( પ્રકરણ : ચાર )
આઠ વરસની જેલ કાપીને કબીર બહાર નીકળ્યો, ત્યારે તેના દિલો-દિમાગમાં તેની દીકરી કાંચી ફરતી હતી. તે જેલમાં ગયો ત્યારે તેની દીકરી કાંચી સાત વરસની હતી, અને અત્યારે હવે એ પંદર વરસની થઈ ચૂકી હતી. તેનું મન કાંચી પાસે પહોંચવા માટે અધિરું બન્યું હતું, પણ તે કાંચી માટે કોઈ ગિફટ્ લઈ લેવા માંગતો હતો.
કબીર બજારમાં-એક રમકડાંની દુકાનમાં પહોંચ્યો. તેણે એક મોટું ટેડીબેર ખરીદયું. તે દુકાનની બહાર નીકળીને ફૂટપાથ પર આવ્યો, ત્યાં જ તેની નજર પાસે ઊભેલી પોલીસની જીપ પર પડી.
-જીપની ડ્રાઈવિંગ સીટ પર સબ ઈન્સ્પેકટર ગોખલે અને પાછળની સીટ પર ઈન્સ્પેકટર સાઈરસ બેઠો હતો.
આ બન્ને પોલીસવાળાઓએ જ તેને પકડીને આઠ વરસ માટે જેલભેગો કર્યો હતો.
‘અંદર બેસ, કબીર !’ સાઈરસ બોલ્યો : ‘તારે જ્યાં જવું હોય ત્યાં ઊતારી દઉં છું.’
કબીર આનાકાની કર્યા વિના હાથમાંના ટેડીબેર સાથે સાઈરસની બાજુની સીટ પર બેઠો.
‘તો..,’ સામે લાગેલા અરિસામાંથી કબીરને જોઈ રહેતાં ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા સબ ઈન્સ્પેકટર ગોખલેએ પૂછયું : ‘...કયાં જવું છે ? !’
અને કબીરે તેનાથી છુટાછેડા લઈને, અનુરાગ નામના માલદાર આદમી સાથે લગ્ન ચૂકેલી તેની ઍક્સ વાઈફ સોનાલીના ઘરનું સરનામું આપ્યું.
ગોખલેએ જીપ આગળ વધારી, ત્યારે એની તેમજ એની પાછળ બેઠેલા સાઈરસ અને કબીરની એ નજર ને ધ્યાન બહાર હતું કે, પાછળ ઊભેલી ટેકસીની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો લાંબા વાળવાળો અને ગોગલ્સ પહેરેલો આદમી કયારનોય એમની પર નજર રાખી રહ્યો હતો !
ટેકસીમાં બેઠેલા એ લાંબા વાળવાળા આદમીએ કબીરને લઈને આગળ વધેલી જીપનો સલામત અંતર રાખીને પીછો શરૂ કર્યો !
‘તમે..,’ આગળ વધી રહેલી જીપની પાછલી સીટ પર, ઈન્સ્પેકટર સાઈરસની બાજુમાં બેઠેલા કબીરે પૂછયું : ‘...તમે મને લિફટ્ કેમ આપી ?’
‘મને લાગ્યું કે, તું પાછો તારા ચોરીના ધંધામાં લાગી જઈશ !’ સાઈરસ બોલ્યો, ‘કેમ કે આજથી તું ફરી આઝાદ પંખી છે !’
‘ના,’ કબીર બોલ્યો : ‘હું હવે એ બધું છોડી ચૂકયો છું.’
‘કબીર !’ જીપ ચલાવી રહેલા ગોખલેએ રિઅર-વ્યૂ મિરરમાંથી કબીર તરફ નજર નાંખી લેતાં કહ્યું : ‘તારી પાસે એટલા રૂપિયા તો છે જ કે, તું બાકીની જિંદગી જલસાથી જીવી શકે, અને તું એ પણ જાણતો હતો કે, જો તું એ પચાસ કરોડ રૂપિયા સાથે પકડાયો હોત તો તને હજુ વધારે વરસની સજા થઈ હોત !’
