" પ્રગતિ, રજતને તે જ તેડવા બોલાવ્યો હતો ને ? " વિવેકએ મૌન તોડતા પૂછ્યું. સવાલ પૂછ્યા બાદ વિવેકને અરીસામાં પ્રગતિની નીરસ નજર દેખાય. ત્યારબાદ ઘર સુધી બે માંથી કોઈ કંઈ બોલ્યું નહિ.....
પ્રગતિ અને વિવેક વચ્ચે થોડીઘણી સમજણની શરૂઆત થઈ જ હતી ત્યાં તો બંને અચાનક સખત કામમાં વ્યસ્ત થઈ ગયા. સવારે નવ થી લઈને રાતે નવ સુધી બંને ભાગ્યે જ મળતા અને જો મળતા તો કામ માટે મળતાં. પ્રગતિને અચાનક ઘણા બધા ઑર્ડર આવવા લાગ્યા હતા એટલે એ રોજ રોજ કંઈક નવું કરવામાં વ્યસ્ત રહેતી. વળી એ સુમિત્રાને પણ એના સામાજિક કાર્યોમાં સાથ આપતી હતી. એ બંનેને ઘણા બધા સામાજિક કાર્યક્રમોમાં પણ હાજરી આપવી પડતી હતી. આ બાજુ વિવેક એના પોતાના કામોમાં વ્યસ્ત હતો. વહેલી સવાર થતી કે રૂમમાં દોડાદોડી થઇ જતી અને લગભગ રાત્રે દસ વાગ્યે બંને પોતાના કમરામાં આવતા તો એ એટલા થાકી જતા કે સીધા જ પથારીમાં પડતાં. દરમિયાનમાં અંજલીને એક ઢીંગલી આવી હતી. બધા એ બાબતે ઘણા ખુશ હતા. અંજલીના આગ્રહથી પ્રગતિએ જ એ ઢીંગલીનું નામ પાડ્યું હતું. અત્યારે અંજલી એની ઢીંગલી ' મુગ્ધા ' સાથે બંસલ મેન્શન રોકાવા આવી હતી. આ બધી જ બાબતોમાં પ્રગતિ અને વિવેકને પોતાના સંબંધો માટે સમય જ નહતો રહ્યો. બંને થોડાઘણા નજીક આવ્યા હતા પરંતુ વિવેકને હજુ એમ જ હતું કે પ્રગતિ એની સાથે ખુશ રહેવાનો દેખાડો કરી રહી છે એ ખરેખર આનંદિત નથી.
વિવેકને લાગ્યું કે કદાચ રજત અને પ્રગતિ મિત્રો છે એટલે પ્રગતિ એની સાથે વધુ કમ્ફર્ટેબલ ફિલ કરે છે. એક વખત મુગ્ધાને સુવડાવીને અંજલી સાથે હસી મજાક કરીને પ્રગતિ અને વિવેક જ્યારે રાતે અગિયાર વાગ્યે રૂમમાં આવ્યા ત્યારે વિવેકએ પ્રગતિને વાત કરવા માટે બેસવા કહ્યું.....
પ્રગતિ વિવેકની સામે પલંગની નીચે જમીન પર બેઠી. એણે પગ ઉપર કર્યા અને એની આસપાસ પોતાના હાથ વીંટાળીને કહ્યુ, " બોલો...."
વિવેક પ્રગતિની સામે પલંગ પર એક તકયાના ટેકે ઊંધો સુઈ ગયો...." તને નથી લાગતું કે આપણે આજ કાલ વધુ પડતું જ કામ કરીએ છીએ ? "
" હા....એ સાચી વાત છે....પણ શું કરી શકીએ ? " પ્રગતિએ પૂછ્યું.
" કંઈ નહિ. એ તો રહેવાનું જ છે....છતાં તને નથી લાગતું કે આપણે પોતાના એટલે....એટલે કે આપણા માટે સમય કાઢવો જોઈએ......? " વિવેકએ પૂછ્યું.
" હમ્મ....." પ્રગતિએ હા માં માથું ધુણાવ્યું ને પછી આગળ કહ્યું, " શું કરી શકીએ ? " પ્રગતિ પ્રશ્નાર્થ નજરે વિવેકની સામે જોઈ રહી.
" જો....આપણે આખી જિંદગી આમ તો ન જ રહી શકીએ....આપણે આપણાં સંબંધોને આગળ વધારવું જોઈએ.....શું કહેવું છે તારું ? " વિવેકએ પૂછ્યું.
" શું મતલબ ? " પ્રગતિ ગભરાય ગઈ. જે વિવેકની જાણ બહાર ન રહ્યું.
