" હવે ક્યાં જાય છે ? " વિવેક એની પાછળ પાછળ ગયો. પ્રગતિ ત્યાં ઉપર ચડીને એક પથ્થરના ટેકે બેસી ગઇ. વિવેક પણ એની બાજુમાં ગોઠવાયો. સામેની બાજુ એમને ઢળતા સૂરજનું અત્યંત રમણીય દ્રશ્ય દેખાતું હતું......
" ફ્રેન્ડસ ? " વિવેકએ પ્રગતિ તરફ હાથ લંબાવ્યો. પ્રગતિએ હસીને હાથ મિલાવ્યો.
" મજા આવી ? " પ્રગતિએ પૂછ્યું.
" હું તો સમજણો થયો ત્યારથી મેં આવી જિંદગી જોઈ જ નથી.....તને ખબર છે...આજે મેં લગભગ દસેક વર્ષ પછી ફૂટબોલને લાત મારી હશે......આઈ વોઝ ચેમ્પિયન ઓફ ઇટ યર્સ એગો.....આ બધા માટે તારો ખૂબ ખૂબ આભાર પ્રગતિ." વિવેક ઢળતા સૂર્યને તાકી રહ્યો હતો.
" હમમ..." પ્રગતિ પથ્થરથી સહેજ અળગી થઈ. એણે પોતાની પોનીમાંથી રબર કાઢીને પોતાના હાથમાં ભરાવ્યો. હાથ વડે વાળ છુટા કરીને એ ત્યાં જ સુઈ ગઈ....
" અરે.....કપડાં બગડી જશે....! " વિવેકએ પ્રગતિની સામે જોયું.
" તો ધોઈ લઈશું......" પ્રગતિ હજુ એમ જ હતી....એણે પોતાની આંખો બંધ કરી....
" હમ્મ....સાચું. " વિવેકએ પોતાનું મોઢું ફરી સૂર્ય તરફ ફેરવ્યું. " ઘણીવાર આપણે કેટલી સામાન્ય વાતોને ગંભીર બનાવી દેતા હોઈએ છીએ નહીં.....! " એણે કહ્યું.
" હા....અને ગંભીર વાતોને સાવ સામાન્ય. આપણે પોતાની મરજી અને અનુકૂળતા મુજબ સામાન્ય અને ગંભીર બાબતોનું વર્ગીકરણ કરી દઈએ છીએ.....જ્યારે ખરેખર એવું હોતું નથી. હા.....એવું હોય શકે કે કોઈ એક વ્યક્તિ માટે જે બાબત અસામાન્ય અથવા તો ગંભીર છે....એ બીજા માટે ન પણ હોય......" પ્રગતિ બેઠી થઈ. એ પણ સૂર્યને જોવા લાગી. " પણ જે ખરેખર ગંભીર બાબતો છે....એ તો છે જ. " પ્રગતિએ સાવ ધીમા સ્વરે કહ્યું.
વિવેકએ હા માં માથું ધુણાવ્યું....." આટલું બધું ક્યાં વાંચ્યું ? " એ સહેજ હસ્યો.
" ક્યાંય નહીં......મને ક્યારેય એવો સમય જ નથી મળ્યો. " પ્રગતિએ શૂન્યમાં તાકીને કહ્યું. " પણ એ બાબતે તમે ઘણા સારા છો.....આઇમિન યુ હેવ હેકટિક શૅડ્યુલ....છતાં તમે તમારા શોખ માટે સમય કાઢો છો.....ધેટસ રિયલી ગ્રેટ." પ્રગતિએ વિવેકની સામે જોઈને એક સ્મિત કર્યું.
" પ્રગતિ, હવે શું કામ તમે તમે....કરે છે.....હવે હું તારો બોસ નથી. " વિવેકએ વાત બદલી.
" પતિ તો છો ને....." પ્રગતિ હસી.
" અચ્છા.... તો તો મારે પણ ધ્યાન રાખવું જોઈએ....આખરે તમે પણ મારા પત્ની છો...." વિવેકએ કહ્યું.
" અં....હં.... વિવેક, સ્ત્રીને જ્યારે કોઈ તું કહે છે ને.....ત્યારે એને એમાં પોતાપણા નો ભાવ દેખાય છે.......જ્યારે પુરુષને તમે કરીને સંબોધન કરવામાં આવે ત્યારે એણે એક પ્રકારનું સ્વમાન અને આદર અનુભવાય છે....." પ્રગતિએ કહ્યું.
