THE CURSED TREASURE - 35 books and stories free download online pdf in Gujarati

શ્રાપિત ખજાનો - 35

પ્રકરણ - 35

"બાયોવેપન.."

"બાયોવેપન?" વિક્રમે કહ્યું, "તને ખબર પણ છે કે તું શું બોલી રહ્યો છે?"

"હાં વિક્રમ, બાયોવેપન." ધનંજયે કહ્યું, "હું જ્યારે આ રાજ્યની ખોજ કરવા નીકળ્યો હતો ત્યારે મે ધાર્યું હતું કે એકવાર સંબલગઢનું રહસ્ય જાણી લવ પછી એને અમીર લોકોને વેંચીને એમાંથી રૂપિયાનો ઢગલો કરી શકીશ. અને કમિટી મારાથી ઇમ્પ્રેસ થઇને કાઉન્સિલ સામે મારા માટે સિફારિશ કરશે. પણ એ બાજી ઊંધી પડી ગઈ. અમૃતરસની વિધી તો નષ્ટ થઇ ગઇ છે. પણ જે થયું એ પહેલાં કરતાં પણ વધારે સારું થયું. હવે તો મને વધારે જ શાબાશી મળશે." ધનંજયે એક અટ્ટહાસ્ય કરતા કહ્યું.

એ શું કહી રહ્યો હતો એ કોઇને સમજાયું ન હતું. પણ બે શબ્દો એમના માટે નવા હતાં. કમિટી અને કાઉન્સિલ. વિજયને વિચાર આવ્યો કે શું એના પપ્પા પોતે કોઇ બીજા માટે કામ કરી રહ્યા છે? એણે કહ્યું હતું કે એ કમિટીને ઇમ્પ્રેસ કરવા માંગે છે. તો શું એના પપ્પા એક કઠપૂતળી છે? એણે પુછ્યું, "આખરે તમે શું કરવાનું વિચારી રહ્યા છો?"

"જેમ રેશ્માએ કહ્યું એમ જો આ શારીરિક વિકૃતિ આ જીવોના કરડવાથી ફેલાતી હોય તો જરૂર એની પાછળ કોઇ બેક્ટેરિયા અથવા વાયરસ હોય શકે છે. હું આ મરેલા જીવનો હાથ કાપીને નમૂનો મારી સાથે લઇ જઇશ. અને એના પર પ્રયોગો કરાવીને એક એવું બાયોવેપન બનાવડાવીશ જેની મદદથી દુનિયામાં કોઇ ચોક્કસ વસ્તીને આવા વિકૃત જીવોમાં બદલી શકાય. આતંકવાદી સંગઠનો અને કોઇપણ દેશની સરકારો આના માટે મોટા દામ ચુકવી શકે છે. અને કમિટી પણ મારાથી ખૂશ થઇ જશે."

વિક્રમ, વિજય, રેશ્મા અને રાજીવની આંખો પહોળી થઈ ગઇ. ધનંજય જે કહી રહ્યો હતો એ ખૂબ જ ખતરનાક વાત હતી. જો આ બિમારી કે વાયરસ કે પછી જે કંઇ પણ છે તે આ શહેરની બહાર નીકળી ગયું તો? આ વિચાર માત્ર એમને કંપાવી નાખવા માટે પુરતો હતો. વિક્રમને તો એક વાર દુનિયાના બધા જ માણસો અર્ધજીવી બનીને ઘુમી રહ્યા હોય એવી કલ્પના પણ થઇ આવી. એણે તરત જ ધનંજય પર ચિલ્લાઇને કહ્યું, "પાગલ થઇ ગયો છે શું? મગજ તો ઠેકાણે છે તારો? આ વસ્તુ જો આ શહેરની દિવાલોની બહાર નીકળી ગઇ તો કેવડી મોટી તબાહી સર્જી શકે છે એનો અંદાજો છે? કરોડો લોકો મરી જશે."

"ગલત.. એનાથી ઉલટું, વસ્તીવધારાની સમસ્યા દુર થઇ જશે." ધનંજયે જાણે કોઇ ઉપકાર કરતો હોય તેમ કહ્યું, "દુનિયાનું ભલું થશે જો પાંચ છ કરોડ લોકો મરી જશે તો. આમ પણ વસ્તી વધારો એક મોટી સમસ્યા જ છે ને."

