શ્રાપિત ખજાનો - 34 Chavda Ajay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

શ્રાપિત ખજાનો - 34

પ્રકરણ - 34

"એક મિનિટ વિક્રમ.." વિજયે કહ્યું, "તું એ વાંચે એ પહેલાં એક જરૂરી વાત છે જે મારે તમને બંનેને કંઇક જણાવવું છે જે જરૂરી છે."

"હાં તો જલ્દી બોલ.." વિક્રમે કહ્યું.

"મને ખબર પડી ગઇ છે કે યુવરાજ અને એનો નાનો ભાઇ ક્યાં પ્રવાસ પર ગયા હતા."

"સાચે જ?" રેશ્માએ નવાઇ સાથે પુછ્યું.

"મને અહીં આવતી વખતે યુવરાજની ભાવિ પત્નીનો પત્ર મળ્યો હતો. જેમાં એણે કહ્યું હતું કે વીરવર્ધન પડોશી રાજ્યો પાસે સહાયતા માંગવા ગયો છે. જ્યારે યુવરાજ શુદ્ધોદન વિશ્વવિદ્યાલય ગયો હતો. તમને બંનેને ખબર છે ને કે એ કઇ વિશ્વવિદ્યાલય હતી?"

"હાં.." રેશ્માએ કહ્યું, "યુવરાજ સિંધુ નદી પાસે જઇ રહ્યો હતો. અને ત્યાં તો એકમાત્ર વિશ્વવિદ્યાલય હતી... તક્ષશિલા..." વિક્રમ પણ નવાઇ પામી ગયો.

"પણ ત્યાં શું કામ એ કંઇ સમજાણું નહીં." વિજયે કહ્યું.

"પણ હું સમજી ગયો." વિજયે કહ્યું, "તમે બંને જાણો છો તક્ષશિલા એક સમયે વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી હતી. કારણ કે ત્યાંના ગુરુઓ પાસે અદ્ભુત જ્ઞાન હતું. એટલે જરૂર સંબલગઢના રાજા અને રાજગુરુને લાગ્યું હશે કે અમૃતરસના પ્રયોગના જે વિચિત્ર પરિણામો આવ્યા છે એના પાછળના કારણો સમજીને એનો ઇલાજ કરવાની ક્ષમતા ફક્ત તક્ષશિલાના ગુરુઓ પાસે હશે. એટલે શુદ્ધોદન એમની સહાયતા માંગવા ગયો હશે."

"પણ એ તક્ષશિલા પહોંચે એ પહેલાં જ એ મૃત્યુ પામ્યો. અને એના સેનાપતિએ એના માટે રાજસ્થાનમાં કબર બનાવી હશે." વિજયે કહ્યું. પછી અચાનક કંઇક લાઇટ થતાં એણે વિક્રમને પુછ્યું, "એક મિનિટ... અમૃતરસના પ્રયોગનું પરિણામ મતલબ?"

જવાબમાં વિક્રમે એ બંનેને મહારાણીના તામ્રપત્ર દ્વારા જાણેલો અમૃતરસનો ઇતિહાસ અને મહારાજ દ્વારા એના પરનાં પ્રયોગ વાળી વાત જણાવી દીધી. જે સાંભળીને એ બંને ચોંકી ઉઠયા. રેશ્માએ પુછ્યું, "તો સાચે જ આ અર્ધજીવીઓ અમૃતરસના પ્રયોગનું પરિણામ છે. કારણ કે આ મહારાજ ખૂબ જ લાંબું જીવન જીવવા માંગતા હતા? ત્રણ સો વર્ષ એમને ઓછા લાગતા હતાં?"

"લાલચમાં માણસને કોઇ પણ વસ્તુ કોઇ દિવસ વધારે નથી લાગતી." વિક્રમે કહ્યું, "હવે જો તમારે કંઇ ઉમેરવું ન હોય તો હું આ તામ્રપત્ર વાંચી લવ?" રેશ્માએ વિચાર્યું કે બંનેને ધનંજય વિશે જણાવવું કે નહીં. પણ પછી એણે ન જણાવ્યું. વિક્રમ વાંચે એટલી વારમાં શું ફેર પડવાનો છે એમ વિચારી એણે માંડી વાળ્યું. બંને તરફથી હકારાત્મક ઇશારો મળતા વિક્રમે વાંચવાનું શરૂ કર્યું,

