Featured Books
શ્રેણી
શેયર કરો

લાલની રાણીનું આધારકાર્ડ - 21 - અંતિમ પ્રકરણ

એકવીસમું અંતિમ પ્રકરણ/૨૧

ખૂબ મોડી રાત વીતી ગઈ હોવા છતાં વનરાજસિંહ, ભાનુપ્રતાપ, રાઘવ, ભૂપત અને રણજીત સૌને એક પછી એક કોલ કરીને સવારે અગિયાર વાગ્યે અચૂક લાલસિંગના બંગલે આવવાનો રીતસર આદેશ આપી દીધો..


તરુણાનાં આ નિર્ણયથી આશ્ચર્યના ભાવ સાથે લાલસિંગે પૂછ્યું...

‘આમ જુઓ તો હવે તારાં કોઈ અનુમાન કે નિવેદન માટે શંકાનું સ્થાન જ નથી.. છતાં પણ આ સૌને અહીં બોલવવા માટેનું કારણ પૂછી શકું?'

બે મિનીટ લાલસિંગ સામે જોઇને સ્હેજ આંખો ઝીણી કરીને તરુણા બોલી..

‘એક વાત કહું...જિંદગીમાં જો તમે પોતાના જાતની પરિસીમાથી પરિચિત હશો ને તો, કોઈ તમને પરાજિત નહીં કરી શકે. તમે આખી જિંદગી લુખ્ખી ધમકીની બંદુકડી ફોડી, અને એ પણ ભાડુતી ખભાના જોરે. અને તમે તમારી કીર્તીવાસનાને સંતોષવા, ખાયકીથી ખડકેલા ખજાનામાંથી માલ મત્તાની મધલાળ ચટાડતા, એ હાડકાના હેવાયા તમારી સામે વફાદારીનાં નામ પર પુંછડી પટપટાવતાની સાથે સાથે લાલસિંગનું દિમાગ અને દૌલત બન્ને ચાટી ગયાં. અને રહી વાત સૌને અહીં બોલાવવાનું કારણ...’

‘એટલા માટે કે તમારા લોહીના ગુણધર્મના માઈનસ અને મારા પ્લસ પોઈન્ટનો અસલી પરિચય એ લોકો આપશે. મિત્ર અને શત્રુની વ્યાખ્યા હવે તમને સમજાશે. આ શહેરથી સાવ અજાણ, એકલી, નિશસ્ત્ર, નિધન અને દિશા શૂન્ય તરુણા, એ ફક્ત લાલસિંગ ચતુર્વેદીએ પૈસો, પદ, પ્રતિષ્ઠા, પાવર અને ખપ પૂરતા પારકાંને પોતાનાં બનાવવામાં અંગતની માયા, મમતા અને સ્નેહને કઈ હદે જઈને ધુત્કારી છે, તેનું ભાન કરાવવાં અને તમારાં પુરુષશત્રુ વચ્ચે સ્ત્રીમિત્ર બનીને મારી જ તલવારના વાર સામે, હું જ તમારી ઢાલ અને તમારું સુરક્ષા કવચ બનતી રહી.. માત્ર તમારી કુસુમના વચન ખાતર.’

થોડીવાર તો લાલસિંગને એ ન સમજાયું કે, ગર્વથી ગજગજ ફૂલતી છાતી સાથે માથું ઊંચકવું કે, શરમીંદગીનો મલાજો રાખીને મુંડીની ઝંડી અર્ધી કાઠીએ ઝુકેલી રાખવી.

અરસાથી ઉકળતા ભારોભાર તથ્ય અને નગ્ન સત્ય જેવા તરુણાનાં અન્યાય પ્રત્યેના આક્રોશના આવેશનું બહાર નીકળી જવું જ, સૌ માટે લાભદાયક હતું. એટલે તરુણાના વેદનાસભર વાગ્બાણ જેવા નિવેદનથી કુસુમ અને રાણી બન્નેની મનોદશા પણ લાલસિંગના સંવેદનાની સમકક્ષ હતી. એ પછી..

વાતાવરણ હળવું કરવા કુસમ બોલી..
‘લાલ..હવે પેલી કહેવત તો માનશો ને? કે, જેને કોઈ ન પહોંચે તેને તેનું પેટ પહોંચે..’
એટલે નોર્મલ થવાની કોશિષ કરતાં લાલસિંગ બોલ્યા.

‘પણ આ રીતે ધોબી પછાડ આપીને પહોંચશે એ કોને ખબર હતી? પણ હવે દીકરા.. મારા અભૂતપૂર્વ સર્વશિરોમણી શરતચૂક અને કર્મદોષનાં એક ઉદાહરણ માટે, હું કઈ હદ સુધીની દંડાત્મક શિક્ષાને પાત્ર છું એ કહીશ ???'

જન્મજાત લોહીના ઘટકે આવેલો લાલસિંગનો હિમાલય જેવો અડગ અહંકાર, પળમાં તેની ગલતી અને ગફલતના બ્રહ્મજ્ઞાનની ગરમીથી પીગળતા, ગ્લાનિ રૂપે અશ્રુધારા થઈને વહેવા લાગી. આજે કુસુમ આટલા વર્ષો પછી પહેલીવાર એક રીઢા રાજકારણી લાલસિંગની આંખમાં હ્રદયપરિવર્તનનું અલૌકિક દ્રશ્ય દ્રષ્ટિમાન થતાં, હર્ષાશ્રુ સાથે ગદગદ થઈને અદ્દભુત ધન્યતાની અનુભૂતિથી અભિભાવિત થઇ ગઈ હતી.

આ નજરો જોઇને રાણીને એમ થયું કે જાણે જીવતે જીવ વૈંકુઠનો વૈભવ માણી લીધો. તેનું રુદન નિરંકુશ થઇ જતાં તરુણાને ગળે વળગીને રડયા કરી.

આ જોઇને ગળગળા સ્વરે લાલસિંગ બોલ્યા..

‘તરુણા...ઠોકરથી જેમ રામે અહલ્યાને શ્રાપમુક્તિ અપાવી, તેમ તું પણ ઠોકર મારીને મારા ભીતરના રાવણ જેવા મિથ્યાસ્વાભિમાનને ભસ્મિભૂત કરીને આ શ્રાપમાંથી જીવન પર્યંત મુક્તિ અપાવી દે બસ.’

આટલું બોલતા.. તરુણા લાલસિંગનાં ચરણોમાં પડીને જે રીતે ધ્રુસકે ધ્રુસકે રડી પડી, તે જોઇને રાણી અને કુસુમ ડઘાઈ ગયા... રાણી પહેલીવાર તરુણાને રડતાં જોઈ રહી હતી.