"અરે પણ આ કોઇ રીત છે આ સમસ્યા દૂર કરવાની?" વિક્રમે કહ્યું. અને એનો સાથ આપતાં વિજયે કહ્યું, "હું તમને આ નહીં કરવા દઉં."

"ઓહ્.." ધનંજયે અહંકાર ભર્યા અવાજે કહ્યું, "બોવ પાંખો નીકળી આવી છે તારી?... હવે તું તારા બાપ સામે જઇશ એમ?" કહીને એ વિજય તરફ આગળ વધ્યો. વિક્રમ એને રોકવા ગયો પણ પેલા દર્શે એને બાજુમાં ખેંચીને મોઢા પર એક મુક્કો જડી દીધો. વિક્રમના જબડામાં ભયંકર પીડા ઉપડી. રેશ્મા એની મદદ કરવા એની તરફ ગઇ.

"હું જોવ છું તું કઇ રીતે રોકે છે મને.." બોલતાં ધનંજયે વિજયના મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધી. વિજયને આંખે અંધારા આવી ગયા. પણ ધનંજયે તરત જ એના વાળ ખેંચીને એનો ચહેરો ઉપર કરીને ચેલેન્જ મારતા કહ્યું, "મારી સામે બળવો કરવાની હિંમત આવી ક્યાંથી તારામાં? કેટલા સપના જોયા હતા મે તારા માટે. મે પુરતી ગોઠવણ કરી રાખી હતી કે કમિટી તને એક મેમ્બર તરીકે એક્સેપ્ટ કરી લે. પણ નહીં... તને તો દુનિયાનું ભલું કરવાની ચુલ મચી છે."

વાળ ખેંચાવાને લીધે પીડા થતી હોવા છતાં વિજય બે ઘડી એના પપ્પા સામે જોઇ રહ્યો. એના પપ્પાનું આ રૂપ એણે આજ પહેલા ક્યારેય નહોતું જોયું. બે ઘડી તો એને વિશ્વાસ ન આવ્યો કે આ એના એ જ પપ્પા છે જે એક સમયે એના માંથા પર પ્રેમથી હાથ ફેરવતાં હતા. અને આજે એ જ પપ્પા એના વાળ ખેંચીને એના પર હાથ ઉપાડી રહ્યા છે. હાં એના પપ્પા થોડા સખ્ત અને ગુસ્સાવાળા હતાં, એ એમના ગુસ્સાથી ડરતો પણ હતો. પણ એના પપ્પા આવા સ્વાર્થી અને પોતાના દિકરા પર હાથ ઉપાડે એવા ક્યારેય નહોતા. કે પછી હતાં પણ પોતે જ ક્યારેય એ જાણી નહોતો શક્યો? જીવનના ત્રીસ વર્ષ એણે જે વ્યક્તિ સાથે ગુજાર્યા એને આજે પહેલી વખત જોઇ રહ્યો હોય એવું એને લાગ્યું. પીડાને કાબુમાં કરીને એણે પુછ્યું, "તમે કઇ કમિટીની વાત કરી રહ્યા છો? મને કંઇ સમજાય નથી રહ્યું."

"તને શું લાગ્યું કે આ સભાખંડમાં જેટલા વ્યક્તિઓ ઉભા છે ફક્ત એ લોકો જ સંબલગઢ શોધવા માટે કાર્યરત છે? નહી.. દુનિયાના ઘણાં મોટા માથાઓ ઘણાં લાંબા સમયથી સંબલગઢની શોધ કરવા માંગે છે. એવા લોકો જેમનો દરજ્જો મારાથી પણ ઘણો ઉંચો છે. એમણે મને કામ સોંપ્યું હતું સંબલગઢ શોધીને એના રહસ્યને એમના ચરણોમાં સમર્પિત કરવાનું. અને જો મે એ નહીં કર્યું તો એ તને અને મને જીવિત નહીં છોડે."

