શાતિર - 11 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

શાતિર - 11

( પ્રકરણ : અગિયાર )

મુંબઈના એ રસ્તા પર ઊંધી પડેલી પોલીસની જીપની આસપાસ લોકોની બૂમાબૂમ અને ભાગદોડ મચી ગઈ હતી. જ્યારે ઊંધી પડેલી જીપમાં રહેલા કબીર, પોલીસવાળા રવિન્દર અને સખાજી તરફથી કોઈ અવાજ નહોતો. પણ હા, રવિન્દરના ખિસ્સામાં રહેલા કબીરના મોબાઈલ ફોનની રીંગ હજુ પણ ગૂંજી રહી હતી.

બે-ત્રણ પળો આ રીતના જ વિતી અને પછી જાણે બે-ત્રણ પળો માટે બેહોશીમાં સરીને હોશમાં આવ્યો હોય એમ કબીરના કાનમાં ફરી મોબાઈલની એ રીંગ સંભળાવવાની શરૂ થઈ. કબીરે જોયું તો તે ઊંધા માથે પડેલી જીપમાં ઊંધો પડયો હતો. તેની બાજુમાં જ પોલીસવાળો રવિન્દર બંધ આંખે પડયો હતો. જ્યારે આગળની સીટ વચ્ચે પોલીસવાળો સખાજી પણ શાંત પડયો હતો.

કબીરે રવિન્દરના શર્ટના ખિસ્સા તરફ જોયું. રણકી રહેલો મોબાઈલ ફોન ખિસ્સામાંથી અડધો બહાર નીકળી આવ્યો હતો.

કબીરે મોબાઈલ ખેંચી લીધોે ને એનું બટન દબાવીને કાને મૂકતાં બોલ્યો : ‘હેલ્લો-હેલ્લો...!’

‘કબીર !’ મોબાઈલ ફોનમાં સામેથી હરમનનો અવાજ સંભળાયો.

‘હા-હા, હરમન !’ કબીર ઊંધી પડેલી જીપમાંથી બહાર નીકળીને ઉતાવળા અવાજે બોલ્યો : ‘હું સાંભળી રહ્યો છું, હરમન, બોલ !’

પણ મોબાઈલમાં સામેથી હરમનનો અવાજ સંભળાયો નહિ.

કબીરને કમરમાં વાગ્યું હતું. તેણે કમર સીધી કરી અને સામેની ગલી તરફ આગળ વધતાં અધીરાઈભર્યા અવાજે મોબાઈલ ફોનમાં ફરી કહ્યું : ‘હરમન ! હું કબીર બોલી રહ્યો છું, બોલ !’

‘કબીર !’ અને આ વખતે મોબાઈલ ફોનમાં સામેથી હરમનનો ધૂંધવાટભર્યો અવાજ સંભળાયો : ‘મારો કૉલ લેવામાં આટલી બધી વાર કેમ લાગી ? તું મરી ગયો હતો કે, શું ?’

‘હું બસ.., હું બસ...!’

‘તારો શ્વાસ કેમ ઝડપથી ચાલી રહ્યો છે ? !’ કબીરના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાંથી હરમનનો અવાજ સંભળાયો : ‘પચાસ કરોડ રૂપિયા ગણવામાં તારો શ્વાસ ફૂલી ગયો છે કે,  શું ? !’

‘હરમન !’ કબીરે ગલીમાં દાખલ થઈને આગળ વધતાં હરમનને કહ્યું : ‘મારી પાસે.., મારી પાસે પચાસ કરોડ રૂપિયા નથી.’

‘પહેલાં તું મને એ કહે, જયસિંહને મળી આવ્યો ? !’ કબીરના કાને મુકાયેલા ફોનમાંથી હરમનનો અવાજ સંભળાયો : ‘જયસિંહને એના ભાગના રૂપિયા આપી આવ્યો ? !’

‘હરમન !’ કબીરે એ જ રીતના આગળ વધતાં કહ્યું : ‘મેં તને કહ્યું ને કે, મારી પાસે રૂપિયા નથી.’

‘કબીર !’ મોબાઈલ ફોનમાં સામેથી હરમનનો ધારદાર અવાજ સંભળાયો : ‘ખોટું બોલવાનું પરિણામ તને ખબર છે, ને ? !’

