શાતિર - 6 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

શાતિર - 6

( પ્રકરણ : છ )

કાંચી હોશમાં આવી. તેણે આંખો ખોલી. તેને અંધારા સિવાય કંઈ દેખાયું નહિ. તે બેઠી થવા ગઈ, ત્યાં જ તેના માથા પરની વસ્તુ ટકરાઈ. તેના મોઢામાંથી પીડાભરી ચીસ નીકળી જવાની સાથે જ તે પાછી લેટી ગઈ. તેના પગ વળેલા હતા, તે બેઠી થઈ શકે એમ નહોતી. ‘તે ખૂબ જ નાનકડી જગ્યામાં પુરાયેલી હતી. એ પેટી હતી ? પટારો હતો ? ? કે પછી બીજું આખરે શું હતું ??’ એ તેને તુરત સમજાયું નહિ. પણ પછી થોડીક પળોમાં તેની આંખો અંધારાથી ટેવાઈ, અને એ પછી જ તેને ખ્યાલ આવ્યો કે, તે ટેકસીની ડીકીમાં પૂરાયેલી હતી !

‘બચાવ !’ અને કાંચીએે ચીસો પાડવા માંડી : ‘પ્લીઝ ! કોઈ મને અહીંથી બહાર કાઢો !’

પણ તેનો અવાજ ટેકસીની ડીકીની બહાર સંભળાય એમ નહોતો. બહાર ટ્રાફિકનો ખૂબ જ ઘોંઘાટ હતો.

કાંચી ‘બચાવો-બચાવો !’ ની ચીસો પાડીને થાકી. તે લાચારી સાથે પડી રહી. ટેકસી આગળ વધતી રહી.

દૃ દૃ દૃ

પોલીસ ચોકીમાં ઈન્સ્પેકટર સાઈરસ મોબાઈલ ફોન પર સબ ઈન્સ્પેકટર ગોખલે સાથે વાત કરી રહ્યો હતો : ‘શું કહ્યું ? કબીર તારી નજરમાંથી છટકી ગયો ? ! ધત્તેરી કી !’ અને તે ગોખલેને કંઈક સૂચના આપવા ગયો, ત્યાં જ એક પોલીસવાળાએ સાઈરસની કેબિનનો દરવાજો ખોલીને અંદર ડોકિયું કરતાં કહ્યું : ‘સર ! કબીર તમને મળવા આવ્યો છે !’

‘કબીર મળવા આવ્યો છે ? !’ સાઈરસે બબડીને પોલીસવાળાને કહ્યું : ‘એને અંદર મોકલ !’ અને પછી સાઈરસે મોબાઈલ ફોન પર ગોખલેને કહ્યું : ‘કબીર અહીં આવ્યો છે, તું જલ્દી અહીં આવી જા.’ અને સાઈરસે મોબાઈલ ફોન ટેબલ પર મૂકયો, ત્યાં જ કેબિનનો દરવાજો ખુલ્યો અને કબીર દેખાયો.

‘આવ, કબીર !’ સાઈરસે કબીરને તાકી રહેતાં કહ્યું.

કબીર ટેન્શનભર્યા ચહેરે અંદર આવ્યો.

‘બેસ !’ સાઈરસે કબીરનો ચહેરો વાંચતાં કહ્યું.

‘સાહેબ !’ કબીરે સાઈરસની સામેની ખુરશી પર બેસતાં કહ્યું : ‘હું મુશ્કેલીમાં મુકાયો છું. મારી દીકરી કાંચીનો જીવ જોખમમાં છે !’

‘તારી દીકરી કાંચીનો જીવ જોખમમાં છે ?’ સાઈરસે કબીરને કહ્યું : ‘કેવી રીતના ? મને કહે.’

અને કબીરે ઝડપથી ‘હરમને તેને મોબાઈલ ફોન મોકલ્યો હતો અને પછી હરમનનો એ મોબાઈલ પર કૉલ આવ્યો હતો ને પછી હરમને તેની સાથે જે વાત કરી હતી,’ એ કહી સંભળાવી.