વિજય નવાઇ સાથે એના પિતા સામે જોઇ રહ્યો. એને એના પિતાની આંખોમાં મોતનો ભય દેખાયો. એટલામાં જ રાજીવે પાછળથી આવીને ધનંજયની ગરદન પોતાના હાથ વિંટાળી દીધા. ધનંજયની પકડ છૂટી ગઇ. જેવી પકડ છૂટી કે તરત જ વિજયે એક મુક્કો એના મોઢા પર મારી દીધો. પણ એના આશ્ચર્ય વચ્ચે ધનંજય પર એની કંઇ જ અસર ન થઈ. બીજી જ ક્ષણે ધનંજયે એક પગ ઉગામીને વિજયના પેટ પર એક લાત મારી. વિજય બેવડો વળી ગયો. અને પાછળ એક આસન સાથે ભટકાઇ ગયો. ધનંજયે તરત જ રાજીવની પકડ છોડાવવા માટે રાજીવના પેટમાં કોણી મારી. જેવી રાજીવની પકડ છૂટી કે તરત જ ધનંજયે પાછળ ફરીને એના ગળાના ભાગમાં, કે જ્યાં અર્ધજીવી કરડી ગયું હતું તે ભાગ પકડીને દબાવ્યો. ઘાવ દબાવાથી રાજીવના ગળામાં ભયંકર પીડા ઉપડી. એના મોઢામાંથી મોટી ચીસ નીકળી ગઇ. રાજીવ જમીન પર પડી ગયો.

બીજી બાજુ વિક્રમ અને રેશ્મા બંને દર્શ સામે બાથ ભીડી રહ્યા હતા. વિક્રમે એક જોરદાર મુક્કો દર્શની છાતી પર મારવા ગયો પણ દર્શ સાઇડમાં હટીને એનો વાર ખાલી કરી દીધો. અને તરત જ એનો હાથ પકડીને બેવડો વાળી દીધો. રેશ્માએ તરત જ દર્શ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પણ દર્શે એક લાત એના પેટ પર ઝીંકીને એને આગળ જ ન આવવા દીધી. વિક્રમે પોતાનો હાથ છોડાવીને દર્શના પગ પર લાત મારી. દર્શ થોડો પાછળ હટી ગયો. વિક્રમે ફરી એના પર મુક્કો મારવાનો પ્રયાસ કર્યો પણ રાજીવે એનો હાથ પકડીને બીજા હાથે એની છાતી પર મુક્કો મારી દીધો. હજુ વિક્રમ પીડાની બહાર આવે એ પહેલા જ દર્શે પોતાનો વિશાળ હાથ વિક્રમના ગળા ફરતે વિંટાળી દીધો. વિક્રમનો શ્વાસ રંધાવા લાગ્યો.

રેશ્માએ વિક્રમને છોડાવવા માટે દર્શ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પણ જેવો એણે દર્શ પર હાથ ઉપાડ્યો કે તરત જ દર્શે એના વારને ખાલી કરીને એનું ગળું પકડી લીધું. અને એના પડખા પર એક લાત મારી દીધી. રેશ્મા તડફડી ઉઠી. કારણ કે દર્શે એને એ જ જગ્યાએ માર્યું હતું જ્યાં વનિતાએ એને માર્યું હતું. એને ખૂબ જ દર્દ થવા લાગ્યું. અને થોડી જ વારમાં એને એક ઉબકો આવ્યો. લોહીની એક પિચકારી એના મોઢામાંથી નીકળી ગઇ. ચક્કર આવતા એ બાજુનાં એક આસન પર બેસી ગઇ. આંખે અંધારા આવી ગયા અને થોડીવારમાં તો તે બેભાન થઈ ગઈ.

રેશ્માને બેભાન થતી જોઇને વિક્રમને ખૂબ જ ગુસ્સો આવી ગયો. એણે પુરું બળ લગાડીને દર્શને પાછળ તરફ ધક્કો માર્યો. દર્શ દિવાલ સાથે ભટકાયો. ક્ષણનો પણ વિલંબ કર્યા વગર વિક્રમે પોતાની કોણી એના મોઢાપર મારી દીધી. એને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. એ દર્શને એક પણ મોકો આપવા માંગતો ન હતો. એણે તરત જ મુક્કાઓનો વરસાદ દર્શના પેટ પર કરી દીધો. અને પછી દર્શનું માથું પકડીને પાસેના પિલ્લર પર ભટકાડી દીધું. દર્શ ત્યાં જ બેભાન થઇ ગયો. વિક્રમે તરત જ એની ગન લઇ લીધી.

