જીસ્મ કે લાખો રંગ - 1 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીસ્મ કે લાખો રંગ - 1

'જીસ્મ કે લાખો રંગ’

પ્રકરણ-પહેલું/૧

મુંબઈ....
સમય વ્હેલી પરોઢના ૬:૩૫ નો

અતળ અને વિશાળ અરબી સમુદ્રના ઉછળતાં મોજાંઓ પર જયારે દ્રષ્ટિ સીમાંકનના પેલે પાર ક્ષ્રિતિજના છેડેથી સૂર્યએ સ્હેજ ડોક્યું કરતાં પડેલાં પ્રથમ કિરણો થકી સુવર્ણ પ્રભાતના તેજ, તાજગી અને તરવરાટના સંતુષ્ઠીની અનુભૂતિ અને ઉષ્માની પરોઢને એ પ્રોઢ વાગોળે એ પહેલાં....

‘ચાચા.. આપકી ચાય.’

સામેના ક્રોસ રોડના કોર્નર પર ફૂટપાથને અડીને આવેલી ચાની ટપરી પરથી ચાય લઈ આવેલો ચાલીસ વર્ષનો યુવક ચાયનો ગ્લાસ પ્રોઢના હાથમાં આપતાં બોલ્યો.


દરિયા કિનારે બેન્ચ પર બેસેલાં પ્રોઢ ધ્રુજતાં હાથે ચાયનો ગ્લાસ ઝાલી, સસ્મિત યુવકના ગાલે સ્હેજ વ્હાલથી ટપલી મારતાં કાંપતા સ્વરે બોલ્યાં,

‘આઆ...આજ ઇતને સાલ હો ગયે.. પર ફિરભી...સુરજ કી પહેલી કિરન નિકલને સે પહેલે હી... મેરે હાથોં મૈ ચાય કા ગ્લાસ થમા દેને કી પરંપરા તુને કભી નહીં તૂટને દી.’

‘ક્યોં કી, ચાચા...ઇતને સાલો સે ‘પરંપરા’ કી અસલી પરિભાષા મૈને આપ કો દેખ દેખ કે શીખી હૈ.’

હસતાં હસતાં પ્રોઢ બોલ્યાં,

‘અબ તો તુ કિતની બડી બડી બાતેં કરને લગા હૈ, અચ્છા સૂન...’

એમ કહી ઓવરકોટના અંદરના પોટેટમાંથી વોલેટ હાથમાં લઇ, તેમાંથી પાંચસો પાંચસો રૂપિયાની બે.. નોટ કાઢી, પેલા યુવકના હાથમાં આપતાં બોલ્યાં..

‘યે....લે, આજ સબ બચ્ચો મેં ચોકલેટ્સ બાંટ દેના.’
‘જી, ચાચા.. આજ કિસી કા જન્મદિન હૈ, ક્યા ?’

‘હા, આજ ઉસ સુરજ કા જન્મદિન હૈ...જિસકા સિર્ફ પૂરબ હૈ, પશ્ચિમ નહીં....’


ચાયના આખરી ઘૂંટ સાથે વિષાદને ગળી, ચશ્માં ઉતારી, કાંપતા હાથે રૂમાલથી બંને સજળનેત્રો લૂછી......વોકિંગ સટીકના ટેકે ટેકે... પ્રોઢ તેના નિવાસ્થાન તરફ ચાલવાં લાગ્યા.

ત્રીસ વર્ષ પહેલાં.....

સૂમસામ રોડની સામે આવેલાં બીગબેન ટાવરની પ્રતિકૃતિ જેવા ટાવરની ટોચ તરફ નજર પડતાં નીરવ શાંતિ વચ્ચે છાના પગલે મધ્ય રાત્રી તરફ ગતિ કરતાં ઘડીયાળના કાંટા એક ને પિસ્તાળીસનો સમય સંકેત આપી રહ્યા હતાં ત્યાં અચનાક જ.........

