જીસ્મ કે લાખો રંગ - 11 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીસ્મ કે લાખો રંગ - 11

'જીસ્મ કે લાખો રંગ’
પ્રકરણ-અગિયાર/૧૧
‘તો.... હવે સત્તર સેકન્ડ પણ વેડફવા કરતાં હું મારો પ્રસ્તાવ મૂકતા કહું કે...’
‘દેવ.......વીલ યુ મેરી મી. ?

એક સેકન્ડ માટે દેવની ધડકન ધબકારો ચુકી ગઈ...ધોધની માફક ઉછળતાં શ્વાસ થંભી ગયાં.... બન્નેની આંખો પરસ્પર પોરવાઈ ગઈ. શું બોલવાની અસમંજસમાં દેવ પૂછી બેઠો.’

‘સમજાવ કઈ રીતે ? આ સાંભળી ખડખડાટ હસતાં આરુષી બોલી..

‘મહરાજના મોઢે સંસ્કૃતના સુત્રોચાર વચ્ચે લગ્ન મંડપમાં ફેરા ફરીશ એટલે બધું સમજાઈ જશે, પાગલ...? અને હનીમૂનનું પૂછું તો ફરી ન પૂછતો...’સમજાવ કઈ રીતે.’


એ પછી આરુષી માંડ માંડ તેનું હાસ્ય રોકી શકી...અને દેવ શરમાઈ ગયો.
પાઈનેપલ જ્યુસ ખત્મ કર્યા પછી જતાં જતાં દેવનો હાથ ઝાલીને આરુષી બોલી...

‘દેવ....મને આજે રાત્રે જ આપણી ન્યુ લાઈફનું સેલિબ્રેશન કરવું છે.’

‘બટ યાર.. પ્લીઝ.. આજે રહેવા દે... ગઈકાલ આખી રાતનો ઉજાગરો છે. ઓફિસમાં તને વર્ક લોડ પણ છે, એ પછી તારું ડીનર...બહુ ઓવર થઇ જશે.. અને કોણ છે એ નીયર અને ડીયર ?

‘હમ્મ્મ્મ... દેવ... મુઝે કુછ જલને કી બૂ આ રહી હૈ.’ બોલી ખડખડાટ હસ્યાં પછી આરુષી આગળ બોલી... ‘તું મારો દેવ છે, તો એ મારી દેવી છે. બસ એટલું સમજી લે, જિંદગી જીવવાની જડીબુટ્ટી છે. સખી નહીં પણ સંજીવની છે.’

‘તો હું કોણ છું ?’ દેવે પૂછ્યું.
દેવની આંખોમાં જોઈ આરુષી બોલી.
‘તું ... મારા પ્રારબ્ધનો પ્રસાદ છે. સમજ્યો... અને સાંભળ આવતીકાલે હું ઓફિસમાંથી લીવ લઇ લઉં છું... ટુમોરો ફૂલ ડે આપણે સાથે છીએ ઓ.કે.’

‘તથાસ્તુ.’ દેવ એટલું બોલ્યો પછી આરુષી દેવના બન્ને ગાલ ખેંચી બોલી..
‘ચલ, બાય ટેક કેર.’
‘બાય..’ દેવ બોલ્યો અને જતી રહેલી આરુષીને દેવ તાકતો રહ્યો.

આરુષીની ખુશી જોઇ દેવ તેના પ્રફુલ્લિતના ચિતથી એટલી હળવાશ અનુભવી રહ્યો હતો કે જાણે વર્ષો બાદ કોઈ કારાવાસમાંથી છુટકારો મળ્યો હોય.

જેમ કોઈપણ બે મૂળ રંગો એકબીજામાં ભળતાં કોઈ ત્રીજો રંગ ઉભરે એવા અનન્ય અસંખ્ય રંગબેરંગી રંગોમાં નવજીવનના નાવીન્યપૂર્ણ નજારાના ખ્યાલોમાં ખોવાઇ, બેડ પર પડ્યાં પડ્યાં પડખાં સાથે ફરી ગયેલા ભાવીના શમણાં શણગારતા કયારે આંખ મીંચાઈ ગઈ તેનો દેવને ખ્યાલ ન રહ્યો...હજુ નિંદ્રા આધીન થાય એ પહેલાં જ....