"હું, પંચાવતીનો કલંકિત મહારાજ જયવર્ધન. સંભવ છે કે સમયના અંત સુધી આ પત્ર કોઇને નહી મળે. પણ પોતાના જીવવનો અંત કરતાં પહેલાં મનની શાંતિ માટે મારે આ લખવો આવશ્યક હતો. એ જાણવા છતાં પણ કે મે કરેલા અપરાધો ક્ષમાને યોગ્ય નથી, આશા છે કે શુદ્ધોદન અને વીરવર્ધન પોતાના આ અપરાધી પિતાને ક્ષમા કરી શકે એવડું મોટું હ્રદય રાખી શકશે. મને જો જરા પણ વિચાર આવ્યો હોત કે મારી એક નાનકડી ઇચ્છા આવડા મોટા વિનાશને આમંત્રણ આપશે, તો મે ક્યારેય રાજગુરુને અમૃતરસ પર પ્રયોગ કરવાનો આદેશ ન આપ્યો હોત. આખરે એક લાંબું જીવન જીવવાની ઇચ્છા એ શું આવડો મોટો અપરાધ છે? કે જેનો દંડ મારા રાજ્યની નિર્દોષ પ્રજાને ભોગવવો પડ્યો? પણ હવે બધી આશા તક્ષશિલાના પ્રખ્યાત ગુરુઓ પર મંડાઇ છે. હું આગળ જીવંત રહું કે નહીં એ મહત્ત્વનું નથી, પણ શુદ્ધોદન એમને લઇ આવીને પ્રજાનો ઉપચાર જરૂર કરાવશે..." વિક્રમે રેશ્મા તરફ નજર કરી. એણે એક નિઃસાસો નાખ્યો. એ બંને સમજી ગયા કે રાજ્યનું ભવિષ્ય શુદ્ધોદનના હાથમાં હતું. પણ એ જવાબદારી એ નિભાવી ન શક્યા. વિક્રમ આગળ વાંચવા લાગ્યો.

"પણ સૌથી વધારે ચિંતા મને જેની થાય છે એ ત્રીશૂળ છે. હવે ત્રીશૂળ નું ઉત્તરદાયિત્વ કોણ સંભાળશે? મારી લીધે પહેલાં જ એક સંપૂર્ણ રાજ્યનો વિધ્વંસ થઇ ગયો છે. હવે જો ત્રીશૂળ ને લીધે સંસાર પર કોઇ સંકટ મંડાયુ તો મારી આત્માને ક્યારેય મુક્તિ નહીં મળે. પણ અહીંયા પણ મારો જ દોષ છે. જો મે પરંપરા અનુસાર યુવરાજને યોગ્ય સમયે ત્રીશૂળ વિશે જણાવી દિધું હોત તો એ ત્રીશૂળ ની રક્ષા કરવાનું ઉત્તરદાયિત્વ સાચવી લેત." વિક્રમે પ્રશ્નાર્થ નજરે એના બંને શ્રોતાઓ સામે જોયું. દુનિયા ભરનું આશ્ચર્ય એ ત્રણેયના ચહેરા પર પથરાયેલું હતું. કોઇને મગજમાં નહોતુ ઉતરતું કે આ શું લખ્યું છે.

મુંઝવણમાં મુકાયેલ રેશ્માએ પુછ્યું, "તમને બંનેને કોઇ આઇડિયા છે કે આ કયા ત્રીશૂળ ની વાત ચાલી રહી છે?" વિક્રમ અને વિજય બંનેએ ડોકુ હલાવીને ના પાડી. રેશ્માએ વિક્રમને આગળ વાંચવા માટે કહ્યું.

"પણ બીજી ઘણી ભૂલો પછી અંતે મે એક સારો નિર્ણય લીધો છે. મારા રાજ્યના વિનાશ માટે કારણભૂત અમૃતરસ હવે કોઇના જીવન પર પ્રભાવ ન પાડે એટલા માટે મે..." આગળ વાંચતાં વિક્રમનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું. એણે ભયભીત નજરે રેશ્મા સામે જોયું. રેશ્મા ડરી ગઇ. એણે કાંપતા અવાજે પુછ્યું, "શું થયું?" વિક્રમ કંઇ ન બોલ્યો. વિજયને પણ ચિંતા થતા એણે પુછ્યું, "વિક્રમ એમાં શું લખ્યું છે?"