‘ચરરરરરરરરરરરરરરરરરરરર.......... કાનમાં તીણી ચીસ જેવી ચરચરાટી પડી, રોડ પર કારના ટાયરનો જોરદાર ઘસરકો પાડી એક સ્પોટ્ર્સ કારે સજ્જડ બ્રેક માર્યા પછી, કારને રીવર્સ ગિયરમાં નાખતાં એ જ ગતિ સાથે રીવર્સ લઈ, ફરી એવાં જ અંદાજમાં બ્રેક મારી.

મધ્ય રાત્રીના સૂનકાર સન્નાટા વચ્ચે, કિનારાથી પચાસ ડગલાં દૂર આવેલાં બેન્ચ પર બેસેલાં, પાશ્ચાત્ય ભૂમિમાંથી સાગરની ઓટના અંતિમ પ્રહરના પ્રવેશની અસરથી ઓસરીને શમી ગયેલાં અરબી સમુદ્રના મોજાંની આવતી ધીમી ગતિના સ્વર વચ્ચે શબ્દસાધક બની વાંચનમાં તલ્લીન, પણ સ્હેજ ધીર ગંભીર દેખાતા આશરે ત્રીસેક વર્ષના નવજુવાન સામે કાર થંભાવી કારચાલક યુવતી જે રીતે ટગર ટગર જોયાં કરતી હતી. તે જોઇ તે યુવકના ચહેરા પર અચરજ કરતાં આશ્ચર્યના ભાવ વધુ જણાતા હતા તેવું તે યુવતીને લાગ્યું.

સ્પોર્ટ્સ સૂઝ પર વ્હાઈટ કલરના ની લેન્થ સુધીના સ્કીન ટાઈટ જીન્સ અને કમરથી ચાર આંગળ ઊંચા ડાર્ક મરુન કલરના ફૂલ સ્લીવ ટી-શર્ટના વસ્ત્ર પરિધાનમાં પચ્ચીસેક વર્ષની બેહદ ખુબસુરત યુવતી કારનું ડોર ઉઘાડ્યા વગર તેની મસ્તીમાં કારમાંથી જમ્પ મારી ઉતરતાં બોલી.

‘ઊઊઊઊ....’

ચુપચાપ આવી યુવક નજીક બે ફૂટના અંતરે બેન્ચ પર બેસી ગઈ.

ડાર્ક બ્લ્યુ કલરના ટ્રેક પેન્ટ પર રેડ કલરનું સ્લીવલેસ ટી-શર્ટ, કોઈ પ્રોફેશનલ રેસલર જેવા મસલ્સ, પહોળી છાતી અને છ ફૂટથી વધુની હાઈટ સાથે તે યુવકનો ચોકલેટી હેન્ડસમ ચહેરો કોઈને એક ક્ષણ માટે પ્રભાવિત કરવાં માટે કાફી હતો.

યુવક તે યુવતીની વિચિત્ર લાગતી હરકતથી સ્હેજ પણ વિચલિત થયાં વગર તેને લીટરલી નજરઅંદાજ કરી ફરી વાંચનમાં કોન્સન્ટ્રેટ કરવાં લાગ્યો.

યુવકના લેફ્ટ હેન્ડમાં અંગ્રેજી નોવેલ હતી અને રાઈટ હેન્ડની આંગળીઓ વચ્ચે એક સળગાવ્યા વિનાની કોરી કટ્ટ સિગરેટ ફેરવતો હતો.

યુવતીનું ધ્યાન તે સિગરેટ તરફ હતું....બે મિનીટ બાદ ખોંખારો ખાઈ, ગળું સાફ કરતાં, સન્નાટાની ચુપકીદી અને યુવકના વાંચનમાં ખલેલ પાડતા યુવતી બોલી,,


‘એક્સક્યુઝ મી પ્લીઝ...’
એ પછી પ્રથમવાર યુવકે તે યુવતી સામે જોઇ, તેના દમદાર અવાજમાં પૂછ્યું,

‘યસ.’