‘અને હવે..,’ કબીરની બાજુમાં બેઠેલા સાઈરસે કહ્યું : ‘..હવે જ્યારે કે, તું જેલની બહાર આવી ચૂકયો છે ત્યારે તું એ રૂપિયા સુધી જરૂર પહોંચીશ. કેમ ? ખરું કહ્યું ને, મેં ?’
‘ના !’ કબીરે કહ્યું : ‘મારી પાસે રૂપિયા નથી.’
સાઈરસ થોડીક પળો કબીરને તાકી રહ્યો, પછી બોલ્યો : ‘કબીર, તારો સાથી હરમન મરી ચૂકયો છે. શું તને ખબર છે ? !’
કબીરે આંખો મીંચી. તેના કપાળ પર કરચલીઓ પડી.
‘કબીર !’ સાઈરસે મુસ્કુરાતાં કબીરને પૂછયું : ‘તને તારા સાથી હરમનના મોતના સમાચાર સાંભળીને કેવું લાગે છે ? !’
કબીરે એક નિશ્વાસ નાંખ્યો : ‘એ મારો દોસ્ત હતો.’
‘હં..,’ સાઈરસ બોલ્યો : ‘...આમ પણ તું જેલભેગો થયો એ પછી હરમનના દિવસો ખૂબ જ ખરાબ હતા. એના પગમાં જે ગોળી વાગી હતી, એમાં એનો પગ કાપી નાંખવો પડયો હતો.’
કબીરના ચહેરા પર દુઃખ આવ્યું.
‘જોકે, હરમનને ગોળી મારવા પાછળનો આઈડિયા તો તારો જ હતો ને ! હરમન મરી જાત તો તને એનો ભાગ પણ મળી જાત.’ સાઈરસે કહ્યું : ‘એ બિચારાએ તારા જેવા આદમી પર ખોટો ભરોસો કર્યો !’
કબીરે ચૂપકીદી જાળવી રાખી.
કબીરની ઍક્સ વાઈફ સોનાલીનું ઘર આવી ચૂકયું હતું. ગોખલેએ જીપ ઊભી રાખી.
જીપથી સલામત અંતર રાખીને પીછો કરતી આવી રહેલી પેલી ટેકસીમાં બેઠેલા લાંબા વાળવાળા, ગોગલ્સ પહેરેલા આદમીએ જીપથી થોડેક દૂર પોતાની ટેકસી ઊભી રાખી દીધી.
‘કબીર !’ જીપમાં બેઠેલા ઈન્સ્પેકટર સાઈરસે કહ્યું : ‘શું આ તારી ઍક્સ વાઈફ સોનાલીનું ઘર છે ને ? ! તું એને...’
‘...હું એને મળવા નથી આવ્યો.’
‘પણ તો શું હવે તારી દીકરી તને મળવા ઈચ્છશે, ખરી ? !’
‘હું અહીં એ જ જોવા માટે આવ્યો છું.’ કબીરે કહીને પૂછયું : ‘શું હવે હું જઈ શકું છું ? !’
સાઈરસે ‘હા’ પાડી.
‘જીપમાં લિફટ આપવા માટે, થૅન્કયૂ !’ કહીને કબીર જીપની બહાર નીકળ્યો,
‘મારી શુભેચ્છાઓ તારી સાથે છે !’ સાઈરસે કહ્યું.
કબીર સામેની ફૂટપાથ પર આવેલા સોનાલીના ઘર તરફ આગળ વધી ગયો.
‘ચાલ...,’ સાઈરસે કહ્યું : ‘અત્યારે અહીંથી જીપ જવા દે !’
ગોખલેએ જીપ ત્યાંથી આગળ વધારી દીધી.
સોનાલીના ઘરના દરવાજે પહોંચેલા કબીરે જીપને જતી જોઈને ડૉરબેલ તરફ હાથ આગળ વધાર્યો. તે ડોરબેલ વગાડવા ગયો, ત્યાં જ દરવાજો ખુલ્યો અને સામે પંદર વરસની તેની દીકરી કાંચી દેખાઈ.