‘એટલે..,’ સાઈરસે કબીર સામે એકીટશે જોઈ રહેતાં કહ્યું : ‘...એટલે તારું એમ કહેવું છે કે, તારો જે ફ્રેન્ડ હરમન મરી ચૂકયો છે, એ તારા ફ્રેન્ડ હરમને તારી દીકરી કાંચીનું અપહરણ કર્યું છે, અને એણે તારી દીકરી કાંચીને પોતાની કેદમાં રાખી છે !’

‘હા !’

‘હં, તો તારી દીકરી કાંચીને છોડી મૂકવાના બદલામાં હરમનને શું જોઈએ ? !’

‘પચાસ કરોડ રૂપિયા !’

‘પચાસ કરોડ રૂપિયા !’ સાઈરસ મલકયો : ‘કબીર ! આ આ રકમ..., આ આંકડો કંઈક યાદ અપાવે છે ને !’

‘સાહેબ !’ કબીર બોલ્યો : ‘મેં એ રકમ..., એ પચાસ કરોડ રૂપિયા સળગાવી નાંખ્યા હતાં. તમે મને ગિરફતાર કર્યો એની થોડી વાર પહેલાં !’ અને કબીરની નજર સામે એ રાતના તેણે તાપણું સળગતું હતું એ મોટા ડ્રમમાં નોટોના બંડલો નાંખી દીધાં હતાં-સળગાવી મૂકયાં હતાં, એ દૃશ્ય તરવરી ગયું : ‘હું...,’ અને કબીરે આગળ કહ્યું : ‘...હું સોગંધ ખાઈને કહું છું. જો હું એવું ન કરત, અને એ રૂપિયા સાથે જો હું તમારા હાથમાં પકડાઈ જાત તો મારી સજા વધી શકત.’ કબીર બોલ્યો : ‘પ્લીઝ ! મારી પર વિશ્વાસ કરો ! મારી પાસે એ રૂપિયા નથી, અને..., અને એ શયતાની દિમાગવાળા હરમન પાસે મારી દીકરી છે ! એનો કોઈ ભરોસો નહિ, એ મારી દીકરી સાથે શું કરે ? ! પ્લીઝ ! એ શયતાનના પંજામાંથી મારી દીકરીને છોડાવવા માટે મારી મદદ કરો !’

સાઈરસ ચુપચાપ કબીર સામે જોઈ રહ્યો.

‘સાહેબ !’ કબીર બોલ્યો : ‘તમે મારી વાતને સમજવાની કોશિશ કરો. જો મારી પાસે એ પચાસ કરોડ રૂપિયા હોત તો શું હું સીધો જ જઈને એ રૂપિયા હરમનને આપીને મારી દીકરીને છોડાવી ન લેત ? !’ કબીર બોલ્યો : ‘તમે જ કહો, હું આમ અત્યારે તમારી પાસે શું કરવા આવત ? !’

‘કબીર ! તેં તારી વાત કરી લીધી, હવે તું મારી વાત સાંભળ.’ સાઈરસ બોલ્યો : ‘અસલમાં મને એવું લાગે છે કે, તું ખરેખર એક ખૂબ જ શાતિર-અઠંગ ચોર, બદમાશ અને લુંટારો છે. અને એ સાથે જ તું એક ચાલાક ખેલાડી પણ છે.’ સાઈરસે હોઠના ખૂણે મુસકુરાહટ રમાડતાં કહ્યું : ‘તારી આ આખી વાર્તા તારી પોતાની જ બનાવેલી છે કે, હરમને તારી દીકરીનું અપહરણ કર્યું છે, જેથી કરીને તું એ વાત સાબિત કરી શકે કે, તારી પાસે ચોરીના એ પચાસ કરોડ રૂપિયા નથી, નહિતર તું તારી દીકરીને હરમનની કેદમાંથી છોડાવવા માટે એ રૂપિયા આપી દેત.’ સાઈરસે સહેજ રોકાઈને આગળ કહ્યું : ‘અને કાં તો પછી તારો પ્લાન એેવો છે કે, તારી આ વાર્તા સાંભળીને અમે લોકો તારી દીકરી અને હરમનને શોધવાના કામે લાગી જઈએ અને એ દરમિયાન તને ચોરીના એ છુપાવેલા પચાસ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો મોકો મળી જાય અને પછી તું ત્યાંથી એ રૂપિયા લઈને પ્લેનમાં બેસીને વિદેશભેગો થઈ જાય અને ત્યાં વસી જાય. ત્યાં તું તારા મનપસંદ ગીતો સાંભળતો સુખેથી જિંદગી વિતાવે, અને અમે લોકો અહીં હાથ ઘસતાં રહી જઈએ ! બરાબર ને ? !’