અચાનક દેવના મોબાઈલની રીંગ રણકી...
સમય થયો હશે રાત્રીના આશરે ૧૨:૧૫ નો
કામિનીનો કોલ હતો.... વિચાર ઉઠે એ પહેલાં કોલ ઉઠવાતા દેવ બોલ્યો..

‘હેલ્લો..’
‘ક્યાં છે તું ? કામિનીએ પૂછ્યું
‘ઘરે જ છું, કેમ શું થયું ?
‘એડ્રેસ સેન્ડ કર હું.. આવું છું.’ કામિની બોલી..
‘જી..બટ વ્હોટ હેપન્ડ ? બેડ પરથી ઊભા થતાં દેવે પૂછ્યું..
‘જસ્ટ વેઇટ એન વોચ.’
એમ કહી કામિનીએ કોલ કટ કર્યો અને... દેવે તેનું એડ્રેસ સેન્ડ કર્યું...

કામિનીના અવાજમાં રીતસર રીસનો સ્વર સાંભળતા દેવના દિમાગમાં નક્કી કંઇક ન બનવાના એંધાણની ધારણા ઘર કરી ગઈ. પળમાં અનેક ઉચાટ અને ઉદ્વેગ સાથે અમંગળના વિચાર વંટોળના ટોળાએ દેવના ચિતને ઘેરી લીધો.

કામિની આવે ત્યાં સુધી સળવળતાં સવાલોને શાંત પાડવા સિગરેટ સળગાવવાનો વિચાર આવ્યો પણ, ઓચિંતી ભડકેલી ચિંતાની ચિતાની ચીંગારીએ ધુમ્રપાનની તલબ પર પાણી ફેરવી દીધું. વોશરૂમમાં જઈ મોં પર ઠંડા પાણીની ત્રણ-ચાર છાલક માર્યા પછી ચહેરો સાફ કરે ત્યાં ફરી મોબાઈલ રણક્યો..

‘હેલ્લો.. હું તારી કોલોનીની બહાર મેઈન ગેટથી લેફ્ટ સાઈડમાં થોડે દુર મારી વ્હાઈટ કલરની કાર પાસે ઊભી છું..જલ્દી આવ.’
હજુ દેવ ઉત્તર આપે એ પહેલાં જ કામિનીએ કોલ કટ કરી નાખ્યો.


એક જ જટકામાં અણધાર્યા અનપેક્ષિત અચરજના આંચકાનો ગ્રાફ ઉંચે ચડી ગયો. ઉતાવળા પગલે કામિનીની કાર સુધી પહોંચતાં સુધીમાં દેવની કલ્પનાશક્તિ નબળી પડી ગઈ.

કારના ફ્રન્ટ ડોર પાસે ટેકો લઈ બ્લેક કલરનું સ્લીવલેસ બ્લાઉઝ અને એ જ કલરની સીફોનની સાડીમાં સજ્જ કામિની પાસે આવતાં તેજ ધબકારા સાથે દેવે પૂછ્યું...શું થયું કામિની ?

બે પળ પછી.... આંખોમાં ઉતરી આવેલી ક્રોધાગની સાથે કામિનીએ દેવના ગાલ પર એક સણસણતો તમાચો ચોડી દેતાં સ્પોર્ટ્સમેન જેવું ખડતલ બોડી હોવા છતાં ગુમાવેલા સંતુલન સાથે ગાલ પંપાળતા અચરજથી ફાટી ગયેલાં ડોળા સાથે એટલું જ બોલ્યો... ‘કામિની... આ શું છે ?

‘શશ.....શ.....ચુપ.... હું ન કહું ત્યાં સુધી એક શબ્દ ન બોલીશ. ચલ ચુપચાપ કારમાં બેસી જા. નાક પર આંગળી મૂકી ડોળા ફાડી કામિનીએ ઉત્તર આપ્યો.