‘કેમ છે, કાંચી- બેટા ? !’
‘તમે., તમે આમ અચાનક અહીં ? !’ કાંચીના ફૂલગુલાબી ચહેરા પર ડર આવી ગયો : ‘હું ડરી ગઈ !’
‘આઈ એમ સૉરી, કાંચીબેટા ! ડરવાની કોઈ વાત નથી.’ કબીર બોલ્યો : ‘આઈ એમ સૉરી !’
બ્લ્યુ જિન્સનું પેન્ટ, યલો ટી-શર્ટ અને ઉપર બ્લ્યુ જિન્સનું જેકેટ પહેરેલી કાંચી પોતાની પાણીદાર આંખોથી પળ-બે પળ કબીરને જોઈ રહી અને પછી બોલી : ‘તમે જેલમાંથી કયારે છૂટયા ?’
‘આજ સવારે જ !’ કબીરે ખચકાતાં અવાજે કહ્યું : ‘મારે ફોન કરીને આવવાની જરૂર હતી, પણ મારી પાસે તારો મોબાઈલ નંબર નહોતો. તું.,’ કબીર લાગણીભીના અવાજે બોલ્યો : ‘..તું બિલકુલ તારી મમ્મી જેવી જ દેખાય છે. શું એ અત્યારે અહીં નથી ? !’
‘...એ ગોવા ગઈ છે !’
‘અનુરાગ સાથે ?!’
‘હા !’ ને કાંચીએ દરવાજાની જમણી બાજુના ઊંચા ટેબલ પર પડેલું એક બ્રાઉન કલરનું પેપરનું મોટું પેકેટ લઈને કબીર સામે ધર્યું : ‘આ તમારા માટે આજ સવારે જ આવ્યું. કોઈ દરવાજા બહાર મૂકી ગયું હતું.’
કબીરે પેકેટ હાથમાં લેતાં જોયું તો એની પર મોટા અક્ષરે તેેનું નામ લખાયેલું હતું.
‘શું...,’ કબીરે કાંચીને પૂછયું : ‘....આપણે વાત કરી શકીએ છીએ, કાંચીબેટા...!’
‘મારે બહાર જવાનું છે !’ અને કાંચીએ બાજુના ટેબલ પર પડેલું પર્સ લઈને ખભે લટકાવ્યું ને દરવાજાની બહાર આવી.
‘થોડી વાર જ, કાંચીબેટા !’
‘ઠીક છે !’ કાંચીએ દરવાજાનું લૉક માર્યું, ને આગળ વધી : ‘ચાલો !’
કબીર કાંચી સાથે ચાલ્યો.
તો થોડેક દૂર ઊભેલી ટેકસીમાં બેઠા-બેઠા કબીર પર નજર રાખી રહેલા એ લાંબા વાળવાળા આદમીના જાડા ખરબચડા હોઠ પર રહસ્યભરી મુસ્કુરાહટ આવી. એણે ધીમે-ધીમે ટેકસી કબીર અને કાંચી પાછળ આગળ વધારી.
કાંચી નજીકમાં આવેલા કૉફી શૉપમાં દાખલ થઈ. કબીર પણ અંદર દાખલ થયો.
ટેકસીમાં બેઠેલા લાંબા વાળવાળા આદમીએ કૉફી શૉપથી થોડેક દૂર ટેકસી ઊભી રાખી દીધી અને કૉફી શૉપના દરવાજા પર નજર જમાવીને બેસી રહ્યો.
તો કૉફી શૉપની અંદર, ખૂણાના ટેબલ પર, કાંચીની સામેની ખુરશી પર બેઠક લેતાં કબીરે ટેડીબેર ટેબલ પર મૂક્યું : ‘હું આ તારા માટે લાવ્યો છું !’
કાંચીએ ટેડીબેર પોતાની તરફ ફેરવ્યું : ‘આ ખૂબ જ ક્યૂટ છે.’ કાંચી ટેડીબેરને જોઈ રહી.