વિક્રમ તરત જ રેશ્મા પાસે જવા લાગ્યો. પણ એ આગળ વધે એ પહેલાં જ એક મજબૂત હાથે એના ગળાને પાછળથી પકડીને બીજી તરફ ધક્કો મારી દીધો. વિક્રમ વિજય પાસે જઇને પડ્યો. વિજય પણ ધનંજયના પ્રહારોમાંથી સ્વસ્થતા કેળવી રહ્યો હતો. બંનેએ એકબીજાને ટેકો આપીને ઉભા થયા. હવે એ બંને હતાં અને સામે ધનંજય મહેરા. સૌથી પહેલાં ધનંજયે પોતાની ગન કાઢીને વિક્રમ પર તાકીને ગોળી ચલાવવાનો પ્રયત્ન કર્યો પણ વિજયે ડાબી બાજુથી એના મોઢા પર એક મુક્કો મારી દીધો. વિક્રમે મોકાનો લાભ લઇને ધનંજયની બંદુક છીનવી લીધી અને વિજયને આપી દીધી. ધનંજયે વિક્રમના પડખાં માં એક પ્રહાર કર્યો. વિક્રમ બેવડો વળી ગયો. વિજય હજુ અસમંજસ અનુભવી રહ્યો હતો કે પોતાના સગા પિતા પર કઇ રીતે ગોળી ચલાવવી. જેનો બરાબર લાભ લઇને ધનંજયે એના હાથ પર માર્યું. વિજયના હાથમાંથી ગન દૂર જઇ પડી. આ વખતે વિક્રમે પુરું જોર લગાવીને ધનંજયના પેટમાં લાત મારી. ધનંજય ઝૂકી ગયો. વિજયે તરત જ એના મોઢા પર ગોઠણ મારી દીધો. ધનંજય પેટના બળે જમીન પર પડી ગયો. એનું મોઢું લોહીલુહાણ થઇ ગયું. શ્વાસ ફુલી ગયો હતો. એણે પડખું ફેરવીને મોઢું ઉપર તરફ કર્યું. વિજય અને વિક્રમ બંને હાંફી રહ્યા હતા. એ બંનેના હાથમાં એક એક ગન હતી.

"મુર્ખાઈ ન કરો છોકરાઓ," ધનંજયે ધમકી આપી, "મારે કમિટીએ આપેલુ કામ પુરું કરવાનું છે."

"કમિટી થી યાદ આવ્યું," વિજયે વિક્રમ તરફ જોઇને કહ્યું, "વિક્રમ, આ તારા પપ્પાને ઓળખતા હતા."

"વ્હોટ...!" વિક્રમે આશ્ચર્ય સાથે પહેલા વિજય અને ધનંજય તરફ જોયું. ધનંજયને પણ કંઇ ન સમજાતા એણે પુછ્યું, "તું શું વાત કરી રહ્યો છે વિજય?"

"આના પપ્પાનું નામ ગજેન્દ્રપાલસિંહ છે."

ધનંજય આભો બનીને વિક્રમ સામે જોઈ રહ્યો. આ ના બની શકે. આ ગજેન્દ્રનો છોકરો કઇ રીતે હોઇ શકે? વિક્રમના ચહેરા પર પણ એ જ ભાવો હતા. એક તો એને એ નહોતું સમજાયું કે વિજય એના પપ્પા વિશે કઇ રીતે જાણે છે. અને બીજું એના પપ્પાનું નામ સાંભળીને ધનંજય આટલો આશ્ચર્યચકિત શું કામ થઇ રહ્યો છે?