કોઇપણ જાતની પૂર્વધારણા વગર કામિનીએ ચોડેલા તમાચાથી તમતમી ગયેલા ગાલ અને છંછેડાઈ ગયેલા સ્વાભિમાનથી સમસમી ગયેલા દેવે તેની ક્રોધાગ્ની પર કાબુ મેળવી ગુસ્સામાં ડોર ઉઘાડી, ફ્રન્ટ સીટ પર કામિનીની બાજુમાં બેસી ગયો.

સુમસામ હાઇવેના સન્નાટા કરતાં કારમાં ચિક્કાર ચુપકીદી હતી, એ.સી.ના મહતમ તાપમાન કરતાં બન્નેના ભીતરના ઉકળાટનું ટેમ્પરેચર વધુ હતું. પંદર મિનીટના ડ્રાઈવ પછી લેફ્ટ સાઈડ તરફ રોડથી નીચે કાર ઉતારતાં ભરપુર બળાપા સાથે કામિની એ બ્રેક મારતાં દસ ફૂટ સુધી કાર ઢસડાતી ગઈ.

હેન્ડ બ્રેક પાસે મુકેલી મેટલની વોટર બોટલ લઇ અડધી બોટલ ગટગટાવ્યા પછી કામિની બોલી...

‘આરુષીને કેટલા સમયથી ઓળખે છે ?’

આટલું સાંભળતા પુરપાટ દોડતાં દેવના વિચારોને સજ્જડ બ્રેક લાગી. આરુષીનું નામ આવતાં કામિનીએ ચોડેલા તમાચાનો તાળો મેળવવા મનોમન ફેરવતા વિચારમાળાનો ખૂટતો મણકો દેવને જડી ગયો. એટલે ગુસ્સાનો ગ્રાફ નીચે આવતાં બોલ્યો..

‘જી.... બે મહિનાથી પણ તું આરુષીને...’ હજુ દેવ આગળ બોલે એ પહેલાં ડેસ્ક બોર્ડ પર જોરથી હથેળી પછાડતા કામિની રીતસર તાડૂકીને બોલી...

‘તું...તું....શું સમજે છે આરુષીને ? કોઈની સ્હેજ માત્ર ભૂલથી આરુષીની આંખમાંથી આંસુ ટપકે એ પહેલાં હું તેને ટપકાવી દઉં છું સમજ્યો. આજે મને તારું નગ્ન સત્ય જોઈએ નહી તો જીભ પહેલાં તારો જીવ ખેંચી લઈશ ધ્યાન રાખજે.’

‘એક વાત સાફ સાફ સમજી અને સાંભળી લે દેવ.. જીગર મારી દુનિયા હતી... છતાં મેં તેના હત્યારાને માફ કરી દીધા છે...પણ જો આરુષી સાથે સ્હેજ પણ ગલત થયું તો..... મોત માટે તું કરગરીશ તો પણ મોત નહીં મળે... આને તું મારી ખુલ્લી ધમકી સમજી લેજે.’

થોડી ક્ષણો ચુપ રહ્યાં પછી દેવ, કામિની સામું જોઈ માર્મિક હસ્ય સાથે બોલ્યો..


‘મોત.... હું જ સાહજિક મૃત્યુ ઝંખતો હતો કામિની, પણ...આરુષીને મળ્યાં પહેલાં, મારી પાનખરમાં વસંત બનીને આવી આરુષી. મોહમાયાની હોળી સળગાવવાના અટકચાળા કરતાં કયારે અગનજ્વાળા હાથથી હૈયાં સુધી પ્રસરી ગઈ તેનો ખ્યાલ જ રહ્યો. અગનખેલના મમતની રમતમાં સમય, સંજોગ અને કિસ્મતની કઠપુતલી બની વિદુષકના વાઘા પહેરી એવાં ખેલ રચ્યાં કે જાત પર થુંકવાનું મન થઈ ગયું હતું. ઉછીની આગ બુજાવવાનો એ હદે ચસ્કો લાગ્યો કે...મને તેની ભાન થાય ત્યાં સુધીમાં મારું દિમાગ ચસ્કી ગયું હતું. કોઈનું ઝેર ઉતારતાં ઉતારતાં અંતે હું ઝેરનો એવો આદિ થઇ ગયો કે જીવન જ ઝેર થઈ ગયું....’