‘કાંચીબેટા !’ કબીર બોલ્યો : ‘કોઈપણ માણસ જન્મજાત અપરાધી નથી હોતો, પણ...’
કાંચીએ કબીર સામે જોયું.
‘...પણ કયારેક માણસ એની ખરાબ પરિસ્થિતિઓ, એની જરૂરિયાતો, એના બૂરા દોસ્તો અને એમની દગાબાજીને કારણે અપરાધી બની જાય છે,’ અને કબીરનો અવાજ ગળગળો થઈ ગયો : ‘કાંચીબેટા ! હું મારી જાતને સારી સાબિત કરવાનો પ્રયત્ન નથી કરતો. હું બૂરો આદમી હતો, પણ આ આઠ વરસોમાં મેં મારી અંદરના બૂરા ઈન્સાનથી છુટકારો મેળવી લીધો છે, મેં...’ કબીર આંસુભીની આંખે કાંચી તરફ જોઈ રહેતાં બોલ્યો : ‘...મેં મારી જાતને બદલી નાંખી છે, તને...તને મેળવવા માટે, કાંચીબેટા !’
‘મારે મોડું થાય છે. હું જાઉં છું.’ કહેતાં કાંચીએ ખભે પર્સ લટકાવ્યું. તે ટેડીબેર લઈને બહાર નીકળી અને ફૂટપાથ પર ઊભી રહી. એના ચહેરા પર દુઃખ-દર્દના ભાવ આવી ગયાં હતાં. એણે બે ઊંડા શ્વાસ લીધાં, ત્યાં જ કબીરે એની પાસે આવીને ઊભા રહેતાં પૂછયું : ‘તું કયાં જઈ રહી છે ?’
‘હું દર મંગળવારે સાઈકિયા-ટ્રિસ્ટ પાસે જાઉં છું.’
‘એમ...? !’
‘હા !’ કાંચી બોલી : ‘જ્યારે તમારા પોતાના લોકો તમને છોડીને ચાલ્યા જાય છે, ત્યારે..,’ કાંચી ફિક્કું હસી : ‘...ત્યારે તમને માનસિક રોગોના ડૉકટરની જરૂર પડે છે !’ અને કાંચીએ થોડેક દૂર ઊભેલી ટેકસી તરફ જોતાં બૂમ પાડી : ‘ટેકસી !’
-આ ટેકસી એ જ ટેકસી હતી જે કબીરનો પીછો કરતાં અહીં સુધી આવી હતી !
-ટેકસીમાં બેઠેલા લાંબા વાળવાળા અને ગોગલ્સ પહેરેલા આદમીએ હોઠ પર લુચ્ચું હાસ્ય રમાડતાં ટેકસી કાંચી તરફ આગળ વધારી.
‘કાંચીબેટા !’ કાંચીની બાજુમાં ઊભેલા કબીરે કહ્યું : ‘મેં જે કહ્યું એ સાચું છે, કાંચીબેટા !’
કાંચીએ હાથમાંના ટેડીબેર સામે જોયું.
લાંબા વાળવાળા એ આદમીની ટેકસી કાંચી અને કબીરની નજીક આવીને ઊભી રહી.
‘આને તમે રાખો.’ કાંચીએ ટેડીબેર કબીરના હાથમાં પકડાવ્યું : ‘હવે હું નાની નથી રહી.’ અને કાંચી ટેકસી તરફ આગળ વધી ગઈ.
‘એક મિનિટ, કાંચીબેટા !’
‘પ્લીઝ ! તમે અહીંથી જાવ !’ અને કાંચી એ ટેકસીનો દરવાજો ખોલીને એમાં બેસી ગઈ.
કાંચીને લઈને એ ટેકસી ત્યાંથી આગળ વધી ગઈ.
કબીર ભારે મન સાથે તેની દીકરી કાંચીને લઈને દૂર અને દૂર જઈ રહેલી ટેકસીને જોઈ રહ્યો.
તો ટેકસીમાં બેઠેલી કાંચીની આંખોમાં ભીનાશ આવી ગઈ. એણે મનને બીજે વાળવા માટે કાનમાં મોબાઈલ ફોનનું હેડફોન લગાવ્યું અને મોબાઈલમાંનું સૉન્ગ સાંભળવા માંડી.