"તું ગજેન્દ્રનો દિકરો છે?" ધનંજયે પુછ્યું. જવાબમાં વિક્રમે સામો પ્રશ્ન કર્યો, "તું મારા પપ્પાને કઇ રીતે ઓળખતો હતો?" વિક્રમને જવાબ આપવાને બદલે ધનંજય જાણેપોતાને જ કહેતો હોય એમ બોલ્યો, "એવું કઇ રીતે બની શકે? ગજેન્દ્રના દિકરાનું નામ તો હેમંતસિંહ છે."

"મારા પપ્પાનો હું એકમાત્ર દિકરો છું અને મારું નામ તો હેમંતસિંહ નથી. તારા પપ્પા કોઇ બીજા ગજેન્દ્રપાલસિંહને ઓળખતા હશે વિજય."

એને જવાબ આપવાને બદલે વિજયે ધનંજયને પુછ્યું, "તમારા આ મિત્ર સંબલગઢ વિશે જાણતાં હતાં. સાચું કે નહીં?"

"હાં એ જાણતો હતો. કમિટીએ સૌથી પહેલાં એને જ આ કામ સોંપ્યું હતું." ધનંજયે કહ્યું. વિજયે વિક્રમ સામે જોયું. એની આંખો પહોળી થઇ ગઇ. હવે કન્ફર્મ થઇ ગયું કે વિક્રમના પિતા અને ધનંજય બંને એકબીજાને ઓળખતા હતા. પણ આ વિશે એણે ક્યારેય કંઇ નહોતું સાંભળ્યું. અને વિક્રમના પિતા આ રહસ્યમય કમિટીના સદસ્ય હતાં એ વાત તો વિક્રમ માટે તદ્દન નવી હતી.

વિક્રમ અને વિજય બંને વિચારોમાં ડૂબેલા છે એ જોઇને ધનંજયે જમીન પરથી ઉભા થઇને વિક્રમની ગન પકડી લીધી. અને એ વિક્રમ પર હુમલો કરવા જ જતો હતો ત્યાં જ એક મોટા ધમાકા સાથે એક ગોળી એની છાતીમાં ઉતરી ગઇ. ધનંજયે ચોંકીને ગોળી ચલાવનારની દિશામાં જોયું. એના પોતાના જ લોહીએ એના પર ગોળી ચલાવી હતી. વિજયના હાથમાં બંદૂક કાંપી રહી હતી. ધનંજય જમીન પર પડી ગયો. એનું શરીરમાંથી પ્રાણ પંખેરું ઉડી ગયું.

વિજય ત્યાં જ બેસી ગયો. એ વિચારવા લાગ્યો. આ મારાથી શું થઇ ગયું? મે મારા પપ્પાને મારી નાખ્યા. એ રડવા લાગ્યો. એ ક્યારેય આવું કરવા નહોતો માંગતો. પણ એના પપ્પાએ એની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો રાખ્યો. અને અજાણતાં જ ટ્રીગર દબાઇ ગયું હતું. એ ફક્ત વિક્રમને બચાવવા માંગતો હતો. પણ કદાચ એના પપ્પા મરી ગયા એમાં જ બધાની ભલાઇ છે.

વિજયે એને એકલો છોડી દીધો. બીજું એ કંઇ કરી શકે તેમ પણ ન હતો. વિક્રમ રેશ્મા પાસે આવીને એને જગાડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. થોડા પ્રયત્નો પછી એ જાગી ગઇ. વિક્રમે એને ટેકો આપીને ઉભી કરી. એટલામાં વિક્રમના માથા પર અચાનક કોઇએ જોરદાર પ્રહાર કર્યો. એ દર્શ હતો. વિક્રમને ખૂબ જ પીડા થવા લાગી. પણ દર્શ આગળ કંઇ કરે એ પહેલા જ એક ગોળી એની ખોપડીને વિંધીને નીકળી ગઇ. એ જમીન પર ઢળી પડ્યો. રેશ્માએ ગોળી ચલાવનાર તરફ જોયું. એ રાજીવ હતો.