‘સાહેબ !’ અને કબીર આગળ બોલવા ગયો, ત્યાં જ કેબિનનો દરવાજો ખોલીને સબ ઈન્સ્પેકટર ગોખલે અંદર આવ્યો. એ કબીર તરફ મારી નાંખવાની નજરે જોતાં એક બાજુ ઊભો રહ્યો.

‘પ્લીઝ !’ કબીરે ફરી સામેની ખુરશી પર બેઠેલા ઈન્સ્પેકટર સાઈરસ સામે જોતાં કહ્યું : ‘મેં કોઈ સ્ટૉરી નથી બનાવી. તમે મારી વાત પર વિશ્વાસ કરો ! ખરેખર હરમને મારી દીકરીને...’

‘...હરમન...,’ સાઈરસ કબીરની વાતને કાપતાં બોલ્યો : ‘...હરમન જીવતો છે એ તારી વાત હું કેમ કરીને માની શકું ? ! અમને જે લાશ મળી હતી એની સાથે હરમનના ફિંગરપ્રિન્ટ મળતા હતા. એની સળગેલી લાશના ઘણાં-બધાં ટુકડાં કરી નાંખવામાં આવ્યા હતા. જોકે, અમે એના ફિંગરપ્રિન્ટ લેવામાં-મેળવવામાં એટલા માટે સફળ થયા હતા કે, એની કેટલીક આંગળીઓ સળગી જતાં બચી ગઈ હતી.’

‘સાહેબ ! હરમને પોતાની મોતનું નાટક કર્યું હતું !’ કબીર બોલ્યો : ‘પ્લીઝ ! તમે મારી વાતને સમજવાની કોશિશ કરો.’ કબીરનો અવાજ ગળગળો થઈ ગયો : ‘મારી પાસે સમય નથી ! હરમન-હરમન મારી દીકરીને...’

‘...તું વારંવાર મને બેવકૂફ નહિ બનાવી શકે, કબીર !’ સાઈરસે કહ્યું : ‘ચાલ ! ઊભો થા અને અહીંથી રવાના થા !’

‘પ્લીઝ !’ કબીર ખુરશી પરથી ઊભો થઈ ગયો : ‘મારી મદદ કરો !’

‘ગોખલે !’ સાઈરસે કહ્યું : ‘આને બહાર મૂકી આવ !’

ગોખલેએ કબીરને બાવડા પાસેથી પકડયો અને એને બહાર લઈ ચાલ્યો.

કબીર હવે ચુપચાપ ગોખલે સાથે બહારની તરફ આગળ વધી ગયો.

ગોખલેએ કબીરને છેક રસ્તા સુધી લઈ આવ્યો.

‘સાહેબ !’ કબીરે કહ્યું : ‘તમે સાઈરસ સાહેબને સમજાવો કે...,’

‘કબીર !’ ગોખલે બોલ્યો : ‘તું અહેસાન માન કે, સાહેબનો મૂડ સારો હતો કે, તારી આ બધી બકવાસ સાંભળીને પણ તને જવા દીધો. હવે ચુપચાપ તારા કામે લાગ ! પણ ચોરીના નહિ, કોઈ સારા કામે, સમજ્યો !’

અને ગોખલે પાછો ઈમારતની અંદરની તરફ આગળ વધી ગયો.

કબીરે ત્યાંથી ચાલવા માંડયું.