" હવે આ ક્યાં લખેલું છે ? ' પ્રગતિ પુરાણ ' માં ? " વિવેક હસ્યો.
" એવું જ સમજી લો....." પ્રગતિ ઉભી થઈને નીચે ઉતરવા લાગી.....
" યાર તું તો કોઈ એલર્ટ પણ નથી આપતી....." વિવેક ઉભો થઈને એની પાછળ જવા લાગ્યો.....
પ્રગતિ અને વિવેક હવે ઘણા ખરા નજીક આવ્યા હતા. વાતચીત અને હસીમજાક નો સિલસિલો એમની વચ્ચે શરૂ થઈ ગયો હતો. પરંતુ એમની દરેક વાતમાં વિવેક દ્વારા ક્યાંકને ક્યાંક રજતનો ઉલ્લેખ થઈ જતો. જો કે એમાં વિવેકનો કોઈ વાંક નહતો. એ તો પ્રગતિના પ્રેમમાં હતો અને એ પ્રગતિને બસ ખુશ જોવા માંગતો હતો. આ બાબત હજુ સુધી પ્રગતિના સમજમાં નહતી આવી....
એકવખત વૃધ્ધઆશ્રમમાં જુદી જુદી જરૂરી દવાઓ બાટવાનું એક સારું કાર્ય સુમિત્રાની સામાજિક સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. એના માટે સાંજના સમયે એક નાનકડું ફંકશન હતું. સુમિત્રા અને પ્રગતિએ ત્યાં હાજરી આપી હતી. કાર્યક્રમ પૂરો થવામાં જ હતો કે ત્યારે પ્રગતિને પ્રભુદાદાનો ફોન આવ્યો. એણે બહાર આવીને ફોન ઉપાડ્યો.
" જી દાદા..." પ્રગતિએ કહ્યું.
" પરીબેટા , રજતબાબા......." પ્રભુદાદાએ પ્રગતિને રજત વિશે જાણ કરી.
" હદ છે..." પ્રગતિએ ફોન મૂકીને માથે હાથ દીધો.
ઘરના મુખ્ય ઓરડામાં બધો જ સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. સોફા પર રાખેલા એક બે તકયા જમીન પર પડ્યા હતા. આખો સોફા કવર ડૂચા વાળીને સાઈડમાં રહેલા ડાઇનિંગ ટેબલ પરની એક ખુરશીના પાયે ધૂળ ખાતો હતો. કોફીટેબલ પર બે કાચના ગ્લાસ અને એક બરફથી ભરેલો બાઉલ પડ્યા હતા. ફલાવર વાસમાં રાખેલા ફુલના ટુકડે ટુકડા કરીને એને ઉડાડી દેવામાં હતા. પ્રભુદાદા ચૂપચાપ હોલમાં ઉભા ઉભા પ્રગતિની રાહ જોઈ રહ્યા હતા ત્યારે રજત વહીસ્કીની એક બોટલ સાથે રૂમમાંથી લથડતા પગે બહાર નીકળ્યો....
રજતના ઘરની બેલ વાગી. દાદા દરવાજો ખોલવા જતા હતા...." મિ ઝાતા...." રજત પ્રભુદાદાને લગભગ ધક્કો મારીને દરવાજો ખોલવા ગયો.
" ઓહહ....હાઈ પરી...." રજત પ્રગતિને ભેટવા ગયો. પ્રગતિ એ આડો હાથ રાખીને મોઢું ફેરવી લીધું ને એનાથી થોડી દૂર ખસી ગઈ. " દૂર રહે...." પ્રગતિ અંદર આવી. રજત પોતાને માંડ માંડ સાચવીને પ્રગતિની પાછળ અંદર પ્રવેશ્યો.
" શું વાત છે આજે અચાનક બધાને હું યાદ આવ્યો છું.....પેલા ડેડ ને હવે તું...." રજત હસી રહ્યો હતો. એણે બોટલ ખોલી. ટેબલ પર પડેલો ગ્લાસ સીધો કરીને એમાં પેગ બનાવા લાગ્યો. " બેસ....." રજતએ પ્રગતિને કહ્યું. પ્રગતિએ દાદા સામે જોઈને નેણ ઊંચા કર્યા. પ્રભુદાદાએ જમણો હાથ ઊંચો કરીને બે આંગળીઓ બતાવી. એક બોટલ ખાલી કર્યા પછી રજત બીજી બોટલ લઈને બેઠો હતો એ સાંભળીને પ્રગતિની આંખો ફાટી ગઈ.