‘ઇફ યુ ડોન્ટ માઈન્ડ, કાં તો આ આપ સિગરેટ આપ સળગાવો અથવા... ફેંકી દો.’

યુવકને થયું કે, અત્યારે આ બેગાની શાદી મેં અબ્દ્દુલા દીવાના જેવી ઉપાધી ક્યાંથી આવી ચડી ? છતાં ગુસ્સે થયાં વગર તેની શાંત પ્રકૃતિને આધીન થઈ આદરથી પૂછ્યું,

‘જાણી શકું તમે ક્યાં અધિકારથી આ વાત કહી રહ્યાં છો ? અને તમારી વાતને આદેશ સમજુ કે અરજ ? વ્હોટ્સ ધ પ્રોબ્લેમ ?

યુવકની પ્રતિભાને વધુ ઉજાગર કરતો તેનો મંત્રમુગ્ધ ઘેઘૂર અવાજ સાંભળી યુવતી સ્હેજ હસતાં હસતાં બોલી...

‘આટલી મોડી અને સુમસામ રાતના એકાંતમાં બાહુબલી જેવા સશક્ત વ્યક્તિને આદેશ આપવાનું મારું ગજું નથી... રીક્વેસ્ટ, જસ્ટ રીક્વેસ્ટ મિસ્ટર.’

બીન બુલાયે મહેમાન અને બિગડેલ બાપની ઔલાદ જેવી લાગતી યુવતીનો ધડ માથા વગરનો જવાબ સંભળાવા છતાં યુવકે ધીરજ રાખી પૂછ્યું,

‘હેલ્લો... જો મારા હાથમાંની સિગરેટથી તમે અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યાં હોય તો તમે જઈ શકો છો.’

યુવકના જવાબથી યુવતી વધુ જોરથી હસવાં લાગી..
એટલે યુવકને આશ્ચર્ય થયું કે, ‘મેન્ટલ હોસ્પિટલમાંથી પેશન્ટ લાપતા.’ આવી કોઈ હેડલાઈન આવતીકાલના ન્યુઝ પેપરમાં વાંચવા ન મળે તો જ નવાઈ.

‘અરે.... માચો મેન, આપના હાથની આ કુંવારી સિગરેટ જોયા પચી મેં જે હથોડા છાપ, ઈમરજન્સી લેન્ડીંગ જેવી, હેન્ડબ્રેક સાથેની બ્રેક મારી એ તમને ન સંભળાઈ ? મિસ્ટર, મારી પાસે મેચ બોક્સ છે પણ... સિગરેટ નથી... અને આપ ક્યારના જે રીતે કઠપૂતળીની જેમ એકમાંથી બીજી, અને બીજીમાંથી ત્રીજી અને ચોથી એક પછી એક આંગળીઓમાં સિગરેટને નચાવો છો એ જોઇ મારી તલબ પણ ઠેકડા મારે છે, એટલે કહ્યું કે... કાં સળગાવો...કાં.....પણ આઈ એમ સોરી..... સિગરેટ પહેલાં તમે સળગી ગયાં....’


આટલું બોલી, બેન્ચ પરથી ઉભાં થતાં યુવતી ખડખડાટ હસવાં લાગી...

વાતની વાસ્તવિકતા સમજતાં, બૂક એકતરફ મૂક્યા પછી સ્હેજ શરમ અને આશ્ચર્ય સાથે યુવક બોલ્યો,

‘ઓહ્હ...વ્હોટ એ કોઇન્સીડેન્સ...તમારી પાસે સિગરેટ નથી... મારી પાસે મેચ બોક્સ નથી.’

‘આલ્લે લે.....કોઈ એ સાચું કહ્યું છે કે, ઉપરવાળો કીડીના કણ, હાથીના મણ અને તરસ્યાંનું પણ, ધ્યાન રાખે છે.’

યુવકે ટ્રેક પેન્ટના પોકેટમાંથી વન એન્ડ ઓન્લી સિગરેટનું પેકેટ કાઢી યુવતી તરફ ધરતાં પૂછ્યું,

‘ફાવશે ?’