સળગતાં અંગારા જેવા શબ્દો અને ઉકળતી હૈયાંવરાળ સાથે સતત સરકતી અશ્રુધારાથી દેવના બન્ને ભીનાં ગાલ જોઇ...મહદ્દઅંશે કામિનીનો પિત્તો પણ પીગળી ગયો... એ પછી કામિની દેવ સામે પાણીની બોટલ ધરતા બોલી...

‘દેવ... હું આરુષીને માત્ર જાણતી નથી પણ માનુ છું. તે અને મેં ભરજુવાનીમાં જેટલી ઠોકર ખાધી છે, તેથી વધુ કઠોર ઠોકર આરુષીએ તેના બચપણમાં ખાધી છે. છતાં સદાય તેના સ્મિત પાછળ સંતાપ સંતાડી સૌને હસાવતી રહે છે. આઈ થીંક કે વિધાતાએ પણ આરુષીને રંઝાડવાના લેખ લખવામાં કોઈ શેહ શરમ નહીં રાખી હોય પણ....આજે તેણે એ લેખ માથે મેખ માર્યા પછી વિધાતાને પણ શરમ આવતી હશે.’

‘તું નહીં માને દેવ પણ અમે ગઈકાલે અમે ડીનર પાર્ટીમાં દોઢ કલાક સાથે ગાળ્યો પણ..એ નેવું મીનીટમાં એંસી મિનીટનો એક જ ટોપીક હતો...બસ, દેવ.. દેવ... દેવ..’

‘તારું તો માત્ર નામ જ દેવ છે...પણ આરુષીને જોઈ કોઈ દેવને પણ આરુષીનું કિરદાર નિભાવવાનું મન થાય. ગંગાજળથી’યે પાવન છે તેનું મન. ઈશ્વર થવું સહેલું છે પણ આરુષી થવું અસંભવ છે. દેવ તારા કરતાં એ તને વધુ જીવે છે. પણ દેવ... આરુષીથી તારી ઓળખ છુપાવીને તે જિંદગીની સૌથી મોટી ભૂલ નહીં પણ ભયંકર ભૂલ કરી છે. જો આરુષી તને પ્રેમ ન કરતી હોત તો...ચપટી વગાડતાં તારું રામ નામ સત્ય કરી નાખત.’

‘કુદરતની કેવી ક્રૂર કરામત છે નહીં....હું મરણનું કારણ શોધતો હતો કેમ કે જીવન જીવવાનું કારણ નહતું... અને એ આરુષીને હું જ મળ્યો જેને મારા થકી જીવન જીવવાનું કારણ મળ્યું, હાઉ સ્ટ્રેન્જ. પણ, હવે મૃત્યુ કરતાં એ ડર વધુ સતાવે છે કે, કયાંક હું જ આરુષીના મૃત્યુનું નિમિત ન બની જાઉં.’
ગળગળા સ્વરમાં ભીની આંખ સાથે ભીનાં ગાલ લૂંછતા દેવ બોલ્યો.
‘ના...આ તારી ભૂલ છે દેવ... આરુષીને ઈશ્વર કરતાં તારા પર વધુ શ્રધ્ધા છે. પહાડ જેવડા તારા પશ્ચાતાપની પરિભાષા સમજી, સ્વીકારી અને સ્મિત સાથે આરુષી એક પળમાં ફૂંક મારીને તારી ભૂલ ભૂલી પણ જશે. આરુષીને ઇન્સાન કરતાં અસત્યથી વધુ નફરત છે. અને આજે હું એ જ જાણવા આવી છું કે તારી જિંદગીના કડવા સત્ય અને આરુષીના કાન વચ્ચે કેટલું અંતર છે ?
‘બસ..માત્ર એક દિવસ...હવે હું મારા ભીતરના દાનવને હંમેશ માટે ખત્મ કરવા માટે કટિબંધ છું. આરુષી જ મને મારી દોઝખ જેવી જિંદગથી મોક્ષ અપાવશે. હવે મારા અને આરુષી વચ્ચે મારા ભૂતકાળના અધ્યાય સિવાય કશું જ છુપું નથી.’
ચહેરા અને ચક્ષુમાં આત્મવિશ્વાસના એક અનન્ય ઓજસ સાથે દેવ બોલ્યો..