" અરે....એમ નહિ....આઈ મીન...આપણે દોસ્તીથી શરૂઆત કરીએ તો ? " વિવેકએ પૂછ્યું.
" અચ્છા......" પ્રગતિ મલકાય. એક કુશાગ્ર બુદ્ધિ ધરાવતી સ્ત્રી તરીકે એને ખ્યાલ આવી ગયો કે વિવેકએ આ પ્રસ્તાવ એની અને રજતની દોસ્તી જોઈને જ મુક્યો છે.....એણે આગળ કહ્યું, " હું કંઈ એમનેમ દોસ્તો નથી બનાવતી...." પ્રગતિ સહેજ હસી.
" ઓહહ....તો ? " વિવેકએ પૂછ્યું.
" એના માટે તમારે કંઈક કરવું પડશે ? કરી શકશો ? " પ્રગતિએ પૂછ્યું.
" શું ? "
પ્રગતિએ પોતાનો મોબાઈલ ઊંચો કર્યો. ત્રણ દિવસ પછી રવિવાર આવતો હતો. એ તારીખ ખોલીને પ્રગતિએ પોતાનો ફોન વિવેકની સામે હવામાં હલાવીને કહ્યું, " સન્ડે.....ધ વ્હોલ ડે......."
" ફાઈન....." વિવેકએ કહ્યું.
રોહિત આયુને વ્યવસ્થિત ખવડાવતો પીવડાવતો હતો. પ્રેરણા પણ હવે થોડો સમય બંને સાથે રહેવા આવી ગઈ હતી. ડોક્ટરએ કહ્યું હતું કે બાળક માટે આયુની ઉંમર સહેજ કાચી છે....આ સિવાય કોઈ બાબતની ચિંતા નથી. મા અને બાળક બંને સ્વસ્થ છે. બસ આયુનું સહેજ ધ્યાન રાખવું. આયુ હવે ગોળમટોળ થઈ ગઈ હતી. એનું પેટ તો વધ્યું જ હતું પણ એનું મોં પણ ભરાય ગયું હતું. રાત્રે રોહિત આયુને પ્રેરણાએ આપેલું કેસર વાળું દૂધ પીવડાવી રહ્યો હતો....
" બસ...." અડધો ગ્લાસ ખાલી કરીને આયુએ રોહિત સામે મોઢું બગાડીને કહ્યું.
" દિકું હવે થોડું જ છે.....ચલ..." રોહિતએ ફરી આયુના મોઢે ગ્લાસ ધર્યો. " પ્લીઝ......"
" આરામથી..." દૂધ પીવડાવીને રોહિતએ એને વ્યવસ્થિત સુવડાવી. આયુના વાળ સરખા કરી એ ફરીને બીજી તરફ આવી એની બાજુમાં સુઈ ગયો.
" આયુ..." બંને જણા છત ને તાકી રહ્યા હતા ત્યારે રોહિતએ કહ્યું.
" હમ્મ....."
" આ વખતે તો જેમ તેમ પરીક્ષા અપાય ગઈ. હવે આવતા વર્ષનું શું કરીશ ? " રોહિતએ પૂછ્યું.
" ડ્રોપ...." આયુએ જરા પણ રાહ જોયા વગર પુરા આત્મવિશ્વાસથી કહ્યું.
" કેમ ? "
" મને નથી લાગતું કે હું એક બાળક અને ઘરની જવાબદારી સાથે ભણી શકીશ." આયુશીએ કહ્યું.
" હું શું વિચારતો હતો... કે તું છે ને આવતું વર્ષ પૂરું કરી લે એટલે કૉલેજ પુરી થાય. હું તારી મદદ કરીશ. પછી મારી કોઈ વ્યવસ્થિત જૉબ લાગી જશે એટલે આપણે આઉટ ઓફ ઇન્ડિયા જશું અને એ નહીં તો એટલીસ્ટ બેંગ્લોર તો જશું જ એટલે તારું માસ્ટર્સ તું ત્યાં કરજે......યુ વિલ ફાઇન્ડ ગ્રેટ અપોર્ટ્યુનીટીઝ લેટર...." આયુ રોહિતની સામે સ્થિર નજરે જોઈ રહી. એ ખુલ્લી આંખે આયુ માટે સપના જોઈ રહ્યો હતો. આયુને ખુશી થઈ.....
" હમમ....જોઈએ....પણ હું કોલેજ પૂરું કરીને આગળ તો ત્રણ ચાર વર્ષ પછી જ ભણવાની છું......ઇટ ઇસ ફાઇનલ..." આયુએ કહ્યું.