રડતાં રડતાં... તરુણા બોલી...
‘ચિત્કારને ચૂપ કરાવ્યો, પીડાને પી ગઈ, દુનિયાભરના દુઃખને ડારો આપ્યો, ભૂખની સમજણ નહતી એટલે અન્ન કરતાં અપશબ્દો વધુ ખાતી. બાપનું નામ પૂછતી તો થપ્પડથી ગાલ લાલ થતાં..અને બાપનું નામ જ લાલસિંગ નીકળ્યું....બાપે પૈસાના જોરે અને માએ પ્રેમના દમ પર જવાની દાવ પર લગાવી. અને દીકરીએ બરબાદ થયેલું બચપણ અને ભૂલાઈ ગયેલી ભરજવાની, એ જાણવા દાવ પર લગાવી કે, જેનાં બાપ બનવાની ખુશીમાં તમે ભીખારીઓને જમાડીને ખુશ કર્યા, તો શું મારે પણ એ ભીખારીઓની લાઈનમાં ઊભા રહીને બાપનું નામ ભીખમાં માંગવાનું છે??
પણ..તે છતાં... હું રડી નથી. કેમ કે... મને રડાવવાનો અધિકાર ફક્ત મારા બાપ પાસે જ છે. કોઈ હાલી મવાલી તરુણાને રડાવી જાય એ વાતમાં માલ નથી.’


બસ.... આટલું બોલતાં સુધીમાં તો સૌ એકબીજાને ભેટીને એ હદે રડ્યા જાણે કે આનંદાશ્રુનો સાગર ઉમટ્યો હોય...

બીજા દિવસે સવારે...
નવ વાગ્યાની આસપાસ લાલસિંગ, કુસુમ, રાણી અને તરુણા બ્રેકફાસ્ટ માટે ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયાં. ચાનો કપ ઉઠવાતા નવાઈ સાથે લાલસિંગ બોલ્યા,

‘પણ, કુસુમ તે આ તરુણાને ક્યાંથી શોધી કાઢી? એ ન સમજાયું.'

‘એએ....એ ને જયારે તમારો ઉકળાટ હદ બહારનો વધી ગયા પછી, તમારાં જ ટાંટીયા તમારા ગળામાં ભરાઈ પડ્યા ત્યારે તમારા મોબાઈલમાંથી વનરાજસિંહનો નંબર લઈને કોલ લગાવ્યો, વનરાજ કંઇક અગત્યની ચર્ચામાં કામમાં વ્યસ્ત હતાં અને ફોન તરુણાના હાથમાં હતો અને મેં સતત આઠથી દસ વાર રીંગ કરી. એટલે તરુણાએ કોલ રીસીવ કર્યો અને મેં....વાતની શરૂઆત જ આજીજીથી કરી. અને કહ્યું કે, જોઈએ તો મારો જીવ લઇ લો પણ લાલસિંગનો વાળ વાંકો તો શું, ફરકવો પણ ન જોઈએ...મારા દસ મિનીટ સળંગ બોલ્યા પછી, તરુણા એટલું જ બોલી..

‘આંટી...લાલસિંગને ઉની આંચ નહીં આવે તેની જવાબદારી મારી. પણ... હું ન કહું ત્યાં સુધી આ વાત તેમને ન કહેતા. હું તમને પછી કોલ કરીશ.’
અને એ પછી વનરાજ આવે ત્યાં સુધીમાં એ નંબર વનરાજના કોલ લીસ્ટમાંથી ડીલીટ કરી નાખ્યો.

‘મેં કોની જોડે વાત કરી? કોણે મને બાહેંધરી આપી એ મને કઈજ ખબર નહતી.. પણ
જયારે બે દિવસ પછી તરુણાનો કોલ આવ્યો, અને જયારે તેણે વચન લઈને પરિચય આપ્યો, ત્યારે મારા તો હોંશ જ ઊડી ગયા....ખુબ વાતો કરી.... તેની વાતોની વાક્છટા પરથી રાણીનો પરિચય મળી ગયો અને લાલના લોહીનો.’

‘પછી...લાલ જે દિવસે મેં તમારી આંખમાં આસું જોયા, એ પછી મારાથી ન રહેવાયું.. એટલે મેં તરુણાને કોલ કર્યો'

‘રાણી હવે તું કઈક બોલ.. ' કુસુમે કહ્યું.
આશ્ચર્ય સાથે ધીમા સ્વરે રાણી બોલી..
‘હું.... હું શું બોલું? મેં તો પે'લા દાડે જ આ શેઠ ને કીધું’તું, કે હું માંગું ને તમે આલો એવું મોટું મારી પાસે પાતર નથ.’

રાણીની વિનમ્રતાથી ગદગદ થતાં લાલસિંગ બોલ્યા...

‘અને આજે તું અને તારું પાત્ર એટલું વિશાળ છે કે મારો ખજાનો ખૂટી પડ્યો. એ દિવસે તારાં આ શબ્દો પર મને માન ઉપજ્યું હતું, પણ આજે શિર શરમથી ઝૂકી જાય છે. આજે અક્ષરજ્ઞાનથી વંચિત સ્ત્રીએ લાલસિંગ ચતુર્વેદીને કર્મ અને ધર્મનો મર્મ આસાનીથી સમજાવી દીધો. પણ.. રાણી ભાગી છૂટતાં પહેલાં તારે મને એક વાર તો વાત કરવી હતી!'

લાલસિંગનો સવાલ સંભાળીને સ્હેજ માર્મિક હાસ્ય સાથે રાણી બોલી..

‘માફ કરજો શેઠ, પણ...તમે દરેક વાતનો જવાબ રૂપિયાની બોલીમાં જ આલો છો.. અને ઈ તો જે બાઈના પેટમાં બચું હોય, ઈની શું કિમત હોય, એ કુસુમ બેનને જ પૂછો!’

તમાચા જેવો ઉત્તર આપીને લાલસિંગની બોલતી બંધ થતાં તરુણા હસતાં હસતાં બોલી..
‘મારા ચોક્કા છગ્ગા જેવી આંધળી ફટકાબાજી જોઇને હજુ પણ તમને કોચ પર કોઈ શંકા છે?'

તરુણા સામે હાથ જોડતા લાલસિંગ બોલ્યા..

‘અરે... મારી મા, આજથી હું મારી સમગ્ર જાહેર જીવનની પ્રવૃત્તિમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું. આજથી તું મારી બોસ, બસ? પણ હવે એ તો કહે કે... આ બધાંને શા માટે ભેગાં કરવાના છે, અને મારે શું કહેવા કરવાનું છે?'
‘બસ એટલું જ કે, તમે લાલસિંગ ચતુર્વેદી છો. અને હું તરુણા જાદવ. જે પહેલાં હતાં.. પછી જયારે હું ઈશારો કરું, ત્યાર પછી આપણે આપણો અસલી પરિચય આપીશું. ટૂંકમાં સોની કજીયો કરવાનો છે. સમજી ગયા?'
‘હવે જ બધું જ સમજાય છે, દીકરા,’
હસતાં હસતાં લાલસિંગે જવાબ આપ્યા પછી આગળ બોલ્યા.
‘પણ જો કોઈ તારાં વિશે એકપણ શબ્દ આડો અવળો બોલશે, તો અહીં જ ઠોકી નાંખીશ. હા.’
‘તેની નોબત નહીં આવે, ચિંતા ન કરો.’ તરુણાએ કહ્યું.
પછી રાણી અને કુસુમને સંબોધતા તરુણા બોલી.