‘દેવ...હવે મોડું નહીં કરતો.. નહીં તો.....એક અનર્થથી કેટલી અર્થી ઉઠશે તેનો હું અંદાજ નથી લગવી શકતી.. કારણ કે આજે ત્રણ વર્ષ પછી પણ જીગરની અર્થીના સ્મરણ માત્રથી મારા ખભાની પીડા અને હૈયાનું દર્દ દ્રવી ઉઠે છે. મારા અધૂરા સપના હું આરુષિની આંખમાં જોઈ રહી છું. દેવ.. બસ એકવાર આરુષીનો દેવ બની આરુષીને જીવાડી દે.. હું તારો ઉપકાર અંતિમ શ્વાસ સુધી નહીં ભૂલું.’
આટલું બોલતા કામિનીનું મક્કમ મન અને મનોબળ બન્ને ઢીલાં પડતાં તેની આંખો છલકાઈ ગઈ.

બન્ને ચુપચાપ થોડીવાર અશ્રુ સારતાં રહ્યાં પછી... દેવ બોલ્યો..

‘સાચું કહું કામિની તો, તારી સાથે થયેલી ગોવાની મુલાકાત પછી જ હું આરુષી જોડે સિરિયસલી જોડાવાની હિમ્મત એકઠી કરી શક્યો છું, ગોવામાં અપ્લ્વીરામ પર અટકેલા વાર્તાલાપ પરથી મેં એમ વિચાર્યું કે, અકલ્પનીય આકરી અગ્નિપરીક્ષા જેવાં ચડાવ ઉતાર પછી પણ જો તું સ્ત્રી થઈને તારી જિંદગી સંતુલિત કરી શકી હોય તો.....
‘હું અર્ધસત્યને નગ્ન કરી આરુષીનો વિશ્વાસ કેમ ન જીતી શકું ? અને જો કેવો જોગાનુંજોગ સર્જાયો... તું, હું અને આરુષી એક જ સર્કલને સાંકળતા બિંદુઓ નીકળ્યા. તે આરુષીને જણાવ્યું કે.. આપણે બન્ને એકબીજાથી પરિચિત છીએ ?

‘ના... કેમ કે, જો હું તારા શત પ્રતિશત સત્યથી પરિચિત હોત તો... અત્યારે આરુષી આપણી સાથે હોત. પણ.. દેવ હવે તારા સત્ય પર એક્સપાયર ડેટ લાગે એ પહેલાં આરુષીને તેનાથી અવગત કરાવી આપ નહીંતર....તારા ઝેર જેવા જૂઠની સાઈડ ઈફેક્ટથી કંઇકની જિંદગી ઝેરથી બદતર થઇ જશે, એટલું યાદ રાખજે.’

‘કામીની, આવતીકાલે દેવના ભીતરના દાનવનો હું જાતેજ અગ્નિસંસ્કાર કરી નાખીશ.’

‘હવે સાંભળ.... હું આવતીકાલે બે દિવસ માટે દિલ્હી જઈ રહી છું. દિલ્હીથી પરત આવું એ પહેલાં આરુષી આગળ તારા ચહેરા પરના અર્ધસત્યની પરત હટી જવી જોઈએ. આરુષી તરફથી હું આ વચન તારી પાસે માંગી રહી છું.’

‘આપ્યું... પણ હવે એ તો કહે કે, તું અને આરુષી કઈ રીતે પરિચયમાં આવ્યાં ?