મન મક્કમ કરીને વિક્રમે આગળ વાંચ્યું, "એટલા માટે મે રાજગુરુને કહીને અમૃ.. અમૃતરસની વિધી વાળા પ્રત્યેક દસ્તાવેજોનો... નાશ કરાવી નાખ્યો છે.."

એક વીજળીનો પ્રહાર વૃક્ષની જે હાલત કરે એવી હાલત રેશ્માની આ વાક્ય સાંભળીને થઇ. એનું હ્રદય અને મગજ બંને જાણે બંધ થઇ ગયા. એના પગ લથડ્યાં એ જઇને સીધી એક સોનાના આસન પાસે ટૂંટિયું વળીને બેસી ગઇ. વિક્રમ અને વિજય તરત જ એની પાસે આવી ગયા. શું બોલવું કે કેવો ભાવ આપવો એને કંઇ ન સમજાણું. એના જીવનની એકમાત્ર આશા નષ્ટ થઇ ચૂકી છે એ જાણીને જ એનો મગજ કામ કરતો બંધ થઇ ગયો હતો. સંબલગઢનું રહસ્ય જાણવા માટે એણે આટલી મુસીબતો વેઠી હતી. પોતાની બીમારીનો ઇલાજ એનાથી એક વેંત જેટલો નજીક આવીને હંમેશા માટે દૂર ચાલ્યો ગયો. બીજી વાર એના જીવનના બધા આયોજનો ભાંગી પડ્યા.

વિક્રમ પણ એ જ લાચારી અનુભવી રહ્યો હતો. રેશ્મા સાથે જીવન જીવવાની એની ઇચ્છા પણ હંમેશા માટે અધુરી રહી જવાની છે એ હવે એક નક્કર વાસ્તવિકતા બની ગઇ હતી. એણે પોતાના બંને હાથ વડે રેશ્માનો ચહેરો પોતાની તરફ કર્યો. રેશ્માએ ભાવહીન આંખો સાથે એની તરફ જોયું. વિક્રમની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. રેશ્મા બે ઘડી એમ જ એની સામે જોઇ રહી. પછી પીડાનો બાંધ તૂટતાં એ ચોધાર આંસુએ રડી પડી. વિક્રમની બાહોમાં ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. એનો હીબકાંઓનો અવાજ આખી મૃત સભામાં ગુંજવા લાગ્યો.

વિજયને વધારે કંઇ સમજાય નહોતું રહ્યું. એ એ તો જાણતો હતો કે રેશ્મા બીમાર છે, પણ અમૃતરસની વિધી નષ્ટ થઇ ગઇ એના પર રેશ્મા કેમ આટલું રડી રહી છે એ એને ખબ ન પડી. પણ એને વિક્રમ અને રેશ્માને પુછવા માટે યોગ્ય સમયની વાટ જોવી વધારે ઉચિત લાગ્યું. એટલે એ બંનેને એટલા છોડીને એ સિંહાસન પાસે આવ્યો. એણે રાજાના કંકાલ પર એક નજર કરી. 'એક મહાન રાજ્યનો મહાન રાજા મરતી વખતે કેટલો એટલો અને નિઃસહાય રહ્યો હશે.' વિજયે વિચાર્યુ. પછી એણે અનાયાસે જ સિંહાસન પાછળ જઇને જોયું તો એને કંઇક દેખાયું. એ નીચે નમ્યો.

પોતાના આંસુ લૂછીને વિક્રમે રેશ્માને ઉભી કરી. એણે મન મક્કમ કરીને કહ્યું, "રેશ્મા.. હવે આપણી પાસે કોઇ વિકલ્પ નથી. આપણી નિયતી નક્કી થઇ ચૂકી છે. તો એને અપનાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. પણ હું આપણને મળેલી પ્રત્યેક પળ વેડફ્યા વગર તારી સાથે ગુજારવા માંગુ છું. એટલે હવે આપણે બને એટલી જલ્દી આ શ્રાપિત શહેર છોડીને અહીંથી બહાર નીકળી જવું જોઇએ."