"વિક્રમ તું ઠીક તો છે ને?" રેશ્માએ પુછ્યું. વિક્રમે ઉભા થઇને હકારમાં માથું ધુણાવ્યું. વિજય પણ એમની પાસે આવીને ઉભો રહી ગયો હતો. વિક્રમે રાજીવ તરફ જોયું. એને રાજીવ માટે ખૂબ જ દુઃખ થઇ રહ્યું હતું. ખૂબ થોડા સમયમાં રાજીવ એનો મિત્ર બની ગયો હતો. અને એ અત્યારે એણે એમની તરફ રહીને ધનંજય અને દર્શને રોકવામાં મદદ કરી હતી. પણ એ વાતથી એને તકલીફ થઇ રહી હતી કે રાજીવ એક અર્ધજીવી બની જશે. અને એને બચાવવા માટે પોતે કંઇ કરી શકે એમ નથી.

"હવે શું કરીશું વિક્રમ?" રાજીવે પુછતાં વિક્રમે કહ્યું, "આપણે બને એટલી જલ્દી આ શહેરની બહાર નીકળી જવું જોઈએ. મને વિશ્વાસ છે રાજીવ કે બહાર નીકળીને આપણે તને બચાવી લઇશું." રાજીવના ચહેરા પર એક સ્માઇલ આવી ગઇ. એણે કહ્યું, "અમે દિવાલમાં જે બાકોરું પાડ્યું હતું ત્યાંથી નીકળી જઇએ."

બધાને એની વાત ઉચિત લાગી. મહેલની બહાર નીકળીને એ લોકો અર્ધજીવીઓથી બચતા બચાવતા દિવાલ પાસે આવી પહોંચ્યા. અને જ્યારે આજુબાજુ કોઇ અર્ધજીવી હતું નહી ત્યારે એમણે દોટ મુકી અને એ લોકો દિવાલ પાર પહોંચી ગયા.

પણ વિક્રમ તરત જ ઉભો રહી ગયો. કંઇક હતું જે એને સમજાયું હતું. એ લોકો હમણાં સંબલગઢ છોડીને જઇ શકે એમ ન હતાં.

"શું થયું વિક્રમ?" વિક્રમને ઉભેલો જોઇને રેશ્માએ પુછ્યું. "જલ્દી ચાલ."

વિક્રમ બધાને એક સાઇડમાં બાકોરાથી દુર લઇ ગયો. ત્યાં જઈને એણે કહ્યું, "આપણે એમનમ ન જઇ શકીએ. આપણે આ બાકોરું બંધ કરવું પડશે."

"કેમ?" નવાઇ સાથે વિજયે પુછ્યું. જવાબમાં વિક્રમે કહ્યું, "આ અર્ધજીવીઓ ધીમેધીમે ચાલતા રહે છે. અને બે હજાર વર્ષથી જીવે છે. મતલબ કે અનંત કાળ સુધી એ આમ જ ચાલ્યા કરશે. જો ચાલતા ચાલતા આ બાકોરામાંથી કોઇ અર્ધજીવી બહાર આવી ગયું તો એક દિવસ, એક વર્ષ કે પછી સો વર્ષ પછી પણ એ માણસોની વસ્તી સુધી પહોંચી જશે. અને જો એવું થઇ ગયું તો એ આખી વસ્તીના માણસોને અર્ધજીવી બનાવી દેશે. પછી આખી દુનિયા ખતરામાં આવી જશે."

"બની શકે કે કોઇ જંગલી જાનવર એ અર્ધજીવીઓને ખાઇ જાય." રેશ્માએ કહ્યું.

"હાં.. અને એ પણ બની શકે કે જે જાનવર અર્ધજીવીઓને ખાઇ એ પોતે જ અર્ધજીવી બની જાય... ત્યારે?" વિક્રમે પુછ્યું.

વિક્રમના વાતની ગંભીરતા બધાને તરત જ સમજાઇ ગઇ. રાજીવે કહ્યું, "પણ આં બાકોરું બંધ કઇ રીતે કરીશું?"

બધા વિચારવા લાગ્યા. અચાનક વિક્રમને કંઇક યાદ આવતા એણે કહ્યું, "મે દિવાલની ઉપર મોટા મોટા પથ્થરો જોયા છે. એ પથ્થરોને નીચે ધક્કો મારી દઇશું તો બાકોરું બંધ થઇ જશે."

