે છે.

* * *