‘હું...હું સાચું બોલી રહ્યો છું, હરમન !’ કબીરે જમણી બાજુની ગલીમાં આગળ વધતાં મોબાઈલ ફોનમાં હરમનને કહ્યું : ‘મારી પાસે પચાસ કરોડ રૂપિયા નથી.’

‘બસ તો પછી...,’ મોબાઈલ ફોનમાં સામેથી હરમનનો અવાજ સંભળાયો : ‘...તું તારી દીકરી કાંચીને ભૂલી જા. હું તારી કાંચીને...’

‘એક મિનિટ-એક મિનિટ !’ કબીર ચિંતાભેર બોલી ઊઠયો : ‘તું ફોન કટ્‌ ના કરીશ. મારી વાત સાંભળ, હરમન !’

‘શું ખરેખર તારી પાસે પચાસ કરોડ રૂપિયા નથી ? !’ કબીરના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાંથી હરમનનો અવાજ સંભળાયો.

‘હા ! મારી પાસે રૂપિયા નથી.’ કબીર એ જ રીતના આગળ વધતાં બોલ્યો : ‘મેં પોલીસના હાથમાં મારી જાતને સોંપતાં પહેલાં જ એ રૂપિયા સળગાવી નાંખ્યા હતા.’

‘એમ ? ! તેં એ રૂપિયા સળગાવી નાંખ્યાં હતાં ? !’ મોબાઈલમાં સામેથી હરમનનો અવાજ સંભળાયો : ‘ઠીક છે, તો પછી હું કાંચીને પણ...’

‘...નહિ-નહિ ! એક મિનિટ, તું મારી વાત સાંભળ !’ કબીર ઉતાવળા અવાજે બોલી ઊઠયો : ‘મેં ભલે રૂપિયા સળગાવી નાંખ્યા હોય પણ હું તને..., હું તને પચાસ કરોડ રૂપિયા લાવીને આપીશ ! પણ જો મારી કાંચીને કંઈ થયું છે તો...’

‘...જો તું મને પચાસ કરોડ રૂપિયા આપી દઈશ, તો પછી હું કંઈ પાગલ નથી કે, કાંચીને આંગળી પણ અડાડું !’ અને મોબાઈલ ફોનમાં સામેથી હરમનનો પાગલની જેમ હસવાનો અવાજ સંભળાયો : ‘પણ હા, તું એટલું ધ્યાન રાખજે. તારી પાસે સમય ઓછો છે. મેં તને બાર કલાકનો સમય આપ્યો છે. એમાં તેં બે-અઢી કલાક તો વેડફી નાંખ્યા છે !’

‘તારા બાર કલાક પૂરા થાય એ પહેલાં, રાતના એક વાગ્યા પહેલાં તને પચાસ કરોડ રૂપિયા મળી જશે !’

‘સરસ !’ મોબાઈલ ફોનમાં સામેથી હરમનનો અવાજ સંભળાયો : ‘તો આજ રાતના એક વાગ્યા સુધીમાં તારો આ દોસ્ત કડકો હરમન, કરોડપતિ હરમન શેઠ બની જશે ! હા-હા-હા !’

‘હવે જો તારે બીજી કોઈ બકવાસ કરવાની બાકી ન હોય તો હું કામે લાગું !’ કબીર ધૂંધવાટભેર કહ્યું

‘હા !’ કબીરના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાં સામેથી હરમનનો હસવાનો અવાજ સંભળાયો : ‘પણ હું થોડાક-થોડાક સમયે મોબાઈલ પર તારો કૉન્ટેકટ્‌ કરતો રહીશ. તું મારી સાથે વાત કરતો રહેજે.’ અને આ સાથે જ સામેથી, હરમન તરફથી કૉલ કટ્‌ થઈ ગયો.

કબીરે પાછળ ફરીને જોયું. ગલીમાં પોલીસવાળો રવિન્દર કે, એનો સાથી સખાજી તેનો પીછો કરતાં આવતા દેખાયા નહિ. ‘એ બન્ને પોલીસવાળાની શું હાલત હશે ? ! શું એ બન્નેએ ફરી તેનો પીછો શરૂ કરી દીધો હશે ? !’ કબીરે વિચાર્યું, ‘તે હવે ફરી પોલીસના હાથમાં પકડાય તો કાંચીનો જીવ જોખમમાં મુકાઈ જાય એમ હતો. પચાસ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવા માટે-શયતાન હરમનના શિકંજામાંથી કાંચીને બચાવવા માટે તેની પાસે ખૂબ જ ઓછો સમય હતો !’ તે ડાબી બાજુની ગલીમાં વળીને આગળ વધ્યો.