"પણ એના માટે દિવાલ પર ચડવું પડશે." રાજીવે કહ્યું, "અને એ ફક્ત અંદરથી થઇ શકશે. એકવાર બાકોરું બંધ કરી દીધું તો આપણે બહાર કઇ રીતે આવીશું?"

"એની ચિંતા ન કર. બહાર આવવાનો બીજો પણ એક રસ્તો છે." વિજયે કહ્યું. રાજીવને નિરાંત થઇ. એ લોકો ફરી દબાતા પગલે બાકોરામાંથી અંદર આવ્યા. જે મકાનમાંથી સુરંગ બહાર નીકળતી હતી એની થોડે આગળ સીડીઓ હતી. જે દિવાલની ઉપર સુધી જઇ રહી હતી. બધા એક પછી એક ચડવા લાગ્યા. એટલામાં કેટલાક અર્ધજીવીઓ એમની પાછળ પડ્યા. રાજીવ સૌથી છેલ્લે હતો તો એણે નિચે રહીને અર્ધજીવીઓને નિપટાવવાનું કામ કર્યુ. જ્યારે વિક્રમ, રેશ્મા અને વિજય દિવાલ પર ચડી ગયા. વિક્રમે એની પાસેથી ગ્રેનેડ લઇ લીધા જે કામ આવી શકે એમ હતા.

દિવાલ લાંબી અને પહોળી હતી. એની ઉપર એક હરોળમાં મોટા પથ્થરો મુકેલા હતા. રેશ્માએ એક નજર શહેર પર કરી. સુર્યાસ્તની આછી રોશનીમાં શહેરનો અલગ જ પ્રભાવ પડતો હતો. શહેર ભવ્ય અને સુંદર દેખાતું હતું. પણ હવે એને આ શહેરથી નફરત થઇ ગઇ હતી.

વિક્રમે નિચે નજર કરી. બાકોરું એ સુરંગ વાળા મકાનની નજીક જ ડાબી તરફ હતું. અને મકાનની બાજુમાં જ રાજીવ એ જીવોનો સામનો કરી રહ્યો હતો. એણે અને વિજયે બાકોરું જ્યા હતું એની ઉપરના પથથરો નીચે ફેંકી દીધા. પથ્થરનો મોટા હતાં. વિક્રમની છાતી સુધી આવે એવડા. પણ નીચે પડીને એ બાકોરાથી દૂર જઇ પડતાં હતા. અંતે વિક્રમે દિવાલ પર એક ગ્રેનેડ ફેંક્યો અને એ લોકો દુર ખસી ગયા. ગ્રેનેડના ધમાકાને લીધે. દિવાલનો થોડો મોટો ભાગ તૂટી ગયો અને સીધો નીચે ગયો. જેથી બાકોરું બંધ થઇ ગયું.

પણ એ સાથે જ એક અનિચ્છનીય ઘટના પણ બની.

ગ્રેનેડની અસર જરૂર કરતા વધારે થઇ. એક મોટો પથ્થર ઊછળીને નીચે રાજીવ પર જઇ પડ્યો. આટલી ઉંચાઇથી પથ્થર માથાં પર પડવાને લીધે રાજીવના માથાનો છુંદો થઇ ગયો. વિક્રમ આભો થંઇને ફાટી આંખે એ જોતો રહી ગયો.

પણ આટલું જ પુરું ન હતું.

ગ્રેનેડ જ્યાં ફાટ્યો ત્યાંથી જમણી તરફ દિવાલમાં તિરાડ પડી. દિવાલનો એક મોટો કટકો તૂટીને નીચે પડ્યો. બધાના હ્રદય બંધ થઇ ગયા. કારણ કે એ મોટો બધો પથ્થર એ મકાન પર પડ્યો હતો જેમાં સુરંગનો દરવાજો હતો. મકાન સંપૂર્ણપણે ધરાશાયી થઇ ગયું હતું. અને પથ્થર એવડો મોટો હતો કે બે જેસીબી મશીનથી પણ ન ઉપડે.

સંબલગઢની બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો બંધ થઇ ગયો હતો.....
(ક્રમશઃ)
(આવતાં પ્રકરણમાં સમાપ્ત)

* * * * *.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED