મૌન માં સંભળાતું પ્રેમનું ગીત....
कोई ये कैसे बताये के वो तन्हाँ क्यों हैवो जो अपना था, वही और किसी का क्यों है?
यही दुनिया है तो फिर, ऐसी ये दुनिया क्यों हैयही होता है तो, आख़िर यही होता क्यों है?
कैफ़ी आज़मी
આજે દરિયા ની સામે બેઠેલી સ્નેહલ નું મન કંઈક વિચારો ના વમળ માં ડૂબતા સૂર્યની જેમ અર્ધવિરામ માં અટકેલું હતું.
આવતીકાલથી સ્નેહલ ની જિંદગી એક નવી દિશા ઉઘાડવાની હતી... નિવૃત્તિ તરફની.... અને મન પાછું જ્યાંથી શરૂઆત કરી હતી તે બિન્દુ પર આવીને અટકી જતું હતું.
સ્નેહલ એટલે ખડખડાટ હાસ્ય પાછળ મનની અધૂરપ છુપાવીને અન્યના સ્મિતનું કારણ બનતી એક આદર્શ દીકરી, પત્ની અને માતા.....
આ અધૂરપ ની શરૂઆત થઈ હતી જન્મથી.... જન્મતાની સાથે જ' મા' ભાઈ અને પિતાની પાસે મૂકી હંમેશા માટે દૂર દુનિયામાં ચાલી ગઈ ....આ અધૂરપ સ્નેહલ પૂર્ણ કરતી ગઈ 'મા' જેવા જ બનવાના પ્રયત્નોથી. આ પ્રયત્નોના ફળસ્વરૂપ સ્નેહલ આસપાસના વાતાવરણમાં અલગ તરી આવતી.
શબ્દો અને અર્થોની દુનિયામાં જ વિહરતી સ્નેહલ ક્યારે કોલેજની કેન્ટિન સંભાળતી થઈ ગઈ ખુદ સ્નેહલને જ ખબર ન પડી એક જ નાનકડું સપનું બસ.... કોલેજનો અભ્યાસ પૂરો થઈ જાય અને આ સપના ના કારણે જ ખુલ્લા પગે કોલેજ સુધી દોડી જવાતું હસતા ચહેરે ન કોઈ ફરિયાદ ન દુઃખ....
પરિવારની આર્થિક જરૂરિયાતો માટે, ભાઈના સુખની દોડમાં સ્નેહલ જાણે પોતાની જાતને જ ભૂલી ગઈ, પોતાના અસ્તિત્વને વિસરી ગઈ અને સાચી સ્નેહલ ની ઓળખ થઇ ભારદ્વાજની આંખો ને......
એક કવિ સંમેલનમાં બન્નેની પહેલી ઓળખાણ અને આ ઓળખાણ પરિવર્તિત થઇ એક નિખાલસ મૈત્રીમાં. જેમાં એક બીજા ને દૂરદૂર સુધી બસ વિચારોની સમાનતા જ આકર્ષતી અને આ નિખાલસતા ને લીધે જ ભારદ્વાજનું પરણિત હોવું ક્યાંય બાધા ન બન્યું અને સ્નેહલે પોતાની જાત પાસેથી જ વચન લઇ લીધું... જિંદગીના અંત સુધી પોતાના હૃદયમાં પ્રેરણા તરીકે ભારદ્વાજના પ્રેમને જીવંત રાખવાનું.
આ પ્રેમને સાથે લઈને સ્નેહલ પરણી ગઈ આદર્શ રશ્મિનને . જેની દુનિયા શબ્દો અને અર્થથી ઘણી દૂર હતી રશ્મિન તો જીવતી વારતા નું પાત્ર હતો તેની કલ્પના સ્નેહલ અને તેની ત્રણ દીકરીઓના વિશ્વથી આગળ ન હતી અને સ્નેહલ ના સપનાને સ્વીકારતા દસ વર્ષ વીતી ગયા .સપનું હતું સ્નેહલ નું આગળ ભણવાનું અને કારકિર્દી બનાવવાનું અને આ હસતાં-હસાવતાં કુટુંબની ગાડી પુરપાટ ઝડપે દોડવા લાગી જ્યાં રેલવેના બંને પાટા સમાંતર થઈ ગયા.... સ્નેહલ ની આ અધૂરપ ત્રણ દીકરીઓ અને રશ્મિન ના ભોળપણ માં છલકાઇ ગઇ આ છલછલવાના આનંદમાં ક્યારેક ભારદ્વાજના અછડતા સમાચાર મળી જતા જે સ્નેહલને અને તેના આત્માને આનંદિત કરવા માટે પૂરતા હતા....
ત્રણે દીકરીઓને સ્થાયી કર્યા પછી સ્નેહલ ની દુનિયામાં બચ્યા ફક્ત સંસ્મરણો ત્રણ દિકરીઓના, રશ્મિન અને પોતાના જીવન સંઘર્ષના અને ભારદ્વાજની યાદોના.....
વધારે પડતી સ્થિરતા ઘણીવાર મનને વ્યાકુળ કરી દે છે. આ વ્યાકુળતા ને લીધે સ્નેહલ રાત્રે ઝબકીને જાગી જતી પોતાના અસ્તિત્વને ઓળખવા કે પછી પોતાની જાતને સંકોરી લેવા?
અને એક ચિત્રપટની જેમ સ્નેહલ ની સામે બધા જ દ્રશ્યો ભજવાઈ રહ્યા દરિયા ની સામે.....
કાલે ફરી એકવાર નિવૃત્તિનો દિવસ......
વિદાયનો દિવસ......
અને એકાએક સ્નેહલના હૃદયમાં ગભરામણ થવા લાગી.... અને અચાનક જ દરિયા કિનારે બેઠી સ્નેહલને કોલેજની કેન્ટીનમાં ઠંડા પીણા સર્વ કરતી સ્નેહલ યાદ આવી ગઈ.. સાહિત્યકારોના પત્રોના જવાબ આપતી એક ઉત્સાહી સ્નેહલ યાદ આવી ગઈ... ભારદ્વાજના નિ શબ્દ પ્રેમ ને પામતી સ્નેહલ યાદ આવી ગઈ... અને બસ કંઈક નક્કી કરી પોતાના અસ્તિત્વનો ઉત્તર પોતાની જ રચનાત્મકતા માં શોધવાનું સ્નેહલ એ વિચારી લીધું....
અને સ્નેહલ ની આ રચનાત્મકતા... પ્રકાશિત થઈ તેની પહેલી અને છેલ્લી નવલકથા...'સ્નેહ નિર્ઝરી' સ્વરૂપે.....