" રજત બસ કર...." પ્રગતિ એની નજીક જઈને બોટલ લેવા ગઈ. રજતએ પ્રગતિ એ બોટલને અડકે એ પહેલાં જ ઉઠાવી લીધી.
" ત્યાં.....ત્યાં બેસ....જા...." રજત હવે માંડ માંડ જોઈ શકતો હતો. એણે ઇશારાથી પ્રગતિને સામે બેસવા કહ્યું. " દાદા , ઇસકે લિયે જ્યુસ લે આવ...." રજતએ કહ્યું.
" ના...." પ્રગતિએ કહ્યું.
" કેમ ? " રજતએ એક જ ઘૂંટડામાં આખો ગ્લાસ ખાલી કર્યો.
" એમ જ..." પ્રગતિએ કહ્યું. એ ગમે તે રીતે રજતને રોકવા માંગતી હતી. આની પહેલા રજતએ ક્યારેય હદ વટાવી નહતી. આ પહેલીવાર હતું જ્યારે એ પીવાનું ભાન ભુલ્યો હતો એટલે પ્રગતિ એને કઈ રીતે રોકે એ જ નહતું સમજાય રહ્યું.
" વિવેક સાથે ઝઘડો થયો કે ? " રજત હસ્યો.
" ના.....બસ કર રજત...." પ્રગતિ ફરી એની નજીક ગઈ.
" લાસ્ટ લાસ્ટ..... પાકું. " રજતએ પ્રગતિ સામે એક આંગળી ઊંચી કરીને કહ્યું.
" બાબા...તબસે યહી બોલે જા રહે હો.....અબ બસ કરોને...." પ્રભુદાદા મુખ્યત્વે મુંબઈના રહેવાસી હતા. આટલા વર્ષો રજત સાથે રહીને એ ગુજરાતી સમજતા થયા હતા. થોડીઘણી બોલી પણ શકતા, પરંતુ જ્યારે એ રજતને ચિંતામાં જોતા ત્યારે એમના મુખેથી મિક્સ ભાષા નીકળતી.
રજતએ પોતાની આંખો જીણી કરીને નાના બાળકની માફક પ્રભુદાદા સામે જોયું.....એમની સામે જોતા જોતા જ એણે આખો ગ્લાસ ખાલી કરી નાખ્યો. હવે પ્રગતિની ધીરજ ખૂટી. એ રજત તરફ આગળ વધી.
" રજત બસ કર....." પ્રગતિએ એની પાસેથી ખૂલેલી વહીસ્કીની બોટલ ખેંચી લીધી ને એનાથી થોડી દૂર થઈ ગઈ.
" હા....જા તું પણ જા.....બધા મને મૂકીને જતા રહો. મારે કોઈની જરૂર નથી....." રજતનો આવજ રડમસ થઈ ગયો હતો. બે મિનિટ પછી એ ઉભો થઇ પ્રગતિની નજીક ગયો. " દે...." રજતએ પ્રગતિના હાથમાંથી બોટલ જુટવાનો પ્રયાસ કર્યો.
" રજત....." હવે પ્રગતિનો અવાજ ઊંચો થઈ ગયો. બંને વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું. નશાને કારણે ક્યારેક રજતનો જોર વધતો હતો તો ક્યારેક એ ઢીલો પડી જતો હતો. પ્રભુદાદા ચુપચાપ બધું જોઈ રહ્યા હતા. એમને ખબર હતી કે રજતને રોકવું એના હાથમાં નથી. અચાનક ચક્કર આવવાને કારણે રજતની પક્કડ ઢીલી થઇ. પ્રગતિએ મોકાનો ફાયદો ઉઠાવી જોરથી બોટલ ખેંચી. થોડી જ ક્ષણોમાં બીજી વસ્તુઓની જેમ જ એ કાચની બોટલના ટુકડે ટુકડા જમીન પર વિખેરાય ગયા એ સાથે જ પ્રગતિએ એકાએક રજતને જોરદાર તમાચો માર્યો. એના કારણે રજત થોડોઘણો હોંશમાં આવ્યો.