તો આગળ-ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો લાંબા વાળ અને ગોગલ્સવાળો આદમી કબીરની દીકરી કાંચી એની ટેકસીમાં આવી ગઈ હતી, એ બદલ લુચ્ચાઈભર્યું હસી રહ્યો હતો ! ! !
દૃ દૃ દૃ
કબીર હોટલના ખૂણાના ટેબલ પર બેઠો, ત્યાં જ વેઈટ્રેસ તરીકે કામ કરતી તાન્યા તેના ટેબલ પર પાણીના ગ્લાસ મૂકવા માંડી.
‘કમાલ છે !’ કબીર બોલ્યો : ‘આઠ વરસમાં તો તું વધુ જવાન બની ગઈ છે, તાન્યા !’
અને તાન્યા કબીરને જોતાં જ ખુશીથી ઊછળી પડી : ‘ઓહ કબીર ! તું અહીં...? !’ અને એ કબીરને વળગી પડી : ‘મને વિશ્વાસ નથી બેસતો !’ અને કબીરથી અળગી થતાં એણે પૂછયું : ‘તું કયારે છૂટયો ? !’
‘આજ સવારે જ !’
‘તને મળીને..,’ તાન્યાની આંખોમાં ખુશીનાં ઝળહળિયાં આવી ગયાં : ‘..તને મળીને બધી જૂની યાદો તાજી થઈ ગઈ !’ અને તાન્યા ઊભી થઈ ગઈ : ‘હું તારા માટે કંઈક ખાવાનું લઈ આવું.’
અને એ ગણતરીની મિનિટોમાં જ જમવાનું લઈ આવી અને ટેબલ પર મૂકીનુ કબીર સામે બેઠી.
‘તો તું અહીં વેઈટ્રેસ તરીકે સેટ થઈ ગઈ !’
‘હા ! મેં બધાં બૂરા કામો છોડી દીધા છે.’ તાન્યા કબીરની આંખોમાં આંખો પરોવતાં બોલી : ‘અને આમ પણ હું તારી સાથે રહેવા માટે, તને સાથ આપવા માટે જ તો બૂરા કામો કરતી હતી ને ! ખેર !’ તાન્યા બોલી : ‘મને એ વાતની ખુશી છે કે, તું પહેલાં મને જ મળવા આવ્યો !’
‘પહેલાં હું કાંચીને મળવા ગયો હતો !’ કબીર બોલ્યો.
‘ઓહ...!’ તાન્યા બોલી : ‘...તો કેમ છે, કાંચી ?’
‘એ..,’ કબીર એક નિશ્વાસ નાંખ્યો : ‘...એ મને જોઈને ખુશ ના થઈ !’
‘ચિંતા ન કર,’ તાન્યા બોલી : ‘બધું સારું થઈ જશે !’
કબીરે પાણીનો ગ્લાસ લઈને બે-ત્રણ ઘૂંટ ગળા નીચે ઊતાર્યા.
‘તને ખબર છે, કબીર ! મને તારી ખૂબ જ યાદ આવતી હતી.’ તાન્યા પ્રેમ ને લાગણીભીના અવાજે બોલી : ‘એ વખતે જે કંઈ બન્યું, એ બદલ તારો આભાર માનવાનોય મને મોકો ન મળ્યો.’
‘મને એ બધું યાદ ન અપાવ.’
‘મને તને મળવાનું ખૂબ જ મન હતું, પણ હું તને જેલમાં એકેયવાર મળવા ન આવી શકી.’ તાન્યા બોલી : ‘ઈન્સ્પેકટર સાઈરસની નજર હંમેશાં મારો પીછો કરતી રહેતી હતી, એટલે,’
‘હું સમજી શકું છું.’
‘પોલીસ સામે એ ચોરીમાં અમારું નામ નહિ લઈને તેં અમારા બધાં પર ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે, પણ..,’ તાન્યા બોલી : ‘જયસિંહને પકડાવી દીધો હોત તો વાંધો નહોતો. એણે જ પોલીસને બાતમી પહોંચાડી હતી.’
