ડાયરી નું સત્ય.... Khyati Thanki નિશબ્દા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયરી નું સત્ય....




(કોલેજના પુસ્તકાલય ના ટેબલ પર એક લવંડર મખમલનું પૂઠ્ઠું ચડાવેલી ડાયરી પડી છે.જેમાં ઉપર 'કલ્પના' નામ લખેલું છે.)


'કલ્પના' નામ વાંચતાં જ શૈલના પગ થંભી ગયા અને ખુણા પર પડેલી ડાયરી ને સ્પર્શતા પોતાના હાથને ન રોકી શક્યો.

ડાયરી હાથમાં લીધી પરંતુ ખોલ્યા પહેલા આસપાસ નજર ફેરવી કે કોઈની ભૂલથી અહીં રહી ગઈ હોય તો આપી દઉં. આજે કોલેજ નો છેલ્લો દિવસ હતો અને પુસ્તકાલયમાં પુસ્તકો જમા કરાવીને શૈલ નીકળવાની તૈયારી જ કરતો હતો ત્યાં તેનું ધ્યાન આ ડાયરી પર પડ્યું દસ મિનિટ રાહ જોઈ કે કદાચ કોઈ ડાયરી લેવા પાછું આવે પરંતુ વરસાદ પણ મુશળધાર શરૂ થઈ ગયો હતો અને સંચાલકને આ ડાયરી સોંપવી શૈલને ઉચિત લાગ્યું નહિ તેથી પોતાની સાથે લઈ લીધી.

આખો દિવસ ડાયરી જ મનમાં રહી અને રાત્રે એ વાંચવાની ઈચ્છા ને રોકી શક્યો નહી . ડાયરી વાંચવાની શરૂઆત કરી...

" સ્વપ્ન એટલે શું? શા માટે વ્યક્તિને સ્વપ્નમાં રાચવું ગમે છે? કદાચ મારા માટે તો મારા સ્વપ્ન જ જીવન છે હા એ સ્વપ્ન જે મેં ખુલ્લી આંખે જોયા છે...."

સ્વપ્નથી શરૂ થયેલી એક અજાણી છોકરીની ડાયરી વાંચતા વાંચતા શૈલ ક્યારે છેલ્લા પાને પહોંચી ગયો અને અડધી રાત વીતી ગઈ ખબર જ ન પડી. છેલ્લા પાને લખ્યું હતું..


"આજે કોલેજના છેલ્લા દિવસે થોડું લખી લવું કદાચ આવી નવરાશ હવે નહિ મળે... હવેથી મમ્મી પપ્પાની ડાહી દીકરી બની તેમની પસંદગીમાં વિશ્વાસ રાખવાનો, સગાઈ પછી સાસરામાં બધાની પસંદ-નાપસંદ જાણવાની, લગ્નમંડપમાં પવિત્રતાની અગ્નિમાંથી પસાર થઈ આદર્શ પત્ની, આદર્શ પુત્ર વધુ અને આદર્શ માતા બનવાના પ્રયત્નોમાં કદાચ ક્યાંક કલ્પના હું તને ભૂલી ન જાઉં એ કલ્પના જે મારા વિચારોમાં છે હૃદયમાં છે.

'એ કલ્પનાને તો મમ્મી-પપ્પા સાથે ચર્ચા કરવી છે કે તેને કેવો મુરતિયો ગમે ..'.


'એ કલ્પનાને તો ગોઠવેલા લગ્નમાં પણ પતિ ની આંખો માં પોતાના માટે નો રિઝર્વ પ્રેમ જોવો છે...'


એ કલ્પનાને તો પોતાની અલગ ઓળખ બનાવવી છે.....

બસ બસ હવે અટકી જવું...
કલ્પના......

શૈલ પણ આટલું વાંચી ત્યાજ સ્થિર થઈ ગયો અને તેણે પ્રથમ પ્રેમનો અહેસાસ થયો અને આ અજાણી છોકરી ' કલ્પના ' ના સ્વપ્ન જોવા લાગ્યો.

એક વર્ષ પૂરું થઈ ગયું, શૈલ નોકરીમાં સ્થિર થયો અને મમ્મી પપ્પા વહુ લઈ આવવા અધીર બન્યા.

' ખંજન ' નામની છોકરી આજે શૈલ જોવા જવાનો હતો. મમ્મી પપ્પા ના મતે તે શૈલ માટે યોગ્ય હતી.પણ શૈલનાં મતે?
શૈલ તો તેની કલ્પનામાં જ હતો પરંતુ તેને વાસ્તવિકતા નું રૂપ કદાચ ઈશ્વર નહિ આપી શકે તેમ વિચારી તેણે સંસ્મરણ સમજી હૃદય ના એક ખૂણામાં સંતાડી શૈલ ખંજન ને જોવા તૈયાર થઈ ગયો.