" જા....અંદર જઈને સુઈ જા ચુપચાપ..." પ્રગતિ એ રાડ પાડી. પરિસ્થિતિને સમજવાના પ્રયાસો કરતો રજત એક ગાલ પર હાથ રાખીને ધીમે ધીમે પોતાના રૂમ તરફ આગળ વધતો હતો. એની આંખો ખુલ્લી હતી પરંતુ એ ક્યાં છે , શુ કરે છે એવો કંઈ જ હોંશ નહતો રહ્યો. જાણે કોઇએ વશીકરણ કર્યું હોય એમ એ શૂન્યમાં તાકતો પોતાના ઓરડામાં જતો રહ્યો.
" ઇડિયટ...." રજત અંદર જતો રહ્યો ત્યારે પ્રગતિ ધીમેથી બબડી.
" દાદા, તમે અંકલને કહેતા કેમ નથી કે આને ફોન ન કરે......એમણે તમને તો રાખ્યું જ છે ને આની સેવામાં તો પછી શું કામ એની જિંદગી બગાડે છે...." પ્રગતિની આંખો ભીની હતી.
" હું શું કરું ? કિતની બાર બોલા મેને.....લેકિન વો સુનતે હી કહાં હૈ....! બોલતે હૈ કી ચિંતા હોતી હૈ....." દાદાએ કહ્યું.
" જ્યારે કરવાની હતી ત્યારે તો ચિંતા કરી નહિ......હવે આજે જ્યારે એને છૂટો મુકવાની ઉંમર છે.....ત્યારે પાછળ પડ્યા છે. " પ્રગતિ અકળાય.
" એવું નથી.... એમને ખરેખર ચિંતા છે....રજતની " દાદાએ કહ્યું.
" એટલે જ તો રજતની જાણ બહાર તમને એનું ધ્યાન રાખવા કહ્યું છે ને.....એટલું બસ નથી....." પ્રગતિએ દાદાની સામે જોયુ. જવાબમાં એ માત્ર નીચું જોઈ ગયા.
" સમજમાં નથી આવતું....આ બધું દરવખતે મારે જ માથે....! " પ્રગતિ મનોમન બબડી. અચાનક એનું ધ્યાન હોલમાં લટકાળેલી ઘડિયાળ તરફ પડ્યું. " સાડા દસ.....ઓહહ..."
" દાદા, ઇસ્કો નીંબૂપાની પિલા દેના.....મુજે લેટ હો રહા હૈ. " પ્રગતિ ઉતાવળે પગે બહાર નીકળવા જતી હતી. " ઓર કુછ હો તો ફોન કરના...." પ્રગતિના બહાર નીકળ્યા પછી હોલમાં ઉભેલા દાદાને પ્રગતિનો હવામાં ખોવાયેલ અવાજ સંભળાયો.
" અરે.....બહુ કરી....મારા સિવાય કોઈ કામ જાતે નથી થતું તમારાથી.... હું તમને બધાને શેનો પગાર આપું છું.....જાણે મારી પાસે કામ સિવાય જીવનમાં કંઈ કરવાનું છે જ નહીં એમ ગમે ત્યારે ફોન કરી લો છો...." વિવેક પોતાના બેડરૂમમાં આ બાજુથી પેલી બાજુ આટા મારી રહ્યો હતો. મારે એક જરૂરી કામ છે એમ કહીને સુમિત્રા સાથે તો પ્રગતિ પાછી ન જ આવી પણ હજુ સુધી એનો કોઈ અતોપતો નહતો. વિવેક એને પાંચ વાર ફોન કરી ચુક્યો હતો પણ પ્રગતિએ ફોન ન ઉપાડ્યો. એ આમ પણ કાંટાળેલો અને ચિડાયેલો હતો એમાં રાતના સાડા દસ વાગ્યે એને કામનો ફોન આવ્યો હતો એટલે એ ભભૂકી ઉઠ્યો. સૌ ને વિવેકના શાંત સ્વભાવની ખબર હતી એટલે બધા કાર્યકરો વિવેક સાથે ગમે ત્યાં ગમે તે પરિસ્થિતિમાં કામ કરવા ટેવાયેલા હતાં. આજે પણ કોઈએ સમયની પરવાહ કર્યા વગર એને ફોન કર્યો હતો પરંતુ એના ફિક્કા નસીબ કે વિવેક આજે જ કદાચ ગુસ્સામાં હતો.....
