સવારનો સમય છે. ઇન્સ્પેકટર ઢોલીરાજ ગાર્ડનમાં જોગિંગ કરી રહ્યા છે ત્યાં તેમની નજર બાંકડે બેઠેલા બે વૃદ્ધ અને એક યુવાન યુવતી પર પડે છે. તે ત્રણેય ફોનમાં કઈક જોઈ રહ્યા છે. બીજા અન્યો ને પણ બતાવી રહ્યા છે. તેઓ ઇન્સ્પેકટર ઢોલીરાજને ઉભેલા જોઈને તેમને પણ બોલાવે છે.
"શું થયું? બધા કઈક જોઈ રહ્યા છો ને વાતો કરી રહ્યા છો?" ઢોલીરાજ તેઓની પાસે જાય છે.
"તમે જોયો આ વીડિયો? શું કહેવું આજના યુવાનોને? જરા જુઓ તમે કે કેવો અકસ્માત થયો છે બિચારા નો." એક વૃદ્ધ ફોન ઢોલીરાજને આપતા કહે છે.
ફોનમાં ગઈકાલના પેલા ૨૦ વર્ષીય યુવાન અને તેની સુપર બાઈકનો રોડ પર પૂરઝડપે પડવાનો વિડિયો છે. તે જોઈને ઢોલીરાજ નિરાશ થઈને આંખો પલભર માટે બંધ કરી દે છે. બાજુમાં બેઠેલ યુવતી ફોન લઈને,"હજી કાલે જ એને બાઈક અપાવી હતી અને એ થોડાક જ કલાક માં આ થયું. સાંભળ્યું છે કે બહુ નાજુક હાલતમાં છે હજી તે છોકરો. પાંચ થી આઠ લાખ નો ખર્ચો તો થયો પણ હજી કઈ નક્કી નથી."
"આ આજકાલના યુવાનોનું દિમાગ ખબર જ નથી પડતી અમને તો. ઘરમાં માં બાપ ને ગાળું દેતા હોય છે અને બહાર ના બિનઅનુભવી તથાકથિત મિત્રોને સમ્માનથી માથે બેસાડતા હોય છે. જીવનમાં ન કોઈ ઉદ્દેશ કે ન તો કોઈની કદર. કઈ કહીએ એટલે આઝાદી નો ડોળ અને ઈન્ટરનેટ ના જ્ઞાન નું ઘમંડ. આવી તો કંઈ જિંદગી હોતી હશે." એક વૃદ્ધ બોલે છે.
"દાદાજી, અત્યારનો યુગ ખૂબ જ સરસ છે. પણ લોકોને એની કદર જ નથી. ટેકનોલોજી છે પણ એનો ઉપયોગ વિકાસને બદલે વિકારમાં બદલી રહ્યા છે. સામે પાછું મીડિયા પણ આગમાં ઘી રેડી રહ્યું છે. હમણાંની જ વાત કરું. અમારા પોલીસ સ્ટેશનના એક અધિકારીનો પુત્ર એક ફિલ્મ જોઈને આવ્યો. એ ફિલ્મના હીરોનું ટેટૂ એને એટલું પસંદ પડ્યું કે એણે એવું જ ટેટૂ હમેશા માટેનું એના હાથ પર કોતરાવી દીધું, બોલો. હવે એમ કહો કે એ હીરોએ તો એના ફિલ્મ ના પાત્ર મુજબ એ ટેટૂ બનાવ્યું હોય, હમેશા માટે નહિ. પણ સમજે કોણ?" ઢોલીરાજની વાત સાંભળી ત્યાં ઉભેલા બધા સાચી વાત કહી આપે એમ બોલે છે. ત્યાં જ સોસાયટીથી કેટલાક અવાજો સંભળાય છે. જેને સાંભળીને સહુ ત્યાં જાય છે.
સોસાયટીમાં બે સ્ત્રીઓ આમને સામને ઊભી છે અને એકબીજાને ગાળો દઈ રહી છે. બંનેનો ઝઘડો વધી રહ્યો છે. તેમના પતિઓ પણ હવે મેદાનમાં આવી ગયા છે. તેઓ પણ ઊંચા અવાજે અપશબ્દો ફેંકી રહ્યા છે. આ જોઈને ઢોલીરાજ તેઓની વચ્ચે જઈને જોરથી ચિલ્લાઈને તેઓને ચૂપ રહેવા નિર્દેશ કરે છે.
"શું થયું? આ શું ગલીના કૂતરાઓની જેમ લડી રહ્યા છો તમે લોકો?" ઢોલીરાજ તે ચારેયને પૂછે છે.
"અરે આ લોકોએ કચરાની થેલી અમારા બાજુ નાખી."
"અરે તો તારું બૈરું પણ ક્યાં ઓછું છે. એણે બી તો પાણી વાળો એઠવાડ અમારા ઘર તરફ ફેંક્યો."