મધુર સ્માઈલ સાથે પેકેટ માંથી એક સિગરેટ સરકાવતા યુવકની સામું જોઈ, યુવતી બોલી,
‘થેન્ક્સ.... પણ, કયારેક મનપસંદ માહોલ અને અનજાન વ્યક્તિની સંગતમાં તરસના ધોરણની લિજ્જત બમણી અને પસંદ ગૌણ બની જાય એવું બને.’

બેન્ચ પર યુવક પાસે બેસી, સિગરેટ સળગાવી, નિરાકાર ધૂમ્રસેરને ફુંક માર્યા પછી બેઘડી આંખો મીંચી યુવતી પડી રહ્યાં બાદ... બેન્ચ પરથી ઊભા થઈ યુવક તરફ હાથ લંબાવતા બોલી,

‘આરુષી.’

‘દેવ’ હસ્તધૂનન કરતાં યુવકે તેનું નામ જણાવ્યું.

‘રેન્ડમલી અનેકવાર આ સમયે હું અહીંથી પસાર થાઉં છું, પણ... તમને મેં પહેલી વાર જોયા.’
કસ મારતાં આરુષીએ પૂછ્યું,

‘મન સાથે તન્મય થવા માટે આ સ્થળ અને સમય મને અનુકુળ લાગે છે, હું અક્સર અહીં આવું છું, પણ આજે તમારું મેચ બોક્સ અને મારી સિગરેટ આપણી મુલાકાતનું નિમિત બન્યાં.’

આટલું બોલી દેવ હસવાં લાગ્યો.

‘હા, એ સાચું, પણ તમારા સ્વર કરતાં તમારું સ્મિત ચડીયાતું હશે એ નહતી ખબર.
‘તમે તો કોઈ તપસ્વિની માફક એવી ગંભીર મુખમુદ્રા ધારણ કરી મારી સામું જોતા હતાં જાણે કે. હું કેમ તમારો તપોભંગ કરવાની હોઉં.’
બોલતા બોલતા આરુષી હસવાં લાગી.

ત્યારબાદ આગળ બોલી..
‘અને જુઓ ને નામ પણ એવું જ નીકળ્યું... ‘દેવ’....શોર્ટ એન્ડ સ્વીટ. આઈ લાઈક ઈટ.’

‘અને તમારું ટોટલી યુનિક....મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું આ નામ. શું અર્થ થાય “આરુષી’ ના નામનો ? દેવે પૂછ્યું.

‘અરે તમને રીડીંગની હોબી છે તો, તમને ખ્યાલ હોવો જોઈએ.’ આરુષી બોલી,

‘યુ આર રાઈટ બટ આઈ રીડ ઓલ્વેઝ ઈંગ્લીશ નોવેલ્સ..અને મેં કહ્યું ને, કે આઈ હીયર્ડ ધીઝ નેમ ફર્સ્ટ ટાઈમ ?

સિગરેટનો આખરી કસ મારી, મિડલ ફિંગરથી સિગરેટના ઠુંઠાને સ્ટાઈલથી ફેંક્યા પછી આરુષી બોલી,

‘તો એમ કરીએ...’દેવસાબ’... ‘આરુષી’ અને ‘આરુષી’ ના અર્થના મર્મને જાણવા માટે આપણી નેક્સ્ટ અનએક્સેપ્ટેબલ મુલાકાતની પ્રતિક્ષા કરીએ.. તબ તક કે લિયે બાય, સી યુ એન્ડ થેન્ક્સ અગેઇન ફોર વન ‘વન એન્ડ ઓન્લી’.

આટલું બોલી હાથ ઉંચો કરી હલાવતાં, ફરી એ જ અદામાં જમ્પ મારી ડ્રાઈવીંગ સીટ પર ગોઠવાઈ, બીજી જ પળે તેજ ગતિ સાથે આરુષી હવામાં ઓગળી ગઈ.

વધુ આવતાં અંકે...