તો સામેની ફૂટપાથ પર ઊભેલા સબ ઈન્સપેકટર ગોખલેના સાથી પોલીસવાળા રવિન્દરે સલામત અંતર રાખીને કબીરનો પીછો શરૂ કર્યો.

આ હકીકતથી બેખબર કબીર વિચારી રહ્યો હતો. ‘ઈન્સ્પેકટર સાઈરસે હરમનના શિકંજામાંથી કાંચીને છોડાવવા માટે સાથ આપ્યો હોત તો આસાનીથી કાંચી બચી જાત, પણ હવે તેણે પોતે જ કાંચીને હરમનના શયતાની શિકંજામાંથી છોડાવવા માટે કંઈક કરવું પડશે. અને આ માટે સહુથી પહેલાં તેણે તેના અને હરમનના સાથી જયસિંહને મળવું પડશે.’

કબીરે મનોમન આ નિર્ણય લેતાં ફૂટપાથ પર એ રીતના જ આગળ વધવાનું ચાલુ રાખ્યું.

ત્યારે સબ ઈન્સપેકટર ગોખલે ઈન્સ્પેકટર સાઈરસ સાથે કબીર વિશે વાત કરી રહ્યો હતો, ત્યાં જ એક પોલીસવાળો સાઈરસની કેબિનનો દરવાજો ખોલીને અંદર આવ્યો : ‘સર !’ એ પોલીસ-વાળાએ સાઈરસ સામે જોતાં રિપોર્ટ આપ્યો : ‘અમે કબીરથી છુટાછેડા લઈ ચુકેલી એની ઍકસ વાઈફ સોનાલીનો મોબાઈલ ફોન લગાવ્યો, પણ સામેથી મેસેજ મૂકવા માટેનો વૉઈસ મેસેજ જ સંભળાય છે.’

‘અને કબીરની દીકરી કાંચીનો મોબાઈલ પર કોન્ટેકટ કર્યો ? !’ સાઈરસે પૂછયું.

‘સર ! કાંચીનો મોબાઈલ ફોન બંધ છે !’ એ પોલીસવાળાએ માહિતી આપી : ‘કાંચીના સાવકા પિતા અનુરાગે બે અઠવાડિયા પહેલાં જ કાંચીનો મોબાઈલ નંબર બંધ કરાવ્યો હતો !’

‘ઠીક છે !’ સાઈરસે કંઈક વિચારીને કહ્યું : ‘તમે લોકલ પોલીસમાં તપાસ કરો. જો એવું જાણવા મળે કે, ‘ખરેખર જ કબીરની દીકરી કાંચીનું અપહરણ થયું છે,’ તો પછી આપણી એ ફરજ છે કે, આપણે આમાં કાર્યવાહી કરીએે !’

‘ઓ. કે. સર !’ કહીને એ પોલીસવાળો કેબિનની બહાર નીકળી ગયો.

‘સર !’ ગોખલેએ સાઈરસને પૂછયું : ‘તમને લાગે છે કે, કબીર ખરેખર સાચું બોલી રહ્યો છે કે, એની દીકરી કાંચીનું અપહરણ થયું છે ?’

‘ના ! એવું લાગતું નથી !’ સાઈરસે કહ્યું,

ત્યારે સાઈરસને એ હકીકતની ખબર નહોતી કે, ‘તેની આ ગણતરી ખોટી છે. હરમન જીવતો છે અને એણે ખરેખર જ કબીરની દીકરી કાંચીનું અપહરણ કર્યું છે.’

અત્યારે કાંચી હરમનની ટેકસીની ડીકીમાં હતી. તે ‘બચાવ ! બચાવ !’ની ચીસો પાડીને થાકી-હારી હતી. તે ડીકીમાં ચુપચાપ પડી હતી.

તો આગળ ટેકસી ચલાવી રહેલા હરમને જોયું તો આગળ ચાર રસ્તા પર-સિગ્નલ પર રેડ લાઈડ હતી.

હરમને ટેકસી ઊભી રાખી, ત્યાં જ એક યુવાને ટેકસીનો દરવાજો ખોલી નાંખ્યો અને સીટ પર બેસી ગયો.