રેશ્મા કંઇ ન બોલી. એની પાસે બોલવા માટે કંઇ જ ન હતું. અંતે એણે પોતાના આંસુ સાફ કર્યા અને એના હીબકાં બંધ થવા લાગ્યા. થોડીવાર થઇ હશે ત્યાં જ એક અવાજ આવ્યો. એ અવાજ એવો હતો કે કોઇ તાળીઓ પાડતું હતું. વિક્રમ અને રેશ્માની નજર સભાના દ્વાર તરફ ગઇ. એ બંને સતર્ક થઇ ગયા.

"કેવું રમણીય દ્રશ્ય છે..." ધનંજયે કહ્યું. એની જમણી બાજુ દર્શ અને ડાબી તરફ રાજીવ આવ્યો. રાજીવને જોઇને વિક્રમને મહદઅંશે નિરાંત વળી. પણ એના માણસો ક્યાંય દેખાતા ન હતા. ફક્ત એક જ માણસ પાછળ ઉભો હતો.

"તને અહીંયા જોઇને મને વધારે આશ્ચર્ય નથી થયું રેશ્મા." ધનંજયે કહ્યું.

"હાં તમારી પ્રેમિકા મને મારવા માટે ખૂબ જ ઉતાવળી થઇ ગઇ હતી. પણ બિચારી બચી ન શકી." રેશ્માએ કહ્યું. ધનંજયના ચહેરા પર ખિન્નતા ઉતરી આવી.

"પ્રેમિકા મતલબ?" વિક્રમે પુછ્યું. જવાબમાં રેશ્માએ વનિતાની અસલિયત અને એની સાથે થયેલી ઘટના જણાવી. સાંભળીને આશ્ચર્યચકિત વિક્રમે કહ્યું, "એ કેવી ભોળી બનીને આપણને બેવકૂફ બનાવી રહી હતી. સારું થયું મરી ગઇ." પછી એણે રાજીવને પુછ્યું, "રાજીવ, તારી આજુબાજુ ભીડ ઓછી કેમ થઇ ગઇ?"

રાજીવે જવાબ આપ્યો, "અહીં નગરમાં આવતી વખતે આ ભયાનક જીવોનો સામનો કરવામાં ત્રણ માણસો ગુજરી ગયા." ધનંજયે રાજીવ તરફ એક તીરછી નજર કરી. રાજીવ એ નજર સમજી ગયો. એણે પોતાનું વાક્ય બદલી નાખતા કહ્યું, "ત્રણ નહીં પણ ચાર માણસો મરી ગયા." જે માણસને દર્શે બહાર ધક્કો માર્યો હતો એ પણ મરી જ ગયો હશે.

"પણ અહીંયાં શું ચાલી રહ્યું છે વિક્રમ?" ધનંજયે કહ્યું, "આ બધા વિકૃત જીવો શું છે અને અહીંયા ક્યાંથી આવ્યા?"

"આ જીવો એ દરઅસલ સંબલગઢની પ્રજા છે." વિક્રમે કહ્યું. ધનંજય અને રાજીવે નવાઇ સાથે એકબીજા સામે જોયું. વિક્રમે આગળ કહ્યું, "અને એમની આવી હાલતનું કારણ આ છે." એણે રાજાના કંકાલ તરફ નજર કરીને કહ્યું, "આ માણસ અમર થવા માંગતો હતો. ત્રણ સો વર્ષ જીવી લીધા બાદ પણ એની જીવવાની ઇચ્છા પુરી નહોતી થઇ. એ અમર જીવન જીવવાની ઘેલછા રાખતો હતો. એ તો અમર ન થયો, પણ એની જગ્યાએ એની પ્રજા અમર થઇ ગઇ. બારી બહાર નજર કરો. બે હજાર વર્ષથી એની પ્રજા જીવે છે. અને હજુ અનંત કાળ સુધી જીવશે."

"પણ એ જીવિત ક્યાં છે.." રાજીવે કહ્યું, "જીવતી જાગતી લાશો ચાલી રહી છે આખા શહેરમાં."

"અને આ લોકોના લાંબા જીવન પાછળના રહસ્યનું શું થયું?" ધનંજયે પુછ્યું.