" કેમ ? " રોહિતએ પૂછ્યું.
આયુએ પહેલા પોતાના પેટ પર હાથ રાખ્યો પછી રોહિત સામે જોઇને કહ્યું, " આને પણ એમ થવું જોઈએ ને કે મમ્મા પણ હજુ સુધી ભણે છે.....એટલે મારે તો ભણવું જ જોઈએ. " આયુ હસી...." અમે બંને સાથે ભણીશું....." આયુએ રોહિત સામે આંખો પલકારી.....હસી પડ્યો રોહિત.
" તું આટલી મોટી ક્યારે થઈ ? " રોહિતએ પૂછ્યું.
આયુએ રોહિતની સામે હાથનો ઈશારો કર્યો....." આજે જ....."
બંને એકસાથે હસી પડ્યા. રોહિતએ નીચેથી ચાદર લઈ આયુને ઓઢાડી...." સુઈ જા હવે...."
રવિવારની સવારે નાસ્તો કરીને વિવેક અને પ્રગતિ તૈયાર થઈ રહ્યા હતાં. પ્રગતિએ ફૂલ સ્લીવ વાળી એકદમ પાતળી, શરીરને ચોંટેલી સફેદ ટી - શર્ટ પહેરીને એની ઉપર કેસરી રંગનું સ્પગેટી ટૉપ પહેર્યું હતું અને નીચે ઘુટણથી સહેજ નીચું ગ્રે કલરનું કમ્ફર્ટેબલ પેન્ટ પહેરીને એ શૂ રેક પાસે બેઠા બેઠા પોતાના સફેદ રંગના બુટની દોરીઓ બાંધી રહી હતી. સામેના ડ્રેસિંગ રૂમમાંથી વિવેક બહાર આવ્યો. એ ઓફિસએ જતો હોય એમ તૈયાર થયેલ હતો. પ્રગતિ એને જોઈને હસી પડી.
" આ શું ? બી કમ્ફર્ટેબલ " પ્રગતિ સ્ટુલ પરથી ઉભી થઇ....એણે હાથ વડે પોતાની જાતને બતાવી...." લાઈક મી...."
" અચ્છા.... પણ કયાં જવાનું છે ? એ તો કહે...." વિવેકએ કહ્યું.
" એ નહિ કહું...." પ્રગતિએ ના પાડવા માટે ખભ્ભા ઉલાડ્યા.
વિવેક પાછો અંદર તૈયાર થવા જતો હતો ત્યારે પ્રગતિએ કહ્યું, " અને હા.....કેશ છે ને...." પ્રગતિએ હાથ વડે ઈશારો કર્યો.
" હવે એમ નહીં કહેતા કે, પ્રગતિ બંસલ ઈન્ડસ્ટ્રીઝ ના માલિકને આવો સવાલ પૂછતાં તને શરમ નથી આવતી..." પ્રગતિ હસી પડી. ઘણા સમય પછી આજે એને આખો દિવસ વિવેક સાથે વિતાવવાનો મોકો મળ્યો હતો. " હું તો એટલે કહેતી હતી કે આપણે જ્યાં જઈશું ત્યાં ક્યાંય કાર્ડ નહીં ચાલે....." એ હજુ હસી રહી હતી. " ન હોય તો મારી પાસે છે જ.....સો ડોંટ વરી."
" ના....છે....." વિવેક સહેજ હસીને પાછો અંદર જતો રહ્યો....
પ્રગતિ અને વિવેક પગથિયાં ચડી રહ્યા હતા...." ચર્ચ....! " વિવેકએ આશ્ચર્ય ભરી નજરે પ્રગતિ સામે જોયું. વિવેક અને પ્રગતિ ચર્ચમાં અંદર જઇ આવ્યા પછી સામેની બાજુ બે - ત્રણ પગથિયાં ઉપર ચડીને ત્યાં આવેલી ખુલ્લી કુદરતી જગ્યા પર બેસવા જતા હતાં.
" હમમ....મને ક્યારેક ક્યારેક અહીંયા આવું ગમે છે.....સચ અ પીસફુલ પ્લેસ....." ઝાડ નીચે ગોઠવાયને પ્રગતિએ વિવેકની સામે જોયું....
" હા....એ તો છે...." વિવેક એની બાજુમાં બેઠો.
" શ......" પ્રગતિએ એક આંગળી પોતાના હોઠ પર મૂકી વિવેકને ચૂપ રહેવાનો ઈશારો કર્યો.
" ધાર્મિક સ્થળોએ મોટા અવાજે વાત ન કરવી જોઈએ....." પ્રગતિએ કહ્યું.