ત્યારે પાછળની તરફ, થોડેક દૂર ઊંધી પડેલી પોલીસની જીપમાંથી પોલીસવાળો રવિન્દર અને એનો સાથી સખાજી થોડીક વાર પહેલાં જ બહાર નીકળી આવ્યા હતા. કબીરની જેમ નસીબજોગે એ બન્ને જણાંને પણ ખાસ વાગ્યું નહોતું.

રવિન્દરને જીપની અંદર અને આસપાસમાં પણ કબીર દેખાયો નહોતો, એટલે એણે નજીકમાં ઊભેલા લોકોને પૂછયું હતું : ‘આ જીપમાંથી નીકળેલો આદમી કઈ તરફ ગયો ? !’

‘એ પેલી તરફ..,’ જીપમાંથી એક માણસ આગળ આવતાં અને સામેની ગલી તરફ આંગળી ચિંધતાં બોલ્યો : ‘...પેલી ગલીમાં ચાલ્યો ગયો !’

અને રવિન્દર ‘ચાલ જલદી, સખાજી !’ કહેતાં જે ગલી તરફ પેલા આદમીએ આંગળી ચીંધી હતી, એ ગલી તરફ દોડી ગયો હતો. સાથે સખાજી પણ દોડયો હતો.

અત્યારે રવિન્દર અને સખાજી બન્ને કબીરને શોધી રહ્યા હતા. તેઓ કબીરથી ખાસ દૂર નહોતા.

અને કબીરને જાણે આ હકીકતનો અણસાર આવી ગયો હોય એમ તે મેઈન રસ્તો છોડીને નાની-મોટી ગલીઓમાં થતો આગળ વધી રહ્યો હતો.

કબીરના મગજમાં ‘હવે પચાસ કરોડ રૂપિયા કેવી રીતના મેળવવા ?’ એ વિશેના સવાલો-વિચારો દોડી રહ્યા હતા.

અત્યારે હવે કબીરે આ માટે શું કરવું ? એ મનોમન નકકી કરી લીધું. તેણે એ જ રીતના આગળ વધતાં તેના મોબાઈલ ફોનમાં તાન્યાનો મોબાઈલ નંબર લગાવ્યો.

મોબાઈલ ફોનમાં સામેથી થોડી રીંગ વાગી અને પછી તાન્યાનો અવાજ સંભળાયો : ‘હેલ્લો !’

‘હા, તાન્યા !’ કબીરે કહ્યું, ત્યાં જ સામેથી તાન્યાનો ચિંતા ને અધિરાઈભર્યો સવાલ સંભળાયો : ‘કબીર તું કયાં છે ? ! ? હું પાછી આવી એટલી વારમાં તો તું કયાં ચાલ્યો ગયો ? !’

‘તાન્યા ! હું..,’ કબીરે ચિંતાભર્યા અવાજે મોબાઈલ ફોનમાં તાન્યાને કહ્યું : ‘..હું ફરી મોટી મુશ્કેલીમાં મુકાયો છું !’

‘કેમ ? શું થયું ? ! ?’ મોબાઈલમાં સામેથી તાન્યાનો અધીરો અવાજ સંભળાયો.

‘હું તને મળવા માંગું છું, અરજન્ટ !’ કબીરે કહ્યું : ‘શું તું મને મળવા આવી શકીશ ? !’

‘હા !’ સામેથી તાન્યાનો તુરત જવાબ સંભળાયો : ‘બોલ, કયાં આવું ?’

‘પહેલાં આપણે જ્યાં મળતા હતાં ત્યાં !’ કબીર બોલ્યો : ‘તું ત્યાં પંદર મિનિટમાં પહોંચ.’

‘ભલે, હું પહોંચું છું !’ કબીરના કાને મુકાયેેલા મોબાઈલ ફોનમાં સામેથી તાન્યાનો જવાબ સંભળાયો, એટલે કબીરે કૉલ કટ્‌ કર્યો અને ગલીની બહાર નીકળ્યો. ત્યાં જ તેની નજર જમણી બાજુ, થોડેક દૂરથી આસપાસમાં નજર દોડાવતાં આ તરફ આવી રહેલા રવિન્દર અને સખાજી પર પડી.