‘ત્યાં સુધી આપ બન્ને અંદર રહેજો. હું બોલવું પછી જ આવજો.’

ઠીક અગિયાર વાગ્યા પછી.. ભાનુપ્રતાપ, વનરાજસિંહ, ભૂપત, રાઘવ અને રણજીત એક પછી સૌ આવીને ગોઠવાયા લાલસિંગના વિશાળ ડ્રોઈંગરૂમમાં...

સૌ લાલસિંગના બંગલે આ રીતે પહેલીવાર મળી રહ્યા હતાં. લાલસિંગે ગર્મજોશીથી સૌનું સ્વાગત કર્યું. ચા- કોફી સાથે નાસ્તો અને સોફ્ટડ્રીંક સાથેની ઔપચારિક વાતો કરતાં કરતાં તરુણાએ એક નજર ફેરવીને રાઘવ સિવાય, સૌના ચહેરાના હાવભાવ પરથી તેના દિમાગની ઉથલપાથલ અને પેટની ચૂંકનો અંદાજો લગાવી લેતાં, સૌને ચકરાવે ચડાવવા ચતુરાઈની ચકરડી ઘુમાવતાં ભાનુપ્રતાપને સંબોધતા બોલી..

‘બોલો અંકલ... શું કહેવું છે આપનું?'

‘ના , હવે તું જ શરૂઆતથી શરુ કર.. શેની રમત માંડી’તી? કોને ટાર્ગેટ બનાવવા, કોને હાથો બનાવીને?'
ભાનુપ્રતાપની તુંડમિજાજી તાસીરથી તરુણા સારી રીતે અવગત હતી..એટલે મનોમન હસતાં બોલી..
‘અંકલ તમારાં સવાલનો જવાબ તો હું આપીશ જ, પણ એ પહેલાં રાઘવ ભાઈને પૂછું કે, અંકલના સવાલમાં કેટલું તથ્ય છે?’

બે સેકંડ વિચારીને રાઘવ બોલ્યો..

‘જુઓ..જ્યાં સુધી હું તરુણાબેનને ઓળખું છું, ત્યાં સુધી તેમનું કોઈપણ નિવેદન અથવા ચર્ચા વિચારણાના અંતે, તેમના નિર્ણયના અર્થઘટનનો તાગ લગાવવો, કે તેની પાછળનો ગર્ભિત મર્મ સમજવો, એ જેવા તેવાનું કામ નથી. કોઈ અપરિચિત વ્યક્તિએ માત્ર ગણતરીની મિનીટમાં મને પ્રભાવિત કર્યો હોય તો એ તરુણાબેન છે.
અને એટલે જ મેં ભાનુપ્રતાપ મામાને ભલામણ કરી હતી. અને કદાચને મારા કરતાં તરુણાબેનનો પરફેક્ટ પરિચય વનરાજસિંહ સારી રીતે આપી શકે એમ છે. મેં તો સાંભળ્યું છે, કે એ તેમને તેમનાં ગુરુ માને છે.’

હસતાં હસતાં રાઘવે તરુણાની ઉજળી છબીને ગર્વ સાથે વધુ ઉજાગર કરતાં વાત પૂરી કરી.

આટલી વાતથી પોરસાઈ જતા લાલસિંગના પિતૃગૌરવના પરમોત્સાહનો પારો ઉંચે ચડતો ગયો.

રાઘવનું તરુણા તરફી તારણપત્રક સાંભળીને ભાનુપ્રતાપના પેટમાં ચૂંક ઉપડતાં, પોહળા સોફામાં બેઠાં હોવા છતાં પણ ડાબે જમણે પડખે ફરતા રહ્યા.

અચાનક વનરાજસિંહ બોલ્યો..

‘કબુલ.... રાઘવની વાત સાથે સો ટકા સંમત છું.’
કાન પકડતા વનરાજ આગળ બોલ્યો,

‘એ છોકરીની નિર્ભયતાને તો હું પણ સલામ ભરું છું. એ છોકરી તમારાં માટે જીવ આપી દે, પણ જો ગદ્દારી કરો તો પળમાં જીવ લઇ પણ લે. અંધારામાં પણ સચોટ લક્ષ્યવેધ કરવાની વરદાન જેવી તેની દૂરદ્રષ્ટિનું અનુમાન લગાવવામાં ખેરખાં પણ એક વાર તો થાપ ખાઈ જાય.’

‘તમારે કઈ કહેવું છે ભૂપતભાઈ?' તરુણા બોલી..

‘બોલવાનું શું? શબ્દો ઓછા પડે બેન. ઉદાહરણ નજર સમક્ષ જ છે...આ શહેરના દિગ્ગજોને પહેલીવાર એક છત નીચે ભેગા કરીને તમે ઈતિહાસ રચી દીધો. હવે આથી વિશેષ તો હું શું પરિચય આપું? અને સૌથી મોટી વાત કે તમે રણભૂમિમાં ઉતર્યા ખરાં, પણ તમારાં ભાથામાં દૌલત સિવાયના પણ તીર હતા. જેના પ્રહાર સામે, સૌનાં બળધનના હથિયાર બુઠ્ઠા થઇ ગયા. અને જેણે તમારા કંચન જેવા વચન પર ભરોસો મૂક્યો, એ તરી ગયો. જેનો હું સાક્ષી છું’

લાલસિંગ અને ભાનુપ્રતાપ બનેની મન:સ્થિતિની મનોદશા ઉત્તર-દક્ષિણના અંતિમ જેવી થઇ ગઈ હતી.

‘હવે રણજીત, તું તો કૈક બોલ!' લાલસિંગે રણજીતને સંબોધીને કહ્યું..

‘એલા...મારાં બાપલા...તમે આ છોડીને પૂછો. ઈને આ શંભુમેળામાં લાયવું કોણ? ઈ તો જે દી' ઈને પેલી વાર વિઠ્ઠલને ફોન ક્યરો ને, તે દી' જ મારું ધોતિયું ઢીલું ને ભીનું થય ગ્યું’તુ. મને થ્યું કે આ છોડી આ હંધાય મરદ મુછાળાઓને ભાગવા ટાણે લૂગડાં પે'રવાનો ટેમ આપે તોય હારું. બસ લાલસિંગ શેઠ. બાકી આગળનું રે'વા દયો. હું પછી કેય. આજે મારા વાંહામાં જે ટાઢક વળી, તો એમ થાય છે કે આ છોડીનો વાંહો થાબડી લઉં.’

આટલું બોલતા રણજીતની આંખો સ્હેજ ભીની થઇ ગઈ.