‘નહિ-નહિ !’ હરમન બોલી ઊઠયો : ‘આ ટેકસી નહિ જાય.’

‘ઘણી મુશ્કેલીથી તમારી ટેકસી મળી છે !’ એ યુવાને ટેકસીનો દરવાજો બંધ કર્યો : ‘જુઓ ! મારે આ એડ્રેસ પર જવું છે.’ અને યુવાન એડ્રેસ બોલી ગયો.

‘મેં કહ્યું ને કે,’ હરમને પોતાના અવાજમાં કરડાકી લાવતા કહ્યું : ‘આ ટેકસી નહિ જાય.’

‘પ્લીઝ !’ એ યુવાન કરગર્યો, ‘મને લઈ ચાલો ! ત્યાં મારા ફ્રેન્ડસ મારી વાટ જોઈ રહ્યા છે.’

અને આગળ ગ્રીન લાઈટ થઈ, એટલે હરમનની ટેકસી પાછળ રોકાયેલા વાહનોએ હોર્ન પર હોર્ન વગાડવા માંડયા.

હરમને આગળની તરફ જોયું.

આગળ ચાર રસ્તે ઊભેલા ટ્રાફિક પોલીસવાળાએ હરમનને ઝડપથી ટેકસી આગળ વધારવા માટે હાથથી ઈશારો કર્યો.

હરમને મનોમન સમસમતાં-યુવાનને ગંદી ગાળ બકતાં ત્યાંથી ટેકસી આગળ વધારી.

‘થેન્કયૂ, બ્રધર !’ પાછલી સીટ પર બેઠેલા યુવાને કહ્યું.

હરમને સામે લાગેલા અરીસામાંથી પાછળ બેઠેલા યુવાનને મારી નાંખવાની નજરે જોયું અને ટેકસીને આગળ વધારવાની ચાલુ રાખી.

તો ડીકીમાં ટુંટિયું વાળીને પડેલી કાંચીએ ‘બચાવ-  બચાવ !’ની ચીસો પાડતાં ડીકી પર હાથ પછાડયા, પણ ટ્રાફિકના અવાજોમાં એની આ ચીસો અને ડીકી પર હાથ પછાડવાના અવાજ ભળી ગયા.

તો ડીકીના આગળના ભાગમાં-ટેકસીની પાછલી સીટ પર બેઠેલા પેલા યુવાને હરમનને કહ્યું : ‘હું અહીં હરવા-ફરવા આવ્યો છું. તમે કહો, અહીં ખાસ-ખાસ શું જોવાનું છે ?!’

હરમને જવાબ આપ્યો નહિ.

યુવાનની વાતોથી એનો પિત્તો જઈ રહ્યો હતો. એણે ચૂપ રહેતાં ટેકસી આગળ વધારવાનું ચાલુ રાખ્યું, ત્યાં જ યુવાનના મોબાઈલ ફોનની રિંગ વાગી ઊઠી. યુવાને શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ કાઢયો અને મોબાઈલનું બટન દબાવીને, મોબાઈલ ફોનમાં વાત કરી : ‘હા-હા ! બસ, હું રસ્તામાં જ છું. થોડીક વારમાં જ પહોંચી રહ્યો છું.’ અને યુવાન હસી પડયો : ‘એમ ? ! તો-તો જલસો પડી જશે.’ અને યુવાન ફરી ખડખડાટ હસી પડયો.

તો ડીકીમાં રહેલી કાંચીએ હવે મદદ માટે બૂમો પાડવાનું બંધ કરી દીધું હતું. તે અત્યારે પોતાની આંગળીના નખથી જે સીટ પર એ યુવાન બેઠો હતો એ સીટની પીઠ ખોતરી રહી હતી.

સીટની પીઠ ખોતરાઈ અને કાંચીની એક આંગળી બહાર, સીટ પર બેઠેલા પેલા યુવાનની જમણી બાજુ નીકળી.