કબીર પાછા પગલે પાછો ગલીમાં ફર્યો, અને પછી તે જે નુક્કડ તરફથી ગલીમાં આવ્યો હતો એ નુક્કડ તરફ પાછો દોડયો.

તે નસીબજોગે પોલીસવાળા રવિન્દર અને સખાજીની નજરે ચઢતાં બચી ગયો હતો. જોકે, પચાસ કરોડ રૂપિયા મેળવવામાં અને શયતાન હરમનના હાથમાંથી તેની દીકરી કાંચીને છોડાવવામાં તેના નસીબ સાથ આપે એ ખૂબ જરૂરી હતું.

કબીર એ ગલીમાંથી બહાર નીકળ્યો અને જમણી તરફ આગળ વધ્યો.

તેણે પાસેથી પસાર થઈ રહેલી ટેકસી રોકી ને એમાં બેઠો. તેણે એડ્રેસ જણાવ્યું એટલે ટેકસી-વાળાએ ટેકસી આગળ વધારી દીધી.

દૃ દૃ દૃ

હરમન જે કંપનીની ટેકસી ચલાવતો હતો, એ ટેકસીનો મેનેજર પીટર પોતાના કામમાં પરોવાયેલો હતો, ત્યાં જ તેની ઑફિસની બારીથી થોડેક દૂર પોલીસની જીપ આવીને ઊભી રહી.

પીટર જીપ તરફ જોઈ રહ્યો.

જીપમાંથી ઈન્સ્પેકટર સાઈરસ અને સબ ઈન્સ્પેકટર ગોખલેને ઉતરતાં જોઈને પીટરથી ધીમેથી બબડી જવાયું : ‘વળી કોઈ નવી મુસીબત તો નથી આવી ને ? !’

સાઈરસ અને ગોખલે જે બારી પાસે પીટર બેઠો હતો, ત્યાં આવીને ઊભા રહ્યા.

‘તારું નામ પીટર છે ?’ ગોખલેએ બારીમાંથી પીટર તરફ જોતાં પૂછયું.

‘હા, સાહેબ !’ પીટરે જવાબ આપ્યો.

‘એક આદમીએ થોડીવાર પહેલાં તારી કંપનીની એક ટેકસી ચોરી છે, અને..,’ ગોખલેએ કહ્યું : ‘...એ આદમીએ તારી ચોરાયેલી ટેકસીના ડ્રાઈવર બલ્લુની મદદથી તારી પાસે નકલી પગ અને હાથની કપાયેલી આંગળીઓવાળા ટેકસી ડ્રાઈવરની જાણકારી મેળવી હતી, બરાબર ને !’

‘હા, સાહેબ !’ પીટરે કહ્યું : ‘એ આદમી સુખબીર વિશે જાણવા માંગતો હતો.’

‘શું તું મને સુખબીરનો ફોટો-એના ડ્રાઈવિંગ લાયસન્સની ઝેરોક્ષ બતાવીશ ? !’

‘જી હા, સાહેબ !’ અને પીટરે ટેબલની જમણી બાજુના ખાનામાંથી આઠ-દસ ફાઈલો બહાર કાઢી અને એની પર લખાયેલા નામ જોતાં બોલ્યો : ‘સાહેબ ! સુખબીર મારે ત્યાં પાછલા કેટલાક મહિનાથી કામ કરી રહ્યો છે. એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. જોકે, એનો એક પગ નકલી હોવા અને એના હાથની અમુક આંગળીઓ કપાયેલી હોવા છતાંય મારી કંપનીના બીજા ટેકસી ડ્રાઈવરો એનાથી ડરતા હતા અને એનાથી દૂર જ રહેવાનું પસંદ કરતા હતા.’ અને પીટરે એ ફાઈલોમાંથી ‘સુખબીર’ લખાયેલી ફાઈલ કાઢી. ‘જુઓ !’ એણે ફાઈલ ખોલી : ‘આમાં એનો ફોટો-લાયસન્સની ઝેરોક્ષ છે !’ અને પીટરે એ ખુલ્લી ફાઈલ સાઈરસ અને ગોખલે જોઈ શકે એવી રીતના બારી નજીક ધરી.