‘ઇન્ટરેસ્ટીંગ....તેનું નિમિત પણ જીગર અને શ્રેય પણ તેને જ જાય છે. હું જીગરની જિંદગીમાં આવ્યાં પછી સાત વર્ષમાં જીગર પર તેના ભૂતકાળની ગુનાહિત પ્રવૃત્તિથી ખરડાયેલા દામનના દાગ ધીમે ધીમે બેદાગ થવાં લાગ્યાં...જન્મજાત ગુણધર્મ અને પ્રકૃતિથી આધીન થઈ તેણે આચરેલાં અપરાધ પર તેની સારપ અને સ્વચ્છ બનતી છબીએ સરસાઈ મેળવી લીધી હતી... પણ રાજનેતા અને તેના કઠપુતલી જેવા પોલીસ ખાતાએ ખુદને હીરો સાબત કરવા પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પર જીગરને કસુરવાર ઠેરવી વિલન ચિતરવામાં કોઈ કસર બાકી નહતી રાખી... ખાસ્સો લાંબો સમય સુધી દરેક માધ્યમમાં પેઈડ ન્યુઝ દ્વારા જીગર એન્કાઉન્ટરનો કિસ્સો ગરમ ભજીયાની માફક ખુબ વેંચાયો અને વંચાયો હતો. એ સમયે એક અંજાન વ્યક્તિએ ટ્વીટરના માધ્યમથી જીગરને માફિયામાંથી મહાત્મા સાબિત કરવાની બેધડક હિંમત સાથે પહેલ કરી હતી.. એ બીજું કોઈ નહીં પણ આરુષી હતી. જીગરના કપાળે અપરાધીના કલંકનું તિલક તેની પરવરીશ અને સંજોગના શિકાર થવાને કારણે લાગ્યું હતું, પુરાવા સાથે એ કલંક ભૂંસવા આરુષીએ તેની જાત ઘસી નાખી હતી.’
‘જીગરની વિદાય પછી તેના શત્રુઓએ મને રંજાડવામાં કઈ બાકી નહતું રાખ્યું... પણ મને સંભારીને સાંભળનાર અને સંભાળનાર એક જ વ્યક્તિ હતી.. આરુષી. એટલે જ કહું છું કે.. આરુષીની આંખમાં આંસુ આવશે તો હું શું નહીં કરું તે વિચાર માત્રથી હું ખુદ ધ્રુજી ઉઠું છું. આજથી ત્રણ દિવસ પછી હું તને અને આરુષીને ખુશી ખુશી નવજીવનમાં ડગ માંડતા જોવા ઈચ્છું છું.’

એમ કહી કામિનીએ કાર દેવના ઘર તરફ હંકારી.
દેવને ડ્રોપ કરતાં કામિની બોલી...’
‘સોરી યાર..
‘ફોર વ્હોટ ? દેવે પૂછ્યું..
‘થપ્પડ, જરા જોરથી મારવા બદલ.’ સ્હેજ હસતાં કામિની બોલી
‘એ તો હું આરુષીને કહી દઈશ, પછી જો જે એ તારી શું હાલત કરે છે.’ હસતાં હસતાં દેવ બોલ્યો...
‘આરુષીનો ઉત્તર મને ખબર છે.’ કામિની બોલી..
‘શું ?
‘એ એમ જ કહેશે.. બસ એક થપ્પડ જ મારી ? એટલું હસતાં હસતાં બોલી કામિની તેના બંગલા તરફ નીકળી ગઈ.

સમય થયો હતો રાત્રીના ત્રણ આસપાસનો...

દેવનું મન અને મસ્તિષ્ક એટલું હળવું ફૂલ થઇ ગયું હતું જાણે કે..તેણે વર્ષોથી કરેલા અક્ષમ્ય અપરાધના અંતરિમ ચુકાદામાં કુદરતે કલીનચીટ આપી તેને સપૂર્ણ નિર્દોષ જાહેર કર્યો હોય.
સૂતા પહેલાં આરુષીને મેસેજ સેન્ડ કર્યો..
‘સવારે અગિયાર વાગ્યે સેન્ડ કરેલા એડ્રેસ પર મળીયે છીએ.’ લોકેશન એડ કરી દેવે મેસેજ સેન્ડ કર્યો...અને સ્વયં નિંદ્રાને હવાલે થયો.

વધુ આવતાં અંકે..