યુવાન એના મોબાઈલ ફોન પરનું ગીત સાંભળવામાં તલ્લીન હતો, એટલે એનું ધ્યાન એની જમણી બાજુ, સીટની પીઠમાંથી નીકળેલી કાંચીની આંગળી તરફ ખેંચાયું નહિ.

કાંચીએ એ સીટની પીઠને સહેજ વધારે ફાડી અને પોતાની બીજી આંગળી પણ નાંખી. સીટની પીઠમાં મોટો હૉલ થયો હતો.

કાંચીએ એ હૉલમાંથી જોયું. પેલો યુવાન સીટ પર ડાબી બાજુના દરવાજા પાસે બેઠો હતો એટલે એ દેખાયો નહિ. આ હૉલ સીટની પીઠના નીચેના ભાગમાં થયેલો હતો એટલે તેને ટેકસીની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો હરમન પણ દેખાતો નહોતો.

તો હરમને અત્યારે ટેકસીને ડાબી બાજુની સાંકડી ગલીમાં વાળી. એ ગલી લાંબી અને કચરાપટ્ટીથી ભરેલી હતી.

હરમને ગલીની વચમાં ટેકસી ઊભી રાખી.

‘શું થયું ? !’ પાછળ બેઠેલા યુવાને પૂછયું.

‘હમણાં કહું છું,’ કહેતાં હરમન દરવાજો ખોલીને ટેકસીની બહાર નીકળ્યો અને પાછળનો દરવાજો ખોલીને એણે યુવાનને બોચી પકડીને બહાર કાઢયો.

‘એય.., આ શું કરો છો ? !’ એ યુવાન બોલે, ત્યાં તો હરમને યુવાનના મોઢા પર એક મુક્કો ઝીંકી દીધો : ‘ના પાડી છતાં મારી ટેકસીમાં બેસી ગયો. હમણાં હું ખૂબ જ ઉતાવળમાં છું, નહિતર આવી હરકત કરવા બદલ તારી એવી હાલત કરત કે, તું કદી કોઈ ટેકસીમાં બેસવાનું નામ જ ન લેત !’ અને આટલું કહેતાં જ હરમને યુવાનને દૂર ધકેલ્યો અને તે પાછો ટેકસીની ડ્રાઈિંવંગ સીટ પર બેઠો અને ત્યાંથી ટેકસી દોડાવી મૂકી.

‘સાલ્લો ! એ ટેકસીવાળો હતો કે, કોઈ ગુંડો-બદમાશ !’ એ યુવાન બબડયો અને પછી બીજી ટેકસીમાં પોતાના ફ્રેન્ડ્‌સ પાસે પહોંચી જવા માટે એ ઊતાવળે પગલે ગલીના નુક્કડ તરફ આગળ વધ્યો.

અને ત્યારે એને એ વાતનો ખ્યાલ નહોતો કે, એનો મોબાઈલ ફોન હરમનની ટેકસીમાં જ પડી ગયો હતો !

-અત્યારે યુવાનનો મોબાઈલ ફોન હરમનની ટેકસીની પાછલી સીટ પર પડયો હતો, અને ટેકસી ચાલતી હોવાને કારણે સીટ પર આમથી તેમ થઈ રહ્યો હતો.

તો ડીકીમાં પુરાયેલી કાંચી, સીટની પીઠમાં તેણે પાડેલા હૉલમાંથી સીટ પર પડેલા એ યુવાનના મોબાઈલ ફોનને જોઈ શકતી હતી.

‘જો તે પોતે આ મોબાઈલ ફોન પોતાની પાસે લઈ શકે તો તે આ મોબાઈલ ફોન મારફત કોઈનીય મદદ લઈને આ ગુંડા-બદમાશના હાથમાંથી બચી શકે એમ હતી !’ કાંચીના મગજમાં આ વિચાર દોડી ગયો. તેણે તુરત જ આ વિચારને અમલમાં મૂકયો. તેણે સીટની પીઠ પરના એ હૉલમાં પોતાની બન્ને આંગળીઓ નાંખી. તેણે બન્ને આંગળીથી સીટ પર પડેલો એ મોબાઈલ ફોન પકડયો !

( વધુ આવતા અંકે )