પ્રપંચ શિતલ માલાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રપંચ

"રાણી દામિની આપે તો આ રાજ્યને સંભાળવાનું છે. આમ હિંમત હારો એ કેમ ચાલશે?" મહેલની બુઢ્ઢી દાસીઓ રડતી દામિનીને આશ્વાસન આપતી હતી.
હાં ! આ એ જ દામિની છે જેને પોતાના રૂપ અને કૌવત પર ભારે અભિમાન હતું. એણે પોતાના સ્વયંવરમાં રાજકુમારોને મદિરા પીવડાવેલા ગજરાજ સાથે બાથે ભીડવ્યાં હતા. એ બધા હારીને ઊભા રહ્યા ત્યારે રાજા ખુદ મુંઝાણા કે હવે આ એની પુત્રી કોને પરણશે ?? રાજાને પણ ખબર હતી કે એની રાજકુમારી દિમાગ અને બળમાં શકિતશાળી હતી. દામિનીનો પડ્યો બોલ ઝીલનારો એનો પિતા પણ એના પરાક્રમોથી ક્યારેક નાખુશ રહેતો. કેટકેટલા માંગાનો અસ્વીકાર કરનારી દામિનીની મનની વાત કોઈ કળી શકતું ન હતું.

થોડા સમય પછી ખબર પડી કે દામિની તો એ મહેલની દાસીના પુત્રના ગળાડૂબ પ્રેમમાં હતી. રાજા સુધી વાત પહોંચ્યા વગર થોડી રહે?? રાજાએ તો એ દાસીને મહેલમાંથી હાંકી કાઢી. દામિનીએ તો દાસીપુત્ર સાથે સંસાર માંડવાની વાત મૂકી પણ આ વાત રાજાને મંજૂર ન હતી. ભરી સભામાં રાજાએ નગરજનોની નજર સમક્ષ દાસીપુત્રનું હડહડતું અપમાન કર્યું અને મહેલના પ્રાંગણમાં શૂળીએ ચડાવી દીધો.રાજાનો આ નિર્ણય પોતાના સ્વાર્થ અને સંતાનની સુરક્ષા તરફી હતો. બધા રાજાના આ નિર્ણયથી નાખુશ હતા. દામિનીને પણ જબરો આઘાત લાગ્યો. એણે પણ પ્રજાજનો સમક્ષ પિતા પાસે મોતની સજા માંગી પોતાના જ માટે... એ કાકલૂદી કરતી રડી અને બોલી, પ્રેમ તો અમે બેય એ એકમેકની જીવથી વધુ કર્યો હતો તો આ વાતને અહીં અટકાવી કેમ ?? હું એના વગર નહીં જીવી શકું. પ્રેમ તો દ્રિપક્ષીય હતો તો સજા એને એક ને જ કેમ ??

દામિનીના આવા વર્તનથી રાજા પણ લાંબી માંદગીમાં સપડાયાં. અંતે એ રાજાના મોત પછી શાસન દામિનીના હાથમાં આવ્યું અને સમય જતા દામિનીના જીવનમાં ફરી એકવાર જરૂરિયાતનો પ્રેમ પાંગર્યો. દામિનીએ ઘણું વિચારી અને એક સમૃદ્ધ રાજ્યના એક અપંગ રાજકુમાર, જેનું અડધું રાજ્ય દુશ્મનોએ છીનવી લીધું હતું એની સાથે દામિનીએ લગ્ન કર્યાં. દામિનીની ચતુર બુદ્ધિમતાએ રાજકુમારનું દિલ અને હારેલું રાજય ફરી જીતાડયું. ભોળા રાજકુમારે પોતાના રાજ્યનો તમામ કારભાર દામિનીને સોંપ્યો. પ્રેમની લાલસા અને પ્રેમની હાર દામિનીને જીવવા નહોતી દેતી. ભૂતકાળ એને સુખ માણવા નહોતો દેતો.એ અપંગ રાજકુમાર સાથે દિવસેને દિવસે મતભેદ વધવા લાગ્યાં. હવે જીંદગીમાં પ્રેમ કરતા નફરત વધુ હતી. એણે અપંગ રાજાની સાથે પણ ખરાબ વ્યવહાર ચાલુ કર્યો હતો. અપંગ રાજાએ પોતાની મુર્ખામી પર હવે પસ્તાવાનું જ આવ્યું હતું. ખાસ મંત્રી મંડળની સલાહ લઈ મનોમંથન કર્યું અંધારી રાતોમાં. મનોમન એણે દામિનીની જડતાને અને ક્રુરતાને સબક શિખવવાનું નક્કી કર્યું. એણે મહેલના ખાસ માણસો દ્વારા ચતુરાઈથી દામિનીનું કાસળ કાઢવાનું નક્કી કર્યું.

એક મેઘલી રાતે દામિની ભર ઊંઘમાં હતી અને રાજાના માણસોએ આડેધડ તલવારોના ઘા ઝીંકી દામિનીને પતાવી દીધી. લોહીભીની તલવારો સાથે આ સમાચાર જ્યારે અપંગ રાજા સુધી એ માણસો પહોંચાડવા જતા હતાં કે બાજુના. ઓરડામાંથી દામિનીનો રડવાનો અવાજ આવતો હતી અને અપંગ રાજાનું શબ જમીન પર લોહીથી ખરડાયેલું પડ્યું હતું. એ એક નવાઈ પામવા જેવી વાત હતી. તો દામિનીના રૂમમાં મારી નંખાયું એ કોણ હતું ??
ખાસ માણસો સમજી ગયા કે કોઈ ખેલ ખેલી ગયું. એ નગરમાં રાજકુમારની માતા જ હાજર નહોતી....આને સમયનો ખેલ સમજવો કે પ્રેમનો સમજવો કે પછી દામિનીનો...

થોડા દિવસો પછી વરસતા વરસાદમાં એ દામિની તો ઠંડા કલેજે થયેલા એ કૃત્ય પર આકાશમાં ચમકતી દામિની સામે જોઈ ખડખડાટ હસતી હતી.. જાણે ખેલી જ લીધો એને પ્રેમની જંગ માટેનો આખરી દાવ...


શિતલ માલાણી"સહજ"
૨૧/૨/૨૦૨૧
જામનગર