હવે ભાનુપ્રતાપને થયું કે વટ મારવા જતા, વારસાગત વિચિત્ર વિલક્ષણ વૃતિથી વિચારશૂન્ય થઈ જતાં, બાફેલા બટેટા જેવા બફાટથી આબરૂના વટાણા વેરાઈ ગયા.

હવે વાહ.. વાહ..ના સંઘમાં જોડાવા ચૂપચાપ નીચી મૂંડીએ જાણે કે વેરાયેલા વટાણા વીણતાં હોય એમ હસતાં હસતાં ભાનુપ્રતાપ બોલ્યા..

‘અરે...મારા કહેવાનો મતલબ એમ હતો કે....તરુણા તો સો ટચનું જ સોનું છે. પણ ત્રણ મહિનાથી લાલસિંગની વિરુધ્ધમાં કરેલા અને કરાવડાવેલા, ઊંધાં માથાના ઉધામા પછી, આ રીતે રાતો રાત ભારત-પાકિસ્તાન એક ભાણે જમે તો નવાઈ તો લાગે જ ને? બસ.. એ જ પૂછતો હતો બીજું કઈ નઈ.'
ભાનુપ્રતાપની જે રીતે ફાટતી હતી, એ જાણીને મનોમન હસતાં રણજીતની ખુશી તેના ચહેરા પર દેખાઈ આવતાં, તરુણા પણ હસવાં લાગી.

‘આપણે એ ન જાણી શક્યાને, એટલે આજે અહીં આવ્યાં છે, સમજ્યા મોટા ભાઈ?'
વનરાજ બોલ્યા.

‘પણ એક વાત કહો અંકલ, ત્રણ મહિનામાં મેં તમારું કેટલું નુકશાન કર્યું? તમારી આબરુ, માન મરતબા કે દરજ્જામાં ક્યાં દાગ લગાવ્યો? અને તમે ખર્ચેલા રૂપિયાનું ત્રણ ગણું વળતર, મેં તમને લાલસિંગ પાસેથી અપાવી દીધું છે. અને તમને જે સ્થાન જોઇતું હોય, એ તેનું પણ વચન આપ્યું છે. અને મેં તમને પહેલાં જ ચેતવણી આપી હતી કે, વિત્તવ્યય કરતાં વાણીવ્યય તમને મોંઘો પડશે. કેમ કે તમે એવું ચાવીવાળું એક રમકડું છો, જેની ચાવી તમારા સિવાય બધાં પાસે છે, સમજયા? અને માસ્ટર કી આ રણજીત કાકા પાસે છે. હનુમાનજીના મંદિરે જેટલું તેલ નહીં ચડતું હોય ને, એટલું તેલ ત્રણ મહિનામાં મેં તમારી પાથીએ પાથીએ રેડયું છે. સાવ સાચું કહું.... તમે દુનિયાના કોઈપણ ક્ષેત્રમાં સફળ થઇ શકો એમ છો, રાજકારણ સિવાય. હવે આગળ બોલું કઈ?'

રાઘવને થયું કે હવે તરુણા ખરેખર મામાની ઈજ્જતની બેઈજ્જતી કરે, એ પહેલાં મામાની મંદબુદ્ધિ જેવા પ્રશ્નો પર પડદો પાડતાં હસતાં હસતાં બોલ્યો...

‘અરે.... તરુણાબેન, તમે તો નર્સરીનાં બાળકને પી.એચ.ડી.ની પરીક્ષાનું પ્રશ્નપત્ર સોલ્વ કરવા આપી રહ્યા છો.’
તરુણા સામે જોઇને ઈશારાથી સમજાવ્યું કે રહેવા દયો નહીં તો સોફો થઇ જશે.
લાલસિંગને એમ થયું કે, આજે તો નાગિન ડાન્સ કરવો જ છે. કોઈની અદેખાઈથી નહી પણ અંતરે ઉભરાતા અભરખાથી.

‘પણ..તરુણા મને એક વાત ન સમજાઈ કે, વિઠ્ઠલ પર આ બધું કઈ રીતે અને કોણે કરાવ્યું?' ભાનુપ્રતાપે પૂછ્યું..

‘એમાં એવું થયું અંકલ કે... ડોકટરે સલાહ આપ્યા છતાં, વિઠ્ઠલને તેના ઓવર કોન્ફિડન્સનો ઓવર ડોઝ થઇ જતાં, રીએક્શન આવ્યું છે. બીજું કઈ નથી. હવે પાછા આદત મુજબ એમ ન પૂછતા.... કેમ?

તરુણાની વાત સંભાળીને સૌ ખડખડાટ હસવાં લાગ્યા. ભાનુપ્રતાપ સિવાય.

‘તરુણાબેન.... મારી જ આંગળી ઝાલીને, મને જ અંધારામાં રાખીને, રાતોરાત સૌને ઓવરટેક કરીને, અને લાલસિંગને પણ લપેટમાં લઇને, એવી કઈ જડ્ડીબુટી ખવડાવી કે સીધા સિંહાસન સુધી પહોંચી ગયા? હવે એ તો કહો.' વનરાજસિંહ બોલ્યો.

હજુ તરુણા કૈક બોલે એ પહેલાં તો..

હરખપદુડા ભાનુપ્રતાપએ તાળવે ચોંટેલી તાલાવેલીનું મૂર્ખાઈ સાથે પ્રદર્શન કરતાં ફરી બાફ્યું....

‘કદાચને લાલસિંગે કોઈ સારી એવી તગડી ઓફર આપી હશે, એટલે રાતોરાત પાર્ટી ફરી ગઈ, બીજું શું?’

આટલું સાંભળતા રાઘવ મનોમન બોલ્યો...’પત્તર ઠોકી. આજે હવે ભરી સભામાં શકુનિ મામાનું લજ્જા બહારનું વસ્ત્રાહરણ થઈને જ રહેશે.’

ભાનુપ્રતાપની ઉંમર, ઉપકાર અને ઉપલા માળના કુપોષણને ધ્યાનમાં રાખીને મર્યાદા જાળવતા તરુણા બોલી..