"અરે જાઓ જાઓ. બહુ હોશિયારી મારવાની જરૂર નથી. એઠવાડ શું હજી બીજું બી ઘણું ફેકીશ. તારી આ હલકટને પહેલા સમજાય."
"મોં સાંભળીને બોલ નહિતર હમણાં તને તારી ઓકાદ યાદ દેવડાવી દઈશ."
ફરી એકવાર ચારેય જણ લડવા લાગે છે. આ જોઈને ઢોલીરાજ ગુસ્સે થઈને રાડ નાખે છે અને તે જોઈને એ ચારેય ચૂપ થઈ જાય છે.
"અરે, શરમ કરો. શરમ. આ કચરા અને પાણી ઉપર ઝઘડી રહ્યા છો. ગંદી ગંદી ગાળો બોલી રહ્યા છો. આસપાસ ના ઘરો ને છોડો, તમારા ઘરમાં જ જુઓ કે નાના નાના છોકરાઓ છે, જવાન વહુ દીકરીઓ છે ને તમે આવું સાવ હલકું વર્તન કરી રહ્યા છો. કાલ સવાર આ બધા પણ એ જ શીખશે. અને પાણી માટે છેલ્લા કેટલાય દિવસથી તમને લોકોને ઝઘડતા જોઉં છું. આણે નળ ખુલ્લો રાખી દીધો, આણે ડોલ રેડી દીધી વગેરે વગેરે. તમને બધાને પાણીની કદર નથી લાગતી. જરા બીજા ગામડામાં જાઓ જ્યાં તમને ખબર પડે કે એક ડોલ પાણી લાવવા માટે પણ ફાંફા પડે છે. તમને અહીંયા ઘર બેઠા ૨૪કલાક નળમાં પાણી મળી રહે છે એટલે આ બધું બોલવામાં હોશિયારી કરો છો. જેમને પાણીની જરૂર છે, તકલીફ છે એમને જઈને પૂછો તો ખબર પડે કે એમના માટે તો એક ડબલું પાણી પણ એક પાણીની ટાંકી સમાન છે. શહેરમાં રહો છો અને શહેરને જ બગાડો છો. પોતે તો ખરાબ બનો છો પણ તમારી આસપાસ રહેનાર લોકોને પણ ખરાબ કરાવડાવી રહ્યા છો. બહારના લોકો તમને ચાર ને નહિ પણ આપણને બધાને ખરાબ કહેશે કે અહીંના લોકો માત્ર દેખાવે જ સારા છે બાકી જાનવરથી પણ ગયેલા છે. શું આ સારું કહેવાશે. ચલો માફી માંગો અને બીજી વખત આવું કંઈ નહિ થવા દો એની એકબીજાને બાહેધરી આપો. ચલો કરો નહીંતર સોસાયટી માં લોકોને પરેશાન કરવા બદલ તમને ચારેયને જેલમાં પૂરો દઈશ." ઢોલીરાજની વાત સાંભળી સહુ કોઈ તાળી પાડે છે. પેલા ચારેય પણ પોતાની ભૂલ સમજે છે અને એકબીજાની માફી માંગે છે.
બધા પોતપોતાના ઘરમાં જાય છે. ઢોલીરાજ તેમના ઘર તરફ જાય છે ત્યાંજ એક વૃદ્ધ તેમને રોકે છે.
"બેટા, સારું કર્યું તે. આજકાલ લોકોને તમાશો જોવામાં રસ હોય છે કાં તો મારપીટ કરવામાં." તે વૃદ્ધ કહે છે.
"એકદમ સાચું કહ્યું આપે. આપણી સોસાયટી તો તો પણ સારી છે બાકી મૈં થોડા દિવસ પહેલા સાંભળ્યું હતું કે એક સોસાયટીમાં આવી જ રીતે બે ઘરના લોકો લડી રહ્યા હતા અને કોઈક તેઓને છોડાવવા આવ્યું તો ઝઘડો વધારે વધી ગયો. એકનું માથું ફૂટી ગયું. એક સ્ત્રીના કપડા ઉતરી ગયા. એકનો હાથ તૂટી ગયો. વધારે ન કહી શકાય હવે તો. આવું બધું છે બોલો શું કરીએ." ઢોલીરાજ બોલ્યા.
"સાચી વાત છે, બેટા. લોકોમાં એકતા જ નથી. જો આવું જ ચાલતું રહેશે તો બે માં ત્રીજો ફાવી જશે, એવું થશે. તમારા જેવા યુવાનો કઈક કરે તો હવે સારું." તે વૃદ્ધ બોલ્યા અને ત્યાંથી નીકળી ગયા. તે તો નીકળી ગયા પણ ઢોલીરાજને વિચારમાં વ્યસ્ત કરી ગયા.
* * *