"એ હવે નથી." વિક્રમે ઉદાસી ભર્યા અવાજે કહ્યું, "આ લોકો અમૃતરસ નામના એક પીણાંનો ઉપયોગ કરીને ત્રણસો વર્ષ જીવતા હતાં. પણ મહારાજ જયવર્ધને મરતાં પહેલાં એ પીણાંને રિલેટેડ બધા જ દસ્તાવેજો મિટાવી દીધા છે. આપણે જે ખજાના માટે અહીંયા આવ્યા હતા એ તો..... શું કહેવું... શ્રાપિત થઇ ગયો હતો.. એટલે એનો નાશ થઇ ગયો."

ધનંજયને એક ઝાટકો લાગ્યો. એણે વિક્રમને જોઇને કહ્યું, "તું ખોટું બોલી રહ્યો છે ને? તને શું લાગે છે કે હું તારી આ બકવાસ પર વિશ્વાસ કરી લઇશ? સાચે સાચું બોલી જા ક્યાં છે અમૃતરસ બનાવવાની વિધી?"

"એ ખોટું નથી બોલી રહ્યો." અત્યાર સુધી ચૂપ ઉભેલી રેશ્માએ કહ્યું, "હું કવ છું તમને કે આ રાજ્યનો ખજાનો નષ્ટ થઇ ગયો છે. મારી ઉપર તો તમારે વિશ્વાસ કરવો જ જોઇએ. આપણે બંને જાણીએ છીએ કે મારા માટે આ કેટલું મહત્વનું હતું." ધનંજયે વિસ્મય સાથે વિક્રમ સામે જોયું. એની આંખોમાં અચરજના ભાવની જગ્યાએ દુઃખ દેખાતું હતું. 'મતલબ એને ખબર છે.' ધનંજયે વિચાર્યું. નહી. આ બની ન શકે. હવે પોતે કમિટીને કઇ રીતે મનાવશે? કમિટી એને છોડશે નહીં. શું કરવું એને ખબર પડતી ન હતી.

"એની વાત પર ભરોસો ન કરો તો કંઇ નહીં. પણ મારી વાત તો માની લો."

આ અવાજ એક પુરુષનો હતો પણ એ વિક્રમનો ન હતો. ધનંજયે અવાજની દિશામાં જોયું. એ દંગ રહી ગયો. સિંહાસન પાસે એક વ્યક્તિ ઉભો હતો. એ વ્યક્તિ જેની સાથે એને લોહીનો સંબંધ હતો. પણ એ તો...

"વિજય...." ધનંજયના મોઢામાંથી શબ્દો સરી પડ્યા, "તું જીવિત છે દિકરા?"

"દિકરો શબ્દ તમારા મોઢેથી સારો નથી લાગતો." વિજયે એક પીડા ભર્યા અવાજે કહ્યું. જ્યારે એ સિંહાસન પાછળ કંઇક જોવા નમ્યો હતો ત્યારે જ તે એના પપ્પાનો અવાજ સાંભળીને ત્યાં જ બેસી ગયો હતો. એ જાણવા કે એના પપ્પાના અવાજમાં કોઇ પીડા કે દુઃખ છે કે નહીં એ ખબર પડી જશે. પણ લાગતું ન હતું કે એમને પોતાના દિકરાની મોતનો કોઇ અફસોસ હોય. એની મોતના બીજા દિવસે જ તો એના વ્હાલાં પપ્પા ફાઇવસ્ટાર હોટલમાં વિક્રમ અને રેશ્માને મળીને સંબલગઢ શોધવાનું નક્કી કરી રહ્યા હતા.

"તારા બાપ સાથે આટલા ઘમંડી અવાજમાં વાત કરતાં તને શરમ નથી આવતી?" ધનંજયે ગુસ્સામાં કહ્યું. એ પહેલાં બાપ દિકરા વચ્ચે ઘર્ષણ વધે એક ભયાનક અવાજ તરફ એમનું ધ્યાન ગયું. ખાસ કરીને રાજીવનું.