" ઓહકે.....પણ મને અહીંયા શું કામ લાવી ? " વિવેકએ ધીમેથી પૂછ્યું.
" એમ જ.....મારી ફેવરિટ પ્લેસ બતાવા. ન ગમ્યું ? " પ્રગતિએ કહ્યું.
" ના ના એવું નથી....." વિવેકએ કહ્યું.
ચર્ચમાંથી બહારે આવ્યા પછી પ્રગતિ અને વિવેક રસ્તા પર ફરી રહ્યા હતા. વિવેક મોબાઈલમાં કંઈક કરી રહ્યો હતો.
" શું કરો છો ? " પ્રગતિએ પૂછ્યું.
" ટેક્સી બુક કરાવું છું...." વિવેકએ કહ્યું...પ્રગતિએ એના હાથમાંથી મોબાઈલ લઈ લીધો. " ના...." એણે કહ્યું.
" જો પ્રગતિ તે જીદ કરીને મને કાર ન લેવા લીધી અને મેં એકવાર સિટિબસની ધક્કામુક્કી સહન કરી લીધી એટલે એમાં તો નથી જ જવાનું. વળી તું આમ તડકામાં રખડે એ સારું નહીં..." વિવેકએ ચિંતિત સ્વરમાં કહ્યું.
" અરે.....હું મારું ધ્યાન રાખી શકું છું.....બાય ધ વે સનલાઈટ ઇસ ગુડ ફોર હેલ્થ. " પ્રગતિએ રસ્તા પર એક રીક્ષા રોકી. " ચાલો...." પ્રગતિ એમાં બેસવા ગઈ.
" અરે....." વિવેકએ પ્રગતિ સામે જોયું.
" તમે પ્રોમિસ કર્યું હતું કે આજનો દિવસ હું જેમ કહું એમ જ થશે....." પ્રગતિએ રિક્ષામાં બેસીને કહ્યું. પ્રગતિની વાત સાંભળી વિવેક પણ ચૂપચાપ અંદર બેસી ગયો....રિક્ષાવાળો થોડી થોડી વારે વિવેકને ઘુરી રહ્યો હતો....
" સાહબ....અગર મેં ગલત નહિ હું તો આપ બંસલ સાહબ કે બેટે હૈ ના...." આખરે રિક્ષાવાળાની ધીરજ ખૂટી.
" નહીં. નહીં. કિસને કહા.....તુમ અપને કામ સે કામ રખો.... આગે દેખ કે ચલાવ...." વિવેકએ અકડાયને કહ્યું.
" અરે સાહબ....યે હમારા રોઝ કા કામ હૈ....કયું ચિંતા કરતે હૈ.....મેડમ, લગતા હૈ સાહબ જૂઠ બોલ રહે હૈ.... આપ બતાવના....મેને એકબાર એરપોર્ટ પે એક મેગેઝીનમેં ઇન્કા ફોટું દેખા થા. મેરી નજરે ધોખા નહિ ખા સકતી......એ વિવેક સાહબ હી હૈ ના.....હાં મેડમ ? " રિક્ષાવાળાએ અરીસામાં જ પ્રગતિની સામે જોઇને પૂછ્યું. પ્રગતિએ હસીને હા માં માથું ધુણાવ્યું. વિવેકએ પ્રગતિની સામે જોયું. પ્રગતિએ બંને કાન પકડીને સૉરી કહ્યું. પછી આખો દિવસ પ્રગતિ અને વિવેક એ રિક્ષાવાળાની રિક્ષામાં જ જુદી જુદી જગ્યા પર ફર્યા.....લગભગ ચાર એક વાગ્યાની આસપાસ પ્રગતિ અને વિવેક એક ગાર્ડનમાં જવા માટે રસ્તા પર ચાલી રહ્યા હતાં.
" વિવેક...." ચાલતા ચાલતા પ્રગતિએ એક પાણીપુરીવાળાને જોઈને વિવેકને હાથ માર્યો.....
" ના....જરાય નહિ....આવું ન ખવાય...." વિવેક આગળ ચાલવા માંડ્યો.
" વિવેક , પ્લીઝ...પ્લીઝ....." પ્રગતિએ કહ્યું.
" ના.....પ્રગતિ. તબિયત ખરાબ થઈ જાય. " વિવેકએ કહ્યું.
" એકવારમાં કંઈ જ ન થાય.....ચલોને...પ્લીઝ..." પ્રગતિ વિવેકનો હાથ પકડીને એને પાણીપુરી વાળા તરફ લઈ ગઇ. વિવેક અનિચ્છાએ પણ પ્રગતિની પાછળ ઢસડાયો. પ્રગતિ એના પર જે રીતે હક જતાવતી હતી એ વિવેકને ગમી રહ્યું હતું.