‘અંકલ..લાલસિંગ પાસે મારે માંગવાની જરૂર જ નથી. અને રહી વાત તગડી ઓફરની. તો મારાં અને લાલસિંગ વચ્ચેના સંધાન, સમાધાન કે સંબંધ માટે સૃષ્ટિની સંપત્તિનો ખજાનો ટૂંકો પડે. અને તરુણા પાર્ટી ન ફેરવે, પાર્ટીની પથારી જ ફેરવી નાંખે. એનું ઉદાહરણ છે વિઠ્ઠલ. આજે વિઠ્ઠલ પણ અહીં આપણી વચ્ચે બેઠો હોત. પણ.... તરુણાને ખરીદી લેવાની ખતામાં એ ખડૂસ ખાટલે પડ્યો છે. ધનવૈભવથી વ્યક્તિ ખરીદી શકાય, વિશ્વાસ નહીં. મિલકતથી માણસ મળે માણસાઈ નહીં. તરુણાની કોઈ કિંમત નથી પણ તરુણા તમારી કિંમત અને ઔકાત જરૂર બતાવી અને મિટાવી શકે એમ છે. અચરજની વાત એ છે, કે ત્રણ મહિનામાં અજાણ્યા શહેરમાં, અજાણ્યા લોકોને એક અજાણી અને બીનઅનુભવી છોકરીએ તમારી સામે આઈનો ધરીને, તમારી જાત સાથે તમારા અસલી પરિચયની ઓળખ કરાવી. છતાં તમે મને ન ઓળખી શક્યા. અને મારો પરિચય તમે પચાવી નહીં શકો.’
‘અને રહી વાત આ લાલસિંગની. તો તેમને મારો અસલી પરિચય આપવા, મેં આપ સૌનો સહારો લીધો હતો. એ હું ત્રણ મહિના પહેલાં પણ સહેલાઈથી કરી શકી હોત. પણ, તરુણા માંગે અને કોઈ આપે, એ વાત મને હરગીઝ મંજુર નહતી. અને આજે પણ નથી. પેલા અમિતાભ બચ્ચનનો એક સંવાદ છે કે...’હમ જહાં ખડે હોતે હૈ લાઈન વહીં સે શુરુ હોતી હૈ’ પણ તરુણા જ્યાં ઊભી રહે, પછી ત્યાં કોઈની લાઈનમાં ઊભા રહેવાની તક જ નથી રહેતી.’
‘પણ ખુશીની વાતની છે કે આપ સૌની સાથે પરિચયથી શરુ થયેલી વાત આજે એક પરિવારના રૂપે પૂરી થાય છે. લાલસિંગ મારા શત્રુ નથી. અને મને લાલસિંગ તો શું, કોઈની પાસે કશું જ ન ખપે. મારે તો માત્ર લાલસિંગને તેના અહંના ઉન્માદની ઉધઈએ, કઈ હદે તેમના દિમાગને ખોખલુ બનાવીને, કેવા સ્વાભિમાની સત્તાધીશ બનાવ્યા છે, તે માટે તેના મદ અને વગ બન્નેનું વજન ઉતારવા, મારે ગુંડાશાહીની પગદંડીમાંથી પસાર થવું પડ્યું. અને આપ સૌની મદદથી હું મારી મંઝીલે પહોંચી ગઈ. અને અંતરથી આભાર માનવા જ આપ સૌને આમંત્રિત કર્યા છે.’

આટલું બોલતાં તરુણાનો સ્વર સ્હેજ ગળગળો થઇ ગયો.
સૌ નિ:શબ્દ થઇ ગયા. તકદીરે તરાશેલી તરુણાના ક્યા પાસાના વખાણ કરવા? આટલી નાની ઉંમરમાં ગુનાખોરી અને રાજકારણના માધાંતાઓને લટકાવેલા ગાજર જેવી ચટણી ચટાડી અને ચકરી ખવડાવીને ચત્તા પાટ પાડી દીધા.

ભાનુપ્રતાપથી ન રહેવાયું એટલે પૂછ્યું,

‘દીકરા, તને પદ નથી જોઈતું, પૈસો નથી જોઈતો, તો....અમને બંધ બારણે ઉઘાડા કરીને દોડાવ્યા શું કામ? હવે મંઝીલનું નામ મરી પાડીને ફોડ પાડ. તો કંઇક સમજાય.’
હસતાં હસતાં બોલ્યા.

‘એ...એટલા માટે કે ત્રીસ વરસમાં તમે દોડી દોડીને સત્તાની જે ખુરશીને, નજીક જોઈ પણ ન શક્યા, અને આજે ત્રણ જ મહિનામાં એ ખુરશી ખુદ કેમ દોડીને મારી પાસે આવી છે, એ સમજાવવા માટે. અને નામ માંગવાથી ન બને, કે ન મળે એ તો ખુદના દમ પર બનાવવું પડે અંકલ. ડિલ પર ડામ દઈ, દાગ લગાવીને, કોઈ સ્ત્રી પણ એક રાતમાં આસાનીથી દામ કમાઈ શકે. પણ નામ કમાવવા માટે જિંદગી ખર્ચી નાંખો, તો પણ ઓછી પડે. અને આજે મને પદ, પ્રતિષ્ઠા, પૈસો અને નામ, મારા દમ અને તમારા દામના સહાયથી મળ્યું છે.’

તરુણાના વટભર્યા વજનદાર વાક્યો સાંભળીને ઊભા થઈએ તાળીઓ પડતાં રણજીત બોલ્યો...

‘આટલા વરહમાં બીડીયુના કશમાં કે વિસ્કીના ઘૂંટડામાં જે ટેસડો ન આવ્યો, એવો મજો મજો કરવી દીધો આજે આ છોડીએ..’


સત્તા, સહાનુભુતિ અને સંપત્તિ વચ્ચે રમાઈ રહેલી આંધળાપાટાની રમતના ગર્ભિત ગર્મ વાદ-સંવાદનો મર્મ જાણવા અંતે વનરાજસિંહ બોલ્યો....


‘એક મિનીટ.... હવે હું ઈચ્છું છું કે, ભેદભરમ અને ભુલભુલામણી ભરેલી આ રાજરમતનાં રહસ્ય પરથી પડદો લાલસિંગ ઊંચકશે. તરુણાબેન પ્લીઝ.. હવે તમે કંઈ ન બોલતા.’
‘મુગલાઈ સલ્તનત જેવી મહાસત્તાનાં મૂળિયા સોતે ઉખાડી નાંખનાર, એક સામાન્ય તરુણીને આટલા પાવરધાં થઈને પણ તેની પ્રતિભાને પારખી ન શક્યા, તે વાતના ગુમાનથી, મારી છાતી ગજરાજની માફક ફૂલી જાય છે. જેમ કોઈ ઈશ્વરને ધરેલા છપ્પન ભોગનો પ્રસાદ પણ તુલસીનાં એ નાનાં એવા પાન વગર અધુરો છે, એમ આજે મારા પદ, પ્રતિષ્ઠા, પૈસો અને પાવરની સામે તરુણાનું પલડું ભારે છે. તરુણા પ્રત્યેના તમારા સૌના તારણ બેબુનિયાદ છે. આઆઆઆ...આ તરુણાની તુલનાશક્તિના તળને તાગવો, એ તપ કરવા જેવું આકરું કામ છે. પણ હવે....આ મહાભારતનો માર્મિક સાર તો, તરુણા તરફથી લીલીઝંડી ફરકે, તો જ કહી શકું એમ છું.’


‘એ સાચું... આમ પણ લાલને લીલી જ હંફાવે. હોં..’
વનરાજ આટલું બોલતા સૌ ખડખડાટ હસવાં લાગ્યાં.

લાલસિંગે તાલાવેવીથી તરુણાની સામે જોયું.. એટલે તરુણાએ આંખના ઇશારાથી સંમતિ આપી. અને અંદરથી કુસુમ અને રાણીને, બહાર સૌની વચ્ચે આવવાની જાણ કરી.