બન્નેના પરિવારને તે બંને જાણે એકબીજા માટે જ બન્યા હોય તેવું લાગ્યું.પહેલા સગાઈ અને પછી સાદાઈથી લગ્ન કર્યા. બંને હૃદયથી એકબીજાને સમર્પિત થવાનો પ્રયત્ન કરતા પરંતુ શૈલ થોડો રિઝર્વ રહેતો. પોતાના સ્વપ્ન સો ટકા ખંજન સાથે વહેંચી શક્તો નહોતો.ખંજન તો જાણે શૈલની આસપાસ પોતાનું હોવાપણું સાબિત કરતી ગઈ અને લગ્નની પ્રથમ વર્ષગાંઠ પણ આવી ગઈ.

બંને ખરીદી માટે ગયા હતા અને ત્યાંથી પાછા વળતી વખતે એક અકસ્માત થઈ ગયો.ખંજન ને માથામાં ઇજા થતાં દવાખાનામાં દાખલ કરવી પડી.સાંજ સુધીમાં ખતરો ટળી ગયો પણ ડોકટરે એક અઠવાડિયા સુધી હોસ્પિટલ માં રહેવા સૂચવ્યું.

પ્રથમ વર્ષગાંઠ પોતાને કારણે ખરાબ થઈ એમ વિચારી ખંજન ઉદાસ થઈ ગઈ ત્યાતો શૈલ આવ્યો અને સ્મિત દ્વારા તેના હ્રદય પરનો ભાર હળવો કર્યો.ખંજન આરામ કરતી હતી તો મમ્મીને તેની પાસે રાખી શૈલ સામાન લેવા ઘરે આવ્યો.

પહેલી વખત ખંજન માટે શૈલ ના હૃદયમાં ચિંતાની કુંપળ ફૂટી એ વિચારમાં જ ખંજન નો કબાટ ખોલ્યો. ત્યાતો લવંડર કલરની મખમલના પૂઠું ચડાવેલી ડાયરી ને જોતા જ શૈલની આંખો ચમકી. ફરી પાછું તે ડાયરી ખોલવાની અને વાંચવાની ઈચ્છા ને રોકી શક્યો નહી . તેણે વાંચવાનું શરૂ કર્યું..

મારી ડાયરી ખબર નહીં યાદ નથી આવતું ત્યાં મુકાઈ ગઈ વાંધો નહીં
નવી ડાયરી નવી શરૂઆત
મારી કલ્પના તો મારી સાથે જ છે ક્યાંય નહીં જાય. છેલ્લા શ્વાસ સુધી મારી સાથે જ રહેશે......

આ વાંચીને શૈલનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું...

કલ્પના જ મારી ખંજન?

આજે ફરી પાછું તૈયાર થઈને જવાનું છે ચા લઈને.Mr શૈલ આવવાના છે મને જોવા અને પસંદ કરવા..હા.મારે તો ખંજન બનીને જ મળવાનું છે કદાચ તેને કલ્પના નહિ ગમે..

અને બસ આ આખું વર્ષ જાણે શૈલની સામે આવી ગયું પરંતુ ખંજન ની કલ્પના દ્વારા.....

એ જ સેકન્ડે શૈલે ડાયરી બંધ કરી અને મનોમન ખંજન અને ઈશ્વરની માફી માંગી અને પહેલીવાર ખંજનનો શૈલ બની તેને મળવા અધીરો બન્યો.રસ્તામાં જ નક્કી કર્યું કે ડાયરી ની વાત ખંજન સાથે નહિ કરે કદાચ આ ને કારણે ખંજનની કલ્પના ક્યાંક ખોવાઈ જશે.

ખંજન આંખો ખોલી બેઠી થવા જતી હતી ત્યાં જ હાથમાં ફૂલો લઇને આવેલા શૈલ ની આંખોમાં ખંજન ને અલગ જ ચમક દેખાઈ...

ઘરે પાછી ફરેલી ખંજન વધારે ખુશ લાગતી હતી. રાત્રે નવરાશ મળી એટલે પોતાના મનના ભાવ ટપકાવી ઈશ્વરનો આભાર માન્યો કેમકે આ અકસ્માત ને કારણે શૈલ આટલો નજીક છે....

અને ઊંઘવાનો ડોળ કરતો શૈલ પણ ઈશ્વરનો આભાર માનતો હતો કે યોગ્ય સમયે તે મારી કલ્પના ખંજન સ્વરૂપે આપી.......


,🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ઘણીવખત આપણું સુખ આપણી આસપાસ જ હોય છે પણ આપણી આંખ તેને જોઈ શકતી નથી..