દરવાજાની બહાર ચાર પગથિયાં ઉતરીને મોબાઈલ ચાલુ કરતા કરતા પ્રગતિ જ્યારે બહારના નાનકડા લોખંડના મુખ્ય દરવાજાને ખોલવા ગઈ ત્યારે એણે વિવકેના પાંચ મિસ્કોલ્સ દેખાયા. એણે તરત વિવેકને ફોન જોડ્યો.
" હેલો.... વિવેક, તમેં પ્લીઝ મને તેડવા આવી શકો છો ? " ફોન જોડાતા પ્રગતિએ તરત જ પૂછ્યું.
" ક્યાં છે તું ? " વિવેકએ ફોન મુક્યો કે તરત જ પ્રગતિનો ફોન આવ્યો હતો એટલે એ સહેજ કડક અવાજે બોલ્યો.
" રજતના ઘરે...." પ્રગતિએ કહ્યું.
" જાતે ગઈ હતી ને....તો હવે જાતે આવી પણ જા...." વિવેકએ કહ્યું.
" અરે...હેલ્લો...." સામે છેડેથી ફોન કપાય ગયો હતો. કદાચ નેટવર્ક ઈશ્યુ હશે એમ સમજીને પ્રગતિએ ફરી ફોન જોડ્યો તો વિવેકએ ફોન કાપી નાખ્યો. પ્રગતિને વિવેકના આવા વર્તનથી ખૂબ દુઃખ પહોંચ્યું.
" મારે એક જરૂરી કામ આવ્યું છે....તમે પહોંચો હું પછી વિવેકને ફોન કરીશ....." ઘરે જતી વખતે સુમિત્રાને સાડા સાત વાગ્યે પ્રગતિ આવું કહીને ગઈ હતી અને અત્યારે અગિયાર વાગવામાં હતા ને પ્રગતિ હજુ ઘરે નહતી પહોંચી. પોતાના કમરામાં આવેલા રવેશમાં સુમિત્રા પોતાના હાથ પાછળ બાંધીને આમ તેમ આટા મારતા મારતા સતત નીચે નજર ધરીને ફરતા હતા.
" ઘરની સ્ત્રીઓ મોડી રાત સુધી બહાર રહે એ સારું ન કહેવાય....." પલંગ પર પડ્યા પડ્યા આડો હાથ રાખીને સુતેલા સુબોતએ સુમિત્રાને ટકોર કરી. સુમિત્રાએ કોઇ જ પ્રતિભાવ ન આપ્યો.
" શું જરૂર હતી એને એકલી મૂકીને આવવાની......હજુ માથે ચડાવ બધાને....." સુબોત સુમિત્રાની વિરુદ્ધ દિશામાં ફરીને સુઈ ગયા.
" ઘરની લક્ષ્મી હજુ સુધી ઘરે નથી પહોંચી ને આ માણસને ઊંઘ આવે છે.....! " સુમિત્રાએ મનોમન નિસાસો નાખ્યો.
વિવેકએ પ્રગતિનો ફોન કાપ્યો પછી લગભગ કલાક થઈ હતી પ્રગતિ હજુ ન આવી. હવે વિવેકના ધબકારા વધી ગયા હતા. એણે પ્રગતિને ફોન કર્યો તો ફોન બંધ હતો. ગુસ્સો શાંત થયાના થોડા ક્ષણો બાદ વિવેકને ખ્યાલ આવ્યો કે એનાથી શું થઈ ગયું છે...... એણે રાતના સમયે સામેથી તેડવા માટેનો ફોન કરેલી પોતાની પત્નીને લેવા આવવાની ના કહી હતી. " તું જાતે આવી જા.....! ઓહહ....આ શું બોલાય ગયું મારાથી....પ્રગતિ ખોટું પણ બોલી શકતી હતી, પણ એણે એવું ન કર્યું અને મેં શુ કર્યું....! કેટલો બેવકૂફ છું હું...." વિવકને પોતાના વર્તન પર પારાવાર અફસોસ થયો. ડર અને ચિંતાના કારણે એની આંખો ભીની થઇ ગઇ હતી....હવે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર એ સીધો જ રૂમની બહાર નીકળવા ગયો.....
To Be Continued
- Kamya Goplani