રાજીવનો જે માણસ બધાની પાછળ ઉભો હતો એના પર અચાનક એક અર્ધજીવીએ પાછળથી હુમલો કરીને એના હાથ પર બટકું ભરતાં એણે જોરદાર રાડ પાડી હતી. રાજીવે તરત જ એ અર્ધજીવી તરફ ગોળીઓ છોડી દીધી. એ સાથે જ એક બીજું અર્ધજીવી આવ્યું અને એણે રાજીવ પર હુમલો કરી દીધો. અને સીધો જ ગળા પર પ્રહાર કરી દીધો. રાજીવના મોઢામાંથી ચીસ નીકળી ગઇ. વિક્રમે તરત જ એ અર્ધજીવીના માથામાં ગોળી પરોવી દીધી. એ બંને અર્ધજીવીઓ ત્યાં જ ઢેર થઇ ગયા. બધાની નજર રાજીવના માણસ પર પડી. એના હાથમાં ખૂબ જ પીડા થઇ રહી હતી. વિક્રમે એના ઘાવ પર નજર કરી.

જ્યાં અર્ધજીવીએ બટકું ભર્યું હતું ત્યાં દાંતના નિશાન પડી ગયા હતા. આજુબાજુની આખી ચામડી કાળી પડી ગઇ હતી. અને ધીરે ધીરે ધીરે એ વધી રહ્યું હતું. રાજીવે ચિંતિત નજરે એના માણસ સામે જોયું. એના માણસની આંખોમાં આંસુ અને ભયનું મિશ્રણ તરવરી રહ્યું હતું. એ રાજીવ સામે કરગરવા લાગ્યો, "સર પ્લીઝ મને બચાવી લો." રાજીવે કહ્યું, "તને કંઇ નહીં થાય."

વિક્રમે કહ્યું, "તું એની વાત કરે છે?" પછી એણે રાજીવના શર્ટનો કોલર સાઇડમાં કરીને કહ્યું, "આ જો તને પણ એ અર્ધજીવીએ બટકું ભર્યું છે."

રાજીવે એને ઇગ્નોર કર્યો. એને ખબર હતી કે એ પોતે પણ ઘાયલ થયો છે. પણ હવે એનો ઇલાજ શું છે એ કોઇને ખબર નથી.

"વિક્રમ," રેશ્માએ કહ્યું, "આ માણસના આખા શરીરમાં આ ઇન્ફેક્શન ફેલાઇ જાય એ પહેલાં જો એનો હાથ કાપી નાખ્યો તો કદાચ એ બચી જશે." વિક્રમને એની વાત ઉચિત લાગી. એ બધા વિચારવા લાગ્યા કે એનો હાથ કાપવો કઇ રીતે. પણ કોઇ કંઇ સમજે એ પહેલા જ ધનંજયે કહ્યું, "એની કોઇ જરૂર નથી." અને તરત જ એણે એક ગોળી એ માણસના માથામાં ઉતારી દીધી. આ બધું એટલી ઝડપથી બન્યું કે કોઇને રિએક્ટ કરવાનો મોકો પણ ન મળ્યો. એ માણસની લાશ ત્યાં ઢળી પડી.

રાજીવ માટે આ સહનશક્તિ બહારનું હતું. એક એક કરીને એના બધા માણસો મરી ગયા હતા. આટલી વફાદારી બતાવવા બાદ પણ ધનંજયે એના માણસોને મારી નાખ્યાં હતાં. હવે ધનંજય માટે એનો ગુસ્સો સીમા પાર કરી ગયો હતો. "તમે આવું કેવી રીતે કરી શકો છો?" કહીને એ ધનંજય તરફ આગળ વધ્યો. પણ તરત જ દર્શે એક મુક્કો મારીને એને પછાડી દીધો. વિક્રમ અને વિજયે એને ઉભો કર્યો. ધનંજયે એ ચારેય તરફ ગન તાકીને કહ્યું, "આગળ આવતા નહીં નહીંતર સારું નહીં થાય." પછી એણે ફક્ત રેશ્મા તરફ જોઈને કહ્યું, "તું કહી રહી હતી કે આ વિકૃત જીવ જ્યારે કોઇ જીવતાં માણસને કરડે છે ત્યારે એ પણ આવો વિકૃત થઇ જાય છે?"

"કેમ પુછી રહ્યાં છો તમે?" રેશ્માએ શંકાસ્પદ અવાજમાં પુછ્યું.

ધનંજય કંઇ ન બોલ્યો. એના ચહેરા પર એક શૈતાની સ્માઇલ આવી ગઇ. એક ખતરનાક યોજનાએ એના મગજમાં આકાર લીધો.

(ક્રમશઃ)

* * * * *