બંને જણા પાણીપુરી ખાય રહ્યા હતા ત્યારે પ્રગતિના હોઠના ખૂણે પાણીપુરીનું પાણી લાગી ગયું હતું. વિવેક ફક્ત એક બે પુરી ખાયને સતત પ્રગતિને ખાતા જોઈ રહ્યો હતો ત્યારે અનાયાસે જ એનો હાથ પ્રગતિના હોઠ પાસે પહોંચી ગયો. એણે પ્રગતિના હોઠ સાફ કર્યા. પ્રગતિ આભારવશ નજરે વિવેક સામે જોઈ રહી હતી. બંનેની આંખો વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો....
" આ લફરાઓ કરવાવાળા દિવસમાંય તે હવે આમ તેમ ફર્યા કરે છે..... આવા યુવાનોને કારણે જ દેશનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે...." એ જ પાણીપુરીવાળા પાસે એક સ્થૂળકાય માણસ પોતાની પત્ની સાથે પાણીપુરી ખાતા ખાતા બોલ્યો. વિવેકએ એની વાત પર બહુ ધ્યાન ન આપીને પૈસા ચૂકવ્યા પણ પ્રગતિનું મગજ છટક્યું.
એણે વિવેકના હાથમાં પોતાનો હાથ નાખીને કહ્યું, " એક્સ્ક્યુઝમી, હી ઇઝ માય હસબન્ડ. માઈન્ડ યોર ઓન વર્ક. અન્ડરસ્ટેન્ડ. ચલો વિવેક...." પ્રગતિ એને પોતાની સાથે લઈ ગઈ. ગાર્ડનમાં અંદર એન્ટર થયા પછી પ્રગતિ વિવેકથી છૂટી પડી....એ બોલતા બોલતા ટ્રેક પર આગળ ચાલી રહી હતી અને વિવેક એની પાછળ પાછળ ચાલતો હતો.
" હદ છે.....' પર્સનલ લાઈફ ' નામનો કન્સેપટ જ નથી રહ્યો દુનિયામાં. અરે.....પાણીપુરી ખાવા આવ્યા છો તો એમાં ધ્યાન આપો ને......પણ ના....પારકી પંચાતમાં જ રસ છે બધાને....." પ્રગતિ હજુ અકડાયેલી હતી. ગુસ્સાથી એનું નાક લાલ થઈ ગયુ હતુ.
"તું શું કામ તારો મૂડ બગાડે છે....જવા દે ને...." બોલતા બોલતા વિવેકને બગીચામાં રમતા બાળકો દેખાયા. વિવેક એ તરફ જતો રહ્યો....
" પણ... વિવેક...." પ્રગતિ કંઈક કહેવા માટે પાછળ ફરી તો વિવેક ત્યાંથી ગાયબ હતો. એની નજર સહેજ દૂર ગઈ તો એને બાળકો સાથે ફૂટબોલ રમતો વિવેક દેખાયો......પ્રગતિ મંત્રમુગ્ધ થઈને એ તરફ ચાલવા લાગી. એ વિવેકને બાળકો સાથે રમતા જોઈ રહી.....પ્રગતિ ત્યાં આવેલી બેન્ચ પર બેસી ગઈ. થોડીવાર પછી વિવેકની ટિમ જીતી ગઈ એટલે એ નીચે પડ્યો અને બધા બાળકો એની ઉપર ચડી ગયા. પ્રગતિ બેઠા બેઠા સતત હસી રહી હતી. થોડીવાર પછી વિવેકએ બધા બાળકોને કુલ્ફી ખવડાવી. પ્રગતિએ પણ વિવેકને જબરદસ્તી બે ત્રણ બાઈટ આપી.
એ જ રિક્ષાવાળાની રિક્ષામાં સાંજે વિવેક અને પ્રગતિ સાવ ખુલ્લા, ઓછી અવરજવર વાળા રોડ પર આવ્યા. ત્યાં રીક્ષા રોકાવીને પ્રગતિ રોડની સાઈડ પર ઉપર ચડી ગઈ.
" હવે ક્યાં જાય છે ? " વિવેક એની પાછળ પાછળ ગયો. પ્રગતિ ત્યાં ઉપર ચડીને એક પથ્થરના ટેકે બેસી ગઇ. વિવેક પણ એની બાજુમાં ગોઠવાયો. સામેની બાજુ એમને ઢળતા સૂરજનું અત્યંત રમણીય દ્રશ્ય દેખાતું હતું......
To be Continued
- Kamya Goplani