‘હું એને મળીશ,’ કબીર બોલ્યો : ‘આ વિશે જરૂર એની સાથે વાત કરીશ.’
‘અને..,’ તાન્યા બોલી : ‘..તેં હરમન વિશે સાંભળ્યું ? !’
‘હા !’ કબીર બોલ્યો : ‘સાંભળીને મને ખૂબ દુઃખ થયું ! પોલીસને ખબર છે, હરમનને કોણે માર્યો ?’
‘લાગતું નથી.’ તાન્યા બોલી : ‘હરમન બિલકુલ બદલાઈ ગયો હતો. એ થોડાંક દિવસ પહેલાં જ મને મળ્યો હતો, અને ત્યારે એવું લાગતું હતું કે, જાણે એ તારી જ વાટ જોતો હોય !’
કબીરે નિશ્વાસ નાંખ્યો, પછી તુરત જ હરમનના મોતનું દુઃખ ખંખેર્યું અને હોઠ પર મુસ્કુરાહટ લાવતાં બોલ્યો : ‘તને મળીને ખૂબ જ ખુશી થઈ, તાન્યા !’
તાન્યા પણ કબીર સામે મીઠું મલકી, ત્યાં જ મોબાઈલ ફોનની રિંગ સંભળાઈ.
‘આ...,’ તાન્યા ટેબલ પર પડેલા, કબીરનું નામ લખાયેલા બ્રાઉન પેપરના પેકેટ તરફ જોતાં બોલી : ‘મોબાઈલની રિંગ આ પેકટમાંથી સંભળાઈ રહી હોય એમ લાગે છે !’
કબીરે પેકેટ હાથમાં લીધું, ત્યાં જ હોટલના મેનેજરે તાન્યાને બૂમ પાડીને પોતાની પાસે બોલાવી.
‘હું હમણાં આવી, કબીર !’ કહેતાં તાન્યા ત્યાંથી ચાલી ગઈ.
કબીરે કાન પર પેકેટ મૂકયું.
-મોબાઈલ ફોનની રિંગ એમાંથી જ સંભળાઈ રહી હતી.
કબીરે પેકેટને હેરવી-ફેરવીને એની આગળ-પાછળ જોયું.
-પેકેટની એક બાજુ ફકત એનું નામ જ લખાયેલું હતું !
-પેકેટ પર, પેકેટ મોકલનારનું નામ-ઠામ લખાયેલું નહોતું ! !
પેકેટમાંથી મોબાઈલ ફોનની રિંગ હજુય સંભળાઈ રહી હતી.
કબીરે પેકેટ ખોલ્યું. એમાંનો રણકી રહેલો મોબાઈલ ફોન હાથમાં લઈને કબીરે એના સ્ક્રીન પર જોયું.
-સ્ક્રીન પર ‘અનનૉન નંબર’- ‘અજાણ્યો નંબર’ ઝળકી રહ્યો હતો
કબીરે બટન દબાવીને મોબાઈલ ફોન કાને મૂકયો અને બોલ્યો : ‘હેલ્લો !’
‘હેલ્લો.., કબીર !’ કબીરના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાં સામેથી એક આદમીનો અવાજ સંભળાયો ને પછી તુરત જ એની ખાંસીનો અવાજ સંભળાયો.
કબીરની આંખો ઝીણી થઈ. તે આમ તેને નામથી બોલાવનાર સામેવાળા આદમીને ઓળખી શકયો નહોતો. ‘કોણ બોલે છે ?’ તેણે પૂછયું.
‘તને કહું હું કોણ બોલુું છું ?’ કબીરના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાંથી એ આદમીનો અવાજ સંભળાયો : ‘હું તારી લાડકી દીકરી કાંચીને કિડનેપ કરનાર કિડનેપર બોલું છું ! !’ અને આની સાથે જ સામેથી કૉલ કટ્ થઈ ગયો !
( વધુ આવતા અંકે )