કુસુમ અને રાણી બહાર આવ્યાં. અને રાણીને જોતા વેંત જ રણજીત ભોંઠો પડી જતાં, તેનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. આ રીતે રહસ્ય છતું થશે, તેની તો તેને કલ્પના પણ નહતી. રાણી સાથે નજર મિલાવવાની તેની હિંમત જ નહતી. એટલે ચૂપચાપ મુંડી નીચી કરીને બેસી રહ્યો. સામે રાણીની મનોદશા પણ કંઈક એવી જ હતી..

લાલસિંગ એટલો ગદગદિત હતો, જાણે કે પહેલીવાર બાપ બનવાની ખબર માત્રથી કોઈ પુરુષ, તેના પિતૃત્વના સૌભાગ્યના હરખની, સીમા બહારની ખુશીથી હરખઘેલો થઇ જાય.

રણજીત સિવાય ઉત્કંઠા સાથે સૌની ઇન્તેઝારી ચરમસીમા પર આવી ગઈ હતી.

લાલસિંગ અને તરુણાના અકળ અનુસંધાનને જોડતી, અગત્યની સાંકળની ભૂમિકા ભજવવા કુસુમ અને રાણી બન્ને બેઠાં એક સોફા પર... એટલે લાલસિંગ પોતે એકલા બેસેલાં સોફા પરથી રાણીને બોલ્યા..

‘તું અહીં આવ.. મારી બાજુમાં બેસ... અને તરુણા, તું એમની બાજુમાં બેસ.’
લાલસિંગ, રાણી અને તરુણા એ ક્રમમાં, એક હરોળમાં ત્રણેય ગોઠવાયા સોફામાં.

હવે લાલસિંગે કુસુમને ઈશારો કર્યો. એટલે કુસુમ લાલસિંગના સોફા પાછળ જઈને ઉભી રહી.

સૌ ઉત્સુકતાથી તેની સમજણશક્તિની ક્ષમતાની સીમા સુધી જઈને, અનુમાન લગાવતા હતાં, ત્યાં જ કુસુમ સંજોગોવશ ઉદ્દભવેલી વિષમ વિષયવસ્તુની મનોસ્થિતિને સંતુલિત કરતાં બોલી...

‘આ લાલ... આ રાણી અને આ તેમનું આધારકાર્ડ. જે લાલ અને રાણીના અસલી ઓળખને ઉજાળે અને ઉજાગર કરે છે.’
હજુ કુસુમ તેનું વાકય પૂરું કરે ત્યાં જ રાઘવ બોલ્યો..

‘આપના કહેવાનો મતલબ... આપ એમ કહેવા માંગો છો.. કે..’
રાઘવ અટકી જતા કુસુમ બોલી..

‘હા...તમે ઠીક સમજ્યા રાઘવભાઈ.. તરુણા લાલસિંગનો અંશ છે. લાલસિંગનો વારસ છે. લાલસિંગનો એક માત્ર વ્હાલનો દરિયો છે.. લાલસિંગની પુત્રી છે.’

આ રીતે કુસુમે ધમણની જેમ ધમધમતા ધબકારા સાથે, તેનાં અધિકારીત્વથી અનધિકૃત ધર્માધિકારીને, તેનાં સૌભાગ્ય ક્ષેત્રની સમકક્ષ સહભાગી બનાવવાની સત્તાવાર જાહેરાત કરી.

વનરાજ, રાઘવ, ભૂપત અને ભાનુપ્રતાપ. દરેકની ચિત્તદશા સ્થિર થઈ ગઈ. વિચિત્ર વિડંબનાભર્યા વિચારોના વંટોળ ઘેરી વળ્યાં. આ જોગસંજોગ છે, કે ભોગસંજોગ, એ ન સમજાયું.

રણજીત તો કૈક અલગ જ લાગણીથી પીડાતો હતો. અગ્નિપરીક્ષા જેવી અઘરી કસોટીના પ્રશ્ન પેપર ફૂટવાની, પહેલેથી જ જાણ હતી. પણ તેનાથી અઘરું એ હતું કે પેપર લખનાર જ એ પોતે હતો. એટલે સૌની વચ્ચે શું પ્રતિક્રિયા આપવી એ ગૂંચવણમાં ગૂંચવાતા બોલ્યો....

‘એ આલે લે....આ તો ઓલી કે'વત જેવું થ્યું....જેને કોઈ ન પુગે ઈને ઈનું પેટ પુગે.
હવે આ વાત પર તો બીડીના કશ સાથે બે ઘૂંટડા માયરે જ છુટકો થાહે...’
આટલું બોલીને રણજીત ડ્રોઈંગ રૂમની બારે નીકળી ગયો. અને લાલસિંગનો પરિવાર તેની આ હરકતથી વાકેફ થઇ ગયા...

‘એલા...લાલસિંગ... પણ. આ ક્યારે અને કઈ રીતે?' ચકળવકળ ડોળા સાથે ભાનુપ્રતાપે પૂછ્યું..

હાથી જેવડા હડી કાઢતાં હોંશના ઉત્સાહને સંયમની સાંકળે બાંધતા પોરસાઈને લાલસિંગ બોલ્યા...
‘ઈ વાર્તા જરા લાંબી છે.. એટલે એ ઉત્તર રામાયણના એપિસોડનું ટેલીકાસ્ટ આપણે ચૂંટણીના વિજય સરઘસ પછી રાખીશું ભાનુ,’

'એટલે....?' તાલી ઠોકતા વનરાજસિંહ બોલ્યો...

‘હમમમ.....હવે ચોકઠાં ગોઠવાણા....... હાળું હું વિચારું, કે આ છોકરી એક પછી એક આ ખતરાં જેવા અખતરાં કરે છે, કોના દમ પર? આ તરુણાએ તો શોલેના અમિતાભવાળો સિક્કો કાઢ્યો. આ ટ્રમ્પ જેવા લાલસિંગને, તો ઘરમા જ ટ્રમ્પ કાર્ડ જડી ગયું. લાલને પણ તેની લક્ષ્મણરેખાનું ભાન કરાવવા માટે લાલબત્તી ધરવી પડે, એ પહેલીવાર જોયું. હવે તો લાલની લીલાલહેર પર લાઈફટાઈમ લીલીઝંડીની મહોર લાગી ગઈ, એમ સમજો.’

લાગણીવેશમાં સૌને હાથ જોડતા તરુણા બોલી..

‘આજે હું જે કંઈ પણ છું, તે આપ સૌએ એક સામાન્ય અપરિચિત વ્યક્તિ પર મૂકેલી, શ્રધ્ધા સમાન, સંનિષ્ઠાને આભારી છે. તમારાં સહયોગ સિવાય હું શું હતી? કેવળ શૂન્ય. હા મારો એક સિદ્ધાંત છે, કે જેને દિલથી માનું છું, તેની સાથે દગો નથી કરતી. આજે મારા અસલી પરિચય અને સફળતાનાં, આપ સૌ સરખા સાથીદાર અને ભાગીદાર છો. એટલે જ કહું છું. મારાં તરફથી કોઈને કંઈપણ અન્યાય થયો હોય, તો તેની ભરપાઈ કરવાની કોઈ પણ સજા મને મંજૂર છે.’

પછી ભાનુપ્રતાપને સંબોધતા આગળ બોલી..

‘અંકલ..અભિમાન નથી કરતી. પણ.. ગુરુદક્ષિણામાં તમે જે માંગો, એ તમારું. બસ? રાજકારણમાં ત્રીસ વર્ષ તપ કર્યું, તેના ફળ રૂપે જે ઈચ્છા હોય તે કહી દો.. આંખ મીંચીને તરુણા તથાસ્તુ કહી દેશે.’

ભાનુપ્રતાપને થયું કે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપે તરુણા ઘરે બોલાવીને ઓપ્શન સાથે વરદાન આપે છે, તો આયખાનાં અધૂરાં અભરખાં પુરા કરી લેવા દે, એમ વિચારીને ભાવુક થતાં બોલ્યા...

‘લાલસિંગની ખુરશીની પડખે બેસવું છે. અને તેના જય જયકારનો ભાગીદાર બનીને, એકવાર સત્તાનો નશો ચાખવો છે, બસ.'

ભાનુપ્રતાપની સંકુચિત માનસિકતા જોઇને મનોમન હસતાં હસતાં વનરાજ બોલ્યો..
આ ડોહાએ તો ઓલા કઠિયારાની વાર્તા જેવું કર્યું.

‘બસ?' બોલતાં તરુણાએ વનરાજસિંહને પૂછ્યું.

‘હવે આપ બોલો..વનરાજભાઈ.’
એટલે હસતાં હસતાં વનરાજ બોલ્યો..
‘તરુણાબેન, મારા મોબાઈલમાં તમારો કોન્ટેક નંબર છે, એ જ મારા માટે હાથવગું વરદાન છે. બસ.’

આટલું બોલતા તરુણા આદરથી વનરાજસિંહના ચરણસ્પર્શ કરવાં જતી હતી, ત્યાં જ વનરાજ ભાવનાત્મક ભાવ સાથે બોલ્યો..

‘અરે.. અરે.. પ્લીઝ.. તમે મને શર્મિંદા ના કરો.’

‘અને ભૂપત ભાઈને વરદાન નહીં પણ સજા આપીશ.....તેમણે આજીવન મારો પડછાયો બનીને, મારી પડખે ઉભું રહેવું પડશે. એટલા માટે કે, એ મારા પરિવારના સદસ્યથી વિશેષ છે.’

આટલું સાંભળતા ભૂપત ચુપચાપ સજળનેત્રે બે હાથ જોડી બેસી રહ્યો.

અને રાઘવભાઈને...... કશું આપીશ નહીં. પણ એક બહેનના હકથી, જીવનપર્યંત તેમના આશિર્વાદની અભિલાષી જરૂર છું.’
આટલું બોલીને નત મસ્તકે, આંસુને ટેરવેથી ટેકવતા રાઘવના પગે પડી.

એટલે તરજ જ રાઘવ બોલ્યો..

‘અરે....તમારા સુખ, શાંતિ અને સન્માન માટે મારા જેવા ભાગ્યશાળી ભાઈના એવા અવિરત આશિર્વાદ છે, કે... આપણાં ભાઈ-બહેનના બંધુત્વ માટે, કોઈપણ ભાઈ-બહેનને ઈર્ષા આવે.’

‘અને રણજીત ક્યાં ગયો...?.’ કુસુમ બોલી...

ત્યાં જ રણજીત આવ્યો એટલે તરુણા બોલી....
‘કાકા.. અહીં કુબેરના ખજાનાના ભાગલાં પડે છે, ને તમે હજુ પચ્ચીસ રૂપિયાની બીડી ફૂંકવામાંથી ઊંચાં ન આવ્યા.’

‘ના ના .. એને તો હું અલગથી વિશેષ પેકેજનો લાભ આપીશ.’
લાલસિંગ બોલ્યા..
એટલે રણજીત દાઢમાંથી બોલ્યો...

‘તમે આપશો કે રણદીપ આપશે?'
ફરી લાલસિંગનો પરિવાર ખડખડાટ હસ્યો..

અંતે લાલસિંગે ભૂતાવળ જેવી ભૂતકાળની ભૂલો ભૂલી, ભૂંસીને સૌને ગળે લગાવ્યા.
જતાં જતાં સૌએ લાલસિંગે કહ્યું,
‘એક ખાસ અગત્યની વાત કહી દઉં... અને ભાનુપ્રતાપ તમે જરૂર સાંભળજો. લાલસિંગ ચતુર્વેદી.... મારો બાપ છે, એ વાત આ શહેરમાં પગ મૂક્યો, તે દિવસથી જ તરુણાને ખબર હતી...’
આટલું સાંભળતા ભાનુપ્રતાપ શારીરિક અને માનસિક સંતુલન ગુમાવી દેતાં, ગોથું ખાઈ ગયા. અને ફરી સૌ આશ્ચર્ય સાથે ખડખડાટ હસતાં હસતાં બહાર આવ્યો.
આજનો દિવસ આ શહેરના રાજકારણ માટે એક નવો સૂર્યોદય લઈને ઉગ્યો હતો. જે કોઈ સ્વપ્નમાં પણ નહતું વિચારી શકતું, એ તરુણાએ એકલપંડે સાબિત કરી બતાવ્યું.
સૌ વિદાય લેતાં લાલસિંગે રણજીતને કહ્યું,
‘હું તને કોલ કરું એટલે આવી જજે.’
‘જી’ કહીને રાણી તરફ એક નજર નાખીને રણજીત પણ ચાલતો થયો...

સૌ ગયા પછી...

રાણીએ લાલસિંગને કહ્યું,
‘ઘડીક આ કોર આવો, મારે કાંક કે'વું છે.’

એમ કહીને રાણી લાલસિંગને થોડે દુર લઇ ગઈ, અને ધીમેકથી બોલી...
‘મારો હક હોય તો હું કાંક માગુ?'
‘અરે.. પાગલ આ બધું તારું જ છે.. શું જોઈએ છે તારે?' નવાઈ સાથે લાલસિંગે પૂછ્યું.

‘ઈમ નઈ. મારાં માથે હાથ મેલીને સમ ખાઓ. કે હું જે માંગુ એ આલશો.'
રાણી બોલી..

‘હવે મારું કંઈ નથી, બધું આપણું જ છે. છતાં તને વિશ્વાસ ન આવતો હોય, તો લે. આ.. તારા માથા પર હાથ મૂકીને વચન આપું છું, કે તું જે માંગે એ આપ્યું, બસ?’
હસતાં હસતાં લાલસિંગ બોલ્યા.
ટપકતાં અશ્રુબિંદુ સાથે લાલસિંગના ચરણસ્પર્શ કરતાં રાણી બોલી..
‘બસ હવે મને અયથી જાવાની રજા આલો.’
એક સેકંડમાં લાલસિંગની આંખો અચરજ સાથે પહોળી થઇ જતા બોલ્યા..

‘હવે ક્યાં જવું છે.. ? અને કેમ? આ તારું જ ઘર છે.. તો જવાની વાત જ ક્યાંથી આવી?' અચાનક એક નવા કોયડાનું કમાડ ઉઘડતાં લાલસિંગ આશ્ચય સાથે વિચારે ચડી ગયા..

‘તમે વચન આયપું છે. અને તમારા સવાલના જવાબ તરુણા આલશે.’
આ સાંભળીને તો લાલસિંગના અચંબાના આંકનો ગ્રાફ ગજબથી ઉંચે ચડી ગયો.
‘એએ...એએટલે... આ વાત તરુણાને ખબર છે?' લાલસિંગે પૂછ્યું.
‘માતર ખબર નઈ, પણ આ ધરમસંકટનો તોડ જ તરુણાએ કાયઢો છે.’ સ્વસ્થતાથી રાણીએ જવાબ આપ્યો.

એટલે રાણીને લઈને લાલસિંગ આવ્યા, જ્યાં કુસુમ અને તરુણા બેઠાં હતા ત્યાં. અને નારાજગી સાથે તરુણાને પૂછ્યું,
‘દીકરા,,આઆ....આ રાણી શું બોલે છે? જવાની વાત.અને એ પણ તેં નક્કી કર્યું છે? આ બધું શું માંડ્યું છે?' અસમંજસના ઉચાટથી અશાંત મન સાથે લાલસિંગે પૂછ્યું.

સાવ શાંતિથી તરુણાએ ઉત્તર આપતાં કહ્યું.

‘સ્નેહના સીમાડા કે શેઢા ના હોય. અમીની અવધિ ન હોય. પ્રેમાળ પિતૃત્વના વ્હાલની પરિસીમાની કોઈ વાડ ન હોય. માયાના માળ ન ચણવાનાં હોય!
મને જે જોઈતું હતું, એનાથી અધિક મળી ગયું. અમે બન્ને આપની સાથે ન રહીએ. તેનાથી આપણાં સ્નેહસાગરમાં ઓટ કે ખોટ નથી આવી જવાની. મનગમતી મમતામાં સમયાંતરે સમજણ સાથેના અવકાશનો અવસાદ અનિવાર્ય છે. આ
ધર્મન્યાયનો મર્મ સમજતા તમને વાર લાગશે. હું અને મા અહીં જ છીએ. પણ સાથે નહીં જ રહી શકીએ. હું પિતૃપ્રેમના વંચિત વ્હાલમાં લૂંટાઈ જવા આવી છું.. લૂંટવા નહીં....મને વાત્સલ્યનો વારસો જોઈએ છે... વૈભવનો નહીં... આ અભાગીને ભાગ નથી જોતો. પણ.. બાપના ખોળમાં માથું મૂકી તેને મારા ચોધાર આસું લુંછનારના ભાગીદાર બનાવવા છે બસ.’

આટલું બોલતાં તો વર્ષોથી પિતૃત્વના તરસથી તરસી તરુણા, લાલસિંગના ખોળામાં માથું પટકીને ચોધાર આંસુંએ પોક મૂકીને રડવા લાગતા....વર્ષોથી વારસની ચિચીયારી સાંભળવા આતુર લાલસિંગના બંગલાના પત્થરની દીવાલો પણ ગળવા લાગી.


એ પછી કુસુમ અને લાલસિંગે બન્નેને સમજાવવાની ખૂબ કોશિષ કરી. પણ...
તરુણાનો નિર્ણય અફર હતો...
આંસુ લુંછતા તરુણા બોલી..

‘હું પડછાયાની જેમ તમારી સાથે જ છું...તમારાં બધા નિર્ણય પણ હું જ લઈશ..’

‘રાણી.. આનો જન્મદિવસ ક્યારે આવે છે?' લાલસિંગે પૂછ્યું...
ગળગળા અવાજે રાણી બોલી...
‘કાળી ચૌદસના દિવસે.’

‘આ કાળી ચૌદસના દિવસે એવી રોશની અને દારૂગોળો ફૂટશે કે... આ શહેરનાં લોકોને પેઢીઓ સુધી યાદ રહેશે.’

આ શબ્દો સાંભળીને રાણીની આંખે સરવાણી ફૂટતા મનોમન બોલી,
‘આજે મન એટલી ધન્યતા અનુભવે છે કે હમણાં ધબકારા થંભી જાય તો પણ કોઈ રંજ નથી..’


એ પછી તરુણા અને રાણી ભારે હૈયે વિદાય લઈને ઘરે આવીને ખાટલે બેસતાં રાણીની આંખમાં જોતાં તરુણા બોલી...

‘મા..આજે ફરી તારા કૈલાશ પર્વત જેવી કુરબાની સામે પિતાના પૈસાનો પનો ટૂંકો પડ્યો...આજીવન તારી પૂજા કરું તો પણ પર્યાપ્ત નથી. તું આવી કેમ છો મા?'

સંવેદનશીલતાના સ્વરમાં રાણી બોલી..

‘ઈ ખબર નથ. પણ હક્કનું હોવા છતાં માગવું પડે, એને તો ભીખ જ કે'વાય ને? અને આજે એ લોકો એનું જ હોવા છતાં આપણી પાસે ભીખ માંગે ઈ કેવું કેવાય? તને ખબર છે દીકરા? આજે સૌથી વધુ ખુશ કોણ છે?' રાણીએ પૂછ્યું,.

‘હા... કુસુમ.. '

'સૌને ભાગમાં કઈ નહીં મળે તેનો ડર હતો. પણ.... કુસુમને તેના સૌભાગ્યમાં કોઈ ભાગ ન પડાવી જાય, તેનો ડર હતો. અને મા, તેં ખાલી હાથે અને હૈયે કુસુમની ખુશીની ઝોળી ભરી દીધી. ખુશી એ વાતની છે ..મા કે આજે પણ આપણે બાપને કૈક આપ્યું છે. તેની અપેક્ષા બહારનું. પણ એ નહીં સમજે.. કેમ કે અંતે તો એ એક પુરુષ જ છે.’

અંતે....તરુણાને ગળે વળગીને રડતાં રડતાં રાણી બોલી...
‘દીકરા...........રામાપીરની રહેમ અને તારાં જેવી દીકરીની ઓળખ અને આધારથી, લાલ અને રાણીની એક ન ભૂલાય એવી કહાની બની ગઈ.’

સમાપ્ત.

©વિજય રાવલ
vijayraval1011@yahoo.com
૯૮૨૫૩૬૪૪૮૪