સાઈરસ અને ગોખલેએ જોયું.

-એ હરમનનો જ ફોટો હતો. જોકે, લાયસન્સમાં હરમનની જગ્યાએ એનું નામ સુખબીર લખાયેલું હતું.

‘આ તો હરમન જ છે !’ ગોખલે ફોટો જોતાં બોલી ઊઠયો.

‘આનો અર્થ એ કે, કબીરની વાત સાચી છે !’ બોલતાં સાઈરસ જીપ તરફ આગળ વધી ગયો.

ગોખલે પણ એની સાથે ચાલ્યો.

સાઈરસ જીપની ડ્રાઈવિંગ સીટની બાજુની સીટ પર બેઠો. જ્યારે ગોખલે ડ્રાઈવિંગ સીટ પર બેઠો અને એણે ત્યાંથી જીપ દોડાવી મૂકી.

દૃ દૃ દૃ

કબીરે તેણે જ્યાં પહોંચવાનું હતું એનાથી થોડેક દૂર ટેકસી ઊભી રખાવી દીધી. તે ટેકસીભાડું ચૂકવીને ટેકસીમાંથી બહાર નીકળ્યો અને થોડેક દૂર આવેલા ગાર્ડન તરફ આગળ વધી ગયો.

તે ગાર્ડનના પાછળના ભાગમાં પહોંચ્યો, ત્યારે અગાઉ તેઓ જે બાંકડા પર બેસીને અહીં-તહીંની વાતો કરતા રહેતા હતા એ બાંકડા પર તાન્યા ઉચ્ચક જીવે બેઠી હતી.

કબીરને આવેલો જોતાં જ તાન્યા ઊભી થઈ ગઈ. ‘શું થયું, કબીર...? !’ તાન્યાએ ચિંતાભર્યા અવાજે પૂછયું.

‘આપણી પાસે બિલકુલ સમય નથી.’ કબીર બોલ્યો : ‘હરમન મર્યો નથી ! એ જીવતો છે !’

‘શું ? !’ તાન્યાએ જબરજસ્ત આંચકો અનુભવ્યો : ‘આ તું શું બોલી રહ્યો છે, કબીર ? ! ?’

‘તાન્યા !’ કબીરે બપોરના સવા ત્રણ વગાડી રહેલી કાંડા ઘડીયાળમાં જોયું અને કહ્યું : ‘હરમનને પચાસ કરોડ રૂપિયા જોઈએ અને એ પણ આજ રાતના એક વાગ્યા સુધીમાં ! મારી કાંચી એના કબજામાં છે !’

‘ઊફ..? !’ તાન્યાએ પૂછયું : ‘..હવે શું કરીશું ? !’

‘એ વખતે મેં પોલીસને મારી જાત સોંપી એ પહેલાં જ મેં ચોરીના એ પચાસ કરોડ રૂપિયા તો સળગાવી દીધા હતા.’ કબીર એક નિશ્વાસ નાંખતાં બોલ્યો : ‘એટલે હવે મારે બીજા પચાસ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે !’

‘કેવી રીતના...? !’ તાન્યાએ પૂછયું : ‘આટલા બધાં રૂપિયા આપણે લાવીશું કયાંથી ? !’

‘ચોરી કરીને !’ કબીર બોલ્યો : ‘આપણે આઠ વરસ પહેલાં જે બૅન્કમાં ચોરી કરી હતી, એ જ બૅન્કમાંથી આજે આપણે પચાસ કરોડ રૂપિયા ચોરીશું ને હરમનને આપી દઈશું, અને મારી કાંચીને બચાવી લઈશું !’

તાન્યા કબીર સામે તાકી રહી, મનોમન વિચારી રહી, ‘કબીર બેન્કમાંથી પચાસ કરોડ રૂપિયાની ચોરી કરવાના ગુનાસર આઠ વરસની સજા કાપીને હજુ  આજે જ જેલમાંથી બહાર આવ્યો હતો, અને અત્યારે હવે તે ફરી પાછો એજ બેન્કમાંથી પચાસ કરોડ રૂપિયાની ચોરી કરવાની વાત કરી રહ્યો હતો ! આ કબીરનું મગજ ફરી ગયું હતું કે, શું ? !’

( વધુ આવતા અંકે )